ગુજરાતી બાળવાર્તા સંપદા/જાદુઈ છડી

Revision as of 15:53, 11 November 2025 by Meghdhanu (talk | contribs) (ફૂટરમાં અનુક્રમણિકા પ્રમાણે ક્રમ બદલ્યો)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જાદુઈ છડી

પારુલ બારોટ

રડી રડી કોમલની આંખો સૂઝી ગઈ હતી. છેલ્લા ચાર દિવસથી પેટ ભરીને ખાવાનું મળ્યું નથી. બસ રાત દિવસ કામ, કામ અને કામ જ. કોમલ ખુલ્લા આકાશમાં ધાબા પર ટૂંટિયું વાળી ફાટેલી ગોદડીમાં પડી રહી છે. હીબકાં ભરી કોમલ એકાએક ઊભી થઈ બેઠી. આકાશના તારા સામે જોઈ બોલી, ‘મમ્મી... મમ્મી તું ક્યાં છે ?’ કોમલ ફરી ધ્રુસકાં ભરી ભરી રડવા લાગી.’ ‘મમ્મી... દાદીમા કહે છે કે જે મરી જાય છે એ તારો બની જાય છે. તું ક્યાં છે ? કેમ દેખાતી નથી ?’ ‘જોને મમ્મી, આ નવી મા મને આખા ઘરનું બધું જ કામ કરાવે છે... તું તો કેટલા લાડ કરતી હતી. મને કદીએ ખબર નહોતી કે ઘરકામ કેવું હોય.’ કોમલ હવે ઊભી થઈ ગઈ. ફરી આકાશ સામે હાથ કરી બોલી, ‘મમ્મી, તું મારી સામે આવ. મને લાડ કર. કેટલો સમય થઈ ગયો, મને કોઈ લાડ કરતું નથી.’ કોમલ ઊભી થઈ ધાબાની પાળી પાસે આવી ને એણે હાથ લંબાવ્યા. ‘આવને મમ્મી... તારી કોમલ બોલાવે... હું બોલાવું ને તું ના આવે એવું કદી બને ખરું !’ સાત વર્ષની કોમલ હતી, ત્યારે મમ્મીને બે વર્ષ થયાં પ્રભુને પ્યારી થઈ ગઈ... એના પપ્પાએ ફરી બીજાં લગ્ન કર્યાં... હવે નવી માને પણ છ મહિનાનો દીકરો પપ્પુ છે. પણ નવી મા કોમલને ખૂબ જ ત્રાસ આપે છે. કોમલના પપ્પાને પણ સાચું-જૂઠું કહી રોજ કોમલને ઠપકો અપાવે છે. ઘરનું તમામ કામ આવડી નાનકડી કોમલ પાસે કરાવે. સવાર, સાંજ અને બપોરે એક એક રોટલી ખાવા આપે. સારું મિષ્ટાન તો ક્યારેય નથી ખાધું બિચારી કોમલે. આજે ચાર દિવસથી તો એને એક જ વાર એક રોટલી મળે છે, કારણ કે વાસણ ઘસતાં એના હાથે મોંઘી કપ-રકાબીની જોડ ફૂટી ગઈ. ખાવાનું તો નથી મળ્યું, પણ માર પડ્યો એ અલગથી... કોમલ વધારે ને વધારે રડવા લાગી. રડતાં રડતાં આંખ મીંચાઈ અને તે સપનાની દુનિયામાં પહોંચી ગઈ. ત્યાં તેને અચાનક આકાશમાં એક સફેદ લિસોટો દેખાયો. તે ધીરે ધીરે નજીક આવવા લાગ્યો. સાવ નજીક આવ્યો ત્યારે કોમલ ઓળખી ગઈ, આ તો સાન્તાક્લોઝનો રથ છે. રથ ધાબા પર ઊભો રહ્યો. તેમાંથી સફેદ દાઢી-મૂછવાળા સાન્તાક્લોઝ બહાર આવ્યા. લાલ કપડાંમાં સાન્તાક્લોઝ સરસ લાગતા હતા. કોમલની નજીક આવી સાન્તાક્લોઝે કહ્યું, ‘મને તારી મમ્મીએ મોકલ્યો છે. બોલ બેટા, તારે શું જોઈએ ?’ એકાએક કોમલ સાન્તાક્લોઝને બાઝી પડી. રડતાં બોલવા લાગી, ‘મારે શું નથી જોઈતું... મને મારી મમ્મી આપો !’ ‘તારી મમ્મીને અહીં ધરતી પર ના લવાય, પણ તું કહે તે હું તને આપું... તને ખબર નથી પણ તારી મમ્મી તને ઉપરથી જોઈ રહી છે.’ કોમલે પોતાના ફ્રોકથી આંસુ લૂછ્યાં અને બોલી, ‘મારી નવી મમ્મી મને બહુ જ મારે છે. કામ કરાવે છે.... પપ્પુને લાડ કરે અને મને કરતી નથી.’ કોમલની આંખો ફરી છલકાઈ ગઈ. સાન્તાક્લોઝે એમના થેલામાંથી એક લાકડી કાઢી... જેના પર સ્ટાર ચમકતા હતા. સાન્તાક્લોઝે કહ્યું, ‘જો કોમલ દીકરા, આ જાદુઈ લાકડી છે. લાકડી ચાર વખત ગોળ ગોળ ફેરવીશ અને જે માગીશ તે મળશે.’ આમ કહી જાદુઈ લાકડી કોમલના હાથમાં આપી. કોમલ ભૂખી હતી. ભૂખના માર્યા એને ચક્કર આવતા હતા. તેણે ફરી આશ્ચર્યથી પૂછ્યું, ‘જે માગીશ એ મળશે ?’ ‘હા... હા... જે માગીશ એ ખાવાનું, કપડાં, ચીજવસ્તુ બધું જ.’ કોમલે છડી ચાર વાર ઘુમાવી કહ્યું, ‘મારી મમ્મી બનાવતી હતી તેવી પૂરણપોળી, નવું ફ્રૉક, મોજાં-બૂટ મને જોઈએ.’ બધી વસ્તુ તરત જ આવી ગઈ. સાન્તાક્લોઝે કોમલને લાડ કરી પ્રેમથી જમાડી... નવાં કપડાં અને બૂટ પહેરી બંને જણે ખૂબ મસ્તી કરી. પછી સાન્તાક્લોઝ બોલ્યા, ‘હવે તારે કામ નહીં કરવું પડે. આ છડીને ઑર્ડર કરજે. તારું કામ થઈ જશે.’ કોમલ તો રાજી રાજી થઈ ગઈ. એણે સાન્તાક્લોઝનો આભાર માન્યો. ને જાદુઈ છડીથી ફરી બધી મંગાવેલી વસ્તુ ગાયબ કરી દીધી, કારણ કે નવી મમ્મી જુએ તો માર પડે. હવે તો રોજ કોમલ જાદુઈ છડીના ઉપયોગથી કામ કરે અને રાત્રે મજાથી પલંગ, રમકડાં, ખાવાનું બધું મેળવી આનંદ કરે. આમ કોમલ સપનાની દુનિયામાં રમતી રમતી ધીરે ધીરે મોટી થઈ. પણ દર નાતાલના સમયે કોમલ સાન્તાક્લોઝને બોલાવતી. બંને સાથે નાતાલ ઊજવતાં અને ગાતાં.

‘જાદુઈ છડી મારી જાદુઈ છડી
મને મળી એક નવી કડી
મમ્મીની લાડકી કોમલ રૂપાળી
સાન્તાક્લોઝે એને છે પાળી.’