ગુજરાતી બાળવાર્તા સંપદા/પાણીપુરીનાં ઝાડ

From Ekatra Foundation
Revision as of 14:01, 9 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાણીપૂરીનાં ઝાડ

લાભશંકર ઠાકર

સમડી ઝાડ પર આવીને બેઠી. મોટું આંબલીનું ઝાડ હતું. એની પાસે એક વડનું ઝાડ હતું. એની પાસે એક મોટું આંબાનું ઝાડ. જંગલમાં મોટાં બહુ જ ઝાડ હતાં. સમડી આંબલીના ઝાડ પર બેઠી એટલે કાગડાએ પૂછ્યું : ‘સમડીબહેન, દેખાતાં ન હતાં. ક્યાં ગયાં હતાં ?’ ‘છે ને મુંબઈ.’ ‘અમને વાતો કરો ને સમડીબહેન.’ પોપટે બખોલમાંથી બહા૨ આવીને કહ્યું. ‘હા, સમડીબહેન, ત્યાં ખાવાનું કેવું હતું ?’ કાબરે પૂછ્યું. ‘હું તો રોજ પૂરીપકોડી જ ખાતી હતી.’ ‘કેવી લાગે તીખી તીખી ?’ પોપટીએ પૂછ્યું. ‘અરે તીખી બી લાગે, ગળી બી લાગે અને ખાટી બી લાગે.’ ‘એ સમડીબહેન, પૂરીપકોડીનું ઝાડ હોય ?’ હોલાએ પૂછ્યું. ‘હોલારામ, તમે તો હોલારામ જ રહ્યા. પૂરીપકોડીનું ઝાડ ના હોય.’ ‘તો માશી, પૂરીપકોડીનો પહાડ હોય ?’ એક નાની સમડીએ પાસે આવીને પૂછ્યું. ‘અરે કૂકડી, પહાડ બી ના હોય.’ ધીમે ધીમે બધ્ધાં પક્ષીઓ ભેગાં થઈ ગયાં. બધ્ધાંને પૂરીપકોડીની વાત કરી. મુંબઈમાં દરિયો છે. દરિયા પાસે ચોપાટી છે. દીવાબત્તી થાય. માણસો ત્યાં રાત પડે એટલે ખાવા આવે. પાણીપૂરી ખાય.’

'એ માશી, મારે ખાવી છે.' નાની સમડી બોલી. 

‘મારે બી ખાવી છે.’ પોપટ બોલ્યો. ‘અમને લઈ જાવ.’ બધ્ધાં પક્ષીઓ કહેવા લાગ્યાં. સમડી બોલી : ‘ઊડવાની તૈયારી જોઈએ.’ બધ્ધાંએ તૈયારી બતાવી. ‘તો કાલે સૂરજદાદા ડોકિયું કરે એટલે ઊડીશું.’ ‘હા, હા, હા.’ બીજે દિવસે સવાર પડતાંની સાથે બધ્ધાં પક્ષીઓએ ઊડવાનું શરૂ કર્યું. વચ્ચે બે વખત રસ્તામાં નીચે ઊતરીને ઝાડ પરનાં ફળો ખાધાં અને તળાવનાં પાણી પીધાં. ‘ચાલો ઊડો, પછી મોડું થશે.’ સમડી બોલી. બધ્ધાં ઊડ્યાં. એક પોપટે ગાવાનું શરૂ કર્યું. ‘ચોપાટી ૫૨ જઈએ ચાલો પૂરીપકોડી ખાવા પૂરી પકોડી ખાવા હો હો મોજ ઉડાવા.’ બધાં ગાતાં ગાતાં ઊડતાં ઊડતાં ચોપાટીની રેત પર ઊતર્યાં. સૂરજદાદા ડૂબવાની તૈયારીમાં હતા. સાંજ ઢળી ગઈ. દીવાબત્તી થવા લાગ્યાં. ધીમે ધીમે લોકો ચોપાટી તરફ આવવા લાગ્યા. સમડી પહેલાં એક પાણીપૂરી લઈ આવી. બધાંએ જોઈ અને જરાક જરાક ચાખી. પછી પાંચ પાંચ પક્ષીઓ જાય અને ઝડપથી પૂરીપકોડી ઉઠાવીને લઈ આવે, રેતીમાં બેસીને ખાય. બધ્ધાંએ ધરાઈને પાણીપૂરી ખાધી. ‘એ છે ને, એક વાત કહું સમડીબહેન ?’ હોલો બોલ્યો. ‘કહો ને હોલારામ.’ ‘આપણે એક એક પૂરીપકોડી લઈ જઈએ જંગલમાં.’ ‘પછી ત્યાં જઈને ખાઈશું.’ કાબર બોલી. ‘ના કાબરબહેન, ખાઈશું નહિ, વાવીશું, આપણા જંગલમાં પૂરીપકોડી વાવીશું.’ હોલાએ કહ્યું. ‘હેય..., પછી વરસાદ પડશે. પછી ઝાડ ઊગશે.’ પોપટ બોલ્યો. ‘પછી ઝાડ મોટું થશે.’ ‘કાગડાભાઈ, એક નહિ બહુ જ ઝાડ ઊગશે.’ હોલો બોલ્યો. ‘આપણે બધાં વાવીશું ને.’ સમડી આનંદમાં બોલી. ‘પછી તો માસી, ઝાડ પર પૂરીપકોડી બેસશે. હું તો રોજ ખાઈશ.’ નાની સમડી બોલી. ‘હું તો રોજ ત્રણ પૂરીપકોડી ખાઈશ. સવારે એક, બપોરે એક, અને સાંજે એક.’ પોપટ બોલ્યો. ‘તો ઊડો, એક-દો-તીન.’ સમડીએ આજ્ઞા કરી ને બધાં ઊડ્યાં. પૂરીપકોડીવાળો ડિશમાં પૂરી મૂકે અને માણસ ખાવા જાય તે પહેલાં તો ઝડપથી પક્ષીઓ પૂરીપકોડી ઉઠાવી લે. બધા માણસો તો મોં અને આંખો વકાસીને જોઈ જ રહ્યા. પક્ષીઓ તો ઊડતાં જ રહ્યાં. સવાર થતાં તો જંગલમાં પહોંચી ગયાં. થાક ખાધો, આરામ કર્યો. પછી ચાંચથી જમીનમાં ખાડો ખોદવાનું શરૂ કર્યું. ઊંડો ખાડો ખોદીને એમાં પૂરીપકોડી મૂકીને માટીથી ખાડો પૂરી દીધો. ચોમાસું આવ્યું. ગડડડ અવાજ થવા લાગ્યો અને વ૨સાદ વ૨સવા લાગ્યો. થોડા દિવસ થયા એટલે જમીનમાં ફણગો ફૂટ્યો. પછી છોડ દેખાવા લાગ્યો. પક્ષીઓ તો રોજ જુએ ને રાજી થાય. લીલાં લીલાં પાંદડાં ઊગ્યાં. રોજ છોડ વધતાં વધતાં મોટ્ટાં ઝાડ થઈ ગયાં. પક્ષીઓ તો હવે પોતે વાવેલા ઝાડ ૫૨ બેસે. ઝાડને તો મંજરી બેઠી. ‘કેવી સુગંધ આવે છે, હોલારામ ?’ પોપટે પૂછ્યું. ‘છે ને પૂરીપકોડી જેવી.’ હોલાએ જવાબ આપ્યો. પછી તો નાનાં નાનાં ફળ બેઠાં. ધીમે ધીમે ફળ મોટાં થયાં અને પાક્યાં. બધાંએ ચાંચ મારી તો કાણું પડી ગયું. પહેલાં તો પાણી ચાંચથી ચૂસ્યું. બધ્ધાં આનંદથી બોલી ઊઠ્યાં : ‘હેય... તીખું તીખું, મીઠું મીઠું, ખાટું ખાટું, ખારું ખારું.’ બધાં તો રોજ પાણીપૂરીનાં ફળ ખાય છે ને મજા કરે છે. પછી તો એ જંગલમાં નવાં નવાં ઝાડ પાણીપૂરીનાં ઊગવા લાગ્યાં. આખ્ખું વન, એમાં જ્યાં જુઓ ત્યાં પાણીપૂરીનાં ઝાડ. લાઠાદાદાએ વાર્તા પૂરી કરી એટલે બાળશ્રોતાઓમાંથી કપૂરે પૂછ્યું : ‘એ લાઠાદાદા, તમે પાણીપૂરીનું વન જોયું છે ?’ ‘હા જોયું છે.’ લાઠાદાદાએ જવાબ આપ્યો. ‘ક્યાં ?’ બાળકોએ મોટ્ટેથી પૂછ્યું. ‘સપનામાં.’