ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
મથામણ વાર્તાની, નિરૂપણ ચરિત્રનું

રાજેન્દ્રસિંહ ગોહિલ

Anirudhdha-Brahmbhatt.jpg

[‘અજાણ્યું સ્ટેશન’ (વાર્તાસંગ્રહ) : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રથમ આવૃત્તિ : ૩૧ જુલાઈ ૧૯૮૨, પૃષ્ઠ સંખ્યા : ૧૫૯, મૂલ્ય : ૧૫-૭૫, પ્રકાશક : ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની મુંબઈ-૪૦૦૦૦૨, અમદાવાદ-૩૮૦૦૦૧]

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો પરિચય :

વાર્તાકાર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો જન્મ તારીખ ૧૧ નવેમ્બર, ૧૯૩૫માં પાટણ ખાતે થયો હતો. તેમનું વતન વિરમગામ તાલુકાનું દેત્રોજ ગામ હતું. તેમના સર્જક-વ્યક્તિત્વના ઘડતરમાં માતા-પિતાના સાંસ્કારિક વારસાનો નોંધપાત્ર ફાળો હતો. પિતા લાલજી નારાયણ બ્રહ્મભટ્ટ પણ મેધાવી અને સંસ્કૃતપ્રેમી હતા. પ્રાથમિક શાળાના શિક્ષક એવા પિતાજીનો અભ્યાસપ્રેમી સ્વભાવ અનિરુદ્ધમાં પણ ઊતર્યો હતો. માતા લક્ષ્મીબેનનો પ્રેમાળ, વાત્સલ્યસભર અને ચીવટવાળો ઉછેર અનિરુદ્ધને સાહિત્ય અને જીવનમાં પણ માનવીય મૂલ્યો જોતાં શીખવે છે. માતાના સંસ્કારો અને પિતાજીનો અભ્યાસ-શિક્ષણનો વારસો ‘નામરૂપ’ના ચરિત્ર નિબંધોમાં બરાબર ઊભરી આવે છે અને ગુજરાતી નિબંધમાં એક સીમાચિહ્નરૂપ યોગદાન બની રહે છે. પ્રાથમિક શાળા શિક્ષણ અને યુનિવર્સિટીનો ઉચ્ચ અભ્યાસ વડોદરામાં થાય છે. પણ વેકેશનની રજાઓ ઉત્તર ગુજરાતનાં વતન-ગામડાંઓમાં વીતે છે તેથી ગ્રામજીવનનો પરિચય અત્યંત નિકટથી થાય છે. તેમના આ ગામડાના વસવાટનો લાભ તેમના ચરિત્ર-નિબંધોને તો મળ્યો જ છે. પરંતુ તેમના વાર્તાસંગ્રહ ‘અજાણ્યું સ્ટેશન’માં ગ્રંથસ્થ વાર્તાઓને પણ લાભ થયો છે એ જોઈ શકાય છે. ૧૯૬૦માં ગુજરાતી તથા સંસ્કૃત વિષય સાથે સ્નાતક ડિગ્રી મેળવી અને એમ.એ.ની ડિગ્રી પણ પ્રથમ વર્ગના પ્રથમ ક્રમાંક સાથે પ્રાપ્ત કરી હતી. કૉલેજનું શિક્ષણ શરૂ હતું એ જ સમયગાળામાં ભોગીલાલ ગાંધીને ત્યાં ‘સમીક્ષા’ બેઠકો શરૂ થયેલી. જેમાં સુરેશ જોષી, ગુલામમોહમ્મદ શેખ તથા ભુપેન ખખ્ખર જેવા ધુરંધરો એકઠા થતા. દેશ-વિદેશના સાહિત્યની ચર્ચાઓ થતી. ‘સમીક્ષા’ની બેઠકોમાં અનિરુદ્ધભાઈનું ઘડતર થયું અને તેમનામાં સાહિત્યિક સર્જન-વિવેચન-પ્રવૃત્તિઓનો પિંડ બંધાયો. કૉલેજમાં અધ્યાપક તરીકે અધ્યાપન કરાવવાની શરૂઆત ડભોઈ આટ્‌ર્સ કૉલેજથી કરી પછી, બિલિમોરા કૉલેજમાં ભણાવ્યું અને ત્યારબાદ ૧૯૭૦થી અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યાપન કરાવ્યું. અધ્યાપકીય જીવન, પુસ્તકો, કૉલેજ, ચિંતકો-સર્જકો વગેરેનો સંદર્ભ અને મધ્ય-દક્ષિણ ગુજરાતનો પરિવેશ એમની વાર્તાઓમાં વારંવાર સ્થાન પામ્યો છે. તેઓ પ્રભાવક વક્તા હતા. ‘સંદેશ’, ‘મુંબઈ સમાચાર’ તથા ‘જન્મભૂમિ’માં કૉલમો લખતા. ‘ભૂમિકા’ અને ‘કિમપિ’ના તંત્રી પણ હતા. માત્ર વાર્તાના સંદર્ભમાં જોઈએ તો તેમણે આ મરણોત્તર સંપાદન ‘અજાણ્યું સ્ટેશન’માં સંગૃહીત વાર્તાઓ ઉપરાંત ‘જયંતિ દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૭૧)માં અને ‘ગુજરાતી વાર્તાઓ’ (૧૯૭૭માં ટૂંકીવાર્તાઓ વિશેનાં સંપાદનો આપ્યાં છે. આ અભ્યાસી જીવને લ્યૂકેમિયા કૅન્સરની બીમારી થતાં તારીખ ૩૧ જુલાઈ, ૧૯૮૧માં અવસાન પામ્યા.

‘અજાણ્યું સ્ટેશન’ વાર્તાસંગ્રહની સમીક્ષા :

‘અજાણ્યું સ્ટેશન’ એ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો એકમાત્ર વાર્તાસંગ્રહ છે. જે નલિનીએ તેમના અવસાન બાદ જયંત કોઠારીના પરામર્શન અને મદદથી પ્રકાશિત કર્યો છે. આ સંગ્રહમાં કુલ એકવીસ વાર્તાઓ સ્થાન પામી છે. જેમાંથી મોટાભાગની ‘અખંડ આનંદ’ સામયિકમાં પ્રગટ થઈ હતી. નલિનીએ વાર્તાસંગ્રહના નિવેદનમાં જ નોંધ્યું છે તેમ – ‘અહીં જે રચનાઓ ગ્રંથસ્થ થઈ છે તે બધીને લેખકે ટૂંકી વાર્તાના સાહિત્યપ્રકારમાં મૂકી હોત કે કેમ, તેમ જ બધી રચનાઓને ગ્રંથસ્થ કરવાનું પણ ઇચ્છ્યું હોત કે કેમ તે પ્રશ્ન છે. પણ વાર્તા, પ્રસંગચિત્ર, રેખાચિત્રના સીમાડાઓને સ્પર્શી જતી લેખકની આ જાતની રચનાઓએ લોકોનું ધ્યાન ખેંચેલું. એટલે જ સંવિધાન કે જીવનતત્ત્વનો કોઈ ને કોઈ વિલક્ષણ ઉન્મેષ પ્રગટ કરતી આ રચનાઓને અહીં એક સાથે મૂકી આપવાનું યોગ્ય ગણ્યું છે.’ (પૃ. ૫, વાર્તાસંગ્રહનાં આગળનાં વધારાનાં પૃષ્ઠમાંથી) સંગ્રહના પ્રથમ ક્રમે મુકાયેલી વાર્તા ‘અજાણ્યું સ્ટેશન’ એ આખા વાર્તાસંગ્રહનું શીર્ષક છે. વાર્તાના નાયક સુધીરને લગ્ન કરવા માટે એક છોકરી જોવા જવાનું છે. સુધીરના મનમાં ‘છોકરી કેવી હશે?’ તેના વિચારો-કલ્પનાઓ મનમાં મંથનરૂપે ચાલ્યા કરે છે અને એમાંથી એ છોકરી વિશેનો એક પિંડ તેના મનમાં રચાય છે. જે છોકરી એ જોવા જવાનો છે તે છે ‘આશા’. તે સુધીરને રેલવે સ્ટેશન લેવા આવવાની છે, પરંતુ આશાને મુંબઈથી લઈને આવતી ટ્રેન મોડી પડતાં છેલ્લી ઘડીએ અચાનક આશાના પિતા સુધીરને લેવા આવી પહોંચે છે. સુધીરને જાણે ધક્કો પહોંચે છે. લેખક એની સ્થિતિને આમ વ્યક્ત કરે છે – ‘સ્વર્ગમાંથી પૃથ્વી પર કોઈ દેવના શાપને કારણે પટકાયેલો કોઈ યક્ષ ચાલતો હોય એવો એ લાગતો હતો.’ (પૃ. ૫) આશાના ઘરે તેની બા, દાદીમા, નાના ભાઈબહેન છે પણ આશાના ઘરે પહોંચેલો સુધીર ‘આશા’ના વિચારોમાં ઝૂલ્યા કરે છે. એક સામાન્ય યુવકને પોતાની પરણેતર વિશે કુતૂહલ હોય, પ્રશ્નો જાગે એવા સુધીરને પણ જાગે છે. બા-દાદીમાની હાજરીમાં સુધીર પોતાની આંગળી પરની વીંટી આશાના હાથની આંગળીમાં પહેરાવે છે. પણ ‘વીંટી’ આશાની આંગળીએ મોટી પડે છે એમાં બન્નેના વિચારોનો ‘મેળ’ નથી એનો બળુકો સંકેત છે. વાતચીતમાં એક દિવસ માટે બન્ને ‘ઇલોરા’ ફરી આવવાનું નક્કી કરે છે. પણ જતી વખતે એક ‘અજાણ્યા સ્ટેશને’ ઊતરી પડે છે. સુધીર અને આશા વચ્ચેના સંવાદો પાતળા છે. પણ એકમેકના મનને સમજવાની મથામણ આ સંવાદોમાં છે. વાર્તાનાયક સુધીર મનથી આશા સાથે જોડાવા મથે છે પણ આશાએ કરેલો એક પ્રશ્ન જાણે સુધીરના મનને શત શત કણોમાં વિખેરી નાખે છે. આશા પૂછે છે – ‘આપણી ન્યાતમાં વિજયકુમાર કરીને એક પ્રોફેસર છે એને તમે ઓળખો છો?’ (પૃ. ૯) પપ્પા એની વાત પણ લઈ આવેલા. જોકે હવે કંઈ નથી કહી, આશા વાત વાળી લે છે, પણ સુધીરના મનમાં સ્પષ્ટ થઈ જાય છે કે આશાના મનમાં હજી ‘વિજય’ છે. સુધીરની લાગણીઓનો ભુક્કો થઈ જાય છે. એક અજાણી ક્ષણે બેય પાત્રો એકમેકને મળું મળું અને મળી-ભળી જશે અને સુખદ અંત આવશે એમ વાચકને લાગતું હતું. વાર્તામાં એના સંકેતો પણ ભાવકમાં આતુરતા જગવે એ રીતે ગોઠવાયા છે. પણ આશાના પ્રશ્નની પેલી ‘અજાણી ક્ષણે’ એ બે પાત્રો વચ્ચે વિશાળ અંતર પાડી દે છે અને બંને વિખૂટાં પડી જાય છે. રેલવેનું સ્ટેશન ઘણાનું મિલન કરાવે છે. એકબીજાને મળાવે છે-ભેગા કરે છે તે જ સ્ટેશન ઘણાને વિખૂટા પાડી દે છે તેનો ગર્ભિત સંકેત છે. બન્ને અજાણી જગાએ ઊતરી પડેલાં ત્યાંથી પાછાં ફરતાં જુદી જુદી ટ્રેનોમાં પાછા ફરવાનું છે. ડબ્બામાં બેઠેલો સુધીર બારીમાંથી આશાનો હાથ પોતાના હાથમાં લે છે. પણ ટ્રેન ઊપડે છે અને આશાની આંગળીએથી વીંટી સુધીરના ખોળામાં સરી પડે છે. બન્નેનો સંબંધ લગ્નમાં નહિ પરણમે એનો આ સંકેત છે. વાર્તામાં ઘટનારૂપે બન્યા કરતો વર્તમાન અને માનસિક સ્તરે ચાલતો સંવાદ વાર્તાના સંઘર્ષને ઉપસાવી રહે છે. અને એટલે આ વાર્તા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની વાર્તાકળા વિશેની સમજને પ્રગટાવતી નોંધપાત્ર વાર્તા છે. ‘ડાર્લિંગ’ વાર્તાનું પ્રથમ અને અંતિમ એ બન્ને વાક્યો એક જ છે તે આ પ્રમાણે છે, ‘મેં સારું કર્યું કે ખોટું તે હું આજ સુધી સમજી શક્યો નથી.’ અહીં બે વખત પ્રયોજાયેલા આ વાક્યની વચ્ચે વાર્તા વિહરે છે. તેમાં વાર્તાનાયક ‘અજય’નું નામ તો છેક છઠ્ઠા પાને ઉલ્લેખ પામે છે. વાર્તાનાયિકા રેખા પોતાની ઓળખ આ રીતે આપે છે, ‘રેખા... રિઝર્વ રહેવું મારા સ્વભાવમાં નથી.’ રેખા બોલકી છે. પ્રશ્નો કરે છે. એના પ્રશ્નોમાં પ્રેમ અને જીવનને તાગવાની ઊંડી મથામણ છે. અજય લેખક છે. વક્તા છે. એના વક્તવ્યના પ્રભાવથી ખેંચાઈને રેખા એને મળવા આવી ચડી છે. અજય સાથે બધી રીતે સંબંધ કેળવવા માગે છે. રેખા કહે છે, “તમે ચેખોવની ‘ડાર્લિંગ’નો ઉલ્લેખ કર્યો હતો નહિ? આવું સાચેસાચ હોય?” (પૃ. ૧૨) વાર્તામાં રેખા ખરા અર્થમાં ‘ડાર્લિંગ’ છે, બોલ્ડ છે. ડ્રગ કંપનીમાં નોકરી કરતી રેખાને સાહિત્યનો શોખ છે. અજયને તડફડ પ્રશ્નો પૂછે છે, ‘મારો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ અનેકને એકસરખી ઉત્કટતાથી ચાહી શકે છે?’ (પૃ. ૨૩) રેખાના પ્રશ્નો વાર્તામાં તાત્ત્વિક ભૂમિકા ઊભી કરે છે. રેખા પોતાની જાતને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. પણ ‘ડાર્લિંગ’ કેવી હોય? તે સમજાવવામાં અજય ઊણો ઊતરે છે. ‘બોલો, આજે મને ક્યાં લઈ જવી છે?’ કહેતી રેખા વિશે અજયના ભીતરમાં સવાલો ઊઠે છે કે ક્યાં જવું છે તારે? કોની કોની સાથે તું ક્યાં ગઈ હતી? હવે ક્યાં જવાનું બાકી છે? આ સવાલો અજયના સાવ છીછરાપણાને ખુલ્લું પાડે છે. વક્તવ્યમાં ચેખોવ વગેરેના સંદર્ભોથી ઉચ્ચ જ્ઞાનીનો પ્રભાવ પાડનાર અજય અંદરથી સાવ પોકળ અને સંકુચિત મનનો છે. રેખાના વ્યક્તિત્વને વાસ્તવમાં સ્વીકારી શકતો નથી. વાર્તામાં સુરેખ ઉપસેલું રેખાનું પાત્ર જેટલું સાચું લાગે છે એટલું અજયનું લાગતું નથી. ‘ટ્રાફિક જામ’ વાર્તા લેખક એક-બે ઘટના-પ્રસંગ લઈ થોડાક લસરકામાં ઉપસાવે છે. વાર્તાનો નાયક પ્રોફેસર અમલેન્દુ સુરત સ્ટેશને ઊતરે ત્યારે રસુલચાચા પોતાનો ટાંગો લઈને ઊભા જ હોય. ટાંગામાં બેસીને જતી વખતે એક યુવતી નમિતાનો ભેટો થાય છે. અકસ્માતે તે યુવતી અમલેન્દુના મિત્ર નીકળે છે. અમલેન્દુ અને નમિતા માનસિક સ્તરે સંવાદ સાધે છે પણ વાર્તામાં પ્રસંગો અને પાત્રો વચ્ચેનું સંકલન નબળું રહી જાય છે. ‘અનિશ્ચિત’ શબ્દ વાર્તામાં ‘બોલકો’ બની પ્રસ્તુત થાય છે ખરો, પરંતુ વાર્તામાં એક રહસ્યપૂર્ણ ગૂંથણી બની શકતી નથી. ‘ટ્રાફિક જામ’નું શીર્ષક પણ ખાસ વાર્તાના હાર્દને ઉઘાડી શકતું નથી. ‘સુવર્ણમૃગ’ વાર્તા સ્ત્રીપુરુષ સંબંધોમાં રહેલી પહોળી ખાઈનું હળવાશભર્યું છતાં ગંભીર-સૂક્ષ્મ ચિત્રણ કરે છે. વાર્તાનાયક ભૂપેન અને કાજલ બેયનું જોડલું મનમેળવાળું લાગે પરંતુ બેયની વચ્ચેની સમજણ અને પસંદ-નાપસંદનું વ્યાકરણ એકબીજાથી તદ્દન ભિન્ન છે. વાર્તાકાર એનો ભેદ ઝીણવટથી ઉપસાવી શક્યા છે. ‘એ બકરી... એ સાપ... એ’ વાર્તામાં વાર્તાનાયકનાં મનોસંચલનો છે. વાર્તાનાયકનું નામ નથી. વૃત્તિઓનું વરવું આલેખન છે. ‘લીલીવાડી’માં બે ભાઈ વસનજી ઊર્ફે ‘ભાઈજી’ અને નાનો ભાઈ કીકુ બેયની સંપત્તિના સંદર્ભમાં બેયનાં ચરિત્રો ઉપસતાં જાય છે. ગરીબીમાં બાળપણ અને યુવાની કાઢ્યા પછી મહેનત અને પ્રામાણિકતાથી ધંધામાં બેપાંદડે થાય છે. ત્રીસી વટાવ્યા પછી ભાઈજીનાં માગાં આવે છે, પણ લગ્નની ના પાડ્યા કરે છે. માને કીકુની ચિંતા છે. મંદબુદ્ધિનો એવો કીકુ ભાઈજીના પડછાયે જ બોલ્યો-ચાલ્યો છે. છેવટે સવિતા સાથે કીકુનાં લગ્ન થાય છે. ચાર છોકરા પેટ પડે છે. છેલ્લે વીલ કરતી વખતે ભાઈજી પોતાનો ભાગ સવિતાને નામે કરે છે. કીકુનો ભાગ એના ચાર છોકરાઓને નામે. સવિતાના મોટા છોકરા ગુલાબને ભાઈજી અને મા ‘સેતા’(સવિતા)ના છૂપા સંબંધ વિશે સંદેહ થાય છે. પોતાની મોંકળા પણ અરીસામાં ચકાસી જુએ છે. છેવટે તે જુદો રહેવા ચાલ્યો જાય છે. પરંપરાગત ઢબનું આલેખન છે જોકે રસનિર્વહણ ભાવકને સ્પર્શે એવું છે. ‘ટોડલો ફાટ્યો’ વાર્તા સામાન્ય કક્ષાની છે. વાર્તાનાયક કૉલેજમાં અધ્યાપક છે. શહેરની બાજુના ગામડામાં મકાન શોધીને ત્યાં રહે છે. ત્યાંથી શહેરની કૉલેજમાં જવા માટે બસસ્ટેન્ડ ઉપર ઊભો હોય છે ત્યારે એક ટેણિયું ‘એ...એં...એં...દસિયું’ એમ ભીખ માગતું પીછો કરે છે. સમગ્ર વાર્તામાં એ અવાજ અને એ ટેણિયું વાર્તાનાયકનો મગજ ફાટી જાય ત્યાં સુધી પીછો કરે છે. વાર્તાકારની વર્ણન કરવાની શૈલીનો પરિચય આ વાર્તા આપે છે. વાર્તાનાયક પરેશાન જરૂર થાય છે પણ ટેણિયા પ્રત્યેની સહાનુભૂતિ અકબંધ રહે છે. વાર્તામાં ‘વાર્તા’ જેવું કંઈ ખાસ બનતું નથી. ‘થર્મોમીટર’ વાર્તામાં વાર્તાનાયક ‘શાંતનું’ના લગ્ન શેઠ વનમાળીદાસની દીકરી સુજાતા સાથે થાય છે. શહેરના અતિશ્રીમંત શેઠની પાસે ગાડી, બંગલો, નોકર-ચાકર અને અમીરોની હોય એવી શ્રીમંતાઈ ભરેલી જીવનશૈલી છે. શાંતનુંએ થર્મોમીટર ભાઈના દીકરાને આપી દીધેલું પણ એ જૂઠું બોલે છે કે ‘તૂટી ગયું’ ત્યાંથી વાર્તા શરૂ થાય છે. આ વાર્તા દોમ દોમ સાહ્યબી વચ્ચે પરાધીન અને પરાશ્રિત એવા જમાઈ-વાર્તાનાયકની લાચારીને આ વાર્તા આલેખે છે. ‘માનવીનાં રૂપ’માં વાર્તાની નાયિકા રૂપાં, તેનો પતિ દેવી સિંગ અને જીવીબા પાત્રો છે. રૂપાંના દીકરાની ચૌલક્રિયા નિમિત્તે માતાજીના મંદિરે દેવીસિંગ, રૂપાં અને બ્રાહ્મણો જાય છે. બધા બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. પણ એક બ્રાહ્મણને દક્ષિણા ઓછી પડતાં તે પાછળ પાછળ આવે છે. દેવીસિંગ તેને ભગાડી મૂકે છે. બધા પાછાં ફરતાં એક જગ્યાએ ભાથું ખાવા બેસે છે ત્યાં ફકીર આવી ચડે છે ને લાડુ માગે છે. રૂપાં લાડુ આપવા માગે છે પણ દેવીસિંગ આપવા દેવા માગતો નથી. ફકીર અટ્ટહાસ્ય કરે છે ને રૂપાંને વળગાડ પેસી જાય છે ને તેનું રૂપ બિહામણું બની જાય છે. વાર્તામાં દેવીસિંગના વર્ણવેલા વ્યક્તિત્વ મુજબ પેલા બ્રાહ્મણને ભગાડવાની અને ફકીરને લાડુ ન આપવાની જિદ ભાવકને સમજાતી નથી. પાત્રચિત્રણ અને વસ્તુસંકલનાની રહેલી કમી વાર્તાને અત્યંત નબળી બનાવે છે. દેવીસિંગની હઠથી રૂપાંને કેમ ભોગવવું પડે? વાચક માટે ઘણાબધા પ્રશ્નો અનુત્તર રહી જાય છે. ‘ઝેર’ વાર્તા પણ ‘માનવીનાં રૂપ’ જેવી નબળી છે. ચોત્રીસ વરસ સુધી વાંઢો રહેલો ગણેશ આમ તો છેક બાળપણથી જ અડબંગ જેવો છે. પણ દીકરીના બાપને સામા રૂપિયા આપીને લગ્ન કરવાની ગોઠવણ કરવાની ફિરાકમાં ફરે છે. ‘રતની’ના બાપને રૂપિયા આપી તેની સાથે લગ્નનું ગોઠવે છે પણ રતની કરસનને ચાહે છે. ગણેશને તેની જાણ થઈ જતાં કરસનની હત્યા કરી નદીમાં ફેંકી દે છે. છેવટે ગણેશ અને રતનીનાં લગ્ન થાય છે. ગણેશના ઘરે આવેલી રતની ક્યારેક ક્યારેક નાગ ફરતો જુએ છે. એક દિવસ રતનીને જાણ થાય છે કે કરસનની હત્યા ગણેશે જ કરી છે તેથી તે મનમાં વેર લેવાનું નક્કી કરે છે. બીજે જ દિવસે ઘરમાં રતની અને ગણેશના ઝેરથી મરેલા મૃતદેહો રહસ્યમય રીતે મળી આવે છે. વાર્તાન્તે એક જણ અંતિમ વાક્ય બોલી ઊઠે છે – ‘ઘરમાં નાગ પેંધો તેનું જ આ ફળ.’ (પૃ. ૭૪) સનસનાટીભરી ઘટનાઓ ધરાવતું વિષયવસ્તુ અને ‘નાગ’નો સંદર્ભ હોવા છતાં તેને કાલવીને ‘સ-રસ’ વાર્તા બનાવવાનું વાર્તાકાર ચૂકી ગયા છે. ‘નાગ’નું પ્રતીક વેડફાઈ ગયું છે. ‘તન્વી શ્યામા’ વાર્તામાં વાર્તાનાયકના ઘરની સામેની એક બારીમાંથી એક કન્યા નજરે ચડે છે ને વાર્તા શરૂ થાય છે. ‘ટીકુ’ ઊર્ફે ‘તન્વી’ની સાથેના સંવાદોમાં પુસ્તકો અને કૉલેજની વાતો ચાલે છે. ટીકુની જન્મકુંડળીમાં લખ્યું છે કે તેના લગ્ન થશે પછી ત્રણ વરસમાં તેના પતિનું મરણ થશે. તેને એમ.એ. કરતો પણ જેને પ્રોફેસર છે એમ ધારી લીધેલો એવો વાર્તાનાયક ગમી ગયો છે. પણ પેલી ભવિષ્યવાણીને લીધે તેની સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી. છેવટે વાર્તાનાયક પ્રોફેસર બની બિલિમોરા વસવાટ કરે છે. ટીકુ મુંબઈ ચાલી જાય છે. એક રાત્રે બે વાગ્યે રેલવે સ્ટેશને ઊતરીને જુએ છે તો બાંકડે પેલી ટીકુ એના મામા સાથે બેઠી છે. વાત કરતાં ખબર પડી કે તે વિધવા છે સાથે સગર્ભા પણ છે. તેના પતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ટીકુએ એક વખત જે સવાલ કરેલો તે વાર્તાના અંતે સાપના ફણાની જેમ ધસી આવે છે, ‘જિંદગી સાવ આવી હોય?’ (પૃ. ૮૪) વાર્તાના તાણાવાણા સરસ રોતે ગુંથાયા છે પણ લેખકને ‘વાર્તારસ’ કરતાં ‘જીવનરસ’ આલેખવામાં વધુ રસ હોય તેમ લાગે છે એટલે વાર્તા બિનજરૂરી લંબાણ પામી છે. ‘વાર્તા’ બનાવી શકાય એવાં બધાં જ વાનાં અહીં હાજર હોવા છતાં વાર્તાકાર નિશાન ચૂકી ગયા છે. ‘કુકડિયો’ વાર્તામાં કુકડિયો હળપતિ છે. દક્ષિણ ગુજરાતમાં ખેતરના ભાગિયા તરીકે મજૂરી કરતા હળપતિઓના શોષણને રજૂ કરે છે. ‘કુકડિયો’ એ વાર્તા નહીં પણ રેખાચિત્ર બની રહે છે. ‘કાનજી બાદલ’ વાર્તા પણ રેખાચિત્ર બની રહે છે. ‘વિદ્યાદાન’ વાર્તામાં અંતે વાર્તાનાયકને શિક્ષક બનાવવા સંસ્થાના મંત્રીએ વિદ્યાદાનરૂપે દસ હજારનું ડોનેશન માગે છે. ત્યારે દાદાના શબ્દો યાદ આવે છે, ‘વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે!’ શિક્ષણની કુપ્રથા ઉપર કુઠારાઘાત કરતી વાર્તા છે. ‘મુજે સપના આયા’ એ સામાન્ય કક્ષાની વાર્તા છે. ‘ઘરનો મોભ’માં વાર્તાનાયક ’ઉકાજી’નું રેખાચિત્ર ઊપસી રહે છે. ‘હાડકું ભાંગ્યું’ વાર્તામાં કેળાની છાલ પર પગ પડતાં પટકાઈ જતાં વાર્તાનાયક ‘ચતુર’ના પગનું હાડકું તૂટી જાય છે. પટકાઈ પડવાની આ નજીવી ઘટનાને સહારે માનવસ્વભાવ અને વૃત્તિઓનું સ-રસ નિરૂપણ આ વાર્તામાં થયું છે. માણસના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જુદા હોય છે એ કહેવત નાનજી કાકાના ચરિત્રચિત્રણમાં ઉજાગર થાય છે. બધી સેવા અને દવાખાનાનો ખર્ચો નાનજીકાકાએ વેઠ્યો છે એમ સગાંવહાલાંઓ સમક્ષ સાબિત કરવામાં તેઓ સફળ થાય છે. પરંતુ ખરેખર તો પત્ની ભાનુએ પોતાની સોનાની ચેન વેચીને સારવાર ખર્ચ ઉપાડ્યો છે. સગાંસંબંધીની માનસિકતાનું ચિત્રણ આ વાર્તામાં થયું છે. ‘લગ્નતિથિ’ વાર્તામાં વાંચવાનો શોખીન ચિન્મય અને તેની પત્ની ઉરું ઊર્ફે ઉર્વશી છે. યેને યર્મોલિન્સ્કો સંપાદિત ‘લેટર્સ ઑફ એન્ટન ચેખોવ’ પુસ્તક ગમતું હતું, ચેખોવ તેનો ગમતો લેખક હતો. સગર્ભા પત્ની અને આવવા-જવાના બીજા ખર્ચના જરૂરી મર્યાદિત પૈસા તેની પાસે હતા. છતાં ગમતું પુસ્તક ખરીદી લે છે. પણ બને છે એવું કે સાસરીમાં નાની સાળી બેલાને આઇસક્રીમ અપાવવામાં બધા પૈસા ખર્ચાઈ જતાં ભાડું ખૂટે છે એટલે પેલાં બેય ગમતાં પુસ્તક મામૂલી કિંમતે વેચવાં પડે છે. બાર વર્ષ પહેલાંની એ ઘટના ‘પુસ્તકપ્રેમી’ નાયકને ઘણી વ્યથા પહોંચાડે છે. આજે લગ્નતિથિ નિમિત્તે એ જ પુસ્તકો ભેટરૂપે મળે છે અને આજે દીકરાને આઇસક્રીમ ખાવો છે. પણ આજે સંપન્નતા છે એટલે વાંધો નથી. આઇસક્રીમના સંદર્ભ સાથે વાર્તાનું વર્તુળ પૂરું થાય છે. ‘મોટીબહેન’ વાર્તામાં જીવીના નાનાભાઈ રાજુને એક સંપન્ન ધનવાન પરિવાર દત્તક તરીકે લઈ જાય છે. પણ રાજુ મોટી બહેન જીવી માટે ઝૂરે છે અને માંદો પડી જાય છે. બીજી બાજુ જીવી પણ નાનાભાઈ રાજુ માટે ઝૂરે છે. ખોંખોં કરતો દમિયલ બાપ પૈસાની લાલચમાં રાજુને પેલા ધનવાન પરિવારને આપી દે છે. પણ વાર્તામાં મોટીબહેન જીવીનું ભાઈ માટેનું વાત્સલ્ય કરુણતા જન્માવે તે રીતે નિરુપાયું છે. પૈસાદાર કુટુંબના એ લોકો જીવીના વાત્સલ્ય અને ભાઈબહેનના પ્રેમને સમજી શકતાં નથી. છેવટે રાજુનો ભોગ લેવાઈ જાય છે ને જીવી નોંધારી બની જાય છે. વાર્તામાં સંવેદનહીન ધનવાન અને ગરીબ જીવીની નિઃસહાયતાનો સંઘર્ષ તારસ્વરે નિરૂપાયો છે. ‘ખેડૂનો દીકરો’ એ ગામડું, ખેતર, સીમ વગેરેને ગળી જતું શહેર માણસોને સ્વાર્થી પ્રાણી બનાવી દે છે અને પશુપંખીઓના મુક્ત જીવનને કેવું હણી લે છે તેનું વર્ણન કરતી વાર્તા છે. મનોરકાકા અને તેમની પત્ની બેય પાત્રોના સંદર્ભે ટીલવો કૂતરો અને કાળી કૂતરીની કહાણી આલેખાઈ છે. પશુની કામવૃત્તિ અને માણસની સૂગવૃત્તિની વચ્ચેના સંઘર્ષને આલેખતી જરાક નોંખી વાર્તા છે. ‘જગત જાગતું હતું’ એ પલ્લવી અને તેની સહેલીઓ રેખા અને નીલા વચ્ચેના સંવાદોમાં ગુંથાતી જાય છે. એ નિમિત્તે પલ્લવીના મનોજગતને ચૈતસિક સ્તરે ઉઘાડે છે. દુશ્યંતમનસ્કા શકુંતલાની જેમ જયંતમનસ્કા પલ્લવી પ્રણયસમુદ્રમાં ઊંડે સુધી ડૂબીને પણ પોતે જીવનમાં શૂન્યતાનો અનુભવ કરે છે તેની આ વાર્તા છે. આ વાર્તાઓને પાત્રો-પરિવેશના સંદર્ભમાં બે ભાગમાં વહેંચી શકાય. એક નગરજીવન-શિક્ષિત-પ્રોફેસર- લેખકનાયકો-પુસ્તકો-કિંગલિયર-આઉટસાઈડર – સાર્ત્ર, કાફ્કા, ચેખોવ, આર્નેલ્ડ, ટોયેન્બી, તોલ્સતોય, કામૂ, રવીન્દ્રનાથ વગેરેના સંદર્ભો ધરાવતી વાર્તાઓ. બે ગ્રામ પરિવેશ-ખેતર-ખેડૂત-મજૂર-પીડિત જીવનને આલેખતી વાર્તાઓ. મોટાભાગની વાર્તાઓના નાયકો લેખક, પ્રોફેસર, શિક્ષક છે. મુંબઈ, થાણા, કલ્યાણ, વડોદરા, સુરત, બિલિમોરા શહેરની પાર્શ્વભૂમિ; પુસ્તકો, કમાટીબાગ, વિશ્વામિત્રી નદી, હંસા મહેતા લાઈબ્રેરી વગેરેના સંદર્ભ પરિવેશ રચે છે. રેલવે સ્ટેશન એ લગભગ બધી વાર્તાઓમાં સ્થળ પરિબળ બની રહે છે. આ સંગ્રહમાં જેમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની વાર્તાકલા કંઈક સારી ‘વાર્તા નીપજાવી શકવા તરફ જતી હોય તેના નમૂનાદાખલ ‘અજાણ્યું સ્ટેશન’, ‘લગ્નતિથિ’, ‘ખેડૂનો દીકરો’ અને ‘વિદ્યાદાન’ ગણાવી શકાય. ‘ડાર્લિંગ’, ‘થર્મોમીટર’, ‘તન્વી શ્યામા’, ‘હાડકું ભાંગ્યું’ એ માવજતના અભાવે વાર્તાકાર વાર્તાતત્ત્વને આકારી શક્યા નથી. ‘ટ્રાફિક જામ’, ‘સુવર્ણ મૃગ’, ‘ઝેર’, ‘માનવીનાં રૂપ’, ‘મુજે સપના આયા’ એ અત્યંત નબળી અને માત્ર પ્રસંગ-અહેવાલ ચિત્રણ બની રહેતી વાર્તાઓ છે. ‘કુકડિયો’, ‘લીલીવાડી’, ‘ટોડલો ફાટ્યો’, ‘કાનજી બાદલ’ એ રેખાચિત્રની સરહદમાં પ્રવેશી જતી વાર્તાઓ છે.

ડૉ. રાજેન્દ્રસિંહ ગોહિલ
કવિ, નિબંધકાર, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર
શ્રી સ. મ. જાડેજા કૉલેજ, કુતિયાણા
મો. ૮૨૦૦૫ ૨૪૨૯૪
Email : rjgohel76@gmail.com