ગુજરાતી બાળવાર્તા સંપદા/પંખીને વહાલું ઝાડ

From Ekatra Foundation
Revision as of 04:57, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પંખીને વહાલું ઝાડ

⁠મધુસૂદન પારેખ

એક નદીને કિનારે મોટું ઝાડ હતું. ઝાડનું મુખ્ય કામ જ સહુને વિસામો આપવાનું. ઉનાળાના બપોરે તાપમાં કોઈ બળ્યોઝળ્યો માણસ ત્યાં થઈને નીકળે તો ઝાડ કશું બોલ્યા વિના મૂગો આવકાર આપવા તૈયાર જ હોય. એ બોલી શકતું હોત તો જરૂ૨ કહેત કે ભાઈ, આવો ને મારા છાંયડામાં. બેસો, થાક ખાઈને, આરામ કરીને પછી નિરાંતે આગળ જજો. નદીકિનારે ઊભેલું ઝાડ કુટુંબમાં વહાલસોયા, સહુને લાડ કરનારા દાદા જેવું હતું. દાદાને છોકરાં હેરાન કરે, એમના ખોળામાં ચડી જાય, એમની મૂછો ખેંચે તોય દાદા એમને વહાલ કરે. એવું જ નદીને તીરે ઊભેલું ઝાડ હતું. છોકરાં ત્યાં રમવા આવે, એની ડાળીઓ ૫૨ લટકે, ઝૂલા ખાય. વાંદરાં અટકચાળા કરીને ઝાડને પજવે, એની ડાળ પરથી પાંદડાં ખેંચીને તોડી નાખે તો ય ઝાડને વાંદરાં વહાલાં લાગે. ગણ્યાં ગણાય નહિ એટલાં પંખીને માળા બાંધીને રહેવાની જગ્યા પણ એ ઝાડ પર જ મળે. ઝાડ એવું ઉદાર, પરોપકારી કે પંખીઓ એની ડાળે માળા બાંધે તો ખુશ થઈ જાય. એને મનમાં થાય કે આવોને વહાલાં પંખીડાં ! નિરાંતે તમારાં ઘર મારી ડાળોમાં બાંધીને રહો. તમારાં બચ્ચાંને માળામાં ઉછેરીને મોટાં કરો. સવારે ચણ ચણવા જાવ ત્યારે હું તમારાં બચ્ચાં સાચવીશ. તમે વહાલાં ! બેફિકર રહેજો. પંખીઓને ય વૃક્ષદાદાનો પૂરો વિશ્વાસ. સવાર થયું ના થયું ને પંખીડાં જુદી જુદી ડાળો પરથી મીઠું કુંજન કરતાં ઉત્સાહથી પાંખો ફેલાવીને ચણ ચણવા ઊડી જાય. બચ્ચાં દાદાને ભરોસે માળામાં આરામ કરે. સાંજ પડે એટલે પંખીની હારની હાર પાછી દાદાને ઘેર. મીઠો કલશોર કરતાં પંખી પોતપોતાના માળામાં પેસી જાય. પછી શાંતિ જ શાંતિ. પણ એક દિવસ સૂરજ એવો ઊગ્યો કે એ દિવસે મોટી હોનારત થઈ. કેટલાક માણસો હાથમાં જાડાં દોરડાં, કુહાડા સાથે ત્યાં આવ્યા. ઝાડ જાણે ચોર હોય તેમ તેની આસપાસ દોરડું બાંધ્યું. ઝાડ મૂંઝાઈ ગયું. એણે કોઈ ચોરી કરી નહોતી, કોઈની હત્યા કરી નહોતી. એનો વાંક-ગુનો નહોતો, ત્યારે એને દોરડું શા માટે બાંધવું પડે ? પણ એ દિવસ ગોઝારો હતો. પંખીઓ તો દાણા ચણવા ઊડી ગયાં હતાં. માત્ર એમનાં બચ્ચાં માળામાં નિરાંતે રહ્યાં હતાં. ત્યાં તો ખચાખચ, ખચાખચ, ખચાખચ. કુહાડાના ઘા પડવા માંડ્યા. ઝાડ હચમચી ગયું. ઝાડના શરી૨ ૫૨ ઘા ઝીંકાતા જ ગયા. એને બોલવાની શક્તિ મળી હોત તો એ કરગરી પડ્યું હોત કે ભાઈઓ, મને નિર્દોષને શા માટે કુહાડાના ઘા કરો છો ? મારો નાશ થશે તો બિચારાં પંખીડાં રઝળી પડશે. નાનકડાં બચ્ચાં માળામાંથી નીચે પડીને મરી જશે. પણ ઝાડને જીભ નહોતી. એ મૂગું રુદન કરી રહ્યું. માણસો આટલા બધા ઘાતકી હશે! સાંજ સુધીમાં તો ઝાડ ખતમ થઈ ગયું. સાંજે પંખીઓ દાણા ચણીને પાછાં ફર્યાં ને ઝાડને જોયું નહિ એટલે ચીસાચીસ કરવા લાગ્યાં. એમનાં બચ્ચાંનું શું થયું હશે ? કેટલાંક તો નીચે પટકાઈને મરી ગયાં હતાં ! નિસાસા નાખીનાખીને પંખીઓ ઊડાઊડ કરતાં રહ્યાં. થોડા દિવસો પછી ત્યાં મજૂર આવ્યા, કડિયા, સુથાર આવ્યા...ને મકાન તૈયા૨ થવા માંડ્યું. ઉનાળામાં ભૂલોભટક્યો થાક્યોપાક્યો મુસાફર આવ્યો : ‘અરે, અહીંથી ઝાડ ક્યાં ગયું ?’ નિસાસો નાખીને એ આગળ ચાલ્યો. પથ્થરનાં મકાનો કંઈ એને થોડો વિસામો આપવાનાં હતાં ? ‘આવ, ભાઈ બેસ !’ કહેનારું ઝાડ હવે ક્યાં હતું ?