ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રાધેશ્યામ શર્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાધેશ્યામ શર્મા
‘પવનપાવડી’ પ્રયોગશીલ વાર્તાઓ

ભરત સોલંકી

Radheshyam Sharma 2.jpg

શ્રી રાધેશ્યામ શર્મા(જ. ૫ જાન્યુઆરી ૧૯૩૬, વાવોલ, જિ. ગાંધીનગર) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર. રૂપાલ(ઉ. ગુ.)ના વતની. ગુજરાત કૉલેજ અમદાવાદમાંથી ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે ૧૯૫૭માં બી.એ., સ્વતંત્ર લેખનનો વ્યવસાય. એમના પિતા સીતારામ શર્મા સુપ્રસિદ્ધ કથાકાર-કીર્તનાચાર્ય. ૧૯૫૮થી ૧૯૬૫ના ગાળામાં પિતાના પગલે અલગ અલગ સ્થળે સંગીત સમેત ભાગવત-કથા-પ્રવચન. ૧૯૬૫થી ૧૯૮૩ સુધી ધાર્મિક પાક્ષિક ‘ધર્મલોક’નું સંપાદન. ‘અક્રમવિજ્ઞાન’ના માનાર્હ સંપાદક. ‘યુવક’ તથા ‘ધર્મસંદેશ’નું સંપાદન પણ કરેલું. ૧૯૮૫ સુધી પત્રકારત્વ. વિવિધ દૈનિકપત્રોમાં સ્વતંત્ર કટારલેખન. પૂર્વ-પશ્ચિમના સાહિત્યનો સતત અભ્યાસ. આસ્વાદ-અવલોકન-વિવેચન-અનુવાદ સંપાદનપ્રવૃત્તિ. આધુનિકતા તથા પ્રયોગશીલતાનું સેવન. દૃશ્ય-શ્રાવ્ય કળા-સંગીત તથા ફિલ્મકળાની સૂઝબૂઝ એમને સર્જનમાંય ખપ લાગી છે. એમના કથાસાહિત્યમાં ચલચિત્ર સંયોજનની ટેક્‌નિકનો વિનિયોગ જોવા મળે છે. ગ્રામજીવન તેમજ નગરજીવનનો અનુભવ, અંદર-બહાર જોતી-નીરખતી સૂક્ષ્મ દૃષ્ટિ, મનોવિજ્ઞાનની સૂઝ, મનુષ્યની આંતર-બાહ્ય તાણને, મનુષ્યનાં આંતરસંચલનોને દૃશ્યાત્મક રીતે રૂપક-કલ્પન-પ્રતીક દ્વારા રજૂ કરવાનો કસબ. અરુઢ ગદ્યકવિતા, આધુનિક કૃતિઓનાં આસ્વાદ-વિવેચન આદિ દ્વારા તેમણે આધુનિક સાહિત્યમાં પોતાનો અવાજ સ્થાપિત કર્યો છે. ‘આંસુ અને ચાંદરણું’(૧૯૬૩)માં કલ્પન-પ્રતીકના સંયોજનવાળાં આધુનિક ગદ્યકાવ્યો છે. ‘નૅગેટિવ્ઝ ઑવ્‌ ઇટરનિટી’ (૧૯૭૪) એમનાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ છે. ‘સંચેતના’ (૧૯૮૩) વિષયવૈવિધ્ય ધરાવતાં છંદમુક્ત કાવ્યોનો સંગ્રહ છે. ‘ફેરો’ (૧૯૬૮) એ ‘કવિ’ રાધેશ્યામની લઘુનવલ છે, જેમાં તરસ અને અતૃપ્તિ સંકેતો-પ્રતીકો દ્વારા ઘૂંટાઈને પ્રગટ થાય છે. તદુપરાંત શ્રી ઉમાશંકર જોશીએ નોંધ્યું છે તેમ, ‘સંપ્રજ્ઞતાનું ચક્રાકારે ઉચ્ચતર અને બૃહત્તર થવું એ એની ઉત્તરોત્તર લાધતી ફળશ્રુતિ છે.’ ‘સ્વપ્નતીર્થ’ (૧૯૭૯) પ્રયોગશીલ લઘુનવલ છે, જે સ્વપ્ન અને જાગૃતિની સંકલનાથી ચાલતી, આધુનિક પુરાકલ્પનનું ચિત્રણ રચતી, ‘કાચ એને તાકી રહ્યો’ – જેવા વિધાનથી અનેક અર્થસંકેતો જગવીને પૂરી થતી લઘુનવલ છે. સ્વપ્ન, રૂપક, પ્રતીક, ચલચિત્રના તરીકાઓ આદિને લેખકે ખપમાં લીધાં છે. ‘બિચારાં’ (૧૯૬૯), ‘પવન-પાવડી’ (૧૯૭૭), ‘વાર્તાવરણ’ (૧૯૮૬), ‘કથાસૂત્ર’ (૨૦૦૦) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘રાધેશ્યામ શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૪), ‘રાધેશ્યામ શર્માની વિશિષ્ટ વાર્તાઓ’ (૨૦૦૦) એ એમની વાર્તાઓનાં સંપાદનો છે. પરંપરાગત શૈલીથી એમણે વાર્તાલેખન શરૂ કર્યું પણ પછીથી તેઓ સતત પ્રયોગશીલ રહ્યા છે. ‘નવી વાર્તા’ માટે એમણે સંપાદન તથા વાર્તા-આસ્વાદ દ્વારા ‘વાર્તાવરણ’ પૂરું પાડ્યું છે. ‘સળિયા’, ‘વાડીનું ભૂત’, ‘ચર્ચબેલ’, ‘હાથીપગો’, ‘તરંગની નૅગેટિવ’ વગેરે વાર્તાઓ નોંધપાત્ર ગણાઈ છે. બોલકા થયા વિના, લાગણીવેડામાં સર્યા વિના, વાર્તામાં જરીકે મેદ વધે નહિ તે જાળવીને તેમણે મનુષ્યના અસ્તિત્વને, આંતર-બાહ્ય તાણને, એકલતા-હતાશા-લાચારી-કરુણને રૂપક-કલ્પન-પ્રતીકો થકી સંયમપૂર્વક ઉપસાવ્યાં છે. ‘વાચના’(૧૯૭૨)માં આસ્વાદમૂલક લેખો છે, જેમાં સર્જકતાને ધ્યાનમાં રાખીને કરાયેલ કૃતિલક્ષી વિવેચન મળે છે. વિવેચનમાં તેમનો અભિગમ સિદ્ધાંતલક્ષી નહિ એટલો રચના-સૌંદર્યપ્રધાન રહ્યો છે. ‘સાંપ્રત’ (૧૯૭૮), ‘ગુજરાતી નવલકથા’ (રઘુવીર ચૌધરી સાથે, ૧૯૭૪), ‘કવિતાની કળા’ (૧૯૮૩), ‘આલોકના’ (૧૯૮૯), ‘શબ્દસમક્ષ’ (૧૯૯૧), ‘કર્તા-કૃતિવિમર્શ’ (૧૯૯૨), ‘વિવેચનનો વિધિ’ (૧૯૯૩), ‘ઉલ્લેખ’ (૧૯૯૩) અને ‘અક્ષર’ (૧૯૯૫) એ એમના અન્ય વિવેચનસંગ્રહો છે. ‘જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (૧૯૭૧), ‘નવી વાર્તા’ (૧૯૭૫), ‘સમકાલીન ગુજરાતી વાર્તાઓ’ (૧૯૮૬), ‘૧૦૧ ઇન્દ્રધનુષ’ (૧૯૯૫), ‘ભૂપત વડોદરિયાની ૨૭ વાર્તાઓ’ – એ એમનાં સંપાદનો છે. ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – દસ ગ્રંથોમાં (૨૦૦૪ સુધીમાં) આશરે સાડા ચારસો લેખકો-પત્રકારો-કળાકારોનાં જીવન-કવનને વણી લેતા ઇન્ટરવ્યૂ છે. ‘આપણો માનવીય વારસો’, ‘મલયાળમ શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘ગ્રામાયણ’, ‘જંગલના સૂરો’ વગેરે તેમનાં ભાષાંતરનાં પુસ્તકો છે. એમને ૨૦૦૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ તેમનું અવસાન થયું હતું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં શ્રી રાધેશ્યામ શર્માનું નામ નોંધપાત્ર છે. નવલકથા, કવિતાની જેમ ટૂંકીવાર્તામાં પણ તેમનું પ્રદાન ઓછું પણ મહત્ત્વનું છે. તેમની પાસેથી ‘બિચારા’ પ્રથમ વાર્તાસંગ્રહ પછી ‘પવનપાવડી’ વાર્તાસંગ્રહ ૧૯૭૭માં પ્રથમ આવૃત્તિ રૂપે પ્રાપ્ત થાય છે. આર. આર. શેઠ અમદાવાદથી પ્રગટ થયેલ આ વાર્તાસંગ્રહ તેમણે ડૉ. બાબુ રાજવૈદ્યને અર્પણ કરેલ છે. આ સંગ્રહમાં કુલ અઠ્ઠાવીસ જેટલી વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. તેમાંથી કેટલીક નોંધપાત્ર વાર્તાઓ વિશે વાત કરી રાધેશ્યામ શર્માની વાર્તાકળા મૂલવવાનો પ્રયત્ન છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘જાતિસ્મરણ’ શીર્ષકયુક્ત છે. આ વાર્તામાં સીધા કોઈ પાત્રનો ઉલ્લેખ કે પ્રવેશ નથી. આ વાર્તાના આરંભમાં ‘તમે જાત-સ્મરણ કોને કહો છો?’ તેવા પ્રશ્નાર્થથી થાય છે. આજના આ યંત્રયુગમાં માણસ પોતાનું જે રીતે હું કે આઈ સાચવીને બેઠો છે તે અહીં મુખ્ય વિષય બનીને આવ્યો છે. વાર્તાનાયક હું કપોલકલ્પિત સૃષ્ટિમાં રાચે છે. મહાનગરમાં સહુ અબાલવૃદ્ધ સુંદર તરુણીઓ ધોતિયા ચડ્ડી-બોટમમાં મહાલતા હાલતા-ચાલતા વાતો કરતા ચિત્રો ચીતરતા ઊછળતા રમતા જમતા હૂપ કરતાં ધૂપ કરતાં ચઢતા ચઢતા ઊતરતાં બસે ઊતરતાં ચઢતા હૂંફ મારતાં ફાકી લઈ ફિક્કા કરતાં ફકીર બની જતાં અબ્હાની કેશવાળીની જેમ ફરક ફરક હતાં પરંતુ હરેક દરેકની આંખો નકલી હતી. ઉઘાડી ખરી પણ કોડાફાડ જ જોઈ લો. (પૃ. ૧) ઉપર આખા ફકરામાં માનવીના જીવનની ભિન્ન ભિન્ન ઘટમાળ ચેષ્ટા કોઈપણ પ્રકારના અલ્પવિરામ વિના સર્જકે મૂકી છે. આ જીવન જન્મ્યો ત્યારે જાણે તેને કહ્યું’તું ‘કે ચાર હાથ જેટલી ધરણી પર નજર માંડીને ચાલવું, જંતુજીવડું હરતું-ફરતું દેખીને પગને આગળથી કે પાછળથી કે આડો-અવળો ઊંચો કરીને ચાલવું. બીજ હરિયાળી કે સજીવ મૃત્તિકાવાળો માર્ગ ટૂંકો હોય તોયે ના જવું.’ (પૃ. ૨) આમ, આખી વાર્તામાં આધુનિક મનુષ્યનું યંત્રવત્‌ જીવન નિરૂપાયું છે તો સાથેસાથે માનવીના અહમ્‌ને ‘હું’પણામાં રચ્યા-પચ્યા રહેવાની સ્વકેન્દ્રિપણાને મહત્ત્વ આપવાની વાતને સર્જકે કટાક્ષયુક્ત શૈલી દૃશ્યકલ્પત શ્રેણી માનવીના એકધારા જીવનની છબીને પ્રગટ કરે છે. આ સંગ્રહની અન્ય નોંધપાત્ર વાર્તા ‘સિગ્નલ’ છે. આ વાર્તામાં સંવાદશૈલીનો વિશિષ્ટ વિનિયોગ થયેલો છે. આ વાર્તામાં મકાનના રૂપમાં આવેલા કબાટને ક્યાં મૂકવું તે અંગે વાર્તાનાયક ‘અ’ અને તેની પત્ની ‘બ’ વચ્ચેનો સંવાદ નોંધપાત્ર છે. ‘કબાટનો ઓર્ડર તો આપી આવું પણ મેલીશું ક્યાં? માથે? માથે નહીં મારા મોં સામે, પછી જોજો. શું? મને તને કે કબાટના આયનાને? આયને મેં કભી મુંહ ભી દેખા હૈ? મુંહ ધોકે જન્મ સે આયા હું. તુમ દેખો...’ (પૃ. ૧૧) આમ મુગલ દરવાજાની ઘર તરફ સાયકલ લઈને જતાં ‘અ’ આપનાવાળું કબાટ મજૂર લાવશે તો તેને ક્યાં ગોઠવવું તેની વિમાસણમાં છે. વચમાં રસ્તેથી પસાર થતાં હૉસ્પિટલ આવે છે. ત્યાં ‘બ’ની બહેન ‘સુ’કે જે મૃત્યુ પામી છે તેનું મોં જોઈ લેવા કહે છે ત્યારે ‘બા’ જોવાની ના પાડે છે. વાર્તામાં આગળ જતાં નાયક ‘અ’ કબાટ લઈને આવે છે. રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે કબાટના આયનામાં તેને ખટારો, છૂટેલો હાથી, લાલ બસ, કાળી-પીળી રીક્ષાઓ, લારીઓ, સાઇકલો દેખાય છે. વાર્તાના અંતમાં નાયક આ લાલ લાઇટનું સિગ્નલ ક્યારે બદલાશે? ક્યારે લીલી લાઇટ થશે? તેની વિમાસણમાં છે ત્યારે પાસેનો રીક્ષાવાળો મરકતાં બોલી ઊઠ્યો, ‘હવે લીલી બત્તી થઈ ગઈ હતી.’ આ સંગ્રહની અન્ય વાર્તા ‘વીમો’ છે. જેના વિષયવસ્તુની વાત કરીએ તો આ વાર્તામાં સુનિલ અને ઋતાના સુખી લગ્નજીવનની વાત મુખ્યત્વે કેન્દ્રમાં છે. ઋતાનો પતિ સુનિલ લગ્નના પંદરમા દિવસે જ રમકડાના કબૂતર લાવે છે. ત્રણ કબૂતરો કાચના કબાટમાં ગોઠવે છે. ઋતા ચોથા કબૂતર વિશે સુનિલને પૂછે છે ત્યારે સુનિલ સિનેમા જોવા ગયા હતા ત્યાં ઋતાથી તે તૂટી ગયું હતું તેની યાદ અપાવે છે. વાર્તાના અંતમાં જમાદાર પૂછે છે, ‘યે આદમી કોન હૈ? મુદ્દા કિસકા હૈ?’ ત્યારે ઋતા મોટેથી બોલે છે, ‘મોં ના ખોલતાં ચહેરો સુનિલ કો નીકળશે તો.’ વાર્તાના અંતમાં આવતું વિધાન વાર્તાના મર્મને પ્રગટાવે છે. ‘શા’ માટે સુનિલનો વીમો નથી ઉતરાવતા. ‘બોલી બેસીનનો નળ તેણે પૂરેપૂરો ખોલી નાખ્યો.’ (પૃ. ૧૮) આ અંત પરથી ઋતાનો અનિલના મૃત્યુ વિશેનો કાલ્પનિક ભય વીમાને નિમિત્તે પ્રગટ થતો જોઈ શકાય છે. ‘પરિવર્તન’ પણ આ સંગ્રહની એક નોંધપાત્ર આધુનિક વાર્તા છે. આ વાર્તા મુખ્ય તો પૂર્ણાબાના વર્તમાન-ભૂતકાળના પરસ્પર વિરોધને પ્રગટ કરે છે. આ વાર્તાનો આરંભ સર્જક કરે છે આ રીતે, ‘પૂર્ણાબા આજે માથું ચોળીને નાહ્યાં. દોઢેક વરસ વીત્યું છતાં દર્પણમાં નિહાળીને પોતાને જોયાનું તેમની સાંભરણમાં નથી. પૂજાના એક ફોટામાં ઝિલાયેલા આત્મ-પ્રતિબિંબમાં આશરે કાંસકાથી વાળ ઓળી લેતાં. આજ તો દર્પણમાં દેખાઈ ગયું - કોટપેન્ટ પહેરેલા પતિના ફોટા નીચેના, બીજા ફોટામાં પોતે હતાં એવાં નથી રહ્યાં.’ (પૃ. ૧૯) પોતે હતાં એવાં નથી રહ્યાં એમ કહી સર્જક પૂર્ણાબાના ભૂતકાળ તરફ ઇશારો કરી દે છે; ‘અબરખિયા પોતની ઢાંકણી સાડી, અરધા ઉપરના બાહુ પર અઢારમી સદીમાં પહેરાતા એવો ખૂલતી બાંયવાળો કબજો, કોણી પર સરી પડતું દોરા વીંટેલું જમણા હાથે લોકિટ, ગળામાં સોને ગંઠેલી તુળશીની માળા, ભરી ભરી મેદસ્વી ઊંચી ગરદન, ગોળમટોળ ચહેરો, બિડાયેલા બંધ હોઠના સ્વર છે. નિર્મળ ચક્ષુ, જમણા કાનને ઢાંકી ડાબા કર્ણને ખુલ્લો છોડતો સાલ્લાની ઠોરનો સોનેરી પહોળો પટ્ટો, રૂપિયા જેવડો મોટો ચાંદલો, આકાશ શા કપાળ પર ઝૂકેલા વાદળ જેવા વાળની એક આછી વાંકડી લટ.’ (પૃ. ૧૯) પૂર્ણાબાને નાનપણમાં પુરુષ થવાનો શોખ હતો. ઝભ્ભો પહેરતાં. પછી ઉતારતાં ને છેવટે શ્રીપતરાય સાથે ભાગીને લગ્ન પણ કર્યું. છેવટે શ્રીપતરાય મૃત્યુ પામતાં વિધવા પૂર્ણાબા ભક્તિમય જીવનમાં તન્મય થાય છે. આ વાર્તામાં પણ સીધું કથાનક નથી. ભાતભાતની સહોપસ્થિતિ અને કાળની અવળ-સવળ અંકોડાની ગૂંથણી, મનોવ્યાપાર વગેરે આ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘પૂરગ્રસ્ત’ વાર્તામાં પણ નગરજીવનની વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. આ વાર્તામાં દૃશ્યમાન જગતની ઝીણવટભરી વિગતો નાયિકા મનીષાના માનસપટ પર રચાય છે. આકાશવાણી પરથી સમાચાર આવે છે કે નદીકાંઠે વસતા લોકો પોતાની સલામતી માટે સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય. તેવામાં ચંડીપાઠ કરતો વૃદ્ધ પાણીના પૂરમાં ડૂબી જાય છે અને થોડી વાર પછી પૂરના પાણી ઉપર મહિષાસુરને ત્રિશૂળથી મારતાં વાઘ પર સવારી કરી રહેલાં માતાજીનું પચરંગી ચિત્ર ભીંજાયેલું તરતું દેખાય છે. મનીષા નિશાળેથી મંદિર જાય છે ને એક ઝૂંપડીમાં જાય છે ત્યાં જમીન પર એક ડોશીમા ટાઢે ધ્રૂજતાં હોય છે. મનીષા તેમને ધાબળો ઓઢાડે છે. આમ, પૂરગ્રસ્ત વાતાવરણ સાથે મનીષાની માનસિકતા સતત જોડાયેલી રહેલી છે. ‘પવનપાવડી’ વાર્તા આ સમગ્ર વાર્તાસંગ્રહનું શીર્ષક બની છે. આ વાર્તામાં વાર્તાનાયક અમલના ચિત્રમાં સમયની થતી ભેળસેળ અને તે થકી તેની ગુપ્ત મનોકામના પ્રગટ થતી દર્શાવવામાં આવી છે. આ વાર્તામાં સર્જક અમલના મનમાં ચાલતી મનોસૃષ્ટિ આલેખે છે. બજારમાં ગયેલા નાયક અમલને સાડીઓ, જુવારના અસંખ્ય દાણાઓ, કબૂતરો, કૂતરા, મહાજનનું મકાન, પાંદડામાં પરિચિત રેખાઓ વગેરે જે જોયું તે સ્મૃતિમાં આવે છે. અમલને કાકાનો ભેટો થાય છે ને અમલ કાકાને જોઈને ઘેર ભાગી જાય છે. કાળી ફ્રેમમાં કાકાની તસવીર બજારમાં જોયો તેવો પોષાક વગેરેના સંકેતો દ્વારા સર્જક નાયકના કાકાના મૃત્યુનો સંકેત આપી દે છે. આ વાર્તાના સંદર્ભમાં ડૉ. વિજય શાસ્ત્રી નોંધે છે : ‘આ વાર્તામાં પવનપાવડીને રૂપક કે પ્રતીક બનાવવાનો ભાર લેખકે રાખ્યો નથી અને માત્ર ઓછાં ઇંગિતોથી જ કામ લીધું છે. તેથી અર્થની વિવિધ શક્યતાઓ તેમાં ખુલ્લી રહે છે.’૧ ‘જ્વાળામુખી’ વાર્તાના વિષયવસ્તુને તપાસીએ તો આ વાર્તામાં સર્જક ‘સુનિલ લેઇક’નો ઉલ્લેખ કરી તેની આસપાસ આવેલા તળાવ અને તેની આજુબાજુનું વાતાવરણ, માણસો વગેરે નિરૂપિત થયાં છે. વચ્ચે વચ્ચે શાળામાં બારાખડી ગોખતા તેના સંદર્ભો પ્રગટે છે. નાયક વિચારે છે ‘સ’ ને કોઈ નહિ સ, ન ને કાનો ‘ના’ ‘ત’ ને કંઈ નહિ ત, અને ‘ન’ ને કોઈ નહિ ન આવા સનાતન નામ સાથે પોતાની જાતને શો સંબંધ? આમ નાયક સનાતન શબ્દની વ્યુત્પત્તિમાં ખોવાય છે. વાર્તામાં આગળ જતાં આમ જ જગતની કેટલીક ઘટનાઓ, પ્રસંગો, નામોની હારમાળા નાયકના ચિત્તમાં ચાલે છે પણ સમગ્ર વાર્તા કોઈ એક કથનકેન્દ્ર ઊભું કરી શકતી નથી. ‘ધ્રુજારી’ રાધેશ્યામ શર્માની પડકારજનક વાર્તા છે. આ વાર્તામાં સર્જક પડકાર ઝીલી સજાતીય સંબંધને વર્ણવે છે. વાર્તાના આરંભમાં સર્જક નોંધે છે : ‘આજે હાથ નથી ધ્રૂજતો ત્યારે એને પેલો દિવસ.. એક દિવસ એના મિત્ર રમેશ સાથે વાંચવાને બહાને અરધી અંધારી ઓરડીમાં સૂતાં સૂતાં દહાડે તારા જાણે ગણતો હતો, રંગબેરંગી નક્ષત્રોમાં ઊડતો હતો અને ઓચિંતા ઊધઈ ખાધા બારણે ટકોર...’ (પૃ. ૫૯) બરાબર તે જ વખતે એક તાર આવે છે ને પોતાના પિતાના મૃત્યુના સમાચારના તાર ઉપર સહી કરતાં કરતાં કવર ફાડતાં તેને કપડું ફાડતો હોય તેવો અનુભવ થાય છે. વળી તાર લાવનાર ટપાલીનો ચહેરો તેને પોતાના બાપુજી જેવો લાગે છે. વળી વાર્તા આગળ વધે છે ‘અર્ધ અંધારો ઓરડો, સોડમાં દાડમના દાણા ચગળતો, ચૂસતો રમેશ, અત્યારે ક્યાં હશે? અત્યારે એ પરણ્યો હશે?’ (પૃ. ૬૧) વાર્તામાં આગળ જતાં સર્જક સ્મિતાનું પાત્ર તથા ચકલી લાવીને તેમના ભિન્ન ભિન્ન સંવાદો તથા ચકલીની ચીંચીંની ચેષ્ટાઓ, સ્ટ્રો વગેરે દ્વારા સજાતીય સંબંધના ભૂતકાળને સર્જક ખોલી આપે છે. ‘રમણભમણ’ વાર્તાનું શીર્ષક જ જુદા પ્રકારનું ને આધુનિક છે. આ વાર્તાનો આરંભ રાજના ભૂતકાળથી થાય છે. રાજ વર્તમાનમાં રહેતા બાળપણના ભૂતકાળમાં રમમાણ થાય છે. બાળપણમાં ભમરડાની અણી વાગવી, દાક્તર પોપટ ભૈનો બાને દવા લઈ લેવાનો આગ્રહ, રાજને નાનકડા રૂમમાં પૂરી દેવાની ઘટના વગેરે જેવા ભૂતકાળના કાળખંડમાં રાજ ખોવાઈ જાય છે. વિચારોમાં ને વિચારોમાં તલ્લીન રાજના હાથમાંથી ગ્લાસ ફર્સ પર પડીને તૂટી જાય છે ત્યારે સર્જક આ વાર્તાને આ રીતે વર્ણવે છે : ‘દૃષ્ટિભ્રમથી કાચની અનેક ઝીણી ઝીણી કરચો પ્રતિબિંબ પાડતા રંગીન ટાઇલ્સમાં રંગબેરંગી માછલીઓ તરફડતી હોય એવી ભળાઈ.’ (પૃ. ૭૪) રાજના વર્તમાન સાથે તેનો ભૂતકાળ જોડાતો જાય છે. રાજને હજી એ વાતનો રંજ સતાવે છે કે પોતાની રાહ જોયા વગર બાને સ્મશાને પહોંચાડવાની ઉતાવળ વધારે કરી નાખી હતી. આમ, વર્તમાન સાથે રાજનો ભૂતકાળ વારંવાર ડોકાયા કરે છે તો વળી વાર્તાના અંતમાં ડૉક્ટર રાજ પોતાના ખંડની બારી ખૂલે છે તો નીચે પોતે રમતો હતો ત્યાં દવાખાનું અને દર્દીઓની લાંબી કતાર જોઈ બારી બંધ કરી દે છે. ‘૩|| ફૂટની ઘટના’ પણ વિશિષ્ટ શીર્ષકયુક્ત વાર્તા છે. આ વાર્તામાં રામના અસ્તિત્વની અનુભૂતિનો પણ પ્રશ્ન મુખ્ય વિષય બનીને આવ્યો છે. આ વાર્તામાં સર્જક રામના જીવનની કરુણકથા કહેવા માગતા નથી. આ વાર્તાની વિશેષતા કલ્પનપ્રયોગ ને વળી અતિવાસ્તવનાં લક્ષણો પણ અહીં પ્રગટે છે જેમ કે બે માળની બસથી એમણે ચક્કર, તેમાં દેખાતા લાલ-લીલા રંગ ને રંગમાં દેખાતી સફેદ ચોકડી વગેરે. આમ અહીં કથારસ કે વાર્તાકથન કરતાં અતિવાસ્તવનું નિરૂપણ અને માવજત વધુ દેખાય છે. વાર્તાનાયકમાં જીવને નામશેષ કરનારી ઘટનાઓનો ઉલ્લેખ માનવજીવનનું વામણાપણું તથા કેટલીક પાત્રચેષ્ટાઓ વગેરે અહીં અતિવાસ્તવનું સ્મરણ કરાવે છે. આ વાર્તા વિશે ડૉ. સુમન શાહ નોંધે છે; આવાં દૃષ્ટાંતોમાં વાર્તા કથન(narration)નો પ્રકાર નથી રહેતી પણ વર્ણન(description)નો સમાયોજનનો પ્રકાર બની રહે છે.૨ ‘ટાઇમબોમ્બ’ વાર્તાના સર્જકે તરુણા અને જિતુના લગ્નવિચ્છેદ તથા પીપળાના ઝાડ તથા ટિકિટના પ્રતીક દ્વારા વ્યક્ત કરેલ છે. વાર્તાના આરંભમાં વાર્તાનાયક જીત બસ સ્ટેન્ડ ઉપર ઊભો છે. થોડી વારમાં તેની પત્ની બસ સ્ટેન્ડ પર આવે છે. જીતને તરુણા સાથે ફોટો લેવો છે. તરુણા સાથે રહેવાની જીત ના પાડે છે. તરુણા સાથે ન રહેવાનું કોઈ કારણ જીત પાસે નથી. આમ વર્તમાન સમયમાં દામ્પત્યજીવન, વિચ્છેદ વગેરે ઘટના આ વાર્તાનું વિષયવસ્તુ બનીને આવ્યું છે. ‘ટાવરમાં નિસરણી’ વાર્તામાં વાર્તાનાયક પોતાનું અસ્તિત્વ ખોવાઈ ગયાની વ્યથા અનુભવે છે. અહીં પ્લેનમાં બેઠેલા નાયકનો કપોલકલ્પિત અનુભવ આ વાર્તામાં નિરૂપણ પામ્યો છે. તો વળી ‘જન્મજન્માન્તર’ વાર્તા ગુરુ-શિષ્ય સંવાદની વાર્તા બને છે. અહીં ગુરુ પોતાના શિષ્યને જન્મજન્માન્તરની વાત કહે છે પરંતુ વાર્તામાં આગળ જતાં આ વાર્તા માત્ર ગુરુ-શિષ્યની ન રહેતાં સમસ્ત માનવજાતની જન્મજન્માન્તરની વાત બની રહે છે. ‘પડઘા’ વાર્તા પ્રયોગશીલ વાર્તા છે. આ વાર્તાનું આલેખન પદ્યમાં થયું છે તે જ રીતે ‘શો કોઝ સીનરિ’ વાર્તા પણ આખી પદ્યમાં રચાયેલી પ્રયોગશીલ છે. ‘લાઇટર’ અત્યંત ટૂંકી સંવાદશૈલીમાં અથવા તો પ્રશ્ન ઉત્તરશૈલીમાં લખાયેલી વાર્તા છે. આમ, સમગ્રપણે જોતાં આધુનિક યુગમાં સુરેશ જોષીના પ્રભાવ તળે સાહિત્ય સર્જન કરતા અનેક સર્જકોમાં રાધેશ્યામ શર્માનું નામ પણ મોખરાનું છે. ગુજરાતી વાર્તા જે રીતે ‘આધુનિક’માંથી પસાર થાય છે ત્યારે તે પરંપરા સાથે છેડો ફાડી પ્રયોગલક્ષી બને છે. રાધેશ્યામ શર્માની આ વાર્તાઓ પણ પ્રમાણમાં ટૂંકી છે. વિષયવસ્તુ, પાત્રો, રસ કે કથનકેન્દ્ર અહીં સીધે-સીધું રજૂ થતું નથી. ક્યારેક આ વાર્તાઓ પ્રયોગશીલતાના કારણે દુર્બોધતા સુધી પણ પહોંચી જાય છે. અતિવાસ્તવ, સત્યશૂન્યતા, કલ્પન શ્રેણીઓ, સંવાદશૈલી, પદ્યશૈલી વગેરે ‘પવનપાવડી’ વાર્તાસંગ્રહની આગવી વિશેષતા બને છે. વળી આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓ કોઈ ને કોઈ રીતે આધુનિક માનવમૂલ્યો પ્રગટાવતી, આધુનિક અભિવ્યક્તિખચિત આ વાર્તાઓ રાધેશ્યામ શર્માને આધુનિક વાર્તાકારોની હરોળમાં ચોક્કસ સ્થાન અપાવે છે.

સંદર્ભ :

૧. વિજય શાસ્ત્રી ગ્રંથ-૧૯૭૮, ‘પરંપરા અને પ્રયોગશીલ’, પૃ. ૩૪
૨. ડૉ. સુમન શાહ, ‘પવન પાવડી’, પૃ. ૧૩૯

ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્‌ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki૬૭@gmail.com


રાધેશ્યામ શર્મા ‘વાર્તાવરણ’ : આધુનિક મૂલ્યોના માવજતની વાર્તાઓ

ડૉ. ભરત સોલંકી

રાધેશ્યામ શર્માનું વાર્તા ક્ષેત્રે પ્રદાન જોઈએ તો ‘બિચારા’ (૧૯૬૯), ‘પવનપાવડી’ (૧૯૭૭) પછી ત્રીજો વાર્તાસંગ્રહ ‘વાર્તાવરણ’ ૧૯૮૭માં પ્રકાશિત થાય છે. આ સંગ્રહ પ્રથમ આવૃત્તિરૂપે ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદથી પ્રકાશિત થાય છે. આ વાર્તાસંગ્રહમાં સંગ્રહિત સાડત્રીસ વાર્તાઓમાંથી અઢાર વાર્તાઓમાં ‘પવનપાવડી’ સંગ્રહની વાર્તાઓનું સાતત્ય જોવા મળે છે. જ્યારે આ સંગ્રહમાં પાછળ ગ્રંથસ્થ ‘બોધકથા-સપ્તક’ તથા ‘પદ્યકથા-સપ્તક’ તથા ‘પંચાયત’ જેવા જૂથમાં પ્રગટ વાર્તાઓ પ્રયોગશીલ વાર્તાઓ છે. આમાંની કેટલીક વાર્તાઓ ત્રીજા પુરુષ એકવચનમાં રજૂ થઈ છે. આ વાર્તાઓની મુખ્ય લાક્ષણિકતા એ કપોલકલ્પિત સૃષ્ટિનું નિરૂપણ છે. આ સંગ્રહની પ્રથમ વાર્તા ‘બે કાગળ’ શીર્ષકયુક્ત છે. વાર્તાનો આરંભ મોટાભાઈ ‘શ’ ને કાગળ લખે છે ત્યાંથી થાય છે. મોટોભાઈ અને નાનોભાઈ પોતપોતાની પ્રવૃત્તિઓથી અતિવ્યસ્ત હોવાથી પત્રોની વધુ આપ-લે થતી નથી. મોટાભાઈ ‘પિતૃસેવા’ બંગલામાંથી પત્ર લખે છે. આ પત્ર આ પ્રમાણે છે : ‘દશબાર વર્ષથી બાપુજી જનકરાય ભૃગુશાસ્ત્રી કેવળ ખાટલાવશ છે. ઉંમર એમની અગણ્યાએંશીની છે. પથારીમાં પાસું ફેરવી શકતા નથી. છેલ્લા દશકાથી હું અને બહેન મળમૂત્ર કરાવતાં, પાસાં બદલાવવાં ટાલ્કમ પાઉડર બરડે લગાવવા, પાણી પીવડાવવા, નવડાવવા જેવું બધું જ સેવાનું કામ ભકિતભાવથી કરીએ છીએ.’ (પૃ. ૨) વાર્તામાં આગળ જતાં બે દિવસ અગાઉ દાક્તર મધુસૂદને મળવા આવેલા અને એમણે પરદેશમાં બહુ રિબાતા દર્દી પર દવા લાવી ઇન્જેકશન આપી ‘મર્સી કિલિંગ’નો કિસ્સો સંભળાવેલો પરંતુ દાક્તરે મને આ કિસ્સો કહ્યો તેનું આશ્ચર્ય થયું. શું ડૉક્ટર મારો મૂંઝારો, કંટાળો પારખી ગયા હશે? બીજા એક પત્રમાં મિત્રનાં બાની માંદગી, પીડા, દુઃખ અને મિત્રની સેવા વ્યક્ત થઈ છે. આમ આ વાર્તામાં પત્રાચાર તથા વૃદ્ધ માતા-પિતાની સેવા ને તેમાંથી આધુનિક માનવીના બિન-અંગતપણાના વ્યવહારને મુખ્યત્વે નિરૂપવામાં આવ્યો છે. ‘વવળાટ’ આ સંગ્રહની બીજી વાર્તા છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ આ વાર્તામાં ધરતીકંપના કલ્પનનો વિનિયોગ કરી સતીશભાઈના હંસાભાભી સાથેના આડા સંબંધનો સંકેત કર્યો છે. હંસાભાભી સાથેના આડા સંબંધનો સંકેત આપણને ‘ચા’ આપવાના બહાને તેમની પાછળ જાય છે તેમાંથી મળે છે. બરાબર તે જ વખતે રસોડાના બારણે સાણસીના ટકોરા સંભળાય છે. આ બંને વચ્ચે વર્ષોથી ફિફ્ટી ફિફ્ટી ચા વહેંચીને પીવાનો નિયમ હતો. આ વાર્તામાં સર્જક ધરતીકંપની સંખ્યા ૨૬૦૦૦ વાર થયેલો ગણાવી હંસાભાભીએ ૨૬૦૦૦ વાર જાતીય સંભોગ કર્યો હોવાનો સંકેત મળે છે. આ સંગ્રહમાં ગ્રંથસ્થ ‘રણ’ વાર્તા પણ આધુનિકતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ વાર્તાનો મુખ્ય ધ્વનિ રમૂજીલાલનું દર્શન છે. સાચાં નામ નથી એવા મૂજી અને રમૂજી નોકરી માટે વલખાં માર્યા પછી રણપ્રદેશમાં ‘ગુડાણા’ છે. વાર્તામાં બીજી ઘટના બંને પત્રો લેવા જાય છે. રમૂજીના પત્રો આવે છે એને સામે જવાબો લખવાના થાય છે. મૂંજી પત્રો લખે છે પણ પત્રો આવતા નથી. આથી મૂજી એક યોજના બનાવે છે જેમાં રમૂજીનો એક અકબંધ પત્ર પાંચ રૂપિયામાં ફેરવીને વાંચ્યા કરે છે. મૂજી ફેરવી ફેરવીને અને ફરી ફરી પત્ર વાંચ્યા કરે છે તેથી રમૂજીને પ્રશ્ન થાય છે કે આ પત્ર કોનો હશે? પત્ર મેળવવા રમૂજી મૂજીને દશની નોટ આપે છે. મૂજી ફાડી નાખે છે. રમૂજી મૂજીના માથામાં વિલાયતી દારૂની બોટલ હળવેથી મારે છે. તેથી મૂજી બેહોશ જેવો થઈ જાય છે. તેને ચક્કર આવે છે. બરાબર આ જ વખતે રમૂજી ઘડીઓ ઉકેલી પત્રો વાંચવા જાય છે તો પત્ર કોરો છે પત્રને બીજી બાજુ ઉલટાવે છે તો એ બાજુ પણ કોરો જ છે. આખી વાર્તા મૂજી-રમૂજીના સંવાદમાં પ્રગટ થઈ છે. સેમ્યુઅલ બેકેટના ‘વેઇટિંગ ફોરો ગોદો’ નાકટનાં પાત્રો અહીં સ્મરણે આવે. સાથે સાથે એ નાટકની એબ્સર્ડીટી પણ સ્મરણે ચડે. જીવનની અસંગતતા, અનર્થતા અહીં પણ પ્રગટ થાય છે. આ વાર્તા ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’નું પણ સ્મરણ કરાવે વળી વચ્ચે વચ્ચે આવતી કેટલીક ચિંતનકણિકાઓ કે વર્ણનો વાર્તા સાથે અસંગત પણ લાગ્યા કરે એવાં છે. આ વાર્તા વિશે શ્રી મફત ઓઝા નોંધે છે : ‘વાર્તાકાર આ વાર્તા દ્વારા આપણને ભ્રાંતિમાં નાંખી દે છે. ભ્રાંતિ અંતે ઊઘડે છે ત્યારે વાર્તા વાચાળ થતી લાગે છે. છતાં આ વાર્તાનો પરિવેશ અને તેની અભિવ્યકિત એક નવી દિશા ઉઘાડી આપે છે.’ આવી જ અન્ય પ્રયોગશીલ વાર્તા ‘સાર્ત્ર’ : ફોરિમ અને ક્રિસેન્સિયમ’ છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર સુરૈયા છે. એના પતિનું નામ કરીમભાઈ છે. મૂળ તો સુલેખા તેને પરણીને સુરૈયા બની છે. વાર્તાના કેન્દ્રમાં એક સમસ્યા છે, પેરિસથી પતિ સાથે મુંબઈ આવેલી સુરૈયા નિસર્ગદત્તજી પોતાની સમસ્યા રજૂ કરે છે. આ સમસ્યા છે : ‘આપ કહતે મૈં હૂં (આઇ મે) મૈં કહરે રહી, મગર મેરા અપના સવાલ પેચિદા હૈ.. મૈં તો હૂં લેકિન મૈં અપનેવાલોં સે બહુત જ્યાદા લગાવ મહેસૂસ કરતી હૂં ઇતની હદ તક કિ ઉનકી સબ ચીજેં ભી મેરે લિયે બહુત સિગ્નિફિઝન હૈ, મેં તો બમ્બઇ થોડે દિન કે લિયે આઇ થી મગર શોહર કે સાથ ફિર પેરીસ ચલી જાઉંગી તો યે લગાવ સે પરેશાન હોગી. લગાવ કી ગુથ્થી કો કૈસે સુલઝાઉ?’ (પૃ. ૩૩) આમ સુરૈયા સમસ્યાઓથી ઘેરાયેલી છે. વાર્તામાં આગળ જાતીયજીવનનો સંદર્ભ આવે છે. લગ્નજીવનમાં જાતીય સંતુષ્ટિ પણ અનિવાર્ય છે. પતિ-પત્ની વચ્ચે આ બાબતમાં સહમતિ ન સધાય તો પ્રશ્નો જન્મે. સુરૈયા જાતીયક્રીડા વખતે અણગમો અનુભવે છે. પતિ કરીમ તેના મહારાજ સર્ગનું લેક્ચર સાંભળવા સુરૈયાને આગ્રહ કરે છે પણ સુરૈયા જતી નથી. કરીમ તેને કહે છે ‘તું લેક્ચર ચૂકી ગઈ.’ આ સાથે સાથે સુરૈયા ઘણું બધું ચૂકી ગઈ છે. તે તરફ આ વિધાન દ્વારા સર્જક ઇશારો કરે છે. વાર્તાના અંતમાં કરીમ ક્રિસેન્થિમ લઈને આવે છે. સુરૈયા ગમતાં જાપાની ફૂલ જોઈ રાજી રાજી થાય છે કરીમ તો ય તેને પૂછે છે તો પછી પ્રશ્ન શું છે? ત્યારે સુરૈયા કહે છે ‘ક્રિસેન્થિમને તો પાનખરમાં જ ફૂલ બેસે છે, જ્યારે તું તો આ સ્પ્રિંગમાં લાવ્યો.’ વાર્તાનો અંત ખૂબ જ માર્મિક છે, જેમાં સુરૈયા ‘ફરી બારી પાસે જ હું ઊભી હતી અને કરીમ હિંમતભેર આગળ વધ્યો. ના, એના હાથ ધસ્યા અને ‘હું’ ઇચ્છા છતાં ‘મારા’માંથી બહાર ના નીકળી શકી.’ (પૃ. ૩૮) આ વાર્તાના સંદર્ભમાં પ્રસાદ બ્રહ્મભટ્ટ નોંધે છે : ‘રાધેશ્યામ શર્માની આ વાર્તા પ્રયોગશીલ છે એટલે સ્વાભાવિક રીતે જ પરંપરાગત વાર્તાનાં બહુ ઓછાં તત્ત્વો તેમાં જોવા મળે છે. આ વાર્તાને નવલિકા કહેવી કે કેમ એવો પ્રશ્ન પણ ઊભો કરી શકાય પરંતુ ગુજરાતી ટૂંકીવાર્તાએ છેલ્લા બે-ત્રણ દાયકામાં પ્રયોગની દિશામાં સારી એવી મજલ કાપી છે. એ સંદર્ભમાં આવા પ્રશ્ન પરત્વે સમય-શકિતનો વ્યય કરવો જરૂરી લાગતો નથી.’૨ ‘ક્લિનઝિંગ અને કાળી’ વાર્તાને સર્જકે ત્રણ ભાગમાં વહેંચી છે. આ વાર્તાનો પ્રથમ ભાગ પદ્યમાં છે અને તેમાં કાળી કૂતરીનું વર્ણન જોવા મળે છે જેમ કે...

‘સુસ્ત આંખોમાં
પૂર્વજન્મના પૂર્વજની ઓળખ થઈ
ઢાળેલા કાનોમાં
તમરાંના અવાજનું રેશમ પાથરી
જનાવરની હિલચાલ મઢી
નહેરો પર
પગલાં સૂંઘવામાં’ (પૃ. ૪૫)

તો વળી વાર્તાનો બીજો ભાગ ગદ્યમાં નિરૂપણ પામ્યો છે, જેમાં સર્જકે એ પોતાની કાળીકૂતરી ઘરમાં કેવી કેવી રીતે હેરાન કરે અને ઘટતી વસ્તુઓ પર પોતાનો હક કરતી હોય તેમ નિઃસંકોચ ફરતી રહેતી. ઘરમાં પંખા નીચે બેસવું. ભૂખ લાગે ત્યારે રસોડામાં જવું, ઘરમાં નવા સોફા આવે તો તેના પર બેસી જવું વગેરે પોતે હકથી કરે છે. ઘરના બધાને પોતાના જ માને છે. વાર્તાનો ત્રીજો ભાગ પણ ગદ્યમાં વિસ્તાર પામ્યો છે. જેમાં કાળી ગયા જનમમાં કોણ હશે! તેનો આ ઘર સાથે શો સંબંધ હશે તેની ચર્ચા કરી છે. આખરે એને ‘પરભવની લેણિયાત’ પણ કહે છે. વાર્તામાં આગળ જતાં વાર્તાનાયક ‘હું’ ને પોતાના જનમ વિશે પોતાના પૂર્વજન્મ વિશે પણ પ્રશ્નો ઊભા થાય છે. કાળીને પકડવા, ગાડીમાં પૂરવાના પ્રયત્નો વગેરે થતાં છેલ્લે નાયકના ‘પરભવમાં મારે શો સંબંધ હશે?’ એવા પ્રશ્નાર્થ સાથે વાર્તા અંતમાં પરિણમે છે. આ સંગ્રહની ‘કિરીની ગાય જેવી આંખ’ વાર્તા પણ ટેક્‌નિકની દૃષ્ટિએ પ્રયોગશીલ છે. આ વાર્તાના પ્રથમ ખંડમાં કિરી પોતાનો પરિચય આપે છે. તેમાં તે જણાવે છે કે મારા પિતા કદાચ મદ્રાસ પાસે મહર્ષિ આશ્રમમાં રહેતા હતા. પોતે બે-પાંચ વર્ષે રજાઓ ગાળવા ભારત આવી હતી. મહર્ષિના આશ્રમમાં મજા કરું છું. આશ્રમના મહર્ષિને મારા પિતા ભગવાન માનતા. બીજા ખંડમાં કિરીની આંખમાં વિચિત્ર પ્રસંગોના કારણે ગાયની દૃષ્ટિની શૂન્યતા પથરાઈ જાય છે. તેનો એક વિલક્ષણ પ્રસંગ મહર્ષિના સંબંધમાં કરે છે. એક વાર એક સ્ત્રી આશ્રમમાં આવે છે તેની સાથે બનેલા બનાવને કારણે તે ડરી ગયેલી લાગતી હતી. વાર્તાના ત્રીજા ખંડમાં આ સ્ત્રીની આપકથા-આપવીતી છે તે સ્ત્રી વાર્તાનાયિકા કિરીની માતાને જ વાત કરે છે તે કિરી સાંભળે છે. તેમાં તેના પતિ લગ્નની પ્રથમ રાત્રિ માણ્યા બાદ સાગરનાં મોજાંમાં ડૂબી જાય છે અને વર્ષો પછી તેની માતાએ કહેલું કે મારા પિતાનો ચહેરો બરાબર તેના પતિના ચહેરા સાથે મળતો આવે છે. આ વાર્તામાં રહસ્યસ્ફોટ થાય છે જ્યારે કિરી બાર વર્ષની હતી ને એક સ્ત્રી મહર્ષિ પાસે આવેલી. આ વિધાન ‘મને મહર્ષિ સાંભર્યા – પ્રથમ મારા પિતા સામે જોતાં પછી પેલી સ્ત્રી સામું જોતાં.’ આમ, તો વાર્તાના આરંભમાં જ વાર્તાનો માર્મિક અંત પ્રગટતો જોઈ શકાય છે જેમાં કિરી કહે છે કે હું કિરી આવાં કારણોસર ભારત સાથે કિરા કરવા માંગતી નથી. પછી આખી વાર્તા ભૂતકાળમાં સરી પડે છે. ‘પાંજરાની અંદર અને બહાર’ વાર્તામાં પણ કેન્દ્રમાં ભારતના ઋષિમુનિઓ અને તેમના પ્રત્યે લોકોની શ્રદ્ધા કેન્દ્રમાં છે. એક આશ્રમમાં શ્વેતકેશી મહર્ષિ અજ્ઞાત ભાષામાં બોલે છે. એક સન્નારી જર્નલમાં કશુંક ઉતારી રહી છે. એવામાં સુવિખ્યાત અંગ્રેજ લેખક મોમ ભગવાનની મુલાકાતે આવે છે. તે અચાનક બેભાન થઈ જાય છે. ભગવાનશ્રી તેમને એકી નજરે જોઈ રહે છે. મોમ પાછા ભાનમાં આવે છે ને ભગવાનને અભિનંદન આપે છે. વાર્તામાં આગળ પછી તો ટ્રેન, અને ટ્રેનમાં ભગવાન યોગી, દેશવિદેશ વગેરેના સંદર્ભો લાવી સર્જક ભારતીય ઋષિઓને અગ્રસ્થાને મૂકી આપે છે. ‘વાર્તાવરણ’માં આ વાર્તાઓ ઉપરાંત ‘ગોગલ્સ’, ‘ગેટ વે’, ‘અંધકારમાં ચહેરો’, ‘વંશ વૃક્ષ’, ‘અમારી વચ્ચે’, ‘અકુની અગાશીનું આકાશ’, ‘મોંવાટોનો એક સીન’, ‘એફિલ ટાવર’, ‘નરીનું ખાનગી રાબર’, ‘વિધિનિર્માણ’ વગેરે પણ આધુનિક મૂલ્યો, રચનાપ્રયુકિતઓ પ્રગટાવતી વાર્તાઓ છે. ‘વાર્તાવરણ’ વાર્તાસંગ્રહમાં પાછળ કેટલીક બોધકથાઓ પણ આપી છે. જેમાં ‘ખો દેતી પરીની બોધકન્યા’નું વિષયવસ્તુ જોઈએ તો આ વાર્તા ત્રીજા પુરુષ એકવચનમાં રજૂ થઈ છે. આ વાર્તામાં અદ્‌ભુત તથા ભયાનક કપોળકલ્પના સર્જકે કરી છે. શિકારી હરણની પાછળ દોડે છે. અંતે થાકીને લોથપોથ બની ઊંઘી જાય છે ને પછી ખોપરી તેની સાથે વાત કરતી હોય તેવું તેને લાગે છે. પછી જગતને જુએ છે. તો ખોપરીમાં પરી લુપ્ત થઈ જાય છે. પછી ખોપરી અને શિકારી વચ્ચે સંવાદ થાય છે. એમાં રાજા, પ્રધાન, તલવારનો સંદર્ભ સર્જક લાવે છે. આમ મધ્યકાળના શામળની કોઈ પદ્યવાર્તા જેવી આ વાર્તા સાવ જ જુદા પ્રકારની વાર્તા છે. તો વળી ‘શાહી તાવીજની બોધકથા’ વાર્તામાં ઉલ્લૂ શાહમાંથી બાદશાહ કેવી રીતે બન્યો તેના ચમત્કારની કથા મુખ્ય વિષયવસ્તુ તરીકે નિરૂપાયું છે. ‘દુઃખ પ્રદેશ’ બોધકથામાં ત્રણ શબ્દચિત્રો રજૂ થયાં છે. પ્રથમ શબ્દચિત્રમાં ભગવાન બુદ્ધ ધ્યાન અવસ્થામાં છે તેનું વર્ણન છે. બીજા શબ્દચિત્રમાં આંધળો માણસ જમી રહ્યો છે તેનું શબ્દચિત્ર નિરૂપાયું છે, તો વળી ત્રીજા શબ્દચિત્રમાં ઓથેલો નાટકનો એપિસોડ જે ત્રણ પાત્રો ભજવતાં તેનું નિરૂપણ છે. ‘બ્રાણ બકરીની બોધકથા’ વાર્તામાં એક બ્રાણની હિતોપદેશમાં આલેખાયેલી કથાનો સંદર્ભ લઈ આજના સમયની કથા કરવામાં આવી છે. આ ઉપરાંત ‘જહન્નમ પસંદ છે’, ‘પર્વત ઊંઘ’, ‘જોડકીની દંતકથા’, ‘એક નગરશેઠની બોધકથા’ વગેરે વાર્તાઓ પણ મધ્યમકાળના સંદર્ભને લઈ આધુનિક મનુષ્ય જીવનની સંવેદનાને પ્રગટાવતી વાર્તાઓ છે. આમ, સમગ્રપણે જોતાં રાધેશ્યામ શર્માનો ‘વાર્તાવરણ’ વાર્તાસંગ્રહ એક પ્રયોગશીલ વાર્તાઓ લઈને આવે છે. સર્જકે અહીં ભાષાકર્મ, અલંકારો, પદ્ય-પ્રાચુર્ય, કપોલકલ્પના, સર્‌ર્‌રિયલ તત્ત્વો, ક્યાંક દુર્બોધતા બધાની વચ્ચે મૂળ તો વાર્તા આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં આંતરબાહ્ય ચેતના પણ પ્રગટી છે તો વર્તમાન-ભૂતકાળનું સંનિધિકરણ પણ પ્રગટ થયું છે. વળી સ્ટ્રીમ ઑફ કોન્શીયસનેસની પ્રવિધિ પણ પ્રયોજી છે. આધુનિક વાર્તાઓ સાથે સાથે અહીં પરીકથા, બોધકથા, પુરાણકથા વગેરેના પરિવેશની વાર્તાઓ સર્જકનું આ વિષયનું જ્ઞાન અને વાચન પ્રગટ કરે છે.

સંદર્ભ :

૧. મફત ઓઝા, ‘પ્રયોગશીલ ગુજરાતી વાર્તા’, પૃ. ૮
૨. પ્રસાદ બ્રહ્મભટ્ટ, ‘આધુનિક નવલિકા’, પૃ. ૮૭

ડૉ. ભરત સોલંકી
કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક
એસોસિયેટ પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ,
શ્રી અને શ્રીમતી પી. કે. કોટવાળા આટ્‌ર્સ કૉલેજ,
પાટણ
મો. ૯૯૭૯૨ ૨૮૬૬૭
Email : drbnsonalki67@gmail.com