ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ભૂપેશ અધ્વર્યુ
ડૉ. સુશીલા વાઘમશી
સર્જક પરિચય :
કવિ, વાર્તાકાર, વિવેચક તરીકે બહુ ઓછા સમયમાં પ્રસિદ્ધિ પામેલ ભૂપેશ ધીરુભાઈ અધ્વર્યુનો જન્મ ૫-૫-૧૯૫૦ના રોજ વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. ૧૯૬૬માં એસ. એસ. સી., બી.એ. ૧૯૭૦માં બીલીમોરાની કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે કર્યું. ૧૯૭૨માં ગુજરાતી વિષય સાથે જ એમ.એ. પાલનપુરમાંથી કર્યું. ૧૯૭૩-૭૪ બાલાસિનોર અને ૧૯૭૪થી ’૭૭ સુધી મોડાસામાં અધ્યાપન કાર્ય કરાવ્યું. ત્યાર બાદ વ્યવસાયની નિરર્થકતા જણાતાં અધ્યાપનકાર્ય છોડી સ્વતંત્ર લેખન સ્વીકાર્યુ. ફિલ્મકલામાં રસ હોવાથી પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ‘ફિલ્મ એપ્રસિયેશન કોર્સ’ કર્યો. પટકથાલેખન સ્પર્ધામાં ભાગ લીધો અને ફિલ્મ વિશે સમીક્ષાત્મક લેખન પણ કર્યું. આ દરમિયાન ગણદેવીની નદીમાં અકસ્માતે ડૂબી જતાં તેમનું અકાળે ૨૧-૫-૧૯૮૨ના રોજ નિધન થયું. તેમના એક માત્ર વાર્તાસંગ્રહ ‘હનુમાનલવકુશમિલન’માં સંગ્રહિત વાર્તાઓ વિશિષ્ટ વાર્તાલેખન રીતિને કારણે ધ્યાનાકર્ષક રહી છે. સાહિત્ય સર્જનઃ વાર્તાસંગ્રહ – ‘હનુમાનલવકુશમિલન’ (૧૯૮૨) કાવ્યસંગ્રહ – ‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬) વાર્તાકારનો યુગ સંદર્ભઃ આધુનિક યુગમાં માત્ર બાર વર્ષના સમયગાળામાં ઊગીને અસ્ત થઈ જનાર વાર્તાકાર ભૂપેશ અધ્વર્યુએ વિશિષ્ટ કથનરીતિએ સર્જાયેલી વાર્તાઓ દ્વારા તીવ્ર પ્રભાવ પાડ્યો છે. માનવીની એકલતા, ગામડેથી શહેર જતાં બદલાતાં મૂલ્યો અને મૂલ્યહ્રાસ, વ્યંજના જેવાં આધુનિક યુગનાં લક્ષણો તેમની વાર્તામાં જોઈ શકાય છે. સાથે વિશિષ્ટ વ્યક્તિતાને કારણે પોતાની આસપાસના સમાજમાં ન ગોઠવાતાં અન્ય સંબંધમાં પોતાનો આધાર શોધતો માનવી, સંબંધની સંકુલતા, સામાજિક વિષમતા પણ તેમની વાર્તામાં મુખર બન્યા વિના આલેખન પામ્યાં છે. વાર્તાકારે પોતાના આધુનિક માનવીના પ્રશ્નોને પોતાની વાર્તાઓમાં જુદી જુદી કથનરીતિઓ અને પ્રયુક્તિઓના વિનિયોગ વડે આલેખવાનો સબળ પ્રયાસ કર્યો છે. પરિણામે જ આધુનિક યુગના વાર્તાકારોમાં તેમની નોંધ લીધા વિના ચાલે તેમ નથી.
વાર્તા સર્જન :
૧૯૬૮થી ૧૯૮૦ સુધી વાર્તાલેખનમાં કાર્યરત ભૂપેશ અધ્વર્યુ પાસેથી સામયિકના માધ્યમે પ્રકાશિત આસરે ૨૫ જેટલી વાર્તાઓ મળે છે. તેમના અવસાન બાદ તેમની વાર્તાઓનું સંપાદન રમણ સોની, જયદેવ શુક્લ અને ધીરેશ અધ્વર્યુ દ્વારા ૧૯૮૨ ‘હનુમાનલવકુશમિલન’ વાર્તાસંગ્રહ રૂપે મળે છે. આ સંગ્રહમાં કુલ ૧૬ વાર્તાઓ સંગ્રહિત છે. ભૂપેશ અધ્વર્યુની આ દરેક વાર્તા કથનરીતિ અને પ્રયુક્તિની દૃષ્ટિએ નોંખો પ્રયોગ છે. સંવાદત્મકશૈલી, ચાક્ષુસ વર્ણનો, કથનના લય-લ્હેકા તેમની વાર્તાની વિશેષતાઓ છે. મોટાભાગે સ્ત્રી-પુરુષ સંબંધ સંકુલતા, સામાજિક વાસ્તવ અને વ્યક્તિનું આંતર વાસ્તવ તેમની વાર્તાના વિષયો છે. સ્ત્રી-પુરુષ સંબંધ કેન્દ્રી વાર્તાઓમાં ‘બાય બા...ય’, ‘આ, વગેરે વગેરે, ઉષા!’, ‘છિનાળ’, ‘અલવિદા’, ‘લીમડાનું સફેદ ઝાડ’ નોંધપત્ર છે. ‘બાય બા...ય’ વાર્તા નાયકના અનેક સ્ત્રી સાથેના સંબંધોની સાથે સુરેખા સાથેનો શારીરિક સંબંધ અને આગળ જતાં સુરેખાને પોતાની સાથે એકતરફા પ્રેમની શંકા અને તેના કારણે ગર્ભવતી બનતી સુરેખામાં આવતું આંતરિક પરિવર્તન નાયકમાં સ્વયં પ્રત્યે, તેના બેવડા વ્યક્તિત્વ પ્રત્યે સંશય જગાવે છે. માત્ર શારીરિક સંબંધમાંથી સુરેખા પક્ષે અંકુરિત થતો પ્રેમ અને તેના કારણે નાયકના મનમાં પ્રેમ અને પોતાના વ્યક્તિત્વ સંદર્ભે જન્મતો સંશય અને અંતે સુરેખાના ભાવપૂર્ણ ‘ટાટ્ટા...’ના જવાબમાં ‘બાય બા...ય’ રૂપે જવાબ જાણે નાયકના પલાયનને સંકેતે છે. તો ‘આ, વગેરે વગેરે, ઉષા!’ વાર્તામાં પ્ર.પુ. એ.વ.ના કેન્દ્રથી નાયકની ઉષા સાથેની પ્રથમ રાત્રીના અનુભવના આલેખન દ્વારા પોતાની વંધ્યતા અથવા કાયરપણાને કારણે સંબંધ સંદર્ભે જન્મતી કલ્પનાઓમાંથી તેની આંતરિક અસંતુષ્ટિ અને ભયને વાચા આપવાનો સર્જક પુરુષાર્થ છે. ઉષાને સુખી કરવાની ઇચ્છા અને આખરે પોતાની આ નબળાઈ ન પકડાઈ જવા સંદર્ભે નિશ્ચિતતા અને ઉષા દ્વારા જ પ્રથમ પ્રયાસની કલ્પના નાયકના સાશંક માનસને સંકેતે છે. ‘છિનાળ’ સંવાદાત્મકશૈલીએ વિકસતી વાર્તા છે. છિનાળને પોતાના ઘરે બોલાવવામાં સફળ થતો નાયક એકમેકના આકસ્મિક સ્પર્શ સુધી પહોંચવા છતાં પોતાની ઇચ્છાપૂર્તિમાં નિષ્ફળ જતા નાયકની નિરાશાને આલેખે છે. સંધ્યા થતાં શિયાળના અવાજો, દૂબળવાડમાં લાગેલી આગ તે સંદર્ભે થયેલું કપોળકલ્પના યુક્ત છિનાળની ક્રિયાઓનું વર્ણન છિનાળના પાત્રનું અન્ય પાસું રજૂ કરે છે. ‘અલવિદા’ સંવાદાત્મકશૈલીએ લખાયેલી શિક્ષક-લેખક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધની વાર્તા છે. માત્ર સાંજથી સવાર સુધીની ઘટનાને આલેખતી વાર્તાના કેન્દ્રમાં પોતાની જુદી વિચારધારાને કારણે આસપાસના જગત અને સમાજ સાથે ન ગોઠવાઈ શકતો, પોતાની શિક્ષક તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી વર્તમાનમાં લેખનરત, પોતાની જ વિચારસણીના એકદંડિયા મહેલમાં પૂરાયેલ એવો નાયક પોતાની નિરાશામાંથી છૂટવા તેનામાં આસ્થા ધરાવતી વિદ્યાર્થિની તિતિક્ષા પાસે મદદ માંગી તેની સાથે શારીરિક સંબંધ બાંધી બેસે છે. વિદ્યાર્થિની પણ પોતાના દાદા અને સર વચ્ચે લેખક તરીકેની સામ્યતાને કારણે આ સંબંધને સ્વીકારે છે અને બીજી સવારે વિદાય લે છે. વિદાય સમયે વિદ્યાર્થિનીના ‘આવજો’ની સામે નાયકનું ‘અલવિદા’નું ઉચ્ચારણ નાયકપક્ષની નિરાશાને સંકેતે છે. ‘લીમડાનું સફેદ ઝાડ’ વાર્તાના કેન્દ્રમાં પણ સ્ત્રી-પુરુષ સંબંધ છે. નાટકમંડળના પાંચ સભ્યો અને તેમાં વેણુબાઈ, ચામુંડરાય પતિ-પત્ની આજે ભજવવાના ‘હરિશ્ચંદ્ર’ નાટકમાં હરિશ્ચંદ્ર અને તારામતીની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ ચામુંડરાયનું માથું દુખતાં સુખભાઈ હરિશ્ચંદ્રનું પાત્ર ભજવે છે અને રાત્રે સુખભાઈનું વેણુબાઈના ખાટલા પર ઢળવું અને સુખભાઈ ફેન્સી છાતી અને ચામુંડરાયની....માંથી વેણુબાઈનું પલણું એક તરફ નમવાનો સંકેત તેની પતિ અને પ્રેમીમાંથી પ્રેમીની પસંદગીને સૂચવે છે. લીમડાના ઝાડ પર રાત્રે બેસતા સફેદ બગલા અને તેના કારણે તેનું લીલામાંથી સફેદમાં રૂપાંતર આ અર્થમાં સાંકેતિક છે. નાટકમાં થતી પાત્રની ફેરબદલી વાસ્તવ જીવનમાં પણ પાત્ર બદલાવું અને બગલાનું હસવું જાણે આપણા નૈતિક ખ્યાલોની પોકળતા અને મૂલ્ય હ્રાસને સંકેતે છે.
‘હનુમાનલવકુશમિલન’ ભૂપેશ અધ્વર્યુની ખૂબ ચર્ચાયેલી વાર્તા છે. વ્રતકથા શૈલી અને લોકકથાકથનશૈલીના સમન્વયનું સારું દૃષ્ટાંત પૂરું પાડતી વાર્તા છે. ભાવકના કુતૂહલને સંકોરતી આ વાર્તા વાર્તાકારની કથન શક્તિનો સારો પરિચય આપે છે. વાર્તાને અંતે લવકુશ સાથે હનુમાનનું થતું સાહજિક મિલન અને તેમાં રામ અને સીતાના પક્ષકાર તરીકે સામે સામે આવતા હનુમાન અને લવકુશ પર વિરમતી વાર્તા કરુણનો સંકેત કરી વ્રતકથાના માળખાને વેરવિખેર કરી દે છે! વાર્તાનો અનિર્ણાયક અંત માત્ર કરુણભાવને જ ઘૂંટતો નથી પરંતુ વર્તમાન માનવીના સંઘર્ષમય જીવનને પણ સંકેતે છે. ‘વડ’ વાર્તા ગાડીમાંથી ઝીલાતા દૃશ્યની રીતિએ વિકસતી વાર્તા છે. ગામડેથી આવેલા બે ભાઈઓ રામરતન અને લછીમનના એક વર્ષના મુંબઈના વસવાટને કારણે ભોળા-ભૂખ્યા માનવીમાંથી ખિસ્સાકતરું, વ્યસની, દારુની હેરફેર કરનાર, દલાલ તરીકેનું પરિવર્તન અને લછીમનનું તો પોતાના ગામના સ્મરણ સંદર્ભે પણ ચીડનો ભાવ તેના સંપૂર્ણ આંતર પરિવર્તનને સંકેતે છે. ભૂપેશ અધ્વર્યુંની આ વાર્તા પણ તેની કથનરીતિને કારણે વિશેષ નોંધપાત્ર છે. ટ્રેનમાંથી ઝીલાતા મુંબઈ અને તેમાં જીવતા રામરતન-લછીમનના એક પછી એક દૃશ્યો તેનામાં આવેલા આંતરિક પરિવર્તન અને મહાનગરના જીવનની એક વાસ્તવિક છબી રજૂ કરે છે. તો ‘નવો કાયદો’ રેલ્વે લાઇનના રસ્તામાં સલામતી માટે સરકારે બનાવેલું ફાટક અને સાથે મૂકેલ ચકેડાં નિમિત્તે તેની ચૂંટણીલક્ષી યોજનાઓ અને કાર્યોનું પોલાપણું અને સુવિધા અને સલામતી માટે કાર્ય કરતી આ સરકાર દ્વારા સામાન્ય માનવીના સમય અને શક્તિના વેડફાટનું તીર્યક કથનશૈલીએ થતું આલેખન આસ્વાદ્ય છે. સાથે ચૂંટણી બાદ ચકેડું હટાવી દેવાના સરકારના નિર્ણયને કારણે મોટર-ગાડીવાળાની સાથે હવે ગામલોકને પણ ફાટક બંધ થતાં હારબંધ ઊભવાની ચીડ અને આસપાસના તારમાંથી માર્ગ કરવાનો મનસૂબો પરંતુ ફાટકવાળાના પહેરાને કારણે મળતી અસફળતામાં સામાન્ય પ્રજાની લાચારી વ્યક્ત થઈ છે. ‘એક ખંડ આ-’ પાત્ર વગરની માત્ર હવડ ખંડના કાર્પેટ પરની સૃષ્ટિનું દિવસ અને રાત્રે થયેલું સૂક્ષ્મ વર્ણન છે. નિબંધનાં લક્ષણો ધરાવતી ભૂપેશ અધ્વર્યુની આ વાર્તા તેમની સૂક્ષ્મ નિરીક્ષણ-વર્ણન શક્તિનો પરિચય કરાવે છે, જાણે સર્જકનજરનો કૅમેરા કાર્પેટ પરની રજેરજનું દર્શન કરાવી તેની આસપાસની સૃષ્ટિ અને છત સુધી વિસ્તરી તેનું સૂક્ષ્મ દર્શન કરાવે છે. ‘એછોનથીછુંછેછીએછોનથીછુંછેછી-’ જાસૂસીકથાનો નમૂનો પૂરો પાડતી રસપ્રદ વાર્તા છે. શીર્ષકને અનુરૂપ એક જ વ્યક્તિની બે જુદી જુદી ઓળખના રહસ્યને ઘૂંટતી આ વાર્તા સર્જકની પ્રયોગશીલતાનો નમૂનો છે. જાસૂસ જોરુભા અને તેના મદદનીશ યુસુફની સામે એકાએક અજાણ્યા શખ્સનું આગમન અને પોતાના જ ખૂન થવાનો સ્વીકાર અને પોલીસ ગંગારામ દ્વારા કોઈ પણ કારણની સ્પષ્ટતા વગર જોરુભાની ધડપકડ અને કેસની બધી તપાસ યુસુફના શિરે આવતાં તપાસ દરમ્યાન એક સ્ત્રી પાત્રનો પ્રવેશ, તેની સાથે જોરુભાની તસ્વીર અને ખૂન થયેલ ફ્લેમિંગોની પત્ની હોવાનો એકરાર રહસ્યને વધારે ઘૂંટે છે. અંતે પોલીસ સ્ટેશનમાં લાગેલી આગ અને તેમા જોરુભાની લાશ મળવી અને યુસુફ દ્વારા પોતાના અને જોરુભાના ભૂતકાળના ફોટાને માધ્યમે ફરી જીવંત થતો જોરુભા અને તેનું શીતાગારમાં લાંચ આપી લાશ બની ગોઠવાવું જેવી ઘટનાઓ રહસ્યમયી ઘટનાઓ બાદ પણ આરંભનો પ્રશ્ન ‘મારું ખૂન થયું છે’ એવું કહેનાર વ્યક્તિ કોણ છે? પર યથાવત રહે છે. આ વાર્તા દ્વારા પણ જાસૂસીકથાના માળખાને તોડવાનો પ્રયાસ છે. તો ‘પાત્રત્વ’ વાર્તા કથનરીતિને કારણે આકર્ષક છે. વાર્તાનો વિષય વાર્તાસર્જનમાં આવતા અવરોધો અને વાર્તાલેખનમાં અજ્ઞાત રીતે થતો સર્જકનો પ્રવેશ છે. વાર્તા ‘તાદાત્મયતાપૂર્વકનું તાટસ્થ્ય’ સર્જક તરીકેની આ લાક્ષણિકતા પર જાણે પ્રશ્નાર્થ ચિહ્ન છે! મંચ પરથી થતા વાર્તાકથનની પ્રયુક્તિએ પ્રેક્ષકને સંબોધતા, ટીકા-ટિપ્પણ સાથે કોમલા અને નિગમની દેખીતી વાર્તાની સાથે વાર્તાનું વિવેચન અને સ્વયં કહેનાર વાર્તાની મધ્યમાં કથકનો પાત્ર તરીકે વાર્તામાં પ્રવેશ છે. આ સંદર્ભે જાગૃત વાર્તાકાર વચ્ચે પ્રેક્ષક સાથે પણ સંવાદ સાધી તેના અણગમાની નોંધ લઈ ફરી મૂળ વાર્તા પર આવે છે પરંતુ વાર્તા મુખ્ય પ્રવાહ તરફ આગળ વધવાને બદલે અસંગત સંવાદમાંથી કથક દ્વારા વાર્તાના અંત માટે પ્રેક્ષકને મળતા નિમંત્રણ અને ફરી નવેસરથી નાયિકા-પ્રવેશના જુગુપ્સાજનક વર્ણનની સામે પ્રેક્ષકનો અણગમો અને લેખકની તાણ અને અસંગત કથન, આખરે વાર્તા કહેનારનું પલાયન અને પ્રેક્ષકોને વાર્તાકથનના આગ્રહ પર વિરમે છે. આ વાર્તામાં સર્જક તરીકેની મથામણનો અનુભવ વ્યક્ત કરવા વાર્તાકારે પ્રયોજેલી કથનરીતિ આસ્વાદ્ય છે પરંતુ પ્રસ્તાર, અસંગતતાને કારણે વાર્તા અસરકારકતા ગુમાવે છે. ‘પેટ’ ગોરબાપા અને નાગબાઈના નિત્યક્રમના વર્ણન નિમિત્તે બે વર્ગને આલેખતી વાર્તા અંતે રૂંઢનાથ મહાદેવે સૂનમૂન રહેતી વેજીના પેટ પર સ્થિર થતાં વર્ગ વિષમતા પરથી નિરાધાર અને શારીરિક પીડિતા ગર્ભવતી વેજી પર ઠરે છે! વાર્તાકારે માત્ર ગોરબાપા અને નાગબાઈના દૈનિક વર્ણનને આધારે સામાજિક વિષમતા અને વાસ્તવનું સાંકેતિક આલેખન કર્યું છે. ‘આરોહણ’માં રોજબરોજના રેઢિયાળ જીવનક્રમની સામે નાયકના ટેકરી પર ચડવાના વિશિષ્ટ અનુભવનું સૂક્ષ્મ આલેખન છે. સક્ષમ વર્ણનને કારણે નાયકનો ટેકરી ચડવાનો અનુભવ ભાવકનો પણ બની રહે છે. ‘બિલાડી’ સર્વજ્ઞ નિરીક્ષક કથક દ્વારા પરિવારના સભ્યો બા, બાપુજી, શશી, પ્રીતિ અને સુભાષભાઈની નાની નાની ક્રિયાના કથન દ્વારા સુભાષભાઈની એકલતા અને એકાએક બિલ્લીના બચ્ચાના આગમનથી સુભાષભાઈ દ્વારા રખાતી તેની સાર-સંભાળ, બિલાડીના બચ્ચાની ક્રિયાની સાથે સુભાષભાઈની માનસિકતાના સંન્નિધિકરણ દ્વારા પ્રીતિનું પરિવારમાં આધિપત્ય અને સુભાષભાઈના મનમાં પ્રીતિ સાથેનો આંતરિક સ્પર્ધાભાવ આલેખાયો છે. વાર્તાને અંતે બચ્ચાના કૂવામાં પડી જવાની આશંકાની સામે કોડિયાના કૂવામાં પડી જવાની ઘટના વાર્તાના રહસ્યને ગોપિત રાખે છે. ‘વાર્તા’માં માત્ર પાત્રોના પરસ્પર વ્યવહારો અને કથન, સંવાદમાં અસંગતિ હોવાને કારણે કથાપિંડ બંધાતો નથી. એક પાત્રનો અન્ય સાથેનો સંબંધ અને ભાવ સંદર્ભે પણ અનિશ્ચિતતા વાર્તાને સંદિગ્ધ બનાવે છે. ‘અંત’ વાર્તામાં એક સેલ્સમેનના રેલયાત્રા દરમિયાન ડબ્બાના બાહ્ય અને અંદરના ઝીણવટપૂર્ણ વર્ણન દ્વારા ડબ્બામાં ટિકિટ વગર ઘેટાંબકરાંની જેમ મુસાફરીની સજા રૂપે જેલભેગા થતાં ગારુડિઓ અને અંતે સેલ્સમેનનું બાજુમાંથી પસાર થતી માલગાડીમાં પડતું મૂકવું. વાર્તાનો આ અંત પૂર્વના સંદર્ભ સાથે જોડાતો નથી અને જાણે બન્ને અલગ અલગ ખંડ લાગે છે. જેના કારણે વાર્તા જાણે એક કિસ્સાથી આગળ વધી શકતી નથી.
ભૂપેશ અધ્વર્યુની વાર્તાકળા :
વાર્તાકાર ભૂપેશ અધ્વર્યુ પાસેથી અલ્પ સંખ્યામાં પ્રાપ્ત વાર્તા છતાં દરેક વાર્તાની નિરાળી કથનરીતિને કારણે નોંધપાત્ર છે. વર્તમાન પ્રશ્નોને વાચા આપવા સર્જકે આવશ્યકતા અનુસાર હળવી, તિર્યક, મર્મયુક્ત, વ્રતકથા, જાસૂસીકથા જેવી કથનરીતિનો આધાર લઈ સબળ પરિણામ નિપજાવ્યું છે. આ સંદર્ભે ‘હનુમાનલવકુશમિલન’, ‘વડ’, ‘એછોનથીછુંછેછીએછોનથીછુંછેછી-’, ‘નવો કાયદો’, ‘લીમડાનું સફેદ ઝાડ’, ‘આ, વગેરે વગેરે, ઉષા!’ મહત્ત્વની વાર્તાઓ છે. તો સર્જક તરીકેની મથામણ આલેખવાનો સક્ષમ પ્રયાસ તરીકે ‘પાત્રત્વ’ નોંધપાત્ર છે. તો ‘એક ખંડ આ-’ પાત્ર વગરની વાર્તાનો સર્જકની વર્ણનકળાનો પરિચય આપતી પરંતુ વાર્તા કરતાં વધારે નિબંધનો અનુભવ કરાવતી વાર્તા છે. ભૂપેશ અધ્વર્યુની આ વાર્તાઓ તેમનામાં રહેલ સક્ષમ અને પ્રયોગશીલ વાર્તાકારની પ્રતીતિ કરાવ્યા વગર રહેતી નથી. તેમની વાર્તાકળાને ચીંધતું રમણ સોનીનું નિરીક્ષણ યોગ્ય છે – “પાત્ર-પરિસ્થિતિના આલેખનમાં નિરીક્ષણોની ઝીણવટ તેમજ મર્મદર્શિતા, ભાષાને વિવિધ સ્તરો પર આલેખવાનું સર્જક-કૌશલ અને સંકુલતામાં ઊતરતી છતાં વિશદ-પ્રવાહી રહેતી વાર્તારીતિથી ભૂપેશ આધુનિક કાળના એક ધ્યાનાર્હ વાર્તાકાર ઠરે છે.” (પૃ. ૨૧૭, ગુ. સા. ઇ. ગ્રંથ : ૮, ખંડ-૨)
સંદર્ભ
સં. સોની રમણ, જયદેવ શુક્લ અને ધીરેશ અધ્વર્યુ : ‘હનુમાનલવકુશમિલન’- સં. પ્ર. આ. ૧૯૮૨, ગુ. સા. પરિષદ, અમદાવાદ
– ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૮ (ખંડ-૨), પ્ર. આ. નવેમ્બર ૨૦૧૮, ગુ. સા. પરિષદ, અમદાવાદ
સુશીલા વાઘમશી
મદદનીશ પ્રાધ્યાપક,
મહારાવશ્રી લખપતજી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,
દયાપર, કચ્છ