ગુજરાતી બાળવાર્તા સંપદા/કાશ ! મારે પણ મમ્મી હોત !

From Ekatra Foundation
Revision as of 14:50, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાશ ! મારે પણ મમ્મી હોત !

રવીન્દ્ર અંધારિયા

આજે રોવર ઉદાસ ઉદાસ હતો. સ્કૂલેથી ઢીલોઢફ થઈને તેને આવતો જોઈ તેની મમ્મી નિરજા સમજી ગઈ હતી. - નક્કી આજ સ્કૂલમાં કશું થયું છે. તેથી બેટમજી ઉદાસ ઉદાસ છે. જોકે તેને ખુશ ખુશ કરી દેતાં તેની મમ્મીને આવડતું હતું. રોવરની સ્કૂલબૅગ ઊંચકી લેવા ફાટક ૫૨ રોકી હાજર જ હતો. રોકી એટલે ઘરનું કામકાજ ક૨ના૨ રોબૉટ સેવક, તેનું કમ્પનીએ આપેલ નામ તો xx આર (ડબલ એક્સ આર) હતું. પરંતુ રોવરે તેનું નામ રોકી રાખ્યું હતું. ડબલ એક્સ આરને તે નામ ગમી પણ ગયેલું. આમ રોકી રોવરનો દોસ્ત થઈ ગયેલો. તેથી જ તેની સ્કૂલબૅગ ઊંચકતાં ઊંચકતાં તે બોલ્યો, - હેલ્લો રોવ૨ ! હાઉ આર યૂ ? રોવરે હાથ ઝાટકતાં ઝાટકતાં જવાબમાં કહ્યું, ‘નોટ ઓ.કે. નોટ બેડ.’ ‘એટલે ?... એટલે ?’ એમ બબડતો બબડતો રોકી તો રોવરના સ્ટડીરૂમમાં જતો રહ્યો. ઓ.કે. અને બેડ વચ્ચેની ત્રીજી સ્થિતિ પણ હોય એ રોકીની સમજ બહાર હતું. આ તરફ રોવર તો સોફા ઉપર એકદમ ફસડાઈ પડ્યો. આ જોઈ તેની મમ્મી સહેજ ગભરાઈ ગઈ. એકદમ તે તેની પાસે આવીને બેસી ગઈ. રોવરના ગળે તથા કપાળે હાથ મૂકીને ટેમ્પરેચર તપાસી જોયું. નૉર્મલ લાગ્યું. તેમ છતાં ખાતરી કરવા તેણે મોબાઈલ ઑન કરી રોવ૨ના મેડિકલ ચેકઅપનો પ્રોગ્રામ ઑન કર્યો. તરત જ રોવરનો અત્યારનો બોડી ચેકઅપનો રિપોર્ટ તેમાં રજૂ થવા લાગ્યો. તેની મમ્મીએ જાણ્યું કે તેના શરીરમાં તો જરાય ગરબડ નથી. તો પછી રોવર આમ ઉદાસ થઈને કેમ પડ્યો છે ? તો પછી નક્કી સ્કૂલમાં કશુંક બન્યું હોવું જોઈએ. તેણે અનુમાન કર્યું. તેણે તરત જ ટી.વી. ઓન કર્યું. જોકે ટી.વી. ચાલુ કરવા તેને ઊભા થઈ સ્વિચ ઑન કરવાની કે રિમોટ લેવા જવાની જરૂર ન હતી. ટીવી તેના મોબાઈલથી પણ ઑપરેટ થતું હતું. ટી.વી સ્ક્રીન ૫૨ સ્કૂલ કમ્પાઉન્ડના ફાટકથી જ કૅમેરો રોવરના પગલે પગલે આગળ ને આગળ સરકી રહ્યો હતો. ટીવી ૫૨ રોવરના શાળા-વર્ગના કાર્યક્રમનો વીડિયો રજૂ થઈ રહ્યો હતો. રોવરની સ્કૂલ ‘એરોન’ એક સ્માર્ટ સ્કૂલ હતી. તેમાં એવી વ્યવસ્થા ગોઠવેલ હતી કે દરેક વિદ્યાર્થીના વાલી શાળા સમય દરમિયાનની પોતાના બાળકની દરેક હિલચાલ ઘર બેઠાં બેઠાં જોઈ શકે. અલબત્ત રોવરની મમ્મીને લાઈવ સ્કૂલ પ્રોગ્રામ જોવાની નવરાશ ન હતી. તેથી તેણે પોતાના ટી.વી.માં એ પ્રોગ્રામ સ્ટો૨ કરી રાખવાની વ્યવસ્થા કરી હતી. ફટાફટ તેણે રોવરના આજના સ્કૂલનો કાર્યક્રમ જોવા માંડ્યો. બધું ‘નૉર્મલ’ જણાયું. રોવ૨ ટીચર દ્વારા પુછાયેલા બધા પ્રશ્નોના વર્ગમાં યોગ્ય જવાબ આપતો નજરે પડ્યો. પ્લે ગ્રાઉન્ડ ઉપર પણ ફૂટબૉલની રમતમાં સુન્દર ડિફેન્સ કરતો જોવા મળ્યો. દિવસને અંતે દરેક વિદ્યાર્થીનો પર્ફોર્મન્સ રિપોર્ટ પણ સ્ક્રીન ઉપર મૂકવામાં આવતો. તેની મમ્મીએ જોયું તો એમાં રોવરને ‘એ’ ગ્રેડ મળેલો હતો. આમેય તેની મમ્મી જાણતી જ હતી કે સ્કૂલમાં રોવ૨ની છાપ એક હોશિયા૨ વિદ્યાર્થી તરીકેની હતી. દિવસ આખાનો વીડિયો પૂરો થતાં તેની મમ્મીને ‘હાશ !’ થઈ. ચાલો, સ્કૂલમાં તો કશો પ્રશ્ન થયો નથી. તો પછી રોવ૨ ઉદાસ કેમ ? તેને પ્રશ્ન શો છે ? તેના મનમાં શું શું ઘુમરાય છે. તેને મનાવવા - પટાવવા મમ્મીએ પ્રયત્ન શરૂ કર્યા. ‘જો બેટા... તારા પપ્પા તારા માટે શું લાવ્યા છે, ખબર છે તને?’ ‘હા ખબર છે !’ - જરા તોછડાઈથી તેણે જવાબ વાળ્યો. ‘તો કહે, શું ?’ તેની મમ્મી ગમ ખાઈ ગઈ. ‘કલ૨ બૉક્સ... અથવા તો મિકેવો.’ ફટાક દઈને તેણે જવાબ દીધો. ને એનો જવાબ સાચો હતો. આ સાંભળી તેની મમ્મી તો ખામોશ જ થઈ ગઈ. તેના પપ્પા સાયન્ટિસ્ટ હતા. તે રોબૉટિક્સ કંપનીમાં જૉબ કરતા હતા. મમ્મીને થયું કે હવે નવો રસ્તો કરવો પડશે. એથી તેણે કહ્યું, ‘લે કહે જોઈએ, બેટા ! આજ તારા ભોજન માટે મેં શું બનાવ્યું હશે ?’ ‘રહેવા દે, મમ્મી ! આમ ખોટું શું કામ બોલે છે ?’ રોવર બોલ્યો. પણ કડવું બોલ્યો. તેમ છતાં મમ્મી કડવો ઘૂંટડો ગળે ઉતારી મીઠાશથી બોલી, ‘ના... બેટા... આવું ન બોલ...’ ‘ન કેમ બોલું ? રસોઈ તો રોકી બનાવે છે, શું તે હું નથી જાણતો ?’ - રોવરે દલીલ કરી. ‘હા... હા... એ ખરું... સામાન્ય રીતે રસોઈ તો રોકી જ બનાવે છે, પરંતુ શું હું ક્યારેક ક્યારેક મારા લાડલા માટે ખાસ રસોઈ ન બનાવી શકું ?’ આમ કહી તેણે તેને છાતી સરસો ચાંપી દીધો. ને પછી ગળગળા સ્વરે બોલી, ‘બેટા ! આખરે તો હું તારી મમ્મી છું !’ મમ્મીના સ્વરમાં રહેલી મમતા તેને સ્પર્શી ગઈ. તે પણ મમ્મીના ગળે વળગી પડ્યો ને ભાવાવેશથી બોલી ઊઠ્યો, ‘ઓહ મમ્મી ! મને માફ કર. આઈ એમ સૉરી.... તું કેટલી મીઠી મીઠી છો...’ રોકી રોબો આ ભાવભર્યું દૃશ્ય જોઈ વિચારતો હતો - કાશ ! મારેય મમ્મી હોત તો !!