ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/તારિણીબહેન દેસાઈ
સુશીલા વાઘમશી
સર્જક પરિચય :
પરિવારમાંથી જ સાહિત્યનો વારસો પ્રાપ્ત કરનાર તારિણીબહેન દેસાઈનો જન્મ માતા સુધાબહેન મુન્શી અને પિતા રૂદ્રપ્રસાદ મુન્શીને ત્યાં તા. ૨૨-૧૨-૧૯૩૫ના રોજ વડોદરામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું. મ. સ. યુનિવર્સિટી, વડોદરામાંથી તત્ત્વજ્ઞાન તથા મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. કર્યું. અનુસ્નાતક મુંબઈની વિલ્સન કૉલેજમાંથી એન્ટાયર ફિલોસોફી સાથે કર્યું. ૧૯૫૫માં સુધીર દેસાઈ સાથે લગ્ન. ૧૯૫૬માં શાસ્ત્રીય કંઠ્યસંગીતમાં ડિપ્લોમા કરી સંગીત વિશારદની પદવી મેળવી, તો જ્યોતિષશાસ્ત્રમાં જ્યોતિર્વિદની પદવી પણ મેળવી. તારિણીબહેનનું વાર્તાસર્જન અનેક પુરસ્કારો વડે પુરસ્કૃત થયું છે. જેમાં ‘પગ બોલતા લાગે છે’ અને ‘રાજા મહારાજાની જે’ને ગુ.સા.અ.નો પુરસ્કાર, ૧૯૮૯-૯૦નું ટૂંકી વાર્તા તાદર્થ્ય પારિતોષિક, ‘મરૂન જામલી ગુલાબી’ને ગુ.સા.અ.નો પુરસ્કાર, ૨૦૦૪માં વાર્તા ક્ષેત્રે પ્રદાન માટે ધૂમકેતુ ઍવોર્ડ, શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક. વાર્તાકાર તરીકેની તેમની પ્રસિદ્ધિ ટૂંકી વાર્તા ક્ષેત્રે નૂતન પ્રયોગશીલતા અને આગવી ભાષાશૈલી-રીતિને આભારી છે.
સાહિત્ય સર્જન : વાર્તાસંગ્રહો : ‘પગ બોલતા લાગે છે’ (૧૯૮૪), ‘રાજા મહારાજાની જે’ (૧૯૯૨), ‘મરૂન જામલી ગુલાબી’ (૨૦૦૩), ‘કોમળ પંચમ જ’ (૨૦૦૮) વાર્તાકારનો યુગ સંદર્ભ :
વાર્તાકારનો પ્રથમ વાર્તાસંગ્રહ ૧૯૮૪ એટલે કે આધુનિકયુગના વળતાં પાણી થયાં તે સમયમાં પ્રાપ્ત થાય છે. માટે તેમને આધુનિકયુગના વાર્તાકાર કહેવા એ થોડું શંકાસ્પદ છે. પરંતુ તેમની વાર્તાઓ અને સંગ્રહની પ્રસ્તાવનાનો અભ્યાસ કરતાં એ ચોક્કસપણે કહી શકાય કે તેમના અભ્યાસ વિષયો અને સુરેશ જોષીની વાર્તા વિચારણાનો ઊંડો પ્રભાવ તેમના વાર્તાસર્જનમાં નિર્ણાયકબળ તરીકે કાર્ય કરે છે. પરિણામે તેમને આધુનિક શૈલીએ સર્જન કરતા વાર્તાકાર કહી શકાય. તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સંગીત, જ્યોતિષ જેવા વિષયોમાં રસ અને અભ્યાસ તેમના વાર્તાનિર્માણના ચાલકબળ તરીકેનો સ્વીકાર તેમના સંગ્રહોની પ્રસ્તાવનામાં મળે છે. ‘રાજા મહારાજાની જે’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ જણાવે છે : ‘ફિલસૂફીની વાત કરીએ તો... શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય તેમજ સાંખ્ય ફિલસૂફી અને સોફીસ્ટની ફિલસૂફીમાં જુદી જુદી રીતે ‘Illusions’ને રજૂ કર્યું છે. મારા મનમાં ‘Illusions’ સતત કબજો જમાવી રહ્યું છે. એનો ચોક્કસ અર્થ ગુજરાતીમાં કદાચ ન થઈ શકે પણ... મારા મનમાં એ શબ્દ માટેનો અમુક નક્કી ભાવ છે જ. ‘Illusions’ એટલે માયા કે માયાવાદ કે પછી અવિદ્યા કે પછી ભ્રાંતિ, ભ્રમ, માયાજાળ કે આભાસ... વગેરે.’ પરિણામે આ સંગ્રહની બધી જ વાર્તાઓ ‘Illusions’ કેન્દ્રી છે! આમ પણ માનવીના જીવનમાં જેટલું સ્થાન કદાચ વાસ્તવનું છે તેનાથી અધિક સ્થાન ભ્રમણાનું છે! અને માનવીને સમજવા આ ભ્રમણા કેવી કારગત નીવડે છે તેની પ્રતીતિ આ વાર્તાઓ કરાવે છે. તો સુરેશ જોષીના ‘ઘટના તિરોધાન’ વિશેના વિચારો અને લખાણોનો તીવ્ર પ્રભાવ તેમણે ‘મરૂન જામલી ગુલાબી’ સંગ્રહની પ્રસ્તાવનામાં સ્વીકાર્યો છે – ‘મુ. શ્રી સુરેશભાઈના લખાણમાં-ભાષા તથા વાર્તાના Formમાં થતા નવા પ્રયોગો તરફ મારી નજર પડી અને મારી ક્ષિતિજ વિસ્તરતી ગઈ. ફક્ત ઘટનાનાં વર્તુળમાં ઊભા રહી લોકપ્રિય લખાણ લખવા કરતાં ઘટનાને અતિક્રમી ઘટનાલોપ પછીના ધ્વનિને પામવા માટે ચીલાચાલુ ભાષામાંથી નવી ભાષાની Filigree કરવામાં મને વધુ રસ પડતો ગયો.’ આમ, સ્થૂળ ઘટનાની પાર જઈ માનવમનની લીલાને આલેખવાનું વલણ તેમના પ્રથમ વાર્તાસંગ્રહથી જ જોવા મળે છે જે ત્રીજા વાર્તાસંગ્રહ ‘મરૂન જામલી ગુલાબી’ સુધી જળવાઈ રહે છે. તેમની વાર્તાઓમાં આધુનિક માનવીને કપોળકલ્પના, કૉલાજ, વિશિષ્ટ ભાષા અને કથન રીતિએ આલેખવાનો સક્ષમ પ્રયાસ છે. આ દૃષ્ટિએ તેમના ત્રણ સંગ્રહોની વાર્તાઓ આધુનિકશૈલીની વાર્તાઓ કહી શકાય. પરંતુ તેમના અંતિમ સંગ્રહ ‘કોમળ પંચમ જ’(૨૦૦૮)ની વાર્તાઓમાં નારીના વિભિન્ન રૂપોનું સરળ શૈલીમાં થયેલું આલેખન શૈલી અને વિષયની દૃષ્ટિએ તેમના વાર્તાસર્જનમાં આવેલો વળાંક છે.
વાર્તા સર્જન :
તારિણીબહેન પાસેથી ચાર વાર્તાસંગ્રહો ‘પગ બોલતા લાગે છે’ (૧૯૮૪), ‘રાજા મહારાજાની જે’ (૧૯૯૨), ‘મરૂન જામલી ગુલાબી’ (૨૦૦૩), ‘કોમળ પંચમ જ’ (૨૦૦૮) દ્વારા કુલ ૫૯ વાર્તાઓ પ્રાપ્ત થાય છે. તેમની વાર્તાઓમાં અસ્તિત્વનો સંઘર્ષ, સંવેદનશૂન્યતા, રુગ્ણતામાંથી જન્મતી નિરાશા, વૈધવ્ય જેવા વિષયો કલ્પન, રૂપક, ભાષાના વિવિધ કાકુઓ, પુનરાવર્તન, પ્રવાહી ભાષાપ્રયોગ વડે આસ્વાદ્ય બન્યાં છે. ‘પગ બોલતા લાગે છે’ સંગ્રહની ‘અલૌકિક સિગરામ’, ‘કબરો પણ ચાલી શકે છે’, ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળ’, ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’, ‘હાલોલનો એક છોકરો’, ‘પગ બોલતા લાગે છે’, ‘સળગતો અંધકાર’, ‘ક્ષણોનો પિરામિડ’ જેવી વાર્તાઓમાં સંવેદનની તીવ્ર અનુભૂતિ વાર્તારૂપ પામી છે. ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’, ‘પગ બોલતા લાગે છે’, ‘સળગતો અંધકાર’ અને ‘ક્ષણોનો પિરામિડ’ વાર્તામાં રુગ્ણ માનવીની મનોદશાનું આલેખન છે. ‘ઉઘાડબંધ થયા કરતાં બારણાંની પાછળ’નો રાકેશ ઘણો સમય હૉસ્પિટલમાં રહીને ઘરે આવ્યો છે અને શરૂ થઈ જાય છે મિત્રોની આવ-જા. રાકેશ માટે તેમના પ્રશ્નો અને આગમન કંટાળાજનક છે. મિત્રોના પ્રાસાનુસારી નામ અને મિત્રોની સાથે પ્રશ્નોને બારણામાંથી બહાર મોકલી દેવાની ક્રિયા દ્વારા આ કંટાળાનો ભાવ વ્યક્ત થયો છે. આ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા રાકેશની કાલ્પનિક દોડ શરૂ થાય છે, મિત્ર ચંદુના ખેતરની શોધ પરંતુ મળતું મેદાન. રાકેશની આ દોડને આલેખતી ભાષામાં પણ ઝડપનો અનુભવ થાય. દોડ બાદ પહોંચી ગયો પાછો હતો ત્યાંનો ત્યાં. ફરી બીજા દિવસે બાળપણના મિત્ર શરદને ઘેર પહોંચી જવું પરંતુ મિત્રના ત્રેવીસ માળના મકાનમાં શરદ ન મળતાં, ફરી પોતાના ઘેર આવી પહોંચે છે. વાર્તાની આરંભની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન નથી પરંતુ લેખિકાએ અહીં રાકેશના પાત્ર નિમિત્તે રુગ્ણ માનવીની બાળમિત્રોની ઝંખના અને વર્તમાન ઔપચારિક મિત્રોથી ભાગી છૂટવાની માનસિકતાને આ માનસિક પરિભ્રમણ દ્વારા સક્ષમ રીતે આલેખ્યું છે. અંતે બારણાને અઢેલીને રાકેશના ઊભા રહી જવાની ક્રિયા સંબંધીઓ, મિત્રોના આગમન અને તેમના પ્રશ્નો દ્વારા અનુભવાતી ત્રાસદી અને અણગમાને પ્રગટ કરે છે. ‘પગ બોલતા લાગે છે’માં નાયક બાબુભાઈનું ત્રણ મહિના હૉસ્પિટલમાં રહી ઘરે જવાની ક્ષણના આલેખન દ્વારા માનવીની ટેવવશતાનું કલ્પન, પુનરાવર્તન, અધ્યાહાર અને દ્વિરુક્ત શબ્દો દ્વારા સચોટ આલેખન થયું છે. હૉસ્પિટલનો રૂમ છોડી ઘેર જતા લિફ્ટની રાહ જોતા સમયની તેમની સ્થિતિનું આલેખન પગ ધ્રૂજવા, આંખો સ્થિર ન રહેવી, આંખ, પગ, મગજ, જીભ બધાનું હાલવું વગેરે જેવી ક્રિયાઓ દ્વારા થયું છે, તેનાથી આગળ વધી તેમની માનસિકતાને ઇન્દ્રિય વ્યત્યય દ્વારા આલેખ્યું છે. આ સ્થિતિ સાથે સંઘર્ષ કરતા બાબુભાઈ સ્વસ્થ ચિત્તે ફરી લિફ્ટ પાસે આવી ઊભા રહે છે, પરંતુ હવે સ્વસ્થ ચિત્તની જેમ બધા અંગો પણ સ્વસ્થ છે! ‘સળગતો અંધકાર’ સર્વજ્ઞ કથનકેન્દ્ર દ્વારા કહેવાયેલી વાર્તામાં પણ રુગ્ણ નાયકનું આલેખન તેની સ્થિતિ અને ક્રિયાઓ દ્વારા થયું છે. પહેલી વાર નાયક ખાટલા પરથી પોતાની છતને તાકી રહેતા છતની તિરાડો, કરોળિયાના બાવાં અને ઝાકળનાં બિન્દુઓ ઉપર ચોંટેલી ધૂળને જોઈ રહ્યો છે. તો કરચલી પડ્યા વગરની ચાદર અને ઇસ્ત્રી કરેલા જેવો લેંઘો તેની જાતિય અશક્તિનો સંકેત છે. ત્યાર બાદ અંધકારના જુદાં જુદાં રૂપો અને ભૂતકાળમાં અંધકારના ટેકે માણેલી મજાનું સ્મરણ, લગ્નના પત્ની સાથે માણેલાં દસ વર્ષ અને લગ્ન પૂર્વે પણ અનેક સ્ત્રીઓ સાથે માણેલી મજાનો સંદર્ભ અને વર્તમાનની તુલના આરંભિત સંકેતને સઘન બનાવતા અંધકાર જાણે વર્તમાનમાં બળવતર બની તેના પર હાવી થવા લાગે છે. ઉત્સાહ વેરતી સવાર, આગ પ્રગટાવતી બપોર અને સોનેરી સાંજની રોજિંદી ઘટમાળની કલ્પના અને પોતાની તો એ જ સ્થિતિ. ભૂતકાળમાં શું કરી શકતો અને વર્તમાનમાં શું કરી શકશેના આલેખનમાં આવતા અધ્યાહારો ઘણું બધું સૂચવી જાય છે. નાયકની આ પીડિત માનસિકતાની પરાકાષ્ઠા તો – હવે એ રામની માફક એક પત્નીવ્રતથી પણ આગળ અપત્નીવ્રત પાળી શકશે, સરકારે બતાવેલા ત્રિકોણને ફગાવી શકશે, મેટરનીટી હૉમનો રસ્તો ભૂલી શકશે, પત્નીને બા બનાવી શકશે... કેટલું બધું મહાન કાર્ય એ કરી શકશે...’ જેવાં વિધાનોમાં છે. વક્રભાષા અને લેંઘા અને ખમીસને મસળવું, બે પગને એક સાથે ભીંસી ઊંધા સૂઈ જવાની ક્રિયા નાયકની ઉદ્વિગ્ન માનસિકતા, જાતિય અશક્તિએ જન્મતા અસંતોષને અસરકારક રીતે નિરૂપે છે. ‘ક્ષણોનો પિરામિડ’માં આઠ મહિનાની માંદગીને કારણે નરેન્દ્રની બદલાયેલી માનસિકતાનું આલેખન છે. બીમારી પહેલાંની પોતાની સ્થિતિમાં અને વર્તમાનમાં આવેલ પરિવર્તનને તુલનાવતા વર્તમાનમાં પોતાનાં, બાળકો માટે સેવેલાં સ્વપ્નોને પોતાની નજરની સામે તૂટતાં જોતા નરેન્દ્રની વર્તમાન સ્થિતિનું વેધક પ્રગટીકરણ છે. તો અસાધ્ય રોગમાં ઘેરાયેલા નરેન્દ્રને લઈ પત્ની રમાની વિડંબનાનું કલાત્મક નિરૂપણ – રમાનો સાવિત્રીનો પાર્ટ ભૂલી ગયાનો અનુભવ, પોતાના સુખી થવાની ભવિષ્યવાણી, માનવને પોતાની ઇચ્છા મુજબ રમાડનાર ઈશ્વર અને માનવીનું પડીકે બંધાયેલ ભાવિ, પતિ પોતાની બીમારી વિશે જાણી ન જાય તેથી તેને કોઈ પણ ભોગે છૂપાવવા હસતા મુખની પાછળ આંખોનાં જળાશય જેવા સંદર્ભો દ્વારા થયું છે. નરેન્દ્ર અને રમા બન્ને પાત્રોની સ્થિતિનું આલેખન માનવીની લાચારી અને નિયતીની પ્રબળતાને તાગે છે. ‘અલૌકિક સિગરામ’માં ટોળાથી અલિપ્ત રહેવા માંગતા માનવીના સંઘર્ષનું અલૌકિતના પાત્ર દ્વારા આલેખન છે. દિવસ, રાત પરિવારજનો, નિયમિતતા, નોકર વગેરે દ્વારા શિસ્તપૂર્ણ જીવનના આગ્રહથી ભાગી પ્રકૃતિને માણવાની અભિપ્સા, નાયકનું પોતાના અસ્તિત્વને સળ વિનાનું રાખવાની ઇચ્છા, સમયના ઘડિયાળને પોતાના હાથમાં લઈ લેવાની ઇચ્છા તેના અસ્તિત્વના સંઘર્ષને પ્રગટ કરે છે. નાયકની આ મથામણો છતાં આખરે સિગરામના બારણાંની તિરાડમાંથી પ્રવેશતો ધ્વનિ ફરી તેને ટોળા સાથે ભેળવી દે છે! વાર્તામાં પ્રયોજાયેલ કલ્પનયુક્ત ભાષા નાયકની ઇચ્છાઓ, માનવમનની નિર્બળતા અને સંઘર્ષને સચોટતાથી આલેખે છે. ‘કબરો પણ ચાલી શકે છે’નો ઈપાણ માત્ર નામથી જ વિશિષ્ટ નથી, પરંતુ વ્યક્તિત્વથી પણ વિશિષ્ટ છે. વાર્તાકારે તેની પ્રતીતિ તેની અસામાન્ય ક્રિયાઓ દ્વારા કરાવી છે. ઈપાણ અને કબર વચ્ચેની સમાનતા, ચાલવાની ક્રિયાનું પુનરાવર્તન, તેનું અસામાન્યપણું ખરેખર તો બાહ્ય ગતિશીલતા દ્વારા તેની આંતરિક સંવેદનશૂન્યતા આધુનિક માનવીને તાગે છે. ‘હાલોલનો એક છોકરો’ વાર્તામાં વિભક્ત કુટુંબમાંથી સંયુક્ત કુટુંબમાં જતા નવા વાતાવરણમાં એડજસ્ટ કરવા પોતાની જાત પ્રત્યે કઠોર બનતા નાયકનું સંયમિત આલેખન છે. મુંબઈથી હાલોલ આવ્યાંની પહેલી જ સવારે દાદી, કાકીના એક પછી એક છૂટતા આદેશ મા વિનાના રમાકાન્ત માટે અસહ્ય બને છે, પરંતુ તે પિતાની સ્થિતિને સમજી જાતને આ વાતાવરણમાં ઢાળવાના પ્રયાસ રૂપે એક જ વાડકામાં બધું ભેગું કરી જમવા લાગે છે! આગળ જતાં રમાકાન્તનો આ નિર્ણય અને પોતાના સ્વભાવને એકસમાન કરવાનો પ્રયાસ તેના જીવનનો ભાગ બની જાય છે! સયુંક્ત કુટુંબમાં આવી પડેલ રમાકાન્તને સમજતાં વાર નથી લાગતી કે શાંતિથી જીવવા માટે ટોળામાં સાથે જ ચાલવું પડશે! પોતાની જાતને એ ત્યાં સુધી સંયમિત કરી દે છે કે તેને બધાં ફળ અને શાકભાજીનો સ્વાદ એકસરખો લાગે છે! માટે જ તે બધાનો વહાલો બની શકે છે! ખરેખર તો રમાકાન્તનું આ પરિવર્તન સંયુક્ત કુટુંબની વાસ્તવિકતાને નિર્દેશે છે. લેખિકાએ અન્ય વાર્તાઓમાં પણ સંયુક્ત કુટુંબની વાસ્તવિકતાનું તટસ્થ આલેખન કર્યું છે. વાર્તાના અંતે પત્નીના આગ્રહ છતાં એક જ વાડકામાં બધું ભેગું કરી જમતા રમાકાન્તનું આલેખન વાર્તાકારની સૂઝ અને શીર્ષકને સાર્થક કરે છે. તો ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળ’ ભૂતકાળમાં થીજી ગયેલ વિધવા સ્ત્રીને આલેખે છે. ભૂતકાળમાં તેનું આવનજાવન હીંચકાની આવર્તનગતિ દ્વારા આરંભમાં જ સૂચવાયું છે. પછી તો સ્ત્રીના ભૂતકાળના ચાળીસ વર્ષોને સાચવી રાખવાના પ્રયાસોમાં તેના થીજેલ વ્યક્તિત્વનું પ્રગટીકરણ છે.
‘રાજા મહારાજાની જે’ સંગ્રહની વાર્તાના કેન્દ્રમાં ‘Illusions’ ભ્રમણામાં જીવતો આધુનિક માનવી છે. સંગ્રહની પ્રસ્તાવનામાં વાર્તાકારે પોતાના અભ્યાસ વિષયો તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન દ્વારા પોતાના જીવનના પ્રશ્નોનો જવાબ મેળવ્યાનો સ્વીકાર કર્યો છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્યની ફિલોસોફી માયાવાદે જે રીતે માનવી પર કબજો જમાવ્યો તેનું સ-રસ આલેખન આ વાર્તાઓમાં છે. બીજું આ સંગ્રહની વાર્તાઓની વસ્તુસંકલના પ્રમાણમાં ભાવકને હંફાવે કારણ કે પરંપરાગત વસ્તુસંકલના જેવી રૈખિકગતિ આ વાર્તાઓમાં નથી. વાર્તાની દેખીતી સરળ પરંતુ વક્રભાષા, કપોળકલ્પના જેવી યુક્તિઓ આધુનિક માનવીની સંવેદનાને અસરકારક રીતે આલેખે છે. ‘આશ્ચર્ય’, ‘કાળુ, પીળું અને લાલ’, ‘રમઝાનમિયાં’, ‘રિન્કી, પિન્કી. ટિન્કી’, ‘રાજા મહારાજાની જે’, ‘સરકિટ હાઉસ’, ‘સરઘસ’, ‘લાંબા...સીધા...અને ખુલ્લા રસ્તા’ જેવી વાર્તાઓમાં ભ્રમણાના આલેખન દ્વારા સંવેદનની તીવ્રતાનો અનુભવ થાય છે. ‘આશ્ચર્ય’ના નાયક જયાનંદના દૈનિકક્રમ – સવારે ઑફિસે જવું અને સાંજે ઘેર આવવું એવા રેઢિયાળ અને નવરાશ વગરના જીવનમાં એક દિવસ ફટાફટ અને ‘અચાનક’ તેની સામેના ફ્લેટનું બારણું ખૂલી જાય છે અને શરૂ થાય છે તેની માનસ યાત્રા. સામેના ફ્લેટનું ખૂલેલ બારણું તેને ઑફિસમાં પણ જંપવા દેતું નથી, માટે જ તે ઑફિસેથી રજા લઈ વહેલો ઘરે જાય છે અને બારણાં પર નજર રાખી બેસતા કોઈ ડૉક્ટરને બહાર નીકળતો જુએ છે. બીજા દિવસે ન જોવાનો નિર્ધાર છતાં તે તરફ જોવાઈ જાય છે અને ઝળહળતી સિરવાની, ગળામાં ત્રણ મોતીની સેરની માળા અને કાનમાં મોતીનાં ટોપ્સ પેહરેલ કોઈ રાજા હોય તેવા વ્યક્તિને બહાર નીકળતા જુએ છે. આશ્ચર્ય સાથે જયાનંદ તેની સાથે ઓળખાણ કરવા જાય છે પરંતુ બારણું તો વર્ષોથી બંધ છે! આમ, બારણું ખૂલવાથી બંધ થવાની ઘટના તો ખરેખર નાયકના મનની ઉપજ છે. પરંતુ તેની આ ભ્રમણાનાં મૂળ બાળપણમાં તેને રાજા કહેતા હોવામાં અને તેની ડૉક્ટર બનવાની અતૃપ્ત ઇચ્છા, ગામડાના ભર્યા ભર્યા પરિવારમાંથી આ શહેરમાં સામાન્ય નોકરી નિમિત્તે વહોરેલી એકલતામાં પડેલાં છે. અંતે સ્ટેથોસ્કોપ, સિરવાની, મોતીની માળા, કાનમાં ટોપ પહેરેલ જયાનંદને જોતા ઑફિસના લોકોનું દૃશ્ય નાયકના રૂપાંતર દ્વારા તેની અતૃપ્તિને અસરકારક રીતે આલેખે છે. ‘કાળુ, પીળું અને લાલ’ નરહરિની કંજૂસ-રંગહીન માનસિકતા અને પોતે છેતરાયો હોવાના ભયે જન્મતી ભ્રમણાને આલેખે છે. ત્રીસ ત્રીસ વર્ષે સારો કૉન્ટ્રાક્ટ રાખી ઘરમાં કલર કરાવનાર નરહરિની કંજૂસીનો પરિચય એક તો લગ્નના અટલા વર્ષે ઘરમાં કલર કરાવ્યો અને ઉપરથી તેના ખર્ચની પાઈ પાઈના હિસાબ દ્વારા મળે છે! તેના આ સ્વભાવમાંથી પોતે કૉન્ટ્રક્ટર દ્વારા છેતરાયો છે એવો અજ્ઞાત ભય ગુલાબી રંગમાં કાળું અને પછી લીલા રંગમાં પીળું ધાબું દેખાવાના ભ્રમ દ્વારા પ્રગટે છે. કૉન્ટ્રાકટર પાસે રિપેર કરાવવા છતાં પીળું ધાબું તેની પાછળ આવતું દેખાય છે અને આખરે નરહરિને મનોચિકિત્સકને શરણે જવું પડે છે. પરંતુ કોઈ ફેર ન પડતાં, આખરે જ્યોતિષનો આધાર લેતાં જ્યોતિષની મોટા ડૉક્ટરને પકડવાની સલાહ અને લાલ ધાબું પણ...ની ભવિષ્યવાણીએ લાલ ધાબું દેખાવાની ઇંતેજારી કરતો નરહરિ દયનીય લાગે છે. અહીં નરહરિની રંગહીન માનસિકતાને આલેખવા રંગોના વિનિયોગ દ્વારા રચાતો વિરોધ અર્થક્ષમ છે. ‘રમઝાનમિયાં’ એકલતાની વેદનાએ ઘરને જ પુત્ર માની બેસતા મિયાંની વાર્તા છે. ત્રણે ત્રણ દીકરાઓ જુદા રહેવા જતા ગામલોકની મદદ માટે દોડધામ કરનાર મિયાં ઘરના મોહમાંથી છૂટવા માંગે છે, પરંતુ એ મોહ પુત્રમાં રૂપાંતર પામે છે! બહારગામ ગયેલા મિયાંને ઘેર પાછા ફરતા અતિશય થાકને લીધે ઘર નજીક આવેલું લાગે છે, તે ઘર પોતાનું જ છે તેની પ્રતીતિ – પોતાની બીબીએ ઓકળિયો પાડીને બનાવેલું આંગણું, ખૂણામાં બોરસલીની વેલ... લીલા રંગની દીવાલ, અંદર પીળા રંગની દીવાલો દ્વારા થાય છે. માટે જ ઘરને જોઈ તેમની આંખો છલકાઈ ઉઠે છે. મિયાંની કોરી ધાકોડ આંખોની સામે દીવાલો પરથી પાણી ટપકવાની ક્રિયા મિયાંને ઘર એક સ્વજન તરીકેની અનુભૂતિ કરાવે છે પરિણામે જ એકલતાથી પીડાતા મિયાં ઘરને જ દીકરો માની ખૂણેખૂણાનો સ્પર્શ કરી આખાયે ઘરમાં આળોટવા માંડે છે! ‘રાજા મહારાજાની જે’માં અસંતોષમાંથી જન્મતી ભ્રમણાનું સુંદર આલેખન છે. જયાનંદના જ ગોત્રના જયરામ અને જૈમિની છે. જે ‘મેટામોર્ફોસિસ’ની યાદ અપાવે. જયરામની મોટા માણસ બનવાની ઇચ્છા સામે તેની ઓછી ઊંચાઈ અને સામાન્ય નોકરીની વિરોધી વાસ્તવિકતાનું કપોળકલ્પનાએ થયેલું આલેખન આસ્વાદ્ય છે. આરંભમાં જ જયાનંદની મહેચ્છાની સામેની સ્થિતિ તેનાં ગામડામાં ‘ફંગોળાવાની’ ક્રિયા દ્વારા સૂચવાઈ છે! પછી ગામડામાંથી જંગલમાં આવી પહોંચે છે અને લાકડાના ભારામાં સૂતેલા તેને સવારે તો દરવાજો, ઘર, બાથરૂમ મળી જાય છે. બીજી સવારે આ જગ્યાને બરાબર જોવાને ઇરાદે આંખ ઊઘાડે ત્યાં જ તેના કાને ‘રાજા મહારાજાની જે...’ના શબ્દો પડે છે. પોતાની જગ્યાએથી ઉઠવા જતા પોતાના શરીર ઉપર પહેલાં ભાર પછી ફૂલો, ગળામાં ફૂલોના હાર જુએ છે, ત્યાંથી ઊભો થતાં પોતાને પહાડ જેવો ઊભો થયેલાનો અનુભવ, અને માનું તેની ઊંચાઈ વધારવા પાછળ પડવાનું સ્મરણ તેના અસંતોષને પ્રગટ કરે છે. અંતે તેની આંખોનું બહાર નીકળી ઉત્તર દક્ષિણમાં પહોંચી જવાની ઘટના તેની મોટા માણસ બની પ્રસિદ્ધિ મેળવવાની અંતરેચ્છાને પ્રગટ કરે છે! ‘લાંબા...સીધા...અને ખુલ્લા રસ્તા’નો જૈમિની પણ ઘર દ્વારા પૂછતા સવાલોથી કંટાળી લાંબા...સીધા અને ખુલ્લા રસ્તાઓ પર ચાલવા લાગે છે અને ચાલતાં ચાલતાં દોડવું, ઝાડ પર વાંદરાની જેમ ચડવું, માછલીની માફક ગરનાળું તરી જવું, ભૂખ સંતોષવા પાંદડાં ખાવા હાથ લંબાવતાં મોઢું ઊંચું થઈ જવું અને પાછાં પોતાના ઘર તરફ પાછા ફરતા તેને વિચિત્ર રીતે જોતા લોકો અને લોકોના હાથમાં બંદૂક અને છરાનું હોવું તેના પશુમાં થયેલા સ્વરૂપાંતરને નિર્દેશે છે. તો ‘સેવન્ટીન વંડર્સ ઑફ ધ વર્લ્ડ’ના બાળપણના વાંચને ગીનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં નામ ચમકાવવાનું જોયેલ અધૂરું સ્વપ્ન પણ આ ભ્રમણાનું કારણ હોઈ શકે! ‘રિન્કી, પિન્કી, ટિન્કી’ બાળવાર્તાની કથનશૈલીએ કહેવાયેલ વાર્તા વૃદ્ધ દાદાજી નિમિત્તે છાપું વાચી અથવા ટેલિવિઝન જોઈ પોતાને પ્રવૃત્તિમય બતાવવા મથતા વૃદ્ધોને આલેખે છે. અન્ય વાર્તા ‘સરઘસ’માં પણ આવા સસરાજી ઉર્ફે દાદાજી છે. રિન્કી, પિન્કી, ટિન્કીએ પોતાના દાદાજીને પહેલીવાર ફોલ્લાના પહાડ બનતા જોયા પછી રોજ દાદાજીના સ્વરૂપ પરિવર્તનનો આ ક્રમ ચાલ્યો અને અનુક્રમે દાદાજી રીંછ, આકાશ, લીલુંછમ ખેતરમાં રૂપાંતર પામ્યા. દાદાજીના ચેનલની જેમ બદલાતાં રૂપો બાળકોને અજાયબીનો અનુભવ કરાવે છે. જે દાદાજીને પણ પ્રથમ વખત પોતાનું પણ કંઈ મહત્ત્વ છેનો સંતોષ આપે છે! કારણ કે પૂર્વે નોકરીમાં તો તેમને મહત્ત્વ મળ્યું જ નથી! દાદાજીની બીમારીનો ઇલાજ શોધનાર ત્રણે ડૉક્ટરોની દાદાજીની બહાર જવાની પૃચ્છાના જવાબમાં બાનું બારણાં પાછળથી ટહુકવું – ‘ડૉક્ટરસાહેબ! એમનામાં દમ જ ક્યાં રહ્યો હતો?’ પણ માર્મિક છે. અંતે બાળકો જ બાપુજીને શેનો શોખ છે – ના જવાબ તરીકે ટેલિવિઝનને – શોધી કાઢે છે અને અંતે ચંદ્રેશ ટેલિવિઝન વેચી દેવાનું નક્કી કરી દે છે! વાર્તાકારે અપનાવેલી બાળવાર્તાશૈલી વૃદ્ધોની ગંભીર સ્થિતિને હળવી રીતે આલેખે છે. ‘સરકિટ હાઉસ’નો અનુજ પારેખ નામ પ્રમાણે પોતે નાનો હોવાની ગ્રંથિથી પીડાય છે અને પરિણામે પારેખ સાહેબ બનતાં મોટો દેખાવા ફરી બધા તેને ‘અનુજ’ ન સમજી લે એ ભયે અક્કડ ઊભે અને ચાલે છે. પોતે રહેવા આવેલ સરકિટ હાઉસમાં રાત્રે ખુરશીમાં સફેદ કોટ પહેરેલા માણસોને જુએ છે અને ફરી પોતાની જાતને નાની અનુભવવા લાગે છે પરંતુ આવા મોટા માણસો સાથે પરિચય વધારવો યોગ્ય લાગતાં હિંમત કરી પરિચય કરે છે. એટલું જ નહીં, પોતે તેની સામે નાનો ન દેખાય તે માટે તેમના જેવો સફેદ કોટ પણ સિવડાવવાનું વિચારે છે. જે તેની લઘુતાગ્રંથિને પ્રગટ કરે છે. બીજા દિવસે નોકરોને સાહેબો વિશે પૂછતાં અહીં તો તમારા સિવાય કોઈ સાહેબો રહેતા જ નથી-નો જવાબ અને પારેખના ઘરે તેને ન શોધવાની ચિઠ્ઠી મળવી, એ ચિઠ્ઠી લખનાર તરીકે એ જ મહેતા, કર્ણિક, દરુ અને બહલસાહેબની સહી તથા અનુજ પારેખને શોધતા પોલીસતંત્રમાં પણ ‘દરુ, મહેતા, કર્ણિક અને...’માં રહેલો અધ્યાહાર સાંકેતિક છે. બીજુ અનુજ પારેખના માનસિક ભયે ઊભી કરેલ આ ભ્રમણા અનુજ પારેખનું આ મોટા માણસોની ભીડમાં ખોવાઈ જવાને પણ સંકેતે છે. ‘સરઘસ’માં મૃત્યુ પામેલા જો ફરી પૃથ્વી પર આવે તો શું થાય–ની કલ્પના છે. વાર્તાની વિશિષ્ટ ભાષાશૈલી, બહુવચનનો બહોળો પ્રયોગ, દ્વિરુક્તિ, પુનરાવર્તન વાર્તાના કેન્દ્રિય ભાવને યોગ્ય રીતે પ્રગટ કરે છે. તો મૃત્યુ પામેલા ફરી આવતા તેને જોવા ઊમટેલી ભીડના આશ્ચર્યને પ્રગટ કરતી ભાષામાં પણ ઉતાવળ અને ગતિનો અનુભવ થાય. મૃત્યુ પામેલાનો પોતાના ઘર, વસ્તુઓ અને પોતાની જગ્યા પરના કબજાને કારણે જીવંતોનું ઘર છોડવું, મૃત્યુ પામેલાનું પોતાના મરતાં જીવંતોએ પચાવેલા તેમના સ્થાનની સામે અન્યાય...ના નારાઓ અને અંતે ભૂરા, લાલ, લીલા, પીળા, ગુલાબી, મોરપીંછ – ઊભા પટાનું સરઘસ ઘર છોડી જ્યાંથી સફેદ અને લાલ ઊભા પટાનું સરઘસ આવ્યું હતું તે દિશામાં ચાલ્યું જવું. વાર્તાને સંદિગ્ધ બનાવે છે! તો ‘દ્રુતવિલંબિત’માં નોકરી કરનાર એક ‘ટ્રેની’ની બે દિવસની નોકરી દરમિયાનની દિનચર્યાનું નિરૂપણ નોકરીની ત્રાસદી અને યંત્રણાને આલેખે છે. આરંભમાં સૂરજને બીજો ધંધો જ શું છે?ના પ્રશ્ન દ્વારા નાયકની મનોદશાનો સંકેત મળે છે. તો દોડી બસ પકડવી, સમયસર પહોંચવું અને નીચું ઘાલી કામ કરવું જેવી ક્રિયાઓ નોકરીના ભારને આલેખે છે. ઑફિસમાં બધે લીલું લીલું દેખાવું અને બાળપણમાં દાદાની દુકાનેથી લીલા ચશ્માં ખરીદી બધું લીલું દેખાવાનું સ્મરણ અને બીજી સવારે ઘરની સામે લીલુંછમ ઝાડ ઊભું હોવુંની કપોળકલ્પના વર્તમાન જીવનની યાંત્રિકતા અને એકલતાને આલેખે છે. પરંતુ અન્ય વાર્તાઓને મુકાબલે આ વાર્તામાં સંવેદનની તીવ્રતાનો અનુભવ થતો નથી. ‘મરૂન જામલી ગુલાબી’ સંગ્રહની વાર્તાઓ પૂર્વેના બન્ને સંગ્રહોથી કથન અને રચનારીતિની દૃષ્ટિએ નોંખી છે. અસ્તિત્વની મથામણ, માનવમનના આવેગો અને સંચલનો તાગવા લેખિકાએ અહીં કૉલાજ, સુઝાન ફર્ગ્યુસન નિર્દેશિત Elliptical plot (અધ્યાહારની વસ્તુસંકલના) પદ્ધતિનો સફળ વિનિયોગ કર્યો છે. તેમની ‘મરૂન જામલી ગુલાબી’, ‘સવાર સવારમાં’, ‘સત્ સ્ત્રી અકાલ’, ‘કબાટમાંથી’, ‘જાદુગરનો ખેલ’, ‘કૂકડે...કૂક, કૂકડે...કૂક’, ‘ગિનેસ બુકમાં’, ‘સળ પડેલી દીવાલો’ આ દૃષ્ટિએ નોંધપાત્ર છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘મરૂન જામલી ગુલાબી’માં નિશીથના પાત્ર દ્વારા માનવીના આદિમ આવેગનું કલાત્મક અને સંયમિત નિરૂપણ છે. આરંભે નિશીથની ખુશખુશાલી અને ઉનાળામાં ગરમીથી આવતો કંટાળો વાર્તાની અંતિમ સ્થિતિનો પૂર્વ સંકેત બની રહે છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં નોકરી કરનાર નિશીથ માટે સ્ત્રીના બાવલાંને કપડાં પહેરાવવાનું કામ ધીરે ધીરે આનંદદાયક બની જાય છે, માટે જ પુરુષના બાવલાંને કપડાં પહેરાવવા નોકરની મદદ લેનાર નિશીથ સ્ત્રીના બાવલાંને તો અકલો જ કપડાં પહેરાવતો! એક દિવસ બાવલાંના છાતીના ભાગ પરથી નીકળી જતા કપડાને કારણે ઠંડકમાં પણ શરીરમાં ગરમીનું આવવું અને લાંબો સમય તંદ્રામાં જવો તેના પરિવર્તનને સંકેતે છે. નિશીથમાં પ્રગટેલો આ આવેગ – સ્ત્રી ઘરાકોને કારણે વસંત જ વસંતની અનુભૂતિ, ઑફિસમાં સ્વર્ગની અનુભૂતિ, બાવલાંને કપડાં પહેરાવ્યા બાદ હોઠનું વારંવાર ભીના થવું જેવી ક્રિયાઓ દ્વારા ઉતરોત્તર વિકાસ પામી અંતે નિશીથનું બાવલા પાસે મળવું અને તેના હોઠ, ગાલ, નાક, હડપચી, કપાળ, ભમ્મર પર લાલ, મરૂન, જાંબલી, ગુલાબી, કેસરિયા રંગના ચકામાં રૂપે પ્રગટે છે. વાર્તા અહીં જ પૂરી થવી જોઈતી હતી, આગળનો વિસ્તાર અનાવશ્યક અને બિનજરૂરી લાગે છે. ‘કૂકડે...કૂક, કૂકડે...કૂક’ વાર્તામાં મનજીનું પાત્ર માનવમાં રહેલ આળસ અને જાતીયતાનાં દ્વંદ્વને આલેખે છે. જરૂરિયાત પૂરતી નોકરી કરી સૂઈ રહેનાર મનજી બધાને જુદો લાગે છે. તેની ઊંઘવાની પ્રિય પ્રવૃત્તિમાં કટાણે થતું કૂકડે...કૂક વિઘ્ન ઊભું કરે છે! આખરે આ કૂકડે...કૂક સાંભળી, બધાનું લગન થયેલું જોઈ તેને પણ પરણવાનું મન થાય છે, પરંતુ પરણવાથી કરવી પડતી વધારે મહેનતે તે પાછો પડે છે. કદાચ આ સંઘર્ષની તીવ્રતાએ જ તે ચારે તરફ કૂકડે...કૂકની ભ્રમણાનો શિકાર બનતાં અંતે કૂકડામાં રૂપાંતર પામે છે! દેખીતી રીતે તાર્કિકતાનો અનુભવ ન કરાવતી આ વાર્તા તેની અધ્યાહારપૂર્ણ વસ્તુસંકલનાને કારણે અનેકાર્થતાનો અવકાશ રચી આપે છે. તો ‘સળ પડેલી દીવાલો’માં પરિવારના બધા સભ્યો લગ્ન પ્રસંગે જતાં ભર્યાભાદર્યા પરિવાર વચ્ચે રહેવા ટેવાયેલ નાયકના ખાલીપાનું કપોળકલ્પાનયુક્ત શૈલીમાં નિરૂપણ છે, પરંતુ અંતે થતી સ્પષ્ટતા વાર્તાને વ્યંજનાપૂર્ણ બનતાં અટકાવે છે. ‘સત્ સ્ત્રી અકાલ’ સંગ્રહની જ નહિ પરંતુ ગુજરાતી સાહિત્યની પણ વિશિષ્ટ વાર્તા છે. વાર્તાના કેન્દ્રમાં ટીનેજર નંદેસરી ઉર્ફે નંદુ છે. ઘરમાં સહુની લાડકી અને કપડાંની શોખીન નંદુ મોટી થતાં કૉલેજ જવા માંડે છે. કૉલેજ જતાં લાંબા રસ્તાની જગ્યાએ બહેનપણીએ બતાવેલ શોર્ટકટ રસ્તેથી પસાર થતાં ફિલ્મી ગીતોની સંભળાતી પંક્તિઓ – ‘રૂપ તેરા મસ્તાના..., તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત, આજા મેરી ગાડી મેં બૈઠ જા, ચોલી કે પીછે ક્યા હૈ’, દ્વારા ટીનેજરની માનસિકતાને વાર્તાકારે અસરકારક રીતે પ્રગટ કરી છે. આ ગીત પંક્તિઓ દ્વારા પ્રશંસાનો અનુભવ કરતી નંદુ ધીરે ધીરે કેવા ભયના માહોલમાં ઘેરાય છે તેનું શીશીસ...શીશીસ..., સિસોટીના અવાજો, સ્ત્રીનો જાડો અવાજ – ‘એઈ...બાંકી! એઈ વૈજન્તીમાલા! તેરે લિયે અચ્છા માલ હૈ – બિલકુલ હટ્ટા કટ્ટા!, નંદુ માટે બે સ્ત્રીઓના લઢવાડના માત્ર અવાજોથી થતું નિરૂપણ ભયના ભાવને સઘન બનાવે છે. આવા ગુપ્ત અવાજો બાદ બધી બારીઓમાં પુરુષો જ પુરુષો દેખાવા તેના ભયને તીવ્ર બનાવે છે. પરિણામે જ આ સ્થિતિમાંથી બચવા તે મમ્મીએ નિર્દેશિત હનુમાનચાલીસાનો આધાર લઈ ઘર તરફ ભાગી છૂટે છે. ત્યાંથી નાસતાં કાને પડેલા શબ્દો – ‘જમાના બદલા હૈ’ તેનો ઘેર પણ પીછો છોડતા નથી અને પપ્પાના લેટિન અમેરિકાની વાત કરતા શબ્દો ‘બધે જિગાલો જ જિગાલો...’નું સ્મરણ તેના ભયને ધ્રૂજારીમાં પલટે છે. અહીં હનુમાનચાલીસા પણ તેને શાતા આપી શકતી નથી ત્યારે બહેનપણી દિલરાજનું ‘સત્ સ્ત્રી અકાલ’ ડૂબતાનું તરણું બની રહે છે. અને તે ઘસઘસાટ ઊંઘી જાય છે. આમ સત્ સ્ત્રી અકાલે લીધેલ હનુમાનચાલીસાનું સ્થાન પણ ટીનેજરની માનસિકતાને જ નિર્દેશે છે. બીજુ અંગ્રેજી ભાષા પ્રયોગો પાત્રમાનસને ઉજાગર કરનાર અને પાત્રને જીવંતતા આપનાર છે. તો ‘કબાટમાંથી’ વાર્તામાં પ્રૌઢ સ્ત્રીની માનસિકતાનું આલેખન છે. સાદ્યંત કુતૂહલ જાળવી રાખતી આ વાર્તા પણ તારિણીબેનની નીવડેલી વાર્તા છે. અહીં પણ લેખિકાએ ઘણુંબધું અધ્યાહાર રાખ્યું હોવાને કારણે વાર્તા ચમત્કૃતિપૂર્ણ બની રહે છે. સામાજિક સંબંધો જાળવી રાખવામાં માનનાર જયશ્રીબહેન પતિથી સામા છેડાનું પાત્ર છે. તેમના આ સ્વભાવને કારણે જ સમાજમાં તેમનો મોભો છે. આ બધા બાહ્ય વર્ણનમાંથી વાર્તાકાર આપણને સિફતપૂર્વક તેના માનસ તરફ લઈ જાય છે! એક દિવસ જયશ્રીબહેનની ગેરહાજરીમાં બિલની શોધખોળ કરતા પતિ અને વહુને જયશ્રીબહેનના કબાટમાંથી તેમના ફોટા જ ફોટા મળે છે! જે પતિ અને પરિવારજનોની સાથે ભાવકને પણ આશ્ચર્યમાં મૂકે, પછી તો મમ્મીએ આટલા બધા ફોટા શા માટે પડાવ્યાં? તેની શોધ ચાલે છે. પરંતુ સુજ્ઞ ભાવક તેનો જવાબ સરોજની માતાના ઉઠમણામાં જોયેલ તેમના ફોટા સંદર્ભેની ઘરવાળા પાસે રજૂ કરેલી પ્રતિક્રિયા – ‘મેં તો સરોજની માને ઓળખ્યાં જ નહીં. એમનો પ્રસંગ હતો છતાં એ જાણે ખાસ દેખાયાં જ નહીં. ફોટામાં સાવ જુવાનજોધ અને અત્યારે કરચલીવાળાં અને ઘરડાં થઈ ગયેલાં. બંનેમાં કાંઈ મેળ જ નહીં’-માં, તથા પ્રસંગમાં સમય કરતાં બે-ત્રણ કલાક વહેલા જવામાં શોધી કાઢે. પત્નીના આટલા બધા ફોટા પતિના મનમાં શંકા જન્માવે છે અને દોડે છે વિદેશ ગેયેલી પત્નીને ફોન કરવા પરંતુ રસ્તામાં પાર્લર ચલાવનાર રીટાનો જવાબ – તમને તો ખબર હશેને બધું – ‘મારા કરતાં તો તમે એમને વધુ ઓળખો, હેં... ને અંકલ!’ ચોટનું નિર્માણ કરી વાચકને પણ વિચારતા કરી મૂકે – કે શું પતિ ચંદ્રકાન્ત તેમનાં પત્નીને ખરેખર ઓળખે છે? ‘જાદુગરનો ખેલ’માં જાદુગરનો ખેલ જોવા ગયેલ બે પરિવારોના પુત્રોની આત્માની અદલાબદલી દ્વારા માનવીના બેવડા વ્યક્તિત્વમાંથી પરિવારજનો માટે ઊભી થતી ગૂંચનું સક્ષમ ભાષા અને કથન દ્વારા થયેલ નિરૂપણ આસ્વાદ્ય છે. અંગ્રેજી અને શિષ્ટભાષા પ્રયોગની સાથે ગ્રામ્ય બોલીનો લહેકો અહીં માણવા જેવો છે. આ વાર્તા ‘હયવદન’ નાટકની યાદ અપાવે. ‘ગિનેસબુકમાં’ વૃદ્ધ દાદાજીમાં આવતાં અવસ્થા પરિવર્તન દ્વારા માનવી પોતાની અવસ્થા વિરુદ્ધ વર્તે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેનું કલાત્મક અને હળવી શૈલીમાં નિરૂપણ છે. ભગવાનનું નામ લેવાની અવસ્થાએ અનુક્રમે યુવાન, બાળક અને વૃદ્ધ જેવું વર્તન એક તરફ હળવા હાસ્યનું નિર્માણ કરે છે, તો ડૉક્ટરને તેમનામાં આવતા આ બદલાવો ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડઝમાં નોંધાવા જેવી વાત લાગે છે. જ્યારે પરિવારજનો માટે આ જ બાબત ચિંતાનો વિષય બની રહે છે! ‘સવાર સવારમાં’ પતિ સેલાર અને પત્ની કૌમુદી માટે જુદી જુદી સવારનું વર્ણન કરતી વાર્તા અંતે બન્નેની ભિન્ન માનસિકતાને પ્રગટ કરે છે. વાર્તાકારે ભાષાના વિશિષ્ટ પ્રયોગ ફોનબોન, છાપુંબાપું, જિલ્લા ફિલ્લા, યોગબોગ જેવા દ્વિરુક્ત શબ્દો વડે પત્ની માટે પતિના કામોની નિરર્થકતા સચોટ રીતે પ્રગટાવી છે. તો સેલારનું છાપામાંથી માથું ઊંચું ન કરવું, પતિ-પત્નીનું વિરોધી સમયે ઘરમાં આવવું-જવું, સેલારને મિત્ર મળવા આવતા કૌમુદીને સેલાર ક્યાં ગયો છે, તેની ખબર ન હોવી, સાદાં કપડાં ભરીને જતા સેલારને કૌમુદીના પ્રશ્નની સામે સેલારનો જવાબ – ‘જરૂરી છે ત્યાં જાઉં છું. આવી જઈશ કામ પતાવીને.’ વગેરે બાબતો પતિપત્ની વચ્ચેના કોમ્યુનિકેશન ગેપ અને ભાવ-ગેપને પણ સંકેતે છે. આરંભમાં ટેલિફોન અને છાપામાં વ્યસ્ત રહેતા સેલારે પોતાની પસંદનું કાર્ય શોધી લીધું છે, પરંતુ તે કૌમુદી માટે ‘અક્કલ વગરનું’ છે! વાર્તાકારે સેલારે પસંદ કરેલા કામને ગોપિત રાખીને વાર્તાની વ્યંજના જાળવી રાખી છે. તો ‘થેન્ક યૂ વેરી મચ’ શાન્તાબેનના કીડની બદલવાના ઑપરેશને થતું સ્વભાવ પરિવર્તન પરિવારજનોની પોલ પાધરી કરનારું બની રહે છે. જે માનવીની પોકળતાને પણ સંકેતે છે! હંમેશા સંસ્કારી વાણી બોલનાર બા ઑપરેશન બાદ તદ્દન સાચી અને અભદ્ર વાણી બોલતાં પુત્રો અને વહુ સહી સહન કરી શકતા નથી અને ફરી તેને ઑપરેશન કરાવી પૂર્વ જેવા સંસ્કારી બનાવી દે છે! વાર્તાનો આ મધૂરેણ સમાપયેત અંત પ્રતીતિકર લાગતો નથી. ‘કોમળ પંચમ જ’ લેખિકાનો અન્ય ત્રણ વાર્તાસંગ્રહોથી નોખા સૂરને રેલાવતો સંગ્રહ છે, જે સંગ્રહનું શીર્ષક અને સંગ્રહની પ્રસ્તાવનામાં લેખિકા દ્વારા વાર્તાલેખનના ઉદ્દેશની સ્પષ્ટતા દ્વારા પૂરવાર થાય છે – ‘આમ તો... આ સંગ્રહની બધી વાર્તાઓ – કોમળ પંચમ જે મૂળમાં તીવ્ર મધ્યમ પણ છે એવા વિષયને એન્લાર્જ કરી લખાયેલી છે. પંચમ સ્વર ક્યારેય કોમળ થતો જ નથી, પણ... એને કોમળ બનાવી દેવાયો છે – સ્ત્રીઓની પરિસ્થિતિના સંદર્ભમાં. એ જ કોમળ પંચમને તીવ્ર મધ્યમ સમજી નારીઓમાં ચેતનાનો પ્રવાહ જાગૃત કરવા આ વાર્તાઓ દ્વારા યત્ન કર્યો છે.’ લેખિકાની આ સ્પષ્ટતા આ સંગ્રહની વાર્તાઓના વિષયમાં આવેલ પરિવર્તનને નિર્દેશે છે, પરંતુ તેમની આ વાર્તાઓમાંથી પસાર થયા બાદ ભાવક તેમની કથનરીતિમાં આવેલા પરિવર્તનને પણ નોંધી શકશે. આ સંગ્રહની વાર્તાઓનાં કેન્દ્રમાં નારી છે. અહીં નારીની શક્તિ અને મર્યાદાઓનું તટસ્થ અને સરળ શૈલીમાં આલેખન થયું છે. બીજું નારીની વિવિધ સ્થિતિ અને રૂપને આલેખવામાં લેખિકાએ પોતાના સંગીત જ્ઞાનનો સારો લાભ લીધો છે. ચોક્કસ ઉદ્દેશ સાથે લખાયેલી આ વાર્તાઓનાં કેન્દ્રમાં નારીની વેદના, નારીની શક્તિ અને મર્યાદા બન્નેના નિરૂપણ દ્વારા સામાજિક પરિવર્તન લાવનાર તરીકે નારી અને નારીની વેદનાના કારણ તરીકે નારીની છબી પ્રગટે છે. આ સંદર્ભે ‘મહાલક્ષ્મી’, ‘સ્વીટ હોમ’, ‘ત્રણ લાલ ગુલાબ’, ‘બે ટીપાં વાદળનાં’, ‘પંદર વરસની જસુ’, ‘ડોલર્સ કમાયા...!’, ‘કોમળ પંચમ જ તીવ્ર મધ્યમ’ વાર્તાઓ યાદગાર છે. ‘મહાલક્ષ્મી’ વાર્તામાં પુત્રની ચતુરાઈએ રૂઢિવાદી માનસિકતામાંથી રૂઢિભંજક તરીકેનું સાસુનું પરિવર્તન આસ્વાદ્ય છે. પુત્રના શબ્દો – ‘બા! તું તો સાધારણ સ્ત્રી કરતાં સાવ જુદી છે!’ના પ્રભાવે પુત્રના મૃત્યુ બાદ પણ સમાજની સામે જઈ પોતાની વિધવા પુત્રવધૂ દ્વારા વરઘોડિયાને રંગબેરંગી પટોળું પહેરાવીને પોંખાવનાર બાનું પરિવર્તન યોગ્ય નિર્વહણને કારણે આકસ્મિક લાગતું નથી. એટલું જ નહીં, સુનંદાને ઘરમાં ‘મહાલક્ષ્મી’ તરીકેનું સ્થાન અપાવતાં બા રૂઢિવાદી અને વહુના માર્ગમાં વિઘ્નો ઊભા કરનારી સાસુઓને અપિલ કરનારું પાત્ર બની રહે છે. ‘ડોલર્સ કમાયા...!’ના કેન્દ્રમાં પણ સાસુ છે. આરંભે વહુઓને કાબૂમાં રાખનાર સાસુ અંતે પ્રગતિ કરનાર વહુઓને પોતાની કમાણીમાંથી પર્સ ભેટ આપે છે! આ પરિવર્તન શક્ય બને છે અમેરિકામાં વૃદ્ધાશ્રમ(Old People’s Home)ની પ્રવૃતિમય વૃદ્ધ મહિલાઓના સંસર્ગથી. અંતે દેશમાં જતા સાસુ સસરાને વળાવા આવેલ વહુઓને ભેટમાં આપેલી બન્ને પર્સનું તેમના સામાનમાં ‘Sorry’ અને ‘Thank you’ સાથે મળવું અને શ્વેતાબેનનો આવું કેવી રીતે બન્યું? પ્રશ્ન વાર્તાના મર્મને જાળવી રાખે છે. ‘સ્વીટ હોમ’ વાર્તામાં વૃદ્ધાશ્રમ નિમિત્તે હૃદયના પ્રેમ સંબંધને નિરૂપતી સુંદર વાર્તા છે. અભ્યાસ અર્થે બહેનપણી લ્યુસી સાથે ફિલાડેલ્ફિયા જતી અમીષાની વિદેશમાં માતા-પિતાની ઝંખનાનું સ્થાનાંતર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોમાંની મિસિસ લૉરેન્સમાં થઈ અંતે હૃદયનાં સંબંધમાં પરિણમે છે. મિસિસ લૉરેન્સ પણ અમીષામાં પોતાની એકની એક પુત્રીને જુએ છે. અમીષા અને મિસિસ લૉરેન્સનો ગાઢ થતો સંબંધ અમીષાની એક્ઝામની સફળતા માટે બાઇબલ વાંચવું, અમીષાનું દૂર રહેવા જતાં તેમનું ધ્રૂસકે ધ્રૂસકે રડવું, અમીષાના ગયા બાદ મિસિસ લૉરેન્સનું બાવરા બની અમીષાની શોધ કરવી અને એટેક આવવો જેવી ઘટનાઓથી પોષિત થઈ અંતે હૉસ્પિટલમાં માતા-પુત્રીના હૃદયદ્રાવક મિલનમાં પરિણમે છે. હૃદયના આ સંબંધને વશ થઈને જ અમીષા ભારત જવાનું સ્થગિત કરી દે છે! જે સર્વ સંબંધોથી પર હૃદયના પ્રેમસબંધને નિરૂપે છે. ‘ત્રણ લાલ ગુલાબ’ ‘હું’ના કેન્દ્રથી કહેવાયેલી વાર્તા છે. સંયુક્ત કુટુંબમાં રહેતી સપના માટે નોકરી કેવી રીતે પારિવારિક ત્રાસદી અને અપમાનમાંથી માન અને આનંદ આપનાર બની રહે છે, તેને વાસ્તવિક શૈલીમાં આલેખે છે. બાહ્ય પ્રસન્નતા અને ઠાઠમાઠની પડછે રહેલ સંયુક્ત પરિવારની વાસ્તવિકતા લેખિકાએ અહીં હળવી રીતે રજૂ કરી છે. ‘બે ટીપાં વાદળનાં’માં પતિના મૃત્યુ બાદ અન્ય પુરુષના સંપર્કે મોજશોખમાં પુત્રને વિસરતી માતાને કારણે ભૂખ, તરસ, તાવ, મારથી મરણોન્મુખ થતા પુત્ર રાજુનું હૃદયદ્રાવક આલેખન છે. તો રાજુની પ્રતિક્રિયા રૂપે થયેલ બાળમાનસનું નિરૂપણ વાર્તાનું જમા પાસું છે. ‘પંદર વરસની જસુ’ શીર્ષકને અનુરૂપ પંદર વર્ષની કુમળી વયે સાસરે આવેલ જસુ અને પુત્ર વચ્ચેના પ્રેમની ઈર્ષાએ સાસુ દ્વારા સોનાના ઘરેણા પોતાના માતા-પિતાને આપી દેવાના ખોટા આરોપોને કારણે જસુનો આજીવન ઘરેણા ન પહેરવાનો નિર્ણય તેની મક્કમતાને પ્રગટ કરે છે. ‘કોમળ પંચમ જ તીવ્ર મધ્યમ’ શીર્ષકને અનુરૂપ નારીના બે રૂપને આલેખે છે. સવિતાબેનના લોભામણાં રૂપથી મોહિત જશવંતભાઈ અને દાસભાઈની સંગતે વિધવા સવિતાબેન તેમની સાથે હરવાફરવા લાગે છે પરંતુ આસપાસમાં નિંદા થતાં, બન્નેમાંથી કોને પસંદ કરવાની મથામણે ન્હાનાલાલની કવિતાના વાચનથી પોતાની ભૂલ સમજાતાં લાઇબ્રેરી અને ધૂણવાનો આધાર લઈ બન્ને પુરુષોથી પીછો છોડાવે છે! ‘મેડિકલ કૉલેજમાં’ વાર્તા ખુશખુશાલ મલ્લિકાને ભૂતકાળના પ્રેમી માધવના ભેટાને કારણે જન્મતું તેને તરછોડવાનું ગિલ્ટ મૃત્યુ સુધી લઈ જાય છે. પરંતુ અંતે મલ્લિકાના મૃત્યુના દિવસે જ માધવના મૃત્યુની ઘટનાની પ્રતીતિકરતા અનુભવાતી નથી અને વાર્તા વણસી જતી લાગે છે.
તારિણીબહેન દેસાઈની વાર્તાકળા :
અસ્તિત્વનો સંઘર્ષ, સંવેદનશૂન્યતા, રુગ્ણતામાંથી જન્મતી નિરાશા, વૈધવ્ય, માનવમનની અતૃપ્તિ, અજ્ઞાત ભયે પીડિત માનસિકતા, વૃદ્ધો તથા નારીની સ્થિતિનું કલ્પન, કપોળકલ્પના, કૉલાજ, આંતરએકોક્તિ જેવી પ્રયુક્તિએ થયેલું અસરકારક આલેખન તારિણીબહેનને આધુનિક શૈલીએ સર્જન કરનાર પ્રયોગશીલ વાર્તાકાર તરીકે મહત્ત્વનું સ્થાન અપાવે છે. કપોળકલ્પનાની પ્રયુક્તિકેન્દ્રી સંપૂર્ણ વાર્તાસંગ્રહ આપનાર કદાચ તેઓ પ્રથમ વાર્તાકાર છે. તેમની વાર્તાની અન્ય વિશેષતા તરીકે વિશિષ્ટ ભાષાપ્રયોગને નોંધી શકાય. તેમની વાર્તામાં પ્રયોજાયેલી ભાષાના વિવિધ કાકુ, લય-લહેકા, અંગ્રેજી પ્રયોગો, પદક્રમનો ઉલટ-સૂલટ, દ્વિરુક્ત પ્રયોગો, અધ્યાહાર, વક્રોક્તિ, પુનરાવર્તન, બહુવચનનો પ્રયોગ અને ચાક્ષુસ-ભાવવાહી વર્ણન તેમની સફળ અને સક્ષમ ભાષાકર્મની સિદ્ધિઓ છે. ‘રમઝાનમિયાં’માં અંતે ઘરમાં આળોટતા મિયાંનું વર્ણન ચાક્ષુસ-ભાવવાહી વર્ણનનું ઉત્તમ ઉદાહરણ છે. તારિણીબહેનની વાર્તાઓમાં મોટાભાગે સર્વજ્ઞ કથનકેન્દ્રનો પ્રયોગ થયો છે, જે માનવમનની અકળલીલાને રજૂ કરવામાં કાર્યસાધક બને છે. તારિણીબહેનની વાર્તાઓ સંદર્ભે પ્રસાદ બ્રહ્મભટ્ટનું નિરીક્ષણ યોગ્ય છે, ‘લોકોની જ્યારે આખી સંવેદનસૃષ્ટિ જ બદલાઈ ગઈ છે ત્યારે વાર્તા પણ એ સંવેદનોથી અળગી કઈ રીતે રહી શકે? વાર્તાએ પણ સમયે સમયે નવા આયામો સર કર્યા છે. તે સતત વાર્તા વાંચતા ભાવક માટે તો એક નવી જ સંવેદનસૃષ્ટિ તેની આગળ ખડી થાય છે. વાર્તાસર્જક તો થીજી ગયેલા જળને પ્રવાહિત કરે છે. એ વાર્તાસર્જક તારિણીબહેન દેસાઈએ અહીં પુરવાર કર્યું છે.’ આમ, આધુનિકશૈલીએ કપોળકલ્પના અને ભાષાના વિશિષ્ટ પ્રયોગે ટૂંકી વાર્તામાં નોંખો ચીલો પાડનાર પ્રયોગશીલ વાર્તાકાર તરીકે તારિણીબહેન દેસાઈનું નોંધપાત્ર સ્થાન રહેશે.
સંદર્ભ :
દેસાઈ, તારિણીબહેન. ‘પગ બોલતા લાગે છે’, પ્ર. આ. ૧૯૮૪, પ્ર. રિની પબ્લિશર્સ, મુંબઈ.
દેસાઈ, તારિણીબહેન. ‘રાજા મહારાજાની જે’, પ્ર. આ. ૧૯૯૨, પ્ર. પ્રવીણ પ્રકાશન, રાજકોટ.
દેસાઈ, તારિણીબહેન. ‘મરૂન જામલી ગુલાબી’, પ્ર. આ. ૨૦૦૩, પ્ર. આર. આર. શેઠ કંપની, મુંબઈ.
દેસાઈ, તારિણીબહેન. ‘કોમળ પંચમ જ...’ પ્ર. આ. ૨૦૦૮, પ્ર. આર. આર. શેઠ કંપની, મુંબઈ.
બ્રહ્મભટ્ટ, પ્રસાદ. ‘તારિણીબહેન દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ આસ્વાદ અને અવબોધ’, પ્ર. આ. ૨૦૧૩, પ્ર. પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ.
સુશીલા વાઘમશી
મદદનીશ પ્રાધ્યાપક,
મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
દયાપર, કચ્છ