ગુજરાતી બાળવાર્તા સંપદા/ગધ્ધાભાઈ તે ગધ્ધાભાઈ

From Ekatra Foundation
Revision as of 15:43, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગધ્ધાભાઈ તે ગધ્ધાભાઈ

શ્રદ્ધા ત્રિવેદી

એક હતા ગધેડાભાઈ,
સૌને મારે લાતો, ભાઈ,
મીનાનો ભાંગ્યો હાથ, ભાઈ,
ને દાદાનો ભાંગ્યો પગ, ભાઈ
એવા એ ગધેડાભાઈ.

ગામમાં ગધેડાઓ તો અનેક : પણ આ ગધેડું આખો દિવસ રસ્તા ઉપર પડી રહે ને જે આવે–જાય તેને લાતો માર્યા કરે. ગામના બધા ગધેડાઓ આવે, એને સમજાવે કે તું દરેકને લાતો માર્યા કરે છે તે સારું કરતો નથી. પણ એ તો માને જ નહીં ને. નાનું હોય કે મોટું – એ તો લાત મારે જ. પછી તો ધીમે ધીમે કોઈ એની પાસે આવે જ નહીં. માણસો તો ના આવે પણ હવે તો ગધેડાઓ પણ તેનાથી દૂર રહેવા લાગ્યા. એને તો લાતો મારવાનું ખૂબ જ મન થાય પણ હવે મારે કોને? એટલે ના જ રહેવાય ત્યારે છેવટે જમીન પર પગ ઘસ્યા કરે. આ વાતની ખબર રાજાને પડી. રાજાએ આવીને કહ્યું, ‘તું લાતો માર્યા કરે છે તે મને ગમતું નથી. જો તું બંધ કરે તો તને જે ભાવે તે ખવડાવીશ ને તું જ્યાં કહે ત્યાં ફરવા લઈ જઈશ.’ પણ ગધેડાભાઈએ તો કશું સાંભળ્યું જ નહીં. આખરે રાજાએ સિપાઈઓને મોકલ્યા. સિપાઈઓ ગધેડા પાસે ગયા. ગધેડો તો ખૂબ જ આનંદમાં આવી ગયો. ‘વાહ, આજે તો ઘણાં બધાંને લાતો મારવાની મળશે.’ જેવા બધા સિપાઈઓ નજીક આવ્યા એટલે એ તો ખૂબ ગેલમાં આવી ગયો ને જેટલા જોરથી મરાય તેટલા જોરથી એ તો લાતો મારવા માંડ્યો. સિપાઈઓ શરૂઆતમાં તો ગભરાઈ ગયા. થોડા પાછા પડ્યા. પણ આ તો સિપાઈબચ્ચા. બધા ભેગા થઈ એકસાથે ગધેડાની ચારે બાજુએ ગોઠવાઈ ગયા ને દોરી વડે તેના ચારે પગ બાંધી દીધા. પછી એક સિપાઈ મોટી લાકડી લાવ્યો. લાકડી પર ગધેડાને લટકાવી દીધો. ગધેડાભાઈના પગ ઊંચે અને શરીર નીચે. લાકડીના બે છેડાઓને સિપાઈઓએ ખભે મૂક્યા, ને ચાલ્યા. ગધેડાભાઈ ઘણાય ઊંચાનીચા થાય, છૂટવા માટે ધમપછાડા કરે, પણ એમને તો એવા સખત બાંધેલા કે જરાય હલાય જ નહીં ને! ગામને તો જોણું થયું. છોકરાંઓને તો ખૂબ મજા પડી. હરખના માર્યા એ તો ગધેડાની પાછળ પાછળ ચાલતા જાય ને વરઘોડામાં ગાતા હોય તેમ ગાતા જાય :

‘બહુ લાતો મારી આજ સુધી તમે ગધ્ધાભાઈ,
હવે કેવા બાંધાયા કરો મજા તમે ગધ્ધાભાઈ,
પછી રાજા મારશે ખૂબ તમને ઓ ગધ્ધાભાઈ!
લો લેતા જાઓ કરો મજા ઓ ગધ્ધાભાઈ.’

ગધેડો તો ખૂબ અકળાય. પણ થાય શું? ચારે પગે લાકડી સાથે ઊંધા બંધાયેલા. એમ કરતાં કરતાં રાજાનો દરબાર આવ્યો. રાજા દરબારમાં જ બેઠા હતા. હવે તો ગામલોકોય આવેલા. ત્યાં સિપાઈઓ ગધેડાને લાવ્યા. રાજાએ ગધેડાને એવી જ હાલતમાં કડા સાથે બંધાવ્યો. પછી રાજાજી ગધેડા પાસે ગયા. ગધેડાભાઈને માથે હાથ ફેરવી પૂછ્યું : ‘ગધેડાભાઈ, કેમ છો? તમારે શું કરવું છે?’ ગધેડો કહે : ‘મને એક વાર છોડાવો. મારે બધાને લાતો મારવી છે.’ રાજાજી : ‘તમે બધાને લાતો મારો છો માટે તો તમને બાંધીને અહીં લાવ્યા છે. તોય હજી લાતો મારવી છે?’ ગધેડો : ‘શું કરું? લાતો માર્યા વગર મને ગમતું જ નથી.’ રાજાજી : ‘તો પછી હું તમને આમ જ બાંધી રાખીશ.’ પછી રાજાજીએ સિપાઈઓને હુકમ કર્યો : ‘સિપાઈઓ, ગધેડાને મારો ફટકા.’ પછી સિપાઈઓએ વારાફરતી ફટકા મારવાનું શરૂ કર્યું. એક… બે... ત્રણ… ને ગધેડાભાઈ બોલતા ગયા : ‘ઓ બાપ રે... મરી ગયો રે... ઓ મા… મને ના મારશો રે…’ પણ ફટકા તો વધતા જ ગયા. ગધેડાની પીઠ પર લોહી નીકળવા માંડ્યું. રાજાએ સિપાઈઓને કહ્યું, ‘બસ, હવે બંધ કરો.’ રાજાજી ગધેડા પાસે ગયા. કહે, ‘બોલો ગધેડાભાઈ, હવે લાતો નહીં મારો ને?’ ગધેડાભાઈ તો એવા નરમઘેંસ જેવા થઈ ગયેલા કે બોલાય જ નહીં ને! થોડી વાર સુધી રાજાએ ગધેડાને માથે હાથ ફેરવ્યો. ગધેડાભાઈએ રાજાજીની સામે જોયું, તો રાજાજી તો રડતા હતા. ગધેડાને થયું, આમ કેમ? માર મને પડ્યો ને રડે છે રાજાજી! એણે પૂછ્યું : ‘તમે કેમ રડો છો?’ પણ રાજાજીએ જવાબ આપવાને બદલે સામું પૂછ્યું : ‘બોલો ગધેડાભાઈ, તમે હવે કોઈને લાતો મારશો?’ ગધેડો : ‘ના રાજાજી, હવે હું કોઈને લાતો નહીં મારું; પણ મારો તો એ સ્વભાવ છે તે એકદમ કેમ જશે?’ રાજાજી : ‘લાતો તો બધાય ગધેડા મારે. પણ તમે તો જેને ને તેને, જ્યારે ને ત્યારે માર્યા જ કરો તે કેમ ચાલે? તમને તેમાં મજા આવે પણ સામાને વાગે તેનું શું?’ ગધેડો : ‘સાચી વાત. તો હવે?’ રાજાજી : ‘જુઓ, આ વખતે તો તમને આટલેથી જવા દઉં છું. પણ હવે જો તમારી ફરિયાદ આવી છે તો કાયમ આમ ઊંધા જ લટકાવી રાખીશ.’ પછી સિપાઈઓને કહ્યું : ‘હવે આમને છોડો, સરસ ગાદલામાં સુવાડો. ઘા ઉપર દવા ચોપડાવો ને સરસ મજાનું ખાવાનું-પીવાનું આપો.’ ગધેડાને થયું : ‘સાલુ, આ શું? લાતો મારવાનું બંધ કરું તેનું આટલું બધું માન!’ પછી તેણે નિશ્ચય કર્યો કે હવે કોઈને લાતો મારીશ નહીં, ને જો બહુ જ મન થશે તો ભીંતને લાતો મારીશ. પછી રાજાજીને કહે, ‘પણ હેં રાજાજી, હમણાં તમે રડતા હતા તે શું?’ રાજાજી : ‘સિપાઈઓ તમને મારતા હતા પણ મને દુઃખ એવું થતું હતું કે જાણે તેઓ મને જ મારે છે. મારે તમને મરાવવા નહોતા. પણ શું કરું? તમે કેટલાંય નાનાં બાળકો અને ઘરડાંઓના હાથ-પગ ભાંગેલા. તમને સીધા કર્યા સિવાય ચાલે તેમ જ નહોતું. તમે લાતો મારતા બંધ થાવ તો જ બધાને શાંતિ વળે. ને તોય તમને મારનું જે દુઃખ થતું હતું તે જોઈને મારાથી રડી પડાયું.’ ગધેડો તો રાજાજી સામે જોઈ જ રહ્યો. પછી રાજાજી તો મહેલમાં જતા રહ્યા. સિપાઈઓએ ગધેડાને ગાદલા પર સુવાડ્યો. પંખો નાંખ્યો. દવા ચોપડાવી. સારું સારું ખાવાનું આપ્યું. ને એટલે ગધેડો તો શાંતિથી ઊંઘી ગયો. ઘણી વાર પછી જાગ્યો ત્યારે તેને ઘણું સારું લાગ્યું. પોતે અહીં ક્યાંથી એ યાદ કરવા લાગ્યો. પોતે લાતો મારતો હતો માટે તેને અહીં લાવ્યા હતા તે યાદ આવ્યું. તેના બધા મિત્રો ત્યાં હાજર હતા. બધાની સામે જોતાં પણ તેને શરમ આવી. પણ ગધેડાઓમાં જે વડીલ હતા, તેમણે કહ્યું, ‘કંઈ નહીં ભાઈ, જાગ્યા ત્યારથી સવાર. પણ હવે કોઈ ધાંધલ-ધમાલ કરતો નહીં, શાંતિથી રહેજે.’ બધા એને લઈને ઘેર ગયા. ઘેર એની મા કહે : ‘દીકરા, હવે મગજ ઠેકાણે આવ્યું કે નહીં?’ એટલે ગધેડાભાઈ કહે, ‘એ તો લાતો મારી એટલે જ રાજાજી મને લઈ ગયા ને! ને માર્યો તો ખરો પણ પછી કેવું સારું ખાવાનું આપ્યું તેનું શું?’ એટલે મા કહે, ‘પણ તેં પહેલાં માર ખાધો ને પછી સારું સારું ખાવાનું ખાધું એના કરતાં વગર મારે સારું ખાવાનું મળે એવું કર.’ ગધેડાભાઈ તો વિચારમાં પડી ગયા. વાત તો ખરી છે. કંઈક એવું સરસ કરું કે જેથી રાજાજી ખૂબ ખુશ થાય ને મને ઇનામ આપે તો હું ખરો. પછી ગધેડાભાઈ રોજ વિચાર કરે કે, ‘હું શું કરું? કયું કામ કરું?’ જે કામ કરવાનો એ વિચાર કરતા હોય તે કામ કોઈ કરતું જ હોય. એ કરવા જાય તો બધા કહે, ‘આ તારું કામ નહીં. આ તો અમે જ કરીએ.’ ગધેડાભાઈ તો બહુ ફર્યા. પણ એમને એકેય કામ જડ્યું નહીં. એક દિવસ એમણે જોયું તો ગામની નજીક કચરાનો મોટો ઢગલો પડેલો. બધાં લોકો કચરો નાખ્યાં જ કરે. કચરામાંથી ગંધ પણ ખૂબ આવે. પણ એ કચરો ખસેડે કોણ? ગધેડાએ જઈને રાજાજીને કહ્યું, ‘રાજાજી, ગામને છેડે એક મોટો કચરાનો ઢગલો થયો છે. એમાંથી બહુ ગંધ આવે છે. તેને દૂર કરવો જોઈએ. મારી સાથે બે માણસોને મોકલો. એક કોથળો આપો. કોથળામાં ભરીને તે મારી પીઠ પર ચઢાવી આપે. હું એને દૂર દૂર જંગલ પાસે ઠાલવી આવીશ.’ રાજા તો ખૂબ ખુશ થયા. બે માણસો ગયા એની સાથે. કોથળામાં ભર્યો કચરો ને ગધેડો તો ઊપડ્યો. દૂર જંગલમાં કચરો નાખી તે પાછો આવ્યો. એમ રોજ થોડા ફેરા ખાય. થોડા દિવસમાં તો ઢગલો ખલાસ. ગામનું એ પાદર એકદમ સરસ થઈ ગયું. રાજાજીના આનંદનો પાર નહીં. તેમણે રાજદરબાર ભર્યો. બધા ભેગા થયા. સિપાઈઓ ગધેડાભાઈને બગીગાડીમાં બેસાડી લાવ્યા દરબારમાં. એક સરસ મજાના સિંહાસન ઉપર બેસાડ્યા. ગધેડાભાઈના હરખનો તો પાર નહીં. રાજાજી કહે : ‘આપણા આ ગધેડાભાઈને લીધે ગામમાં જે ચોખ્ખાઈ થઈ છે, તેથી તેમની જે ઇચ્છા હોય તે પૂરી કરવા માટે આજે આપણે ભેગાં મળ્યાં છીએ.’ પછી ગધેડાભાઈને પૂછ્યું, ‘કહો ગધેડાભાઈ, તમારી શી ઇચ્છા છે?’ ગધેડાભાઈ તો બહુ ગેલમાં આવી કહે, ‘રાજાજી, હું આજે ખૂબ ખુશ છું. મને લાતો મારવાનું બહુ જ મન થાય છે. મારું? તમને લાત મારું?’ રાજાજી તો ગધેડાભાઈની સામે જોઈ જ રહ્યા.