ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/નાઝીર મનસુરી

Revision as of 14:42, 23 December 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઢાલકાચબો – નાઝીર મનસુરી

હીરેન્દ્ર પંડ્યા

GTVI Image 155 Nazir Mansuri.png

સર્જક પરિચય :

ગુજરાતી ભાષાના નવલકથાકાર અને વાર્તાકાર નાઝીર મનસુરીનો જન્મ ૧ જૂન, ૧૯૬૫ ના રોજ માધવડ બંદર, દીવ ખાતે થયો હતો. નવસારીની કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત એવા નાઝીર મનસુરી પાસેથી ‘ઢાલકાચબો’ (ઈ. ૨૦૦૨) વાર્તાસંગ્રહ મળે છે. ‘ભૂથર’ વાર્તા માટે તેમને ઈ. ૧૯૯૭નો કથા પુરસ્કાર તથા સાહિત્ય સર્જન માટે સંસ્કૃતિ પ્રતિષ્ઠાન, દિલ્લી દ્વારા ઈ. ૧૯૯૯નો સંસ્કૃતિ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમની વાર્તાઓના અન્ય ભાષાઓમાં અનુવાદ પણ થયા છે. અંગ્રેજીમાં સચિન કેતકર અને હેમાંગ દેસાઈએ તેમની વાર્તાઓના અનુવાદ કર્યા છે. ‘ચંડાલચકરાવો’ અને ‘વેશપલટો’ એ તેમની મહત્ત્વાકાંક્ષી નવલકથાના પ્રથમ બે ભાગ છે. ગુજરાતી ભાષામાં વિશ્વની સૌથી મોટી નવલકથા લખવાનું બીડું આ સર્જકે ઉપાડ્યું છે.

કૃતિ પરિચય : ઢાલકાચબો (પ્ર. આ. ૨૦૦૨)

‘ઢાલકાચબો’ (કુલ પૃષ્ઠ ૩૧૪) એ નાઝીર મનસુરીનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં કુલ તેર વાર્તાઓ છે. સર્જકે સંગ્રહ પત્ની મોના પાત્રાવાલાને અર્પણ કર્યો છે. પ્રસ્તાવનામાં તેઓ લખે છે, ‘કલા પોતે જ પ્રતીકાત્મક છે. હું જડબેસલાક રીતે માનું છું કે કલાનો જન્મ ત્યારે જ શક્ય બને, જ્યારે સર્જક કથાકાર પાસે Vision, Craftmanship અને Technique હોય, અન્યથા નહીં. બોલી અને પરિવેશ વાર્તામાં લાવીશ જ.’ દરિયાઈ પરિવેશ અને માછીમારોની બોલી, તળ કાઠિયાવાડની-દરિયાકાંઠાના વિસ્તારની બોલી તથા મુસ્લિમોની બોલી – એમ ત્રિવિધ બોલીના વિનિયોગવાળી આ વાર્તાઓ વાંચીને પ્રથમ નજરે તેને દેશીવાદ કે પ્રદેશવિશેષની વાર્તાઓ તરીકે ઓળખાવવાનું મન થાય. વાર્તાઓનાં શીર્ષક વાંચતાં ખ્યાલ આવી જાય કે આ સંગ્રહ આવા સીધા સરળ માળખામાં બેસાડી શકાય તેવો નથી. ‘દરિયાઈ મછાક’, ‘ઝરખ’, ‘ભૂથર’, ‘કળાનું ભોણ’, ‘દરિયાઈ કાગડો’, ’ઢાલકાચબો’ વગેરે શીર્ષકોમાં જોવા મળતાં પશુ-પંખીઓના ઉલ્લેખ મનુષ્યની આદિમ વૃત્તિઓ સૂચવે છે. સંગ્રહની ઘણીખરી વાર્તાઓમાં જાતીય સંબંધોનાં વર્ણનો છે. સર્જકે પાત્રોની આદિમ વૃત્તિઓનું માનસશાસ્ત્રીય ચોકસાઈથી આલેખન કર્યુ છે. ‘દરિયાઈ મછાક’માં જાનુંના પાત્ર વડે એક સ્ત્રીની અતૃપ્ત જાતીય ઝંખના, જાતીયવૃત્તિનું દમન, પ્રતિક્રિયારચના અને સ્થાનાંતરણ તથા તેની તૃપ્તિ બાદ તેના પરિવર્તનનું નિરૂપણ અત્યંત ઝીણવટપૂર્વક થયું છે. ‘ઝરખ’ વાર્તામાં ચોતરફના દબાણોની સામે ભીતરથી તૂટતા લાખાનું ક્રમશઃ પશુમાં થતું રૂપાંતર પણ એવી જ માનસશાસ્ત્રીય કુશળતાથી દર્શાવ્યું છે. આ પાત્રો મનોવિજ્ઞાનના કેસ હિસ્ટ્રી જેવાં નિર્જીવ બની ગયાં નથી કારણ કે, સર્જક દરિયાઈ પરિવેશ, પ્રકૃતિનાં બદલાતાં રૂપો સાથેનું પાત્રોનું ગાઢ જોડાણ અને બોલીના વિનિયોગ દ્વારા આદિમ વૃત્તિઓને આલેખે છે. કહો કે, પરિવેશ વડે આદિમતાની અનુભૂતિ કરાવે છે. ગુણવંતરાય આચાર્યની નવલકથાઓમાં આવતા સ્વચ્છ, સાહસી દરિયા જેવો દરિયો અહીં જોવા મળતો નથી. અહીં તો અંધારપછેડો ઓઢેલો, બુકાનીબંધો અને ખારોઝેર દરિયો જોવા મળે છે. આવો દરિયો તેમની વાર્તાઓની કરોડરજ્જુ છે. તેઓ પોતે જ કહે છે, ‘મને પરિવેશ વગર કથાસર્જન શક્ય નથી લાગ્યું... દરિયાઈ પરિવેશ એ અંધારપછેડો ઓઢેલો ને બુકાનીબંધો એવો બાહ્ય વાસ્તવ છે. દરિયાઈ પરિવેશ તો કથાકૃતિનો અંતરંગ ભાગ. શરીરનાં લોહીમાંસ જેવો.’ સંગ્રહની પ્રથમ વાર્તા ‘દરિયાઈ મછાક’ છે. ગામમાં ખમતીધર ગણાતા, ત્રીસેક વીઘાંની વાડી ધરાવતા લાખા આતા અને બાયાં આઈને કુલ ત્રણ સંતાન : બે દીકરી અને એક દીકરો. મોટી દીકરી રંભૂડી અફીણ ધોળીને મરી ગઈ. દીકરો પૂંજો સ્ત્રેણ પ્રકૃતિનો છે. વચેટ દીકરી જાનું બે વાર પરણી પણ બંનેવાર સાસરેથી પાછી આવી ગઈ છે. સીદી લાખા આતાને ત્યાં હાંતી છે. જાનુંના તીખા મિજાજને લીધે સીદી હંમેશા તેનાથી દૂર ભાગે છે. જાનું કાયમ સીદી જોડે લડતી રહે છે. જાનુંનો પહેલો પતિ ‘ફાતડા’ જેવો હતો. બીજો વર જાનુંને નિતંબથી જ પકડીને જાતીય સંબંધ બાંધતો. તેની વિકૃત જાતીય રીતથી કંટાળીને જાનું કરવત લઈને તેને મારવા ધસી જાય છે. ત્યારબાદ તેનો વર રાતભર ભજનમંડળીઓમાં જવા માંડે છે. બીજી તરફ જાનું નણંદ ગંગડી સાથે જાતીય સંબંધ બાંધે છે. ગંગડી સાથેના જાનુંના સંબંધની જાણ થતાં જાનુંનો ડરપોક વર તેની સાથે ઝઘડે છે. પિયર પાછી ફરેલી જાનું અને સીદી વચ્ચે ક્રમશઃ આકર્ષણ વધતું જાય છે. આ વાત પૂંજા અને ગંગડીને પસંદ નથી. જાનુંના ગંગડી અને સીદી સાથેના સંબંધો વડે સર્જક આદિમતાને, જાતીયવૃત્તિ પાછળના સંકુલ મનોભાવોને રજૂ કરે છે. કહો કે, સ્ત્રી-પુરુષ સંબંધનું એક સંકુલ વિશ્વ ઊઘડે છે. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી આ વાર્તાનો આરંભ જાનું બીજીવાર રિસાઈને સાસરીથી પિયર પાછી આવી ગઈ છે તે ક્ષણથી થાય છે.

GTVI Image 156 Dhal Kachabo.png

વાર્તાની સંકલના આ મુજબ છે. જાનું પિયર પાછી ફરી હોવાથી તેની મા બાયાંઆઈ પતિ લાખાને ધમકાવી રહ્યાં છે અને જાનું આમલીનો ઠળિયો ચાવતી બેઠીબેઠી મા-બાપની વાતો સાંભળી રહી છે. ત્યારબાદ કથક લાખાના પરિવારની, હાંતી સીદીની માહિતી આપે છે. લાખાએ જે વાણિયાની વાડી રાખી હતી, તે વાણિયાની દીકરીની અને વાણિયાના હાંતીની પ્રેમકથા કથક કહે અને વાણિયાની દીકરી કમોતે મરી હોઈ આ વાડી તેમાં રહેનારને સુખી ન થવા દે તેવી ગામમાં પ્રચલિત અફવા પણ જણાવે. અહીં પ્રથમ દિવસ પૂરો થાય. રાતે લાખો અને બાયાંઆઈ જાનુંને સમજાવવા મથે. તે સાસરેથી શા માટે ચાલી આવી? એ પ્રશ્ન કરે. જવાબમાં જાનું સવાલ કરે, ‘દીકરી મોંઘી પડેસ તી હાલતી થાંવ? આંય વાડીયેય બે-બે ભાયડા ઝીવી પાણત્ય નથ્ય કરતી?’ (પૃ. ૫) અકળાયેલી જાનું પોતાના ધોલકામાં સૂઈ જાય અને મનોમન બીજા પતિની વિકૃત ચેષ્ટાઓ યાદ કરે. જાનુંની સ્મૃતિઓ વડે કથક ભૂતકાળમાં લઈ જાય અને જાનું-ગંગડીના સજાતીય સંબંધો, એ જોઈ ગભરાતો તેનો વર, જાનુંના વરને આવતાં દુઃસ્વપ્નો આદિની વાત કરે. વળી, કથક જાનુંની વાત શરૂ કરે અને વાર્તા વર્તમાનમાં આવે, જ્યાં જાનું ગંગડી અને સીદીના દેહની તુલના કરી, ગંગડીની સાથેના સંબંધ માત્રની યાદથી પ્રબળ ઉત્તેજના અનુભવે ત્યાં પહેલા દિવસની રાતનો પહેલો પહોર પૂરો થાય. બીજો પહોર શરૂ થાય અને કથક સીદીના મનોભાવો દર્શાવે. જાનું સાથેના ઝઘડાને વાગોળતો, જાનુંના દેહની કમનીયતા વખાણતો સીદી મનોમન બબડે, ‘મારી હીકે પૈયણી ઓત તો હું વાંધો અતો ન્યાં? ઈવી બાઈ જોયે મુંને!’ (પૃ. ૧૧) બીજી તરફ ગંગડીને યાદ કરતી જાનુંની ઊંઘ વેરણ થઈ જાય. બીજા દિવસની બપોરે જાનું વાવમાં નાહવા પડે ત્યાંથી વાર્તામાં વળાંક આવે. નહાતી જાનુંને નાળિયેરી પરથી સંતાઈને તાકતા સીદી પર સમડી તરાપ મારે, સીદી સંતુલન ગુમાવે અને જાનું તેને જોઈ જાય એટલે ટૂંકા લૂગડામાં બહાર આવી તેની સાથે ઝઘડતી, મોટી કુંડીમાં નાહવા પડે. જાનુંના નગ્ન દેહને જોઈ સીદી ઉત્તેજિત થઈ જાય. જાનું તેને કૂવામાંથી કુંડીમાં પાણી ઠાલવવા કહે. પાણી ઠાલવતા સીદીનો પગ કુંડીમાં લપસે, તે ઘડો સાચવવા જતાં કુંડીમાં પડે અને તેના પગના નળામાં વાગે. અકળાયેલી જાનું સીદીના સમડીએ ઉઝરડા પાડેલા વાંસામાં જ ઢીબા મારી દે. સીદી રડતી આંખે કુંડામાં જાનુંની પડખે બેસી પડે. રડતા સીદીને પંપાળતી જાનું તેની સાથી જાતીય સંબંધ બાંધે. આ બનાવ પછી જાનુંનું વર્તન બદલાઈ જાય. તે મનોમન ગંગડી અને સીદીની તુલના કરવા લાગે. બીજી તરફ જાનુંને ઝંખતી ગંગડી નવા વર્ષના આરંભે લાખા આતાને પગે લાગવાના બહાને જાનુંને જોવા આવી પહોંચે. જાનુંના બદલાયેલા વર્તનથી, જાનુંના સીદી પ્રત્યેના વધતા જતા લગાવથી ગંગડી અકળાય. જાનું-સીદીને સાથે જોઈ ગયેલો પૂંજો પણ જાનું પર ખીજાય. ઠંડી રાતે જાનુંને સીદીના ધોલકામાં જોઈ ગંગડી પાછી ફરવાનો નિર્ણય લે. બીજા દિવસે સવારે બાયાં આઈ ગંગડીને જાનુંને સીદી સાથે પરણાવવાની વાત જણાવે. કથક વાર્તાના અંતે શિકારમાં નિષ્ફળ ગયેલી, વીફરેલી સમડીને વાડી છોડીને દરિયા તરફ ઊડી જતી દર્શાવે છે. સૌ પ્રથમ તો, પ્રશ્ન થાય કે જો જાનું સીદી જોડે સતત લડતી-ઝઘડતી હતી તો તેના તરફ આકર્ષાય ખરી? બીજું કે, જાનું ગંગડી જોડે જે પ્રબળ રીતે જાતીય સંબંધ બાંધે છે તે ગંગડીને ભૂલી શકે ખરી? જાનુંના હાથનો એકથી વધુ વાર માર ખાનારો સીદી શા માટે જાનું તરફ ખેંચાય? માનસશાસ્ત્રી ફ્રોઇડના મતે, અચેતન મન એ સમુદ્રમાં તરતી હિમશીલા સમાન છે. જેની માત્ર ટોચ બહાર દેખાતી હોય છે અને બાકીનો ૯/૧૦ હિસ્સો સમુદ્રના પાણીની અંદર સંતાયેલો હોય છે. જાનું અને સીદીના સંકુલ સંબંધને માનસશાસ્ત્રીય અભિગમથી જોઈએ તો, ખ્યાલ આવે કે જાનું સીદીને પહેલેથી ઝંખે છે. જાનુંનું સીદી સાથે સતત લડવું-ઝઘડવું એ તેનું સીદી પ્રત્યેનું આકર્ષણ સૂચવે છે. પ્રશ્ન થાય કે તો બે વાર બીજાને પરણે ત્યાં સુધી જાનું આ વાત મા-બાપ કે સીદીને શા માટે કહેતી નથી? સીદી હાંતી છે. વાર્તામાં વાડીના મૂળ માલિક વાણિયાની અને તેની દીકરીની આડકથા કથક દર્શાવે છે. એમાં વાણિયાની એકની એક લાડકવાયી દીકરી તેના હાંતીનાં પ્રેમમાં પડી હતી. એ વાતે વાણિયો સામ, દામ, દંડ અને ભેદ એમ બધી રીતે રંજાડીને દીકરીને હાંતી જોડે પરણતાં અટકાવે છે. બાપની હેરાનગતિથી ત્રાસીને દીકરી વાવમાં ડૂબીને મરી ગઈ હતી. જાનુંનો સીદી સાથેનો સંબંધ પહેલીવાર જાનુંના મા-બાપ ન સ્વીકારત એવી સંભાવના પણ ખરી. બીજું કે, જાનુંનો લડાયક મિજાજ પણ તેને આમ નમતાં, કરગરતાં અટકાવે. કથકે જાનુંના ફળદ્રુપ માંસલ દેહનું કરેલું વર્ણન જુઓ. ‘ઊંચી તાડીયા જેવી. સોનેરી રુંવાટીવાળો બળુકો માંસલ દેહ. પણ મેદ ક્યાંય પરખાતો નહીં. મલ્લ જેવું બદન. સહેજ લાંબું મોઢું. મછાકની ચાંચ જેવું લાંબું વાંકુ નાક. માંજરી આંખો. સોનેરી ઝાંયાળા લાંબા ઘાટા વાળ. કમર તળે લ્હેરાતા. ચાલતી ત્યારે જાણે હેલીકહુંબો. ઘોઘરો જાડો ઘાંટો. આકરા મિજાજની. મરદ માટી જેવી ઘાતક ને તીખી લાગતી.’ (પૃ. ૬) જાનુંને લોકો ‘મેમુદ બેઘડો’ કહેતા. તેનો ભાઈ પૂંજો ફાતડો છે. આ સ્થિતિમાં જાનું પ્રતિક્રિયારચના દ્વારા પોતાના અહમ્‌ને (Ego) ટકાવી રાખે તે સહજ છે. વ્યક્તિ પોતાના અંતરમનમાં જે ઇચ્છતી હોય તેનાથી તદ્દન ઊંધું બાહ્ય વર્તન કરે તેને પ્રતિક્રિયારચનાની (Reaction Formation) પ્રયુક્તિ કહે છે. બીજી તરફ કથકે એકથી વધારે પ્રસંગોએ સીદીના જાનું તરફના પ્રબળ શારીરિક આકર્ષણને દર્શાવ્યું છે. જાનુંના બીજીવારનાં લગ્ન પછી સીદીનું ખૂબ ધૂણવું, જાનું પિયર પાછી આવે ત્યારે તેના મા-બાપની સામે સીદી જાનુંનો પક્ષ લે, બચાવ કરે, જાનુંને તાકી તાકીને જોયા કરે. સીદીને કુંજડીના પગ જોઈ જાનુંના રૂપાળા પગ યાદ આવે. સર્જકની ખરી કમાલ જાનું અને સીદી એકમેક સાથે પ્રબળ આવેગથી જાતીય સંબંધ બાંધે તેના નિરૂપણમાં રહેલી છે. સતત જાનુંને ઝંખતા સીદીની વૃત્તિઓ જાનુંના દેહને જોઈને ભડકે પણ જાનુંના મિજાજથી ખચકાય. કુંડમાં લીલના લીધે લપસી પડતાં સીદીને જાનું મારે અને સીદીની આંખ ભીની થાય. સીદીને કાયમ જાનું ‘દરિયાઈ સમડી’ જેવી લાગતી. જાનુંને તેના વરની તુલનામાં સીદી સારો લાગતો. તેને સીદી ‘પાઠરા મરઘાં’ જેવો લાગતો. સીદી પોતાને તાક્યા કરે છે એ વાત જાનું જાણે છે. તે લડીલડીને સીદીને ઉશ્કેરે છે. કુંડમાં જાનું સીદી સાથે સંબંધ બાંધે છે તેનું વર્ણન જુઓ. ‘સીદીની આંખો ઝલમલી એ જોઈ જાનું ઢીલી પડી ગઈ... ટૂંકા લૂગડે જાનું ઝળુંબવા લાગી. લીલમાં લપસતાં એના પર ઢંકાઈ ગઈ. કૂકડા પર પંજા ખોસી કાળીધોળી મોટીમસ પાંખો પંખા જેમ ફેલાવી મછાક ગોટપોટ થઈ જાય એમ.’ (પૃ. ૧૭) ફળદ્રુપ જાનું ઝંખે છે કે સીદી એની સ્ત્રી તરીકેની વૃત્તિઓને સમજે પણ સીદી જાનુંથી ડરે છે. અંતે સીદીને નરમ જોઈ જાનુંનું તીખા મિજાજવાળું આવરણ દૂર થઈ જાય અને તે સીદી સાથે જોડાય. જાનું આ જાતીય સંબંધ પછી શરમાવા લાગે, તૈયાર થવા માંડે ત્યાં જાનુંના વ્યક્તિત્વમાં આવેલું પરિવર્તન સમજાય. છતાંય ગંગડી સાથેના જાનુંના સંબંધ વિષે તો પ્રશ્ન રહે જ. ફળદ્રુપ જાનુંનો બંડખોર. આકરો મિજાજ એ તેની પર્સોના (Persona) છે. પતિની વિકૃત સંબંધ બાંધવાની રીતથી જાનું આ મિજાજ વડે બચે છે, પણ તેની ઊંડે ઊંડે સતત કોઈ પુરુષ જોડે જોડાવાની ઇચ્છા છે. તે સ્થિતિમાં તેનું અચેતન ચિત્ત બળવો કરે. જાનું પોતાની વૃત્તિઓની ગંગડી તરફ વાળીને સંતોષ મેળવવા મથે છે. માનસશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો, જાનું વિજાતીય પાત્ર માટેના આવેગનું ગંગડી તરફ સ્થાનાંતરણ (Transferance) કરે છે. જો જાનું ગંગડીથી સંતુષ્ટ હોત તો કોઈપણ ભોગે તે ગંગડીની સાથે રહેત. પિયર આવ્યા બાદ જાનું ગંગડીને યાદ કરે છે પણ તેને બોલાવવાનો કે મળવાનો પ્રયાસ કરતી નથી. બીજવરની નજરે અને જાનુંની સ્મૃતિરૂપે – એમ બે વાર જાનુંના ગંગડી સાથેના સંબંધનું વર્ણન ઝીણવટથી વાંચીએ તો સમજાય કે ગંગડી સાથેના સંબંધમાં જાનું તો તરસી જ રહી છે. ‘જાનું ગંગડીને બાથ ભરીને એના હોઠ, મોઢું ચાટતી બચકારા બોલાવતી હતી. જાણે કૂકડાને રગદોળી નાંખતી હોય એમ. ગંગડીના દેહ ફરતે મરદ માટી જેમ એ વીંટળાઈ વળેલી.’ (પૃ. ૮) ગંગડીને યાદ કરતી જાનુંની સ્મૃતિરૂપે આવતું વર્ણન જુઓ. ‘ગંગડી લજાતી. ગાલ ટાઢની લાલચટક પાકી બદામ જેવા. એનું મોઢું ચાટતી જાનું લસબસ દેહે ધખધખી જતી. આવલાના બાચકે આવી જતી. હાંફતી બચકાં ભરવા માંડતી. નખોરિયાથી ગંગડીને ઉઝરડી નાખતી. પછી એકાએક ગજુસના તોફાની વાવડામાં વહાણના ભાંગી પડતાં કૂવાથંભ જેમ કે ચિરાઈ જતાં સઢ જેમ લબડી પડતી. (પૃ. ૧૦) ગંગડી જાનુંને ‘ધણી’ માનીને તેનાથી શરમાતી. ગંગડીને હંફાવતી જાનું સીદી સાથેનો સંબંધ યાદ કરે અને સીદી જોડે તેની સરખામણી કરે. ‘ગંગડી તો બોકાહા પાડતી રડતી, કરગરતી, કણસતી. તોય એનામાં લોથપોથ. બચકાં ભરી લોહીઝાણ કરી નાંખતી. આજે દાંત વાગેલા લાંબા જાડા રતુમડી ઝાંયાળા હોઠ સૂઝી ગયેલા. છાતીનો ઉભાર દુઃખાતો’તો લંબાચા મોઢા પર આંસુનો રગેડા સુકાઈ ગયેલા. ‘આઝ હું થાસ મુંને. નભ્ભાઈની ઝાયનું! જાનું વિચારોમાં ઝોલે ચડી ગઈ.’ (પૃ. ૧૮) આ વર્ણનો વાંચીએ ત્યારે સમજાય કે ગંગડી સાથે સંબંધ પછી ‘ચિરાયેલા સઢની જેમ લબડી પડતી’ જાનું સીદી સાથેના સંબંધથી પહેલીવાર પોતાની સ્ત્રી તરીકેની વૃત્તિઓને, સ્ત્રી દેહને અનુભવે છે. કહો કે, જાનું પ્રથમવાર એક પુરુષને પામીને સ્ત્રી તરીકે તૃપ્ત થાય છે. જાનુંનું આ પરિવર્તન ગંગડી સ્વીકારી શકતી નથી. ગંગડી પોતે જાનુંને સીદી જોડે સંભોગ કરતી અને તે પછી તૃપ્ત થઈ, ‘મછાકની તીણ ચીસ જેવી ગહેકતી’ સાંભળે છે. કુંડવાળા પ્રસંગ પછી જાનુંની દમિત જાતીય વૃત્તિઓ પેટાળમાંથી બહાર આવતા લાવાની જેમ પ્રચંડ રીતે બહાર આવે છે અને અહમ્‌ની માનસિક બચાવ પ્રયુક્તિઓ – પ્રતિક્રિયારચના, સ્થાનંતરણને ઓળંગી જઈ જાનુંના મૂળરૂપને બહાર લાવે છે. સર્જક સ્ત્રીચિત્તની સંકુલતા, સ્ત્રી-પુરુષ સંબંધની આંટીઘૂંટીને પરિવેશ વડે કલાત્મક રીતે ઉજાગર કરે છે. અહીં દેહના કે જાતીયતાનાં સપાટ, સ્થૂળ વર્ણનો નથી. સ્મૃતિ, આડકથા, સ્વપ્ન જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ વાર્તાને વાર્તા બનાવે છે. જાતીય સંબંધના વર્ણનોની અને પરિવેશ તથા પાત્રોની ક્રિયાઓની સહોપસ્થિતિ વાર્તાને બનાવે છે. વાર્તાના અંતે પૂંજાની માનીતી કૂકડીને ઘાયલ કરતી સમડીની સમાંતરે રડતી ગંગડી તથા હીબકાં ભરતી જતી ગંગડીની જોડે વાડમાંથી મરણતોલ કૂકડીના ટાંગા પકડી આવતા પૂંજાને જોઈ કમકમાટી અનુભવતી જાનું – આવી સહોપસ્થિતિના લીધે ભાવક ગંગડીના મનોજગતને, પૂંજાની દમિત હિંસ્રવૃત્તિને અને જાનુંની માનસિકતાને તંતોતંત અનુભવી શકે છે. નાઝીર મનસુરીની અન્ય ખૂબી તે એકની એક ઉપમાના પુનરાવર્તનથી વાર્તાના ભાવને ઘૂંટવો તે છે. ‘દરિયાઈ મછાક’ વાર્તામાં પણ કથક, જાનુંના વરનું દુઃસ્વપ્નરૂપે, સીદી, બાયાંઆઈ – એમ ચારેક વાર જાનુંની તુલના દરિયાઈ સમડી સાથે કરવામાં આવી છે. સીદી માટે પણ સમડીની ઉપમા પ્રયોજાઈ છે. શાક બનાવવા જાનું કુંજડીની ડોક મરડી નાંખે એ જોઈ બાયાંઆઈ બોલી ઊઠે કે, ‘તું ને કેટલી ફેરા કેવું કી મરઘાં કૂકડાં તું કાપ મા. તુંને સોકરાં કીમ થાહે?’ (પૃ. ૧૫) અહીં તે સમાજની માન્યતા જોવા મળે છે. સીદી પર ત્રાટકતી સમડી અને કુંડમાં સીદી પર ત્રાટકતી જાનું, અરણીનાં ફૂલની સેર, માટીનો ધોળોઝાણ ઘડો અને ટૂંકા લૂગડામાં ધોળાધફલા જેવા દેહવાળી જાનું, કુંડમાંથી વહી જતું પાણી અને અત્યાર સુધી કુંડ જેવી જ અતૃપ્ત, શરીરસુખની ઇચ્છાને દબાવતી રહેલી મુક્ત થતી, તૃપ્ત થતી જાનું – આવી સાદૃશ્યતાને લીધે આ વાર્તા યાદગાર બની છે. ‘ઝરખ’નું કથાવસ્તુ ટૂંકમાં આ મુજબ છે. લાખો અને કુરાઈ પતિ-પત્ની છે. હમીરો હાડકાનો દલાલ અને કુરાઈનો પ્રેમી. લાખો મેમણશેઠના ડંગા પર મરઘાં-ગોવાળા ચીરવાનું કામ કરે છે. લગ્ન પહેલાં લાખાએ કુરાઈ અને હમીરાનાં સંબંધો વિશે ઊડતી ઊડતી વાત સાંભળી હતી પણ કુરાઈનાં રૂપ પર મોહિત થઈને લાખો તેની સાથે લગ્ન કરી લે છે. કુરાઈનો બાપ ઢોલનો ઉમદા કારીગર છે. સાથે જ તે ઢોલ-શરણાઈ સારી રીતે વગાડી જાણે છે. થોડી ઘણી ખેતી પણ છે. લગ્નમાં ઢોલ વગાડવા જતો કુરાઈનો બાપ લાખાને પોતાની સાથે જોડીદાર તરીકે લઈ જતો. કુરાઈનો બાપ હમીરાને ધિક્કારે અને કુરાઈ બાજુ આકર્ષાય. વાર્તાનાં આરંભે ચામડા ખેંચી જતાં ઝરખને મારવા દોડતો લાખો વાર્તાનાં અંતે ઝરખ જેવો બની જાય છે. લાખાનું પશુમાં થતું રૂપાંતર – એનું બારીક મનોવિશ્લેષણાત્મક દૃષ્ટિએ થયેલું નિરૂપણ અને તેમાંય પરિવેશનો વિનિયોગ – આ બાબતો વાર્તાનું જમાપાસું છે. માગશર મહિનાની આકરી ટાઢથી વાર્તા શરૂ થાય છે. ‘માગશર મહિનાની ટાઢ આકરી હતી. ઘેરું ઝાકળ પડળ બાઝેલું. બારા પર ઝાકળ પડળને લીધે કંઈ કળાતું નો’તું. પોર્ટુગીસ થાણાની સામે પાર ગામમાં ફાનસ ને દીવા ય ઝાંખા પાંખા. ઝાકળપડળ ધાવરનાં વાવડામાં હટી જતું ત્યારે જરાતરા કળાતાં ઝરખની રાતીચોળ ચળકતી આંખ જેવા.’ (પૃ. ૨૬) આકરી ટાઢ, ઘેરું ઝાકળપડળ જેના લીધે કંઈ દેખાય નહીં. આવો આરંભ જ લાખાની મનઃસ્થિતિ સૂચવી દે છે. વાર્તાનો અંત લાખાનાં પશુમાં થઈ ગયેલા પરિવર્તનને સૂચવે છે. ‘એના રાગડાથી અઘોર સોંપો ચીરાઈ ગયો. કુરાઈને ભૂલીને એ મરઘાં-ગોવાળાના ઢગલા કોર તાકી રહ્યો. ઝગમગતી આંખે પણ સાવ ખાલીખમ્મ મને. જાનવરની જેમ ચાવતો લાખો તાકી રહેલો. દીવાદાંડીનો જંગમ મોટો ગેસનો દીવો કોક અગનપશુ કે દૈત્યના ડોળા જેવો ઝગમગતો રહ્યો.’ (પૃ. ૪૪) આરંભે ઝાંખોપાંખો દીવો, ઝાકળપડળ એ લાખાની દ્વિધાગ્રસ્ત મનઃસ્થિતિ સૂચવે છે. જ્યારે અંતે દીવાદાંડીનો દૈત્યના ડોળા જેવો દીવો લાખાનું પશુમાં પૂરેપૂરું થઈ ગયેલું પરિવર્તન દર્શાવે છે. ફિલ્મની ભાષામાં કહીએ તો વાર્તાનો આરંભ એક મહાદૃશ્યથી (Penorama) થાય છે, જ્યારે અંત ટાઈટ ક્લોઝઅપ (Extreme closeup) થી. નાઝીર મનસુરીની એક ખાસિયત એ પણ છે કે તેઓ જે-તે પાત્રોનાં બાહ્ય દેખાવનાં વર્ણન પણ વાર્તામાં વણી લે છે. અહીં પણ હમીરો, લાખો, કુરાઈ એ બધાંનાં બાહ્ય દેખાવનાં વર્ણનો ધ્યાન ખેંચે છે. હમીરો : ‘હમીરાએ ધોળી ચોરણી, પાકેલી બદામનાં રંગ જેવો ઘેરો લાલ-ગુલાબી ઝાંયાળો ખમીસ, એના પર ચાંદીના સાંકળીવાળાં બટન, માથે કાળો કોટ. ટાઢના ટાણે ગામનાં ખારાંપાણી ગમી ઘુલરાબંધ વહી આવતા બણાની ઘેરી ગુલાબી પાંખના રંગવાળી પાઘડી...!’ (પૃ. ૩૯) લાખો : ‘ચકળવકળ ડોળા. બફારામાં પરસેવે રેબઝેબ. કાળી ઝાંયાળું કદાવર ડિલ. પડખે સીસમની કડિયાળી ડાંગ.’ (પૃ. ૨૯) કુરાઈ : ‘અગનજાળ રૂવાબની બાઈ પણ હમીરા સામે મધમીઠી થઈ જતી. જાજરમાન પહોળું ડિલ, ગોરો તાંબાવરણો વાન, છૂંદણાથી મઢેલ ડિલ... કુરાઈ આજે ય રાજાની પટરાણી જેવી શોભતી’તી.’ (પૃ. ૩૨) ફતેખાં ગફાર પિંજારાને મારે, તે લાખાને ધમકાવે. બીજી તરફ તેની હાજરીમાં જ હમીરો અને કુરાઈ ચેનચાળા કરે છતાં લાખાએ ચૂપ રહેવું પડે, વાર્તામાં લાખાનું ચારે તરફથી શોષણ અને દમન થાય છે. હમીરો, કુરાઈ, ફતેખાં, વરજાંગ મુકાદમ, મેમણ શેઠ બધાં તેને હડધૂત કરતાં રહે છે. ડંગા પર તે હાડી ચમાર હોવાને લીધે તેનો પાણીનો ગ્લાસ ને ચાનો કપ જુદાં રાખવામાં આવે છે. આત્મસન્માનને ઠેસ પહોંચાડતા આવા પ્રસંગો ભૂલી જવા લાખો આખી રાત ચીરફાડ કર્યા કરે છે. ઝરખ ચામડાં ખેંચી જાય. ખેડૂતને કોસ બનાવવા અને સ્ત્રીઓને જોડા બનાવવા ચામડા ખૂટતાં હોય. ત્યાં લગામ માટે ચામડું માગતો ફતેખાં લાખાને ધમકાવે, ‘એલા લખડાં, યાં આવ યાં આવ કાય એલા બોવ ચરબી ચડ ગઈ તીજે. આથી કે નિમાન યું ડોલતા ડોલતા નિખરાં તી જાણે ગિનન સાયેબ દેખો તમે... એય રાંડકા યાં આવ... માદરબખત ડોલે કા કાઢતા તુ? કાલ બપોર લગી લગામ કા ચામડા મિલા ની તો ભડાકે ચઢા દઉંગા તીજે.’ (પૃ. ૩૦) લાખાની હાજરીમાં જ હમીરો ને કુરાઈ ચેનચાળા કરે. કંઈ ન કરી શકતો લાખો ગીરકાગડાને જોડાનો છૂટો ઘા મારે. ચારે તરફથી થતાં શોષણ અને દમનથી ત્રસ્ત લાખાની મનઃસ્થિતિ તેના આ સંવાદમાં વ્યક્ત થઈ છે, ‘ગામ મેલીને આયા વટી આઈવોસ. આયાથી અવે કાં ઝાવું. કોક મુંને સફરી વાણમાં ભરી હાત હમંદરની પાર મેલીયાવે આહાહા... સુગલોથી ઝાય.’ (પૃ. ૨૯) લાખાની ભીતર પ્રવેશી ગયેલી ભીતિ, ખાલીપો અને કાયરતા સર્જક બે રીતે દર્શાવે છે. એક, લાખાને આવતા દુઃસ્વપ્ન વડે અને બીજું, દરિયાકાંઠાના સન્નાટા વડે. તેનું દુઃસ્વપ્ન જુઓ. ‘હમણાં રોજ રાતે ઢાંઢા ભાંગલો ઝરખ ને શિયાળિયાં કાં કોટવાળું જ દેખાતો સપનામાં. ફતેખાંની ધાક. નકરો ઓથાર. મૂંઝારામાં રેબઝેબ ને ફાળ ભેળો ઉથલી પડતો ખાટલામાંથી. ગઈ રાતે ગામધણી એનો કાળો ઘોડો લઈ એની વાંહોવાંહ. ‘અવે તો તેરા ય સામડાં ઉતારને લગામું બના નાખું. તેરી તી આઇકુ આંણી તી...’ લાખો ગામની સાંકડ મૂંકડ શેરીઓમાં, છીતરીઓમાં ચક્કર-ભમ્મર ફરી થાક્યો. પણ ફતેખાં ને ઘોડો વાંહોવાંહ. આખરે ગામ બારો નીકળી ગયો. ઘોડાખાણ ગમી દોટ મૂકી... એની જીવતી ખાલ ઉતારવા માંડી. ફતેખાં તો ફતેખાં પણ એનો ઘોડોય માણસ જેમ મંડી પડેલો.’ (પૃ. ૩૫) એ જ રીતે દરિયાકાંઠાના સન્નાટાના વર્ણન વડે લાખાની ભીતરના ખાલીપાને સર્જક દર્શાવે છે. ‘ગીધડાની ચીચયારીથી બપોરનો સૂનકાર ચીરાઈ ગયો... જુવાળનાં જીવતાં પાણી પરથી ટાઢોટમ સૂસવાતો વાવડો વહી આવતો’તો.’ (પૃ. ૩૬) ‘કાળાકોપનો બપોરનો તડકો. આગનો ગોળો જાણે આભમાં લટકી રહેલો. ગામ તો ખાલીખમ્મ.’ (પૃ. ૪૪) ‘જેઠના અંધારિયામાં અમાસનો કાળઝાળ જુવાળ ધસી આવેલો. મેહની એંધાણીનો આખરનો વાવડો સુસવાટા મારતો વહેતો’તો.’ (પૃ. ૪૧) ક્રમશઃ લાખો જાત પરનો કાબુ ગુમાવતો જાય. લાખાની ઝરખને સતત મારવાની ચેષ્ટા, ઝરખ પ્રત્યેની ખીજ એ બીજું કંઈ નથી પણ સ્થાનાંતરણ (Transferance) વડે અહમ્‌ને (Ego) ટકાવવાની મથામણ છે. વાર્તાકારે લાખાનું ઝરખમાં થતું ક્રમશઃ પરિવર્તન સંકેતો, દુઃસ્વપ્ન, ફ્લેશબૅક, પરિવેશ વડે દર્શાવ્યું છે. આથી જ મનોજ માહ્યાવંશી આ વાર્તાને માત્ર ‘દલિત સંવેદનની વાર્તા’ કહે છે તેની સાથે સંમત થઈ શકાય તેમ નથી, કારણ કે એમ કરવા જતાં કૃતિનું પરિમાણ સીમિત થઈ જાય અને માનવ મનની સંકુલતાનું સરલીકરણ થઈ જાય. ‘ભૂથર’ એ સર્જકની ખૂબ જાણીતી રચના છે. ‘The Whale’ નામથી તેનો અંગ્રેજી અનુવાદ થયો છે. આ વાર્તા માટે સર્જકને ઈ. ૧૯૯૭નો કથા એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. સર્વજ્ઞનું કથનકેન્દ્ર ધરાવતી ‘ભૂથર’નું કથાવસ્તુ આ મુજબ છે. શિયાળાના સમયથી – કારતક વદ પક્ષની એક સાંજે લખમ રાક્ષસી ભૂથર પકડી બારામાં પ્રવેશે ત્યાંથી વાર્તા શરૂ થાય. લખમની મા લખમીનો પોર્તુગીસ લશ્કરી અમલદાર માર્કોસ-દ-કુન્હા સાથે પ્રેમ સંબંધ હતો. એ સંબંધથી લખમનો જન્મ થયો હતો. તેની મા વિશે ગામલોકો અને લાડુફોઈ વાતો કરતાં. લાડુફોઈ કાયમ તેના બાપને ગાળો દેતી. આ વાતે બાપ પર ખીજાતો લખમ ભૂથર-પટારી, બેર, શૂળિયા મઘરાં વગેરે મઘરાને ‘પોર્તુગીસ’ નામથી જ સંબોધતો અને તેમના શિકારની એકેય તક જતી ન કરતો. લાડુફોઈ રાણીનું લખમ સાથે દિયરવટું થઈ જાય એમ ઇચ્છે છે. બીજી બાજુ રાણીનું ચિત્ત દરિયે ગયેલા અને પાછા ન વળેલ પતિ પૂંજા ટંડેલ અને લખમ વચ્ચે ઝૂલ્યા કરે છે. પૂંજાના કોઈ સમાચાર ન હોવાથી તે મરી ગયો છે એમ માની લાડુફોઈ પૂતળવેલનો વિધિ કરાવી રાણીને લખમ સાથે પરણાવી દેવા માંગે છે. લખમ સોળ વર્ષનો હતો ત્યારે તેના તરફ આકર્ષાઈને રાણીએ તેને બળજબરીથી પકડી લીધો હતો. ગભરાયેલો લખમ ચીસો પાડીને નાસી છૂટ્યો હતો ને હીજડાઓના હાથમાં સપડાઈ ગયો હતો. ચારેક વર્ષ હીજડાઓએ તેને પકડી રાખીને તેનું જાતીય શોષણ કર્યું હતું. તેથી તે સ્ત્રી-પુરુષના સંબંધ માત્રથી ભડકતો. હીજડાઓની પકડમાંથી છૂટી છ એક વર્ષ રઝળપાટ કરી તે ગામ પાછો ફરે છે ત્યારે તેને ખબર પડે છે કે મોટો ભાઈ પાંચ વર્ષથી પાછો આવ્યો નથી. ૨૬ વર્ષનો જુવાન લખમ નહાતી રાણીનાં નગ્ન દેહને જોઈ તેના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. રાણી પણ તેને અવારનવાર ઉશ્કેરતી રહે છે. વાર્તાના અંતે લખમ આવેશમાં આવીને રાણીમાં ખોવાઈ જાય છે. રાણીમાં તેને ભૂથર દેખાય. ૧૬ વર્ષના ભીરુ કિશોર લખમનું શિકારીમાં થતું રૂપાંતર અને તેની હિંસ્રવૃત્તિ પાછળ રહેલી દમિત જાતીયતા અંતે વિસ્ફોટ સાથે બહાર આવે છે અને તે પ્રબળ આવેશપૂર્વક ભૂથરનો શિકાર કરતો હોય તેમ રાણી સાથે જાતીય સંબંધ બાંધે છે. ‘દરિયાઈ મછાક’ની જાનું દમિત જાતીયવૃત્તિથી દોરવાઈને ગંગડીને ભોગવે છે. સીદી સાથે જોડાય છે ત્યારે તે ગંગડીનો વિચાર પણ કરતી નથી. ફ્રોઇડના શબ્દોમાં કહીએ તો, જાનું ઈડથી દોરવાઈને જીવે છે. લખમ અને રાણી પણ આવા ઈડથી દોરવાતાં પાત્રો છે. અચેતનમાં બે પ્રકારની સામગ્રી રહેલી છે. એક, જે આદિમ અને સુખોન્મુખ છે. જે ક્યારેય ચેતનના ક્ષેત્રમાં પ્રવેશી જ નથી. બીજી એવી કે, જે ચેતનના અનુભવોમાં આવી છે પણ જે આત્મસન્માનને ઠેસ પહોંચાડે તેવી છે, ચિત્તમાં સંતાપ જન્માવે તેવી છે અને જે શરમજનક ગણાય છે. ફ્રોઇડના મતે, માનવમન સુખપ્રાપ્તિની વૃત્તિથી (Pleasure Principle) દોરવાતું હોય છે. અજાગ્રત મનમાં રહેલી અસામાજિક, અનૈતિક, અવાસ્તવિક ઇચ્છાઓ તે ઈડની (ID) સામગ્રી છે. ઈડ એ માનસિક ઉર્જાનો આદિમ સ્રોત છે. ઈડ સારું-નરસું, નૈતિક-અનૈતિક એવા કોઈ મૂલ્યોમાં માનતું નથી. કોઈ નીતિ-નિયમો તેને અસર કરતાં નથી. તેનો એક માત્ર હેતુ તત્કાલીન સુખપ્રાપ્તિનો હોય છે. ક્યારેક તો તે આ સુખપ્રાપ્તિના હેતુમાં પોતાને જ નુકસાન કરી બેસે છે. લખમની માનો પોર્ટુગીઝ અધિકારી જોડે સંબંધ હતો એ વાત લખમને પીડે છે. બાપ પ્રત્યેનો આક્રોશ તે ભૂથર, પટારી, બેર, કનડ, તોતિંગ શૂળિયા મઘરાનો શિકાર કરીને સમાવવા મથે છે શીળી મોઢાળા, ઊંચા પહોળા માંસલ લખમની બીજી વેદના રાણી ભાભી છે. સોળ વર્ષના કિશોર લખમ સાથે રાણીએ બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભાગી છૂટેલો લખમ હીજડાઓના હાથમાં સપડાયો હતો. એ બનાવોના લીધે લખમ કોઈપણ સ્ત્રી સાથે જોડાઈ શકતો નથી. બાપ પ્રત્યેનો આક્રોશ, રાણી પ્રત્યેનું પ્રબળ આકર્ષણ અને હીજડાઓના હાથમાં સપડાતાં વેઠેલી પીડા – આ બધાંના પરિણામે લખમ અન્ય માછીમારો કરતાં જુદો છે. લખમ જેવું જ સંકુલપાત્ર રાણીનું છે. દરિયાની સફરે ગયેલા પૂંજા ટંડેલના દસ વર્ષથી કોઈ સમાચાર નથી. માછીમાર સમાજના રિવાજ મુજબ પૂંજાની ફોઈ લાડુ ડાકણી રિવાજ મુજબ પૂંજાનો ‘પુતળવેલ’નો વિધિ કરાવી નાંખે છે. રાણીનું ચિત્ત એક બાજુ પૂંજાને ઝંખે છે, બીજી બાજુ લખમનો માંસલ દેહ તેને આકર્ષે છે. રાણી દિયરવટા માટે તૈયાર છે પરંતુ જોડે જ રાણીને દસેક વર્ષ પહેલાં લખમને બળજબરીથી પકડ્યો હતો એ ઘટના પણ યાદ છે. તેથી રાણી કંઈક અંશે ખચકાટ અનુભવે છે. આ તરફ લાડુ ડાકણી એમ માને છે કે લખમ લગનની ના પાડે એ માટે રાણીએ કોઈ વિધિ કરાવ્યો છે. તેથી તે પણ રાણીને ન કહેવાનાં વેણ કહે છે. રાણીની આ સંકુલ મનઃસ્થિતિ તેના આ સંવાદમાં વ્યક્ત થઈ છે. ‘સતે ધણીયે રાંડ્યાસ તી આ ઠોંહા ખાવા પરેસ, નભ્ભાઈની ઝાયુંના. ઇસ ભરવો (લખમ) ના કીયા કરે તી અમી કાંવ કરીયે બાઈ...’ (પૃ. ૭૧) રાણીનો દેખાવ : ‘આડત્રીસેક ઉંમરની રાણીનો ભરચક દેહ. સીસમ જેવો કાળો ડિબાંગ વાન. નાકનકશો ભારે કામણગારો ને તીખો. પહોળી જાજરમાન પીઠ પર વાળનો જથ્થો હોડી પાછળ રહેલા સુકાન જેવો શોભતો. અંબોડો તો માથા કરતાંય મોટો બંધાતો, પાકેલા કાળા ભટ્ટ તાડફળ જેવો. તીખા ચહેરા પર જાડા હોઠ ધ્યાન ખેંચતા. સાટીનના રંગીન ઘાઘરા. તંગ તસોતસ પોલકાં જ પહેરતી હમણાં તો. એમાં તેનું ભરચક બદન ઊભરાઈ જતું.’ (પૃ. ૭૧) વાર્તાના આરંભે જ વિશાળકાય ભૂથરનો શિકાર કરીને કાંઠે પાછો ફરતો લખમ જોવા મળે છે. લખમે ભૂથરનો શિકાર કર્યાનું જાણી રાણી અકળાય અને લખમના સાથીને ઠપકો આપે. સાથી લખમ સામે રાણી શું બોલી હતી તે કહે. એ સાંભળીને – ખાસ તો ‘પાંતીબાયવ’ ગાળ સાંભળીને લખમ મનોમન ઉકળાટ અનુભવતો બબડે, ‘સરમપખનની કેસ કીવી કી અમી પાંતીબાયા સે. તી અમી પાંતીબાયા રેય કી તી કાંવ લીવા અમીને બથું ભરવા આવેસ. હાહુની ભૂથર જીવી.’ (પૃ. ૭૩) વાર્તાકાર માટે કપરુ કામ આવા સંકુલ મનોભાવોવાળાં બંને પાત્રોનાં એકમેક પ્રત્યે વધતાં આકર્ષણને દર્શાવીને, બંનેને જાતીય સંબંધ સુધી પહોંચતાં દર્શાવવાનું છે. રાણીભાભીના લીધે જ લખમ હીજડાઓના હાથમાં સપડાયેલો. અચાનક એ બધું ભૂલી જઈ રાણી સાથે જોડાઈ જાય તો તે અપ્રતીતિકર બની રહે. સર્જક પૂરી ધીરજથી બંને પાત્રો વચ્ચે વધતાં જતાં તણાવને, આકર્ષણને તેમની ક્રિયા-પ્રતિક્રિયાઓ વડે દર્શાવે છે. જેમ કે, ભૂથર મારીને ઘરે આવતાં પહેલાં લખમ ‘પાંતીબાયા’ની ગાળ સાંભળે અને તેના ચિત્તમાં આખો ભૂતકાળ તાજો થઈ જાય. અકળાયેલો લખમ પગ પછાડતો ધરે આવે, રાણીની પહોળી પીઠને તાકી રહે. દીવાના ઉજાસમાં લંગોટીભેર ઊભેલા લખમને રાણી તગતગતી આંખે જુએ. એ આંખ લખમને ‘અગાધ જળમાં ભૂથર-પટારીની ઝગમગતી આંખ’ જેવી લાગે. આંખથી જ લખમને ભરખી રહેલી રાણી પ્રબળ કામવાસના અનુભવે. પરિણામે ખીજમાં આવીને રાણી ચૂલામાંથી શેકાયેલા ધગધગતા બૂમલા કાઢી ચોળવા માંડે અને એમાં તેની હથેળી દાઝવા માંડે. ઊભડક બેઠકે બે પગ પહોળા રાખી જમતી રાણી લખમ જોડે વાત શરૂ કરવાના હેતુથી ભૂથર કેટલામાં વેચી? એવો સવાલ કરે. જવાબમાં લખમ ઊકળી ઊઠે. લખમની આંખ રાણીના માંસલ પગની પિંડી પર ચોંટી જાય. સૂતી વખતે પણ લખમની આંખ રાણીની કાળી પીઠને તાકી રહે. ‘ઓઢણું ઓઢ્યા વગરની ચોળીમાં તસોતસ કાળી પીઠને લખમ તાકી રહ્યો. દરિયામાં દૂર દૂર તરતી ભૂથર પટારીની ચળકતી પીઠને તાકતો હોય એમ. આજે બપોરે જ જટાજાળમાં ભરાયેલી તોતિંગ ભૂથરની પીઠ ચમકી ગઈ. નસો તંગ થઈ ને આંખોમાં ખારી ઝેર ગમગીની તરી આવી.’ (પૃ. ૭૬) લખમની સંકુલ મનઃસ્થિતિ ‘તંગ નસો’ અને ‘આંખોમાં તરી આવતી ગમગીની’થી સૂચવાય છે. દસ વર્ષ બહાર રહેલો લખમ રાણીની ભીંસ ભૂલ્યો નથી. કહો કે, એ ભીંસ વધારે મજબૂત થઈ છે. બીજી તરફ રાણીની તરસ પણ લખમ માટે વધી છે. ‘દસેક વરસમાં પડછંદ બદન?’ રાણી કવળાઈ ગઈ. ટાઢની બપોરે લખમ ગોવાળાની સોટીનો માર ખાઈને ગયો પણ રાણીના મનના અતલ ઊંડાણમાંથી લખમની ધખના ચીસ જેવી ગોકીરા જેવી અધરાતમધરાત ઊઠતી ને શમી જતી... લખમને ફરી બાથ ભરી જવાની અગનબળતરા ઊપડી.’ (પૃ. ૭૭) બીજી તરફ રાણીના વિચારોમાંથી છૂટવા ગામ બાજુ જતા લખમની નજર એક ઘરમાં જાતીય સુખ માણતાં સ્ત્રી-પુરુષ પર પડે અને વળી તેના ચિત્તમાં રાણીનો દેહ, હીજડાઓના ચેનચાળા – બધું ઊપસી આવે. પહેલા દિવસની રાત રાણી અને લખમ માંડ માંડ પસાર કરે ત્યાં બીજા દિવસની બપોરે નહાતી રાણીને લખમ જુવે અને તેના ધબકારા વધી જાય. રાણી વધારે અકળાય. તેનું સ્ત્રીસહજ ચિત્ત લખમ તેની નજીક આવે તેમ ઇચ્છે છે પણ લખમ તો પ્રતિક્રિયારચનાની પ્રયુક્તિને વશ નગ્ન રાણીને જોઈને દૂર ભાગે. જે રાણીને હાડોહાડ અપમાન જેવું લાગે. રાણીને થાય કે લખમ તેને તાકવાના ઇરાદે જ આવ્યો હતો. જાળ સીવતી રાણી સૂતેલા લખમની પીઠ તાકતી રહે. સુજ્ઞ ભાવકને પ્રશ્ન થાય કે લખમ અને રાણી આટઆટલું પ્રબળ આકર્ષણ પરસ્પર અનુભવે છે છતાં એકમેકથી ભડકે છે કેમ? શા માટે લખમ લગ્નની ના પાડ્યા કરે છે? આ બંને પ્રશ્નોના ઉત્તર રાણી - લખમના અચેતન મનમાં રહેલા છે. રાણીએ વર્ષો પહેલાં પહેલ કરીને ઉતાવળે લખમને બાથમાં લીધો હતો ત્યારે લખમ ભાગી ગયો હતો. આથી, રાણીના અચેતનમાં એવી બીક રહેલી છે કે કદાચ આ વખતે પણ ઉતાવળ કરવા જતાં લખમ ભાગી જશે. એટલે તે ઇચ્છાઓ દબાવી દે છે. બીજી તરફ, લખમ પોતે રાણીની ભીંસથી ડરીને ચીસ પાડી ઊઠ્યો હતો. તેના અચેતનમાં એવો ભય છે કે પોતે ફળદ્રુપ, ‘ભૂથર જેવી’ પ્રબળ આકર્ષક રાણીને સંતુષ્ટ ન કરી શક્યો અને રાણીની ભીંસમાં સપડાઈ ગયો તો? ‘પાંતીબાયા’ અર્થાત્‌ હીજડા શબ્દ એટલે જ લખમને ખૂંચે છે. ભૂથરનો શિકારી લખમ પોતાની મર્દાનગીના કલંકની વાતે ડરે છે. આગળ નોંધ્યું તેમ આ ડરને દબાવીને બંનેની આદિમ વૃત્તિઓ અચાનક બહાર ન જ આવે. તેથી રાણી અને લખમ ખચકાટ અનુભવે તે સ્વાભાવિક છે. રાણીના નગ્ન દેહને બપોરે જોયા બાદ હોડી લઈ, દરિયામાં ગયેલો લખમ તોતિંગ કાયાવાળી બેરને જુએ. પ્રબળ અતૃપ્ત કામવાસનાનું રૂપાંતર શિકારી વૃત્તિમાં થાય અને લખમ બેરના પીંછા-પાંખડા કાપે ત્યારે જ શાંત થાય. કથક શિકારના એ વર્ણન વડે લખમની અતૃપ્ત કામેચ્છાનું હિંસ્રરૂપ દર્શાવે છે. રાત્રે પાછો ફરેલો લખમ જાળમાં ફસાઈ જાય અને અંધારામાં રાણી તેને મદદ કરવા જતાં રાણીના ભારથી લખમ જાળમાં ગબડી પડે. આ પ્રસંગના દોઢ મહિના બાદ દરિયામાં ગયેલો લખમ બે વિશાળકાય ભૂથરને ગેલ કરતાં જુએ પણ તેમનો શિકાર ન કરે. એ રાત્રે લખમ રાણી જોડે જાતીય સંબંધ બાંધે. ‘લખમની રાણીની પીઠ ભોંકાતી હતી. ફાનસના લાલચોળ ઉજાસમાં એ વધારે કદાવર લાગતી હતી. દસેક વરસ પહેલાં આંખમાં લખમને બાથ ભરી ગયેલી રાણી આ જ વેશમાં હતી? લખમના મનમાંથી ધીમી ચીસ ઊઠી... પડખાભેરી પડેલી રાણીની પીઠ તેને ભૂથરની પીઠ જેવી જીવલેણ ખેંચવા લાગી. રાણીનું મોહક હાસ્ય અંધારામાં રણકી ઊઠ્યું. ભૂથરની આંખો જેમ રાણીની આંખો ઝગારા મારતી હતી... ભૂથરની કાળી ડિબાંગ પીઠ પર ચડીને પાંખ કાપવી હોય એમ લખમ આવેશમાં ખોવાઈ ગયો.’ (પૃ. ૮૬-૮૭) લખમને રાણી ભૂથર જેવી લાગે. પ્રચંડ શક્તિશાળી, તેના પૌરુષને પડકારતી રાણીને એવી જ ઉગ્રતાથી બાથમાં ભીંસીને લખમ અદમ્ય આવેશપૂર્વક રાણીને ભોગવે તેવું આ વર્ણન સર્જકની માનસશાસ્ત્રીય સૂઝ દર્શાવે છે. વાર્તાના આરંભે ભૂથરનો શિકાર અને વાર્તાના અંતે રાણી સાથેનો સંબંધ – આ બંને દૃશ્યોની સહોપસ્થિતિ વાર્તાને નક્કર આકાર આપે છે. લખમની દમિત જાતીયતા પ્રચંડ વિસ્ફોટ સાથે બહાર આવે ત્યાં વાર્તા પૂરી થાય છે. એક તરફ લખમ પેલા જૂના પ્રસંગની જાળમાંથી છૂટે છે. બીજી તરફ રાણીની વૃત્તિ પણ સંતોષાય. વાર્તામાં બે એક વાર રાણી જાળ ગૂંથતી જોવા મળે છે તે સૂચક છે. પહોળા પગ રાખી લખમની સામે બેસતી રાણી, જાળમાં લખમના શરીર પર પડતી રાણી, ગરમ બૂમલા ચોળતી રાણી – એમ રાણીના અનેક રૂપો સર્જકે દર્શાવ્યાં છે. દરિયામાં પોતાની તરફ લખમને ખેંચતી ભૂથરની જેમ જ રાણી પણ ક્રમશઃ લખમને પોતાની તરફ ખેંચે છે અને અંતે દસ-દસ વર્ષથી અતૃપ્ત એવી લખમને પામવાની ઝંખના તૃપ્ત કરે છે. સ્ત્રી-પુરુષ સંબંધની સંકુલતાઓ ઉજાગર કરતી વિશેષ તો, રાણી - લખમ જેવા તીવ્રતમ જાતીય વૃત્તિવાળા પાત્રોના અચેતન મનમાં ચાલતી ગડમથલ, ભીતિ, શંકા, ક્રોધ આદિનું કલાત્મક નિરૂપણ, ધીરજપૂર્વક બંને પાત્રોના બદલાતા મનોભાવોનું ઝીણવટભર્યું નિરૂપણ, લખમનો બાપ પ્રત્યેનો આક્રોશ – આ બધાંને કારણે વાર્તા યાદગાર બની રહે છે વાર્તાકાર નાઝીર મનસુરી માનવીના અચેતન મનમાં દબાયેલા વિચારોથી દોરવાતાં પાત્રો આલેખે છે. કહો કે, અચેતનના અંધારા ખૂણામાં ડોકિયું કરાવે છે. ‘ઓછાયો’ પણ આવી જ અલગ પ્રકારની રચના છે. ‘ઈડ’થી દોરવાથી બે બહેનોની પરસ્પરનો ઈર્ષ્યાભાવ, દમન અને પ્રક્ષેપણ (Projection) વડે પોતાની જ બહેનના (તે પણ પોતાના પતિથી થયેલા) પુત્ર સાથે જાતીય સંબંધ બાંધતી નાયિકા, ઈડિપસ ગ્રંથિથી પીડાતો પુત્ર અને આ સાથે સુખપ્રાપ્તિ માટે જાતીયતાથી દોરવાઈને વર્તન કરતાં પાત્રોનું એક સંકુલ વિશ્વ ‘ઓછાયો’માં રજૂ થયું છે. ડાકણી પાસે કરાવાતા પલીતાં, સ્વપ્ન આદિ પ્રયુક્તિથી સર્જક આદિમ વૃત્તિઓનું જગત રજૂ કરે છે. ‘ઓછાયો’નું કથા વસ્તુ આ મુજબ છે. સર્વજ્ઞનું કથન કેન્દ્ર ધરાવતી આ વાર્તામાં મુખ્ય ચાર પાત્રો છે : હમીરો, લાભુ, કુરાઈ અને માધો. કુરાઈ અને લાભુ એ બે બહેનો છે. કુરાઈને હમીરો ગમતો પણ લાડુઆઈએ હમીરા સાથે લાભુને પરણાવી અને કુરાઈને લખમણ સાથે. આ વાતે લાભુ પર અકળાતી કુરાઈ તેને શરૂઆતમાં હેરાન પણ કરતી. લાભુ સાથે પરણ્યા બાદ હમીરો કુરાઈ સાથે જાતીય સંબંધ બાંધે છે ત્યારે કુરાઈ શાંત થાય છે. હમીરાને તો કુરાઈમાં પણ લાભુ જ ભળાય છે. ‘નરી લાભુડીસ જાણ્યે’ એવા હમીરાના શબ્દોથી કુરાઈ અકળાઈ જતી. કુરાઈ હમીરા વડે માધાની મા બને છે. બીજી તરફ લાભુ ચારચાર દીકરીઓની મા બને છે. માધાને પણ લાભુ માહી ખૂબ ગમે છે. તેને હમીરો લાભુ જોડે સંબંધ રાખે તે ગમતું નથી. લાભુ માધાને ખોળે લેવાનું વિચારે. માધો લાભુને ત્યાં હાંતી તરીકે રહે. હમીરો માધાથી બળતરા અનુભવે. વૈશાખની એક બપોરે ખાડીઓમાં હમીરો માધા સાથે ઝઘડે. માધો છીપલા બાઝેલો પથ્થર હમીરાના માથામાં ફટકારી દે. હમીરો કમોતે મરે. માધો સાચી વાત કોઈને ના જણાવે. હમીરાના મોત પછી છોકરાની ઝંખના અને માધાને પામવાની એષણાથી દોરવાઈને લાભુ માધા સાથે સંબંધ બાંધે અને માધાના પુત્રની મા બને. લાભુ હમીરાથી જ મા બન્યાની વાત લાડુ આઈ વડે ફેલાવે. હમીરાની હત્યાનો ભાર વેંઢારતો માધો પોતે ડાકણો હોવા છતાં ક્રમશઃ હમીરાના નામ માત્રથી ડરવા માંડે. વાર્તાના અંતે વરસાદી રાતે છોકરાને અફીણ ચટાડીને સુવડાવી દઈ લાભુ માધા જોડે સંબંધ બાંધવા જાય. લાભુ ખાટલામાં પણ માધાને હમીરો કહીને બોલાવે. વરસાદી રાત, લાંબા રાગે રડતાં કૂતરાં, વરસાદી પવનથી હાલકડોલક થતો ફાનસનો ઉજાસ, હમીરો કુરાઈમાને રાખીને બેઠો હતો એ સ્મૃતિથી ડરી જતો માધો હમીરો ઓરડામાં હોવાનું અનુભવે અને લાભુથી છૂટવા હવાતિયાં મારવા માંડે ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘લાભુમાહીના ઢોલિયેથી ઊતરવા એ (માધો) ફાંફાં મારવા માંડ્યો. લાંબા રાગડાની રવાડના લીધે થથરી ગયો’તો. બદનનાં ઓછાયા જેવો એ છૂટવા હવાતિયાં મારવા માંડ્યો.’ (પૃ. ૬૫) ‘ઓછાયો’ વાર્તા વાંચતા અનાયાસપણે ફ્રેંચ નવલકથાકાર એમિલ ઝોલાની વિખ્યાત નવલકથા ‘થેરોઝ રાંકે’ યાદ આવી જાય. ‘ઓછાયો’ની લાભુ પણ ‘થેરોઝ રાંકે’ની નાયિકા થારીની યાદ અપાવે તેવી સ્ત્રી છે. ઘણા દિવસોથી સપનાના ઓથારમાં હમીરાને ભાળતી અને માધાનો ભરમ થતાં લાભુ રાત્રે જાગી જતી. જેઠ માસની એક અંધારી રાતે આમ જ ભડકીને લાભુ જાગે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. વાર્તાકાર આરંભથી જ ભીતિ અને જાતીયતા એમ બંને ભાવ અનુભવતી લાભુ દર્શાવે છે. એ માટે તેઓ પરિવેશને ખપમાં લે છે. લંબાણભયે પણ આરંભનું એ વર્ણન જોવા જેવું છે. ‘લાભુ અચાનક ભડકીને જાગી ઊઠી. પડખેની વાડી કોરથી રવાડ ઊઠી. પરસેવે રેબઝેબ થઈ લાભુ સાગડાના ખાટલામાં હાંફતી બેઠી થઈ ગઈ. રેંટના ઘડુ જેવી એની છાતી, આખરના જુવાળમાં ખદબદતાં દરિયાનાં મોજા જેમ હિલોળા લેવા માંડી... મધરાતનો બીજો પહોર પૂરો થવા આવ્યો. જુવાળના ટાણાને લીધે છંટ કોરથી ધોર ગાજવા માંડ્યો. ફાનસમાં ઘાસલેટ ખૂટવા આવતાં વાટ મોઢિયામાં બેસી જતી હતી. જેઠના અંધારિયામાં બફારો ને તપારો કાળઝાળ... રાત-મધરાત એને ભરમ થતો કે બારીમાંથી કોઈક ડોકાય છે, અંદર આવે છે ઓછાયા જેવુ. દરિયા પરથી વહી આવતો વરસાદની એંધાણી જેવો વાવડો સુસવાટા મારવા માંડ્યો. ઘરમાં ફાનસના કાળા મેલા ઓળા પથરાયા. જેઠ વદ પડવાના ચાંદાનો ઉજાસ ડોકાવા લાગ્યો. ગારમાટીમાં ચાંદાનો પડછાયો ટૂંકા દેહે પથરાયો. લાભુ તાકી રહી. રવાડ પાછી બેસી ગઈ. લાભુને માંડ હાશ થઈ. ધડકતી છાતીએ ઊઠી. ઉઘાડા દેહ પર ચટાપટાવાળી ચપોચપ મેલીઝાણ ટૂંકી ચડ્ડી સિવાય કંઈ નહોતું. બફારો એવો કે આટલું લૂંગડુંય બદન પર કઠતું.’ (પૃ. ૪૫) બફારો, દરિયા પરથી આવતો વાવડો, કૂતરાની રવાડ આદિ વડે એક રહસ્યમય ઓથારવાળું વાતાવરણ સર્જાય છે. તેમાં ભડકીને જાગતી પરસેવે રેબઝેબ લાભુ, તેની દરિયાના મોજાં જેમ હિલોળા લેતી છાતી આદિ વર્ણનો લાભુની ભીતિની પડખે કામવૃત્તિને પણ સૂચવે છે. જાનું, રાણી, કુરાઈની જેમ જ લાભુ પણ ફળદ્રુપ અને આદિમ દૈહિક આવેગોને પ્રબળપણે અનુભવતી સ્ત્રી છે. કથક લાભુના શરીરનું વર્ણન આ શબ્દોમાં કરે છે. ‘લઠિંગા જેવું પહોળું બદન. કમાઉદેહ પણ ભારે કામણગારો. છ એક સુવાવડ પછી પડઘમ ને લચકદાર બની ગયેલી. પગથી ઠેઠ સાથળ લગી ને આખા દેહ પર છૂંદણાં ખીચોખીચ. બલોયાં વગરના ગોરા ઝાણ હાથ પર મોરલા, ફૂલવેલ, પાંદડીઓ ને દાણાદાર ઝીણી ભાતથી બાંડાં ને બળુકાં કાંડાં ભારે રૂપાળા લાગતાં. બે એક વીટા વળેલી જાડી કમર.’ (પૃ. ૪૬) વાર્તાનું પ્રથમ વિધાન જ ચોંકાવનારું છે. ‘લાભુ અચાનક ભડકીને જાગી ઊઠી.’ પ્રશ્ન થાય કે લાભુ શા માટે ભડકી? તેને બારી પાસે કોઈકનો ઓછાયો દેખાયો. વાર્તામાં લાભુનું માધા પ્રત્યેનું આકર્ષણ અને એ આકર્ષણને દબાવવા માટે લાભુનું અચેતન અંતે લાભુને વાસ્તવ અને ઝંખના વચ્ચેનો ભેદ ભૂંસવા સુધી દોરી જાય છે. વાર્તાના આરંભથી જ બે વિરોધી વૃતિઓ વચ્ચે રહેંસાતી લાભુ જોવા મળે છે. એક રાતના બે પહોરમાં લાભુ હમીરો (જે મૃત્યુ પામ્યો છે) તેની પડખે હોય તેમ અનુભવે અને શરીરસુખ સ્વપ્નમાં માણે પણ અંતે તેને હમીરાની જગ્યાએ માધો દેખાય. ‘મોઢું મચકોડી ખાટલે આવી. સપનાના ઓથારમાં હમીરો દેખાતો પણ લાભુને માધાનો ભરમ થતો. ‘મુંને કીયા ઝલમનું ઈનાવનું લેણું રઈ ગ્યુંસ તી રાત્યમ જ રાત્ય ભૂંડાં-ભસકા ઊપડેસ? માધ્યોય ગલકીનો હગ્ગી બેન્નો સોકરો. અભાગ્યો ભરવો. મારી વાહણ આથુંપગું ધોઈને પડ્યોસ. માહીને પોંખવા નિહર્યોસ. નીસ.’ રગેરગમાં ભાઠોડિયા વીંછીના ડંખ.’ (પૃ. ૪૬-૪૭) એક બાજુ લાભુ માધાથી દૂર ભાગે, તેનાથી ભડકે છે. બીજી બાજુ માધાને તે હમીરા સાથે સરખાવે છે. ‘માધાની આંખ પારખી ગયેલી એ. એટલે મનમાં છાને ખૂણે માધો ગમતો. ‘નકરો અમીરો’સ જાણ્યે. મડીમડી પણ્ય ભડવાના લખણ્ય પણ્ય ઈના માહા જિવાસ સે તી હાવ?’ માધાની શીક્કલ અસલ હમીરા જેવી. ભીંજાયેલા દેહ પરસેવો સૂકાતાં ટાઢક ફરી વળી.’ (પૃ. ૪૭) લાભુની સ્વગતોક્તિઓમાં તેના અચેતન મનની ઇચ્છાઓ અને અહમ્‌ (Ego) વચ્ચેનો સંઘર્ષ જોવા મળે છે. ફ્રોઇડ કહે છે તેમ ઈડ સુખને જ ઝંખતી વૃત્તિઓથી દોરવાય છે. અહમ ટોકે કે માધો સગી બહેનનો દીકરો છે.’ વળી, લાભુ કુરાઈ સાથેનો હમીરાનો સંબંધ પણ જાણતી હતી. તેથી ઈડ ઉશ્કેરે અને લાભુ વિચારે કે, ‘માધો તેના માસા હમીરા જેવો જ છે.’ એ વિચાર સાથે દેહ પર ટાઢક ફરી વળે. લાભુ અપરાધ બોધમાંથી છૂટીને વળી સૂઈ જાય અને ફરી તેને ખાટલામાં હમીરો પડખે હોય તેવું સ્વપ્ન આવે. લાભુ ખાટલામાં ઉંહકારા ભરતી આળોટે અને તેના ઉંહકારા સાંભળીને ઉત્તેજિત થયેલો માધો બારીમાંથી અમળાતી લાભુને જુએ. ‘ત્રીજા અધોર પહોરે કાળજું ઠરી જાય એવો સોપો પડી ગયેલો. લાભુની આંખો ઊંઘનાં ભારણ તળે મીંચાઈ ગયેલી. ભારઝલ્લી લાલ ધોલાં જેવી આંખે એને હમીરો દેખાયો. એની ઢાલ-કાચબાની ઢાલ જેવી પહોળી છાતી પર હમીરો કાળમીંઢ પાણા જેવો વળગ્યો હતો. થાકથી ભાંગેલો લાભુનો દેહ ચતોપાટ પડેલો. લાભુના પહોળા ઢોલિયે જાણે હમીરો હોય એમ એ કરવા માંડી. કરાની બારી પડખે ઊભેલો માધો ઝંખવાઈ ગયો... ચાંદરણામાંથી લાભુએ ઓછાયો ખસતો જોયો. પડઘમ દેહમાંથી જીવ ઊડી ગયો. થોડીક વારમાં જ પડખેની વાડી ગમીથી રવાડ ઊઠી. એ સાંભળતા જ લાભુ ખાટલામાં મડદા જેવી ઢળી પડી. ‘મોણે બાપ ઇસ અહે...? કૂતરાવ રવાડે સયડાસ તી જોઈ ગ્યા અહે... ખાંભીમંડાણાંના...’ મનોમન થયું હમીરો જ હતો. કુળદેવીને યાદ કરવા માંડી. દેહ નીચોવાઈ ગયેલો. અંદર-બહાર ભીનાશ ફરી વળી. સપનાના ઓથારમાં શીક્કલ છેલ્લે માધા જેવી લાગી કે લાભુ ફાળ સાથે જાગી પડેલી.’ (પૃ. ૫૦) લાભુને આવતું સ્વપ્ન તેના અચેતન મનની ઇચ્છા દર્શાવી દે છે. ફ્રોઇડના મતે સ્વપ્ન સીધેસીધું જ વ્યક્તિના ચિત્તના ઊંડાણમાં સંતાયેલા રહસ્યો દર્શાવી દે છે. ઈડ પોતાની ઇચ્છાઓની પૂર્તિ કરવા માટે ચેતન મનમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. જો તે સીધેસીધો પ્રવેશવા જાય તો અહમ તેને રોકી દે. પરિણામે તે પોતે રૂપ બદલીને ચેતન સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ઊંઘતી વખતે અહમ્‌રૂપી પ્રહરી પ્રમાણમાં નબળો હોય છે ત્યારે ઈડ સ્વપ્નરૂપે તેને છેતરીને ચેતનમાં પ્રવેશવા મથે છે. તેથી જાગ્રત અવસ્થામાં મનુષ્ય જે વસ્તુ નકારતો હોય એ વસ્તુ સપનામાં સૌથી પહેલી આવીને ઊભી થઈ જાય. ભોળી લાભુની માધા સાથે સંબંધ બાંધવાની પ્રબળ ઝંખના સ્વપ્નરૂપે પૂર્ણ થાય છે. વાર્તાના અંતે પણ લાભુ માધા સાથે જાતીય સંબંધ બાંધતી વેળાએ હમીરાને યાદ કરતી જોવા મળે છે. પ્રશ્ન થાય કે લાભુ માધા સાથે જ સંબંધ બાંધી પુત્રની મા બની છે. એકથી વધારે વાર માધા જોડે દેહસંબંધ બાંધ્યો છે અને છતાંય તે દરેક સંબંધ વખતે હમીરાનો ઉલ્લેખ શા માટે કરે છે? સ્ત્રી મનની સંકુલતા અહીં જ રહેલી છે. સામાજિક બંધન મુજબ લાભુ માધાની માસી છે અને માધો હમીરાનો દીકરો છે. એ દૃષ્ટિએ લાભુનું ચેતન મન માધા સાથેનો સીધો સંબંધ ન જ સ્વીકારે. તેથી ઈડ સ્વપ્નરૂપે લાભુના અહમ્‌ને નબળો પાડે. લાભુ પ્રતિક્રિયા રચના કરીને માધાથી અંતર જાળવવા માટે મથે, ત્યાં તેનું અચેતન મન માધાની હમીરા સાથે તુલના કરી તાર્કિક પ્રપંચ (Retionalization) રચે અને લાભુને માધા તરફ ધકેલે. કહો કે, તાર્કિક પ્રપંચ અને સ્થાનાંતરણની પ્રયુક્તિથી લાભુ માધાને ભોગવે. આ રમતમાં લાભુનું અચેતન વાસ્તવ જગત ને કલ્પના વચ્ચેનો ભેદ ભૂંસી નાંખે. બે ઉદાહરણ જુઓ. સુવાવડ પછી લાભુ માધાને પોતાના ઘરમાં જ રાખે. વાતાવરણમાં બફારાના લીધે માધો બહાર સૂઈ જાય અને વરસાદ પડે કે તરત તે ઘરમાં આવે. એ વેળાએ લાભુ બોલે, ‘પેલ્લાંસ કેતી થી... કયે કુંભાર ગધેડે નો સડે. ઈ તારા માહાય ઈવ્વાસ અબલખણા. જરીક બફારો થ્યો નથ્ય કી ઉં બારો હુવ્સ... નિહરી પડે. પસિં મેં પઈંડા નથ્ય ને ખાટલા ગોદડા ઢહડીને ઘરમાં ઘલાયાં નથ્ય. હાલ્ય ઘરમાં ખાટલો લઈ લે.’ (પૃ. ૬૪) માધાની દરેક ક્રિયામાં લાભુને હમીરો દેખાય છે. કથક કહે છે, ‘થોડા દાડાના અબોલા પછી સપનાના ઓથાર તળે હમીરાના ઓછાયા જેવો માધો, લાભુ માહીના બદન સાથે ઓળધોળ ભળી જતો.’ (પૃ. ૫૯) એટલું જ નહીં, ગંગાડાકણી પાસે જઈ મંતરેલા પલીતાં લઈ આવે છે. આંગણામાં રહેલી બદામડીનો ઓછાયો લાભુ ઉપર પડ્યાનું માનતી ગંગા ડાકણીને પણ એ સવાલ થાય છે કે, લાભુને માધામાં હમીરો શા માટે દેખાય છે? કથક કહે છે કે, હમીરો જીવતો હતો ત્યારે પણ માધો હમીરા જેવા કામુક ચાળા કરતો. લાભુના સપનામાં આવતો. એક ગામડા ગામની પ્રબળ જાતીય વૃત્તિ ધરાવતી ઈડથી દોરવાતી સ્ત્રી જો આવા વિચારો ન કરે તો માધા સાથે સંબંધ ન બાંધી શકે. સ્વાભાવિક છે કે, અંતે લાભુનું અચેતન હમીરા માધાને એક રૂપ કરી દે. આમ લાભુની જાતીય વૃત્તિની સાથે જ તેના અચેતનમાં ચાલતી ઊંડી રમત અને અંતે અચેતનને તાબે થતી લાભુ વાચકને યાદ રહે. માધાનું વ્યક્તિત્વ પણ અત્યંત સંકુલ છે. માધો જાણે છે કે તેની મા કુરાઈનો હમીરા માસા સાથે સંબંધ હતો. હમીરો લાભુને ભોગવે તે માધાથી જીરવાતું નથી. ‘નાકનાં ફણાં હમીરા પરની ગાઢ ઘૃણાથી ફૂલી ગયેલાં. લાભુ સાથે હમીરો ભૂંડા ચાળા કરતો માધાના મનમાં ખડો થતો. વરસો પહેલાં બેય જણાંને જોયેલાં. મન પર ડામ અંકાઈ ગયેલો. જરાક યાદ આવતું કે અગનઝાળ.’ (પૃ. ૫૧) હમીરાના મૃત્યુ પછી માધો લાભુને તાક્યા કરે. નાની ઉંમરથી પલીતાં, દોરા-ધાગાં, મૂઠ-ચોટનું કામ કરતો માધો લાભુને વશમાં કરવા માટે ટુચકો કરે. કાળા કોશીના માળાની સાચી સાંઠકડી લાભુના ઓશિકામાં સંતાડી દે. લાભુના ખાટલાને તાકતો, મંત્રો ભણતો માધો લાભુના શરીરની ગંધ અનુભવે. લાભુના કમખાને સૂંધે. આરંભથી જ માધો હમીરા સાથે હરીફાઈનો ભાવ અનુભવતો જોવા મળે છે. લાભુને ભોગવતા હમીરાની જગ્યાએ મનોમન માધો પોતાને ગોઠવતો રહે છે. માનસશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો, ઈડિપસ ગ્રંથિથી દોરવાતો માધો હમીરાની હત્યા કરી બેસે છે. ભાવક તરીકે પ્રશ્ન થાય કે વાર્તાના આરંભથી જ લાભુને પ્રબળપણે ઝંખતો માધો વાર્તાના અંતે લાભુના મુખે હમીરાનું નામ સાંભળીને ઠરી શા માટે જાય છે? માધાએ લાભુને હમીરા સાથે પ્રબળ આવેગથી સંભોગ કરતાં જોઈ હતી. હમીરાના મૃત્યુ પછી લાભુને હમીરાને યાદ કરી અમળાતી, ઉંહકારા ભરતી પણ જોઈ છે. એટલું જ નહીં, માધા સાથે પણ તે સંબંધ બાંધે છે ત્યારે જાણે હમીરા સાથે સંબંધ બાંધતી હોય એ રીતે વર્તી છે. લાભુએ સભાનપણે ક્યારેય માધા સામે, પોતાનું માધા પ્રત્યેનું તીવ્ર આકર્ષણ વ્યક્ત કર્યું નથી. એટલે લાભુની સાચી વૃત્તિથી માધો અજાણ છે. બીજી બાજુ પોતે હમીરાનો હત્યારો છે અને તેના મર્યા પછી પણ લાભુ તેને જ ઝંખે છે એ વાત માધાના પૌરુષને પડકારે છે. ઈડિપસ ગ્રંથિથી પીડાતો માધો વાર્તાના અંતે જાણે હમીરાથી હારી જાય છે કુરાઈનું પાત્ર ગૌણ હોવા છતાં મહત્ત્વનું છે. તેની લાભુ પ્રત્યેની ઈર્ષ્યાવૃત્તિ અને લાભુ પાસેથી હમીરાને પડાવી લેવાની રીત ધ્યાન ખેંચે છે. તે કોઈપણ ભોગે માધો લાભુના ઘરે જાય તેમ ઇચ્છતી નથી. કારણ કે, માધો હમીરાની નિશાની છે. સામા પક્ષે લાભુ પણ કુરાઈના બીજા દીકરા નહીં પણ માધાને જ પોતાની પાસે રાખવા ઇચ્છે છે. કારણ કે, તે પણ જાણે છે કે માધો હમીરાની નિશાની છે. વરસાદ પહેલાંનો બફારો ને ઉકળાટ, ઉકળાટ પછીનો વરસાદ, લાભુના વસ્ત્રો અને પરસેવા તથા દેહની વાસના ઉલ્લેખો લાભુ-માધાની પ્રબળ જાતીય વૃત્તિઓ દર્શાવે છે. બીજી તરફ કૂતરાની રવાડ, પલીતાં, મૂઠ-ચોટ, અંધારી રાતમાં ફાનસના અજવાળામાં પડતા પડછાયા, પવનના સુસવાટા અને લાભુના સ્વપ્નો-રહસ્યમયતા અને પાત્રોની ભીતિને (અચેતનની દમિત વૃતિઓ) ઘૂંટીને રજૂ કરે છે. એ રીતે સર્જક વિષય વસ્તુને વળ ચડાવે છે. આ અર્થમાં ‘ઓછાયો’ શીર્ષક એ અચેતન મનની રમતને સૂચવનારું બની રહે છે. વાર્તાના આરંભે હમીરાનો ઓછાયો અનુભવતી લાભુ જોવા મળે છે અને વાર્તાના અંતે હમીરાના ઓછાયાથી ફફડાટ અનુભવતો માધો જોવા મળે છે. એ અર્થમાં હમીરાનો ઓછાયો હમીરાના મૃત્યુ પછી પણ લાભુ-માધાને પીડતો રહે છે. ‘ભોગવટો’ વાર્તામાં બે સ્ત્રીઓની એક જ પુરુષને પામવાની ઝંખના, તે ઝંખનામાંથી જન્મતો ઈર્ષ્યા ભાવ, બે સ્ત્રીઓનો સજાતીય સંબંધ અને સ્ત્રીની પુરુષને પાછો મેળવી લેવાની મથામણ રજૂ થઈ છે. આ વાર્તામાં મુખ્ય ત્રણ પાત્રો છે : મણિ, મણિની સખી ધનુ અને મણિથી છૂટો થયેલો તેનો પતિ નથુ. વરસાદના દિવસોમાં મણિની વાડીમાં ચોરી કરવા બેસેલો નથુ ઝાડ પરથી પડે અને વરસાદમાં ભીંજાયેલી મણિ તેને જોઈને ખડખડાટ હસવા માંડે તે ક્ષણથી વાર્તા શરૂ થાય છે. નથુનાં લગ્ન પહેલાં ધનુ સાથે થવાનાં હતાં પણ નથુના ઝઘડાખોર સ્વભાવના લીધે ધનુના મા-બાપ ધનુને નથુ સાથે પરણાવતા નથી. ધનુ પણ ‘દરિયાઈ મછાક’ની જાનુંની જેમ પ્રતિક્રિયારચના અને સ્થાનાંતરણથી પોતાની જાતીય વૃતિને સંતાડે છે. તે મણિનો પતિ હોય તેમ મણિ સાથે જાતીય સંબંધ બાંધે છે અને સગા પતિ સીદીને ધનુ હાથ પણ અડાડવા દેતી નથી. બીજી તરફ, નથુને સામે ચાલીને ધનુ ઇજન આપતી રહે છે. કેવડાના ફૂલ જેવો વાન ધરાવતી ધનુના શરીર પર છૂંદણાની ભાત શોભી ઊઠતી. ‘તાંબાવરણા લસબસ પહોળા પડઘમ બાંધાની બદન પર કાળા ભૂરા છુંદણાની ભાતથી ધનુ ઝળહળ. ઝગમગ. ધનુ પીળા નારંગી કે કાળા ચળકતા સાટીનના ટૂંકા ઘેરના ઘાઘરા પહેરતી. એનું કેવડાના ફૂલના વાનનું ડીલ એમાં વળી ઓર ઝળહળી ઊઠતું. જોતાંવેંત ફાટી પડાય એવી એ રૂપાળી લાગતી. (પૃ. ૯૬) ધનુ નથુને ભૂલી શકતી નથી. તેથી તે મણિ અને નથુ વચ્ચે ઝઘડા કરાવતી રહે છે. છૂટાછેડા પછી પણ નથુ મણિની આગળ પાછળ ફર્યા કરે છે એ વાતે ધનુ અકળાય છે. મણિ પણ રૂપાળી તો છે જ. ‘મણિ પોર્ટુગીસ મઢમ જેવી. પીળો ધમરક વાન. પહોળો બાંધો. પીળા ધમરક લિસ્સા ડીલ પર નકરાં છૂંદણાં મઢેલાં. મોટું પહોળું ગળુંય ભરચક. કોણી ને કાંડાં પગથી માંડી પહોળા તાંબાવરણા સાથળના મૂળ સુધી નકરાં છુંદણાં ત્રોફાવેલાં. કાચની કેસરી ને હળદરિયા રંગની બંગડીઓનો ઝૂડો. ભરચક કાંડાં ઝળકઝળક. પગમાં જાડાં ઝાંઝરાં ઘૂઘરીવાળાં. નાકમાં જાડી નથડી કાનમાં મોટાં બાલાં. સહેજ લંબાચા મોઢા પર, કપાળ પર છૂંદણાંની હાર. ઝીણી ઝીણી પાંદડીઓ.’ (પૃ. ૯૩) કુશળતાથી મણિને નથુથી દૂર રાખીને ધનુ ગમે તે ભોગે નથુને જાળમાં ફસાવીને નથુ વડે ગર્ભવતી થાય છે. ધનુની ચાલાકી જાણી – સમજી ગયેલી મણિ નથુને કહે છે કે, ‘તું મારી સાથે રહે. જરૂર પડે ધનકીને પણ ઘરમાં બેસાડી લેજે.’ નથુને પટાવીને પાછો લાવ્યા બાદ મણિ કુશળતાથી ધનુના ધણી સીદીના જહાજમાંથી નથુનો ભાગ છૂટો કરી દે છે. મણિની ચાલાકી સીદી સાથેના વાર્તાલાપમાં જોવા મળે છે. સીદી મણિને પૂછી બેસે છે કે, આ નાગા ઉતાર નથુને તેં ફરી વાર ઘરમાં શા માટે રાખ્યો? જવાબમાં મણિ કહે છે કે, નથુ વગર તો ધનુને પણ ચાલતું નથી. સ્વાભાવિક છે કે, આ વાત સીદીને પડકારે. સીદી ઘરે પહોંચીને ધનુને ફટકારે છે. મણિ પોતાનો ધણી ઝૂંટવીને પાછો મેળવે. વાર્તાના આરંભે દીકરી પેમીને પરણાવ્યા પછી સૂમસામ ઘરમાં એકલી તરફડતી મણિ જોવા મળે છે અને વાર્તાના અંતે મણિ, નથુને ગુમાવીને એકલી તરફડતી ધનુ જોવા મળે છે. કાંઠાના ગામડામાં જુના સમયમાં સ્ત્રીઓ પોતાના માનીતા પુરુષ કે જેની સાથે ગુપ્ત સંબંધ બાંધ્યો હોય એવા પ્રેમીનું નામ યાદરૂપે શરીરના છાના ઠેકાણે છૂંદણાંથી લખાવતી. વાર્તામાં મણિ અને ધનુ પણ આ રીતે સાથળ પર એકબીજાનાં નામ લખાવે છે. છૂટાછેડા પછી પણ મણિ સાથળ પર નથુનું નામ લખાવે છે એ સૂચક છે. વણઝારણ સ્ત્રી ભૂલથી ધનુના નિતંબ પર તેના વર તરીકે નથુનું નામ છૂંદણાંથી લખી દે છે એ સૂચક છે. કથક ધનુનો મણિ તરફનો ઈર્ષ્યાભાવ, ધનુની મણિને નથુથી દૂર રાખવાની ચાલાકી કુશળતાથી દર્શાવે છે. વાર્તાના આરંભે કપડાં બદલતી મણિના શરીરને તાકી તાકીને જોતી અને તેની સાથે પોતાના શરીરની તુલના કરતી ધનુ જોવા મળે છે. ‘વચલા બારણામાંથી લૂગડાં બદલતી મણિને ધનુ તાકી રહી. આંખો ખેંચાઈ. વંકાઈ. મનમાં મણિ હંમેશા હરીફ જેવી વૈરવી લાગી’તી. રાતમધરાત ક્યારેક જાગી ઊઠતી ધનુ પછી વિચારોમાં ઉનાળાનાં ગીધ જેવી ચકરાવે ચઢતી. મારો ધણી ઝૂંટવી ગઈ. રોજ એકાદ વખત તો એવો વલોપાત થતો. લૂગડાં કાઢી પોતાના તાંબાવરણા ને લાલગુલાબી ડિલને ફંફોસતી. થતું મણિ કરતાં ક્યાં ઊતરતી છું?’ (પૃ. ૯૩) ધનુ પુરુષ જેવા ચાળા કરીને મણિ સાથે રોજ સંબંધ બાંધે છે. એ જ સમયે તે નથુને સપડાવવા માટેના પ્રયત્નો પણ કરતી રહે છે. મણિ સાથે ધનુ શાથી સંબંધ બાંધતી ફરે છે? એવો પ્રશ્ન થાય. ધનુની આદિમ વૃત્તિઓમાં તેનો ઉત્તર રહેલો છે. ધનુએ કાનભંભેરણી કરીકરીને મણિને નથુથી છૂટી પાડી હતી. ધનુએ કાનભંભેરણી કરેલી : ‘તારો માટી (નથુ) કિવો ગોરા સયરાનો હત્તરહંઢો સે બાઈ? મુંને કે કી આહા કીવી ગોરી ઝાણ સે તું. તારા સુંદણાં કીવાં હારાં સે. તુંને તો બાથમાં લીને તારા સુંદણાં સાઇટા કરું. ઈવી મીઠી હાકર ઝીવી અહે તું.’ ધનુ સાવ ઉપજાવેલી વાતે કામઘેરા સાદે નારિયેળીના પાનાં પર પડતા મેહના જેવું હસી પડેલી. મણિ કાપો તો લોહી ના નીકળે એવી.’ (પૃ. ૯૫) મણિના મનમાં આ વાત ઘુમરાતી હોય ત્યારે જ નથુ દારૂના નશામાં મણિની ભૂંડી મશ્કરી કરતો બબડે, ‘તારી સંઇ સે તી ઇને કેવાયની કી મારો નથુ ધનકી તારી હીકે હુવાનું કેસ? તારી સંઇ સે તી આટલું તો કરેસ કી? ધનકી બાપાય ઓલી ભૂથર પટારી ઝીવી ઝાલમ સે.’ (પૃ. ૯૨) આ સાંભળતાંવેંત મણિ વાડીમાં જ નથુને ઢોર માર મારે અને તેનાથી છૂટી થઈ જાય. આ પ્રસંગ મણિનો નથુ માટેનો પ્રબળ અધિકારભાવ પણ સૂચવે છે. તેથી જ મણિ નથુને ધનુ પાસેથી પાછો મેળવવા જતી, ધમપછાડા કરતી જોઈએ તે ઘટના પ્રતીતિકર લાગે છે. મણિ અતૃપ્ત જાતીયતાને વશ થઈને પણ નથુ પાસે ન પહોંચી જાય એ માટે જ ધનુ રોજ રોજ મણિને સાંજે મળીને, કસીને બાથ ભીડતી રહે છે. મણિના ગુલાબી પરવાળા જેવા હોઠ ચસચસાવીને ચૂસતી રહે છે. વાર્તામાં આરંભથી જ વરસાદ વરસતો જોવા મળે છે. વરસાદમાં ભીંજાતી મણિની એકલતા, ભીંજાયેલી મણિને જોઈ નથુનો વધતો ઉશ્કેરાટ, ધનુની મણિના દેહને જોઈ સળગી ઊઠતી ઈર્ષ્યા અને વરસાદમાં જ ધનુનું નથુ સાથે સંબંધ બાંધવું – એમ દરેક મહત્ત્વના પ્રસંગે વરસાદ ઉદ્દીપન વિભાવ તરીકે જોવા મળે છે. જીવતાં લેલાનાં પીંછાં કાઢતો શકરોબાજ અને વરસાદમાં પલળેલી ધનુના મોહપાશમાં અટવાતા નથુનું સાદૃશ્ય હોય કે નથુ – ધનુનો પહેલીવારનો જાતીય સંબંધ બંધાય છે એ વેળાએ રેશમની જાળમાં અટવાઈને લોહી લુહાણ થયેલા કળાનું વર્ણન હોય – સર્જક આદિમ વૃત્તિઓને આવા સાદૃશ્યોથી સચોટ રીતે દર્શાવે છે. ‘કળણમાંથી નથુ જાડોભમ કળો કાઢી આવેલો. બે-અઢી વાર લાંબો અને કાંડા જેવો જાડો ભમ્મ કળો હતો. નથુએ ઝટપટ હાથપગ-ડીલ ધોઈ નાંખ્યાં ને ધનુના ઘરે ગયો. કળાંનો ભાગ આપતો જાઉં એવું વિચારીને ઘરમાં આછા અંધારામાં કોઈ દેખાયું નહીં. એ પહેલી વખત ધનુના ઘરે આવેલો. ગળે ડચૂરો બાઝી ગયેલો. હમણાં જ નાહી આવેલી, ધનુ પીઠ ફેરવી ઉઘાડો દેહ લૂછતી ચોલી પહેરવાની વેતરણમાં હતી. નથુ એને જોતાંવેંત થથરી ગયો. માંડમાંડ ઝાલેલો કળો ઝટકાભેર ધાતના ગૂંચળામાં ગારમાટીમાં પડ્યો. ધનુ છળી ઊઠી... નથુનો ધગધગતો શ્વાસ એને અથડાતો લાગ્યો. ગારમાટીમાં આળોટતી ધનુના પડઘમ ડીલે નથુ ભિડાઈ ગયો’તો. ધાતમાં આડોઅવળો ગૂંચવાયેલો જાલીમ તગડો કળો છૂટવા હવાતિયાં મારવા માંડેલો પણ રેશમની ધાત એના ડીલે કાપાકાપા પડી જાય એવી ચપોચપ ગોઠવાઈ ગયેલી. લાંબી ચાંચ જેવું તીખા દાંતવાળું મોઢું માંડ માંડ કણની બહાર કાઢી ગારમાટીમાં પછડાવા માંડ્યો. અવળોસવળો. વાડા પાછળનાં કારેલાં, દૂધી, તુરિયાં, ગલકાનાં ફૂલોનો પમરાટ ઘરમાં પથરાયો’તો. કરા પાછળ લાગેલાં લીલીનાં ફૂલો ધમધમતાં’તાં. ધાતમાં પછડાટ, પછડાટને જાલીમ કળો થાકી ગયો.’ (પૃ. ૧૦૭) નથુ અને ધનુની પ્રબળ આવેશસભર કામક્રીડાને કળાના પછડાટ વડે તાદૃશ કરાવી છે. ફૂલોનો પમરાટ ધનુની સંતૃપ્ત એષણાને અને કળાનો તરફડાટ ધનુની રેશમી કાયામાં સપડાયેલા નથુના તરફડાટને સચોટ રીતે સૂચવે છે. તલવાર જેવી મૂછવાળો, દારૂના નશામાં વલસાડથી આવતા માછીમારોની સાથે મારામારી અને ઝઘડા કરતો કે ઝરખને મારી નાંખનારો નથુ મણિ અને ધનુ સામે ઢીલોઢફ થઈ જાય છે. નથુ પણ પ્રબળ આવેશથી ધનુ સાથે વારંવાર સંબંધ બાંધતો રહે છે. રાત્રે નથુ સાથે સંબંધ બાંધ્યા પછી ધનુ કાલીનો ઘા ખાધેલી મસમોટી મલાર કે લોહીઝાણ પટારીની જેમ લોથપોથ થઈ જતી. ‘ભોગવટો’ શીર્ષક મણિ અને ધનુના નથુ પ્રત્યેના માલિકીભાવને સૂચવે છે. વાર્તામાં આરંભે વરસાદનો ઉલ્લેખ જોવા મળે છે અને અંતે ધનુ શરદની નીરસ બપોરે એકલી અમળાતી જોવા મળે છે. મણિને ભોગવતી રહેતી ધનુ એ વડે – સેક્સ વડે – મણિને નથુથી દૂર રાખવા મથે છે. અહીં સજાતીય સંબંધ તૃપ્તિ માટે નહી પણ વેરભાવ, ઈર્ષ્યાભાવથી બંધાય છે. શકરોબાજ, કળો જેવા પ્રાણીઓના ઉલ્લેખો ધનુની આ આદિમ વૃત્તિઓને સૂચવે છે. આમ, ‘ભોગવટો’ સ્ત્રીના અતલ મનના ઊંડાણ’માં ધરબાયેલી વૃત્તિઓને આલેખતી વાર્તા તરીકે આસ્વાદ્ય બની છે. ‘ઢાલકાચબો’ વાર્તામાં ચુમ્માળીસ વર્ષની કડવી પાસેથી તેનો પતિ અને તેની વાડીનો હાંતી મેરુ એ બંનેને પડાવી લેતી નાથી જોવા મળે છે. નાથી ધનુના કુળની છે. કડવી મણિ જેવી મજબૂત નથી. નગાજણની ઘરવાળી કડવી નિઃસંતાન છે. વીસ-વીસ વર્ષ સુધી નગાજણ સાથે રહ્યા પછી પણ મા ન બની શકતી કડવી પતિને નાથી સાથે બીજી વાર લગ્ન કરવા મનાવે છે. ‘ઘરભંગ થયેલી નાથી આડત્રીસની હતી. નગાજણ પચાસેકની ઉંમરનો. એની આગલી પત્ની કડવી, ચુમ્માલીસેકની. ભારેખમ પહોળા બદનની એ ગોરી ઝાણ. લથબથ પણ કસાયેલા બદનની હોવાથી એ વધારે પહોળી લાગતી હતી. નગાજણ મશ્કરીમાં કડવીને ઢાલ્યકાસબ કહેતો. નગાજણ સાથે કડવીએ વીસવીસ વરસ કાઢ્યા તોય એ છંટ કે ઢીંહાં જેવી કોરી ધાકોર રહી.’ (પૃ. ૩૦૧) નગાજણે કડવીના નામ પર વાડી કરી દીધી હતી. પરણીને આવેલી નાથી નગાજણને વશમાં કરતી જાય અને વાડીનો વહીવટ પણ હાથમાં લઈ લે છે. નગાજણને નાથી સાથે સંબંધ બાંધતો જોઈ કડવી ઓશિયાળાપણું અને ઈર્ષ્યાભાવ અનુભવે. આ વૃત્તિઓથી દોરવાઈને નાથી મા ન બની શકે એ માટે પલીતાં બાંધે. આ તરફ નાથી-નગાજણના સંબંધને જોનારો મેરુ પણ કડવીને વાસનાભરી નજરે તાકતો રહે. નગાજણની સાથે જ મેરુને પણ પડાવી લેવાની નાથીની વૃત્તિ ક્રમશઃ વધતી જાય. પલીતાં કરવા છતાં નાથી ગર્ભવતી થાય. આ બાજુ મેરુને પોતાનો કરી લેવા માટે કડવી બીજીવાર પલીતાં કરાવી, મેરુના ખાટલાના પાયે બાંધી દે. પલીતાંની અસર ન થાય અને મેરુને નાથીના સોડિયામાં ભરાયેલો જોઈ કડવી ભાંગેલા પગે પાછી ફરે ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘કળાનું ભોણ’ અને ‘આગળો’માં અનુક્રમે ફાતુ અને રામીના સંકુલ મનોજગતનું નિરૂપણ થયું છે. ‘કળાનું ભોણ’માં માથાભારે કાસમની પહેલી પત્ની રતનને અબ્દુલ્લા શેઠ જોડે સંબંધ હોય છે. એ સંબંધના પરિણામે તે ગફારને જન્મ આપે છે. આ વાતે કાસમ બાળપણથી ગફારને નફરતથી જોતો હોય છે. અહીં ફાતુ ગફાર સાથે જાતીય સંબંધ બાંધી શકે તે હેતુથી જ કાસમ સાથે લગ્ન કરે છે. રતનના કમોત પછી ફાતુ સાથે પરણેલો કાસમ ફાતુના મુખે આ સત્ય જાણીને અકળાઈ જાય. તે ગફાર અને ફાતુને મારી નાખવાના વિચારો કરતો કળાનો શિકાર કરવા જાય અને કળાના સકંજામાં સપડાઈ જાય ત્યાં વાર્તા પૂરી થાય છે. માગશર મહિનાની આકરી ટાઢ અને ઠાર તથા શિયાળ ને રાની બિલાડાઓની એ અંધકારમાં ઘેટાં બકરાઓ ખેંચી જવાની રીતથી મચી જતી બુમરાણના વર્ણનથી વાર્તાનો આરંભ થાય છે. અંધકાર, સન્નાટો અને એમાં અચાનક ત્રાટકતા રાની પશુઓનો ભોગ બનતાં મરઘાં-કૂકડાનો ચિત્કાર સૂચક છે. એ જ રીતે વાર્તામાં ભૂતખાડીમાં કળાનો મધરાતે શિકાર કરતો કાસમ પણ વાચકને યાદ રહી જાય. કાસમથી આખું ગામ ડરે. તેણે અબ્દુલ્લા શેઠને ઘોડા પાછળ બાંધી ગામ વચાળે ઢસડ્યો હતો. બાળપણથી કાસમની ધાક જોઈને મોટો થયેલો ગફાર મનોમન કાસમને બાપ માને. અબ્દુલ્લા તેનો બાપ છે એ સત્ય તે ના સ્વીકારી શકે. કાસમથી પચ્ચીસેક વર્ષ નાની સાવકી મા ફાતુ સાથે ગફાર જાતીય સંબંધ બાંધે ત્યાં ગફારની ઈડિપસ ગ્રંથિ જોઈ શકાય. સતત કાસમની સાથે પોતાની સરખાવતો, કાસમથી ડરતો છતાં કાસમની પત્ની ફાતુને ભોગવતો ગફાર, ફાતુને ભોગવીને જાણે કાસમ જેવો બળવાન હોવાનું અનુભવે છે. ગોદડાં ગાદલાં ભરવાનો વ્યવસાય કરતો કાસમ તેતર, કુંજડા, જંગલી સસલાં, કળા, લેમટાંનો શિકાર કરવામાં પાવરધો હતો. ‘તંગ ને કસાયેલું ડીલ, દેશી સિપાહીઓ જેવા કરડા મોઢાવાળો કાસમ વાંકડી મૂછો રાખતો. ભારે ખીજાળ ને વટવાળો.’ (પૃ. ૨૧૪) ‘દરિયાઈ મછાક’માં જાનુંનો બીજો વર જેમ વિકૃત રીતે જાનું જોડે સંબંધ બાંધતો હોય છે એ જ રીતે કાસમ પણ રતન અને ફાતુ બંને સાથે સંબંધ બાંધતો જોવા મળે છે. ફાતુના મુખે જ રતન અને અબ્દુલ્લા શેઠ સાથેના સંબંધની વાત ગફાર સાંભળે છે. આ વાર્તામાં સર્વજ્ઞ કથકની સાથે જ ફાતુના સંવાદો પણ અગત્યના છે. સર્જક ગફારને ફાતુની વાતો વડે દોરવાતો દર્શાવે છે. ફાતુના સંવાદ વડે સર્જક એકસાથે બે બાબત તાગે છે. એક, તે ગફારને કાસમની સામે ટટ્ટાર ઊભો કરે છે અને બીજું કે, કાસમના મનમાં ફાતુ માટે વેર ભડકાવે છે. ફાતુના મુખે પોતાની વિકૃત જાતીય વૃત્તિની ગફાર સામે થતી મશ્કરી, ગફારને મેળવવા જ ફાતુએ કાસમ સાથે લગ્ન કર્યાની હકીકત જેવી વાતો સાંભળીને કાસમનો ગુસ્સો વધતો જાય. બીજી બાજુ આ વાતોથી ગફારની હિમ્મત વધે. એ અર્થમાં આ વાર્તામાં ફાતુ-ગફારના સંવાદો અગત્યની પ્રયુક્તિ બની રહે છે. કાસમનો ડર અને કાસમ જેવા બનવાની ગફારની ઝંખના વર્ણવતા કથક કહે છે, ‘ગામનો કરિયાણાનો વેપારી અબદેલ્લો સેઠ તો જાણે એની માનો મારતલ લાગતો’તો. એથી કાસમ બકાલ જ બાપ હતો... એવા વિચારે એને રાહત લાગતી’તી. નાનપણથી કરડા ને ખીજાળ બાપથી ફાટી પડતો’તો. મનના અંધારિયા છાના ખૂણે કાસમ બકાલ ગમતો... ફાતુથી છૂટી શકાતું નોતું ને કાસમથી બચવું અશક્ય હતું.’ (પૃ. ૨૨૫-૨૨૬) ગફારની દ્વિધાગ્રસ્ત મનઃસ્થિતિ અને કળાના સકંજામાં સપડાયેલા કાસમની મનઃસ્થિતિની સહોપસ્થિતિ વાર્તાને કલાત્મક બનાવે છે. ગફાર-ફાતુના સંબંધના વિચારે ખુન્નસે ભરાઈ, ભરતીના પાણીમાં રાક્ષસી જોર કરી, કળાથી છૂટવા મથતો કાસમ અને ફાતુના ‘સીસમવાન જેવાં દેહમાં’ સપડાયેલો ગફાર – એ બંને એકસરખા જણાય. ‘કળાનું ભોણ’ શીર્ષક વ્યક્તિના અચેતનમાં રહેલી વ્યક્તિનો જ ભોગ લેતી મૃત્યુવૃત્તિને (Death Instinct) સૂચવે છે. વેરવૃત્તિથી સ્વનો વિનાશ કરવા સુધી દોરી જતી આ વૃત્તિ કાસમના વ્યક્તિત્વની સંકુલતા દર્શાવે છે. સર્જક કાસમની આ વિનાશ વૃત્તિ તેની શિકાર કરવાની રીતથી વર્ણવે છે. ‘કળાનું ભોણ’ અને ‘આગળો’ બંને વાર્તામાં મુસ્લિમ પાત્રો હોઈ સર્જકે એમની જુદી બોલીનો વિનિયોગ આ વાર્તાઓમાં કર્યો છે. ‘આગળો’ વાર્તામાં હાજી શેઠના ડંગામાં સ્ત્રી મજૂરોની મુકાદમ તરીકે કામ કરતી રામી ત્રીસ વર્ષની યુવાન દીકરી મણિને નવા મેતાજી કાસમથી દૂર રાખે છે અને પોતે કાસમના બાપની જોડે સંબંધ રાખ્યો હતો, એ જ રીતે કાસમ સાથે પણ સંબંધ રાખે છે. વાર્તામાં મા-દીકરીના સંબંધની જુદી જ બાજુ ઊઘડે છે. કાસમનો બાપ પોતાનો પ્રેમી હતો એટલે તેની જોડે મણિનો સંબંધ થાય એ રામીને સ્વીકાર્ય નથી. આ દૃષ્ટિએ કાસમ મણિનો ભાઈ ગણાય એમ મન મનાવતી રામી પોતે જ કાસમને ભોગવે ત્યાં તેના અચેતન મનની રમત જોવા મળે છે. બીજી તરફ રામીના પોતાના બાપ સાથેના સંબંધને જાણતો કાસમ પણ રામી તરફ ખેંચાણ અનુભવે છે એ દૃષ્ટિએ તે પણ ગફાર જેવો જ છે. ભાદરવા સુદ અગિયારસના દિવસથી વાર્તા શરૂ થાય છે. અગિયારસના દિવસે માછીમારી બંધ હોઈ ડંગા પર કાસમ અને સીદી મુકાદમનું જમવાનું બનાવવા મણિ પહોંચી જાય તે પ્રસંગથી વાર્તા શરૂ થાય છે. શક્તિશાળી અને માથાભારે રામી સીદી મુકાદમ સાથે લગાવેલી શરત પ્રમાણે ડંગામાં બધાંની વચ્ચે કાસમને બાથમાં લઈને ચુંબનોથી ભરી દે અને તેને નીચે પાડી તેના ઉપર ચડી બેસે એ આખું દૃશ્ય વાર્તામાં ખૂબ અગત્યનું છે. એ ઘટના પછી વધારે તાકીને કાસમ રામીને જોયા કરે અને બીજી તરફ રામી ની સ્મૃતિઓ રૂપે તેનો કાસમના બાપ સાથેનો સંબંધ, રામીની ભૂંડી મશ્કરીઓ કરતા સીદીના કાકા સાથે થયેલો રામીનો ઝઘડો, એ ઝઘડા વખતે જૂના મેતાજીએ રામીનો પક્ષ લીધેલો અને પછી રામી અને તેની વચ્ચે બંધાયેલો પ્રેમ સંબંધ – એ બધું સર્જક વણી લે છે. કાસમનું રામીની સુગંધ અનુભવવું, કામસના કપડાંમાંથી આવતી અત્તરની ગંધથી રામીનું ઉત્તેજિત થવું અને જૂની સ્મૃતિઓમાં ખોવાઈ જવું જેવાં સંકેતો વિષયને વળ ચઢાવે છે. વાર્તાને અંતે કાસમ જોડેના સંબંધનાં સપનાં જોતી મણિના બારણાંને આગળો મારી દેતી રામી, મણિને મળવા આવેલા કાસમને પોતાની સાથે ખેંચી જતી રામીનું ચિત્ર યાદગાર બની રહે છે. સ્વપ્ન-દિવાસ્વપ્ન અને ફ્લેશબૅકની પ્રયુક્તિ, પાત્રોને અનુરૂપ બોલી, એક સરખાં વસ્ત્રો અને અત્તરની સુગંધથી પ્રબળ રીતે ઉત્તેજના અનુભવતા કાસમ અને રામી, કાસમમાં તેના બાપની છટા શોધતી રામી અને મણિમાં રામીની છટા જોતો કાસમ, ડંગા પર ઠઠ્ઠામશ્કરી કરતી રામીનું જીવંત પાત્રાલેખન વાર્તાનું જમાપાસું છે. ‘ફિરંગી’ અને ‘રવાડ’ પ્રમાણમાં નબળી રચનાઓ છે. એ જ રીતે ‘ઘામટ’ વાર્તામાં પણ વાર્તાનો અંત વાર્તાને કથળાવનારો બની રહે છે. ‘ફિરંગી’માં લડાઈ વેળાના સમયનું આલેખન થયું છે. પોર્તુગીસની દીકરી મુગતા અને શાંતા નણંદ-ભાભી છે. આ સરખી વયની બંને સ્ત્રીઓ વચ્ચે આઠમના આગમનથી તકરાર વધે છે. આઠમની સગી ફોઈ પાની મોટી આઠમથી તેના મા-બાપની વિગત છુપાવતી રહે છે. આઠમથી પંદર વર્ષ મોટી ભનુ આઠમને પામવા ધમપછાડા કરે છે. પોર્ટુગીસ બાપનું સંતાન એવા આઠમની બાળપણથી અપમાનો સહન કરીને થયેલી દશા, ભનુ, શાંતા અને મુગતા – એ ત્રણેય વચ્ચે ભીંસાતો આઠમ, શાંતા અને મુગતાનો ઈર્ષ્યાભાવ, આઠમની લઘુતા, પાની અને ભનુની લોભવૃત્તિ આદિનું કલાત્મક નિરૂપણ કરવામાં સર્જક નિષ્ફળ ગયા છે. વાર્તા ખંડ ખંડમાં વહેંચાઈ ગયાની અનુભૂતિ થાય છે. ‘ઢાલકાચબો’ સંગ્રહમાંથી પસાર થતાં કેટલીક બાબતો ધ્યાન ખેંચે છે. સૌપ્રથમ તો, અહીં અંધારપછેડો ઓઢેલા દરિયા જેવાં જ આદિમ વૃત્તિથી દોરવાઈને જીવતાં પાત્રોનું નિરૂપણ થયું છે. હેમિંગ્વેની ‘ધ ઓલ્ડ મેન ઍન્ડ ધ સી’ના વૃદ્ધ નાયક જેવો અધિ-અહમ્‌ (Super Ego) ધરાવતા કોઈ નાયક કે નાયિકા અહીં જોવા મળતાં નથી. લગભગ બધી જ વાર્તાઓમાં સ્ત્રીઓના માંસલ દેહનાં વર્ણનો અને તે દ્વારા ઊંડા દરિયા જેવી અતાગ સ્ત્રીઓની જાતીય વૃત્તિઓનું નિરૂપણ એ બીજી વિશેષતા છે. મુખ્ય પાત્રોની સમાંતરે જ ગૌણ પાત્રોના અચેતનને પણ આલેખવાનો પ્રયાસ આ સર્જક કરે છે, તેથી વાર્તાઓનું વિશ્વ વિશેષ સંકુલ બન્યું છે. પાત્રો પ્રકૃતિ સાથે પ્રગાઢપણે જોડાયેલાં છે. ઉકળાટ, દરિયાઈ પવનના સુસવાટા, સન્નાટો; શિયાળ, ઝરખ, રાની બિલાડાની ચીસો, ગાઢ ધુમ્મસ વરસાદ, રાતનો અંધકાર – એ બધું જ પાત્રોનાં વાણી, વિચાર-વર્તન પર પ્રબળ અસર કરે છે. પલીતાં, માનતા, દારૂ, છૂંદણાં, માછલીઓની વિવિધ જાતો, શિકારની રીતો અને સાધનો, રસોઈની વાનગીઓ, રીતરિવાજો વડે નક્કર રીતે દરિયાઈ પરિવેશ અનુભવાય છે. પાત્રો અને પરિવેશનું ઐક્ય વાર્તાઓને જુદો જ ઘાટ આપે છે. સ્વપ્ન-દુસ્વપ્ન, સ્મૃતિઓ, પીઠઝબકાર, સહોપસ્થિતિ, પ્રતીક જેવી પ્રયુક્તિઓ અહીં જોવા મળે છે. પંચેન્દ્રિયોથી પામી શકાય એવું પરિવેશનું નિરૂપણ ભાવકને એક જુદા જ વિશ્વમાં લઈ જાય છે અને એ રીતે માનવ મનની અંધારી ખાડીઓમાં આવતી આદિમ વૃત્તિઓની ભરતી-ઓટને સર્જક આલેખે છે. આ વિશેષતાઓને કારણે ‘ઢાલકાચબો’ વાર્તાસંગ્રહ ગુજરાતી ટૂંકી વાર્તા ક્ષેત્રે નોખી ભાત પાડે છે.

ડૉ. હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક,
આસિસ્ટન્ટ પ્રોફેસર,
આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર
મો. ૭૪૦૫૮ ૮૨૦૯૭
Email : hirendra.pandya@gmail.com