ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જોસેફ મૅકવાન

From Ekatra Foundation
Revision as of 16:45, 20 December 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાર્તાકાર જૉસેફ મૅકવાન

ગુણવંત વ્યાસ

GTVI Image 79 Joseph Macwan.png

ગુજરાતી દલિત-સાહિત્યના મોભી તરીકે સુખ્યાત જૉસેફ મૅકવાનને પ્રિય વાર્તાઓ હોવા છતાં, તેઓ પ્રથમ રેખાચિત્રકાર ને પછી નવલકથાકાર તરીકે વિશેષ જાણીતા બન્યા. એમનાં યાદગાર સર્જનોમાં પ્રથમ ‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫) આવે, ને પછી ‘આંગળિયાત’ (૧૯૮૬). સર્જકનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સાધનાની આરાધના’ પણ ૧૯૮૬માં જ આવ્યો; પણા એ વિશેષ કૉળાયા રેખાચિત્રો ને નવલકથામાં; ને છતાં એમની વાર્તાઓ ડાબે હાથે મૂકી દેવા જેવી તો નથી. ઈ.સ. ૧૯૩૫ના ઑક્ટોબરની નવમી તારીખે જન્મેલા આ સર્જકનું પૂરું નામ જૉસેફ ઈગ્નાસ મૅકવાન. ત્રણોલ (જિ. આણંદ)માં જન્મેલા. આ લેખકનું વતન આણંદ જિલ્લાનું ઓડ ગામ. બી.એ., એમ.એ., બી.એડ. કર્યા પછી આજીવન શિક્ષક તરીકે સેવા આપનાર જૉસેફભાઈનું પ્રથમ સર્જન પણ ટૂંકીવાર્તા હતું. ૧૯૫૬માં ‘સવિતા’ સામયિકમાં ‘ગેંગડીનાં ફૂલ’ વાર્તા પ્રગટ થયેલી. રઘુવીર ચૌધરી નોંધે છે તેમ, ‘૧૯૫૬થી ૬૪ સુધી મુગ્ધભાવે લખ્યું.’૧ પછી, સ્વીકૃત વાર્તા ‘નવચેતન’ના તંત્રી તરફથી પરત આવતાં લખવું જ છોડી દીધું! ૧૯૫૬થી ૧૯૬૪ સુધીનો એમના લેખનનો પ્રથમ તબક્કો. લેખનનો એમનો બીજો તબક્કો ૧૯૭૮થી, મિત્રોના આગ્રહે આરંભાય, જે જીવનના અંત સુધી ટકી રહે. આ બીજા તબક્કામાં જ એમનું સમગ્ર ઉત્તમ કલમ વાટે બહાર પ્રગટે. પંદર નવલકથાઓ, બાર રેખાચિત્ર સંગ્રહો, છ ટૂંકીવાર્તા સંગ્રહો, ત્રણ નિબંધસંગ્રહો, ઉપરાંત અહેવાલ લેખો, સંપાદનો, વિવેચનસંગ્રહો વગેરે મળીને અંદાજે પચાસેક પુસ્તકો આપનાર આ સર્જક વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ થયા છે. ‘આંગળિયાત’ સાહિત્ય અકાદમી, દિલ્હીનું સન્માન મેળવે છે; જેનો અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં અનુવાદ થાય છે. આ જ નવલકથા કનૈયાલાલ મુનશી શતાબ્દી સ્પર્ધામાં પ્રથમ આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ પોંખાય છે; તો ‘વ્યથાનાં વીતક’ને સી.એ.એસ. એવોર્ડ, સદ્‌વિચાર પરિવાર પારિતોષિક, તખ્તસિંહ પરમાર પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ; ધનજી કાનજી પારિતોષિક. જેવાં સન્માનો મળે છે. એમની સમગ્ર સાહિત્ય સેવા અને સમાજસેવાની કદર રૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા મળેલાં ઇનામો-અકરામો પણ ઘણાં છે! વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સભ્ય, મંત્રી, પ્રમુખ તરીકે જોડાઈને એમણે કરેલી સેવાઓ એમની સામાજિક નિસબત બતાવે છે. દેશ-વિદેશમાં એમણે આપેલાં વ્યાખ્યાનોની પણ એક જુદી યાદી બને. ‘આંગળિયાત’ની જેમ જ ‘વ્યથાનાં વીતક’ પણ અંગ્રેજી ઉપરાંત દેશની અન્ય અગિયાર ભાષાઓમાં અનુવાદિત થયું. એમની ‘લોહીનો સંબંધ’ વાર્તા પરથી ગોપી દેસાઈ દ્વારા દિગ્દર્શિત ‘બસ યારી રખ્ખો’ બાળફિલ્મ બની. ‘બહેરું આયખું મુંગી વ્યથા’ પરથી ટેલિફિલ્મનું નિર્માણ થયું. ‘મારી પરણેતર’ પરથી ૧૩ હપ્તાની ધારાવાહિક પણ બની.

GTVI Image 80 Pannabhabhi.png

વાર્તાકાર તરીકે આપણને તેમની પાસેથી કુલ ૯૫ વાર્તાઓ મળે છે; જે છ સંગ્રહોમાં સંપાદિત છે. ૧૯૮૬માં પહેલો વાર્તાસંગ્રહ ‘સાધનાની આરાધના’ આપ્યા પછી ‘પન્નાભાભી’, ‘આગળો’, ‘ફરી આંબા મ્હોરે’, ‘આર્કિડનાં ફૂલ’ અને ‘બીજી બોણી’ જેવા સંગ્રહો એમની વાર્તાકલાનો હિસાબ આપે છે. ૧૯૮૬થી ૨૦૦૮ સુધીમાં અઢી દાયકામાં આશરે ક્રાઉન સાઇઝનાં સાડા ચૌદસો પૃષ્ઠોમાં પથરાયેલું એમનું વાર્તાલેખન સંગ્રહ પહેલાં ‘ચાંદની’, ‘નવનીત સમર્પણ, ‘જનકલ્યાણ’, ‘અખંડ આનંદ’, ‘ચિત્રલેખા’ જેવાં સામયિકોમાં છપાઈ, લોકહૃદય સુધી પહોંચ્યું છે. બહોળો વાચક-વર્ગ ધરાવતી આ વાર્તાઓની લોકપ્રિયતાનું કારણ તેમાં નિરૂપિત જીવનરસ છે. જિવાતા જીવનની વાત લેખકને માણસમાં રસ લેતા કરે છે. સાહિત્યનું પ્રમાણ જ એમને જીવતર લાગે છે. આથી જ, કલાને પ્રમાણાવા એ જાદુઈ જણાતા જીવતરનો હાથ ઝાલે છે. એ બા-પોકાર કહે છે : ‘મેં કલા પ્રમાણી છે પણ જીવતરને ધોખો નથી દીધો.’ આથી જ એમની વાર્તાઓમાં જીવનલક્ષિતા ભારોભાર છે. વાર્તાલેખન માટેની એમની ખરી મૂડી જ એમનો જીવનમૂલક વિધાયક દૃષ્ટિકોણ છે. ૯૫ જેટલી માતબર વાર્તાઓ આપનાર જેટલા રેખાચિત્રકાર અને નવલક્થાકાર તરીકે સુખ્યાત થયા છે એટલા વાર્તાકાર તરીકે નથી થયા. એનો અર્થ એવો સ્હેજેય નથી કે એમની વાર્તાઓ બધી નબળી છે! કોઈ માતાપિતાના એક તેજસ્વી સંતાન સિવાયનાં બીજાં સંતાનો પ્રતિ ઉપેક્ષા રખાય કંઈક એમ જ જૉસેફ મૅકવાનની વાર્તાઓ બેધ્યાન થઈ છે! માનવતાનો મહેરામણ એમની વાર્તાઓનો વૈભવ છે. વ્યાપક સમાજનું એક વિશાળ ચિત્ર એમની વાર્તાઓમાંથી ઊપસે છે. માનવસમાજની અનેક ગતિવિધિઓના તાણા-વાણા એમની વાર્તાઓમાં ગુંથાય છે. પાત્રની ગરિમા ચરિત્રની ઊંચાઈને આંબે છે. બળકટ એવી તળપદ બોલીનો ક્યાસ એમની વાર્તાઓમાંથી કાઢી શકાય છે. ને છતાંયે એમની વાર્તાઓ ઘટનામાં અટવાતી ને માત્ર સૂક્ષ્મ ચરિત્રચિત્રણ જ બનીને રહી જતી હોવાનું કહેવાયું છે. ઘટના વિના ક્યાં કોઈ વાર્તા લખાઈ જ છે! કેટલીયે વાર્તાઓ તો ઘટનાની રજૂઆતને કારણે અને માવજતની સભાનતાએ અમર થઈ ગઈ છે! જૉસેફ મૅકવાનની વાર્તાઓમાં અભિવ્યક્તિનું સામર્થ્ય છે; ઉપરાંત વાસ્તવ-અભિમુખતા, જીવનલક્ષિતા, અનુભૂતિઓનું પ્રાબલ્ય, સચ્ચાઈ પ્રત્યેની વફાદારી અને વસ્તુપ્રીતિ વિષે લેખકની અંગત માન્યતા તમે સ્પષ્ટ જોઈ શકો. લેખક ઘટનાને સ્વીકારે છે. અનુભવો એમને મન વાર્તાનો કૂવાસ્તંભ છે. એ નોંધે છે : ‘અનુભવોનું, ને એથી આગળ વધીને અનુભૂતિઓનું મારે મન અદકેરું મહત્ત્વ છે. વેઠ્યા વિના, વેઠ્યા વિના વેદનાનો સાર નથી સમજાતો! જીવનના વાસ્તવનો સાહિત્યમાં અસ્વીકાર હોય તો સર્જન શું કામનું? આથી જ એ વચ્ચે દોઢેક દાયકો સર્જનથી દૂ૨ રહ્યા છે! વાસ્તવમૂલક ઘટના અને કલ્પનામૂલક વાર્તા વચ્ચેના ભેદની સમજ સાથે જીવનના અને વાર્તાના વાસ્તવ વચ્ચેનો વિવેક સ્વીકારી ફરીથી કલમ ઝાલે છે! અંદરથી આદેશાતા સંકલ્પ સાથે એ લખે છે : ‘વહી ગયેલા કોરટ અંતરાલમાં મારા વાચન, મનન અને વિચારચિંતને વાર્તા અને જીવનના વાસ્તવ વચ્ચેનો ભેદ અને વિવેક શીખવેલાં. મારા ભાથામાં અનુભવોનો અંબાર હતો તો ઘટનાઓ અને પ્રસંગોનો પારાવાર હતો. કલ્પના અને વાસ્તવ વચ્ચેના ભેદ મને મારા લેખનકાર્યના દિશા-દોર સૂઝાડ્યા, તો પેલા વિવેકે માણસાઈમાંની મારી શ્રદ્વાને દૃઢમૂલ કરી. એટલું જે નહીં, એણે આદેશ દીધો : ‘જે લખવું હોય તે લખ, પણ પૂરી જીવનવફા સાથે લખ. જીવતરને ધોખો દઈને કાંઈ જ ના લખ.’ આ સંકલ્પ જીવન પ્રત્યેની પ્રતિબદ્વતા તરફ લેખકને દોરી જાય છે. પોતાની મર્યાદા જાણવા છતાંય સચ્ચાઈ પ્રત્યેનો સ્નેહ તલભાર પણ ઓછો ન કરતા લેખક નોંધે છે : ‘હું લખું છું જીવન પ્રત્યેની પ્રતિબદ્વતાથી, સચ્ચાઈ પ્રત્યેના સ્નેહથી. અનુભૂતિ પ્રત્યે ઈમાનદાર રહેવું મને હંમેશ ભાવ્યું છે. માણસાઈનાં ચરણોમાં માથું મેલવું મને ગમ્યું છે. મારી અપાત્રતા હું સારી પેઠે જાણું છું, પણ માણસમાત્રમાં સારાપણું જોવાની, મારા જેઠાકાકાએ સીંચેલી મારી શ્રદ્ધા કડવાં વખ અનુભવ થયા છતાંય જરા સરખીયે ઓછી થઈ નથી, આ જ અંતઃપ્રેર્યું બળ છે. જે મારી વાર્તામાં પાત્રોને શક્તિ સીંચે છે. એમાં કલ્પના છે, પણ એ કથાને પ્રવાહમાન કરે એટલી જ, ઘટનાને બળ દે એટલી જ. બાકી ચરિત્રોના અભ્યાંતરમાં ઉછાળા મારતું વિત્ત તો મેં ક્યાંક ને ક્યાંક પ્રમાણેલું તથ્ય જ છે.’ જીવનમૂલક વાસ્તવલક્ષિતા જ એમની વાર્તાઓનું જિવાતુભૂત અંગ છે એ સ્વીકાર સાથે તે પુનઃઅનુભૂતિનું મૂલ આંકે છે : ‘સામાન્ય રીતે મારી વાર્તાનો વિષય કે વસ્તુ વાસ્તવલક્ષી હોય, વાસ્તવ જીવનને સ્પર્શતો-છણતો હોય એ મારું વલણ. હવે આ સંસારના અને સમાજજીવનના અનુભવો એટલા વિલક્ષણ થાય છે કે ક્વચિત્‌ ચૈતસિક શક્તિયે અંધારી જાય. આવી વેળાએ પરાનુભૂતિને સ્વાનુભૂતિમાં પલટીને લખતાં નવનેજાં થાય છે, પણ એ જ ઉચિત લાગે છે. કારણ, જેની અનુભૂતિ વાર્તાના બીજ લેખે સ્વીકારી હોય એ તલભાર નંદવાવી ના જોઈએ. ફરીથી એકવાર એ ‘આર્કિડનાં ફૂલ’ની વાર્તાઓ વિશે વાત કરતાં નોંધે છે : ‘હું સોદ્દેશ લખું છું ને મારી વાર્તા થકીય મારે કંઈક કહેવાનું રહે જ છે. આ કહેવા કે સ્વીકારવાથી મારા રચનાકર્મની સાહિત્યમાંથી બાદબાકી થઈ જવાની હોય તો તેમ થાઓ. તેથી કરીને મારાથી જીવતરના સત્યને નહીં અવગણાય.’

GTVI Image 81 Agalo.png

રેખાચિત્રકાર તરીકેની એમની હથોટી વાર્તાના પાત્રનું સૂક્ષ્મ ચિત્રણ કરી, વાર્તાને પાત્રપ્રધાન બનાવે છે. એમની વાર્તાઓનું થીમ જ એવું છે કે જેમાં જે-તે પાત્રની આંતરિક, તેમ બાહ્ય રેખાઓનું આલેખન અનિવાર્ય બની રહે. ‘પન્નાભાભી’, ‘સાવિત્રી’, ‘કાંધનો હક’, ‘ખત્રીની દેરી, ‘પાંચો પગી’, ‘ધાગો સેમાડિયો’ વગેરેને તપાસો. તેમાં પાત્રોનું ચરિત્રચિત્રણ નિવાર્ય નથી જ! વાર્તાનું જિવાતુભૂત તત્ત્વ જ તેનું સૂક્ષ્મ ચરિત્રચિત્રણ છે; જે વાચકને વાર્તામાં રસ લેતો કરે છે ને વાર્તાને ખીલવે પણ છે. એક સફળ રેખાચિત્રકારને હાથે થતું વાર્તાસર્જન પાત્ર ચરિત્રચિત્રણથી વિમુખ રહે એ વાર્તાનું દુર્ભાગ્ય લેખાવું જોઈએ! મારી દૃષ્ટિએ આવું સૂક્ષ્મ ચિત્રણ વાર્તાનો વિશેષ ગણાવો જોઈએ. રેખાચિત્રો અને વાર્તા વિશેનાં લેખકનો પ્રેમ, લગાવ, રસ, રુચિ અને સ્વરૂપ-સમજ એકાધિકવાર સંગ્રહોની પ્રસ્તાવનામાં છૂટા-છવાયાં ટંકાયાં છે. એ વિશેનો એમનો મત એમના જ શબ્દોમાં જોઈએ : – ‘મારા લેખનનો આરંભ જ વાર્તાથી, મારો મનગમતો સાહિત્ય પ્રકારેય વાર્તા. જો કે મને જાણીતો કીધો મારા રેખાચિત્રોએ. પણ વાર્તાને મેં હંમેશાં સબળું સાધન માન્યું છે.’ (‘સાધનાની આરાધના’) – મારી વાર્તા મારા અનુભવજાતમાંથી નીતરી આવે છે. એણે આત્મસાત્‌ કરતાં અને એને શબ્દમાં અભિવ્યક્ત કરતાં હું એક મનઃસ્થિતિમાંથી પસાર થાઉં છું. ‘રેખાચિત્ર’ પૂરું કર્યા પછી ક્વચિત્‌ હાશકારો અનુભવું છું; પણ ‘વાર્તા’ પૂરી કર્યા પછીએ મારા મનોજગતમાં એ ક્યારેય પૂરી થતી નથી; એ ચાલ્યા જ કરતી હોય છે. નિરંતર ચાલ્યા જ કરતી હોય છે.’ (‘આગળો’) – ‘મૂળે વાર્તાનો જીવ હોવા છતાં જિવાતા જીવતરના વરવા સત્યને ઉજાગર કરવા હું રેખાચિત્ર લખવા તરફ વળ્યો હતો.’ (‘આગળો’) – વાર્તા અને રેખાચિત્ર વચ્ચે આમ માનીએ તો બહુ નાનીઅમથી ભેદરેખા છે. ને જીવતરની સરાણે એમને ચડાવીએ તો એ બે વસ જ નોખી નિરાળી છે. ચવાયેલા પ્રયોગમાં કહેવું હોય તો એ બેમાં આસમાન-જમીનનો ફેર છે.’ (‘આગળો’) – ‘મારા મૂળ રસ-સૂઝાન વાર્તાનાં, પણ રેખાચિત્રો આલેખવાની ફાવટ ઝાઝી ફોરી એટલે વાર્તા લખવાનું મન છતાં એ ઓછું બને છે.’ (પન્નાભાભી’) – ‘રેખાચિત્ર અને વાર્તા વચ્ચે આમ બહુ સૂક્ષ્મ તત્ત્વઃ ભેદ છે ને જીવતરના સત્યની દુહાઈએ પ્રમાણીએ તો એ બે વચ્ચે આભધરતીનું જુદારું છે.’ (‘ફરી આંબા મહોરે’) – ‘વાર્તા લખવાની રઠ ઝાઝી; છતાં એ લખાય ઓછી. મનમાં ચરિત્ર ભમતું હોય ત્યાં સુધી વાર્તાને એ નજીક ના ઠુંકવા દે. રેખાચિત્ર લખવામાં ખાસ્સી મર્યાદાઓ જાળવવાની હોય છે. કેટલીક ચાંપ રાખવાની હોય છે. વાર્તામાં યાદૃછિક વિચારણાની સરળતા છતાં હું માનું છું કે ટાઢે કોઠે વારતા ઊતરતી જાય તો જ એ સારી વાર્તા.’ (‘બીજી બોણી’) એક રેખાચિત્રકાર તરીકે રૂઢ થઈ ચૂકેલા વાર્તાકારે વારેવારે પોતાનો વાર્તાપ્રેમ દર્શાવવો પડે છે! વાર્તાકાર જૉસેફ મૅકવાનને મૂલવતાં, રેખાચિત્રકાર જૉસેફ મૅકવાનનો ચહેરો આંખ સામેથી હટતો નથી; ક્યારેક તો એ જ વાર્તાકારને અન્યાય કરતો લાગે! સ્વાભાવિક છે કે એમની વાર્તાઓનાં પાત્રચિત્રણમાં રેખાચિત્રની ઝાંય મળી આવે; ક્યારેક તો એમનાં કેટલાંક રેખાચિત્રો પણ વાર્તા તરીકે સ્વીકારાય! (દા.ત. ‘પન્નાભાભી’) સવાલ અહીં એ રહે છે કે એક સરળ રેખાચિત્રકાર વાર્તામાં, પોતાની ચરિત્રચિત્રણકલાનો કેવો વિનિયોગ કરે છે કે જે કોઈ ઝાઝા ફેરફાર વિના વાર્તા પણ બને છે?! સવાલ એ પણ થાય કે કોઈ રેખાચિત્રમાં અનિવાર્ય એવા થોડા (કેટલા?) સુધારા કરીને વાર્તા બની/બનાવી શકાય?! જૉસેફ મૅકવાનની વાર્તાઓનો ગુણપક્ષ જોવો હોય તો કરવું પડે કે એમાં વૈવિધ્ય છે; વિષય, તેમ પાત્રવૈવિધ્ય પણ! એમની વાર્તાઓ જિવાતા જીવનના અઢળક અનુભવોમાંથી આકારાય/કળાય છે. માણસનાં વિધવિધ રૂપો/વ્યક્તિત્વોના વિશેષોને વિચિત્રતાઓથી એ સભર છે. માનવજીવનની આંટીઘૂંટીઓ અને મનોજગતની, ન કળી શકાતી ગતિવિધિઓનો આલેખ તેમાં છે. એમની વાર્તાઓમાં જ્યાં વાર્તાનાયક ‘હું રૂપે આવે છે. તે જાણે લેખક પોતે જ હોય તેમ લાગે! સ્વાનુભૂતિઓનો અઢળક અનુભવોનો આખો આલેખ ચીતરવા જતાં ક્યાંક વાર્તા ચીલો ચાતરતી બની બેસે! ‘જીવતરને ધોખો’ નહીં દેવાની દાનત સ્વરૂપને હાનિ પહોંચાડે, જીવતર-પ્રેમ વાર્તામાં વિસ્તરતાં ક્યાંક વણસી પડ્યાનો ભાવ જાગે; પરિણામે વાર્તાને વ્યાપક રૂપે જોતા લેખકને હાથે સ્વરૂપ અળપાતું ભળાય! વાર્તા નિમિત્તે લેખકને કોઈ વાત કહેવી છે; કોઈ સંદેશ વહેતો કરવો છે. ‘મારી રગે કહું તો મારે માત્ર વાર્તા જ કરવાની નથી હોતી, વાર્તાને મસે મારે કંઈક કહેવુંય હોય છે.’ એમ કહેતાં લેખકની આ ‘કહેવાની’ જિદ સ્વરૂપને સાચવવામાં ક્યાંક કાચી પડતી લાગે. વાર્તાના માધ્યમથી જીવનનાં રહસ્યો ખોલવા માગતા આ માણસને ‘માણસને ઓળખવાની મથામણ’રૂપે વાર્તા લખવી છે! વિષયોની ખેંચ લેખકને ક્યારેય વર્તાતી નથી લાગતી. આમ છતાંયે એ નારીકેન્દ્રી વાર્તાઓમાં સવિશેષ ખીલે-ખૂલે છે. (જેમ કે, ‘પન્નાભાભી’, ‘સાવિત્રી, ‘કાંધનો હક’, ‘મમત્વ’, ‘વાંઝિયો આંબો’, ‘જાબાલીની સત્યકામના’, ‘સાધનાની આરાધના’, ‘પ્રતીક્ષા’, ‘કૅર ઑફ’, ‘જીવતરે’, ‘ફરી આંબા મહારે’ વગેરે) નારી પ્રત્યેનો એમનો પક્ષપાત અણછતો નથી નથી રહેતો. બીજો ક્રમ હું શૌર્યથી છલકતાં નરપંગવો-સમાં પુરુષપાત્રોને નાયકરૂપે નિરૂપતી વાર્તાઓને આપું. (જેમ કે, ‘આહીરનો બદલો’, ‘ધાગો સેમાડિયો’, ‘ખત્રીની દેરી’, ‘રામરાજ’, ‘પાંચો પગી’, ‘મંગેતર’ વગેરે), વયસ્કોની વ્યથા અને બાળકોની નિર્દોષતા આલેખતી વાર્તાઓય સ્પર્શી જાય. (જેમ કે, ‘ઘંટી’, ‘પીંજરનો પોપટ’, ‘રાક્ષસ’, ‘સ્નેહની સાલગીરા’, ‘મારું કોણ?’, ‘ચાવી’ વગેરે) અને શોષણોનો ઇતિહાસ ગાતી કથાઓ તો ભલભલાને હચમચાવી જાય. એ શોષણ દલિતોનું હોય કે નારીનું – લેખકનો મૂક વિદ્રોહ વાચકોનેય વ્યથિત કરી જાય છે. (જેમ કે, ‘ચોથી શરત’, ‘ખત્રીની દેરી’, ‘ઘરનું ઘર’, ‘આદર્શ સોસાયટી’, ‘બાપનું લોય’, ‘રોટલો નજરાઈ ગયો!’, ‘છગનાને ન સમજાતા સવાલો’, ‘રામરાજ’, ‘આઝાદીના લાડવા’ વગેરે). એકંદરે આ વાર્તાઓ ભાવકને ભાગ્યે જ નિરાશ કરે છે. વાર્તામાંથી પસાર થતો વાચક પ્રસન્નતાનો અનુભવ કરી શકે એ કોટિની સર્જકતા જ વાર્તાકાર જૉસેફ મૅકવાનને જિવાડશે એમ બેધડક કરી શકીએ. આપણે એમની ૯૫ વાર્તાઓમાંથી કલાની દૃષ્ટિએ, ભાવને ભાષાની દૃષ્ટિએ અને ચરિત્રચિત્રણની દૃષ્ટિએ જે વિશેષ આસ્વાદ્ય છે એ વાર્તાઓના વિશેષો જોઈએ. ‘પન્નાભાભી’માં મનુષ્યની અકથ્ય લાચારી અદ્‌ભુત અને અનન્યપણે ચિત્રિત થઈ હોવાનું નોંધતા મનુભાઈ પંચોળી એને ‘સંઘેડાઉતાર’ કહી મૂલવે છે. નારીના જીવનનું કારુણ્ય જ તેને મહાન બનાવે છે એવો ગર્ભિત સૂર પરોક્ષ રીતે પ્રગટાવતી આ વાર્તાના કેન્દ્રમાં છે સ્ત્રીની અવદશાનું આલેખન. નારીવાદી વિચારધારામાં સરળતાથી મૂકી શકાય તેવી આ વાતો વિશેષે તો સ્ત્રી-જીવનનું નિરાધારપણું નિરુપી, તેના ચારિત્ર્યના ઉમદા પાસા તરફ ઇશારો કરે છે. પુરુષની માનસિકતાનો ભોગ બનેલી પન્નાભાભી પોતાની પુત્રવધૂને એ માનસિકતાથી બચાવવા જ પુત્ર સામે કોર્ટે ચડે! પન્નાભાભી પ્રત્યે કિશોર નાયકના આકર્ષણમાં ફ્રોઇડનું મનોવિજ્ઞાન પ્રતિબિંબિત થતું હોવા છતાંયે મા-વિહોણા બાળકની સાંત્વના ઝંખતી આંખો વિશેષ પ્રભાવક રહે. વાર્તામાં વણાઈને આવતો દાનાનો પ્રસંગ નોખી જ ઘટના હોવા છતાંય, અનોખી બનીને વાર્તામાં એકરૂપ બને, ને વાર્તાના મુખ્ય ભાવને પોષક બને. અંતની ઘટના કંઈક એ રીતે આરંભાય છે કે લેખક કોઈક જુદી જ દિશામાં ફંટાતા લાગે, પણ અંતમાંનું અનુસંધાન એક સળંગ અનુભૂતિ જગવતું અદ્‌ભુત સંયોજન બની રહે. ‘સાવિત્રી’માં રતનનું પાત્ર એવું જ અદકેરું આલેખાયું છે. પુરાણની સાવિત્રી અહીં રતનના વર્તનમાં જીવે છે પણ સત્યવાનને સ્થાને અહીં આજનો શંકાળું પુરુષ છે! ક્ષયરોગી પતિ, દમિયલ મા ને ખખડી ગયેલું ખોરડું હોવા છતાંય, ભાઈઓ પર ઓશિયાળી ન થઈ, ચોરી ફરી અને ત્યાં જ આણું આપતી રતન પ્રત્યે ખુદ પતિને જ આશંકા જન્મે ત્યાં રતનની અવદશાનું ચિત્ર આકારાય છે. રતનનું ચરિત્ર લેખકે સશક્ત આલેખ્યું છે. સ્ત્રીનું ઉમદા પાસું અહીં અભરે ભરાય એવી સમૃદ્ધિથી આલેખાયું છે. લેખકની આ રતન ગુજરાતી ટૂંકીવાર્તાનાં યાદગાર નારીપાત્રોમાં અધિકારભર્યું સ્થાન ભોગવે છે. રતનનું પાત્રાલેખન લેખકની સર્જકતાનો ઉન્મેષ દર્શાવે છે. ‘કાંધનો હક’માં વાર્તાનાયકના સ્મરણપટે આકારિત થતું જતું રાહલીનું વ્યક્તિત્વ તિરસ્કારથી સ્વીકારનું રહસ્ય ખોલતું જઈ, જૉસેફ મૅકવાનની વાર્તાઓનુ ચિરંજીવ પાત્ર બને છે. સામાન્ય રીતે લોકબોલીમાં કે તળપદા લયમાં ચરિત્રચિત્રણ કરતા કે વસ્તુકથન કરતા લેખકની, ભાગ્યે જ જોવા મળતી તત્સમ બાની રાહલીના રૂપવર્ણનમાં ખીલી છે. આરંભની રૂપયૌવના અંતે વીંખાઈ ગયેલા માળા સમી ઝંઝેડાઈ ગયેલી આલેખાય તેના પરિવર્તનનો આલેખ રસપ્રદ છે. ‘રાહલી મરી ગઈ’-થી શરૂ થતી વાર્તા ધીરે-ધીરે રાહલીને જીવતી કરે છે! વાર્તાનાયકને રાહલી જોડે કોઈ નાતો/સંબંધ ન હોવા છતાં એના મનમાં આકારાતી રાહલી ભાવકચિત્તમાં પણ ચિરંજીવ કરવાની કળા સર્જકમાં છે. ‘મમત્વ’ વાર્તામાં સાધ્વીજીવન જીવતાં વાર્તાનાયિકાના અપરિગ્રહી જીવનમાં એક મૂક પ્રાણી – મા વિનાના કદરૂપા કૂતરાના બચ્ચા – પ્રત્યે જાગતું મમત્વ એમના વર્તનમાં એ રીતે ઝિલાયું છે કે વાર્તાનું જિવાતુભૂત અંગ બની રહે. મા-નું અન્ય એક નવું રૂપ ‘પાઘડી’માં જોવા મળે છે. બાપ મોતના માંચડે પડ્યો હોય ત્યારે માને, ખબર કાઢવા આવેલા જેઠ સાથે હસી-હસીને, વાતો કરતી જોઈ માના ચારિત્ર્ય વિશે સશંક બનતો પુત્ર ગોલિયો મા માટે આઘાતજનક ભાષા પ્રયોજે; ને મા પણ પતિનું મૃત્યુ થતાં જ જેઠવટું કરે એનું પ્રભાવક આલોખન વાર્તાને જીવાડે છે. ગોલિયાની મનઃસ્થિતિનું આલેખન પણ અસરકારક છે. ગોલિયાનું આંતર-બાહ્ય જે વિરોધાભાસ રચે એ પણ એટલું જ વાર્તાને અનુકૂળ બને છે. ‘મરઘો’માં વળી એક ઑર ‘મા’ તેના નોખા રૂપે પ્રગટી છે. જો કે, અહીં પુત્રનો પિતા પ્રત્યેનો આક્રોશ ‘વાર્તા’ રૂપ ધરે છે. વ્યભિચારી પિતાનો સાક્ષી બનતો પુત્ર – એની વ્યથાકથા સાથે પાત્રવર્તનથી ચરિતાર્થ થાય છે. બાપ પ્રત્યેની નફરત અંતે મરઘાને મારી નાખતા પુત્રથી દર્શાવી, પ્રતીકાત્મક રીતે મનોચૈતસિક સ્તરે સાર્થક થઈ છે. નાયકનું પીડાદાયક આંતરવિશ્વ સર્જકીય સ્પર્શ પામતું સર્જકની શ્રેષ્ઠ ત્રણ વાર્તામાં અધિકારપૂર્વક સ્થાન પામે છે. ‘વાંઝિયો આંબો’ નારીના શીલનો મહિમા અને ભાભી પ્રત્યેના આદરની કથા આલેખે છે. વિધિના લેખની લલાટે લખાયેલી કરમકથાનું વૈચિત્ર્ય શુદ્ર માનવજીવનમાં અવનવા વળાંકો સર્જે છે; ને છતાંય એ પડકારો ઝીલીનેય કસોટીમાંથી પાર ઊતરતો માનવ અહીં ડુંગરના પાત્રથી ચરિતાર્થ થાય છે. ડુંગરના મૃત્યુ પછી દિયરવટુ કરતી રતન શરીરસંબંધથી અળગી જ રહે; પરિણામે ‘જેમાં મોર તો આવે પણ મરવા ન દૂઝે’ એવા વાંઝિયા આંબાની ઓળખને પામે! જો કે, દિયર જીવણનો અન્ય સ્ત્રી સાથેનો સંબંધ જાણતાં જ તેને ફિટકારતી રતનની અવદશાનું ચિત્ર પણ મળે છે! એક ઝંખનામાંથી આરંભાતી ‘અનિવાર્ય કારણ’ વાર્તા એના રહસ્યને ઘૂંટતી અંતે ઘટસ્ફોટ તો પામે છે; પણ પેલી ઝંખના તો ઝંખના જ રહે છે ત્યાં શીર્ષકની સાર્થકતા સિદ્ધ થાય છે ને વાર્તાનું વાર્તાપણું પણ પ્રગટે છે. સ્હેજ પણ આડાઅવળા થયા વિના ઝંખનાની તીવ્રતાથી આરંભાતી વાર્તા એનાં મૂળનાં રહસ્યોને ઉકેલતી એનાં કારણો ને તારણોથી એટલી સહજતાથી રજૂ થાય છે કે એમાં સ્હેજેય અતિશયતા ન જણાય. ‘એ’ આવવાના છે એની ઝંખનાથી હરખઘેલી નાયિકાના પતિનું સાશંક વર્તન અંતે રહસ્યનાં જાળાં ઉકેલતું નર્યું મુગ્ધ મૈત્રીના પવિત્ર સંબંધો રૂપી જીજાજી રૂપે પ્રગટે ત્યાં વાર્તા પૂરી થાય. ‘ચાવી’ બાળમાનસને ઝીલતી, બાળવયની અતૃપ્તિઓના આલેખનરૂપ આકારાય છે. સંતાનો માટે રમકડાં ખરીદતાં મા-બાપો સંતાનના તોડફોડિયા સ્વભાવે બાળકને રમકડાંથી દૂર રાખે ત્યારે પુખ્ત વયે પેલી – રમકડાં રમવાની – ઇચ્છા, પરણ્યા પછી શ્વસુરગૃહે કઈ રીતે જાગૃત થાય છે એ કૃતિકાના પાત્રથી આકારિત થયું છે. તો ‘પીંજરનો પોપટ’માં માતાપિતાની આંધળી અપેક્ષાઓમાં કેદ થયેલા બાળકની મનોદશાનું અચ્છું બયાન કરે છે. બાળક ઇચ્છે તે નહીં, પણ માતા-પિતા ઇચ્છે તે બાળક પાસે કરાવવાના હઠાગ્રહમાંથી જન્મતી આ વાર્તા મુક્ત અને પ્રત્યક્ષ શિક્ષણથી દૂર થઈ રહેલ વર્તમાન શિક્ષણ-પ્રણાલિ સામે લાલબત્તી ધરે છે. અહીં અંગ્રેજીના અત્યાગ્રહનો વિરોધ ભાષાની કૃત્રિમતાથી વેધકતાથી વ્યક્ત થયો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની ઘેલછા, થોડી બોલકી થઈ હોવા છતાં ભાષાના વિરોધાભાસથી સાર્થક બની છે. વાર્તામાં વાર્તાનો પ્રયોગ પણ અહીં સફળ રહ્યો છે. ‘બાપનું લોય’ શોષણની કથા છે. તાંણી-તોશીને ટંક કાઢતા માનવીની આવતીકાલની આશા, ને જે મળ્યું છે તેમાં સંતોષ આગળ જતાં કેવી લાચારીમાં સપડાય છે એ કમરીના પાત્રથી આલેખાયું છે. બીમાર માતાપિતાને બે ટંકનો રોટલો દેવા કાળી મજૂરી કરતી કમરી ભૂખ્યા વરુ જેવાં હરાયાં દૈત્યને હાથે પીંખાય ને અવાચક કમરી જીવન ટૂંકાવે ત્યારે મા-નો ચિત્કાર વાર્તાનો પ્રાણ બની રહે છે. ‘ચિયા ભવનું વેર તેં વાર્યું અકકર્મેણ! જઈનં તારા હગલાને કીજે કં તેં જે લોય બોટ્યું એ તારા હગ્ગા બાપનું હતું, બીજા કોઈનું નંઈ!’ – ‘અહીં શીર્ષકની સાર્થકતા સાથે પશુતાને વટાવી જતી શાહુકારોની કામુકતા એના વાસ્તવ સાથે વાર્તારૂપ ધરે છે. આવો જ કડવો વાસ્તવ બનાવટી ‘આદર્શ’નું રૂપ લઈ ‘ઘરનું ઘર’ વાર્તામાં આકારાયો છે. અહીં પણ કેન્દ્રમાં તો શોષણ જ છે; પણ એનો પ્રકાર જુદો છે! કૃત્રિમ દયાભાવ, પ્રેમભાવ દાખવીને ગરીબોની જમીન છીનવી લેતા શાહુકારો ઘરનું ઘર બનાવી દેવાની લાલચ બતાવી અંતે તો અંગૂઠો જ બતાવે છે! મોસમમાં જ ભયાનક માવઠામાં કલવાના પિંઢેરિયાના ચારેય ભેડાં ધસી પડે એ પણ વિધિની વક્રતા જ! લેખકે શોષણ આલેખીને ય વાર્તા આકારી છે એનો આનંદ છે. ‘ચોથી શરત’ નાતજાતના વાડાને કારણે સર્જાતી પ્રણયીઓના જીવનની કરુણાન્તિકાનો વાસ્તવ આલેખે છે. મેઘાણીની ‘શેણી વિજાણંદ’, મડિયાની ‘ગળચટ્ટાં વખ’ કે સુન્દરમ્‌ની ‘ગોપી’નું સ્મરણ જગાવતી આ વાર્તાનો નાયક નટુ બજાણિયો છે. ‘કલા’ અહીં પણ સાહેબોના શોખનું કારણ બનતી વાર્તાનાયકનો પ્રાણ હરે છે! પોતાની બાપીકી કલા થકી મુખીની દીકરીનું મન મોહી લેતા નાયકની સામે લગ્ન માટે ચાર શરત મૂકાય; જેમાંની ચોથી – લગ્નમાં નાચવાની છે! – તેનો સ્વીકાર કરતો નટુ પોતાના લગ્નમાં પાનેતર ઓઢેલી પ્રિયતમા આગળ ઓતપ્રોત થતો નાચે ને અંતે લોહીની ઊલટી કરતો મોતને ભેટે ત્યારે તેને ખરા દિલથી ચાહતી મુખીપુત્રી સોનલ પણ દેહ છોડે એવો ઘેરો કરુણ વાર્તાને ચહેરાવતો તો નથી જ! ‘આઝાદીના લાડવા’માંનું દલિતસંવેદન હળવાશથી ગાંભીર્ય તરફ આગળ ધપતું કારુણ્યની સીમા વટાવી વેદનાનો વિસ્તાર બની શકે એ રીતે સર્જકસ્પર્શ પામ્યું છે. આ માત્ર સવર્ણો અને શાહુકારો માટે હતી અને છે એનો કડવો વાસ્તવ અહીં દલિતોને આઝાદીના ઉત્સવમાં ભાગ લેવા માટે લાડવા ખવડાવાય, ને એમાં ભેળવેલું ઝેર આખા હરિજનવાસને મોતના મોઢા સુધી લઈ જાય એવાં કારુણ્ય સુધી વિસ્તરે છે. ૧૯૪૭નો સમય પ્રજાના ભોળપણ અને વાસ્તવને લઈને આલેખાય છે. આઝાદી કોઈ સ્ત્રી હોવાનું માનતી પ્રજા સાથે ખેલાતી રમત સામે ‘તાજિયા’ વાર્તાને પણ તપાસી શકાય. આઝાદીના સમયની વાર્તા ‘આઝાદીના લાડવા’ની સાથે આઝાદીના અઢી દાયકા પછીનો વાસ્તવ આલેખતી ‘તાજિયા’ વાર્તા કનિષ્ઠ ને હલકટ રાજરમતનું ચિત્ર રજૂ કરે છે. લેખકની કથનરીતિ અને વર્ણનકલાનો ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય એવી આ વાર્તા લાંબી જરૂર છે, પણ લાંબી લાગતી નથી. તાજિયા; જે ગામ આખાનો પારિવારિક પ્રસંગ હતો તે મેલી રાજનીતિથી મુસ્લિમો પૂરતો સીમિત બની રહે એ બદલાતા સમયને આલેખે છે. તાજિયાના નકશીકામ જેવું જ ભાષાનું નકશીકામ લેખકની સર્જકતાનું પરિચાયક છે. શોષણ સામે અવાજ ન ઉઠાવી શકતાં પાત્રોની મનોદશાને વર્ણવતી વાર્તામાં ‘આદર્શ સોસાયટી’, ‘રોટલો નજરાઈ ગયો!’, ‘છગનાને ન સમજાતા સવાલો’ જેવી થોડી બીજી વાર્તાઓ પણ ઉમેરી શકાય. ‘આદર્શ સોસાયટી’ની રૂડી-રૂપાળી સફાઈ-કામદાર ગજરાને ભોગવવા તત્પર તનસુખરાય નિષ્ફળ જતાં ગજરાને બદનામ કરી સોસાયટી છોડાવે; ‘રોટલો નજરાઈ ગયો!’માં સવર્ણ મિન્ટુના સ્નેકબોક્સમાંથી નાસ્તો કરવાની ભૂલ (!) કરી બેસતો દલિત બાળક રઘુને સ્કૂલમાંથી ‘રસ્ટીકેટ’ કરવામાં આવે; ‘છગનાને ન સમજાતા સવાલો’-માં દલિતોને થતા અન્યાય સામે છગનાના મનમાં ઊઠતા અનેક સવાલો જવાબવિહોણા જ બની રહે એ લેખકનું છગના નિમિત્તે થયેલું સમાજ-દર્શન છે. દલિતો પ્રત્યે સમભાવ દર્શાવતા સવર્ણોની વૃત્તિમાં પણ કોઈ સ્વાર્થ જ હોવાની વાત છબિલદાસથી ઠીક-ઠીક ઊપસી છે. થોડાં બીજાં દલિત પાત્રો, સામાજિક વાસ્તવથી પર તો નથી; પણ તેઓનું બળૂકું વ્યકિતત્વ ભડાશ મારતા સવર્ણોનું પાણી ઉતારી શકે એટલું સબળ અને સક્ષમ જરૂર છે. ‘ખત્રીની દેરી’, ‘રામરાજ’ અને ‘માતા જોખણી’માં અનુક્રમે મળતાં મકનો, કરમલો અને શામો પૌરુષ છલકતાં પાત્રો છે. આક્રોશમાંથી ઊભરતી શૌર્યતા વાર્તાક્ષમ બની છે. છત્રા બારૈયા જેવા ખૂંખાર બહારવટિયાનો એકલપંડે સામનો કરતો માંસલ દેહધારી ખડતલ મકનો માત્ર દલિત હોવાને કારણે અપમાનિત થાય; છતાં ગામની આબરૂ સાચવવા શહીદ થતો મકનો ક્ષત્રિયપણાનું પ્રતીક બની, પૂજાય છે! શામો વ્યાજખોરોને પાઠ ભણાવતો પડછંદ પુરુષ તરીકે નિખરે છે. બાપે લીધેલા વ્યાજે સાઠ વર્ષેય પૂરા ન થતાં વ્યાજખોરોના હિસાબોની ઘાલમેલને પડકારતો શામો જરૂર પડ્યે મારામારી પર પણ ઊતરી આવે એવો બલિષ્ઠ છે. ‘રામરાજ’નો કરમલો વૃદ્ધાવસ્થામાં પોતાના શૌર્યનો પરિચય કરાવતો, પટેલો દ્વારા ચામડાં પકવતા કુંડની ફરતે થયેલી વાડને એકલે હાથે તોડી બતાવે; જાહેરમાં માર મારીને મોઢામાં પકડાવેલો ખાસડાનો બદલો લેવા એ મોકો શોધીને મુખીને આડીઓથી ફટકારે અને મોમાં તરણું ઝલાવે ત્યારે જ તેને કળ વળે છે. તેનું શૌર્ય-છલકતું પાત્ર તેનાં વાણી-વર્તનમાં અચ્છું આકારિત થઈ શક્યું છે. મકનો-શામો-કરમલો જેવાં શૌર્ય છલકતાં પાત્રો દ્વારા થતો શોષણનો વિરોધ માત્ર બાહ્ય જ નહીં, પણ લોહીમાં તદ્રૂપ થયેલા તેના આંતરને પણ પ્રગટાવે છે. યુગોથી અપમાનિત થતા આવેલા દલિત સમાજનો પ્રગટ એવો આક્રોશ સહજ બનતાં, વાજબી ઠરે છે. ક્યાંક નિરૂપાયેલી આછી-આછી અતિશયતા પણ અસ્વાભાવિક ન જણાતાં સહ્ય બની શકે તેવો સમભાવ ખીલવી શકી છે. ‘બેટરી’, ‘ડોબું’, ‘વેર’ જેવી વાર્તાઓમાં આલેખિત દલિતસંવેદન અને પ્રભાવક પાત્રાલેખન છે. ‘બેટરી’ની મોંઘી, ‘ડોબું’ની માલી અને ‘વેર’ની ઝલી ત્રણેય હોય એક જ મા-જણી બહેનો લાગે. નારીના સંવેદનસંદર્ભે પણ જોવી-તપાસવી ગમે તેવી આ વાર્તાઓમાં ‘ડોબું’ સ્ત્રીની અવદશાને તાકે છે. અહીં ડોબું એ સ્ત્રીની સ્થિતિનું સૂચક બને છે. પશુ સાથે પશુતાથી વર્તતો પુરુષ સ્ત્રી સાથે/સામે પણ એવો જ વ્યવહાર કરે એ માલીને પીડે છે. વેતરે આવેલી ભેંસ પર પાડા થેગાવવાનો ધંધો કરતો માલીનો બાપ માલીનું પણ મૂલ મૂકી, મસમોટી રકમ મેળવવા મથે; પણ માલી એના ચાહનાર હરિયા સાથે ભાગી નીકળે; ને એ હરિયોય માલીને વેચવા તૈયાર થાય ત્યારે એને ડોબાની જેમ બાંધી ધકેલી દેતી માલી સ્વમાની શીલવાન સ્ત્રી-રૂપે પ્રગટે છે! ‘બેટરી’ની મોંઘી પણ એટલી જ સ્વમાની છે. પોતાની સરળ બહેનનો બદલો લેવા બનેવી સાથે પરણતી મોંઘી બોધપાઠ આપીને જ જંપે છે! મોંઘીની જેમ જ બેનની પાછળ બનેવીને પરણતી ‘વેર’ની ઝલી માથાભારે ગલિયાને સીધોદોર કરીને રહે છે! ‘બેટરી’માં બેટરીના માધ્યમે ઊપસતું જેણાનું રોતલ, છોકરમત, જિદ્દી અને ઝનૂની એવું અલ્પમતિ વ્યક્તિત્વ, ‘ડોબું’માં પશુઓનું સંવનન અને ‘વેર’માં ગલાનું કપટી માનસ લેખકની વર્ણનકલાથી અસરકારક ઉઠાવ પામ્યું છે. પાત્રભાષા પણ એના અસલિયતની ઓળખ બની, વાર્તાની જીવતી નસ/વસ બની શકી છે. ‘આંગળિયાત’થી ‘દલિત સાહિત્યના મોભી’ મનાતા જૉસેફ મૅકવાનની વાર્તાઓનાં મોટાભાગનાં પાત્રો દલિત સમાજનાં હોવા છતાં ખૂબ ઓછી વાર્તાઓનું દલિતસંવેદન રજૂ થયું છે. ‘બાપનું લોય’ની કમરી, ‘ઘરનું ઘર’નો કલવો, ‘ચોથી શરત’નો નટવો અને ‘આઝાદીના લાડવા’ના કાળિયો-બુધિયો હજુયે આંખ સામે જીવિત છે, ત્યાં જ ‘આદર્શ સોસાયટી’ની ગજરા, ‘રોટલો નજરાઈ ગયો’નો રઘુ, ‘માથાજોખણી’નો શામો, ‘છગનાને ન સમજાતા સવાલો’નો છગનો, ‘રામરાજ’નો કરમલો, ‘ખત્રીની દેરી’નો મકનો આંખ સામે આવીને એનાં શોષણની ને શૌર્યની, ખાનદાનીની ને ખુમારીની, મજબૂરીની ને મર્યાદાની વાત કરવા લલચાવે છે. આ પાત્રો ઉપર્યુક્ત કુળ-મૂળનાં હોવા છતાં, ને એમની વેદના-સંવેદના પણ કમરી, કલવો, નટવો કે કાળિયા-બુધિયા સરીખી હોવા છતાં, એની અભિવ્યક્તિ અને પ્રસ્તુતિ જુદી છે. સ્થળ અને પાત્ર બદલાતાં વેદના અને શોષણ બદલાતાં નથી, એ તો એનાં એ જ રહે છે! ને એમાંથી એક સૂર એવો પણ નીકળે છે કે દલિતોનું શોષણ એ જાણે કે પ્રાંત આખાનો બાપે દીધો અધિકાર છે! એમાં કોઈ ગજરા જેથી સ્ત્રી શારીરિક શોષણથી બચવા માગે તો ખોટા આક્ષેપોથી અપમાનિત થાય છે, તો કોઈ સ્વ-બચાવ ન કરી શકતી કમરી જેવીને આયખું ટૂંકાવવું પડે છે! બહુ ઓછાં શામા ને કરમલા જેવાં પાત્રો એનો પડકાર ઝીલતાં સફળ રહે છે. ભારેલા અગ્નિ જેવો આ વર્ગનો આક્રોશ એમ જ મુરઝાઈને ઓલવાય જાય છે!

૦૦૦

જૉસેફ મૅકવાનની ઉપર્યુક્ત વાર્તાઓમાંથી પસાર થતાં એક વાત તો નિર્વિવાદ છે કે સર્જક પાસે વસ્તુને ખીલવવાની હથોટી છે. વિષયસમૃદ્ધિ પણ માતબર છે. અહીં જોઈ શકાય છે તેમ, પસંદગીની વાર્તાઓમાં જ કેટલું વિષયવૈવિધ્ય છે! ટૂંકીવાર્તામાં નારીનો અભ્યાસ કરતા હોઈએ એટલે પન્નાભાભી, રતન, રાહલી, મોંઘી, માલી, ઝલીને સ્મરવી પડે! મનોવૈજ્ઞાનિક અભિગમ લઈને વાર્તા તપાસતા હોઈએ તો ‘ચાવી’, ‘પીંજરનો પોપટ’, ‘મરઘો’, ‘અનિવાર્ય કારણ’, ‘બેટરી’, ‘ડોબું’, ‘છગનાને ન સમજાતા સવાલો’ વગેરેનો સંદર્ભ ટાંકવો પડે! શોષણની વાત પણ અહીં કેટકેટલી વાર્તાઓથી સપાટી પર આવે છે! સાહિત્યનું સમાજશાસ્ત્રીય અધ્યયન કરનારે તો લગભગ તમામ વાર્તાઓ ઉપકારક બને! વાર્તાકારને વિષયની ખોટ સાલી નથી. એમના અનુભવોની મંજૂસમાં હાથ નાખો ને સંવેદનસભર કોઈ નવ્ય વિષય હાથ લાગે! ક્યાંક એ બોલકા બનીને પણ કહેવાનું છે એ કરી જ નાખે છે! હા, એમાં તીવ્ર સંવેદનઅનુભૂતિ, મનની આંટીઘૂંટી, ઘટનાની ભરચકતા અને પાત્રોની ગતિવિધિ વાચકને કોઈપણ વાર્તામાં રસ લેતા જરૂર કરે! જૉસેફ મૅકવાનની વાર્તાની ભાષા બળૂકી છે. તળબાની વાસ્તવનો નિકટથી પરિચય કરાવે છે. સંવાદો ઓછા, છતાં ધારદાર અને તેજીલા-વેગીલા છે. ઘણે સ્થળે પાત્ર/સ્થળ/ઘટનાવર્ણન પ્રભાવક છે. વાતાવરણ પણ વિષય અનુરૂપ છે. માનવમનની ખામીઓ ને ખૂબીઓ પ્રગટાવતી એમની વાર્તાઓમાંથી તત્કાલીન સમાજચિત્ર પણ ઊપસે છે. એ દૃષ્ટિએ આ વાર્તાઓનું સામાજિક મૂલ્ય પણ છે. વાર્તામાં ફલેશબૅક ટેકનિક એકાધિક વાર્તામાં પ્રયોજાઈ છે. ‘કાંધનો હક’, ‘મરધો’, ‘વાંઝિયો આંબો’, ‘અનિવાર્ય કારણ’ આદિમાં એ ફળદાયી પણ નીવડી છે’ અંતમાં આવતી ચોટ-ની પ્રયુક્તિ પણ વાર્તાકાર અહીં થોડી વાર્તામાં (જેમ કે, ‘પન્નાભાભી’, ‘ચાવી’, ‘પાઘડી’, ‘તાજિયા વગેરેમાં) પ્રયોજે છે; જે આ વાર્તાની સફળતાનો આધાર પણ બને છે. એકંદરે આ વાર્તાઓ વાચકને સંતોષે છે. પાત્રોનું ખૂલતું આંતર વાચકને પોતાના હોવાનો વિશ્વાસ જગાવી, નૈકટ્ય કેળવતું મનોજગતમાં આસાનીથી સ્થાન મેળવી લે છે. તેમાંયે લેખકનો સ્વાનુભૂત યથાર્થ વિશ્વાસનું વાતાવરણ રચે છે. પાત્રોનાં મુખથી નહીં, પણ નાભિમાંથી પ્રગટતા સંવાદોની તળપદ બાની હૃદયને સીધી જ સ્પર્શે છે, તો ગ્રામીણ પરિવેશ વાર્તાનુરૂપ માહોલ રચી આપે છે. ચરોતરી ગ્રામસમાજનો જાતઅનુભવ લેખકને વાર્તારસ ખીલવવામાં ખપમાં લાગ્યો છે. દલિતસમાજનાં, તળજીવન જીવતાં પાત્રોનાં અંધકારભર્યા આયખાંની ઉજાસભરી શાલીનતાને નિકટથી નીરખતા લેખક તેમાં ભાગ્યે જ કલ્પનાનો રંગ ચડાવી વાર્તારૂપ આપવા મથે છે. પાત્ર અને પરિસ્થિતિનું વિગતે બયાન કરી, સમગ્ર યથાર્થને એક જ શીર્ષક તળે આકારવા માગતા લેખક જ્યાં લાઘવનો મહિમા વીસરી ગયા છે, ત્યાં વાર્તા શિથિલાતી જાય છે. કલાન્યાયે ક્યાંક ઊણી ઊતરતી વાર્તા, તોયે પાત્રન્યાય તો ઠરે જ છે! જ્યાં સંકેતથી સૂચવી શકાતું હતું ત્યાં પલાંઠી વાળીને વાર્તાની માંડણી કરવા લેખક વિસ્તરે છે ત્યાં વાર્તાતત્ત્વ જોખમાયું છે. પરંતુ જીવતરને ધોખો નહીં દેવાનું મનોબળ એમની વાર્તાનું સંખ્યાબળ વધારતું રહે છે. જો કે, આ વાર્તાઓ જીવશે તો એના તળ સંસ્કૃતિના જીવંત વાતાવરણથી, પાત્રોના આંતરનો ઉજાશ રેલાવતી માનવતાથી; ને વિશેષ તો તાકાતવર બોલીના જોમભર્યા સંવાદો અને દૃશ્યાત્મક વર્ણનકલાથી. અસ્તિત્વના આધાર માટે આ પણ કંઈ નાનું-સૂનું તો નથી જ!

ગુણવંત વ્યાસ
આણંદ
મો. ૯૪૨૬૩ ૧૭૯૧૩