ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધરમાભાઈ શ્રીમાળી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાર્તાકાર ધરમાભાઈ શ્રીમાળી

પ્રભુદાસ પટેલ

Dharambhai Shrimali.jpg

પાલનપુરના ગાદલવાડામાં જન્મેલા (૨૧-૧૨-૧૯૫૭) ધરમાભાઈના પિતાનું નામ નાગરદાસ અને માતાનું નામ રાજુબહેન હતું. તેમણે એકથી છનું પ્રાથમિક શિક્ષણ ગાદલવાડા, ૭થી ૧૧ (ફાઇનલ) ટાકરવાડા અને પ્રિ. આટ્‌ર્સથી એસ.વાય.બી.એ.નું શિક્ષણ પાલનપુર તથા બી.એ. અને એમ.એ.નો અભ્યાસ નોકરી નિમિત્તે તેમના ગાંધીનગરના વસવાટ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં પૂરો કરેલો. એસ.વાય.બી.એ.ના અભ્યાસ દરમિયાન જ તેમને ધરોઈ સિંચાઈ વિભાગમાં કારકુનની નોકરી મળેલી. ત્યાર પછી બદલી નિમિત્તે બનાસકાંઠાનાં અનેક ગામોમાં તેમના વસવાટનું નિમિત્ત બનેલું. અને છેવટે ગાંધીનગર બદલી થયેલી. ગરીબી અને આર્થિક અભાવ વચ્ચે પણ ટકી રહેવાનું બળ તેમને રોજીરોટી માટે દૂરદૂર ગામડાઓમાં ભટકતાં ભટકતાં યાચકવૃત્તિ કરતા પિતાજી તથા અથાક પરિશ્રમ કરીને સંતાનોનું ભરણપોષણ કરતાં મા રાજુબહેન પાસેથી મળેલું. માએ કહેલી દુઃખદર્દ ભરેલી વાર્તાઓ, શ્રાવણ માસમાં થતું મહાભારતનું કથન-શ્રવણ, વહેલી પરોઢ સુધી ચાલતાં ભજન-સત્સંગો, સાતમા ધોરણમાં વાંચેલી પન્નાલાલ પટેલની ‘પાછલે બારણે’ નવલકથા અને ત્યારપછી વાચનરસ કેળવાતાં વંચાયેલી અનેક નવલકથાઓ – આ બધાં પરિબળોએ કિશોર સર્જક ધરમાભાઈને પાળ્યા-પોષ્યા હતા. તેથી જ તેઓ શિક્ષકે વર્ગમાં સોંપેલી મુદ્દા આધારિત વાર્તા શિક્ષકને બતાવે છે ત્યારે શિક્ષક અંબાલાલભાઈ વાર્તાનું પ્રકૃતિનિરૂપણ વાંચીને તેમની પીઠ થાબડે છે. સાતમાના અભ્યાસ દરમિયાન જ તેઓ તેઓ ‘સ્ત્રી સાપ્તાહિક’ અને ‘ગ્રામજીવન’ તથા ‘રખેવાળ’ જેવાં માસિકોમાં મુગ્ધભાવે વાર્તાઓ લખે છે, અને છપાય છે, તેમની વાર્તાકળા ખરા અર્થમાં તો તેમના ગાંધીનગરના નિવાસ દરમિયાનના સર્જકમિત્રો સાથેના સંસર્ગ-સંપર્ક ગાંધીનગરની ‘દલિત સાહિત્ય સભા’, ‘બૃહસ્પતિ સભા’ તથા સુમન શાહ પ્રેરિત સુ.જો.સા.ફો. દ્વારા કેળવાઈ છે.

ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાકલા :
(૧) સાંકળ (૧૯૯૭, પૃષ્ઠ ૨૨ + ૧૪૬)

SankaL by Dharambhai Shrimali - Book Cover.jpg

વાર્તાકાર ધરમાભાઈના ૧૪ બિનદલિત વાર્તાઓના આ સંગ્રહનો પ્રસ્તાવના લેખ ડૉ. મોહન પરમારે ‘નવા વાર્તાકારની ઘડાયેલી કલમ’ના નામે લખ્યો છે. સ્ત્રી-પુરુષના સંબંધો અને પ્રછન્ન પ્રણયવૃત્તિ, જાતીય ભિન્નતા અને શોષણ, સાંપ્રત સમયમાં પુત્રોનું મા-બાપ પ્રત્યેનું ઉદાસીન વલણ, સ્ત્રીની સંતાનપ્રાપ્તિની કામના, સુખી દામ્પત્ય જીવનગાથા, દલિત વર્ગની ગરીબાઈ, સ્ત્રી-શોષણ અને વ્યથા જેવા વિષયોનું વૈવિધ્ય અને સર્જક દૃષ્ટિકોણ તથા પાત્ર માનસના ભાવપલટાઓની કલાત્મક માવજત ધરાવતો આ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મુંબઈ કલાગુર્જરી દ્વારા પુરસ્કૃત થયો છે. ‘સાંકળ’માં પતિથી ઉવેખાયેલી મેની પોતાની ઇચ્છા છતાં મેઘાને મળી શકતી નથી. મેનીની મનોયંત્રણા અને ભાવપલટો વાર્તાનો આસ્વાદ્ય અંશ છે. મેઘાના કહેણ પછી મેનાની મનઃસ્થિતિ, દાદી અને પડોશણની વાતો તથા તેની પ્રતિક્રિયા રૂપે મેનીની એકોક્તિ-સ્વગતોક્તિઓથી વાર્તાનું પોત બંધાતું આવે છે. બાપુજીનાં કપડાં પહેર્યા પછી તેની અવઢવ અને ભાવ પલટામાં ક્યારે સાંકળ વાસી દેવાઈ તેનું ખુદ મેનીને પણ ભાન રહેતું નથી. આ પ્રકારની વસ્તુગૂંથણીમાં ભાવ વ્યત્યયને લીધે વાર્તા આસ્વાદ્ય બની છે. કૂતરાંના અવાજો અને શિયાળવાના અવાજોથી ગ્રામીણ રાત્રિનો તાદૃશ પરિવેશ ખડો થયો છે. સાંકળ ભાવશમનનું સબળ પ્રતીક બન્યું છે. ‘મહારાજ’ વાર્તામાં પણ અન્ય પુરુષોની જેમ મહારાજનું પાત્ર પાણીવાળી રૂખી પાછળ લટ્ટું છે, એક દિવસ રૂખી સાથેના ચેનચાળામાં રૂખી મહારાજને સવારે રેસ્ટોરન્ટમાં મળવાનો સંકેત આપે છે. બીજા દિવસે રાહ જોતા મહારાજ નર્વસ થાય છે, પરંતુ મગન ડ્રાઇવર દ્વારા રુખીનો હૉસ્પિટલે મળવાનો સંદેશ મળતાં જ મહારાજ હોંશે હોંશે રૂખીના પ્રેમ ઉપર ઓવારી જતાં હૉસ્પિટલે પહોંચે છે, પણ રુખી તેના મરણપથારીએ પડેલા પતિ આગળ ઘટસ્ફોટ કરતાં કહે છે કે, ‘લ્યો આ મા’રાજ આયા. તમી કે’તાન કે મા’રાજનાં દરશન કર્યાં હોત તો મોત સુધરત... આ ઊભા મા’રાજ.’ (પૃ. ૨૯) આ સંવાદ પછી લૉબીમાંથી પસાર થતા મહારાજની રેબઝેબ મનઃસ્થિતિમાં જ ભાવવ્યત્યયનો અણસાર મળી રહે છે. મહારાજના વર્તન, રુખીને ઉદ્દેશીને કહેવાતી ઉક્તિઓ અને મહારાજની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કથનથી વાર્તાને સરસ ઘાટ સાંપડ્યો છે. ‘વિંછુડો’ વાર્તાનો નાયક રાયસંગ વિધુર છે. તે દોરા-ધાગા અને મંત્ર- તંત્ર કરીને લોકસેવાની પ્રવૃત્તિથી ‘ભગત’ તરીકે પંકાયો છે, પરંતુ રેવાને વીંછીનું ઝેર ઉતારતાં તેને જાણે કે તેના યૌવનનો ડંખ વાગે છે. વિકાર અને અસ્વસ્થતામાં તે ભક્તિ અને ભજન બધું ભૂલી જાય છે. પોતાની અસ્વસ્થતાથી કંટાળેલો ભગત તો પોતાની વિદ્યા બીજાને શીખવીને મુક્તિ ય ઝંખે છે, પરંતુ રેવાના સિસકારા અને પોતે જોયેલી હોટેલના ફિલ્મી અંકની અર્ધનગ્ન તસવીર જોઈને તેને રેવાને જોવાની ઝંખના વધી પડે છે. ઊંઘી ન શકતો તે બીડી પીધા કરે, આકાશમાં વિંછુડો જોઈ બબડાટ કરે, અને ખાટલાની ચોરસ ભાતમાં તેને વીંછી-વીંછણની સ્મૃતિ થઈ આવે અને અંતે સ્વપ્નમાં રેવાને મળે – આ બધાંય વાનાં તે યૌવનના ડંખથી બહાર આવ્યો નથી તે સૂચવે છે. વિંછુડાની પ્રતિકાત્મક માવજત અહીં સ્પર્શી જાય તેવી છે. ‘ભવાઈ’ દલિત ભવૈયા તુરી દલભાની વીતકકથા છે. વાર્તાના આરંભે પેટીમાંથી ભવાઈના અસબાબ કાઢતા દલભાના અતીતરૂપે તેને ગામડાના ભવાઈવેશ દરમિયાન મોહી પડેલી રૂપકુંવર અને ધંધાની પવિત્રતા માટે પોતે દાખવેલા સંયમ તથા ભવાઈ છોડી દીધાનો કલાક્ષમ ચિતાર સાંપડે છે. છેલ્લે ભવાઈનો અસબાબ પાછો પેટીમાં મૂકે ત્યાં વાર્તાનો અંત આવે છે. આરંભ અને અંત વચ્ચે પાત્રની અતીતની સ્મૃતિઓમાં સંવાદો, એકોક્તિઓ અને વર્ણાત્મક કથન મૂકીને વાર્તાકારે સુપેરે વાર્તાકર્મ નિભાવ્યું છે. ‘નવી’માં બીજવર વશરામને પરણીને તેનાં સંતાનોને પોતીકાં ગણનાર વિધવા સમુને તેનો ભાઈ તેડીને લઈ જાય ત્યાંથી વાર્તાનો આરંભ થયો છે. અને ભાઈનો બીજાને વેચી દેવાનો ઇરાદો સ્પષ્ટ થઈ જતાં સમુ પાછી પોતાના ઘર તરફ ભાગી આવે છે. અતીતરૂપે વાર્તાનાયિકાનો વશરામ સાથેનો ઘરસંસાર, સંતાનો પ્રત્યેની માયા અને સમાજ સાથેના તાદાત્મ્યને પાત્ર સંવાદો, વાર્તાનાયિકાની એકોક્તિઓ, કથન, વર્ણન તથા કાકપદી કથન દ્વારા સરસ વણી લીધું છે. સૂકી નદી અને દુઃખગ્રસ્ત સમુના દૃશ્યમાં સન્નિધિકરણની પ્રયુક્તિ અસરકારક બની છે. પરિવેશ અને બોલીની દૃષ્ટિએ પણ વાર્તા નોંધપાત્ર બની છે. સવર્ણ સમાજના શોષણખોર માનસને વ્યક્ત કરતી ‘સણકો’ વાર્તામાં વિધવા નાયિકા મંછીને તેનો દીકરો ભણાવી-ગણાવીને મોટો માણસ બનાવવાની ઇચ્છા છે, પરંતુ શોષણખોર બેચરદા મંછીની આર્થિક બેહાલીનો લાભ ઉઠાવી, તેના દીકરાને વેઠિયો જ રાખવા ઇચ્છે છે. મંછીના સણકાથી આરંભ પામતી વાર્તા અંતે મંછીના પ્રબળ સણકામાં અંત પામે તેમાં ગરીબ વર્ગની નિયતિનો અર્થગર્ભ ચિતાર વ્યક્ત થાય છે. સ્ત્રીસંવેદનાની વાર્તા ‘દાઝવું તે’ની નાયિકા બબલીને જેણે તેનું શારીરિક શોષણ કર્યું છે તેવા પરબતની જાનમાં પેટ્રોમેક્સ પકડવાની ફરજ પડી છે. જાન દરમિયાન બબલીને પરબતના શારીરિક શોષણના પ્રસંગો તાદૃશ થાય છે – તેની પ્રતિક્રિયા રૂપે ‘દાઝવું’ની સાર્થકતા સિદ્ધ થઈ છે. અતીત અને વર્તમાનના તાણાવાણા રૂપે યોજાયેલા સંવાદો, બબલીની એકોક્તિઓ અને દાઝી જવાની પ્રતિક્રિયા દ્વારા બબલીની પરબત પ્રત્યેની દાઝ-નફરત અને મનોસંચલનોનું સરસ નિર્વહણ થયું છે. ‘હું જોરુભા નથી’ વાર્તામાં જેણે પોતાની યુવાની દરમિયાન અનેક સ્ત્રીઓ સાથે કુકર્મ આચર્યું છે તેવા જોરુભાએ પોતાનો વર્તમાન સુધારી લીધો હોવા છતાં તેમના ભૂતકાળનાં કુકર્મો તેમનો પીછો છોડતાં નથી – એવો સૂર વ્યક્ત થયો છે. પ્રારંભે વાર્તાનાયકની પત્ની દ્વારા જોરુભાને આ સ્પષ્ટ સવાલ કરાય છે, અને ભૂતકાળરૂપે જોરુભાનાં કુકર્મોનો ઇતિહાસ ઊઘડે છે. આમ, અહીં પાત્રની અતીત દર્શનની યુક્તિ યોજાઈ છે. અહીં જોરુભાના પાત્રની આંતરસચ્ચાઈ તેના દંભ કળામય રીતે અનાવૃત્ત થયાં છે. આ ઉપરાંત ‘વળી પાછા વતનમાં’, ‘પિત્તળનો ગ્લાસ’, ‘ગોકુળ આઠમ’, ‘શુક્રનો તારો’, ‘લીલીવાડી’, ‘નવું ઘર’ વગેરે સામાન્ય સ્તરની વાર્તાઓ છે. સ્ત્રી પુરુષના અવૈધ સંબંધો, મા-બાપને ભૂલી ગયેલા દીકરાઓ, સ્ત્રીની સંતાનવાંછા અને ઈર્ષા, દીકરાઓની માવતર પ્રત્યેની બેપરવાઈ વગેરે આ વાર્તાઓનું વિષયવસ્તુ છે. આ વાર્તાઓ પૈકીની કેટલીક ઘટના બનીને જ અટકી જાય છે, ક્યાંક ભાવાત્મક ગદ્ય, એક તરફી કથન કે બિનજરૂરી કથન વાર્તાની મર્યાદા બની રહે છે. ચૌદ વાર્તાઓ પૈકીની માત્ર ‘લીલી વાડી’ અને ‘શુક્રનો તારો’ ને બાદ કરતાં મોટાભાગની વાર્તાઓ સર્વજ્ઞ કથનકેન્દ્રમાં યોજાઈ છે. પ્રથમ પુરુષ એકવચનની બંને વાર્તાઓ કળાસંયમના અભાવે ભાવાત્મક અહેવાલનો અનુભવ કરાવે છે. પ્રથમ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓના નવ્ય વિષયવસ્તુ અને માવજત જોતાં ધરમાભાઈની પરિપક્વ વાર્તાસૂઝની અચૂક ઝાંખી થાય છે.

(૨) નરક (૨૦૦૩, પૃષ્ઠ ૧૮ + ૭૬) :

Narak by Dharambhai Shrimali - Book Cover.jpg

દલિત સંવેદનાને પ્રગટ કરતા આ સંગ્રહની પ્રસ્તાવના હરીશ મંગલમે લખી છે. ‘હિન્દુ ધર્મનું કલંકના’ નામે મળતી પ્રસ્તાવનામાં વાર્તાઓની સરસ સંક્ષિપ્ત સમીક્ષા સાંપડે છે. દલિત જીવનના ગમા-અણગમા, માન્યતાઓ, શોષણ અને સંવેદન, વ્યથા-લાચારીને પ્રગટ કરતો ૧૪ વાર્તાઓનો આ સંગ્રહ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા ‘દાસીજીવણ ઍવૉર્ડ’ અને ‘મુંબઈ કલાગુર્જરી ઍવૉર્ડ’થી પુરસ્કૃત થયો છે. દલિતજીવનનું ખાસ્સું વિષયવૈવિધ્ય આ વાર્તાઓમાં પમાય છે. શીર્ષકસ્થ વાર્તા ‘નરક’માં શહેરના સફાઈ અને કામદાર વર્ગને ભોગવવી પડતી યાતના કેન્દ્રસ્થાને છે. અહીં જેણે નાનપણમાં પણ નહોતું કરવું પડ્યું તેવું ગંદું કામ વાર્તાનાયિકા રતનને શહેરવસવાટ નિમિત્તે કરવું પડે છે. સફાઈકામમાં યાતના અનુભવતી રતન તેની આપવીતી પતિ સોમાને પણ કહી શકતી નથી, પરંતુ દલિતવાસમાં બતાવાતી દસ્તાવેજી ફિલ્મમાં મેલું ઉપાડવાનાં દૃશ્યો જોઈને દુઃખથી વલોવાઈ ગયેલો તેનો પતિ સોમો રડી પડે છે, તેમાં દલિતયાતનાની પરાકાષ્ઠા સઘન રૂપે સાંપડે છે. વાર્તાના આરંભ અને અંત વચ્ચે નાયિકાની બાળપણની સ્મૃતિઓ, મુકાદમની અવળચંડાઈ અને ફિલ્મના અંશો દ્વારા સરસ વસ્તુગ્રથન થયું છે. ઝૂંપડપટ્ટી વિસ્તારનાં જુગુપ્સાપ્રેરક વર્ણનો વાર્તાવસ્તુને વળ ચડાવે તેવાં છે. ‘ભોગ’માં સવર્ણોની સ્વાર્થવૃત્તિ અને આભડછેટની માન્યતા કલાત્મક રૂપે વ્યક્ત થઈ છે. આ વાર્તામાં જેનો મંદિર બનાવતાં ભોગ લેવાયેલો તેવા દેવાના પુત્ર અમરત પ્રત્યે સવર્ણો કેવો આભડછેટનો વ્યવહાર કરે છે – તે મંદિરના પ્રતિષ્ઠા પ્રસંગે જમણવારમાં પ્રગટ થાય છે. પતિના શોકના કારણે જમણવારમાં જમવા ન જઈ શકેલી કંકુ ખુશખુશ થઈને જમણવારમાં ગયેલા અમરતને ગામભીડમાં શોધે છે, તે જ સમયે પ્રશસ્તિરૂપે માઇકમાં પતિ દેવાનું નામ બોલાય, બીજી તરફ રસોડામાં ઘૂસી ગયેલા દીકરા અમરતને રસોડાના મહારાજ ધોલ-ધપાટ કરે – આ વિરોધી સ્થિતિની સન્નિધિ વચ્ચે કંકુ તેના પુત્રને લઈને સડસડાટ ચાલતી પકડે – આ પ્રકારના અંતમાં તેનો સવર્ણો પ્રત્યેનો રોષ પ્રગટ થાય છે. ભીંતે લટકાવેલો ફોટો પતિનો સ્મૃતિ સહાયક બની અતીત નિરૂપણ માટેની યુક્તિ બની રહે છે. ‘ભાત’માં ઉજળિયાત સ્ત્રી દ્વારા દલિત શોષણનું નૂતન વિષયવસ્તુ સાંપડે છે. અહીં સાસુ અને વહુ જેવી બે ઉજળિયાત સ્ત્રીઓ દ્વારા દલિતશોષણનું નિરૂપણ થયું છે. આ વાર્તામાં સાસુનું પાત્ર જેઠી ડોશી ભાગીયા રત્ના સાથે આભડછેટનો વ્યવહાર કરે છે, વળી જેવું તેવું ભોજન આપીને શોષણ કરે છે, તો વહુ ઈજુ રત્ના માટે સરસ ભોજન લાવે છે, આગ્રહ કરીને જમાડે-છાશ પાય છે અને અંતે જાતીયવૃત્તિનો શિકાર બનાવે છે. અહીં રત્નાના સ્મરણ દ્વારા તેના સુખદ દામ્પત્યજીવનનું ચિત્ર સાંપડે છે. વળી વરસાદભીનું ખેતર, ઈજુ દ્વારા ધોવાતાં કપડાંના ધુબાકા, મોરટહુકા, ઢેલનું આઘુંપાછું થવું, ઢેલડીઓ દ્વારા મોરનું ઘેરાવું જેવા રમણીય સંકેતો પરિવેશ પણ ખડો કરે છે. વાર્તાનાયક રત્નાના મનમાં ચાલતી સાસુ-વહુની તુલનાથી સરસ વાર્તાપોત વણાતું જાય છે. ઓરડીમાં ઇજુની રત્નાને બાઝી પડવાની ક્રિયાને અંતે રત્નાના પગમાં ભાત અથડાતાં જેઠી ડોશી દ્વારા બોલાતું દ્વિઅર્થી વાક્ય ‘મારા પીટ્યા ભાળતો નથી... ઘેમરનું ભાત અભડાયું ન’ (પૃ. ૩૦) અર્થવ્યંજક બની રહે છે. ‘ડંખ’માં વાર્તાનાયક તખાજીના પાત્રનિરૂપણના ઓથે દલિત અત્યાચારોનું ચિત્ર તાદૃશ થયું છે. રજપૂત સ્ત્રીઓ જેવા ઘાઘરાના પહેરણને લીધે જેણે દલિત સ્ત્રી સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો તેવા તખાજી તેમની પત્નીને વીંછી ડંખતાં દલિત ભગત પાસે વીંછી ઉતરાવવા માટે આવે ત્યારે પીઠઝબકાર અને સન્નિધિકરણની પ્રયુક્તિઓ દ્વારા સરસ વસ્તુગ્રથન થયું છે. બોલીનો બળકટ વિનિયોગ થયો છે. વાર્તાને અંતે તખાજીની જૂઠી શાન અને પોકળતા ધ્યાનાકર્ષક બની છે. ‘ગાંઠ’ વાર્તામાં નાથાલાલ માસ્તર બૉમ્બે હેરડ્રેસરમાં બાલ-દાઢી કરાવવા બેઠા છે ત્યારે પીઠઝબકારની પ્રયુક્તિથી દલિતવાસના નાકે શિવા વાળંદની કેબિન હોવા છતાં શિવા વાળંદ અને સવર્ણો દ્વારા દલિતોની મશ્કરીઓ અને અછૂત વ્યવહાર, મધ્યાહ્‌ન ભોજનમાં દલિત બાળકો પ્રત્યે અછૂત વ્યવહારનું ચિત્ર ખડું થયું છે. કોઈ દલિત સવર્ણોનો વિરોધ કરી શકતું નથી ત્યારે વિરોધ કરનાર નાથાલાલ એકલા પડી જાય છે. દાઢી-બાલ કરતી વખતે વાર્તાનાયકને ઓઢાડેલા કપડાની ગાંઠ પ્રતિકાત્મક રૂપે દલિતો અને સવર્ણ વચ્ચેની વૈમનસ્યની ગાંઠ, સવર્ણોની આભડછેટની ગાંઠ તરીકે અર્થવિસ્તાર સાધે છે. પ્રથમ પુરુષ કથનરીતિની વાર્તાઓમાં ‘સડો’ વાર્તા વિષય અને માવજત બંનેની દૃષ્ટિએ ઉત્તમ છે. આ વાર્તામાં વાર્તાનાયક અને સરપંચ બંને દલિત જ્ઞાતિના છે. સરપંચના પ્રયત્નોથી ગામમાં લાઇબ્રેરી માટે નવું મકાન બન્યું છે. તેઓ બંને નવા મકાનમાં લાઇબ્રેરી શરૂ કરાવવા માટે સવર્ણ લાઇબ્રેરીયન ખોડભાઈ પાસે બીજીવાર રજૂઆત માટે જાય છે ત્યારે દલિતો પ્રત્યેની સૂગને લીધે પીડાતા ખોડભાઈ તેમને ત્યાં ખુરશી અને ખાટલાની સગવડ હોવા છતાં, તેઓને નીચે બેસાડે છે. તેમની રજૂઆત સાંભળ્યા પછી ખોડભાઈ લાઇબ્રેરી રજિસ્ટર અને પુસ્તકોના ઢગલા તેમની સામે ખડકી દે છે, પરંતુ પુસ્તકોના ઢગલામાંથી ઊધઈ નીકળે છે. અને ખોડભાઈના પગ નીચે જાણે ઊધઈની એક લાંબી લાઇન સરકી રહે છે. અહીં સામાજિક દૂષણોની ઊધઈના પ્રતીક દ્વારા કળાક્ષમ અભિવ્યક્તિ થઈ છે. સમગ્ર વાર્તા તેના સંવાદો, વર્ણનો અને પ્રતીકોની વ્યંજનાથી કથકના આશયને સરળતાથી સ્ફૂટ કરે છે. વાર્તાનાયકના મુખે કહેવાયેલી ‘તરસ’માં તરસ્યાં બાળકો માટે શાળામાં પાણી ભરવા ગયેલા વાર્તાનાયકને બાળપણની સ્મૃતિ રૂપે તેણે ડોયો લઈને પાણી પીવાનો પ્રયત્ન કરેલો અને સવર્ણ છોકરાઓની આભડછેટની ફરિયાદે હેડમાસ્તરે તેને શિક્ષા કરેલી એ પ્રસંગ તાજો થાય છે. ત્યાં જ સ્ટેશનના ગલ્લા ઉપર ચહલપહલ થતાં વાર્તાનાયક દોડી જાય છે અને જુએ છે તો ગલ્લે મૂકેલા માટલામાંથી પાણી પીતાં પોતાનાં બાળકોને ગલ્લાવાળો ચમનોજી ધમકાવી રહ્યા હતા. વાર્તાનાયક ચમનાજીને મારવા જાય છે, પરંતુ ત્યાં જ બસ આવી જતાં બાળકોની (પાણીની) અને વાર્તાનાયકની (ચમનાજી ને મારવાની) બંને તરસ વણછીપી રહી જાય છે. વર્તમાન અને અતીતના પ્રસંગોની સંનિધિ પણ આભડછેટ એનો એ જ રહ્યો છે – તે સૂચવે છે. ‘વરઘોડો’માં પરમારસાહેબના પુત્રના લગ્નનો પ્રસંગ અને તેમાં વરઘોડો કાઢવા બાબતે થયેલી ધાંધલ-ધમાલ તેમના મિત્ર સોલંકીના મુખે રજૂ કરીને સાક્ષીકથકની પ્રયુક્તિ યોજાઈ છે. લગ્નપ્રસંગની રોશની, જમણવાર, વી.આઈ.પી. માણસો અને જાહોજલાલીનું તાદૃશ નિરૂપણ થયું છે. પરમારસાહેબ સારો હોદ્દો ધરાવતા હોવા છતાં તેઓ દલિત હોઈ તેમના પુત્રનો વરઘોડો કાઢવામાં સવર્ણોનો વિરોધ કરે છે. પરમાર કોઈપણ ભોગે વરઘોડો કાઢવા કહે છે ત્યારે ઉશ્કેરાયલું ટોળું હુમલો કરે, બધું વેરણછેરણ કરી નાખે ત્યારે ઘોડીવાળો કહે છે : ‘તમેય ભઈ... ગોમની રજા તો લેવી પડે ન...’ (પૃ. ૨૨) ઘોડીવાળાના આ કથનની માર્મિકતા પણ ઘણુંઘણું સૂચવી દે છે. વાર્તામાં વર્ણન અને સંવાદોથી સરસ કામ લેવાયું છે. સાક્ષીકથકની યુક્તિ પણ પ્રસંગ અને વિષયવસ્તુને અનુરૂપ સરસ યોજાઈ છે. આ ઉપરાંત ‘ખુન્નસ’, ‘સામૈયું’ અને ‘પ્રસ્થાન’ જેવી વાર્તાઓ ઠીક ઠીક કહી શકાય તેવી છે. ‘છાપરું’ નિબંધનો ટેસ્ટ કરાવે તેવી રચના છે. ‘પ્રસ્થાન’માં કશુંક ખૂટતું હોય તેમ લાગે છે. ‘છાપરું’માં કાવ્યાત્મક અને ભાવાત્મક ગદ્ય મર્યાદારૂપ બન્યું છે. તો ‘પ્રસ્થાન’ શિથિલ અને પ્રસ્તારી બની છે.

(૩) ‘રવેશ’ (૨૦૦૫, પૃ. ૧૬૪)

Ravesh by Dharambhai Shrimali - Book Cover.jpg

ધરમાભાઈ મુખ્ય ધારાની ૨૦ વાર્તાઓનો સંગ્રહ છે. જેમાં ‘વધાવવા યોગ્ય વાર્તાઓ’ના નામે મણિલાલ પટેલે લખેલો પ્રસ્તાવનાલેખ સંગ્રહની મહત્ત્વપૂર્ણ વાર્તાઓને ખોલી આપવાની સાથોસાથ સર્જનની ખૂબીઓને પણ વણી લે છે. આ વાર્તાસંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પુરસ્કૃત થયો છે. વિષયવસ્તુનું ખાસ્સું વૈવિધ્ય ધરાવતી આ સંગ્રહની ‘વાસ’ અને ‘બંધ ઘર’ સિવાયની બધી જ વાર્તાઓ સર્વજ્ઞ કથનકેન્દ્રમાં રચાઈ છે. મનુષ્ય સંબંધોનું બરછટપણું, સ્ત્રી-પુરુષ સંબંધો, બદલાયેલાં સંબંધ-મૂલ્યો, સામંતવાદી માનસિકતાનાં માઠાં પરિણામો, મનુષ્ય સંબંધોમાં સ્પર્ધા જેવા વૈવિધ્યસભર વસ્તુવિભાવોને ઝીલતી આ વાર્તાઓ પૈકીની ‘રવેશ’ અને ‘આંતરસેવો’ બન્ને ‘સાંકળ’ના ગોત્રની છે, જેમાં વૃત્તિના રવાડે ચડેલાં પાત્રો આકરી કસોટીએ ભીંસાય છે અને પરાકાષ્ઠાની ક્ષણે સહજ માનસ પરિવર્તન અનુભવે છે. ‘રવેશ’માં સુખદ દાંપત્યજીવનમાં અકાળે વિધવા બનેલી વાર્તાનાયિકા સોનલ તેના વૈધવ્ય પછી, કોઈ પ્રસંગે તેને તેડવા આવેલા દિયરમાં પતિનું સામ્ય જોઈને આકર્ષાય છે, પરંતુ આકરી મનોયંત્રણાને અંતે અને તેની બેકાબૂ મનઃસ્થિતિમાં દિયરના ‘ભાભી’ – એવા સંબોધને તે આત્મસ્ખલનમાંથી ઊગરી જાય છે. મધ્યરાત્રિની થોડી જ ક્ષણોમાં આરંભાતી અને અંત પામતી આ રચનામાં રાત્રિનો પરિવેશ અને પવન, સંગીત તથા અંધારાના સંકેતો મૂકીને સર્જકે કૃતિને ઘેરું રૂપ બક્ષ્યું છે. દિયરને પાણી આપવા જતી નાયિકાનું દિયરના ખાટલા સાથે અથડાવું અને બંનેનું મલકાઈ ઊઠવું, દિયરમાં પતિની પ્રતિકૃતિ જોતી નાયિકાનું સુખદ દાંપત્યજીવનમાં ખોવાઈ જવું – વગેરે કૃતિના આસ્વાદ્ય અંશો છે. અતીત-વર્તમાનની ગૂંથણીથી સરસ વાર્તાદેહ ઘડાયો છે. તો ‘આંતરસેવો’ની નાયિકા ગંગાને પતિવિરહ અને આર્થિક અભાવમાં ખેતરમાં પૂળા ઊંચકવાના કામે જવું પડે છે અને પરપુરુષની કુદૃષ્ટિથી બચવું પડે છે. વળી તે અન્ય સ્ત્રી દરિયાની પરપુરુષ સાથેની છૂટ પણ જુએ છે. ગંગાનું આત્મસ્ખલન વાર્તામાં સૂક્ષ્મરૂપે કંડારાયું છે. વરસાદી રાત્રિમાં દીવાના ઝાંખા અજવાળે ગંગા દરિયાનો ઘાઘરો ખોલીને આંતરસેવો ભરે છે ત્યારે તેના મનમાં દરિયાનો દેહ ખૂલવા માંડે. અને તેના ખોળામાં કશુંક દબાતું હોય તેવું અનુભવાય ત્યારે તેની વૃત્તિઓનો વમળાટ બળવત્તર બને છે, પરંતુ અંધારું વ્યાપ્યા પછી ગંગા વીજઝબકારે પોતાના જ ઘાઘરાનો આંતરસેવો તોડતી પ્રતીત થાય છે. તેમાં પોતાની જાતને જાળવી લેતી અનુભવાય છે. વરસાદી ક્ષણોમાં આરંભ પામતી અને એવા જ માહોલમાં પૂર્ણ થતી આ વાર્તામાં એકાદ-બે કલાકની ક્ષણોમાં અતીત અને વર્તમાન વચ્ચે ગંગાના પતિનો રોજીરોટી માટેનો રઝળપાટ, દરિયા અને ઘેમરના સંબંધો, પરપુરુષોની કુદૃષ્ટિ વગેરેના આલેખન તથા પતિના કાગળોનો થપ્પો, દરિયાનો ઘાઘરો, સસરાનો ફોટો અને વીજઝબકાર જેવા સંકેતોની ગૂંથણીથી વાર્તાને રસાર્દ્ર રૂપ બક્ષ્યું છે. ગ્રામ્યજીવનના રાજકારણને લીધે રાગદ્વેષ અને વૈમનસ્યને તાગતી ‘રાવણ’ વાર્તામાં સ્થાનિક રાજકારણે વર્ષોથી દશેરા ઉજવણીમાં રામ અને રાવણનો વેશ ભજવતા મથુરજી અને કાળુજીને બે ભાગમાં વહેંચી નાખ્યા છે. વર્ષોથી ધામધૂમથી ઊજવાતો દશેરા ઊજવાય છે ખરો, પરંતુ ખેલદિલીપૂર્વક રામનો વેશ ભજવતા મથુરજી લાકડાના સાદા ભાલાને બદલે સાચુકલું ભાલોડું તાકે છે ત્યારે રાજકારણે પ્રેરેલી રાવણવૃત્તિનો સરસ ચિતાર સાંપડે છે. ઘર અને વાસમાં ફરતા મથુરજીની સ્મૃતિઓ અને એકોક્તિઓ તથા ઉત્સવ ઉજવણીના નિરૂપણથી સચોટ વસ્તુગ્રથન થયું છે. વળી દશેરાના ઉત્સવનાં તાદૃશ વર્ણનોથી ખડો થતો પરિવેશ, રામમાં રાવણ વૃત્તિ મૂકીને થતો વિપર્યાસ અને રાવણની પ્રતીકાત્મકતા કૃતિના આસ્વાદ્ય અંશો બની રહે છે. ગ્રામ્ય વિસ્તારની કારમી ગરીબી, સરકારી અધિકારીઓના યૌનશોષણ તથા દેહવિક્રયને આલેખતી ‘કૂબો’માં સ્ટાફ સાથે જીપમાં બેસીને અંતરિયાળ ગામડામાં પ્રવેશતો વાર્તાનાયક માવજી કૂબાઓ જોતાં ક્ષણિક કૂબામાં પરણાવેલી પોતાની બહેનની સ્મૃતિમાં ખોવાઈ જાય. અને કદાવર માણસના મુખે બરાડી બરાડીને સ્ત્રીઓનાં નામ બોલાય ત્યારે ‘લીલકી’નું ઉચ્ચારણ થતાં જ તે પોતાની બહેન લીલાની અવદશાની સ્મૃતિઓમાં ખોવાઈને તે જગ્યા છોડી દેવા મજબૂર બને છે. અંતરિયાળ ગામ, કૂબા, કૂબાનું રાચરચીલું અને કૂબાનાં તાદૃશ વર્ણનોથી રચાતો પરિવેશ સૂચક અને કાર્યસાધક બની રહે છે. ધુમાડાનું વ્યંજનાત્મક વર્ણન અતીતમાં ખોવાતા માવજીના મનોગતને સરસ તાદૃશ કરે છે. કથન, વર્ણન, સંવાદ અને સંયત ભાષાના એકત્વ તથા કૂબા અને લીલકીની સંનિધિ વાર્તાને ચોટદાર પરિમાણ અર્પે છે. સ્ત્રીના અકળ મનને તાગતી ‘છેલ્લું ટાણું’ની નાયિકા મંજી નરભા જેવો પ્રેમાળ પતિ હોવા છતાં, સંતાનસુખથી વંચિત હોવાને કારણે રોગી મનોદશામાં જેઠાણી સાથેની ઈર્ષા અને ખટપટને લીધે નરભાને છોડી બીજું ઘર માંડે છે, પણ ત્યાંય તેની કૂખ ખાલીખમ રહે છે. વર્ષો પછી નરભાના મરણના સમાચારે ડુંગરે જઈ આઘાત ખમતી મંજી નરભાના સરાવણા પ્રસંગે જે તે જગ્યાએ પહોંચી જાય અને નરભાના દાટેલા ફૂલ આગળ માથું નમાવીને રડતાં પ્રાયશ્ચિત્ત કરે છે. વાર્તાનાયિકાના નદીના મેળાના સ્થળે પહોંચવાની ક્ષણથી આરંભાતી વાર્તા તેના પ્રાયશ્ચિત્ત સાથે અંતમાં પરિણમે તે દરમિયાન ચુસ્ત સમયસંકલનાથી કથન અને સંવાદથી વાર્તાનાયિકાના અતીત-વર્તમાનની ગૂંથણી કરીને સર્જકે સરસ વસ્તુગ્રથન કર્યું છે. ‘છેલ્લું ટાણું’ શીર્ષક પણ યથાર્થ છે. ‘મૂળ’ વાર્તા પ્રતિકાત્મક છે. વાર્તાનાયક કુબેર ડોસાએ જે હીરાને પુત્રથી ય અધિકો માનીને ઉછેર્યો હતો તે જ કૌટુંબિક ભાઈચારા અને સંપને નષ્ટ કરવાનું કામ કરે છે. હીરા દ્વારા પેઢી પુરાણો લીમડો કાપવાની ઘટનાએ કુબેર ડોસાના વલોપાત રૂપે કહેવાતી આ વાર્તામાં લીમડો પરંપરાનું પ્રતીક બન્યો છે. વાર્તામાં કાકપદી કથન, સંકેતો અને સંયુક્ત પરિવાર તથા લીમડાની સંનિધિથી વાર્તાનું મૂળ હાર્દ સચોટ વ્યક્ત થયું છે. એકાકી સ્ત્રી-પુરુષની સભર પ્રણયઝંખના અને વાત્સલ્ય ઝંખનાની વાર્તા ‘અંતરિયાળ’માં વાર્તાનાયક ભુરભાઈ પત્નીના નિધન પછી શહેરમાં રહેવાનું ટાળી ગામમાં રહે, વિધવા મેના સાથે સંબંધ બાંધે, મેનાના નિધન પછી, પૌત્રને રમાડવા ઇચ્છે – તેમાં પાત્રની અંતરિયાળ મનઃસ્થિતિ સઘન મૂર્ત પામી છે. અહીં પણ અતીતની પ્રયુક્તિ તથા સંવાદ, એકોક્તિ અને સંકેતો દ્વારા સરસ વસ્તુ ગૂંથણી થઈ છે. ‘તળિયું’ ગામડાના કૃતક સંબંધોની વાર્તા છે. જેમાં શહેરમાં અભાવ વચ્ચે પણ નોકરી કરતો જસવંત ગામડે રહેતા તેના મોટાભાઈ જ્યારે મદદ માંગે ત્યારે લોન લઈને પણ આપે છે, પરંતુ પોતે નોકરી ગુમાવ્યા પછી, શહેરમાં મકાન બનાવવા માટે આર્થિક સંપન્ન મોટાભાઈ પાસે મદદની અપેક્ષા રાખે છે ત્યારે તેને નિરાશ થવું પડે છે. વાર્તાનાયક જસવંત ગામડે પહોંચે છે અને ખેતરમાં મોટાભાઈને પોતાના ખેતર અને ગામના ઘરના બદલામાં મદદની અપેક્ષા રાખે છે ત્યારે ઘરરરાટી કરતા બોરના મશીનનું આંચકા સાથે બંધ થઈ જવું અર્થવ્યંજક બની રહે છે. અહીં પણ ચુસ્ત સમય સંકલનામાં અતીત-વર્તમાનના તાણાવાણાથી વિષયવસ્તુ મૂર્ત થયું છે. ‘જાળાં’ રોગી મનોદશાને તાગતી સાંપ્રત મનુષ્યની વાર્તા છે, જેમાં એક જ સોસાયટીમાં રહીને બીજાની પ્રગતિ જોઈ ઈર્ષા અને કલેશથી તેનાથી સવાયા દેખાવાની વૃત્તિ છે. પણ સામેનો માણસ તેની નવી જ સોસાયટીના મકાન માટે નિમંત્રણ આપે ત્યારે વાર્તાનાયક જીવણલાલને પોતાના મનના જાળા ખુદને દેખાય છે. વાર્તાનાયક જીવણલાલ દ્વારા પાડોશી મનસુખલાલને કશુંક બતાવી દેવાની ધાંધલ તથા વર્તન અને પ્રતિકાત્મક કથન દ્વારા માનવ મનની અકળ દશા સરસ મૂર્ત થઈ છે. ‘ઉત્તરાધિકારી’માં વૈયક્તિક સિદ્ધિમાં રાચતો નાયક તેનો ઓછાયો પોતાના શિષ્ય ઉપર ન પડે તેવું ઇચ્છે છે પરંતુ શિષ્ય પણ તેના જેવો જ સિદ્ધ થાય છે. ‘વહી’માં પોતાના માનીતા યજમાનની પુત્રવધૂનો પુત્ર ઝંખતા દેવીદાસને અંતે નિરાશા અને ભોંઠપની સ્થિતિમાં મુકાવવું પડે છે. તો ‘હોડ’ વાર્તામાં ગામડાંની ગોવાળાની પ્રવૃત્તિમાં પ્રણયસ્પર્ધા અને સ્ત્રીએ વેઠવી પડતી લાચારી નિરૂપાઈ છે. વળી ‘ડાકણ’ વાર્તામાં સામંતશાહી મિજાજના વજેસિંગનો સ્ત્રી અત્યાચાર, તેને તાબે ન થનાર દલિત સ્ત્રીનું શીલવાન વ્યક્તિત્વ અને કર્મફળરૂપ વજેસિંગના દુઃખનું નિરૂપણ છે. આ વાર્તાઓમાં પણ મોટે ભાગે અતીતનો આશ્રય લેવાયો છે, પરંતુ ક્યાંક વિષયવસ્તુ અને તેની માવજતની દૃષ્ટિએ આ વાર્તાઓ સરેરાશ બની રહે છે. તો ‘નવેસર’, ‘મંદિર’ તથા ‘પાછળ’ અને ‘વાસ’ જેવી રચનાઓ ક્યાંક શિથિલ વસ્તુગૂંથણી અને સર્જક દૃષ્ટિકોણને અભાવે સંગ્રહની નબળી વાર્તાઓ બની રહે છે.

૪) ‘ઝાંખરું’ ૨૦૧૨ (પૃષ્ઠ ૮૮) :

Zankharun by Dharambhai Shrimali - Book Cover.jpg

‘ઝાંખરું’ સર્જક દ્વારા છેવાડાના માનવીને અર્પણ કરાયેલો દલિત સંવેદનાની વાર્તાઓનો સંગ્રહ છે. સર્જકે નિવેદનમાં નોંધ્યું છે તેમ, નરકની જેમ અહીં પણ સામાજિક નિસબત ઊભરી છે. જ્યારે મોહન પરમારે ‘દલિત ચેતનાનો સર્જનાત્મક વિનિયોગ’ના નામે લખેલો પ્રસ્તાવનાલેખ આ સંગ્રહની વાર્તાઓના વિષયવસ્તુ તથા રચનાગત ખૂબીઓને ઠીક ઠીક આવરી લે છે. આ સંગ્રહની ‘આડ વાત’ તથા ‘પ્રવેશદ્વાર’ જેવી રચનાઓ પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી તો બાકીની ૧૦ રચનાઓ સર્વજ્ઞકથકની રચનારીતિમાં રચાઈ છે. સર્જકે દલિત સમાજના સંઘર્ષ, શોષણ, લાચારી, વિદ્રોહ, આભડછેટ જેવા કોઈ ને કોઈ દૃષ્ટિબિંદુને કેન્દ્રમાં રાખીને વાર્તારૂપ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ધરમાભાઈ શ્રીમાળીના બધા જ વાર્તાસંગ્રહોમાં પ્રથમ પુરુષ કથન કેન્દ્રમાં રચાયેલી વાર્તાઓમાં ‘આડ વાત’ અને ‘પ્રવેશદ્વાર’ સર્વાંગસુંદર વાર્તાઓ છે. સામાજિક સમરસતાની વાતો કરતા સાંપ્રત સભ્ય માનસમાં પ્રછન્ન અસ્પૃશ્ય ભાવના અણીના સમયે કેવી હાવિ થાય છે – તેનું સૂક્ષ્મ નિરૂપણ આ બંને વાર્તાઓમાં ઉત્કૃષ્ટ રૂપે ઝિલાયું છે. ‘આડ વાત’ વાર્તાનો નાયક ‘હું’ જ્ઞાતિએ દલિત વર્ગનો છે. તે સવર્ણ કર્મચારીઓનો ટીમલીડર બનીને ગામડાઓમાં સામાજિક જાગૃતિ માટે નીકળ્યો છે. ત્રણેક સવર્ણ ગામોમાં ફર્યા પછી, જે તે ગામોની આગતા-સ્વાગતતાથી ખુશખુશાલ તેનો સ્ટાફ મોંફાટ વખાણ કરે છે. ચોથું ગામ આવતાં વાર્તાનાયક પ્રવેશદ્વાર જોતો રહી જાય છે. તો ડ્રાઇવર અને સ્ટાફ ગામપ્રવેશ ટાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વાર્તાનાયકના હુકમને તાબે થઈને તેમને જવું પડે છે. મહોલ્લામાં સરપંચ અને ભેગા થયેલા માણસોને આડબંધની વાત સમજાવતાં કથાનાયક દલિત વ્યક્તિ સમરસ સરપંચ થયો છે તે જાણીને લોકોને મહોલ્લાના માણસોની સુખાકારી અને ગામમાં સવર્ણોના વ્યવહારની આડવાતે ચડી જાય છે, ત્યારે સ્ટાફના કર્મચારી વ્યાસજીને ખટકે છે. વ્યાસજી તો મહોલ્લાનું પાણી ન પીવું પડે તે માટે મોઢામાં ગુટકો નાખીને ચાવવા માંડે છે, જ્યારે વાર્તાનાયક આખેઆખો પાણીનો લોટો ગટગટાવી જાય છે! જીપમાં બેઠા પછી આગળની મુલાકાતનાં ગામોના સરપંચોની વાહવાહી કરનાર સ્ટાફ ચોથા ગામની મુલાકાત પછી ચુપકીદી સેવે છે. અહીં વાર્તાનાયક કે મહોલ્લાના લોકો દલિત છે એવો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં, ભાષાની પૂરેપૂરી કરકસરથી, વાર્તાનાયકની મહોલ્લાના લોકો પ્રત્યેની આત્મીયતા, વ્યાસજીના નીરસ વર્તન, વાર્તાનાયક દ્વારા આખેઆખો લોટો ગટગટાવી જવાની ક્રિયા અને વ્યાસજીની મોઢામાં ગુટકો નાખવાની ક્રિયાની સંનિધિ અને પ્રવેશદ્વારના સંકેતો દ્વારા વ્યંજનાસભર રૂપે સવર્ણ કર્મચારીઓની પ્રચ્છન્ન અછૂતભાવનાની કલાત્મક અભિવ્યક્તિ સધાઈ છે. તો ‘પ્રવેશદ્વાર’ વાર્તામાં વાર્તાનાયકને પોતાના ગામડાગામમાં ઘર સુધારવાની તાતી જરૂરિયાત હોવા છતાં પત્નીની સોસાયટીમાં મકાન લેવાની જિદને લીધે ટાઉનશિપમાં મકાન જોવા જવું પડ્યું છે. ત્યાં વાર્તાનાયકને મોભાદાર ગણીને આવકાર અને ચા-પાણી થાય છે. તે મકાનનું નક્કી કરી, બીજા દિવસનો વાયદો કરીને નીકળે છે અને ટાઉનશિપના પ્રવેશદ્વાર આગળ પહોંચે છે. ત્યાં જ ભેટી જતો સ્કૂટરચાલક એવો સ્ટાફનો માણસ બાઈક રોકીને તેને કહે છે : ‘તમે બીજી ચિંતા ન કરતા સર... આપણે અહીં બી.સી. લોકોને મકાન નથી આપતા... અહીં બધી સારી જાતના લોકોનું બૂકિંગ થાય છે.’ (પૃ. ૧૩) વાર્તાનાયક તો પ્રવેશદ્વારમાં જ ખોડાઈ જાય છે. અને વધુ ગૂંગળામણ થાય તે પહેલાં જ તે પ્રવેશદ્વારની બહાર નીકળી જાય છે. અહીં વાર્તાનાયક દલિત જ્ઞાતિનો છે તે સૂચક રીતે સ્પષ્ટ થાય છે. વર્તમાન અને અતીતની સરસ સેળભેળ, ગામડાનું ઘર અને શોધવાના ઘરની સંનિધિ વગેરેની સૂક્ષ્મ માવજતથી વાર્તા ચુસ્ત તાણાવાણા પામી છે. આ બંને વાર્તાઓમાં પ્રથમ પુરુષ કથનકેન્દ્રની રચનારીતિ વિષયવસ્તુ અને ભાવક્ષણને સચોટ રૂપે મૂકી આપવામાં સફળ રહી છે. સામાજિક સમરસતાની વાતો કરતા સાંપ્રત સમયમાં રાજકારણ પણ કોઈને કોઈ રૂપે દલિત સમાજને અન્યાય કરે છે તેની શાહેદી ‘આફ્ટર શોક’, ‘પધરામણી’ અને ‘ઘોડેસવાર’ વાર્તાઓમાં પ્રમાણી શકાય. ‘આફ્ટર શોક’માં દલિત વાર્તાનાયકને ભૂકંપગ્રસ્ત વિસ્તારના સર્વેની જવાબદારી સોંપાય છે. સહાયની અરજીઓ સ્વીકારતાં હરિજનોને અપમાનિત થતા જોતો વાર્તાનાયક સહાનુકંપાથી તેમની અરજીઓ ફટાફટ સ્વીકારી તેના પર સત્વરે કાર્યવાહી કરવા સક્રિય બને છે, પરંતુ તે જ સમયે સ્થાનિક આગેવાનો સાથે આવેલા ઉપરી અધિકારી તેને સૌ પ્રથમ આગેવાનોની અરજીઓ ઉપર કાર્યવાહી કરવાનો આદેશ આપે છે ત્યારે વાર્તાનાયક હતપ્રભ બની જાય છે. વાર્તાનો સૂચક અંત ઘણું ઘણું કહી દે છે. અંતે આફ્ટરશોક આવતાં ભાગંભાગ વચ્ચે ટેન્ટમાં ઘૂસી ગયેલી ડમરી છેવાડાના માણસોની અરજીઓને વેરણછેરણ કરી દે છે. અહીં માનવ આફ્ટર શોકની અભિવ્યક્તિ થઈ છે. ચુસ્ત સમય સંકલના, લાગવ અને વસ્તુગૂંથણીની દૃષ્ટિએ આ વાર્તા સ્પર્શી જાય તેવી છે. પાત્રપ્રધાન વાર્તા ‘ઘોડેસવારી’ના દલિત જાતિના વાર્તાનાયક તેજા કરસન પરમાર ઉર્ફે ટી. કે. એ પોતાની પોલીસની નોકરી દરમિયાન ઘોડેસવારીમાં સારું કાઠું કાઢ્યું છે. ફરજના ભાગરૂપે દલિતરેલીમાં અન્યાય સામે લડતા દલિતોની રેલી રોકવા માટે અન્ય ઘોડેસવારોની જેમ તેને પણ લાઠીચાર્જ અને ટિયરગેસ છોડવો પડે છે, ત્યારે તેને તેના બધા જ મૅડલ વામણા લાગે છે. ગરીબો પર ત્રાસ વર્તાવતા બીજા ઘોડેસવારોને તે રોકવા મથે છે, પણ નિષ્ફળ જાય છે ત્યારે તે દંડો પોતાના જ ઘોડા ને વિંઝવા માંડે છે. ટી. કે.ના પ્રભાવશાળી પાત્રાલેખન અને દૃશ્યાત્મક નિરૂપણરીતિને લીધે વાર્તા સરસ ઉઠાવ પામી છે. અહીં પણ પ્રચ્છન્ન રાજકારણ ઘોડેસવારોના વર્તનમાં સૂચિત થયું છે. ગામડાના રાજકારણને પ્રગટ કરતી ‘પધરામણી’ વાર્તામાં દલિત હોવાના નાતે ભૂતકાળમાં ઘણા અન્યાય ભોગવી ચૂકેલા વાર્તાનાયક કરસન ડોસાને ગામમાં માતાજીના સ્થાપન અને હવન નિમિત્તે ગામ સવર્ણો દલિતો પાસે ફાળો ઉઘરાવવા આવે છે ત્યારે સામાજિક સમરસતા માટે માન, આનંદ અને ઉલ્લાસ થઈ આવે છે, પરંતુ ગામના દરેક વાસમાં ફરી રહેલા માતાજીની પાલખી દલિતવાસમાં પરાણે, માત્ર નામ ખાતર જ આવે છે ત્યારે દલિતોનો આઘાત જયઘોષ સાથે રામાપીરના ભક્તિભાવમાં પલટાય છે. અહીં ગ્રામ્યરાજકારણ તો છે, પરંતુ તેમની અવગણના પામેલા દલિતો બીજી દિશામાં વહે છે ત્યારે કૃતિને નવું પરિમાણ સાંપડે છે. બારીક વસ્તુગૂંથણી, ગામનો ભક્તિમય પરિવેશ, અને વાર્તાને અંતે ભાવપલટાને લીધે વાર્તા ચોટદાર બની છે. ‘કદડો’ સફાઈકર્મી દલિત વર્ગની આર્થિક લાચારી-વેદના-કારુણ્ય અને સવર્ણોના અછૂતભેદ-અત્યાચારની વાસ્તવદર્શી રચના છે. અહીં મ્યુનિસિપાલિટીમાં સફાઈકર્મી તરીકે કામ કરતા કણાદાની પત્ની શારદા હૉસ્પિટલમાં છે અને તેને ગટર સાફ કરવાનું કામ આવ્યું છે. ભલા-ભોળા કણદાએ પોતાની ભલામણથી મગનજી ઠાકોરને કામદાર તરીકે રખાવ્યો હતો તે પણ ખરા સમયે સાહેબની જેમ વર્તીને કણદાના કારુણ્યનું નિમિત્ત બને છે. કણદાનો ત્રણ મહિનાથી પગાર રોકાયેલો છે. પત્ની કમળા હૉસ્પિટલમાં માંદગીના બિછાને છે, છતાં મગન ઠાકોર કામનો બોજ કણદા ઉપર ઢાળી સાહેબો સાથે આંખમીંચામણા કરે છે. ના છૂટકે કણદાને ગટરમાં ઊતરવું પડે, ગટરની દુર્ગંધ અસહ્ય બનતાં તે મોતને ભેટે છે. કણદાની માનસિક ભીંસને પ્રગટ કરતો આરંભ, અતીતદર્શન, ગટરનું વર્ણન, બીમાર પત્નીની યાદમાં કણદાની સ્વગતોક્તિઓ, ગટરનો ગઠ્ઠો કાઢવા મથતા કણદાનો સંઘર્ષ અને મરણના નિરૂપણ દ્વારા ભાવકને સંવેદના જાગે તેવું સમયબદ્ધ, ચુસ્ત નિરૂપણ આ રચનાનું જમા પાસું છે. ‘રુદન’ અને ‘ફાચર’માં કોઈને કોઈ રૂપે ઉજળિયાતો દ્વારા દલિતોનું શોષણ, માર અને અત્યાચાર નિરૂપાયા છે. અંબા હૉસ્પિટલમાં છે-ની વિગતોથી આરંભાતી ‘ફાચર’ વાર્તામાં અંબાના ચિત્તવ્યાપારથી અતીત અને વર્તમાન ગૂંથીને અંબાના પતિ વીરાનું દેવું, સતત બે વર્ષ સુધી નરસંગની ખેતીમાં વીરાનું ભાગિયાપણું, અંબા અને વીરાની ભાગિયાપણું છોડીને શહેરમાં જવાની ઇચ્છા, નરસંગ અને અંબાના સંબંધોને વહેમમાં જોતી નરસંગની પત્નીનો અંબા પર ફાચર વડે હુમલો વગેરેનું ઠીક ઠીક નિરૂપણ સાંપડે છે. તંગ વાર્તાક્ષણને અભાવે વાર્તાનું પોત ફિક્કું પડતું અનુભવાય છે. તો ‘રુદન’માં સવર્ણોના દલિત પરના દમન, અત્યાચાર અને શોષણનું સંવેદનક્ષમ નિરૂપણ થયું છે. અહીં ઉજળિયાતો દ્વારા થયેલી પોતાના પતિની હત્યા પર વાર્તાનાયિકા જીવીનો ‘શો વાંક હતો નેનકાના બાપનો?’ જેવો યક્ષપ્રશ્ન તથા તેનો સ્મૃતિવ્યાપાર કથન, એકોક્તિ અને સંવાદોથી ખડો કરીને વાર્તાસર્જકે સવર્ણો દ્વારા દલિતવાસમાંથી રસ્તો કાઢવાની તજવીજ અને દલિતો સાથેનો સંઘર્ષ, જીવીના પતિનું મૃત્યુ અને ગામમહોલ્લો છોડીને હિજરતી છાવણીમાં ફેરવાયેલા દલિતોનો પોતાના વાસ અને જીવન જરૂરિયાતો માટેનો સંઘર્ષ અને વલોપાત હૃદયવેધક નિરૂપાયો છે. વાર્તાના પરિવેશ, વસ્તુગૂંથણી અને અસરકારક ભાષાકર્મમાં વાર્તાકારની સર્જકતા મૂર્ત થઈ છે. ‘ઝાંખરું’નો ગ્રેજ્યુએટ અને ગરીબી વચ્ચે સબડતો વાર્તાનાયક માંડમાંડ અછતમાં રોજમદાર તરીકે નોકરી મેળવીને કામે જાય છે, પરંતુ સવર્ણ સરપંચનું બેહૂદું વર્તન તેને હતપ્રભ કરી મૂકે છે. સરકારી તંત્ર સાથે ભળેલો સરપંચ તેને હરિજનોની વસ્તીમાં મુકાવે છે. ગામડાઓમાં સવર્ણોની દલિતો પર જોહુકમી, અત્યાચાર અને શોષણ વાર્તાના કેન્દ્રમાં છે. સવર્ણ સરપંચના દાવપેચને લીધે પોતાને બીજે જવું પડ્યું – તેનો રંજ અનુભવતા વાર્તાનાયકને જાણે પગમાં ગાંડા બાવળનું ઝાંખરું ભરાઈ ગયું હોય તેવો અનુભવ થાય છે! નાયકની અપમાનજનક મનઃસ્થિતિને ઝીલતી ભાષા પણ અસરકારક, પરંતુ ત્રણ ત્રણ પરિસ્થિતિઓમાં વાર્તાક્ષણ અળપાય છે. ‘આઠમો રંગ’, ‘રેલો’ અને ‘અંતર્ગત’ સામાન્ય રચનાઓ છે. ‘આઠમો રંગમાં’ પ્રતીકોનું સંયોજન છતાં અર્થસભર સંકેતોના અભાવે વાર્તા કૃતક લાગે છે. ‘રેલો’માં પોતાને ગમતી યુવતીએ દલિત સાથે લગ્ન કર્યાં હોઈ ઇન્સ્પેક્ટર બનેલો વાર્તાનાયક દલિત યુવતીઓ સાથે દુઃવ્યવહાર કરે, પરંતુ ગેસ્ટહાઉસમાં પોતાની જ પુત્રીને જોઈ જતાં ભોંઠપ અનુભવે – આ પ્રકારનું કૃતક અને તાલમેલિયું વિષયવસ્તુ ઉચિત વાર્તામાવજત પામી શક્યું નથી. તો ‘અંતર્ગત’માં મિલમાં નોકરી કરતો વાર્તાનાયક મિલો બંધ થતાં, બાપે આપેલી સલાહ મુજબ શહેરમાં જ રહીને, કૌટુંબિક બીમારીઓ અને આર્થિક અગવડો વચ્ચે બુટપોલિશનો વ્યવસાય કરે છે. મથીને બધું થાળે પડે ત્યાં દબાણો હટતાં તેનો બુટપોલિશનો સામાન રફેદફે થઈ જતાં લાચાર અને દયનીય હાલતમાં મુકાય છે. ગરીબ માણસની વ્યથા, ઉપાધિઓ અને લાચારી વાર્તાના કેન્દ્રમાં છે.

(૫) પીઠી (૨૦૧૬)

Pithi by Dharambhai Shrimali - Book Cover.jpg

‘પીઠી’ (પૃષ્ઠ ૧૭૨) ૧૯ વાર્તાઓનો સંગ્રહ છે. પ્રસ્તાવનાકાર ભરત મહેતાએ આ વાર્તાઓને “પારિવારિક સંબંધોનો રંગ રેલાવતી પીઠી’ કહીને તેમનું અવલોકન રજૂ કર્યું છે. તો ‘પરિચયના બે બોલ’માં અંબાલાલ ગોપાલદાસ પટેલે વિપરીત સંજોગોમાં પણ સાહિત્યસર્જન કરનાર પોતાના શિષ્ય ધરમાભાઈની સાહિત્યપ્રીતિનો સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો છે. “પીઠી’માં ત્રણ-ચાર દલિત જીવનની વાર્તાઓને બાદ કરતાં મોટાભાગની મુખ્યધારાની વાર્તાઓ છે. વાર્તાઓમાં વિષયવૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. ‘છોડ’, ‘જમણવાર’ અને ‘મેળો’ દલિત સંવેદનની વાર્તાઓ છે. ‘છોડ’ દલિત વર્ગના સાંપ્રત સમયના નવા શોષણની ચોટદાર વાર્તા છે. આ વાર્તામાં અદલિત વર્ગના ઇશારે દલિતવર્ગની સેવા દ્વારા રાજકીય રીતે ઊંચે આવવા માંગતા દલિત યુવાનને દલિત પાત્ર દ્વારા જ ઉખાડી દેવાની વૃત્તિ પ્રગટ થઈ છે. ‘કાળુભાઈ આખી રાત ઊંઘી શક્યા નહીં’ – સર્વજ્ઞકથન દ્વારા આરંભે માર્મિક અને સચોટ કથનથી દલિત સમાજના મોભી કાળુભાઈનું ચરિત્ર વિકસતું જાય છે અને ભાવકને તેના મનોગતમાં પ્રવેશ કરાવે છે. વર્તમાન અતીતના તાણા-વાણા દ્વારા સ્પષ્ટ થાય છે કે બીજા દિવસની સવારે સરપંચનું ફોર્મ ભરવાનું છે. સમાજના મોભી કાળુભાઈ તેમને શહેરમાંથી ગામમાં વસીને અગાઉ સભ્યપદની ચૂંટણીમાં હરાવ્યો હતો. અને આજે જેનું નામ થયું છે તેવા યુવાન નેતા રમેશ પ્રત્યે દ્વેષભાવ છે. ઓછામાં પૂરું અદલિત માજી સરપંચે મદદ કરવાનું વચન આપી કાળુભાઈને રમેશ સામે ફોર્મ ભરવા ઉશ્કેર્યા છે. આખી રાત કાળુભાઈની ગડમથલમાં વીતે છે. તેમાં વિષયવસ્તુની ગૂંથણી પણ સરસ થઈ છે. પણ સવાર પડે છે. માજી સરપંચનો ફોન આવતાં કાળુભાઈ ઝટપટ તૈયાર થાય, દર્પણમાં જુએ અને પોતાના ચહેરાને સમાંતરે રમેશનો ગોરટિયો ચહેરો જોતાં, “રમેશ્યું... રમેશ્યું... મારું હારું ચ્યાંથી ઉજી નેહર્યું દિયોર’ મનોમન બોલી પડે ત્યારે તેમનો અણગમો છૂપો રહેતો નથી. વળી કાળુભાઈ પાણીના નળથી પોતાનાં કપડાં બગાડી નાખનાર છોકરાને ભગાડતાં બહાર જાય અને તેમની નજર ફૂલછોડના ક્યારા ઉપર જાય છે ત્યારે પણ ભાવકને મજા આવે છે. કાળુભાઈને કૂંડાના રંગબેરંગી ફૂલછોડમાં ગુલાબગોટા જેવો રમેશનો ચહેરો પ્રત્યક્ષ થાય છે ત્યારે ગુસ્સામાં તેઓ ઊંચા વધી રહેલા છોડને ‘લે તું ય લેતો જા’ કહીને મૂળસોતો ઉખાડીને ફેંકી દે છે ત્યારે ફૂલછોડમાં રમેશની સન્નિધિ વડીલો પણ પોતાની જ્ઞાતિના તેજસ્વી અંકુરને સાંખી શકતા નથી. અને અદલિતો દલિતોના કાંટે જ કાંટો કઢાવે છે તે સરસ – સંતર્પક રૂપે રજૂ થાય છે ‘જમણવાર’ વાર્તામાં સવર્ણો પ્રત્યે કશાય આક્રોશ કે વિદ્રોહ વિના સ્વસ્થ રીતે દલિતચેતના નિરૂપાઈ છે. આ વાર્તામાં ગામના મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે જમણવારમાં સવર્ણો થાળી-વાટકીમાં અને દલિતો પતરાળામાં જમે તે ભણેલા કાંતિને કઠે છે, જ્યારે ગામના અભણ-ભોળા અને બીકણ ગામદલિતો પતરાળામાં જમવા પણ તૈયાર છે. પરંતુ કાંતિની અધિકારીઓને રજૂઆતને પગલે ગામના સરપંચ અને વડીલોને દલિતોને જમવા માટે સામેથી તેડું કરવું પડે એવી સ્થિતિની વાર્તા છે. સીધી-સાદી અને સરળ ભાષામાં અને સરળ રીતિમાં રચાયેલી આ રચનામાં ગામદલિતોની અવઢવ, ભોળપણ અને બીકબોલી સંવાદોમાં સરસ મૂર્ત થઈ છે. તો ‘મેળો’માં કથાનાયક સપરિવાર બાલારામ જાય છે ત્યારે અતીત રૂપે તેનું બાળપણ ખડું થાય છે. તે હઠ કરીને મેળે આવેલો ત્યારે, તેની પાસે વાપરવાના પૈસાને અભાવે તેણે તિલક કરીને બ્રાહ્મણપુત્રની જેમ ડોળ કરીને આવતાં-જતાં યાત્રાળુઓ પાસેથી પરચૂરણ રળવા જતાં, અછૂત હોવાને નાતે તેને માર ખાવો પડેલો – બાળપણના આ કટુ અનુભવને લીધે તે પોતાનાં સંતાનોના વિસ્મય વચ્ચે ચાંદલો કરાવવા રાજી નથી થતો. અહીં પરોક્ષ રૂપે નાયકનો સવર્ણો પ્રત્યેનો વિદ્રોહ છે, પરંતુ અતીતનો મેળાનો પ્રસંગ ઓગળીને વાર્તારૂપ પામ્યો ન હોઈ નિબંધગંધી રચનાની છાપ અંકિત થાય છે. ‘પડીકું’, ‘પીઠી’, ‘બાપ દીકરો’, ‘છત્રી’, ‘જોગી’, ‘પછડાટ’, ‘મિલકત’, ‘વળાંક’ અને ‘રસ્તો’ જેવી એકાધિક વાર્તાઓમાં પારિવારિક સંબંધોમાં કોઈને કોઈ પ્રશ્ન-સમસ્યાની વસ્તુગૂંથણી થઈ છે. જેમાં ‘જોગી’ વિરલ વિષયવસ્તુની વાર્તા છે. નહિવત્‌ કથન અને સાસુ-વહુના સંવાદો રૂપે ગૂંથણી પામેલી આ વાર્તામાં વાર્તાનાયિકા લીલાનો પતિ લક્ષ્મણ બાવો થઈને ભાગી ગયો છે. પ્રારંભે જ નદીકાંઠે જોગીઓની જમાત જોઈને બબડતી લીલાની ઉક્તિઓથી આરંભ પામતી આ વાર્તામાં બાવાઓની હિલચાલને પ્રગટ કરતા કથન, સાસુવહુના સંવાદો અને લીલાની સ્મૃતિરૂપે લીલા અને લક્ષ્મણનો લગ્નસંસાર, લક્ષ્મણનું બાવો થઈને ભાગી જવું અને પતિના સંસારમાં પાછા ફરવાની લીલાની પ્રતીક્ષા તથા લગ્ન પૂર્વે લીલા અને પાવાવાળાનો નિષ્ફળ પ્રેમ વ્યક્ત કરીને અંતે લક્ષ્મણના સંસારગમન અને વણઓળખાયેલા બીજા જોગી પાવાવાળાની ત્યાગભાવનાને સુપેરે વણી લીધા છે. વાર્તામાં લીલાનું પતિપરાયણ વ્યક્તિત્વ, પાવાવાળાની ત્યાગભાવના સ્પર્શી જાય તેવાં છે. ‘પછડાટ’ પાત્રની મનોયંત્રણા રૂપે મળતી નમૂનેદાર વાર્તા છે. અહીં એક જ ગામમાં પરણેલી સરલા અને વિલાસ બાલસખીઓ, છતાં મામાને ત્યાં અનાથ ઉછરેલી સરલાનું સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન વિલાસથી જીરવાતું નથી. અણગમતા પતિથી વ્યથિત વિલાસની સુખી સરલા પ્રત્યેની ઈર્ષા, દ્વેષ અને અદેખાઈ એટલી વધી પડે છે કે ઝઘડા-ટંટાનું નિમિત્ત શોધતી તે પરપીડનમાં રાચ્યા કરે છે. પરંતુ એક દિવસ સરલાના ઘરને તાળું જોતાં ચચરાટ અનુભવતી વિલાસને જ્યારે જાણવા મળે કે, સરલાના પતિને કૅન્સર છે ત્યારે દુઃખમાં ઉછરેલી સરલા પર મોટું દુઃખ આવી પડ્યાના સમભાવમાં તેણે જ સરલાના ઘર આગળ ઈર્ષામાં ભેગા કરેલા કચરાના ઢગલા પર પછડાટ પામતી જોઈએ ત્યારે સ્ત્રીનું અતલ-અકળ મન ભાવક સમક્ષ અનાવૃત્ત થઈ જાય છે. સરલાના બંધ ઘરને તાકતી વિલાસની પ્રતિક્રિયાથી આરંભ પામતી આ વાર્તા સરલાના આઘાત અને પછડાટમાં પરિણમે તેવા અંત વચ્ચે સર્જકે અતીત રૂપે સરલા અને વિલાસનું બાળપણ, બબ્બે લગ્નની નિષ્ફળતા પછી ત્રીજી જગ્યાએ વિલાસનું નીરસ લગ્નજીવન અને વિલાસની અદેખાઈને મોટેભાગે કથન, વિલાસની એકોક્તિઓ અને પાત્રસંવાદોમાં સચોટ વણી લીધું છે. સરલાના સુખે ક્રમેક્રમે પરપીડનમાં રાચતી વિલાસનું મનોગત સચોટ ઝિલાયું છે. ‘પડીકું’ ભાતૃસંબંધોની ભાવસભર વાર્તા છે. કથકના મુખે કહેવાયેલી આ વાર્તામાં કથક એવો નાનો ભાઈ શહેરમાં નોકરી કરે છે, જ્યારે મોટો ભાઈ ઘર અને ખેતી સંભાળવાનું કામ કરે છે. મોટો ભાઈ અવારનવાર મદદ માગે છે અને પત્ની શારદા પણ ઉમળકાથી મોટાભાઈને મદદ કરવા પતિને પ્રેરે છે, પરંતુ નોકરિયાત મિત્રો સાથેની વાતોને કારણે નોકરિયાત (કથક)ને એવું લાગવા માંડે છે કે, ‘ગામડાના માણસો આપણે માનીએ છીએ એવા ભોળા નથી.’ મોટાભાઈને મને-કમને લોન ઉઠાવીને મદદ કરતો કથાનાયક તંગ મનઃસ્થિતિમાં વતન ગામ જાય છે ત્યારે રસ્તામાં જ તેને ખબર પડે છે કે, તેના મોટા ભાઈને તો મોટી માંદગી ચાલે છે. હાંફળોફાંફળો કથાનાયક ઘેર દોડી જાય તેવી મનઃસ્થિતિમાં નાયકની બદલાયેલી ભાવદશાનો સરસ ચિતાર સાંપડે છે. ઘેર આવવા નીકળેલા કથાનાયકના અતીત-વર્તમાનના કથન પ્રવાહમાં મધ્યમ વર્ગીય કુટુંબની આર્થિક તંગદિલી, ચીડ અને વહેમમાં વાર્તાપ્રવાહ વહે છે. અને ભાઈના સમાચારે આવતો ભાવપલટો ભાવકને પણ ભીંજવે તેવો છે. ‘બાપ-દીકરો’ના વાર્તાનાયક રામલાલે કઠોર પરિશ્રમ કરીને દીકરાઓનો ઉછેર કરેલો, પરંતુ લાડકવાયો એવો મોટો દીકરો બીજી નાતની નર્સ સાથે પ્રેમલગ્ન કરીને ભાગી છૂટે છે તો નાનપણથી જ અંધ એવો નાનો દીકરો કૉલેજમાં પ્રેમભગ્ન થતાં પાગલ થઈને ભટકે છે. નાદાર થઈ ગયેલા રામલાલ અંધ દીકરા પ્રકાશને શોધવા અને સાચવવામાં સમય વ્યતિત કરે છે, પરંતુ પાગલ થયેલો નાનો દીકરો ખોવાઈ જતાં એકલા પડી ગયેલા રામલાલ દીકરાને શોધવામાં ખુદ પાગલ બની જાય – તેમાં તેમના પિતૃપ્રેમની પરાકાષ્ઠા અનુભવાય છે. કથન, વર્ણન અને સંવાદથી વાર્તા ઠીક ઠીક માવજત પામી છે. ‘પીઠી’ વિધુર માણસની એકલતાની વાર્તા છે. અતીત અને વર્તમાનના તાણાવાણાથી ગુંથાયેલી આ વાર્તામાં લગ્નપ્રસંગે સાસરીમાં પહોંચેલા વિધુર વાર્તાનાયકના પ્રસન્ન દાંપત્યજીવનના, પોતાના લગ્નની સ્મૃતિઓ વણી લઈને એકલતાને ધાર અપાઈ છે. લગ્નપ્રસંગનો પરિવેશ અને નાયકના પ્રસન્ન દાંપત્યનું ચિત્ર તાજગીસભર છે, તો લગ્નગીતો, વાર્તાનાયકનું સ્વપ્ન અને તાજગીસભર ટૂંકાટૂંકા સંવાદો વાર્તાને નવું જોમ અર્પે છે. તો ‘છત્રી’ વાર્તામાં દલિત પાત્રોનું પ્રસન્ન દાંપત્યજીવન તથા આર્થિક અભાવ અને કનડગતોનું નિરૂપણ વાર્તાના પરિવેશ, વર્ણનો અને મુખ્ય પાત્રના સ્મૃતિવ્યાપારથી ચુસ્ત વાર્તારૂપ પામ્યું છે. વાર્તાને અંતે આર્થિક અગવડો વચ્ચે પણ લાંબા સમય પછી પુનઃ મળતાં નાયક-નાયિકાનું ભાવસભર નિરૂપણ સ્પર્શી જાય તેવું છે. ‘મિલકત’, ‘વળાંક’ અને ‘રસ્તો’ જેવી વાર્તાઓમાં કુટુંબજીવનને અનુષંગે સાંપ્રત વૃદ્ધોનો પ્રશ્ન વાર્તારૂપ પામ્યો છે. ‘મિલકત’ વાર્તાના વૃદ્ધ મા-બાપે મિલકતની વહેંચણી માટે નોકરિયાત દીકરાઓને ઘેર તેડાવ્યા છે. પ્રથમ પુરુષ કથકના મુખે કહેવાતી આ વાર્તા ઠંડા કલેજે આજના પિંડ-દાતાઓની મા-બાપ પ્રત્યેની ઉદાસીનતાને ચોટ સાથે મૂકી આપે છે. ઘર સંભાળતો એક, અને ત્રણ નોકરિયાત ભાઈઓ વચ્ચે સગાંસંબંધી અને પાડોશીઓની હાજરીમાં મિલકતની વહેંચણી થાય છે. બધીય વહેંચણી પછી મા-બાપનું કોણ?-ના પ્રશ્ને બધા જ ભાઈઓ ચુપકીદી સેવે છે ત્યારે કથક એવા મોટાભાઈની પત્ની કશું ય લીધા વિના પણ સાસુ-સસરાને સંભાળવા તૈયાર થઈ જાય છે ત્યારે એ ભાવક્ષણ સ્પર્શી જાય તેવી છે. પ્રથમ પુરુષ કથનકેન્દ્રમાં આ વાર્તામાં કથાનાયક સિવાયના ત્રણેય ભાઈઓના સંવાદો –પ્રતિક્રિયાઓ અને મા-બાપના નરમ વલણ દ્વારા વાર્તાપ્રવાહ સરસ સ્ફૂટ થયો છે. તો ‘વળાંક’ વાર્તામાં શહેરમાં જાહોજલાલીપૂર્ણ જીવન પસાર કરતાં, પત્નીના નિધન પછી એકલતા અનુભવતા વાર્તાનાયક ચુનીલાલ ગામમાં પાછા ફરે છે. પરંતુ અહીં દીકરાઓની બાપ પ્રત્યે નફરત નથી. અહીં તો ચુનીલાલ પોતાના બાળભેરુ ગરીબ એવા મથુરની સુખી જિંદગી જોઈને ગામનાં બાળકોને પોતાના જ માનીને નવેસરથી જીવવાનો સંકલ્પ કરે તેમાં કૃતિ અને વૃદ્ધ જીવનને નવો આયામ સાંપડે છે. એ અર્થમાં ‘વળાંક’ સચોટ શીર્ષક છે. વળી ‘રસ્તો’ વાર્તાના નાયક ચુનીલાલે પેઢીમાં ગદ્ધાવૈતરું કરીને દીકરાઓને ભણાવ્યા અને નોકરીપાત્ર કર્યા છે, પરંતુ પત્નીના મરણ પછી દીકરાઓએ બાપ માટે મહિના મહિનાના વારા કાઢ્યા છે. મોટા દીકરાને ઘેર લાચાર–અપમાનિત દશામાં સબડતા ચુનીલાલની સ્થિતિથી આરંભ પામતી વાર્તા તેઓ સમય થતાં રિક્ષામાં બેસીને બીજાને ત્યાં જાય ત્યાં સુધી વાર્તાનાયકની નિઃસહાય મનઃસ્થિતિમાં વહે છે, પરંતુ બીજાને ત્યાં પહોંચતા અધવચ્ચે જ રિક્ષામાંથી ઊતરી પડીને બીજો જ રસ્તો શોધવા નીકળી પડે છે તેમાં તેમના સ્વમાનપરક વ્યક્તિત્વની સાથોસાથ નવી જ દિશાનો સંકેત મળે છે. કથન-એકોક્તિઓ અને વર્ણન દ્વારા વાર્તાનાયક ચુનીલાલનો સંસાર માટેનો સંઘર્ષ અને અસહાયતાનું ચિત્ર સરસ તાદૃશ થયું છે. તો ‘પોટલું’માં વિધુર નાથાલાલની અવદશા જાણે પોતાના કુકર્મને લીધે જ છે. પોતાનું ચાલ્યું ત્યાં સુધી નાથાલાલે ગામના કોઠા કબાડા, કાવાદાવા, વેપાર અને વ્યાજના ધંધે અઢળક કમાણી અને સ્ત્રીમોજ લૂંટી છે, પણ બદલામાં ઈશ્વરે તેને મંદબુદ્ધિનો દીકરો દીધો છે તેથી પરાણે બહેરી પુત્રવધૂ મળી છે. પત્નીના નિધન પછી લકવાગ્રસ્ત નાથાલાલનું મન તેમના હવેલી જેવા ઘર, ટ્રેક્ટર, જીપ, દુકાન, ઘંટી અને ઓરડાની તિજોરીમાં જ રાચ્યા કરે છે. વાર્તાને અંતે મારું મારુંનું રટણ કર્યા કરતા નાથાલાલના બે હાથ પથારીની બે બાજુ લબડી પડે – તેમાં તેમના માયાપોટલાની પ્રતિકાત્મકતા સરસ સિદ્ધ થાય છે. સર્જકે એક તરફ અતીતકથન દ્વારા નાથાલાલનો ધંધામાં મિજાજ, લોકોનું શોષણ, રંગીન મિજાજ ખડો કરીને પત્નીના નિધન પછી લકવાગ્રસ્ત લાચાર દશા, અને એ દશામાં દીકરાનું બેપરવા વર્તન અને માયામાં અટવાતું તેમનું મન વર્તમાન રૂપે ખડું કરીને કથન, વર્ણન, સંવાદ અને ક્રિયાઓ દ્વારા વાર્તાશિલ્પ ખડું થયું છે. ‘પૂર્વજ’, ‘બાકોરુ’, ‘લોહી’ અને ‘સંગાથ’ વાર્તાઓ પૈકી ‘પૂર્વજ’ વિશિષ્ટ વાર્તા છે. આ વાર્તામાં પતિના મરણ પછી વાર્તાનાયિકાએ પોતાની શ્રદ્ધા અને આસ્થાના બળે વિધિવત્‌ પતિ દેવજીનું પૂર્વજ સ્થાપન કરાવ્યું છે. સ્થાપન પછી લવજી મહારાજે કહેલું કે પતિને જીવતો જાગતો માનજે... એ સબબનું કહેલું વાક્ય નાયિકા પાલુમાં નવો પ્રાણ પૂરે છે. આ આસ્થાના બળે જ એક પ્રસંગે પાલુ ગામના ઉતારસમા રાવતાજીનો સામનો કરી પોતાની આબરૂ બચાવી લે છે. કથન, એકોક્તિ, સહજ સંવાદોથી વસ્તુગ્રથન થયું છે. પાલુનું પ્રભાવશાળી પાત્રાલેખન અને સ્વાભાવિક વર્ણનો અને અંતના બખૂબ પ્રસંગાલેખનથી વાર્તા સરસ માવજત પામી છે. ‘બાકોરુ’ સામંતવાદી પરિવેશની વાર્તા છે. મહેલમાં જાહોજલાલી ભોગવી ચૂકેલાં રાજબા માટે પતિના મરણ પછી સાસરી છોડીને આવેલી દીકરી કનકબા એક જ સધિયારો છે. ખવાસણ ચંપાના દીકરા અને કનકબા મળે તે રાજબાને પસંદ નથી. તેઓ દીકરી કનકબાને સાસરીમાં મૂકવા મક્કમ છે, તોફાની વરસાદી રાત્રિ પછી સવારે રાજબા જુએ છે તો ગઢમાં બાકોરું પડેલું છે! અંતની વ્યંજના છતાં પણ તીવ્ર વાર્તાક્ષણને અભાવે રચના ફિક્કી લાગે છે. તો ‘લોહી’ વાર્તામાં સવર્ણ-દલિત સંબંધોની સંકુલતા વ્યક્ત થઈ છે. વાર્તાનાયક અભેસિંહની વિરાના આગ્રહથી દારૂ પીવાની ક્રિયાથી આરંભ પામતી આ વાર્તા ભાગિયાના પુત્રના કડક વલણથી અભેસિંહની ખામોશીમાં અંત આવે તે પૂર્વે અભેસિંહનું સજનબા સાથેનું સુખી દામ્પત્યજીવન વ્યક્ત કરીને તેમના મરણ પછીની એકલતા અભેસિંહનો દારૂ પીવો, બીડીની તલપ લાગવી, ઉધરસ ખાવી, નિસાસા નાખવા જેવી ક્રિયાઓ દ્વારા સચોટ મૂર્ત થઈ છે. આકરી ભૂખમાં સબડતા અભેસિંહ ગુસ્સે થઈને ઊંઘમાંથી માંડ ઊભા થઈને આવતા ભાગીયણ પસીના દીકરા કાન્તિને ગાળોથી વ્યવહાર કરે, કાન્તિ અભેસિંહની આજ્ઞાનો અનાદર કરીને ચાલ્યો જાય અને અભેસિંહ અને કાન્તિની રકઝક સાંભળી ગયેલી પસી બબડે : ‘નકર આ કંઈ ઈના બાપ જેવો થોડો સઅ તે હાંભળીને બેહી રઅ!’ પસીના આ વિધાન પછી અભેસિંહને લગ્ન પૂર્વેના પસી સાથેના શારીરિક સબંધોની સ્મૃતિ તાજી થઈ આવે, તેમનો નશો પળવારમાં ઊતરી જાય અને તે ટાઢાહેમ અને ખામોશ થઈ જાય છે. પસીના બબડાટ અને અભેસિંહની મનોદશાથી લોહીના સંબંધો સરસ સ્ફૂટ થયા છે. તો ‘સંગાથ’ માનવનિયતિની સરસ વાર્તા છે. આ વાર્તાનો નાયક જિદ્દી અને કર્કશા સ્વભાવની પત્નીની શહેરમાં વસવાની જિદને વશમાં થઈને શહેરમાં મકાન થાળે પાડવા શહેરી મિત્રને ત્યાં આવ્યો છે, તેની પત્ની રિસાઈને પિયરમાં ભરાણી છે. સ્ટેશનથી જેનો સાથ થયેલો તેવી અજાણી સ્ત્રી પણ મિત્રને ત્યાં આવી છે. પણ મિત્ર ઘરે નથી અને મિત્રપત્ની પણ વાર્તાનાયકને ઓળખતી નથી. કથાનાયક પરાણે મિત્રને ઘરે રોકાઈ જાય છે. મોડે ધીમી વાતોએ ચડેલી સ્ત્રીઓની વાતચીત ઉપરથી ખ્યાલ આવે છે કે અજાણી સ્ત્રી પણ તેના પતિના ત્રાસને લીધે પિયર તરફ જઈ રહી છે. અહીં વાર્તાનાયકની પત્નીનું રિસાઈને પિયરમાં ભરાઈ રહેવું અને અજાણી સ્ત્રીનું પતિના ત્રાસને લીધે પિયરગમન – આ બંને સ્થિતિનો વિરોધાભાસ વાર્તાને ગતિ અર્પે છે. આ બંને સ્ત્રીઓની ગુસપુસ દ્વારા એ પણ સ્પષ્ટ થાય છે કે અજાણી સ્ત્રી અને કથાનાયકનો સંબંધ સમાજના કાંધિયાઓને લીધે અટકી પડેલો. હવે વાર્તાનાયકને મનોમન એવું થઈ આવે કે અજાણી સ્ત્રી સાથે પોતાનું થાળે પડી જાય તો કેવું? પરંતુ સવારે મોડો ઊઠેલો વાર્તાનાયક સવારે સ્ટેશને પહોંચે છે ત્યારે તે તેના મિત્રને અજાણી સ્ત્રીને લઈને બસમાં જતો જુએ છે. વાર્તાનાયક પોતાની ઇચ્છા મિત્રને જણાવીને અજાણી સ્ત્રી(શાંતા)ને મેળવવા ઝંખે છે, પણ તેની મિત્રને બોલાવવાની બૂમો વચ્ચે બસ ચાલી જાય છે અને વાર્તાનાયકની ઝંખના મનમાં જ રહી જાય છે. અહીં વાર્તાનાયક રવજી અને નાયિકા શાંતાને એક જગ્યાએ ભેગા કરીને તેમના સંસારપ્રશ્નો, સમાજ કાંધિયાઓની કનડગત રાત્રિના પરિવેશમાં કથન, ટૂંકા ટૂંકા સંવાદો અને નાયકની સ્વપ્નયુક્તિમાં વણી લઈને સરસ વસ્તુગ્રથન થયું છે. ધરમાભાઈ શ્રીમાળીના પાંચેય વાર્તાસંગ્રહોની ૭૯ જેટલી વાર્તાઓમાંથી પસાર થયા પછી પ્રતીતિ થાય છે કે આ સર્જક દલિત અને મુખ્ય ધારા બંનેમાં સફળ રહ્યા છે. તેમને ગ્રામ્યજીવનનો બળકટ અનુભવ અને સૂક્ષ્મ નિરૂપણ શક્તિ છે, વળી કિશોર વયથી જ તેમના ગુજરાતી સાહિત્યના ભાવન અને પરિશીલને તેમણે પોતીકી સાહિત્યસૂઝ કેળવી હોઈ તેમના વાર્તાસર્જનને પણ તેનો લાભ અચૂક મળ્યો હશે. ‘સાંકળ’ (૧૯૯૭)થી આરંભ પામેલી તેમની વાર્તા સર્જનયાત્રા ‘પીઠી’ (૨૦૧૬) સુધી પહોંચતાં તેમની વાર્તાઓના વસ્તુવૈવિધ્ય, પાત્રની મનોયંત્રણાના નિરૂપણ, રચનારીતિમાં મૌલિક યુક્તિ-પ્રયુક્તિઓના વિનિયોગ અને લહેજાસભર અસરકારક ભાષા નિરૂપણમાં ખાસ્સી પરિપક્વતા જોવા મળે છે. તેમના ‘સાંકળ’, ‘રવેશ’ અને ‘પીઠી’માં મહદંશે મુખ્યધારાની તો ‘નરક’ અને ‘ઝાંખરું’ વાર્તાસંગ્રહોમાં દલિતજીવનની વાર્તાઓ મળે છે. આ બંને ધારાઓની વાર્તાઓમાં પણ વિષયનવતા ધ્યાનાકર્ષક બની રહે તેવી છે. તેમાં ભાગ્યે જ વિષયવસ્તુનું પુનરાવર્તન સાંપડે છે. (માત્ર ‘જોગી’ વાર્તામાં ‘વાત્રકને કાંઠે’નું અનુકરણ પ્રતીત થયું છે.) ધરમાભાઈની વાર્તાઓની રચનારીતિ પોતીકી સૂઝથી કેળવાયેલી પ્રતીત થાય છે. તેઓ મોટે ભાગે પાત્રની મનઃસ્થિતિ, પરિવેશવર્ણન કે પ્રસંગના સૂચનથી વાર્તાનો આરંભ કરે છે. વળી આધુનિક પીઠ ઝબકાર અને વર્તમાનના સંયોજનથી, ક્યાંક સ્મૃતિવ્યાપાર કે સ્વપ્ન પ્રયુક્તિથી તેમની વાર્તાઓનાં પાત્ર મનોવલણો ઘડાતાં જાય અને વસ્તુવિકાસ સધાય તે પ્રકારની રચનારીતિ તેમને વધુ માફક આવી છે. તેમની દલિત જીવનની વાર્તાઓમાં વાર્તાકારનું લક્ષ્ય મહદંશે દલિત જીવનના સંઘર્ષ-યાતનાને મૂકી ભાવકનો સમભાવ કેળવવાનું વિશેષ રહ્યું છે, તેથી જ તેમની મોટાભાગની દલિત વાર્તાઓમાં સવર્ણ સમાજ પ્રત્યેનો રોષ, આક્રોશ કે પ્રતિરોધ ભાગ્યે જ જોવા મળે છે. વિષયવસ્તુના નાવિન્યની દૃષ્ટિએ તેમની ‘ભાત’, ‘છોડ’, ‘આડવાત’ કે ‘પ્રવેશદ્વાર’ નોખી તરી આવતી રચનાઓ છે. ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓની માવજત અંગે મોહન પરમારનું નિરીક્ષણ ઉચિત અને ઉપયોગી બની રહે તેવું છે. “કથા વસ્તુની માવજત એ જુદી જુદી ઢબે કરે છે. વાર્તામાં અંતનું મહત્ત્વ કેવું છે, તેઓ સારી રીતે જાણી ચૂક્યા છે. એટલે તો આખી વાર્તામાં પ્રગટેલ પાત્રોની ગતિવિધિને અંત સાથે જોડીને વાર્તાક્ષણ નિપજાવે છે. આવી વાર્તા આવડતને કારણે ધરમાભાઈની વાર્તાઓ સઘન પરિમાણ પ્રાપ્ત કરે છે.” (‘ઝાંખરું’ની પ્રસ્તાવના, પૃ. ૨૧)

ડૉ. પ્રભુદાસ પટેલ
અધ્યક્ષ, ગુજરાતી વિભાગ
શેઠ શ્રી બી. સી. શાહ આટ્‌ર્સ કૉલેજ, વડાલી
વાર્તાકાર, લઘુકથાકાર, વિવેચક, સંશોધક
મો. ૭૬૦૦૯ ૪૬૦૪૪
Email : prabhudas410@gmail.com