ગુજરાતી બાળવાર્તા સંપદા/સાચું ઈનામ
સ્નેહલ નિમાવત
ઉત્તરાયણ આવી. પતંગો લાવી. મોજ લાવી. મનમાં ખુશીઓ લાવી. બીજું શું શું લાવી ? તલગોળના લાડુ, ચીકી અને તલપાપડી લાવી. ઊંધિયું અને જલેબી પણ સાથે લાવી. મનુ અને કનુ બંને પતંગો લઈને ધાબે ચડ્યા. જાતજાતના અને ભાતભાતના પતંગો સાથે લીધા. લાંબી મજાની દોરી અને ફીરકી પણ લીધી. ફીરકી પકડવા તો કોઈ જોઈએ ને ? તો સાથે કોણ આવે ? મનુની બહેન ગોલી કહે : હું સાથે આવું, કનુની બહેન રોલી કહે : હું આવું, મને સરસ રીતે ફીરકી પકડતાં આવડે છે. એટલે હું જ આવીશ. મનુ કહે : ચુઉઉઉપ...! કનુ કહે : ચુઉઉઉપ...! ફીરકી પકડવા માટે તો ગોલી અને રોલી જ આવશે. બસ વાત પાકી. રોલી અને ભોલી તો આનંદથી તાળી પાડી ઊઠી. બધા ફટાફટ ધાબે ચડ્યાં. મનુએ પતંગ ચગાવ્યો. ઊંચે ને ઊંચે ગયો. ત્યાં એક લાલ પતંગ દેખાયો. મનુએ પેચ લડાવ્યો. લાલ પતંગ કપાઈ ગયો. ફરીવાર મનુ તૈયાર થયો. તેનો લાલ પતંગ ચડ્યો. મનુએ એને પણ કાપ્યો. એ પછી કનુનો વારો આવ્યો. કનુનો પતંગ ગયો. ઊંચે આકાશ. ત્યાં વળી લાલ પતંગ ડોકાયો. કનુએ દોરી છોડી. પછી ખેંચવા માંડ્યો. સડ... સડ... સહ... અને સડાક. લાલ પતંગ કપાયો. ચારેબાજુથી ચિચિયારીઓ શરૂ થઈ ગઈ. બૂમરાણ મચી ગઈ. હવે હોહા અને દેકારો ફેલાઈ ગયો. ફરીવાર લાલ પતંગ ચગ્યો. ફરીવાર કનુએ કાપ્યો. ગોલી અને રોલી તો હસી હસીને બેવડ વળી ગયા. ગોલી કહે : આ લાલ પતંગ ચગાવે છે કોણ ? મેં સાંભળ્યું છે કે એ પતંગો લાલુ ચગાવે છે. કનુ કહે : મેં તો એના ઘણા બધા પતંગો કાપ્યા. મનુ કહે : બીચારો લાલુ કરે શું ? એના તો બધા પતંગો આજે કપાયા. કડકા બાલુસ થઈ ગયો હતો. ત્યાં લાલ પતંગ ચડ્યો. બધાએ મોટેથી ચિચિયારી નાંખી. ઓઈઈઈઈઈ....! હેઈઈઈઈ...! એ ચડ્યો... એ ચડ્યો... આવ્યો ભાઈ લાલ... કપાશે હવે લાલ... કનુ-મનુએ પેચ લડાવ્યો. લાલ પતંગ ફરી કપાયો. બધે ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા આ ગીત વાગવા લાગ્યું. બધા ડાન્સ કરવા લાગ્યા. સાંજે ચોકમાં સભા મળી. સભાપતિ પરમણભાઈ ઊભા થયા અને બોલ્યા આજે લાલુના પતંગ ખૂબ કપાયા. કનુ અને મનુએ તેના એક ડઝન પતંગ કાપ્યા. એટલે ઈનામ તો... તેઓ અટક્યા... ઇમ કોને મળશે ? કનુએ જોયું મનુ સામે. મનુએ જોયું કનુ સામે. રમણભાઈ બોલ્યા : આ વખતે જેના વધુ પતંગ કપાયા છે તેને ઇનામ મળશે. કનુ કહે : કેમ ? મનુ કહે : કેમ ? પેચ તો અમે લડાવ્યા. લાલા પતંગો અમે કાપ્યા છે. ઇનામ તો અમને મળવું જોઈએ. રમણભાઈ કહે : ભાઈઓ, ઇનામ કનુ મનુને પણ મળવું જોઈએ. પણ ઇનામનો સાચો હકદાર તો લાલુ છે. કેમકે તેની દરેક લાલ પતંગ ઉપર આ મુજબના સુવાક્યો લખ્યા છે... દારૂ પીશો નહીં, જુગાર રમશો નહીં, ઝઘડશો નહીં. અફવા ફેલાવશો નહીં. પુસ્તકો વાંચીએ. બધાને પ્રેમ કરીએ. મોબાઇલ ઓછો વાપરીએ. મમ્મી પપ્પાનું માન સન્માન કરીએ. મોબાઇલનો ઉપયોગ ભણવામાં કરીએ. બાઈક સાચવીને ચલાવીએ. હિન્દુ, મુસલમાન, શીખ, ઇસાઇ આપણે સૌ ભાઈ-ભાઈ... એકતા જાળવીએ, કનુ ચૂપ. મનુ થીજી ગયો. સાચે જ લાલુ જ ઇનામનો હકદાર હતો એને જ ઇનામ મળ્યું.