ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિભૂત શાહ
ડૉ. સુશીલા વાઘમશી
સર્જક પરિચય :
આધુનિક વાર્તાકાર, એકાંકીકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ વિભૂત શાહનો જન્મ ૨૩-૬-૧૯૩૬ના રોજ નડિયાદ, ખેડા જિલ્લામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ નડિયાદ, માધ્યમિક શિક્ષણ ખેડામાં લીધું હતું. બી.એ. અંગ્રેજી-ગુજરાતી સાથે અમદાવાદની એલ. ડી. આટ્ર્સ કૉલેજમાંથી ૧૯૫૬માં કર્યું. ૧૯૬૩માં એલ. એલ. બી. થયા બાદ લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા કરી ૧૯૫૭થી ૧૯૬૫ સુધી જામનગરની એમ. પી. શાહ મેડિકલ કૉલેજમાં ગ્રંથપાલ તરીકે સેવા આપી. ૧૯૬૬થી નિવૃત્તિપર્યન્ત તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ગ્રંથપાલ રહ્યા. તેમનું વાર્તાસર્જન અને એકાંકીસર્જન ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયું છે. સર્જક માટે સાહિત્ય સર્જન જીવનની દ્વિધા ઉકેલવાનો પ્રયત્ન છે – એવું તેઓ ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ની પ્રસ્તાવનામાં ફ્રેન્ચ લેખકનું અવતરણ ટાંકીને કહે છે. અન્ય સંગ્રહોની પ્રસ્તાવનામાં પણ માનવજીવનનાં ઊંડાણને તાગવા-સમજવાના તથા બદલાતા માનવને આલેખવાના પ્રયાસ રૂપે સર્જન થયાનો સ્વીકાર છે.
સાહિત્ય સર્જન :
વાર્તાસંગ્રહ : ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ (૧૯૬૮), ‘બંદિશ’ (૧૯૭૭), ‘ફ્લાવર વાઝ’ (૧૯૮૮), ‘કુંજાર’ (૧૯૯૪), ‘શેષ કથાચક્ર’ (૨૦૧૨)
નવલકથા : ‘અસંગતિ’ (૧૯૮૮), ‘સપ્તપર્ણ’ (૧૯૮૯), ‘અમાવસ્યા’ (૧૯૯૦), ‘સંભવામિ’ (૧૯૯૨), ‘અગ્નિ-મેઘ’ (૧૯૯૩), ‘આંબિયા બહાર’ (૧૯૯૫), ‘કારતક કરે શૃંગાર’ (૨૦૦૧), ‘અંગાર આશ્લેષ’ (૨૦૦૩), ‘ના સૂર ના સરગમ’ (૨૦૦૫),
એકાંકી : ‘લાલ, પીળો ને વાદળી’ (૧૯૭૦), ‘શાંતિનાં પક્ષી’ (૧૯૭૪), ‘માનુનીનાં શ્યામ-ગુલાબ’ (૧૯૯૦)
નાટક : ‘ચંદ્રનો ડાઘ’ (૧૯૭૮), ‘વ્હાલા પપ્પા’ (૧૯૯૦)
વાર્તાકારનો યુગ સંદર્ભ :
૧૯૫૯થી વાર્તાસર્જન આરંભનાર વિભૂત શાહને સમયની દૃષ્ટિએ આધુનિક અને અનુઆધુનિકયુગમાં મૂકી શકાય, પરંતુ તેમની લેખનશૈલીએ તેમની વાર્તાનો છેડો ધૂમકેતુને સ્પર્શે છે. તેમની એનેક વાર્તાઓ ધૂમકેતુની વાર્તાઓમાં મળતી ચોટનો અનુભવ કરાવે, સાથે અનેક વાર્તાઓમાં પરંપરાગત સ્વરૂપથી ફંટાઈ કલ્પન, પ્રતીક, કપોળકલ્પના જેવી પ્રયુક્તિઓના પ્રયોગમાં આધુનિકશૈલીનો અનુભવ પણ થાય. માટે તેમને લેખનશૈલીની દૃષ્ટિએ કોઈ ચોક્કસ યુગમાં મૂકી શકાય નહીં. વિષયની દૃષ્ટિએ તેમની વાર્તાઓમાં તત્કાલીન માનવી અને માનવજીવનને સમજવાનો સર્જકીય પુરુષાર્થ છે.
વાર્તાસર્જન :
‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ (૧૯૬૮), ‘બંદિશ’ (૧૯૭૭), ‘ફ્લાવર વાઝ’ (૧૯૮૮), ‘કુંજાર’ (૧૯૯૪), ‘શેષ કથાચક્ર’ (૨૦૧૨) – આ સંગ્રહો દ્વારા તેમની પાસેથી કુલ ૧૦૦ ઉપરાંત વાર્તાઓ પ્રાપ્ત થાય છે. પ્રથમ વાર્તા સંગ્રહ ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ની વાર્તાઓ દ્વારા ધ્યાન આકર્ષિત કરનાર વાર્તાકારનું વાર્તાલેખન લગભગ ચારેક દાયકા સુધી ચાલ્યું છે. ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’માંની ‘બારી બહાર’, ‘મૃત્યુનો પડછાયો’, ‘હું-બે’, ‘છેવટનું અસત્ય’, ‘એ કોણ રડે છે?’, ‘મીના મારી કાંઈ સગી નથી’, ‘ધુમ્મસની સૃષ્ટિ’, ‘ભગવાન તમને મળવા ઇચ્છે છે!’, ‘કાર્ડિયોગ્રામ’ જેવી વાર્તાઓ માનવમનની આંટીઘૂંટીને આલેખે છે. તો ‘કઠપૂતળી અને સિંદૂરિયું પંખી’, ‘હોઠકટ્ટો’, ‘પ્રાણીબાગમાંથી કોક પશુ નાઠું’ જેવી વાર્તાઓમાં સામાજિક વાસ્તવને આલેખવાનો પ્રયાસ છે. ‘બારી બહાર’ની નાયિકા સુમેધા બે પુરુષો પતિ પ્રથિત અને મિત્ર મહેશ વચ્ચે દોલાયમાન સ્થિતિ અનુક્રમે ત્યાગ અને સ્વીકારમાંથી અંતે કોઈ પણ વિકલ્પ ન પસંદ કરતાં નિર્લેપ રહી મુક્ત મને બારી બહાર દૃષ્ટિ કરે છે ત્યારે તેજના અફાટ ખેતરનો વિસ્તાર અને મૃદુ હવાનો સંચાર અનુભવે છે. આરંભે ઘર અને પતિને છોડવાનો નિર્ણય અને અંતે આ પરિસ્થતિમાંથી બહાર નીકળી તેજનો અનુભવ નાયિકાની બદલાયેલી માનસિકતાને નિર્દેશે છે. ધૂમકેતુ શૈલીએ લખાયેલી ‘મૃત્યુનો પડછાયો’ પતિની પોપટનું બચ્ચું પાળવાની જિદ સામે ભવિષ્યવાણી પરની અંધશ્રદ્ધાએ પતિને મૃત્યુમાંથી ઉગારવા પત્ની શાંતિનો આપઘાત કરુણતામાં પરિણમે છે. શાંતિનો સ્ફોટક પત્ર એક પતિપરાયણ નારીની છાપ ભાવકમન પર છોડી જાય છે. ‘હું-બે’ વાર્તામાં પોતાની સાથે વૈચારિક ભાવાત્મક સમાનતા ધરાવનાર અન્ય વ્યક્તિ છે એવું પત્નીની બહેનપણી બિના પાસેથી સાંભળતાં મિહિર એટલો અસ્વસ્થ થઈ જાય છે કે આ અભિપ્રાયની ખરાઈ માટે એલેકને પત્ર લખી જો આ સાચું હોય તો પોતે મૃત્યુને સ્વીકારવાનું લખી બેસે છે. પરંતુ વળતો એલેકનો પત્ર બન્ને વચ્ચેના જુદાપણાંને પ્રગટ કરી આપે છે. માત્ર પોતાની સાથે સામ્યતા ધરાવનાર વ્યક્તિ છે એવી સામન્ય વાત પણ માનવમનને કેવી અસરકર્તા બની રહી છે તે મિહિરના પાત્ર દ્વારા આ વાર્તામાં સરસ રીતે આલેખન પામ્યું છે. ‘છેવટનું અસત્ય’ પરંપરાગત શૈલીએ લખાયેલી માનવમનને ઉજાગર કરતી વાર્તા છે. દેખીતી રીતે જીવનભર અસત્યને આધારે જીત મેળવનારને અસત્ય દ્વારા જ પરાજય મળતાં તેનામાં કેવું પરિવર્તન આવે તે વાર્તાનો આલેખન વિષય છે, પરંતુ સૂક્ષ્મ રીતે એક પિતાનું પુત્રવત્સલ હૃદય કેવી રીતે અસત્યવાદીને પણ પીગળાવી શકે છે! તે વાર્તાના વિરોધી શીર્ષક દ્વારા સંકેતિત થયું છે. પુત્ર અમિતના રુદન સંદર્ભે નાયકને માતના શીર્ષક રૂપ શબ્દો ‘એ કોણ રડે છે?’નું સ્મરણ માતૃમહિમાને પ્રગટ કરે છે. વાર્તામાં પિતા અને પુત્રના પાત્ર દ્વારા માતૃવંચિત પુત્રની સામે પિતાનું માતૃસ્મરણ વિરોધ રચી આપે છે. અમિતનું પાત્ર પણ તેના માતા વગરના ઉછેરને યોગ્ય રીતે સંકેતે છે. સાથે વાર્તામાં રજૂ થયેલ ગામડિયાં સંયુક્ત પરિવારના દૃશ્ય સામે નાયક અને પુત્રનો અધૂરો પરિવાર પણ વિરોધ રચી આપી માતૃમહિમાને આલેખે છે. ‘મીના મારી કાંઈ સગી નથી’માં નાયકના વાસ્તવજીવનની કેટલીક ઘટનાઓના કૉલાજ સાથે નાયકે મીનાનું ચૈતસિક રૂપે ઊભું કરેલું પાત્ર જાણે માનવીની અધૂરપો અને અસંતોષને આ પ્રકારે આભાસ દ્વારા પૂર્ણ કરી, તેની સામે પોતાના જીવનનાં સત્યોને પ્રગટ કરી માનસિક ભૂમિકાએ સાંત્વના મેળવવાના પ્રયાસને આલેખે છે. તો ‘ધુમ્મસની સૃષ્ટિ’ બાહ્ય રીતે ગરીબ પરિવારની સ્થિતિનું આલેખન વાર્તામાં વાર્તાની પ્રયુક્તિ દ્વારા વાસ્તવજીવન અને કલ્પના વચ્ચે પ્રગટતું સામ્ય માનવમનના અતલ ઊંડાણને તાગે છે. બહેન કાન્તાની માંદગી અને અસહ્ય ગરીબીમાંથી મુક્ત થવા નાયક અંતે બીમાર બહેન કાન્તાની દવા બદલી મૃત્યુને માર્ગે ધકેલે છે! વાર્તામાં બદલાયેલી પરિસ્થિતિ, એકાંતમાં અસ્પષ્ટ બબડવું અને નાયક સુરેશના ઘરમાં એક સુંવાળા ટુકડાનું આવીને વસવું જેવા સંકેતો વાર્તાના મર્મને પ્રગટ કરે છે. ‘ઇકોતેર કુળની કથા’ સર્જકના સ્વપ્નના વર્ણન રૂપે વિસ્તરતી આ વાર્તા પ્રવાહી ભાષાનો અનુભવ કરાવે. સુરૂપા-આર્થર, નાયક-અરુણોદા, કાલિદાસની નવમલ્લિકા, લિંકનની મેરી જેવા સંદર્ભો નાયકના સ્ત્રી રાગ અને તેને પામવાની-ઓળખવાની તીવ્ર ઇચ્છાને પ્રગટ કરે છે. છેક વિનસની ખંડિત મૂર્તિથી માંડી મેરી, નવમલ્લિકા, વાન ગોઘ, ડાલી વગેરે સર્જકોના સંદર્ભો દ્વારા સ્ત્રીનાં રૂપો અને તેને પામવાની સર્જકીય મથામણ છે. અંતે બિલાડીનો સંદર્ભ નાયકની તેને ન પામી શકવાની વિફલતાને પ્રગટ કરે છે. તો બુદ્ધ, ગાંધીજીનો સંદર્ભ ન્યુક્લિયર યુદ્ધમાંથી ઉગારનાર સંદેશાવાહકની સામે નાયકની પંચતંત્રમાંથી જોક્સ શોધી હસવાની ક્રિયા વિરોધ સર્જે છે. અનેક સર્જકીય સંદર્ભોમાં વિસ્તરતી આ વાર્તાના કેન્દ્રમાં સ્ત્રી છે, જે દેખીતી રીતે અસંગત લાગતા સંદર્ભોને જોડી વાર્તાની વ્યંજનાને જાળવી રાખે છે. ‘ભગવાન તમને મળવા ઇચ્છે છે!’ વાર્તામાં આંકડાઓ અને સામાન્ય ઘટમાળમાં જીવતા નાયકના જીવનમાં એક દિવસ કોઈ અજાણ્યો માનવી આવીને કાનમાં ‘ભગવાન તમને મળવા ઇચ્છે છે’ના કથનને કારણે નાયકની ભગવાન માટે આરંભાતી શોધ આખરે તેના નિયમિત જીવનને ડહોળી ચિત્તભ્રમની દશાએ પહોંચાડે છે! માનવીની ભગવાન વિશેની કલ્પના અને ‘ભગવાન તમને મળવા ઇચ્છે છે’ વાક્ય દ્વારા સર્જકે માનવમન પર તેના પ્રભાવને સુપેરે આલેખ્યો છે. ‘કાર્ડિયોગ્રામ’ કલ્પનાશ્રેણીમાં વિસ્તરતી વાર્તાના આરંભમાં ટેકરીનું અને શિયાળું પંખીએ મૂકેલા ઈંડાંનું કલ્પન તથા હેત નીતરતી આંખોવાળી છોકરીનું ફળ રૂપક, કેટલાંક અસંગત વર્ણનો, નાયકનું બાળરૂપ, ત્રણ પુરુષો, નિર્વસ્ત્ર સ્ત્રી અને બાળક, અશ્વત્થના વૃક્ષ નીચે બેસી ઉપદેશ કરતા દેવતાઈ પુરુષ, ધોળા ઘોડા અને કાળા અસવારનો સંદર્ભ, પોતે કાળો અસવાર ન બની શક્યો તેની વેદના અને તેમાંથી મુક્તિ મેળવવા મદિરાપાનનો આધાર લેવાની ઘટના આદિકાળના માનવથી માંડી વર્તમાન નાયકની વેદનાને પ્રગટ કરે છે. અંતે મિત્ર પત્નીનું પોતાના બાબાને નાયક પાસે મોકલી પૂછેલ પ્રશ્ન – ‘કેમ દિવસે દિવસે ફિક્કા પડતા જાવ છો?’ અને જવાબમાં નાયકનું મૌન અનેક અર્થ સંદર્ભો રચી આપે છે. ‘કઠપૂતળી અને સિંદૂરિયું પંખી’ ‘હોઠકટ્ટો’, ‘પ્રાણીબાગમાંથી કોક પશુ નાઠું’ વાર્તાઓ સામાજિક વાસ્તવને રજૂ કરે છે. ‘કઠપૂતળી અને સિંદૂરિયું પંખી’માં દમયંતીએ પસંદ કરેલ વરના અસ્વીકાર સામે વિરોધ કર્યા વિના રાબેતા મુજબ જીવ્યે જતી દમયંતી પિતા ભૃગુરાયમાં અજંપો સર્જે છે. નળાખ્યાનના વિદર્ભરાય અને વર્તમાન ભૃગુરાયનો વિરોધ જાણે ભૃગુરાયમાં પોતે કરેલા કર્મ પ્રત્યે અપરાધભાવ જગાવે છે. અંતે ભૃગુરાયને થતી બધું થીજી જવાની લાગણીની સામે સિંદૂરિયા પંખીની સૂર્ય તરફ ઊડાન ભૃગુરાયની માનસિકતાને તાગે છે. વાર્તાનું શીર્ષક આ વિરોધને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે. ‘હોઠકટ્ટો’ વાર્તામાં બાહ્ય રીતે કદરૂપા લાગતા હોઠકટ્ટા માનવીની આંતરિક સુંદરતાનું પ્રગટીકરણ સંયમિત રીતે કરવામાં આવ્યું છે. કથકની તટસ્થતા અને અંતે સુંદર સ્ત્રી દ્વારા મૂકવામાં આવતા લગ્નના પ્રસ્તાવનો કથક દ્વારા અસ્વીકાર હોઠકટ્ટાની સાથે કથકની માનવીયતાને પણ ઉજાગર કરી આપે છે. ‘પ્રાણીબાગમાંથી કોક પશુ નાઠું’ અનામી પશુના પ્રાણીબાગમાંથી નાસી જવાનું વાસ્તવવાદી શૈલીએ થયેલું વર્ણન સૂક્ષ્મ રીતે માનવીમાં રહેલ વાસનામય પશુપણાને સંકેતે છે. કાળા ડિબાંગ હબસીનું ગોરી સ્ત્રીને બાથમાં ભીડવું, તેના પર દાંત બેસાડવા જેવી ક્રિયાઓ આ સંદર્ભે સાર્થક છે. પશુનું પાંજરામાંથી નાસવું અને ફરી પાંજરામાં આવી પૂરાઈ જવાની ઘટના સમયે સમયે ઉદ્દીપ્ત થતી વાસનાને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે.
‘બંદિશ’(૧૯૭૭)ની બીચનું વર્ણન કરતી પ્રસ્તાવના સૂક્ષ્મ રીતે નૈતિક મૂલ્યોનું પતન, સંવેદનહીન બનતો માનવી, સ્ત્રી-પુરુષની જાતીય ભૂખ, ઔપચારિક બનતા માનવીય સંબંધોને સંકેતે છે. ખરેખર તો આ વર્ણનાત્મક પ્રસ્તાવનામાં સંગ્રહની વાર્તાઓના વિષયોનો સંકેત મળે છે. સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ પારિવારિક અને સ્ત્રી-પુરુષ સંબંધને કપોળકલ્પના યુક્ત અથવા વાસ્તવનિષ્ઠ શૈલીએ આલેખે છે. સંવેદન શૂન્યતાને આલેખતી વાર્તાઓમાં ‘ઠંડુ માસ’, ‘મર્મેઇડ’ મહત્ત્વની છે. ‘ઠંડુ માસ’માં ત્રણ ઘટનાઓ-સોનાલીના મમ્મીના મૃત્યુને કારણે તેના ઘેર જવું, મિત્ર વિજયના ઘેર જવું પરંતુ તેનું ઘર પર ન હોવું અને મહાસુખમાસાને ત્યાં ખબર કાઢવા જવું. જેવી ઘટનાઓમાં માત્ર ઔપચારિકતા ખાતર સંડોવાતા નાયક દ્વારા સંવેદનશૂન્ય બનેલ માનવીને આલેખાવાનો પ્રયાસ છે. સ્ત્રી-પુરુષ સંબંધને આલેખતી વાર્તાઓમાં ‘મર્મેઇડ’ રૂપકાત્મક રીતે રતિક્રિયારત નાયક અને રતિક્રિયા પ્રત્યે સુસ્ત નાયિકાને આલેખે છે. વરસાદ બાદ માટીમાંથી પ્રસરતી સુગંધ, દરિયાની સફર દરમિયાન નાયકે જોયેલ અર્ધ મૃત મર્મેઇડ, એલિફન્ટા કેવ્ઝ, બાજુમાં સૂતેલ સુસ્ત નાયિકા, નાયક પર તેનો ઝુકાવ જેવા સંદર્ભો આ સંદર્ભે પ્રસ્તુત છે. ‘પરાઈ ભોમમાં’ વાર્તા એથેન્સના પ્રવાસ દરમિયાન ચેકોસ્લોવાકિયાની ધરતીને જોવા-માણવાના નાયકના અનુભવ સાથે ત્યાનાં લોકોમાં ખાસ કાતકા નામની યુવતી સાથે વધતો પરિચય આકર્ષણમાં પરિણમી, નાયકના પ્રણય નિવેદન સામે નાયક-પત્નીની સ્વીકારેલ ભેટને કારણે કાતકાનો અસ્વીકાર વિદેશી કાતકાની આંતરિક રેખાઓ પ્રગટ કરી આપે છે! ‘હું કે પછી એ?’ વાર્તા સુખદ દામ્પત્યમાં સુમતિ નામક વ્યક્તિનો પત્ની યામિનીના નામે આવતો વસિયતમાં નોમિની તરીકે યામિનીના નામનો પત્ર શંકાનું કારણ બને છે. યામિની દ્વારા પત્રની અવગણના, સુમતિની ઓળખનો અસ્વીકાર, પત્ર બાદ યામિનીનું ગુન ગુન બંધ થવું, વગેરે નાયકની શંકાને દૃઢ કરતાં બળો છે, પરિણામે જ નાયક સુમતિના ઘેર જઈ તપાસ કરવા પ્રવૃત્ત થાય છે. જ્યાં સુમતિની વૃદ્ધ મા પાસેથી સુમતિને યામિની સાથે પ્રેમ હતો તેની જાણ થવી, માની સુમતિના પત્રોની નાયકને સોંપણી, નાયકના જ કહેવાથી યામિનીનું તે પત્રો વાંચવું, પરિણામે નાયકને બેડરૂમમાં થતી સુમતિની હાજરીની અનુભૂતિ નાયકના સાશંક માનસને પ્રગટ કરે છે. તો પારિવારિક સંબંધ-સંકુલતાને આલેખતી વાર્તાઓમાં ‘શક્યતા તરીકે –’, ‘આટલાં વર્ષો પછી પણ...’, ‘ઇતિહાસમાંથી મળી આવેલી’, ‘મૂંગા પાત્રો’ નોંધપાત્ર છે. ‘શક્યતા તરીકે’ વાર્તામાં વર્ષો પહેલાં ઘર છોડીને ગયેલા નાયકની પાછા ફરતા ઘરમાં સ્વીકાર થશે કે અસ્વીકારની અવઢવ, પત્નીનો આવકાર પરંતુ દીકરીનું ગરીબીથી કંટાળી ઘર છોડીને ભાગી જવાના કારણ તરીકે તથા પોતાની આ સ્થિતિનું કારણ પિતાને માનતા પુત્રોની વાતચીત, પિતા દ્વારા તે રાત્રે સાંભળી લેવાની શક્યતાએ પિતાનું પુનઃ ઘર છોડીને ચાલ્યા જવું, રહેવું કે આત્મહત્યા કરવી એવો ભાવકને પૂછાવામાં આવતો પ્રશ્ન અંતની શીર્ષક કથિત શક્યતાને નિર્દેશે છે. ‘આટલાં વર્ષો પછી પણ...’ શીર્ષકને અનુરૂપ વર્ષો પછી પુત્રીએ પસંદ કરેલ પ્રેમી સંદર્ભે અસંતોષ વિશે પિતાની પત્ની સાથેની ચર્ચામાં પત્નીના પ્રશ્ન – તમે કેવળ સુખને જ મહત્ત્વ આપો છો? પ્રેમને નહીં? નાયકનાં લગ્ન પહેલાંના પ્રેમસંબંધ અને અત્યાર સુધી સાચવી રાખેલા તેના પત્રો વર્તમાન નિર્ણય અને તેના સુખદ દામ્પત્ય જીવન પર જાણે પ્રશ્ન ઊભો કરી સાધન-સુવિધાની સરખામણીમાં પ્રેમના મહત્ત્વને સંકેતે છે. બીજું પુત્રીએ પસંદ કરેલ પાત્ર એ નાયકની પ્રેમિકા માધવીનો પુત્ર છે એવો સ્ફોટ વર્ષો પછી આ રીતે સામે આવતા ભૂતકાળને નિર્દેશે છે. ‘ઇતિહાસમાંથી મળી આવેલી’ના કેન્દ્રમાં પિતા પુત્રીનો ભાવપૂર્ણ સંબંધ અને માતા વગરની પુત્રીના મનને જાણવાની યુક્તિ રૂપે પિતાએ ઊભી કરેલી પોતાની કાલ્પનિક પ્રેયસીની વાત એક પુત્રી વત્સલ પિતાના માનસને પ્રગટ કરે છે. ‘મૂંગા પાત્રો’ પણ ભૂતકાળના પ્રેમસંબંધે થયેલ બાળકનો સમાજની સામે સ્વીકાર, સમાજના મોભીઓ દ્વારા તેમની હિંમતની પ્રસંશા, તો કેટલાક વિરોધી મત, પરંતુ પુત્ર સમરના પાલક પિતા સાથે રહેવાના નિર્ણયની સામે શ્રીમતિ રાધારમણ અને સમરના પાલક પિતા ડૉ. પરીખના નિર્ણયનું શું? એવા વાર્તાના અંતે મૂકવામાં આવેલ પ્રશ્ન સંદર્ભે વાર્તાનું શીર્ષક પ્રસ્તુત છે. ‘મારું નામ અમર છે’ નામ સાથે જોડાયેલ માનવીની વ્યક્તિત્વ-ઓળખની સંવેદનાને આલેખતી સુંદર વાર્તા છે. દેવાની નાગચૂડમાંથી બચવાની યુક્તિ રૂપે પોતાને મૃત જાહેર કરી વિમાના પૈસાથી નવી ઓળખ અને નવા શહેરમાં અમર અને સુચિત્રા નવું જીવન શરૂ કરે છે પરંતુ મનથી આ નવી ઓળખને સ્વીકારી ન શકતા અજંપાના અનુભવે આખરે પોતાની અસલ ઓળખ પાછી મેળવવા પત્ની સુચિત્રાનો સાથ મળતાં અમર બધું કબૂલ કરવા તૈયાર થાય છે! ‘કુમારસેન, લ્યૂસી ક્લાર્ક અને લોર્ડ ક.’ વાર્તા જાસૂસી શૈલીએ લખાયેલી વાર્તા છે. પત્રકાર નાયકનું બોસના આદેશથી લોર્ડ ક.એ કરેલા ખૂનની તપાસ માટે તેમની સાથે સંકળાયેલ ક્લાર્ક લ્યૂસીને મળવા જેરુસલેમ જવું અને ત્યાં બહાનું કરી લ્યૂસી સાથે યહૂદીઓના પવિત્ર સ્થળ ‘વેઇલિંગ વૉલ’ જોવા જવું, બીજા દિવસે અન્ય સ્થળે સાથે જઈ વાત વાતમાં લ્યૂસી પાસેથી લોર્ડ સાથે સંકળાયેલ હોવાની તથા લોર્ડે કરેલા ખૂનની માહિતી મેળવવી, પાછા આવતાં લ્યૂસી સાથે રહેતો બહેરો-મૂંગો નોકર લોર્ડ ક. તો નહિ હોય-ના ઝબકારોમાં, ખરેખર તો એક રાજા હોવા છતાં પોતે કરેલા અપરાધને કારણે તેને વેઠવો પડેલો અજ્ઞાતવાસ જ જાણે તેને મળેલી સજા છે!–ની પ્રતીતિ ભાવકને થયા વગર ન રહે. સર્જકે પસંદ કરેલી પ્રયુક્તિને કારણે સાદ્યંત વાર્તાનો રસ જળવાયો છે. સામાજિક વાસ્તવ વિભૂત શાહની વાર્તાઓમાં અનેક રીતે આવે છે. સામાજિક વાસ્તવને આલેખતી વાર્તાઓમાં એક વિશિષ્ટ કહી શકાય તેવી વાર્તા ‘હજારો વર્ષ પહેલાં પણ – ને હજુ આજે પણ –’ નોંધપાત્ર છે. દેખીતી રીતે નાયકના ઈટાલીમાં મળી આવેલ પુરાણા નગર ‘પોમ્પાઈ’ની મુલાકાતમાં ગાઇડ એન્ડ્રીઆના દ્વારા પોમ્પાઈનો કરાવાતો પરિચય નાયકને ચિત્તોડ સાથે જોડી, મૃતદેહોને સાચવવા તેના પર રેડવામાં આવતા પ્લાસ્ટર ઑફ પેરિસને કારણે મૃતદેહો પર પડતી તિરાડો તેના ભૂતકાળની વેદનાને ઉપસાવી આપે છે. તો પોમ્પાઈમાં વારાંગનાના ઘરનો પરિચય, વેટ્ટી બ્રધર્સ રૂપે મેલ પ્રોસ્ટિટ્યૂટ અને વર્તમાનમાં એન્ડ્રીઆનાનું છૂટા પડતી વખતે પોતાની જરૂરિયાતોના ખુલાસાની સાથે તેનો થાક ઉતારવા માટે પોતાનો સંપર્ક કરવાનું કથન ભૂતકાળ અને વર્તમાનને જોડી વાર્તાના મર્મ પ્રગટ કરે છે. અંતે હજારો વર્ષો પહેલાં દેહ વેચવા મજબૂર સ્ત્રી વિશેના નાયકના વિચારો અને વર્તમાન સાથે જોડતું કથન વાર્તાના મર્મને હાનિકર્તા છે.
સૂક્ષ્મ માનવીય ભાવોને આલેખતી વાર્તાઓમાં ‘અધૂરી વારતા’, ‘ના’ અને ‘ના’, ‘એ જ દિશામાં’, ‘શૂન્યમાં વસતાં શાહમૃગો’, ‘પંખી વિનાનું આકાશ’, ‘ખંડિયેરો’, ‘ખખડાટ કર્યા વિના’ નોંધપાત્ર વાર્તાઓ છે. ‘અધૂરી વારતા’ પુત્રીના મૃત્યુ બાદ દરેક ઘટનાને સામાન્ય લેખતાં માતા દેવીબા પુત્રી પર આવેલા ત્રણ પત્રોને કારણે તેના મૃત્યુને અસામાન્ય ગણવા પ્રેરાઈ છે. સાથે પોતાના પુત્ર નિનાદનું ઘર છોડીને જતા રહેવાનું રહસ્ય પણ વાર્તાના અંત સુધી અકબંધ રહે છે, પરંતુ અહીં દરેક ઘટનાને સામાન્ય માનનાર દેવીબાનું પત્રોને આધારે પુત્રીના મૃત્યુને અસામાન્ય માનનાર તરીકેનું પરિવર્તન વાર્તાનું કેન્દ્ર છે. તો ભાઈ ચંદ્રને બહેનની વાત – ‘ભાઈ, વાર્તા શરૂ કરો તો પછી અધૂરી મૂકશો નહિ, અધૂરી વારતા સાંભળીને કંઈનું કંઈ થઈ જાય છે, પૂરી સાંભળું ત્યારે જ જંપ વળે.’નું વારંવાર થતું સ્મરણ પણ રહસ્યને ઘૂંટે છે. ‘ના’ અને ‘ના’ સ્વાભિમાન અને નૈરાશ્ય-વિરક્તભાવને બે મિત્ર કેશુભાઈ અને માધવલાલના માધ્યમે આલેખે છે. એક જ ગામના બે બાળપણના મિત્રોમાંથી માધવલાલ આજે સંપન્ન થઈ શહેરમાં વસે છે અને કેશુભાઈ ગામમાં જ ખેતી અને નાનો વ્યવસાય કરી મધ્યમ વર્ગનું સંતોષભર્યું જીવન જીવી રહ્યાં છે. એક દિવસ માધવલાલ તેમને પોતાનો ધંધો વિકસાવવા દસ હજાર રૂપિયા આપે છે પરંતુ કેશુભાઈ સંતોષપૂર્વક તેને લેવાની ‘ના’ પાડે છે. થોડા સમય બાદ માધવલાલને ધંધામાં નુકસાન જતાં તેની આર્થિક સ્થિતિ કથળવાની જાણ કેશુભાઈને થતાં મિત્રને મદદ કરવા અને ફરી ધંધો ઊભો કરવા દસ હજાર આપવાની તૈયારી સામે માધવલાલની ‘ના’ પોતાના પરિવારની તેમના પરથી ઊઠી ગયેલા વિશ્વાસને કારણે જન્મેલી નિરાશા અને વિરક્તભાવને સૂચવે છે. ‘એ જ દિશામાં’ બે ભાઈ વચ્ચેના સંબંધને આલેખતી સામાન્ય વાર્તા છે. ‘શૂન્યમાં વસતાં શાહમૃગો’ બે વિરોધી દૃશ્યમાં વિભાજિત વાર્તામાં પ્રથમ દૃશ્યમાં આર્થિક સંકડામણમાં જીવતો પરિવાર અને બીજા દૃશ્યમાં સુવિધાપૂર્ણ ફ્લેટમાં જીવતો પરિવાર છે. પરંતુ સુવિધાઓએ તેમની પાસેથી સ્વતંત્રપણે જીવવાની આઝાદી છીનવી લીધી છે! જેની પ્રતીતિ પ્રશાસન દ્વારા દીકરા અને દીકરીને અનુક્રમે સૈનિક અને ડૉક્ટર બનાવવા ફરજિયાત લઈ જવાની ઘટના કરાવે છે, સાથે સુવિધાને કારણે પતિ-પત્નીના સંબંધમાં પ્રવેશતી ઔપચારિકતા ભાવશૂન્યતાનો અનુભવ કરાવે છે. તો ‘પંખી વિનાનું આકાશ’માં પિતા-પુત્રી સંબંધ નિમિત્તે પિતાની માનસિક હતાશાનું આલેખન છે. પતિપત્નીનો ભિન્ન દૃષ્ટિકોણ, નાયકનું દીકરીને લઈ બધું છોડી એકલા હાથે દીકરાનો ઉછેર કરવા ઘર છોડી જતું રહેવું, પત્નીનું ડાઇવોર્સના કાગળ પર સહી કરાવવા ત્યાં આવવું અને થોડા દિવસ સાથે રહેવું, દીકરીનું મમ્મીના નામની બૂમ પાડવી અને આખરે નાયકનું પત્ની સાથે શહેરી જીવનમાં અનિચ્છાએ પાછા જવાની સામે દીકરીનો હકારાત્મક દૃષ્ટિકોણ વિરોધ રચે છે. ‘ખંડિયેરો’માં ગામ છોડીને શહેરમાં સ્થિર થયેલ નાયક ગામનું મકાન વેચવા ગામમાં થતું આગમન વર્તમાન ખંડિયેર દશાએ પહોંચેલ ફળિયાને જોતા ભૂતકાળના જીવંત ફળિયાના સ્મરણે ઘેરાતો વિષાદ અને અંતે મણિકાકી સાથેના મેળાપમાં ઘર વેચવાની નાયકની વાત સાંભળી મણિકાકીની પ્રતિક્રિયા ફળિયા સાથેના તેના જીવંત સંબંધને આલેખે છે. તો ‘ખખડાટ કર્યા વિના’ વાર્તામાં આત્મકથનાત્મક શૈલીએ પત્નીના અવસાન બાદ નાયકના જીવનમાં વ્યાપેલ ખાલીપાનું તટસ્થ આલેખન છે.
‘કુંજાર’(૧૯૯૪) વિભૂત શાહના આ ચોથા વાર્તાસંગ્રહની વાર્તાઓમાં માનવના ભીતરમાં ડોકિયું કરવાના પ્રયાસ રૂપે તેના સદ્ અને અસદ્ અંશનું આલેખન છે. સાથે સ્ત્રી-પુરુષ સંબંધને આલેખતી વાર્તાઓ પણ આ સંગ્રહમાં મળે છે. માનવીના સદ્ અંશને આલેખતી વાર્તાઓમાં ‘એક જીવતો માણસ’, ‘કિન્નરી’ નોંધપાત્ર છે. ‘એક જીવતો માણસ’ માતા-પિતાની હાજરીમાં દરિયામાં ડૂબતી બાળકીને એક અજાણ્યો માનવી તરતાં ન આવડતું હોવા છતાં બચાવી લાવી કિનારે તમાશો જોનારા નિર્જીવ માનવીઓની સામે પોતાની જીવંતતાને પ્રગટ કરે છે. તો ‘કિન્નરી’ની બનિતાનો નૃત્ય પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ માત્ર ‘કિન્નરી’ નૃત્ય સંસ્થાને નામના નથી અપાવતો પરંતુ પોતાને અસાધ્ય રોગ સામે પણ જીત અપાવે છે. રોગ સામે લડવામાં ડૉક્ટરના પ્રયાસો, બનિતાનું મનોબળ અને નૃત્યપ્રેમ માનવીય ગરિમાને પ્રગટ કરે છે પરંતુ વધારે પડતો વિસ્તાર વાર્તાની અસરકારકતાને મોળી પાડે છે. તો ‘જાનવર’માં માનવીની પશુતાનું આલેખન છે. પ્રાણીઓની તસ્કરી સામે જંગે ચડતા વાર્તાનાયક ફોરેસ્ટ ઑફિસર દેવેનને મિત્રનો સાથ ન મળવો, મિત્રનું તેની ગેરહાજરીમાં રાત્રે તેને ઘેર આવવું, તસ્કરી કરનાર કાલિયાનું દેવેનને હથિયાર વગર બોલાવી દગો કરી તેને મારી નાખવું અને અંતે પત્ની અંજનીના વિચારો – તું ખરેખરા જાનવરને ન ઓળખી શક્યો! વાર્તાને બોલકી બનાવે છે. જાતીય આવેગની પ્રબળતા, અનૈતિક સંબંધને આલેખતી વાર્તાઓમાં ‘વીના-લિયા’, ‘સાગુન’, ‘પાણીપોચો’, ‘આટલા માટે...’, ‘તમને હવે ખબર પડી!’ નોંધપાત્ર છે. ‘વીના-લિયા’માં ઈટલીના ફ્લોરેન્શ શહેરના પરિવેશને કેન્દ્રમાં રાખી વેપાર માટે ત્યાં વસેલા દંપતી અને એ જ એપાર્ટમેન્ટમાં રહેતા ગુજરાતી નાયક નિમિત્તે વિધવા સ્ત્રીની જાતીય વૃત્તિનું આલેખન કમલિનીના પાત્ર દ્વારા થયું છે. મૃત્યુ બાદ વિધવા કમલિનીનું પતિના મિત્ર એવા નાયકને અંગ્રેજી ફિલ્મો જોવા પોતાના ઘેર બોલાવવું, નાયકના અસ્વીકાર બાદ વાઇન પીવાના ઈટાલીયન ઉત્સવ ‘વીના-લિયા’ના દિવસે દીકરીને મોકલી નાયકને પોતાના ઘેર બોલાવી કમલિની પોતે જ આજે ‘વીના-લિયા’ છે, એક સ્ત્રી છે-ના કથન સાથે નાયકને અંદર ખેંચી દરવાજો બંધ કરી દેવાની ઘટના તેની જાતીય વૃત્તિની આદિમતાને પ્રગટ કરે છે. ‘સાગુન’માં અનૈતિક સંબંધની સાથે વર્તમાન અને ભૂતકાળનો વિરોધ છે. પતિ-પત્નીના માંડુ પ્રવાસ નિમિત્તે ભૂતકાળ અને વર્તમાનનો વિરોધ માત્ર બાહ્ય સ્તરે જ નહીં પરંતુ આંતરિક સ્તરે પણ નિરૂપાયો છે. બાજબહાદુર અને રૂપમતીની પ્રણયકથાના વિરોધે નાયકના પત્ની પ્રત્યેના પ્રણયોન્માદની સામે પત્નીનું પતિને છોડી રાત્રે લોજ મૅનેજર રવિ ખન્ના સાથે સાગુનના ઝાડ નીચે હોવું તેની પ્રતીતિ કરાવે છે. ‘પાણીપોચો’ વાર્તા ખજૂરાહોના પ્રવાસ નિમિત્તે સેક્સ વિશે ઉદાસીન પતિ વાસનનું ઉન્માદી બની પત્ની પર તૂટી પડવું, ખજૂરાહોના પરિવેશ ત્યાંના રતિ શિલ્પોના પ્રભાવને આલેખે છે. એટલું જ નહીં મનુષ્યમાં રહેલી આદિમતાને સૂક્ષ્મ રીતે આલેખવાનો પ્રયાસ પણ આ વાર્તામાં છે. પાણીપોચાને સ્થાને પત્નીનું વાસનને કાપાલિક તરીકેનું સંબોધન એ અર્થમાં સાર્થક છે. વાર્તા સર્જકની વર્ણન શક્તિનો સારો પરિચય કરાવે છે. ‘આટલા માટે...’માં પીઢ પુરુષની કામુકતાનું આલેખન લલિતચંદ્રના પાત્ર નિમિત્તે થયું છે. પત્નીનું ઠરડાયેલ શરીર અને સેક્સ પ્રત્યેની અરૂચિને કારણે કામોત્સુક અને વેપારમાં ડંકો વગાડવા ટેવાયેલ અને પોતાના જેવો કોઈ મર્દ નથી એવા મદમાં જીવતા લલિતચંદ્ર શૈયા પર વાઘની જેમ કૂદતા કામવાળી અમલી સામે ફસડાઈ પડે છે, જે રાની બિલાડી અને લાચાર ઉંદરની ઉપમા દ્વારા સૂચવાયું છે. તો ‘તમને હવે ખબર પડી!’ વાર્તા પણ અનૈતિક સંબંધ, Exchange partnerના વલણને આલેખતી વાર્તા છે. ખ્યાતનામ કથક ડાન્સર અચલા અને સંગીત વિદ્વાન પરાસર એવા પતિ-પત્ની મધુર દામ્પત્ય જીવનમાં ઉદ્યોગપતિ બ્રિજકિશોરનો પ્રવેશ, બ્રિજકિશોરનું પતિ પ્રત્યે વફાદાર અચલાને ધીરે ધીરે મોંઘી મોંઘી ભેટ-સોગાદો, ઍવૉર્ડ, પાર્ટી વગેરેથી લલચાવી પ્રાપ્ત કરવામાં સફળ થવું, પતિની સામે પોતાના સ્ખલનને સ્વીકારતી અચલાનું વારંવાર આંતરિક ખેંચાણે બ્રિજકિશોર પાસે જવું, બધું જ જાણતી બ્રિજની પત્નીનું સ્વેચ્છાએ પરાસરને પોતાનો દેહ સોંપવો, પરાસર દ્વારા અજ્ઞાત રીતે થતો સ્વીકાર અને અંતે બ્રિજની પત્નીનો પરાસરને પ્રશ્ન – શા માટે તમારી પત્નીને લલચાવી હતી એ ખબર પડી! જેવી ઘટનાઓ Exchange partner અથવા અન્યને પ્રાપ્ત કરવાની અજ્ઞાત ઇચ્છાને આલેખે છે. તો આસપાસના વાસ્તવને કપોળકલ્પના, સન્નિધિકરણ, કલ્પન જેવી પ્રયુક્તિએ આલેખતી વાર્તાઓમાં ‘માણસનું મોં’ ‘લીલીછમ આંખોની યાદ’, ‘હળવું ફૂલ જેવું એક શહેર’ ‘કક્કુનો વાસ’ નોંધપાત્ર છે. ‘માણસનું મોં’માં માનવીમાં રહેલી અમાનવીયતાનું કટાક્ષાત્મક શૈલીએ નિરૂપણ છે. દરિયાઈ તોફાનમાં ફસાયેલા ૧૧ જણ માનવ વસ્તીને જોવાની આશાએ ટાઢ, તાપ, ભૂખ, આંધી, પ્રાણી સાથે સંઘર્ષ કરી આખરે માનવ વસાહત જોઈ આનંદ અને ઉત્સાહથી નાચી ઊઠે છે, પરંતુ જેના માટે તેમને આટલો સંઘર્ષ કર્યો, આટલી આતુરતાથી રાહ જોઈ એ જ માનવી તેમને જેલમાં પૂરી દેનાર બને છે. હંમેશા પોતાના સાથીઓને ઉત્સાહમાં રાખનાર શેરગીરનું અંતિમ વાક્ય – ‘લે, હવે જોઈ લીધુંને માણસનું મોં!’ વાર્તાના મર્મને પ્રગટ કરે છે. ‘લીલીછમ આંખોની યાદ’માં કપોળકલ્પના પ્રયુક્તિએ સર્જન-વિસર્જન, માનવીનો તેમાં ફાળો અને અંતે નવ સર્જનના આશાવાદનું આલેખન છે. માનવતાને ટકાવી રાખનાર અને માનવ હૃદયને આશ્વાસન આપનાર એકમાત્ર બળ રૂપે મા અને પ્રેયસીનાં પાત્રો મહત્ત્વનાં છે. પોતાના ગામમાં થયેલ હુમલામાં તોપગોળાનો સામનો કરતો નાયક બંદી બની અપરિચિત સ્થાને પહોંચી જાય છે અને ત્યાંથી નાસી જતાં રસ્તામાં આવતી ભગરી, ચીકણી, નરમ, ઠંડી, કઠણ-ગોરાટ, ખેતરાઉ જેવી જુદી જુદી જમીનો પાત્રમાનસના બદલાતા ભાવોને આલેખે છે. નાયકની ભમરા, મરઘી સાથેની એકરૂપતા અને સેન્દ્રિય પદાર્થમાં રૂપાંતર પામી જમીનમાં દટાઈ જવું, કાંશી-જોડાનો અવાજ, વરસાદ તૂટી પડવો, ઘાસ ઊગવું અને તેમાં બે લીલીછમ આંખોની યાદ સંચવાવાની અનુભૂતિ વિસર્જન-સર્જન અને ભૂતકાળ સાથેની માનવીની સંવેદનાને પ્રગટ કરે છે. ‘હળવું ફૂલ જેવું એક શહેર’માં વ્યક્તિગત જીવન અને આસપાસની પરિસ્થિતિનાં સન્નિધિકરણ દ્વારા આવતી વાસ, ખુલ્લી ગટરો, શંકાસ્પદ તગડો માણસ અને તેની ધડાકો થાય તો કેટલા જાય સંદર્ભેની વાતચીત, ૧૪મી પહેલાં પચાસ તો જવા જ જોઈએ, કેતકીની યાદ, લગ્ન કરવાનો વિચાર, એક દિવસ કેતકીના ઘેર એકાંતનો લાભ લઈ દરવાજો બંધ, યુવાનના હાથમાં બ્રીફકેશ, બાપુજી શું કરે છે? પ્રશ્નના જવાબમાં મારે કોઈ બાપ નથી, નાપાસ થયો ત્યારે બાપનું તેના પાછળ આટલા પૈસા ખર્ચ કર્યાનું કથન, બાપ કે વેપારી! જેવી યુવાનની અનુભૂતિ, પ્લાસ્ટિકની કોથળીને આપવી અને સૂંઘવી જેવા સંદર્ભો વ્યક્તિગત જીવન અને પોતાના શહેરમાં ચાલી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ માનવી અને તેની પાછળ જવાબદાર પરિબળ તરીકે પણ માનવને અસરકારક રીતે નિરૂપે છે, પરંતુ વાર્તાનો અંત જાણે બોલકો બની જાય છે. તો ‘કક્કુનો વાસ’ વાર્તામાં આજ સમયમાં પણ વિના સંકોચ દેહવ્યાપારને વ્યવસાય તરીકે અપનાવતા ગામનું આલેખન છે. રિપોર્ટર ફાલ્ગુનીની રિપોર્ટ માટે આ ગામની પ્રત્યક્ષ મુલાકાત, ગામના નામથી લોકોના બદલાતા ભાવોની સામે આ વેપારની મુખ્ય સ્ત્રી પ્રેમદેવી સાથેની મુલાકાતમાં નિખાલસતાથી છોકરીઓ સ્વેચ્છાએ આ ધંધો કરે છે-ની કબૂલાત, સાથે ભીખ કે મજૂરી કરતાં આ ધંધો જ સારો હોવાનો સ્વીકાર, ટ્રક ડ્રાઇવરથી માંડીને પોલીસ સુધીના ગ્રાહકો સમાજની વર્તમાન વાસ્તવિકતા અને તેને આજે પણ ચલાવવામાં સમાજના શ્રેષ્ઠિઓથી માંડી રક્ષક સુધીના નાગરિકોના સંપૂર્ણ ટેકાનો સંકેતે છે. આપણા દેશમાં આવાં તો કેટલાંય ગામ છે –નો સ્વીકાર નક્કર વાસ્તવને પ્રગટ કરે છે. અંતે કોયલના મધુર અવાજનું તરડાયેલ લાગવું આ સંદર્ભે પ્રસ્તુત છે.
વિભૂત શાહની વાર્તાકળા :
વાર્તાકાર તરીકે વિભૂત શાહ પોતાની વાર્તાઓમાં સંકુલ માનવીય સંબંધો, મનોવાસ્તવ અને સામાજિક વાસ્તવને પરંપરાગત તેમજ આધુનિક એમ ઉભય શૈલીએ તટસ્થતાપૂર્વક આલેખે છે. ઉપરાંત માનવમનનાં ઊંડાણો, દેહાકર્ષણ, સંવેદનશૂન્યતા, નૈતિક મૂલ્યોનું પતન અને માનવીય સદ્-અસદ્ અંશનું આલેખન તેમના રસના વિષયો રહ્યા છે. સામાજિક વાસ્તવને કપોળકલ્પના, સન્નિધિકરણ, કલ્પન તેમજ કટાક્ષ જેવી પ્રયુક્તિએ આલેખવાનો સર્જકીય પ્રયાસ ‘માણસનું મોં’ ‘લીલીછમ આંખોની યાદ’, ‘હળવું ફૂલ જેવું એક શહેર’ અને ‘કક્કુનો વાસ’ વાર્તાઓમાં છે. તો માનવીય ગરિમાને આલેખતી વાર્તામાં ‘હોઠકટ્ટો’, ‘કિન્નરી’ને નોંધી શકાય. પ્રૌઢ-યુવાન પુરુષ અને સ્ત્રીની જાતીય ભૂખની સામે પતન પામતા સામાજિક સંબંધોનું સંયમિત આલેખન ‘વીના-લિયા’, ‘સાગુન’, ‘આટલા માટે...’, ‘તમને હવે ખબર પડી!’ જેવી વાર્તાઓમાં છે. પ્રયુક્તિના મોહમાં બંધાયા વિના રૈખિક તેમજ સંકુલ ગતિનો અનુભવ તેમની વાર્તાઓમાં એકસાથે થાય. તો આધુનિક માનવીની સંવેદનશૂન્યતા, ઉષ્મા વિહીનતા, બર્બરતાનું સફળ આલેખન તેમની ‘ઠંડુ માસ’, ‘નગર અને એક નગર’, ‘જાનવર’, ‘શૂન્યમાં વસતાં શાહમૃગો’ જેવી વાર્તાઓમાં થયું છે. તેમની ‘બ્લૅક-સી’, ‘પરાઈ ભોમમાં’, ‘હજારો વર્ષ પહેલાં પણ – ને હજુ આજે પણ’ વાર્તાઓ વિદેશના પ્રવાસ નિમિત્તે વિદેશમાં વસતાં ભારતીય અને વિદેશી પાત્રો દ્વારા પૂર્વગ્રહમુક્ત રહી માત્ર માનવીના આંતરને આલેખે છે. કેટલીક વાર્તાઓમાં અંતે થતી સ્પષ્ટતા, પાત્રનું ચિંતન વગરે વાર્તાની ચોટ તથા મર્મને હાનિ પહોંચાડનારાં છે. ભાષાની પ્રવાહિતાનો અનુભવ તેમની કેટલીક વાર્તાઓ કરાવે છે, પરંતુ મોટા ભાગની વાર્તાઓનું ભાષાસ્તર લગભગ સમાન રહ્યું છે. સંવેદનને વાર્તારૂપ આપવાનો સર્જક પ્રયાસ તેમની વાર્તાની મહત્ત્વની લાક્ષણિકતા છે.
સંદર્ભ :
૧. શાહ, વિભૂત. ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’, પ્ર. આ. ૧૯૬૮, મુ. વિક્રેતા : આર. આર. શેઠ કંપની, મુંબઈ
૨. શાહ, વિભૂત. ‘બંદિશ’, પ્ર.આ. ૧૯૭૭, આર. આર. શેઠ કંપની, મુંબઈ, અમદાવાદ
૩. શાહ, વિભૂત. ‘ફ્લાવર વાઝ’, પ્ર. આ. ૧૯૮૮, આર. આર. શેઠ કંપની, મુંબઈ, અમદાવાદ
૪. શાહ, વિભૂત, ‘કુંજાર’, પ્ર. આ. ૧૯૯૪, આર. આર. શેઠ કંપની, મુંબઈ, અમદાવાદ
ડૉ. સુશીલા વાઘમશી
ગુજરાતીના પ્રાધ્યાપક
સરકારી વિનયન-વાણિજ્ય કૉલેજ,
દયાપર, લખપત
જિ. કચ્છ
મો. ૯૯૧૩૧ ૪૦૮૮૮