ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/હર્ષદ ત્રિવેદી

From Ekatra Foundation
Revision as of 02:37, 23 December 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાર્તાકાર શ્રી હર્ષદ ત્રિવેદી

ગિરિમા ઘારેખાન

GTVI Image 135 Harshad Trivedi.png

સર્જકનો પરિચય

જન્મતારીખ : ૧૭.૭.૧૯૫૮, સ્થળ : ખેરાળી ગામ, જિલ્લો સુરેન્દ્રનગર
જીવનસાથી : બિંદુબેન ભટ્ટ
અભ્યાસ : પ્રારંભિક શિક્ષણ – શેઠ એન.ટી. એમ. હાઈસ્કૂલ, સુરેન્દ્રનગર. બી. એ. (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), એમ. એ., ગુજરાત યુનિવર્સિટી (ગુજરાતી સાહિત્ય)
સર્જન :
કાવ્ય સંગ્રહો : ‘એક ખાલી નાવ’, ‘તારો અવાજ’, ‘રહી છે વાત અધૂરી’, ‘તરવેણી’, ‘તમે ખરા!’, ‘ઝાકળમાં ઘર – સમગ્ર કવિતાનો સંચય’
વાર્તાસંગ્રહો : ‘જાળિયું’, ‘મુકામ’
રેખાચિત્રો : ‘સરોવરના સગડ’
લલિત નિબંધો : ‘માંડવીની પોળના મોર’
નવલકથા : ‘સોનાની દ્વારિકા’
બાળવાર્તા : ‘પાણીકલર’, ‘સપનાનો પહાડ’
વિવેચન-આસ્વાદ : ‘શબ્દાનુભવ’ ‘કંકુચોખા’[લોકગીત આસ્વાદ]
સંપાદન : શ્રી હર્ષદ ત્રિવેદીના કુલ ૨૬ સંપાદન ગ્રંથો છે.
સામયિક સંપાદન :
‘સંક્રમણ’ (કવિતાનું અનિયતકાલીન ૧૯૮૮થી ૧૯૮૯)
‘ઉદ્‌ગાર’ (આર. આર. શેઠની કંપનીનું મુખપત્ર)
‘શબ્દસૃષ્ટિ’ (ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ૧૯૯૫થી ૨૦૧૪)
અખબારી કોલમ લેખન :
ગાંધીનગર સમાચાર (૧૯૮૫થી ૧૯૯૦)
દિવ્ય ભાસ્કર (વિવિધ તબક્કે)
દસ્તાવેજીકરણ :
ગુજરાતી ભાષાના ૧૦૮ સાહિત્યકારો વિશેની દસ્તાવેજી લઘુફિલ્મોની પરિકલ્પના અને નિર્માણ (ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે)
પારિતોષિકો :
કવિ શ્રી જયંત પાઠક પુરસ્કાર ‘એક ખાલી નાવ’ કાવ્યસંગ્રહ માટે (૧૯૯૨)
કવીશ્વર દલપતરામ એવૉર્ડ (૨૦૧૩)
કુમાર ચંદ્રક (૨૦૧૬)

નવલિકાસંગ્રહો :
૧. ‘જાળિયું’, પ્રકાશન વર્ષ : ૧૯૯૪
અર્પણ : ‘પ્રિય ભારતીબેન તથા રમેશ ર. દવેને’
વાર્તા સંખ્યા ૧૦, પાનાં : ૧૧૧
૨. ‘મુકામ’ પ્રકાશન વર્ષ : ૨૦૨૦
અર્પણ : ‘પંકજ-સ્મિતા, રેખા-જગદીશકુમાર તથા અરવિંદભાઈ-ધર્મિષ્ઠા ભાભીને.’
વાર્તા સંખ્યા ૧૩, પાનાં ૧૨૮

GTVI Image 136 Jaliyum.png GTVI Image 137 Mukam.png

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક અને સંપાદક શ્રી હર્ષદ ત્રિવેદી અનુઆધુનિક યુગના સર્જક છે. એમની વાર્તાઓ અને કાવ્યોનાં અંગ્રેજી, મરાઠી, બંગાળી, સિંધી, કન્નડ જેવી ભાષાઓમાં અનુવાદ થયા છે. એમનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ તો કવિ તરીકે થયો પણ ગદ્યમાં પણ એમનું પ્રદાન એટલું જ નોંધપાત્ર છે. ‘જાળિયું’ની એમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યકારો અને સાથે સાથે સામાન્ય વાચકો દ્વારા એટલી પસંદ કરવામાં આવી હતી કે એ પછી સહુ વાર્તારસિકો આતુરતાપૂર્વક એમના બીજા સંગ્રહની પ્રતીક્ષામાં હતા. ઘણા વર્ષો પછી વાર્તાકલાના એક નવા જ મુકામ રૂપે ‘મુકામ’ સંગ્રહે એ વાર્તારસિકોની તૃષાને સંતોષી. પોતાના પહેલા વાર્તાસંગ્રહમાં પણ હર્ષદ ત્રિવેદી એક પરિપક્વ વાર્તાકારની જેમ ઊભરી આવ્યા છે. એ પરિપક્વતા ‘મુકામ’માં એક નિશ્ચિત મુકામ સુધી પહોંચી છે. શ્રી ભોળાભાઈ પટેલે ‘જાળિયું’ની વાર્તાઓ માટે જે કહ્યું છે એ એમની બધી જ વાર્તાઓને એક સરખું લાગે પડે છે કે ‘એમની વાર્તાઓમાં બહારની ઘટનાઓથી ચિત્તની અંદર ઝાંકી કરાવવાનો અને ચિત્તની અંદરની સંકુલ પ્રક્રિયા દ્વારા બાહ્ય વાસ્તવને વ્યાખ્યાયિત કરવાનો કલાત્મક ઉપક્રમ જોવા મળે છે. ‘સોનું’ (જાળિયું) વાર્તામાં બસમાં મુસાફરી કરી રહેલા નપુંસક પુરુષના મનોસંચોલનોમાં એની નપુંસક હોવાની પીડા વ્યક્ત થાય છે. જળો(જાળિયું)માં લેસ્બિયન સ્ત્રીને એની સ્ત્રી મિત્રની સાલતી ગેરહાજરી, એનાં સ્મરણો અને વલવલાટ મનની અંદર જ ચક્કરો ફર્યા કરે છે. મુકામની ‘અભિસાર’ વાર્તામાં અવરને કલ્પીને મણાતું શરીરસુખ અને એની સાથે સંકળાઈ જતી મનની સ્થિતિ આબેહૂબ ઝીલાયાં છે. ‘ગગનપ્રસાદ વૈદ્યનું નિવેદન’ કે ‘ઉત્સવ’ (મુકામ) વાર્તાઓ તો નાયકના મનમાં જ આકાર પામી છે. ‘પરૂ’ (જાળિયું) વાર્તા પણ ચૈતસિક વ્યાપારનું મૂર્ત રૂપ છે. વાર્તાના અંતમાં નાયકના શર્ટ ઉપર પડતું પરૂનું એક ટીપું એની નિમ્ન મનોદશા વિષે ઘણું કહી જાય છે. સ્ત્રી પાત્રોના મનમાં ઊતરીને વ્યક્ત થતાં મનોસંચોલનો લેખકની ‘પરકાયા’ પ્રવેશ કરવાની કાબેલિયતને ઉજાગર કરે છે. જેમ કે પતિની લાંબી બીમારી પછી ‘નિયતિ’ (જાળિયું)ની વિશાખાની મન અને શરીરની વ્યાકુળતા અને વિહ્‌વળતા, કે પછી ‘ભેટો’ (મુકામ)ની નસીમનું પડોસી પુરુષ માટેનું અવ્યક્ત આકર્ષણ. આ વાર્તાનું કથાનક સ્ત્રી કથક પાસે કહેવડાવવામાં આવ્યું છે. પાત્રોના મનમાં રમ્યા કરતા ભાવો ક્યારેક સ્મરણો રૂપે, વિચારો રૂપે તો ક્યારેક ક્રિયાઓ દ્વારા પણ વ્યક્ત થાય છે. જેમ કે ઑફિસમાં કામ કરતી મંજુનું નવું, યુવાન સ્વરૂપ જોઈને મૂંઝાતા પુરુષોની જિજ્ઞાસા આ રીતે વ્યક્ત થઈ છે – ‘તિરમિઝી ક્યારનો ય પેપરવેઇટ ગોળગોળ ફેરવ્યા કરે છે. પાઠક ટાંકણી લઈ દાંત ખોતર્યા કરે છે, ચૌધરી વારે વારે બે પગ વચ્ચે હાથ લઈ જઈને ચપટી ભર્યા કરે છે ને પંડ્યા-નું માથું અને પગ હલ્યા કરે છે.’ ‘જાળિયું’ વાર્તામાં ફૈબાને ઘેર આવીને પોતાના એક વખતના પ્રિય પાત્રને યાદ કરતા નાયકનો નવેળીમાં પેશાબ કરવાનો અંતિમ વ્યવહાર એના કુંઠાગ્રસ્ત મનનો સંકેત કરે છે. શ્રી ભોળાભાઈ પટેલે ‘જાળિયું’ની પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે એ પ્રમાણે ‘આ વાર્તાકારની ચરિત્રોને અંદરથી ચિત્રિત કરવાની રીતિ એમની વાર્તાઓને લિરિકલ બનાવવા ઉપરાંત પ્રતીકાત્મક સઘનતા બક્ષે છે અને આ વાર્તાકાર કવિ પણ છે, એ વાત પ્રકટ કરે છે.’ હર્ષદભાઈ પ્રતીકોના ઉપયોગમાં માહિર છે. ‘જળો’ વાર્તામાં આ કલાનો ઉપયોગ એમણે બખૂબીથી કર્યો છે. લેસ્બિયન જીજ્ઞાનું સખી છાયા માટેનું શારીરિક આકર્ષણ અને તીવ્ર આલિંગનલાલસા વાર્તાના અંતમાં છાયાની પીઠમાં ચોંટેલી જળોના પ્રતીકથી વ્યક્ત કરવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. અંદરથી બહાર અને બહારથી અંદર જોઈ શકાય એવું ‘જાળિયું’ કે ‘નપુંસકતાને વ્યક્ત કરતું ‘સોનું’ – આ બે શીર્ષકો પણ પ્રતીકાત્મક બનીને આવ્યાં છે. જાતીય સંબંધોની વાત માંડતી વખતે આ પ્રતીકોનો ઉપયોગ લેખકે ખૂબ ચતુરાઈપૂર્વક કર્યો છે. શ્રી રાધેશ્યામ શર્માના કહેવા મુજબ ‘જાતીય સંબંધની જટિલતા, શારીરિક આકર્ષણની તીવ્રતા અને જુગુપ્સાના પરિમાણને સામગ્રી તરીકે સ્વીકારી બેછોછ વાર્તાઆકાર આપવામાં લેખકે જોખમ ખેડીને પણ કાળધર્મ નિભાવ્યો છે.’ આ કાળધર્મ નિભાવવામાં લેખકને પ્રતીકોનો ઉપયોગ ખૂબ સહાયક થયો છે. કેટલાંક ઉદાહરણ જોઈએ : – ‘તારું ખાતું જ ચોથા માળના નળ જેવું, પાણી થોડું ને ફુત્કાર ઝાઝો.’ (સોનું) – શેઠનું તો એવું કે ભમરડા ફરતી જાળ બરોબર કચકચાવીને વીંટાળે, આપણને થાયે ખરું કે હમણાં ભમભમાવશે અને હમમમ કરતો ભમરડો જમીન ઉપર થિર! પણ એ તો ભમરડા ભેગી જાળીય નાંખી દે ઈ માંયલા! (ધ્વજભંગ) ઘણી વાર પ્રતીકોના ઉપયોગ વિના કે વ્યંજનાને વચ્ચે લાવ્યા વિના પણ થોડા શબ્દોમાં લેખક ઘણું કહી જાય છે. ગાગરમાં સાગર કેવી રીતે ભરવો એ આ લેખક સુપેરે જાણે છે. વલોપાત (મુકામ)માં એમણે મહિપતરામ અને નિરંજનાના પ્રસન્ન દામ્પત્યની લાંબી વાત એક જ વાક્યમાં કરી છે : ‘નિરંજનાનું વિશ્વ મહિપતરામમાં પૂરું થાય અને મહિપતરામની દુનિયા નિરંજનામાં શરૂ થાય.’ બીજી ઘણી વાર્તાઓમાં આવાં વાક્યોનાં રંગીન છાંટણાં છંટાયેલાં છે : ‘થોડું ભૂસવા જઈએ તો ક્યારેક બધું ય ભૂંસાઈ જાય એવું નથી બનતું?’ (ભેટો) ‘ઘર પૂરું નહીં, હવે શરૂ થશે.’ (મુકામ) ‘શ્રદ્ધા સ્થિર થવાને હજી વાર હતી.’ (દેવપૂજા) ‘રાજીપાનો રૂપિયો આપવાનો છે, પણ એમાંથી આઠ આના તો કુદરતે કાપી લીધા છે.’ (તૈમુરનો માળો) ‘જીવ ઉપર જેવી બીજી ગાંઠ લગાવી કે પહેલી તરત ઢીલી થઈ ગઈ. ઘણી વાર આંખો બંધ કરવાથી ધારેલું દૂર નથી થતું પણ વધારે નજીક આવે છે.’ (ગૂંથણી) આવાં જ વાક્યોમાં ક્યારેક ક્યારેક જિંદગીનું તત્ત્વજ્ઞાન પણ ગૂંથી લેવાય છે. જેમ કે એ જ વાર્તાનું આ વાક્ય – ‘આ ગૂંથણીનું બીજું નામ જ સંસાર નહીં? ક્યારેક નીચેથી ઉપર આવવાનું, ક્યારેક ગાંઠ મારવાની, ગોળ ગોળ ફરવાનું, એ દોરીને આંટી મારવાની ને છેલ્લે કટકો કરીને...’ ક્યાંક આવી રીતે ‘read between the lines’ના લઘુકોણ છે તો એનાથી બિલકુલ વિપરીત ક્યાંક પરિવેશ કે પાત્રોનાં વર્ણનોમાં લેખકે ધીમી કલમથી અદ્‌ભુત શબ્દચિત્ર ઊભાં કર્યાં છે. એ એમની બારીક નિરીક્ષણશક્તિની પણ સાક્ષી પૂરે છે. ‘ગૂંચળા ગૂંચળા વાળની લાંબી જટા, નાભિ સુધી આવતી દાઢી, ઉઘાડું શરીર એકલી કૌપીનને સહારે શોભી રહ્યું છે. ડોકમાં રૂદ્રાક્ષની માળા ને બે ય હાથમાં બેરખા, બાજુમાં પડેલું કમંડળ, જમીનમાં ખોડી રાખેલાં ત્રિશૂળ, ચિપિયો.’ (ગૂંથણી) ‘ઊંચી ઊંચી દીવાલો ને ઉપર ખુલ્લું આકાશ. એક ખૂણામાં નહીં નહીં તો ય બસો-અઢીસો મણ કાલાનો અંબાર. દીવાલના છેલ્લા પથ્થર સુધી કાલા પહોંચેલા. કાલાનાં પાંખડાનો રંગ આછો કથ્થાઈ, વચ્ચે વચ્ચે દેખાતું દૂધ જેવું રૂ, જાણે એકસાથે લાખો-કરોડો ચકલીઓ ભેગી થઈ હોય એવું લાગે... ચકલીઓ જેવું જ ચીં ચીં આ બૈરાઓ કર્યા કરે.’ (આઢ – જાળિયું) હર્ષદ ત્રિવેદી એક ચિત્રકારની જેમ રંગોથી તો ક્યારેક એક ઇજનેરની જેમ યોગ્ય જગ્યાએ, યોગ્ય શબ્દોની ઈંટોને ગોઠવીને પરિવેશ ઊભો કરવામાં નિપુણ છે પછી એ ગામડાની ‘આઢ’ હોય, શહેરની ઑફિસ હોય કે ‘ચોકિયાત’ (મુકામ)ના ઘરનું આંગણું હોય જ્યાં મોર અને ઢેલ ચણવા માટે આવતાં હોય. નાનકડા કથાબીજમાંથી વાર્તાવૃક્ષ કેવી રીતે ઊભું કરવું એ કળા વાર્તાકાર હર્ષદ ત્રિવેદીને હસ્તગત છે. એ બીજની આંગળી પકડીને એ ભાવકને એક પછી એક ઘટનાઓ, મનોવિચારોની ડાળીઓ ઉપર ચડાવે છે, ફૂલ-પાંદડાનો તાજગીભર્યો સ્પર્શ કરાવે છે અને અંતે વાર્તા રસનાં મીઠાં ફળ ચખાડે છે. ‘ચોકિયાત’ વાર્તાનું કથાબીજ તો માત્ર એ જ છે કે મામાએ દીકરી અને ભાણી, બંનેને પરણાવાવવાની જવાબદારી પૂરી કરવાની છે. પણ એમાં ભાણીને અન્યાય ન થઈ જાય એ માટે મામાનું મનોમંથન, એમના પત્ની સાથેના સંવાદો, અને પોતાની મિલકતનું બલિદાન આપતા મામા – આ બધી ઘટનાઓ અને અંત વાર્તાને એક ઊંચાઈ આપે છે. ‘ભેટો’ વાર્તા પણ એક નાનકડા પ્રસંગની આસપાસ ગૂંથાયેલી છે. ‘ઉત્સવ’ (મુકામ) વાર્તામાં નિવૃત્ત થતા એક માણસનો સંસ્કાર અને સમૃદ્ધિ વચ્ચે પસંદગી કરવાનો સંઘર્ષ નિરુપાયેલો છે. ‘નિયતિ’માં પથારીવશ થઈ ગયેલો એક પતિ અને એની સેવા કરતી એની પત્નીના મનની પીડાનાં પડો એક પછી એક ખૂલતાં જાય છે અને ભાવક એના રસમાં લપેટાતો જાય છે. હર્ષદ ત્રિવેદીને ભૂતકાળના સ્મૃતિવનમાં ભટકવું ગમે છે. એમની ઘણી વાર્તાઓમાં ભૂંસાઈ ગયેલા જીવનની છબીઓ ઝિલાઈ છે. ‘જાળિયું’ અને ‘સોનું’માં કથક ભૂત અને વર્તમાનની વચ્ચે ઝોલાં ખાય છે તો અપૈંયો વાર્તા તો આખી નાયકના બાળપણના સ્મૃતિજગતમાં જ ભટકે છે. ‘ભ્રમણા’ અને ‘વલોપાત’માં પણ પત્ની સાથેના સહજીવનનાં સ્મરણોને વાગોળતા એમના પ્રૌઢ પતિના હૃદય ખુલ્લા કરવામાં આવ્યા છે. ‘દેવપૂજા’ પણ એવી જ વાર્તા છે. કદાચ એટલે જ શ્રી ભરત મહેતાને એ વાર્તામાં ‘તીવ્ર વાર્તાક્ષણની ગેરહાજરી લાગી છે. એ આ વાર્તાને વિશેષ તો ‘સ્મૃતિકથા’ ગણાવે છે.’ પાત્રના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં આ વાર્તાકારને વિશેષ રસ છે, પણ કોઈ કોઈ વાર્તામાં સામાજિક મૂલ્યોનો પ્રભાવ એમના મન ઉપર કેવો છવાયેલો છે એ પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ‘જાળિયું’ સંગ્રહની ‘સાહેબ’ અને ‘કમળપૂજા’ આવી વાર્તાઓ છે. સાહેબમાં પોતાના સાહેબની પ્રામાણિકતાની જે છબી નાયક પોતાના મનમાં ધરબીને બેઠો છે એ ખંડિત થાય છે ત્યારે એ ‘ફળફળતી ચા પી જાય છે.’ (અહીં આઘાતનો પ્રત્યાઘાત કેવી સરસ રીતે વ્યક્ત થયો છે!) એવી જ રીતે ‘કમળપૂજા’ (જાળિયું) વાર્તા પણ સામાજિક નિસ્બતવાળી છે જેમાં એક થોડા નીચલા વર્ણના કુટુંબને ‘ઉચ્ચ’ વર્ગની સોસાયટીમાં રહેવા ગયા પછી જે સંઘર્ષ કરવો પડે છે એની વાત મુખ્ય છે. અહીં ‘કમળપૂજા’ એટલે કમળ ચડાવીને થતી પૂજા નથી, અહીં તો અમલદારને લાંચ રૂપે ધરાવાતું કમળ છે. કમળ ચડાવવું એનો એક અર્થ ભગવાનને મસ્તક ચડાવવું એવો પણ થાય છે. અહીં અંતમાં જેઠાલાલને સ્વમાન રૂપી કમળ તો ચડાવી જ દેવું પડે છે. ‘અપૈયો’ (જાળિયું)માં પેઢીઓથી ચાલ્યા આવતા બે કુટુંબના વૈમનસ્યની વાત છે જ્યાં વડીલો ખોટા વટ અને મમતને કારણે બે પિત્રાઈ ભાઈઓ બાળકો વચ્ચેના સંબંધને સાંખી શકતા નથી. વાર્તાકારે એમની વાર્તાઓમાં કથાવસ્તુની જરૂરિયાત પ્રમાણે જુદી જુદી કથનરીતિનો ઉપયોગ કર્યો છે – ક્યાંક ત્રીજો પુરુષ, ક્યાંક પ્રથમ પુરુષ તો વળી ‘નિયતિ’માં એક જ જાતની પરિસ્થિતિને પતિ અને પત્ની – બંનેના કથનથી, એમના એમના દૃષ્ટિકોણથી મૂલવી છે. એ રીતે એ વિશિષ્ટ વાર્તા છે. હર્ષદભાઈની વાર્તાઓના અંત બહુ સૂચક હોય છે. ઘણી સામાન્ય કથાનક જેવી લાગતી વાર્તાઓ એના અંતને લીધે ઊંચાઈને આંબી જતી લાગે. ‘જાળિયું’ના અંતમાં જાળિયામાં ઈંટો ગોઠવતી સુગંધી એના નાયક સાથેના મીઠા સંબંધનો જાણે અંત લાવતી દેખાય છે. ‘પરૂ’ વાર્તાનો અંત તો એકદમ જ વ્યંજનાત્મક છે. વિષય, વિષય નિરૂપણની રીતિ, લાઘવ કળાથી આગવી બની રહેતી ‘આઢ’ વાર્તાનો અંત કેટલું બધું કહી જાય છે? ‘વખારમાંથી હીરજીની વહુ બહાર આવી ત્યારે લખમીમાએ છેલ્લો ઢોલિયો બાકી હતો એ ય પૂરો કર્યો ને ઠાલિયું ફેંક્યું ઢગલામાં...’ ‘અપૈયો’માં અંતમાં પિતરાઈ ભાઈને યાદ કરીને ચા પણ ન પી શકતો નાયક કરુણ ચિત્ર ઊભું કરી દે છે. ‘મુકામ’ વાળ કાળા કરવાથી માંડીને કલપ ઊતરવાની રાહ જોવા સુધીની વાર્તા છે. અંતનું એ એક વાક્ય આખી વાર્તાના થોડી રમૂજ અને થોડા શૃંગાર રસના ભાવોમાં એકદમ જ પલટો લાવી દે છે. ‘દેવપૂજા’માં એકસમયે પૂજાથી કંટાળતો કથાનાયક પોતે મિલકતના બદલામાં દેવપૂજા માંગીને જાણે પોતાના આખા ભૂતકાળને, બાળપણને, માતા-પિતા, વડીલોની સ્મૃતિઓને પાછી માંગી લે છે! ‘ગૂંથણી’માં બાવા બનવા ગયેલા મનસુખલાલને પુનઃ સંસારમાં સ્થાપીને અંતમાં સામાન્ય મનુષ્યનું, સંસારનું, ગૌરવ કરવામાં વાર્તાકાર સફળ થયા છે. હર્ષદભાઈની વાર્તાઓમાં સહુથી વધુ ધ્યાન ખેંચે એવાં બે ઘટકો છે – એક એમનું પાત્રાલેખન અને બીજો એમનો ભાષા અને બોલીનો સમુચિત ઉપયોગ. એમનાં પાત્રો મુખ્યત્વે સમાજના નીચલા વર્ગમાંથી કે પછી મધ્યમ વર્ગમાંથી આવે છે. દરેકને પોતપોતાની સમસ્યાઓ છે. એ સમસ્યાઓ, એ સંઘર્ષ અને એના પરિણામે વેઠવો પડતો સામાજિક, માનસિક કે અન્ય પરિતાપ – એ એમના વિષયવસ્તુ બની જાય છે. એમાં પણ વૃદ્ધ વ્યક્તિઓનાં તો જાણે હૃદય ખોલીને એ ભાવકો સામે પાથરી દે છે. ‘આઢ’ની લખમીમા કેવી દુન્યવી ડહાપણથી ભરેલી છે! એકદમ practical! એની સામે નાડા કાકાની જડતા મૂકીને લેખકે માનવસ્વભાવનાં બે વિરુદ્ધ પાસાં રજૂ કરી દીધાં છે. લેખક માણસોને ખરા અર્થમાં ‘ઓળખે’ છે. ઑફિસના કારકુન કે વલોપાતની નીરૂ, નિવૃત્ત થતાં કાકુભાઈ કે દેવપૂજાના ભાઈઓ, અમેરિકા જવાના વલખાં મારતો ‘વિઝા’નો વિજય કે ‘નિયતિ’ની વિશાખા – આ બધાં જ પાત્રો માનવો છે અને એટલે જ એ લોકો જીવંત લાગે છે. એમનાં સ્ત્રી પાત્રો પણ ‘બોલ્ડ’ છે – એ ‘સોનું’ની વિશાખા હોય કે નાયકની સહપ્રવાસીની હોય, ‘જળો’ની જીજ્ઞા હોય કે ‘ધ્વજભંગ’ની કાન્તા હોય. ‘આઢ’નાં વૃદ્ધ લખમીમા તો કોઈ છોછ વિના હીરજીની વહુને વખારમાં મોરાર સાથે એકાંતની પળો ગાળવાની સગવડ કરી આપે છે. વાર્તાકારની એવી જ પ્રવીણતા ભાષાના વિનિયોગમાં છે. શ્રી ભરત મહેતાએ નોંધ્યું છે એમ “ ‘અભિસાર’ની સંસ્કૃતપ્રચુર તત્સમ ભાષા હોય કે ‘વાત જાણે એમ સે’માં તળપદી જોમમાં વહેતી વાર્તા હોય, વાર્તાની ભાષા વાર્તાના વસ્તુ, પાત્ર, પરિવેશને ન્યાય આપતી રહે છે.” આ ઝાલાવાડી લેખકના પાત્રોના સંવાદોમાં વ્યંગ રમૂજ, કટાક્ષના કાકુ પણ ડોકિયાં કરતાં રહે છે. ‘ભેટો’માં ઉપયોગમાં લેવાયેલી ખોજાઓની ભાષા, કે ‘વિઝા’માં થતો બોલીનો ઉપયોગ નોંધપાત્ર છે. હર્ષદભાઈ કવિ છે, એમની ભાષામાં એક લય છે, નાનાં નાનાં વાક્યોથી કથાનક ગતિ પકડે છે. કોઈ જગ્યાએ ધારદાર તો ક્યાંક માખણ જેવા મુલાયમ ટૂંકા ટૂંકા સંવાદો હૃદયસ્પર્શી બની રહે છે. જરૂર પડે ત્યાં અવાજોનો ઉપયોગ વાતાવરણને જીવંતતા બક્ષે છે. ‘વિઝા’નો છકડો ‘ધડ ધડ’ ચાલે છે, ‘ચોકિયાત’ની ઢેલો ‘ડચ ડચ’ અવાજ કરીને ફરે છે, પહેરેલો કોટ ‘સરક સરક’ થાય છે, ટેબલનું ખાનું ખોલતાં ‘ઘચરક’ અવાજ થાય છે અને મોટાભાઈના પગલાં ‘ખબડ ખબડ’ પડે છે. આ વાર્તાકાર વિવિધ સ્તરની ભાષાના આલેખનથી તળપદા વાતાવરણને પણ આબેહૂબ ઉપસાવી શક્યા છે. શ્રી ભોળાભાઈ પટેલના કહેવા પ્રમાણે તો બોલીનો સાર્થક પ્રયોગ હર્ષદભાઈનો શક્તિસ્રોત છે. એ આ વાર્તાઓમાં ખરેખર કાર્યસાધક બની રહે છે. મનુષ્યના ભાવજગતની વિવિધ ભંગિમાઓનું નિરૂપણ કરવા માટે લેખકે ક્યાંક સીધી રીતે તો ક્યાંક ગર્ભિત રહીને, વ્યંજના કે રૂપકોનો હાથ સુપેરે પકડી લીધો છે. અને એ બધું એટલું સાહજિકતાથી નિરૂપવામાં આવ્યું છે કે ‘તૈમુરનો માળો’નું હોલા દંપતી પણ પ્રકૃતિ સાથે ભળી જઈને પાત્રો બનીને ઊપસી આવે છે. ક્યાંય કશું આયામી કે કૃતક નથી લાગતું. મનુષ્યજીવનની કાળી બાજુ પણ જીવનસરિતાના વહેતા પ્રવાહમાં પૂરની સાથે ભળીને તણાતી આવતી વૃક્ષની ડાખળીઓ જેટલી સહજતાથી વાર્તારસમાં ભળી જાય છે. સાહિત્ય જીવન અને જીવનની અનુભૂતિઓથી અળગું હોઈ શકે નહિ. હર્ષદ ત્રિવેદીની વાર્તાઓમાં માનવસહજ નબળાઈઓવાળાં માનવીઓ છે, માનવમનની આંટીઘૂંટીઓ છે, હૃદયના ધબકારા છે, મગજમાં ચાલતી વિચાર પ્રક્રિયાઓ છે, બુદ્ધિ અને લાગણી વચ્ચેના સંઘર્ષ છે અને આ બધું જ યોગ્ય ભાષાકર્મ, સંયોજન, ટેક્‌નિક અને ઘટનાત્મકતાથી ગૂંથાયેલું છે. એટલે જ એમની વાર્તાઓમાં ધબકતું જીવન છે. આંતરબાહ્ય વાસ્તવ પર યથાર્થ કૅમેરા એન્ગલમાં, એક કવિની શૈલીથી મઢેલી આ બે સંગ્રહની વાર્તાઓ શ્રી રાધેશ્યામ શર્મા જણાવે છે એ પ્રમાણે ‘જાળિયેથી જય શ્રી કૃષ્ણ’ કહી અળગા રહેવાની તક નહીં આપે. અંતમાં શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ ‘વાર્તા વિશેષ’માં ટૂંકી વાર્તા માટે જે લખ્યું છે એ યાદ કરી લઈએ. ‘ટૂંકી વાર્તા પાસે પણ એ જ અપેક્ષા હોઈ શકે કે અન્ય કળાસ્વરૂપોની જેમ એ આસ્વાદ્ય હોય. આકાર પરત્વે લાઘવ અને પ્રભાવ પરત્વે તીવ્રતાની અપેક્ષા ટૂંકી વાર્તા પાસે સવિશેષ રહે. એની શિલ્પા-કૃતિમાં જ ટૂંકી વાર્તાનું સ્થાપત્ય કેન્દ્રિત થયેલું હોવું જોઈએ.’

સંદર્ભ :

પ્રસ્તાવના ‘જાળિયું’, શ્રી ભોળાભાઈ પટેલ
પ્રસ્તાવના ‘મુકામ’, શ્રી ભરત મહેતા

ગિરિમા ઘારેખાન
ગૃહિણી
વાર્તાકાર, નવલકથાકાર
અમદાવાદ
Email : Mailid-kruhagi@yahoo.com
મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯