ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઘનશ્યામ દેસાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘ટોળું’ : ઘનશ્યામ દેસાઈ

પાયલ પટેલ

Ghanashyama Desai.jpg

મલયાનિલથી શરૂ થયેલો વાર્તાપ્રવાહ આજદિન સુધી અવિરત વહેતો રહ્યો છે. તેનું કારણ છે કે સમર્થ વાર્તાકારોએ તેને માટે પ્રાણ રેડ્યો છે. કોઈ કોઈ બહુ ચર્ચિત નથી, પણ થાય. પરંતુ એકંદરે આ પ્રવાહમાં દરેકે પોતાનો યત્કિંચિત્‌ ફાળો નોંધાવ્યો જરૂર છે. સુરેશ જોષીથી શરૂ થયેલા આ આધુનિકતાના જુવાળને અન્ય સાહિત્યકારો એ પણ જીવંત રાખ્યો છે. ઘનશ્યામ દેસાઈ એવા જ એક સમર્થ વાર્તાકાર છે. તેમનો જન્મ દેવગઢબારિયા (જિ.દાહોદ)માં ૪ જૂન, ૧૯૩૪નાં રોજ થયો હતો. તેમની પાસેથી એક માત્ર વાર્તાસંગ્રહ ‘ટોળું’ (૧૯૭૭) મળે છે જે ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયેલો છે. આ વાર્તાસંગ્રહમાં કુલ ૨૦ વાર્તાઓ છે. જેનું પ્રકાશન આર. આર. શેઠ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. વ્યક્તિ પોતાની મરજી મુજબ ક્યારેય જીવી શકતો નથી તે વાતની પ્રતીતિ આ સંગ્રહની વાર્તાઓ કરાવે છે. સંગ્રહની પ્રથમ વાર્તા જ પ્રતીકાત્મક છે. એક ફેન્ટસી ઉપર લખાયેલી આ વાર્તા કાગડો પ્રથમ ક્રમે અને સાથે આકર્ષક વાર્તા પણ છે. વૃક્ષ, પવન, દરિયો જેવાં પ્રકૃતિનાં તત્ત્વોને સર્જકે મનુષ્ય શ્રેણીમાં મૂકીને તેને વાચા આપી હોય એવું આ વાર્તામાંથી પસાર થતાં જણાશે. એક સાધારણ કદનું પક્ષી કાગડો દરિયાના કિનારે આવી ભીની રેતીમાં આળોટતા નાયકને તીક્ષ્ણ નહોર વડે વીંધી નાખી તેના સમગ્ર શરીરમાંથી માંસના લોચા તથા નસો છૂટાં પાડી ખાઈ રહ્યો છે. નાયક દર્દ અને પીડાથી કણસી રહ્યો છે છતાં તેના મુખમાંથી અવાજ નીકળતો નથી. આકાશમાંથી ઊડીને આવતો આ કાગડો પ્રથમ તો એક કાળું ટપકું હોય એવડો જ દેખાય છે પરંતુ તે જેમ જેમ નાયક નજીક આવે છે તેમ તેમ રાક્ષસી કદનો બનતો જાય છે. આ કાગડો કોઈ સામાન્ય કાગડો નહોતો. સામાન્ય રીતે કાગડો ઉંદર, જીવડાં જેવા જીવો ખાઈને પોતાનો આહાર લેતો હોય છે જ્યારે આ કાગડો એક રાક્ષસી કાગડો હતો જે જીવતાં-જાગતાં મનુષ્યોને શિકાર બનાવે છે. કાગડો જેમ-જેમ નાયકના દેહને ચૂંથી ખાઈ રહ્યો હતો તેમ તે જીવનવિહોણો બની રહ્યો હતો. એટલે સુધી કે છેવટે તે પોતે પણ પેલા રાક્ષસી કાગડા પાછળ ઘસડાઈને કાગડામાં પરાવર્તિત થઈ જાય છે. ઊડતો-ઊડતો તે પેલા દરિયાકિનારે આવ્યો અને અચાનક તેને ક્ષુધાનો અનુભવ થાય છે. તે કંઈક ખાવાનું શોધવા મજબુર થઈ જાય છે. રેતીના ઢગલાંમાં ફંફોસતાં તેને એક માનવદેહ મળે છે. ઘડીક તો તે આનંદથી ચિત્કારી ઊઠે છે. જેમ જેમ તે એ દેહને ખાવા લાગ્યો તેને ખબર પડી કે તે પોતાનો જ નિર્જીવ દેહ પડ્યો છે. પોતાના જ મૃતદેહને ખાવા જતાં તેને ઘડીભર સંકોચ પણ થાય છે. ‘ગોકળજીનો વેલો’માં એક આખી વંશાવલીનો સમગ્ર ચિતાર અહીં આ વાર્તામાં મળે છે. તેમની વાર્તાઓમાં એટલું લાઘવ છે કે તેમાંથી આપણે કશું બાદ ન કરી શકીએ. એટલી ચુસ્તતાથી તેમણે વાર્તાઓનું પુટ પસંદ કર્યું છે. આ વંશવેલાનાં મૂળ છે ગોકળજી. જે તેમના ગામના નગરશેઠ હતા. નાયક ગોકળજીનો વંશજ છે તેથી આ આખી વાર્તા તેના દ્વારા કહેવામાં આવી છે. અહીં દરેક વ્યક્તિની ખાસિયત અને તેની કમજોરીને આલેખવામાં આવી છે. એક પ્રસંગ અહીં નાયક ટાંકે છે. તેના વડદાદા એટલે કે ગોકળજીના વિવાહ તેમની શેરીમાં જ પાંચમા ઘરે રહેતી છોકરી સાથે થવાના હતા. પરંતુ, એક રાત્રે કમોસમી વરસાદ થતાં પાણીની નીક આગળથી પથરો ન ઉઠાવતાં બીજા બધાં ઘરોમાં ખૂબ પાણી ભરાઈ ગયાં. ગોકળજી વરસાદના ભારને કારણે ઊઠ્યા નહિ, તેમણે દરવાજો ન ખોલ્યો. રાત્રે આજુબાજુના દરેક ઘરમાં માથાડૂબ પાણી ભરાઈ ગયાં. સવારે ગોકળજીના સસરાએ પોતાની દીકરી સાથેના વિવાહ ફોક કર્યા અને ગોકળજી જટીદાદી સાથે વિવાહના બંધનમાં બંધાયા. નાયક વાર્તાના અંતમાં કહે છે આ આટલો આગળ વધેલો વંશવેલો ન વધ્યો હોત જો તે દિવસે તેમણે તે પથરો હટાવી દીધો હોત. ‘વસંતનું સપનું’માં વસંત પોતે અપરણિત છે પરંતુ તેને સ્વપ્ન આવે છે કે તે પરણી ગયો છે. તેને પત્ની છે અને ત્રણ છોકરાં પણ છે. પરણ્યા પછી ઘરનું ગુજરાન ચલાવવા અને ખાવા-પીવાનું પહોંચી ન વળતાં ઘરમાં થતાં કંકાસને તે મૂંગે મોઢે સાંભળ્યા કરે છે. તેને પત્ની દ્વારા પણ કવેણ સાંભળવાં પડે છે. માત્ર પરણીને સુખી નથી થવાતું પરણ્યા પછીની જવાબદારીઓને પહોંચી વળવા માટે પણ વસંતને સમર્થ થવું જરૂરી છે. તેનું આ માત્ર એક સપનું છે. તે તો હજી કૉલેજમાં ભણે છે. ગાવામાં રાગ સારો છે તેથી તેને કૉલેજના ફંકશનમાં ગાવા માટે પસંદ કરવામાં આવે છે. સુધા નામની એક છોકરી સાથે તેને કોરસમાં ગાવાનું છે. તે દિવાસ્વપ્નમાં રાચે છે કે પોતે ગાઈને એક મશહૂર ગવૈયો બનીને દુનિયામાં નામ કમાશે. તેનાં સુધા સાથે લગ્ન થશે. પૈસા કમાયા બાદ તે તેને પરણશે. તેને જે સ્વપ્ન લાગતું હતું તે જ હકીકતમાં બને છે. બીજા દિવસે ભાડું લેવાવાળો ભૈયો કિરાયા દો..!ની બૂમો વરસાવી રહ્યો હતો. પત્ની તથા ત્રણ બાળકો તેનું વાસ્તવ જીવન છે તે બધાને બિચારા બનીને નતમસ્તક એકબાજુ ઊભેલાં જુવે છે. આ તેનું વાસ્તવિક જગત હતું અને પેલું તેનું સ્વપ્ન. તે વાસ્તવિક ભૂમિ પર આવી પછડાયો હતો. ‘તુકા મ્હાણે’માં જન્મ, લગ્ન અને મૃત્યુ વખતની પરિસ્થિતિઓની વાસ્તવિકતા સમજાવવામાં આવી છે. ગેન્યો નામે એક ડબઘરીયો છે જે ઢોલ, નગારાં તથા તબલાં વગેરેને ચામડું મઢી આપવાનું કામ કરે છે. આ વાર્તા એક મહારાષ્ટ્રીયન પરિવેશ પર આધારિત છે. મુખ્ય ઘટના એ છે કે આ ગેન્યાની માતાનું મૃત્યુ થયું છે. ચુડાપ્પા નામના એક ભગત વ્યક્તિનું અહીં એક પાત્ર છે. બાલ્યા અને કાશીરામ નામના બે વ્યક્તિઓ ઢોલ અને મંજીરાં સારી રીતે વગાડી જાણતા હતા. ડોશીની નનામી જ્યારે સ્મશાને જવા નીકળી ત્યારે વધારે પડતો દારૂ પીધેલા આ બે જણ મરણનો ઢોલ વગાડવાની જગ્યા એ લગ્નગીતો વગાડવા લાગ્યા. આ બધાનું કારણ એ હતું કે તેઓને દારૂ ચડી ગઈ હતી. લગ્નના તાલે નનામીમાં પડેલું લક્ષ્મીઆઈનું માથું પણ ડાબે-જમણે હલી રહ્યું હતું. જ્યારે મૂળ તાલ વગાડવામાં આવ્યો ત્યારે પણ લક્ષ્મીઆઈ તો તેમ જ હતા. ચુડપ્પાને લાગ્યું કે તુકારામનું પેલું અભંગ ‘બધું એક જ છે તુકા, બધું એક જ છે લગ્ન, જીવન અને મરણ’ અને તે ખડખડાટ હસી પડ્યા. રેણ એટલે ફરીથી જોડવામાં આવેલું અથવા સાંધેલું. નાયકના પિતાને કરિયાણાની દુકાન છે. આગળના ભાગમાં દુકાન છે અને પાછળના ભાગમાં મકાન છે જેમાં તેઓ રહે છે. પિતાજી મોટેભાગે જેલમાંથી છૂટીને આવેલા ઇસ્માઇલને ત્યાં જ હોય. ચલમ ફૂંકતા હોય કાં તો દારૂ કે અફીણ પણ. બા -બાપુને જરાય બનતું નથી. બાપુ બાને મારે છે. જ્યારથી નાયક સમજણો થયો ત્યારથી તે પણ બાપુનો બેસુમાર માર ખાય છે. તેને પિતા જરાય ગમતા નથી. બા-બાપુ વચ્ચે જ્યારથી પરણ્યા ત્યારથી જ કંકાસ છે, જેથી આ ઘરમાં લક્ષ્મી ટકતી નથી તેવી ગામ લોકો પણ વાતો કરે છે. દરરોજનો આવો જુલમ કોઈ પણ સહન ન કરે સમય આવે તે પણ બગાવત કરે. કાલ્પનિક મોટો ભાઈ ઊભો કરીને નાયક અહીં બાપુ પ્રત્યે બગાવત કરવાની તૈયારી બતાવે છે. એક દિવસ પિતાએ તેને ઢોર માર માર્યો તેને ઘડીક સામે મારવાની ઇચ્છા થઈ આવી પરંતુ હિંમત ચાલી નહીં. આખરે જીત્યા તો બાપુ જ. આ કાલ્પનિક મોટા ભાઈ સાથે તે બાપાની પેશાબ કરવાની જગ્યાએ રેણ હોત તો કહી ખડખડાટ હસી પડે છે. ‘ચીસ’ વાર્તામાં મૃત પત્નીને યાદ કરીને તેની ઉણપ અનુભવતા હરસુખરાયની આ વાર્તામાં વાત કરવામાં આવી છે. પત્ની શારદાનું હરસુખરાય તર્પણ કરાવ્યા છતાં આજે દસ દિવસ પછી પણ તેને ભૂલી શકતા નથી. તેમને દરેક નાની મોટી વાતે પત્ની યાદ આવે છે. તેને સંભારીને તેઓ સાવ સૂનમૂન થઈને બેસી રહે છે. શારદાને ક્ષય રોગ લાગુ પડ્યો હતો. તેમને બે બાળકો પણ છે. ચાર વર્ષની મંજુ અને અઢી વર્ષનો જયેશ. બંનેને તે નોંધારા કરીને ચાલી ગઈ હતી. મૃત વ્યક્તિ પાછળનો તલસાટ આ વાર્તામાં કરુણ ભાવ ઉપસાવે છે. માથામાં કરાવેલા મુંડનને જોઈને બંને બાળકો ગેલમાં આવી જાય છે. તે બંને જાણતાં નથી કે હવે તેઓ મા વિનાના થઈ ગયા છે. મંજુ અને જયેશ બાપાએ કરાવેલા મુંડન પર હસતા હતા. હરસુખરાય પણ એક તીણી ચીસ સાથે હસવા લાગ્યા. ‘પરપોટા ખોવાઈ ગયા’ વાર્તા યુરોપના પરિવેશ અને યુરોપીય પાત્રો ધરાવતી વાર્તા છે. આ વાર્તા એક યુરોપિયન પરિવારના ઇવાન, ઓલેંકા અને તેનો નાનકડો પુત્ર સાશાને લઈને લખાઈ છે. ઇવાનનો એક મિત્ર લાડિમિર એન્દ્રેવિચ ઇવાનની બીમાર પત્ની ઓલેંકાને લઈને પોતાના નોવોપાંસ્કોયેના બંગલામાં રહેવા જવા સૂચવે છે. હવાફેરથી તે ઠીક થઈ જશે અને તેને પણ ત્યાં આરામ મળશે તેવું કહી. આ ઓસ્ટ્રોવ્સ્કી કુટુંબ સાથે એક નાની સ્પેનિશ કૂતરી લુક્રેયા પણ સાથે છે. સાશા અને લુક્રેયા દરિયાકિનારે ફરવા જાય છે. તે દરિયા સાથે વાતો કરે છે. ધીમે-ધીમે સમુદ્રનાં મોજા ઊછળવાથી ફીણમાંથી પરપોટા બને છે. મોટા-મોટા પરપોટા સમુદ્રને અને આજુબાજુના સમગ્ર કિનારા તથા સાશા અને લુક્રેયાને પણ આવરી લે છે. ઊછળતા દરિયાને જોઈને સાશાને થાય છે કે હમણાં આખો દરિયો ખાલી થઈ જશે અને તેની જગ્યાએ એક મોટું ખાબડું થઈ જશે. આ પરપોટા મસમોટા થઈને સાશાને ઘેરી વળે છે ત્યારે તેને આ પરપોટાથી ગૂંગળામણનો અનુભવ થાય છે તેને થાય છે કે હાલ કાં તો તેનો જીવ જતો રહે. તે ફટ દઈને એક જ ઝટકામાં માથું ઊંચું કરી બેસી ગયો અને બચી ગયો. જેવું આ દરિયાની આસપાસનું પહેલાં હતું તેવું જ થઈ ગયો અને તે મુક્ત મને ખડખડાટ હસી પડ્યો. ‘ફરી એક વાર’માં પોતાની પત્ની લીના અને મિત્ર અતુલ પર વહેમાતા પતિની આ વાત છે. દામ્પત્યજીવનમાં જો એક વાર વહેમનો કીડો ઘૂસી જાય તો આખું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. અને તેના કારણે સંબંધોમાં પણ મસમોટી તિરાડ આવી જાય છે. પોતે બસમાં બેઠાં-બેઠાં અતુલ અને લીનાને એક જ છત્રીમાં ખભેખભો અડાડીને ઘર બાજુ જતાં જોયાં હતાં ત્યારથી જ તેનું મન ઉદ્વિગ્ન હતું. અતુલ અને નાયક બંને કૉલેજકાળથી દોસ્ત છે પરંતુ અતુલ માણસ સારો નથી તેથી લીના તેનાથી ભોળવાઈ જાય તે પણ બની શકે એવું વિચારે છે. પોતે એક સેલ્સમેનની નોકરી કરે છે તેથી ગમે ત્યારે બહાર જવાનું પણ બનતું. અતુલ આ રીતે તેની ગેરહાજરીનો ફાયદો ઊઠાવી લીનાને ભોળવી જાય. અને તેઓ અડોશપડોશમાં જ રહેતા હતા તેથી બીજા કોઈને કદાચ કોઈ શક ન પણ જાય. તેના મનમાં લીના અને અતુલને લઈને ખૂબ જ ગડમથલ ચાલે છે. ઘડીકમાં તેને લીના નિર્દોષ તો ઘડીકમાં છેતરામણી લાગ્યા કરે છે. તેણે આ શકનો કીડો કાઢવા કંપનીના કામથી પોતે નહિ આવી શકે તેવું બહાનું બનાવી અતુલ અને લીનાને એકલાં જ નૃત્યનાટિકા જોવા માટે મોકલ્યાં. પોતે પણ એ બંનેથી છુપાઈને પાછળની સીટમાં જઈ તેમની બધી હિલચાલ દેખાય તેમ અંધારામાં બેઠો. સમગ્ર નાટક દરમિયાન તેની નજર તે બંને ઉપર જ હતી. તેઓ બંને એકબીજાના આલિંગનમાં બેઠાં હોય ખભેખભા અડાડીને તેવો તેને ભ્રમ થયો. થોડા દિવસ પછી તેને કંપનીના કામે દસ દિવસ બહાર જવાનું થયું. તે જોવા માગતો હતો કે અતુલ આવે છે કે કેમ? તે દસ દિવસને બદલે ચાર દિવસમાં જ પરત આવી ગયો. આવીને પત્ની સાથે થોડી દલીલો પણ કરી. પત્નીએ જણાવ્યું કે તેના મનમાં શું ચાલે છે તે બધું તે જાણે છે. અને પછી કદી ન વહેમાવાનું વચન પણ તેણે આપ્યું. થોડી વારમાં ઘંટડી વાગી અને જોયું તો સામે અતુલ ઊભો હતો. તેના મગજમાં અતુલ પ્રત્યે ખુન્નસ ઊભરાયું. અતુલ ખડખડાટ હસી પડ્યો અને તે ભોંઠો પડી તેની સામે જોઈ રહ્યો. ‘લાલ બોપટ્ટી’માં લાલ બોપટ્ટીવાળી એ છોકરી રમાને યાદ કરીને નાયક આજે તેનાં સંભારણાં વાગોળે છે. એક જ ગામમાં નાયક અને તેનો મિત્ર વિનાયક અને આ રમા રહેતાં હતાં. રમા વિનાયક સાથે પરણીને ઠરીઠામ થઈ હતી. તેનું માગુ નાયક માટે આવ્યું હતું પરંતુ પોતે ત્યારે પરણવાના મૂડમાં જરાય નહોતો તેથી તેની પસંદગી વિનાયક પર ઢળી. હાલ રમાની અને તેના મનની જે પરિસ્થિતિ છે તે જો તેની સાથે પોતે લગ્ન કર્યાં હોત તો આવી ન આવી હોત જાણી મનમાં દુઃખી થાય છે. તે વિનાયક અને રમાને રવિવારના દિવસે મળવા આવે છે અને બંનેને ઝઘડતાં જોઈને ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળે છે. ‘નેપોલિયન નપુંસક હતો?’માં નેપોલિયને પોતાનો ગુરુ માનનાર તે. તેને પોતાના પિતા સાથે અણબન હોવાના કારણે રૂપિયા આવે જાહોજલાલીને ત્યાગીને તે એક જૂની પુરાણી કોટડીમાં ખપ જેટલાં જ કપડાં પુસ્તકો અને કાષ્ઠ મૂર્તિઓ સાથે તે મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહે છે. નાયકની મુલાકાત તેની સાથે એક સામાન્ય હોટલમાં થઈ હતી. દારૂનો શોખીન હોવાના લીધે લાગ મળે ત્યારે પીઠે જઈને તે પી આવતો. નાયક તેના પિતા સાથે તેને સારો વર્તાવ કરવા અને તેમની સાથે રહેવા ચાલી જવા સમજાવે છે. તે વારંવાર આપઘાતની વાતો કર્યા કરે છે પરંતુ તે તેના પિતાને ધિક્કારે છે. નેપોલિયનને તે પોતાનો આદર્શ માને છે. એક દિવસ અચાનક નાયકને તેનો પત્ર મળે છે તે તેને મળવા બોલાવે છે. હવે તે તેના પિતા સાથે સમાધાન કરશે એવું પણ પત્રમાં જણાવે છે. તેના પિતા અને નાયક તેના ઘરે પહોંચ્યા કે તેમને બંનેને પેલાનું શબ જોવા મળ્યું. નાયક અને તેના પિતા બંને જાણે પોતાના પર આભ ફાટ્યું હોય તેમ ડઘાઈ ગયા. આપઘાત કરવાના તેના ઇરાદાને તેણે નેપોલિયનની જેમ અમલમાં મૂક્યો. ‘કાચિંડો’ વાર્તામાં મનમાં ઊભરતી રાક્ષસી વૃત્તિઓને એક બાળક દ્વારા પશુઓ પર કેવા અત્યાચાર રૂપે ઠાલવવામાં આવે છે તેની વાત છે. કાર્તિક તેના મમ્મી-પપ્પા સાથે અહીં પાંચમા નંબરના બંગલામાં રહેવા આવ્યો છે તેને માંડ બે-ત્રણ મહિના જેટલો સમય થયો છે. બાજુના બંગલામાં મિ. અને મિસીસ મહેતા રહે છે. કાર્તિક સાથે તેમનો થોડો ઘણો પરિચય હતો. એક દિવસ મિ. મહેતાએ પોતાના બંગલાના બીજા માળની બારીમાંથી એક સ્કૂલ બસના ડ્રાઇવર અને કંડક્ટરને કાર્તિક સાથે અડપલાં કરતા જોયા, તેમણે તે વાત કાર્તિકના પિતાને જણાવી. પિતાના ઢોર માર મારવાની બીકને કારણે કાર્તિક કશું જણાવી શકતો નહોતો. પરંતુ તે પશુઓ પર દમન કરી તેની આવી હિંસક વૃત્તિઓને પોષે છે. ખુન્નસે ભરાયેલા ડ્રાઇવર અને કંડક્ટર કાર્તિકના પિતાને પોતાના કૃત્યની ખબર પડી છે તે જાણી ડઘાઈ ગયા. કાર્તિકે મારેલા પેલા કાચિંડા પર લાલ મંકોડા ફરી વળ્યા હતા. તેઓ હાથમાં આવેલ ખોરાકની લિજ્જત માણતા હતા. હવે કાચિંડાની જગ્યાએ માત્ર તેની નિશાનીઓ જ રહી ગઈ હતી. ‘હૂંફ’ વાર્તામાં રોહિતને સરિતા સાથે લગ્ન કરવાં છે જ્યારે સરિતા કોઈ અનિલ નામના યુવકને ચાહે છે અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આવતા સોમવારે રોહિત સરિતાને પરણવાનો છે પરંતુ સરિતાને અનિલ સાથે સોમવારના આગલા દિવસે રવિવારે જ ભાગી જઈને અનિલ સાથે લગ્ન કરવાના છે. રોહિત ભગ્ન હૃદયી માણસ છે અને તેને હૂંફની જરૂર છે તેવું કહ્યા કરે છે. જ્યારે સરિતા અનિલ સાથેની હૂંફની ક્ષણોને વાગોળ્યા કરે છે. તે દિવાસ્વપ્ન જોયા કરે છે કે કેવી રીતે લગ્નના આગલા દિવસે તે મુંબઈ અથવા તો બીજી કોઈ જગ્યાએ અનિલ સાથે ભાગી જશે. તે રોહિતને કહ્યા કરે છે જ્યારે રોહિત સરિતાને હું એકલો છું, મારે હૂંફની જરૂર છે. એક સાથી જોઈએ છે મારે, જે... કરીને ગણગણ્યા કરે છે. ‘ગણગણાટ’ વાર્તામાં પત્નીને કારણે પોતાને બીજા બધા લોકો દ્વેષી સમજે છે તેની વાત છે. તેના પર ખોટા આક્ષેપો કરે છે અને તેને મારી મારીને અધમૂઓ કરી નાખે છે. જોકે પત્નીની બધી વૃત્તિઓને લીધે તે તેની પત્નીને ખૂબ જ ધિક્કારે છે. તેને તેના મોઢા પર એક ઝેરી સાપ હોવાનો ભાવ જાગે છે અને સાથે અણગમો પણ. તે પત્નીને ઢોર માર મારતો ત્યારે આજુબાજુના લોકો ભેગા થઈને પત્નીનો બચાવ કરે છે જે તેને દીઠું ગમતું નહોતું. પત્નીના આવા એકધારા કર્કશભર્યા અવાજ સાથે આજુબાજુની સૃષ્ટિનો ગણગણાટ તેને સતત સંભળાતો રહે છે અને તે ચીડિયો બની જતો. તેણે અંધારી ઠંડી રાતના ચમકારામાં અંદરના ઓરડામાં એક મડદું લટકે છે જેને જોઈને તે આભો બની જાય છે, તેને કંઈ જ સૂઝતું નથી. નીચેથી સતત તેને ત્રાડ પડવાના, પંજા પછાડવાના હિંસક પ્રાણીઓ જેવા અવાજ સંભળાયા કરે છે. જેમ એક પારધી શિકાર પર તૂટી પડે એમ લોકો તેના દેહ પર તૂટી પડ્યા અને તેના એક એક અવયવો ખેંચીને બહાર કાઢવા લાગ્યા. ‘લીલો ફણગો’ વાર્તામાં સિત્તેર વર્ષના એક વૃદ્ધની વાત છે. આ વૃદ્ધ વ્યક્તિ તેની બાળપણની, યુવાનીની સ્મૃતિઓની યાદ કરીને જાતને ઢંઢોળે છે. પત્ની અને બાળક મૃત્યુ પામ્યાં છે. હવે તે એકલો-અટૂલો જીવન વિતાવી રહ્યો છે. ઘરડા થયે શરીરના કેવા હાલહવાલ થાય છે અને એકાકી જીવન જીવવાવાળાએ કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે પણ અહીં સર્જકે જણાવ્યું છે. પોતે જે મકાનમાં રહીને જીવનનાં આટલાં વર્ષો ગાળ્યાં છે તેની સાથે હવે ઘર અને લાકડાંનો કઠેરો પણ વૃદ્ધ અને જર્જરિત બન્યા છે. લાકડાંનો કઠેરો એટલો જર્જરિત છે કે તેને પકડીને ઊભા રહેવામાં પણ હવે જોખમ છે. આ ઉંમરે હવે તેને શાંતિની ઝંખના છે. આ ઘર કે જેમાં તે રહે છે તે તૂટી જાય અને આજુબાજુમાં રહેતા પાડોશીઓ બધાં જ આ ઈંટના મકાનમાં દટાઈને મરી જાય તો જ તેને શાંતિ મળે તેમ છે તેવા વિચારો તેને આવ્યા કરે છે. રસપ્રદ વાત તો એ છે કે તે બીજાના મૃત્યુને ઝંખે છે પરંતુ તેનું પોતાનું મૃત્યુ થાય એ તેને મંજૂર નથી. હજી જીવવાની આશા છે. આ જીવન એ ભગવાનની આપેલી થાપણ છે તેને આત્મઘાત કરીને નાશ ન કરી શકાય. કોઈ એવો પ્રલય આવે કે જેમાં બધાં ભસ્મીભૂત થઈ જાય અને પોતે બચી જાય તેવી કામના કરે છે. ફણગો એટલે મૃત્યુ. આજદિન સુધી જે જમીનને વાવ્યા કરી છે તેમાં ખાતર ભર્યું છે તેને મઠારી છે તે આ મૃત્યુ એટલે જ લીલો ફણગો. આપઘાત કરવાનો વિચાર તેને ઠેઠ સુધી આવે છે પરંતુ બીજી બાજુ તે શાસ્ત્રોક્ત વાતો પણ કહ્યા કરે છે. ‘મૂર્ચ્છા’માં જેનું જે કાર્ય હોય તેમાં તે નિપુણ હોય છે અને તેનું કાર્ય બીજાને સોંપવામાં આવે તો કેવી હાનિ થાય છે તેની વાત છે. કામની અદલા-બદલી કરવામાં આવે તો પરિણામ તો વિપરીત જ આવે. ભગવાન દ્વારા મનુષ્યને આપવામાં આવેલી આયુ મર્યાદા તેના પ્રમાણમાં રહે તો જ આ સૃષ્ટિનું ચક્ર સીધું ફરે બાકી ધાર્યું પરિણામ ન મળે. જો ઉંમર વધી જાય તો તે દેહ નિરર્થક નીવડે તેની વાત અહીં સર્જકે કરી છે. ભગવાન શંકર અને બ્રહ્મા વચ્ચેના સંવાદની અને નારદ દ્વારા તે બંનેની વચ્ચે થયેલ સમસ્યાનો માર્ગ કાઢવાની વાત અહીં છે. બ્રહ્માનું કામ જીવન આપવાનું અને શંકર ભગવાનનું કામ સંહાર છે. પરંતુ બંનેના કામની નારદે કહ્યું તેમ અદલાબદલી થાય તો પરિણામ શું આવે? હવે ઉંમર થતાં પૃથ્વી પરના લોકોને સ્મૃતિભ્રમ પણ થવા લાગ્યા હતા. પૃથ્વી પર જેટલા હતા તેટલા સમય સાથે વૃદ્ધ થયા. નવા કોઈ જન્મ્યા નહિ ને તેમાંના કોઈ મૃત્યુ પામ્યા નહિ. સમયચક્ર અટકી જાય તો કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તેનો ચિતાર અહીં આપવામાં આવ્યો છે. બન્યું છે એવું કે બ્રહ્મા અને શંકર આરામ કરી રહ્યા છે અને તેને વધુ સમય વીતી ગયો છે. એક ફિલસૂફ દ્વારા આ જન્મ અને મૃત્યુની ઘટના કેમ થંભી ગઈ છે તે શોધવા દિવસ-રાત પ્રયાસો થાય છે. તેમને ક્યાંક કોઈ ભૂલ જણાઈ તેથી તેમણે તે શોધવા પ્રયત્નો આદર્યા. આખરે કઠોર તપસ્યાને અંતે તેમણે સાબિત કર્યું કે ‘મૃત્યુ પરમ સત્ય છે.’ પછી તો ધીરે ધીરે તેમના શિષ્યો દ્વારા આ વાત બહાર ફેલાતી થઈ. વાદ-વિવાદ થવા માંડ્યા અને પુરાવાઓ શોધવાના પ્રયત્નો પણ થવા લાગ્યા. સામાન્ય લોકો માટે આ એક ખૂબ મોટી મૂંઝવણ હતી કારણ કે કોઈ કહેતા મૃત્યુ નથી જ્યારે સામે પક્ષે એવાં પુરાણો પણ મળી આવતાં જેમાં મૃત્યુ છે એ અફર સત્ય વિશેની માહિતી પ્રાપ્ત થતી. એક દિવસ પેલા ફિલસૂફના મંતવ્ય પ્રમાણે મૃત્યુદેવની એક મહાકાય મૂર્તિ કંડારવામાં આવી અને મૃત્યુદેવની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. તેના પર પુરાણો, આખ્યાયિકાઓ રચાવા માંડ્યાં. બીજી નાની-નાની મૂર્તિઓ પણ બનવા લાગી અને એમ મૃત્યુદેવના ભક્તોની સંખ્યા પણ વધતી ગઈ. પેલા ફિલસૂફને લાગ્યું કે હજી કંઈક ખૂંટે છે તેથી તેમણે ફરી મૃત્યુદેવની ઉગ્ર તપસ્યા કરી અને ગુફામાંથી બહાર આવી જાહેર કર્યું કે મૃત્યુદેવ હાજરાહજૂર છે અને તેમણે એવી ઔષધિ આપી કે જેનાથી બધાં લોકો એક લાંબી મૂર્ચ્છામાં ચાલ્યાં જશે અને આ મૂર્ચ્છા તે જ મૃત્યુ. જ્યારે તેઓ જાગ્રતાવસ્થામાં આવશે ત્યારે પાછું તેમનું નવતર જીવન શરૂ થશે. એક દિવસ આ ઔષધિ માટે નક્કી કરવામાં આવ્યો કે જેના દિવસે લોકો મૃત્યુદેવની આરાધના કરતા, ભજનો ગાતા તેને સહર્ષ વધાવવા લાગ્યા. અંતે ભગવાન વિષ્ણુ થાકીને ભગવાન શંકરના શરણે ગયા અને આ અંધાધૂંધીને સદ્‌માર્ગે વાળવા માટે પ્રાર્થના કરી. વિષ્ણુને પણ લાગ્યું કે બ્રહ્મા શંકર આવી ભૂલ કરે નહિ તો આ કામ છે કોનું? આવી મતિ તેમને કોણે સુઝાડી. અંતર્ધ્યાન થઈને તેમણે આ માર્ગને નારદમાં જોયો અને તેઓ મંદ મંદ સ્મિત કરી રહ્યા. ‘વારસો’ નાયકના ગામ વાલોદની આ વાત છે. તેમના દાદા કેશવલાલ ગુજરાતી શાળામાં નામું ભણાવતા હતા. અંગ્રેજોનું રાજ હતું તેથી ક્યારેક એક અંગ્રેજ શાળામાં ઇન્સ્પેકશન માટે આવતા. શાળાના હેડમાસ્તરને જાણ કરવામાં આવી છે. તા. ૩જી ઑક્ટોબરને શનિવારે ગોરો અમલદાર હોબ્સ શાળાની મુલાકાતે આવવાના છે. આ હોબ્સનો સ્વભાવ આમ તો સારો હતો થોડો રંગીન પણ. પરંતુ જો તેમને ગુસ્સો આવે તો તે પોતાનું સમગ્ર અસ્તિત્વ ગુમાવી બેસતો અને ન કરવાનું વર્તન કરી બેસતો. હેડમાસ્તર અને બીજા શિક્ષકો ચિંતામાં છે અને તેનાથી ખૂબ ડરે છે. સાથે છોકરાઓને પણ તે દિવસે શિસ્તમાં આવવા માટે જણાવવામાં આવ્યું. તે દિવસે શનિવાર એટલે વ્યાયામ અને કસરતનો દિવસ હતો તેથી દરેક છોકરાએ અને શિક્ષકોએ કૉલરવાળું ખમીસ, ખાખી ચડ્ડી અને ખાખી ટોપી પહેરી લાવવાનું ફરમાન કરવામાં આવ્યું. કેશવલાલ વૈષ્ણવ વાણિયો. સાફો, ધોતિયું અને લાંબો કોટ એ તેમનો પહેરવેશ. આ ચડ્ડી અને ખમીસ પ્રત્યે તેમને સખત વિરોધ હતો પરંતુ હેડમાસ્તરને કારણે પહેરવું તો પડે જ. તેમણે એક યુક્તિ લગાડી. ધોતિયાનો કછોટો વાળીને ઉપર ચડ્ડી પહેરી. માગી લાવેલું એક ખમીસ અને ટોપી પહેરી પરંતુ તેમનો પહેરવેશ એટલો હાસ્યજનક હતો કે હોબ્સથી હસ્યા વગર રહેવાયું નહીં. જેવો હોબ્સ કેશવલાલ સાથે હાથ મિલાવવા આવ્યો કે તેઓ કોટ કૂદીને ભાગ્યા ઘરે. પાછળથી હોબ્સે તેને કાઢી ન મૂકવા હેડમાસ્તરને વિનંતી કરી પરંતુ આ વૈષ્ણવ વાણિયો એવો તો ચુસ્ત કે તેણે બોલાવવા ગયેલા પટાવાળાને બારણેથી જ નસાડી દીધો અને પોતે આ નોકરી છોડીને ઘર આગળ એક મરચાં-મીઠાની હાટડી માંડી. આ વાર્તા સત્ય ઘટના પર લખાયેલી છે જેની સર્જકે અહીં કબૂલાત કરી છે. ‘પ્રોફેસર : એક સફર’ વાર્તામાં એક પ્રોફેસર એક સમુદ્રની સફરે નીકળ્યા છે તેની વાત છે. તેઓ સમુદ્રની અંદર રહેલી વનસ્પતિને જોઈને રોમાંચ પામે છે. નવોને નવો એક સ્પર્શ તેમને આહ્‌લાદ પમાડે છે. ધીમે ધીમે તેઓ સમુદ્રના પેટાળમાં નીચે ને નીચે ધસતા જાય છે. જેમ જેમ તેઓ તળિયે જવા લાગ્યા કે તેમને ભાન થયું કે સુંદર વેલીઓની જગ્યાએ તેઓ ઘેરા લીલા રંગના દરિયાઈ ઘોડાઓની ભીંસમાં જકડાતા જતા હતા. તેમના શ્વાસમાંથી નીકળતા પરપોટાનો ગરમ સ્પર્શ તેમને દાહક લાગતો હતો. આ વાર્તાને પ્રોફેસરની દરિયાઈ સફર એમ શીર્ષક પણ આપી શકાય. હવે તેઓ પાણીની એક દીવાલ પસાર કરીને બીજી બાજુ આવી ગયા હતા. કોઈ યુદ્ધમાં કાલગ્રસ્ત થયેલી નગરી અને મૃત નગરજનોના શબ ત્યાં પડ્યાં હતાં. પ્રોફેસર આ યુદ્ધ ક્યાં અને કોની વચ્ચે થયું તે કળી શકતા નહોતા. અથાગ પ્રયત્નોને અંતે તેઓ મૃત્યુના મુખમાંથી ધરતી પર પાછા આવ્યા હતા તે સ્મિત અને વિજયની લાગણી સાથે ઝળકી ઊઠ્યા. ‘વહાલોજી પધાર્યા...’ વાર્તામાં રમણલાલ નામના એક બ્રાહ્મણની અહીં વાત છે. રમણલાલ એક બ્રાહ્મણ જીવ છે. હવે ઉંમર થવાને લીધે વારેવારે સહેજ થતામાં હાંફી જાય છે. તેઓ મિજાજના પણ રંગીન છે સાથે સંયમી પણ. લાકડાના એક કબાટમાં રાખેલ ચોરખાનામાં પડેલો શીશો અને પ્યાલી લઈ તેઓ આરામખુરશીમાં લંબાવી સંયમી રીતે પેલું રંગીન પ્રવાહી પીતા હતા પરંતુ પીતાં પીતાં તેમને અચાનક પેલું પુસ્તક યાદ આવ્યું અને પત્નીના કબાટમાં રેશમી વસ્ત્રોની નીચેથી પેલું પુસ્તક કાઢી તેને વાંચવા અને જોવા લાગ્યા. અચાનક ડાબી બાજુની તેમની એક નસ ખેંચાઈ અને બેસી ગઈ. થોડી વાર પછી બીજી બાજુની નસ જરાક જોરથી ખેંચાઈ જેથી આરામખુરશીમાં તેમનો દેહ ઢળી પડ્યો. મંદિરેથી તેમની પત્ની આવી અને તેમને આ દશામાં જોઈને ચમકી. અંદાજો આવ્યો કે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું છે. શીશો અને પ્યાલી કબાટમાં મુકી અને એક હાથમાં માળા અને અર્ધ ખુલ્લા દેહ પર ગીતાજીને ખુલ્લાં રાખી મુકી દીધાં. વળી નજર પેલા પુસ્તક પર પડી અને તેને પણ ઠેકાણે મુકી બધું વ્યવસ્થિત કરી આજુબાજુના પાડોશીઓને બોલાવી તેમને લેવા સાક્ષાત્‌ વહાલોજી પધાર્યા છે તેવું વાતાવરણ ઊભું કર્યું. પાડોશીઓ આ જીવને સુખી અને પુણ્યશાળી માની તેનાં દર્શન કરવા આવવા લાગ્યા. બધાના જતાં જ રાતના અંધકારમાં પત્નીએ પેલું પુસ્તક, શીશો અને પ્યાલી બાજુમાં વરંડામાં રહેલ ગટરમાં પધરાવી નિરાંતનો શ્વાસ લીધો. ‘વેર’ વાર્તામાં બીજીવાર પરણેલો ડોસો અને તેની એ પત્નીના આ ડોસા પરના જુલમની વાત છે. ડોસો બીજી વારની પત્ની શાંતાને લઈને ખૂબ ઉદ્વિગ્ન છે કારણ કે તેનો આમ આ ઉંમરે લટીયાંપટીયાં પાડવાનો, પારદર્શક સાડી પહેરવાનો અને પાવડરના થપેડા કરવાનો સ્વભાવ તેને જરીકેય રુચતો નથી. શાંતા બહાર ગઈ છે તેથી ડોસો એકલો જ ઘરમાં છે. તેણે પોતાની પત્નીને મારી નાખવાની યોજના ઘડી છે કે કેવી રીતે તેનું કાસળ કાઢવું. પોતાનો એક પગ ઘુંટીમાંથી કપાઈ ગયો છે અને તે લાકડાનો પગ પહેરીને ચાલે છે. જ્યારે તે ઊંઘમાં હશે ત્યારે આ લાકડાનો પગ તેના માથા પર ફટકારીને તે પત્નીનો અંત આણશે તેવી યોજના બનાવે છે. તે પત્નીથી ડરે પણ છે કારણ કે એ જ લાકડાના પગથી શાંતાએ આ ડોસાને ઘણી વાર માર્યો હતો. પત્નીને મારવાની જગ્યાએ પોતે નબળા હૃદયનો છે તેથી જ પત્નીનું શોષણ સહન કરે છે તેમ વિચારીને પોતાની જાતને જ મારે છે. મારીને ધિક્કાર વરસાવે છે. શાંતા જ્યારે ઘેર આવી ત્યારે તેઓ સુન્ન થઈને બેઠા હતા. આ સ્ત્રી ડોસા પર ખૂબ જ અત્યાચાર કરતી હતી. તે ચરિત્રની પણ ખૂબ જ ખરાબ છે અને ડોસાને તેની ખબર છે તેથી પણ તે તેને મારવા અને તેનું વેર વાળવા ઇચ્છે છે. જેવી તે બાથરૂમમાં નહાવા પેઠી કે ડોસાએ બહારથી બહારની સ્ટોપર વાસી દીધી. શાંતાને જેવી ખબર પડી કે તે ડોસા પર અપશબ્દો અને ગાળોનો વરસાદ વરસાવવા લાગી પરંતુ ડોસાને હવે કંઈ તેની તમા નહોતી. તે તો ખી... ખી કરીને હસતો હતો પરંતુ ડરના થડકારે ફરી તેની નજર બાથરૂમની વાખેલી સ્ટોપર પર ગઈ. આ વાર્તાસંગ્રહની આ અંતિમ વાર્તા છે જે વાર્તાસંગ્રહનું શીર્ષક પણ છે તે છે ‘ટોળું’. આ વાર્તામાં માનવજીવનનું કોઈ માનવેતર તંત્ર દ્વારા થતું નિયમન, નિયંત્રણ ઉપર કહી તે સહાયતાની લાગણીને સર્વગ્રાહી અનુભવ તરીકે સ્થાપે છે. ટોળું એટલે કે અત્ર તત્ર સર્વત્ર એક એવું માનવેતર પાત્ર કે જેના આદેશો દ્વારા બધા માણસો દોડાદોડ કરે છે. માણસો સિવાય દૂર દૂર સુધી કંઈ જ નજરે પડતું નથી. આકાશમાં જેમ તારા ખીચોખીચ ભરેલા છે તેમ માણસો પણ ઠઠોઠઠ ઉભરાયા કરે છે. એક ટોળું વાયવ્યથી ઈશાન ભણી ધક્કામુક્કી કરતું દોડતું હતું. લોકો જાતજાતની બૂમો પાડે છે. સતત અવાજો આવ્યા કરે છે. નાયક આવા સંખ્યાબંધ લોકટોળાંની વચ્ચે જડબેસલાક ફસાઈ ગયો છે. નાયક આ ટોળાંની વચ્ચે મુંઝાઈને ઊભો છે કારણ કે ભીડ એટલી ગીચ કે છે ત્યાંથી એક તસુભાર પણ ખસી શકાય એમ નથી. આગળથી કર્ણોપકર્ણ આદેશો આવે છે અને આ ટોળું તેનું પાલન કરે છે. નૈઋત્ય દિશામાંથી એવો હુકમ આવે છે કે હવે તેમણે મકરાકાર રચવાનો છે. અસંખ્ય માણસો હવે આકૃતિમાં ગોઠવાતા હતા. આ હુકમ કોઈ મહેલમાંથી આવતો હતો પરંતુ તે મહેલ કોઈ દુર્ગમ સ્થાને છે. વચમાં ઘણાં વિઘ્નો પસાર કરીને પછી તે મહેલ સુધી પહોંચાય છે. આ બધા પેલા હુકમ છોડનારના ગુલામ છે તેવું જાણી નાયક મનોમન દુઃખી થાય છે. પર્વત પર જેમ જેમ ટોળું ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમમાંથી આવીને અહીં મળી એક થયું તો તેની કલ્પના આ કાળા માથાઓને એક કાળો સમુદ્ર હોય તેવી લાગવા લાગી. બધાં લોકો એક ડિઝાઇન – એક આકૃતિ રચતા હતા. આ ટોળામાંના એક માણસના ખસવા સાથે એક આખી નવી જ ભાત રચાતી હતી તેથી નાયક નક્કી કરે છે કે તે પોતાની એક આગવી આકૃતિ રચશે. નાયક આ બધું વિચારતો હતો કે આગળથી એક બૂમ આવી કે સર્પાકાર રચવાનો છે. આ અગાઉ પણ બીજા ઘણા આકારો રચાયા અને ભૂંસાયા હશે. નાયકના આગવી આકૃતિ રચવાના વિચાર વિચાર જ રહી જાય છે તે તેના પર અમલ લાવી શકતો નથી. એક ટપકું ભૂંસાય તો સમગ્ર ટોળાંની ડિઝાઇન બદલાઈ જાય તેવા વિચારો જ માત્ર નાયકના મનમાં આવ્યા કરે છે. આ વાર્તાસંગ્રહમાં વ્યક્તિ સ્વાતંત્ર્યની, વ્યક્તિ પ્રેમની અને વાર્તામાં પ્રતીકોને ગૂંથીને નવી સૃષ્ટિ ઊભી કરવાની સર્જકની નેમ કાબિલેતારીફ છે.

પાયલ પટેલ
પીએચ.ડી. સ્કૉલર,
ગુજરાતી વિભાગ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,
પાટણ
મો. ૯૮૨૫૦ ૫૫૩૯૫