ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મણિલાલ હ. પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિતા, નિબંધ... વચ્ચે વાર્તાઓની નીપજ
સમગ્રલક્ષી મૂલ્યાંકન વાર્તાકાર :
મણિલાલ હ. પટેલ

રાઘવજી માધડ

Manilal H Patel 2.jpg

વાર્તા જાતે લખી લઈને શીખાય છે. સર્જાય છે, શીખી-શીખી ને લખી શકાતી નથી. વાર્તા, ચાકડેથી કુંભકાર જેમ ઘડો ઉતારે છે એમ ઉતારવી પડે છે. એને માટે યોગ્ય માટી અને અમાટીનું પિંડ-ઘડતર બહુ પાકકું કરવું પડે છે. નિરીક્ષણ અને અનુભવ : બંનેની ખાસ જરૂર પડે છે. સંવેદના તથા પીડા વિના જાત ઘડાતી નથી. સામી છાતીએ જીવવું પડે છે. માણસને વાંચવો-સમજવો પડે છે. ભાષામાં રહેલી ક્ષમતા પ્રગટાવતાં પહેલાં જાતને સક્ષમ બનાવવી પડે છે. આ બધું બહુ હેતુપૂર્વક, મકસદ સાથે અને જિદ્દપૂર્વક જીવતાં જીવતાં આવડવા માંડે છે. દેશદુનિયાની વાર્તાઓમાં પ્રગટતી સર્જકચાલ અને માનવનિયતિ વાંચવી-જાણવી પડે. આપણું જીવ્યું-જાણ્યું-પ્રમાણ્યું ભાષામાં અવતારતાં આવડવા માંડે ત્યારે પરિણામો દેખાવા માંડે... ટૂંકીવાર્તા વિશેના આ ઉદ્‌ગાર, અવતરણ છે આપણી ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક, ચરિત્રકાર, ચયનકાર... ને નીવડેલા વાર્તાકાર શ્રી મણિલાલ હ. પટેલના. મણિલાલ હ. પટેલનો જન્મ તા. ૦૯-૧૧-૧૯૪૯ના રોજ ગોલાના પાલ્લા (જિ. પંચમહાલ) ગામે થયો છે. એમ.એ., પીએચ.ડી. સુધી અભ્યાસ કર્યો છે. કારકિર્દીની શરૂઆત વડગામ તેમજ મધવાસ ગામની હાઈસ્કૂલના શિક્ષક તરીકે કરી, ઈડરની કૉલેજમાં અધ્યાપનકાર્ય બાદ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપક, પ્રોફેસર અને અધ્યક્ષપદે નિવૃત્તિકાળ-૨૦૧૨ સુધી સેવારત રહ્યા છે. આ સિવાય પણ વિસ્તૃતપણે પરિચય લખી શકાય એવું ઘણું છે. પણ અહીં આપણો વાર્તા-મૂલ્યાંકન અંગેનો ઉપક્રમ રહ્યો છે ત્યારે આ વાર્તાકાર પાસેથી – ૧. ‘રાતવાસો’ (૧૯૯૩, ૨૦૧૮), ૨. ‘હેલી’ (૧૯૯૫), ૩. ‘બાપાનો છેલ્લો કાગળ’ (૨૦૦૧), ૪. ‘સુધા અને બીજી વાતો’ (૨૦૦૭) આમ કુલ ચાર વાર્તાસંગ્રહો મળે છે.

Ratvaso by Manilal H Patel - Book Cover.jpg
Heli by Manilal H Patel - Book Cover.jpg

મૂળ તો ગ્રામજીવનના સર્જક એવા આ વાર્તાકાર પાસેથી પ્રથમ ‘રાતવાસો’ સંગ્રહ મળે છે. જેમાં કુલ ઓગણીસ વાર્તાઓમાં મોટાભાગે ગ્રામજીવન અને ગ્રામસંસ્કૃતિના પરિવેશમાં રચાયેલી વાર્તાઓ છે. આ વાર્તાઓમાં વતનનો ઝુરાપો, પ્રણય-નિષ્ફળતા, સ્વાર્થપરાયણતા, નિસ્વાર્થતાનીય અનુભૂતિ... આવા વિભાગોમાં અલગ પાડી ખાનાઓમાં ગોઠવી શકાય એવું છે. પણ વાર્તાના આ સઘળાં વાનાંમાં અનુભવ એટલો જ અગત્યનો બને છે. કારણ કે અનુભવ વગર અનુભૂતિ શક્ય નથી, આજીવનકાળ વાંઝણી નીવડે. ગ્રામજીવનની અનુભૂતિને આ વાર્તાકારે વાર્તારચનામાં તોળવાનો અને તાગવાનો સબળ પ્રયાસ કર્યો છે. પણ અનુભૂતિ એક સીમાડે આવીને અટકી ગઈ છે. આ વસ્તુને પાત્રો, કથન, પરિવેશ વગેરેથી રચીને એ બધાની કલોચિત સંકલના થકી વાર્તાકારે જે મનોસંઘર્ષ નીપજાવ્યો છે, એની જે તાણ નિરુપી છે અને અખિલ ઘાટ ઘડ્યો છે તેની વાચકચિત્ત પર જે અસર પડે છે તે ખરેખર રસદાયી છે. વાર્તા એ પાણીને પડીકામાં બાંધવા જેવી દુષ્કર અને ભારે છેતરામણી કળા છે અથવા તો જીવતાં માછલાંને હાથમાં ઝાલવા જેવું કાર્ય છે. બધું જ જાણતા હોવા છતાં હાથવગા કલા-કસબ-કૌવત-કરામત... સઘળું જ છટકી જાય, ખરા સમયે ખપમાં ન આવે અને એ પણ નજર સામે જ... આવું વાર્તા-સર્જન માટે પણ બને છે. સઘળાં વાર્તા-વાનાં ખ્યાલમાં હોય છતાંય ખરા સમયે બહુ ઓછાં ઓજારો ખપમાં આવે! વાર્તાસ્વરૂપ વિશે ભણાવવું, જણાવવું... ને ખુદે વાર્તા-સર્જન કરવું... એ કળા કસોટીરૂપ હોય છે. જે પ્રતીત થયા વગર રહેતું નથી. આ સંગ્રહની લગભગ વાર્તાઓની પૃષ્ઠભૂમિ ઈશાનિયા મલક-ગામડાની છે. પણ જ્યાં શહેરીજીવનનો સંઘર્ષ અને સંદર્ભ આવે ત્યાં પણ જીવનારા માણસોનાં મૂળ તો ગામડાનાં જ હોવાનાં... તેમ સમજી નિર્વહણ થાય તે સ્વાભાવિક છે. અને થયું છે.

Bapano Chhello KagaL by Manilal H Patel - Book Cover.jpg

આ સંગ્રહની વાર્તાઓમાં પ્રગટતા વતનઝુરાપા માટે દિલાવરસિંહ જાડેજા કહે છે : ‘જે માટીથી દેહનો પિંડ બંધાયો તેનાથી અળગા થવાની વેદનાની સ્પર્શક્ષમ અભિવ્યક્તિ આ ટૂંકીવાર્તામાં થઈ છે. દેશવટો એમ માટીવટો.’ (‘રાતવાસો’, બીજી આવૃત્તિ ૨૦૧૮) શ્રી જાડેજા લખે છે : ‘ગદ્યમાંથી નવલિકાકારનો નીજી અવાજ સાંભળવા મળે છે. ટૂંકાં વાક્યોમાં લાગણીનો ઊંડો ધબકાર સંભળાતો રહે છે...’

Sudha ane Biji Vato by Manilal H Patel - Book Cover.jpg

આ સંગ્રહની તમામ વાર્તાઓને ખોલી આપવી અહીં શક્ય નથી. સમગ્રલક્ષી મૂલ્યાંકનનો મૂળ મુદ્દો છે. પણ અમુક વાર્તાઓ આફૂરડી ગમી જાય એવી રચાઈ છે તેથી તેનો ઉલ્લેખ કરવો કે નોંધ લેવાનું ટાળી શકાય એવું નથી. ‘બદલી’, ‘પી.ટી.સી. થયેલી વહુ’ અને ‘ફારગતી’ વાર્તાઓનો ઝાઝો ઘાટ ઘડવાની મથામણ કરવી પડી હોય એવું લાગતું નથી. સઘળું સહજ અને વાસ્તવિકતાની તદ્દન લગોલગ હોવાથી કોઈ એવા આયાસ-પ્રયાસ વગર કથાતત્ત્વ ઊતરી આવી ચૂપચાપ વાર્તાના ચોકઠામાં બેસી ગયું છે. અહીં વાર્તાકારનો અનુભવ અને નિરક્ષણ બરાબર ખપમાં આવ્યાં, લેવાયાં છે. જે વાર્તાકારનું આગવું, નિજીપણું છે તેની નોંધ લેવી ઘટે. પણ વાર્તાઓ ઘટનાની કેડ પર ટટ્ટાર ઊભી રહી છે તે નોંધવી પણ જરૂરી છે. આ સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં વાર્તાકારનો ઉછીનો નહીં પણ પોતીકો અનુભવ વાર્તાકાર તરીકે પ્રતીત થયા વગર રહેતો નથી. પણ વાર્તાઓ અંતરમાંથી ઊગે (ઓછું ભણતરવાળા સર્જકોએ ઉત્તમ વાર્તાઓ આપી છે.) પછી વાર્તાની ખાસ માવજતમાં સમજ અને ભણતર ખપમાં લાગતું હોય છે. અહીં પણ જીવનભર સાહિત્ય-ભણાવનાર તરીકે વાર્તાકારને ખપમાં આવ્યું હોય તે સમજી શકાય એવું છે. ‘રાતવાસો’ વિશે જીવનધર્મી સાહિત્યકાર જોસેફ મેકવાન લખે છે : મારી રગમાં કહું તો વર્ષો પછી આવી મનભર વાર્તાઓ માણવા મળી. ધૂમકેતુ, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ ને જયંત ખત્રી પછી વાર્તાની માવજત મળે છે મણિલાલમાં. એમને ‘વાર્તા’ કરવી જ નથી ‘ઉતારવી’ પણ છે. આ ઉતારવાની પ્રક્રિયામાં સંઘેડાઉતાર વાર્તા નીપજી આવે છે. મણિલાલનું વાર્તાકર્મ કહો કે સર્જનકર્મ – કલ્પના એમને કલ્પવૃક્ષસમી ફળી છે. પણ વાસ્તવ જીવનને પ્રમાણી–કરીને, નાણીને એ ચાલે છે. એમનાં પાત્રોનું ચાલકબળ પણ એ જ હોય છે. એટલે જ વસ્તુવિધાનના ચયનમાં એ જીવાતા જીવનને ચાતરતા નથી. માનવમનના સંકુલ મનોવ્યાપારમાં વાસ્તવ જે રીતે ને રૂપે ઉભરે એ જ રૂપે વાર્તાકારની રીતે આલેખે છે, એ નિરૂપણમાં શિષ્ટતા-અશિષ્ટતાની મર્યાદાઓ એમને નડતી નથી. અલબત એમની પહેલી શરત છે કોઈપણ રૂપે કલાગુણ નીતારવાની અને કલાને પ્રમાણવાની. એમાં જીવતરને ધોખો નહીં દેવાની ઈમાનદારી આપોઆપ અવતરે છે. આ જ કારણે એમણે નિરૂપેલ ઘટના કે ચરિત્ર ક્યારેય અપ્રતીતિકર નથી વસતાં. જોસેફ મેકવાનનું ‘કલાને પ્રમાણવાની. એમાં જીવતરને ધોખો નહીં દેવાની ઈમાનદારી આપોઆપ અવતરે છે.’ આવું કહેવું લગભગ સાર્વજનિક જેવું લાગે છે. મારા પ્રથમ વાર્તાસંગ્રહ ‘ઝાલર’(૧૯૯૧)ની પ્રસ્તાવનામાં પણ આવું લખ્યું છે. વિજય શાસ્ત્રી લખે છે, ‘આપણા તળપદની જાનપદી આબોહવા તેના રોમેરોમમાં ફરકતી હોવા છતાં સુરેશ જોષી પ્રણિત આધુનિકતાનો ચહેરો તેની રચનારીતિમાં ઠેરઠેર પ્રગટ થાય છે. વાર્તાઓમાં ભાષા ચરોતર– પંચમહાલના તળપદની છે. કહેવતો અને રૂઢિપ્રયોગોનો યથાસ્થાને થતો વિનિયોગ વાતાવરણને બળવાન બનાવવામાં ભાગ ભજવે છે.’ ‘બાપાનો છેલ્લો કાગળ’ વિશે શિક્ષણવિદ ડૉ. મોતીભાઈ પટેલ લખે છે, ‘પ્રસ્તુત સંગ્રહમાં અઢાર વાર્તાઓ સંગ્રાહાયેલી છે. વાર્તાસંગ્રહની આઠમી વાર્તા ઉપરથી પુસ્તકનું શીર્ષક યોગ્ય જ રીતે અપાયું છે. સામાજિક વાસ્તવિકતાને વર્ણવતી વાર્તાઓ વધુ પ્રમાણમાં છે. વાર્તાતત્ત્વને ઉવેખ્યા વિના સભાનતાથી વાર્તાકારે નીજી જીવનના અનુભવોનું તટસ્થ-વસ્તુલક્ષી આલેખન આ વાર્તાઓમાં કર્યું છે. બધી જ વાર્તાઓની અનુભૂતિ ખૂબ જ સાહજિક છે. નારીહૃદયની જાતીય આવેગોની અતૃપ્તિ અને તલસાટનું બયાન ગ્રામપરિવેશમાં સહજ-સ્વાભાવિક રીતે કર્યું છે. પશી, રૂપા, જીતી, કુસુમ, આશા, કૃત્તિ નૈના, ભારતી, બેલા, કૈલી, દિવાળી, ચિત્રા અને સવિતા જેવાં નારી પાત્રોની જાતીય આવેગોની અતૃપ્તિ, કેટલીક પરણેલી છતાં અતૃપ્ત નારીઓની વેદનાઓને આ વાર્તાકારે સ્વાભાવિક અભિવ્યક્તિ આપી છે.

Sadabahar Vaarta-o by Manilal H Patel - Book Cover.jpg

અહીં અનુભવનો મુદ્દો ગૌણ બને છે. કારણ કે એક સર્જક-વાર્તાકાર તરીકેનો પરકાયા પ્રવેશનો જ મુદ્દો અગત્યનો બને છે. દરેક વિષયવસ્તુમાં વાર્તાકાર તરીકેનો અનુભવ હોય અથવા ન હોય પણ અનુભવને ખપમાં લીધા, લેવાનું ખાતરીપૂર્વક કહી શકાતું નથી મનસુખ સલ્લા લખે છે, ‘મણિલાલની રગોમાં વતન ગામ, એનો પરિસર, એના લોકો તેનાં સર્વ રૂપરંગ સમેત ધબકી રહ્યાં છે, તેવું અનુભવાય છે. એ એમનો કેવળ સ્મૃતિ વિષય નથી, જીવતરની નિસબત છે. એથી મણિલાલની વાર્તાઓમાં ગ્રામજીવન એની તમામ લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ સહિત પ્રગટ થયું છે.’ શ્રી સલ્લા આગળ લખે છે, ‘ગ્રામપરિવેશ તેમનામાં જીવતો અનુભવાય છે. એટલે સજીવ વાતાવરણ તેઓ આલેખી શકે છે. લેખકની નિરીક્ષણશક્તિની સૂક્ષ્મતા અને વર્ણનશક્તિની કલાત્મકતાનો પણ તેમાં ફાળો છે.’ વાર્તાકાર મણિલાલની મંજાયેલી કલમનું નઝરાણું ગણાવતા તુષાર વ્યાસ લખે છે : નિબંધકાર મણિલાલે આ સંગ્રહમાં વાર્તાકાર તરીકેની પોતાની મુદ્રા ચોક્કસ ઉપસાવી છે. પણ કેટલીક વાર્તાઓમાં આપણને કઠે તેવી સામગ્રી પણ અજાણ્યે પ્રયોજી બેઠા છે. જેમ કે ‘વરાપ’, ‘બાપ-બેઠો...’ વાર્તાઓમાં સમાન વર્ણન આવે છે. જ્યારે કોઈ એક કે ચોક્કસ પાત્રો, પ્રદેશ, પરિવેશ... ને વાર્તા-સામગ્રી તરીકે ખપમાં લેવાતો હોય ત્યારે પુનરાવર્તનનો પ્રશ્ન ઊભો થાય, જે અહીં પણ થયો છે. જે વાર્તાકારથી જરા પણ અજાણ નહીં હોય. ‘સમાજ, વાસ્તવ તથા સંઘર્ષની સંતર્પક વાર્તાઓ’ શીર્ષક હેઠળ ડૉ. પ્રવીણ એસ. વાઘેલા લખે છે : કવિતા, નિબંધ અને નવલકથા જેવાં ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનાર સર્જક મણિલાલ હ. પટેલે ટૂંકી વાર્તાક્ષેત્રે પણ ધ્યાનાર્હ કામગીરી કરી છે. ‘સુધા અને બીજી વાતો’ સંગ્રહ વિશે યોગેશ પટેલ ‘સામાજિક નિસબતની વાર્તાઓ’ શીર્ષક અંતર્ગત લખે છે, ‘કવિતા, નવલકથા, વાર્તા, નિબંધ, વિવેચન, સંપાદન જેવાં ક્ષેત્રે તેમણે નોંધપાત્ર અર્પણ કર્યું છે. કવિતા અને વાર્તાઓમાં તેમની કલા અને કસબ વિશેષ રીતે ખીલી ઊઠે છે.’ વાર્તાસર્જનમાં રતિ-રાગ, નારી-સંવેદના, દલિતસમાજ, ગ્રામપ્રદેશ વગેરે વિષયોમાં તેમણે સત્ત્વશીલ સર્જન કર્યું છે. વ્યક્તિઓના સંવેદનો અને તેમની ઊર્મિઓને વાર્તાઓમાં ઓપ આપ્યો છે. કથનરીતિથી માંડીને વાર્તાની ટેક્‌નિક સુધીની તેમની વાર્તાઓ ધ્યાનપાત્ર વિકાસ પામતી રહી છે. ‘સુધા અને બીજી વાતો’ આ ૨૦૦૭માં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ છે. સંગ્રહમાં કુલ બાર વાર્તાઓ છે. તેમાં છ સંવેદનકથાઓ નિરૂપાઈ છે. (આ કથાઓ ‘વાર્તા’ના ખાનામાં બંધબેસતી નથી... એવું સમજી વાર્તાકારે આમ અલગ કરી હશે, જે ‘વાર્તા’ની સભાનતા દર્શાવે છે.) પાંચ-છ વાર્તાઓ નારી-સંવેદનાને તાકે છે. બદલાતા સમય સાથે નારીની સંવેદનાનાં રૂપો તથા આયામો બદલાયા છે. એમની સમસ્યાઓ બદલાઈ છે. લેખકે બદલાતા પરિવેશમાં આ ઝીલી બતાવ્યું છે. ‘સુધા અને બીજી વાતો’ સંગ્રહમાંથી નીચેની બાબતો તારવી શકાય છેઃ

– વિષય-વૈવિધ્ય ધ્યાનપાત્ર છે એમ રચનારીતિ પણ વિશિષ્ટ અને પ્રતીકાત્મક છે.
– સાંપ્રત સમાજની નારીની નવી સમસ્યાઓને એક સાથે સામટી મૂકીને તાગતી વાર્તાઓ કલાત્મક પણ છે.
– ગ્રામચેતના અને દલિતચેતનાને ભદ્ર થતી વાર્તાઓ મળે છે.
– એક સંતર્પક વાર્તાસૃષ્ટિ માણ્યાનો સંતોષ મળે છે.

‘અદ્યતન નારીના સંકુલ મનોવિશ્વની વાર્તાઓ’ ઓળખાવતા ડૉ. રાજેન્દ્રસિંહ ગોહિલ ટૂંકી વાર્તા આધુનિકતાનો ઉંબરો ઓળંગે છે અને અનુઆધુનિકતા આંગણમાં પ્રવેશે ત્યારે પણ નવી પેઢીના વાર્તાકારોની આખી હરોળ પોતાના નિજી ‘વાર્તાવિશેષો’ પ્રગટાવતી ઊભી છે. આ હરોળમાં મોખરાના સ્થાને બિરાજતા વાર્તાકાર છે મણિલાલ હ. પટેલ. તળપદ જીવનના વૈવિધ્યભર્યા આયામોને યથાર્થ જીવનના વાસ્તવપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં મૂલવતા જઈને માનવજીવનમાં વ્યથા, વેદના-સંવેદનાને વિશિષ્ટ ગ્રામીણ પરિસર સાથે નોખી ભાષિકચેતનામાં ગૂંથી લઈને બળકટ વાર્તાઓ રચી મણિલાલ હ. પટેલે ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. ને ગુજરાતી વાર્તાજગતમાં ખાસ ઓળખ ઊભી કરી છે. મણિલાલ એ અર્થમાં સિદ્ધહસ્ત વાર્તાકાર છે. વાર્તાકાર મણિલાલની મોટાભાગની વાર્તાઓ નારીકેન્દ્રી છે. સાંપ્રત સમય અને અદ્યતન સમાજની પાર્શ્વભૂમિકામાં સ્ત્રીજીવનની ઊભરતી નવી સ્થિતિઓ-પરિસ્થિતિઓ, પરિવેશજનિત સમસ્યાઓ અહીં કેન્દ્રમાં છે. વાર્તાના કળામય સ્વરૂપ નિર્મિત માટે ઉચિત પરિવેશનું અનિવાર્ય નિરૂપણ કરીને સર્જકે પોતાની જાગતિક સર્જકચેતનાનો પરિચય આપ્યો છે. ‘હેલી’ વાર્તાસંગ્રહ વિશે ઈલા નાયક લખે છે, ‘આ સંગ્રહની રચનાઓ પણ આદિમતા અને તળપદાપણું છે, પરંતુ અહીં માત્ર એ જ નથી. આ રચનાઓમાં વિષય અને અભિવ્યક્તિના વિવિધ વિવર્તોનું સ્ફૂરણ છે. જેમ કે ‘હેલી’, ‘સિટી બર્ડ’, ‘માવઠું’, ‘લાજ’, ‘મોક્ષ’, ‘જીવાકાકા સુખી છે’ જેવી વાર્તાઓમાં ગ્રામ પરિવેશ છે તો ‘સફેદ પીંછાવાળો કાગડો’, સીનિયોરીટી’, ‘ઇન્ચાર્જ’, ‘નિશા’, ‘શીમળો’, ‘ભરતી પછી’, ‘લાલસા’ જેવી વાર્તાઓમાં નગરજીવનનું વાતાવરણ છે. આ બધી જ વાર્તાઓમાં રચનારીતિનું વૈવિધ્ય પણ ધ્યાન ખેંચે છે. અહીં બહુધા વ્યક્તિની ચિત્તાવસ્થાઓ, એષણાઓ, વૃત્તિઓ આદિનું પ્રવર્તન છે. ડૉ. રાજેશ વણકર ‘હેલી’ સંગ્રહ વિશે લખે છે : સંગ્રહની અઢાર વાર્તાઓમાંથી સાતેક વાર્તાઓ ગામસ્થળમાં આકાર લે છે. નગરવાસના પાત્રોમાં ક્યાંક ગ્રામસંવેદનો વર્તાય તો લેખકની નિરૂપણ શૈલીમાં પણ નગરસ્થળની વાર્તા હોવા છતાં કથક ગામડાનો લાગે એવું બને. ગામસ્થળમાં નિરૂપાયેલી વાર્તાઓ મોટાભાગે એકાંકી પાત્રોની વાર્તાઓ છે. મણિલાલ હ. પટેલ છેલ્લા પાંચ દાયકા-અડધી સદીથી સર્જનાત્મક સાહિત્યમાં પ્રવૃત્ત છે. સો કરતાં વધારે પુસ્તકો સાહિત્ય-જગતને આપ્યાં છે. આ પ્રદાન નાનું-સૂનું ગણી શકાય નહીં. આ પ્રદાનને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર તરફથી સાહિત્યનો ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત થયો છે! સર્જક કેટલું આપે છે તે કરતાં સમાજને કેવું આપે છે તેનું વિશેષ મહત્ત્વ હોય છે. ખાઈને નહીં, પણ ખવડાવી ને રાજી થનારા મલકના આ મનેખ મણિલાલે સત્ત્વશીલ સાહિત્ય આપ્યું છે તેની નોંધ લેવી અનિવાર્ય બને છે. કવિતા, નિબંધ... આદિ સાહિત્ય-સ્વરૂપોમાં મણિલાલનું ખેડાણ વિશેષ અને નોંધપાત્ર રહ્યું છે. તેથી અહીં મણિલાલને એક સ્વતંત્ર ‘વાર્તાકાર’ તરીકે જોવા-મૂલવવાનું ક્યાંક ચૂકાઈ ગયું હોય એવું લાગ્યા વગર રહેતું નથી. વાર્તા સિવાયના સ્વરૂપની આડશમાં રહી આ વાર્તાકારને જોવા-તાકવામાં આવ્યા છે તેથી એક રીતે ગુજરાતી ‘વાર્તા’ને અન્યાય થયાનું પણ પ્રતીત થયા વગર રહેતું નથી. જે તે વિવેચકોએ કરેલાં વાર્તા-નિરીક્ષણો જાણે દૂર ઊભા રહી દર્શાવ્યાં હોય એવું કહેવું જરાય ઔચિત્યભંગ જેવું લાગતું નથી. કોઈ સર્જકે એક કરતાં વધારે સાહિત્ય-સ્વરૂપોમાં કામ કર્યું હોય ત્યારે આવું બને છે. ગુજરાતી સાહિત્યના વિવિધ સર્જકો ને સાહિત્ય-કૃતિઓ વિશે લખનારા વિવેચકો-સમીક્ષકો બે ચીલામાં પગ રાખીને ચાલ્યા હોય એવું પણ અનુભવાય છે. જે સાચું છે, હોય તે ખોંખારીને કહી શકતા નથી. વિધાન-વાક્યોમાં વચ્ચે ‘પણ’નો ઉપયોગ કરી બાજી સાચવી લે છે કે પછી પલટાવી નાખે છે તે કળવું મુશ્કેલ થઈ પડે છે. દા.ત. કલાત્મક વાર્તાઓ ‘પણ’ મળે છે! ટૂંકીવાર્તાની કળા, કસબ ને કરામતને પામવું અને સર્જનમાં અવતરાવવું સહેજ પણ સરળ નથી. પણ કોઈ વિવેચક વાર્તાના કાંઠે બેસી છબછબિયાં કર્યાં નિમિત્તે ‘પણ’નો ઉપયોગ કરી સરળતાથી છટકી જતો હોય છે. જે અંતે તો સાહિત્યને હાનિકર્તા નીવડે છે. અથવા તો વાર્તાતત્ત્વ સુધી પહોંચવાની તેની અણસમજ ઉઘાડી પડે છે. વાર્તાકાર તળમાટીના મનેખ છે. તળ-મૂળનો તેઓનો અનુભવ ગજબનો છે. કથા-ઘટનાના ક્યાંય ઉછી-ઉધારા કરવા જવું પડે એવું નથી. વાર્તાની કાચીસામગ્રી સમાન જીવતાં જીવતરની ઘટના શોધવાના બદલે સામેથી આવે એવું છે. તેઓએ જોયેલું, જાણેલું... ને અનુભવેલું આગળ આવીને ઊભું રહે એવું છે. તેથી મણિલાલની વાર્તાઓમાં સચ્ચાઈનો રણકો આવે તે સ્વાભાવિક છે. ભાવકને વાર્તાઓમાં પોતીકાપણાનો ભાવ, અહેસાસ થાય છે. વાર્તાકારે મોટાભાગે નારીકેન્દ્રી અને રતિ-રાગની કથા-વસ્તુઓ ખપમાં લીધી છે. આ બાબતને સ્વીકારીએ, વધાવીએ, આવકારીએ... પણ અનુભવ સાથે અનુભૂતિને કથા-વસ્તુ સાથે જોડવામાં ઔચિત્યભંગ થયા વગર રહેતું નથી. પણ સર્જક પરકાયા પ્રવેશ કરી આવું સર્જન કરી શકે છે તે સહજ સ્વીકાર્ય બનવું રહ્યું. બને છે. વાર્તાકાર વાર્તાનાં વાનાં, ઘટક તત્ત્વો... વગેરેનો વિનિયોગ કરે એ બધું જ સ્વીકાર્ય.પણ અંતે ‘વાર્તા’ નીપજવી જોઈએ. મણિલાલ વાર્તા ઉપજાવી નહીં પણ નીપજાવી શક્યા છે... એ ગુજરાતી વાર્તાવિશ્વની વિરલ ઘટના લેખી શકાય.

સંદર્ભ :

૧. ‘રાતવાસો’, મણિલાલ હ. પટેલ (૧૯૯૩, ૨૦૧૮)
૨. ‘હેલી’, મણિલાલ હ. પટેલ (૧૯૯૫)
૩. ‘બાપાનો છેલ્લો કાગળ’, મણિલાલ હ. પટેલ (૨૦૦૧)
૪. ‘સુધા અને બીજી વાતો’, મણિલાલ હ. પટેલ (૨૦૦૭)
૫. ‘ચૂંટેલી વાર્તાઓ’, મણિલાલ હ. પટેલ (૨૦૧૯)
૬. ‘શબ્દના મલકમાં’ (૨૦૨૪ – પ્રકાશ્ય) સંપાદક : યોગેશ પટેલ

રાઘવજી માધડ
‘અભિષેક’ ૭૧૫/૧, સેક્ટર–૭બી, ગાંધીનગર
મો. ૯૪૨૭ ૦૫૦૯૯૫