ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જ્યોતીન્દ્ર પંચોલી
જ્યોતીન્દ્ર પંચોલીનું પ્રદાન
જનક રાવલ
આધુનિક – અનુ-આધુનિકયુગના વાર્તાકાર જ્યોતીન્દ્ર પંચોલીનો જન્મ તા. ૭-૯-૧૯૬પના રોજ બોટાદ જિલ્લાના રાણપુરમાં, વતન. માતા-પિતા (રેણુકાબેન–માર્કંડરાય) શિક્ષક. બાલ્યાવસ્થામાં બદલી નિમિત્તે નાગનેશ, ચુડા, લીંબડી, ધંધુકા આદિ સ્થળોમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવી, સાયન્સ ફેકલ્ટીમાં ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc.માં પ્રથમ ક્રમે આવી, જીંથરીમાં લેબ-ટેક્નિશિયન તરીકે અભ્યાસ કરી, સુરેન્દ્રનગર ‘પંચમ લેબોરેટરી’ સ્થાપી, છેલ્લા બે દાયકાથી મેડિકલ ક્ષેત્રે કાર્યરત રહ્યા છે. બાળપણમાં ‘ફરતું પુસ્તકાલય’ અને માતા-પિતા તરફથી વારસારૂપે વાચન, મનન અને સાહિત્યના પદાર્થપાઠો પ્રાપ્ત થયેલા. મુનશી, પન્નાલાલ, મેઘાણીજી, પેટલીકર, મડિયા, સુરેશ જોષી, રઘુવીર ચૌધરી વગેરેના સર્જન-વાચનથી સમૃદ્ધ થયા. દિલીપ રાણપુરા, સુમંત રાવલ, તલકશી પરમાર, ગિરીશ ભટ્ટ, હર્ષદ ત્રિવેદી વગેરે સર્જકોની મૈત્રી – પ્રોત્સાહન – માર્ગદર્શન સાહિત્ય ક્ષેત્રમાં પ્રદાન માટે નિમિત્તરૂપ રહ્યાં છે. તેમનું સાહિત્ય સર્જન ગદ્યક્ષેત્રે વિશેષ રહ્યું છે. લઘુકથા સ્વરૂપ અને પત્રકારત્વ ક્ષેત્રે પ્રારંભ કરનાર આ સર્જકે બે વાર્તાસંગ્રહો : ‘વાતોડિયો’ (૨૦૦૫) અને ‘ટોળા બહારનો માણસ’ (૨૦૨૨) આપેલા છે. સાંપ્રત સમયે પણ પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમની વાર્તાઓ પ્રગટતી રહી છે. સંગીતક્ષેત્રે વિશારદની પદવી ધરાવનાર, મેડિકલ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર આ સર્જકના બન્ને વાર્તાસંગ્રહોમાં (૧૫ + ૧૫ + ૮) કુલ : ૩૮ વાર્તાઓને નજર સમક્ષ રાખી, સર્જકની વાર્તાકળાને તપાસવાનો મારો ઉપક્રમ છે. પ્રથમ સંગ્રહના નિવેદનમાં વાર્તાબીજનું વિધાન નોંધ્યું છે જુઓ : ‘વાર્તાના પાત્રમાં પ્રવેશી હું તેમનો થઈ પછી જ લખ્યું છે. આયાસપૂર્વક વાર્તા લખવાનો મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. હા, વાર્તામાં કલ્પના કરતાં વાસ્તવની છબી મને વધારે ગમે છે. (પૃ. ૫) આ સંગ્રહ વિશે સુમંત રાવલે ‘ઇન્દ્રજ્યોત સમી ભાષાશૈલી અને સારી રચનારીતિ’ ઓવારણા લીધાં છે. મને લાગે છે કે તેમની આ ૧૫ વાર્તાઓ પરંપરાગત આધુનિક પદ્ધતિનો સમન્વય કરતી જોવા મળે છે. ટૂંકીવાર્તાના વિષય, ભાષા, રીતિ, પરિવેશ, પાત્રરૂપો; ટેક્નિક, કળાની સંયોજન ત્રિવિધ એકતા વગેરે સંદર્ભે તપાસ કરીએ. પ્રથમ વાર્તા ‘દ્વિધા’ નિવૃત્ત થયેલા કલેક્ટર પ્રમોદરાય–રમાગૌરીના પાત્ર દ્વારા સમકાલીન જીવનમાં સંતાનો દ્વારા થતી ઉપેક્ષાવૃત્તિ અને પોતાનો નાનો કર્મચારી – પટાવાળો રમેશ દ્વારા પોતાની માતા માટે ‘કિડની’ આપી, પરિતૃપ્તિનો અનુભવ કરે છે. નાયકના મનોજગતમાં દ્વિપરિમાણોથી વ્યક્ત થયેલી આ વાર્તા, વાર્તાકળાના આયામોથી સજ્જ છે. બીજો પુરુષ એકવચનમાં મેરાઈના પાત્ર દ્વારા વ્યક્ત થતી માસ્તર રવિશંકરની અકળામણ ‘વાતોડિયો’માં સારી રીતિથી અભિવ્યક્ત થઈ છે. વાર્તામાં મનુષ્યની સ્વાભાવિકતાપૂર્ણ જિંદગીનાં બદલાતાં રૂપો – વાસ્તવની છબી સાથે સાંકળી, સત્ય પ્રગટાવ્યું છે. જુઓ : ‘ઉનાળાનો સમય હોઈ, ખુલ્લા આંગણામાં ઠંડું કરવા મુકેલ પાણીનું માટલું હડફેટે ચડી ગયું, તેથી ઢોળાયેલું-રેલાયેલું પાણી તેની ઠંડક મેરાઈથી અનુભવાઈ નહીં.’ (પૃ. ૪૩) ‘મોતિયો’ વાર્તામાં વિધુર શિક્ષક ધીરુભાઈ પોતાના સંતાનો માટે જિંદગી સમર્પિત કર્યા પછી, મોતિયો પાકી જાય – આંખમાં કશું દેખાતું નથી તેમ ધીમે ધીમે સ્નેહનો ચહેરો ભૂંસાતો જાય છે તેનું આક્રંદ પિતા દ્વારા વાર્તાકારે સરસ મૂકી આપ્યું છે. તો પ્રથમ પુરુષ એકવચનથી વ્યક્ત થતી ‘પુનરાગમન’માં સુમંતરાયનું આત્મનિવેદન માર્મિક-સૂક્ષ્મ-તિર્યક ભાવ-વિભાવોથી મુકાયેલું છે.
આ સંગ્રહમાં નારીચેતના – ભાવવિશ્વને વ્યક્ત કરતી ત્રણ વાર્તાઓ નોંધપાત્ર છે. ‘ડંકી’માં હાથલારીથી ગુજરાન ચલાવતો ભીખો – નિઃસંતાન સમુભાભીના પ્રણય આવિષ્કારો અનુભવી – વિજિગીષાનું થતું વિગલન પ્રતીકરૂપે વ્યક્ત થયું છે. કથન-વર્ણન-ભાષારીતિ સમુચિત એકતાનાં તત્ત્વો સિદ્ધ કરતી આ વાર્તા આપણી વાર્તાસૃષ્ટિમાં ઉત્તમ સ્થાન-માન પામે છે. તો ‘વંશ’માં ડ્રાઇવર દિલાવર અને શિક્ષિકા ગીતાના સ્મરણપટ પર અથડાતી-કૂટાતી બસની ગતિ સાથે જીવનનો વલવલાટ વ્યક્ત થયો છે. અહીં સંતાન ઝંખનાથી વ્યથિત નારીની પીડા વાર્તાકારે ખૂબ જ લાઘવતાથી વર્ણવી છે. બાળશૌર્યચંદ્રક પ્રાપ્ત નારી ‘વરુ’ – રૂડી શિક્ષણના વ્યામોહમાં ફસાતી, છેવટે વિકૃતિનો ભોગ બની, શિક્ષણ વ્યાપારનો વરવો ખેલ વ્યક્ત થયો છે. વાર્તાકારે અહીં કટાક્ષ દ્વારા એક ધ્વનિ વ્યક્ત કર્યો છે. ‘રૂડી તું ચાર પગાળા વરુને આંબી ગઈ, પણ બે પગાળા...’ (પૃ. ૬૭) ‘ગુરુદક્ષિણા’માં વૈધવ્ય પ્રાપ્ત દીકરી સરિતાના જીવનમાં ‘ખેડાઈ ગયેલા ખેતરમાં નાનકડું બીજ ગમે ત્યારે મૂળ બની શકે’ મંથન અનુભવતા જટાશંકર અને સુધીરના તાણાવાણાં વર્ણવાયા છે. એક સારી વાર્તા ‘પરિવર્તન’ પત્રશૈલીમાં વ્યક્ત થયેલી છે. વાર્તામાં આરાધ્ય ગુરુ ચિદાનંદજીને પત્ર દ્વારા જિંદગીનો ચિતાર-ઝંખનાઓથી જન્મેલા સંઘર્ષને અને પુત્ર-પુત્રવધૂના બદલાતા જતા ચહેરાઓને ઘણી જ સિફતપૂર્વક મૂકી આપ્યા છે. પત્રને પોસ્ટ કરતાં પહેલાં ચંદનની પરિવર્તન દિશા કર્મશીલતા આયામને પ્રગટાવે છે. વતનઝુરાપાને વ્યક્ત કરતી ‘સોદો’ વાર્તામાં વૃષ્ટિના અતિરેકથી જન્મેલી પીડા-સંવેદના ઘર, શેરી, ગામ, પાદર, ઠામડાં, પટારો, પૂર્વજોની કાટમાળમાંથી – રંગીન પાઘડીયાળી છબી વગેરેથી નાયકે વેચવા મૂકેલું મકાન – સૂર્યકાન્તને ગળે ત્રોફાવેલા ત્રાજવા જેવું જડાઈ જાય છે. વાર્તા પ્રારંભ અને મધ્યમાં નિબંધનું જોખમ ઊભું કરે છે. હા, વાર્તા-નિબંધ સ્વરૂપમાં ઝોલાં ખાતી અનુભવાય છે. ‘ગોડફાધર’ અનાથાશ્રમના વિષયને લઈ – શિશુકુંજના ઉછેરમાં ભાવિ સંકેતનો ઊજળો નકશો પ્રગટ કરે છે. શીર્ષકને વાર્તાકારે બદલ્યું હોત તો વાર્તા વધારે સમુચિત બની હોત! ‘વૈદ્યરાજ’ વ્યવસાયના માનવ ગરિમાના પાસાંને વ્યક્ત કર્યો છે. કથાતત્ત્વના અતિરેકને કારણે વાર્તા મધ્યમ બને છે. તો રોગથી વ્યથિત પત્ની યેશા અતીત અને સાંપ્રત વચ્ચે સંઘર્ષ અનુભવતી છેવટે પતિના મિત્ર સમક્ષ ‘ઇન્ટીરિયર ડેકોરેશન’ શોખ મનના ખૂણાને અજવાળે છે. સ્ત્રી સન્માન, કથન – ટેક્નિકની રીતે આ વાર્તા ઘણી જ નોંધપાત્ર બને છે. તો બીજા વાર્તાસંગ્રહમાં ‘ટોળા બહારનો માણસ’ શીર્ષકથી વિષય – ભાવ અભિવ્યક્તિની દૃષ્ટિએ ૧૫ વાર્તાઓ દ્વારા એક જુદી જ દિશાનાં દર્શન કરાવે છે. એકલતા, હતાશા, નિરાશા, ઝુરાપો, વ્યથાનો પ્રગટ ભય, મનુષ્યસહજ વૃત્તિઓ, મૃત્યુની વિભીષિકાઓ, વૃદ્ધત્વના અરૂપો, ઐતિહાસિકતાના ઝરૂખામાં રોમાંચભર્યો ખાલીપો, તળપદ-જનપદની જીવનરીતિના તીવ્રતમ આલાપો, પરિવારની સંકડાશભરી સ્થિતિઓ, યુવા પેઢીની ફસાતી – મનોદશાઓ, કાળની રમતોમાં ધકેલાતી પ્રજાની રંગીન તાસીરો આદિ વિષયોને લઈ અનુ-આધુનિકતાના પ્રવાહને પ્રાદેશિક રૂપોથી વાર્તાઓમાં વ્યક્ત કરેલા જોવા મળે છે. ‘આધુનિકોત્તર વાર્તામાં માનવ વાસ્તવની સીમાઓ વિસ્તરી છે. પોતાની આસપાસની માનવસૃષ્ટિની જીવંતતાઓ તરફ દૃષ્ટિ કરીને એટલે અંશે વાર્તાકાર બર્હિમુખ બન્યો છે. આધુનિક વાર્તાઓમાં માનવસંદર્ભો ‘અધ્યાહૃત’ એટલેકે elliptical હતા તેને સ્થાને આ વાર્તાઓમાં સ્થળ-કાળના ભૌગોલિક સંદર્ભો સહિતનાં પાત્રો સાથે ભાવક ચેતના જોડવામાં જરા પણ વિલંબ થતો નથી’ (‘ગુજરાતી ટૂંકીવાર્તા : ૧૯૫૫થી ૨૦૦૦’, જયેશ ભોગાયતા, પૃ. ૧૨૬) આ વિધાન આધારે જોઈએ તો આ સંગ્રહમાં ચરિત્રલક્ષી – ભાવક ચેતનાને હોંકારો આપતી નજરે જરૂર પડે છે. ‘આ વાર્તાઓ સ્થળ કેન્દ્રીય એટલે local centric હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. વાર્તાઓ વાંચ્યા પછી સાથેસાથે એક નવલકથા વાંચવાનો આનંદ મળે છે.’ (પ્રસ્તાવના, પૃ. ૪) કિરીટ દૂધાતના આ વિધાન સાથે સહમત થવાય તેવી વાર્તારસની અભિવ્યક્તિ તરેહો જોવા મળે છે. પ્રથમ વાર્તા ‘સંકડાશ’માં રમા-સુરેશના પાત્ર દ્વારા માંડ-માંડ છેડા ભેગા કરી મેળવેલું ઘર તોગો આનંદ અને તેમાં ધીમે ધીમે વિસ્તરતો જતો ભય – મધ્યમ વર્ગની કઠણાઈભરી સ્થિતિનાં પરિમાણો વ્યક્ત કરે છે. વાર્તા સાંપ્રત જીવનરીતિને તાગે-તાકે તેવી રચનારીતિથી સાચી રીતે વર્ણવી છે. ‘માળો’ વાર્તા પ્રતીકાત્મકતા દ્વારા કાનજી-શરદના પાત્રોથી ગ્રામ્યસૃષ્ટિ સામે પુત્ર રસલાના બદલાયેલા મનોભાવો – સફેદ જાસુદ ફૂલને કલમ કરી, લાલ જાસુદને એકબીજામાં ભેળવી દેવાની વાર્તાકારની સક્ષમતા પુરવાર કરે છે. જુઓ : ‘છ-સાત પ્રયત્નો છતાં એ ગાભાનો દડો ખિસકોલી એના માળામાં મૂકવા મથતી રહીને નિષ્ફળ થતી જણાઈ. અચાનક જ રમાએ હીંચકા પરથી ઊભા થઈને ખૂબ જ જતનપૂર્વક એ નાનકડા દડાને બખોલમાં મૂકી દીધો.’ (પૃ. ૧૭) તો ‘ભૂખ’ વાર્તા ડૉ. શાહ દ્વારા હૉસ્પિટલના પરિવેશને તાદૃશ કરે છે. દર્દી નં : ૧૭ દ્વારા શરીર નહીં પણ સંવેદનાનું પરીક્ષણ, ભૂખ સ્નેહને વાચા આપે છે. વાર્તાકારનો મેડિકલ ક્ષેત્રનો વ્યવસાય આ વાર્તામાં ઘણો સફળ પુરવાર થયો છે. ‘મંછારામ’ પાત્રની ‘એક વ્યથા વાર્તા દ્વારા વ્યક્ત કરેલી છે. સંગ્રહની એક સક્ષમ વાર્તા ‘રેડિયો’ રહેલી છે. નિવૃત્ત મામલતદાર તુળજાશંકરના મનોભાવો આઘાત-પ્રતિઘાત રૂપે સારી રીતે વ્યક્ત થયા છે. પિતાને આપેલી પીડા – પુત્ર ભોપો જેલ જે રીતે ભોગવી રહ્યો છે તે અંતે વીસ રૂપિયાના પાવર પુરાવી રેડિયો દ્વારા ભાવકને સ્તબ્ધ કરી મૂકે છે. કથનરીતિ અને સંકલના વાર્તાકારની નોંધપાત્ર છે. તો ‘ટોળા બહારનો માણસ’માં વાડીલાલની મનોસંવેદનાને ચૈતસિક વલયોથી વ્યથિત વનિતા પાત્રથી વ્યક્ત થતાં જોઈ શકાય છે. વૃદ્ધાવસ્થા – વૃદ્ધાશ્રમ પરિસર સાથે વણાયેલી આ વાર્તા પુત્ર ઝંખનામાં સર્વસ્વ નીચોવી બેઠેલા પિતાના અંતિમ શબ્દો વેધકતા ધારણ કરે છે. જુઓ : ‘દોસ્ત! જન્મ વખતે તો હુંયે નોર્મલ હતો, પણ તારા બદલે જો દીકરી જન્મી હોત ને તો હું અહીં ન હોત’ (પૃ. ૪૧) અહીં મનોવૈજ્ઞાનિક ભૂમિકાથી વ્યક્ત થતી આ વાર્તા ચેતના પર ઊંડી અસર જન્માવે છે. તો જુગારની રમતમાં ફસાતી યુવાપેઢી અને બરબાદીનો ચિતાર ‘જન્નો-મન્નો’ વાર્તામાં જમાલના પાત્ર દ્વારા ઝાલાવાડી પ્રદેશની જુદી તાસીરનાં દર્શન કરાવે છે. રેલ્વે સ્ટેશનની આસપાસ રહેતી વસ્તી, બાવળિયાની કાંટ્યમાં કોથળો પાથરી રમાતી રમતો, આંકડાની માયાજાળનો અંચળો વાર્તાકારે ખૂબીથી વણી લઈ, જમાલનું સવલીમાં અને રઘલાનું રશ્મિમાં રૂપાંતર જવનિકા છેદન ઉત્તમ લાઘવતાથી મૂકી આપ્યું છે. માસ્તરની ભૂલનો એકરાર અને દુદા પાત્રથી પ્રગટતું મનુષ્યત્વ ‘તેતરમાંથી મોર’ વાર્તામાં સારું પ્રતીકાત્મક ઝિલાયેલું છે. તો ગાણિતિક સંજ્ઞાથી સાંપ્રત જીવનની વિડંબના અનુભવતા નિવૃત્ત વિધુર રમણીકલાલની અવદશાનું ઘેરું ચિત્રણ ‘ત્રિરાશીનું ત્રીજું પદ’ વાર્તામાં ‘આ આશ્રમને તમારું ઘર સમજો, તમારે હવે ક્યાંય જવાનું નથી.’ (પૃ. ૭૩) અહીં સારી રચનારીતિ જોવા મળે છે. એક જુદા વિષય, ભાવ, શૈલીથી વ્યક્ત થતી વાર્તા ‘શબ્દ’ હું કથનથી સર્વવ્યાપી આયામને પ્રગટ કરે છે. મરણોત્તર સ્થિતિનો ભાવ વિનાયકના પાત્ર દ્વારા અસ્તિત્વપરક વિભાવ વાર્તામાં રચાય છે. અલબત્ત, વાર્તા લંબાણ-વર્ણન ભય જરૂર અનુભવે છે. તો ‘વારતાની વારતાની વારતા’ તાદૃશીકરણનો અનુભવ અભિવ્યક્તિ પામ્યો હોય તેવું જરૂરથી કહી શકાય. શિશુકુંજના દાસભાઈના પાત્ર દ્વારા વાર્તાના અંતે ‘માતા’નું ચિત્ર પાત્રસ્થિતિ સાથે સન્નિધિકરણ વાર્તાકારે રચી, અંતને ઉત્તમ બનાવ્યો છે. અતીત અને વર્તમાનમાં ઝોલાં ખાતી ‘રેવતી અને મંજુલા મજુમદાર બે સ્ત્રીપાત્રો દ્વારા ‘ઑબ્જેક્ટ’ની નૂતન વાર્તાકળા રચી છે. આખી જિંદગીમાં એક ડાઘ નથી પડવા દીધો તે સ્ત્રી સંતાનોના સુખ માટે, મોડેલિંગની દુનિયામાં આવી, ફાઇન આટ્ર્સના વિદ્યાર્થીઓ સમક્ષ – લાઇવ ઓબજેક્ટ - સ્ટેજ સમક્ષ નગ્નાવસ્થામાં જે સંવેદન અનુભવી રહી છે તે અને તેને જોઈ વિદ્યાર્થી જે ચિત્ર સજ્જા કરી રહ્યા છે તે બન્ને ગતિને વાર્તાકાર કુશળતાપૂર્વક આંતર-બાહ્ય સંઘર્ષ દ્વારા જુદું જ પરિમાણ રચી આપે છે. અંતમાં રેવતી ડૉ. સીંઘ સાહેબની પાસેથી રૂપિયા પાંચસોની નોટ હાથમાં પકડાવતાં, જીવનમાં લાગેલી આગનો ભડકો – તીક્ષ્ણ સંકેતથી વાર્તાને નવો જ વળાંક મળે છે. લોકડાઉનના કપરાકાળમાં વલખાં મારતી વસ્તીનો સૂર અહીં રેવતી દ્વારા વણી લઈ, સમસ્યા સ્થિતિને સરસ મૂકી આપી છે. પ્રતીક રૂપોથી ખચિત વાર્તાનો અંત કલાકારની વલોવાતી વેદના સારી રીતે પ્રગટાવી છે. જુઓ : ‘લોકડાઉન દરમ્યાન વધી ગયેલ ભૂંડની વસ્તી નિયંત્રણ માટે પંજાબી સરદાર લોકોની ટોળી સોસાયટીમાં ભૂંડ પકડવા ઘૂસી હતી – આગળ ઠેકડા મારતું ગૂ-મૂતરથી ભરેલું, ઉકરડાની ગંદકીથી મોંવાળું એક ભૂંડ બંગલાની કમ્પાઉન્ડ વૉલ ઠેકી ઘરની પોર્ચમાં ધસી આવ્યું. (પૃ. ૧૦૨) તો ઉત્તમ દામ્પત્યસ્નેહ મેળવેલ રમેશ અનાયાશે અકસ્માતમાં હાથ ગુમાવતાં, પત્ની સરલાથી વ્યથા અનુભવતો નાયક ‘દુર્ગંધ’ વાર્તામાં વર્ણવાયું છે. મહત્ત્વાકાંક્ષી સ્ત્રીના નીતરતા પ્રસ્વેદની ગંધને પારખતા પતિ મુખે આ વાર્તા આપણી સામાજિકતાની બારી છતી કરે છે. વાર્તાનો પરિવેશ ફેમીલી કોર્ટથી શરૂ કરી હૃદયનાં દ્વાર ખોલી આપે છે. અહીં વિષય સાથે વાર્તાકારની નિરૂપણરીતિ ધ્યાન ખેંચે છે. તો ‘રૂખડો’ એક પ્રયોગશીલ વાર્તા છે. પ્રથમ પુરુષ ‘હું’થી રજૂ થતી આ વાર્તા શબવત્ થતો નાયક ઘરની સ્થિતિથી શરૂ કરી, બ્રહ્માંડની પ્રદક્ષિણા દ્વારા ‘તથાસ્તુ’ પામતો અંતમાં પર્યાવરણીય અભિગમ સૂચક રીતે વણાયેલો જોઈ શકાય છે. જુઓ : “હે, પરમ ઐશ્વર્યના કર્તા, મને મારા પૌત્રના હાથે મારી વાડીના ઝાંપે રૂખડો સ્થાપિત કરાવો.’ (પૃ. ૧૧૭) અને અધ્યાત્મ ચેતનાનો સંકેત અને સાંપ્રત મનુષ્યનાં બદલાતાં રૂપો એકમેકમાં ભળતાં અનુભવાય છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘ઉછીનું સુખ’માં કૉમર્સ ભણેલી લાડલી-અનિકેતના લગ્નની તારીખે ત્રીસ ત્રણ નેવું – સરવાળો નહિ ગુણાકાર અનુભવતી નારીની છબી વ્યક્ત થઈ છે. સંતાન પ્રાપ્તિથી અપાર સુખ અનુભવતી – બાળકના હૃદયમાં કાણું હોવાથી અનુબંધ પૂરો થયો તેની દુઃખમય પરિસ્થિતિ સાથે બીજું સંતાન શ્રીનું અકસ્માતમાં મૃત્યું થતાં – સંતાનસુખથી વંચિત ત્રણ દાયકાઓ પસાર કરે છે તે કથાઘટક સાથે ગોવા પ્રવાસ દરમ્યાન બાઉલ ગીતો સંભળાવતો અનાથ બાળકને દત્તક લેવાનો આશા-તંતુ અનિકેત-મુદિતા દ્વારા ‘સંતાનોની યાદમાં બીજી કોઈ મદદ કર, ઉછીનું સુખ ક્યારેય ટકતું નથી તે વ્યથા વાર્તામાં રજૂ કરી એક નવો અભિગમ વાર્તાકારે રજૂ કર્યો છે. અલબત્ત વાર્તા પાત્રલક્ષી વિશેષ બને છે તેથી શીર્ષક બીજું હોય તો વિશેષ ઉઠાવ પામત તેવું મને લાગે છે.’ વાર્તાકારના બન્ને વાર્તાસંગ્રહમાંથી પસાર થતાં તેમની દૃષ્ટિ-સૃષ્ટિની વિશેષતાઓ તારણ રૂપે જોઈએ. (૧) પ્રથમ વાર્તાસંગ્રહ ‘વાતોડિયો’માં વાર્તાકળાના સાયુજ્યને તાકતી વાર્તાઓ ડંકી, વરુ, પડખું, ડાઘિયા, વાતોડિયોમાં વિષય, પાત્ર, ટેક્નિક, સંકલના, ભાષારીતિઓ વગેરે ઘટકોની એકતા સાથે વાર્તાગુણનાં દર્શન થાય છે. (૨) ગ્રામપરિવેશના નેજા નીચે રચાયેલી વાર્તા પરંપરિત વાર્તાના ચોકઠામાં પુરાઈ મધ્યમ પણ બનતી જોઈ શકાય છે. દા.ત. વંશ, ગુરુદક્ષિણા, પડખું, મનનો ગરીબ વગેરે... (૩) આ વાર્તાઓમાં ચરિત્રલક્ષી રૂપો ભાવકની ચેતનામાં સીધો ઉઘાડ પામી, ગુણગરિમાનું દર્શન કરાવે છે. દ્વિધા (રમાગૌરી–પ્રમોદરાય), ડંકી (ભીખો– સમુભાભી), મોતિયો (ધીરજલાલ), વંશ (ગીતા–દિલાવર), પડખું (કાશીરામ વૈદ્ય) (૪) આ સંગ્રહની વાર્તાઓમાં શિક્ષક વિશેષતઃ નિવૃત્ત માસ્તરનાં સંવેદનવલયો વિશેષ ઝિલાયાં છે. હા, લેખકે કહ્યું છે તે પ્રમાણે પિતાનો વ્યવસાય અને આ ક્ષેત્રના મોવડી – આગેવાન હોવાના કારણે શિક્ષકોના પ્રશ્નો – દર્દને નજીકથી જોવાની તક મળી તે કારણભૂત તત્ત્વ છે. હા, માત્ર શિક્ષકની મનોવ્યથાને રજૂ કરતી બન્ને સંગ્રહની ૧૧ ઉપરાંત વાર્તાઓ છે. તેમાં વૃદ્ધાવસ્થાની અકળામણો, પરિવાર સાથે વિચારભેદ, સંતાનો દ્વારા અણગમો, નવી પેઢીના સ્વાર્થમય સમ્બન્ધોની લીલાઓ, વિધુર જીવનની અસહાયમય અકળામણો વગેરે વિષયોમાં વાર્તાકારને ઘણી સફળતા મળી છે. (૫) તો દ્વિતીય સંગ્રહમાં વાર્તાકારની પરિપક્વ શૈલીનાં દર્શન થાય છે. અનુઆધુનિક યુગના પ્રાણપ્રશ્નો ખાસ કરીને દામ્પત્યજીવનનાં સંકડાશભરી સ્થિતિઓ, નારીનાં બહુવિધ સંવેદનવલયો, વૃદ્ધાવસ્થાના મન્વન્તરો, કળા-કલાકારના જીવન સાથે થતી પ્રપંચ લીલાઓ, મનુષ્યવૃત્તિઓનાં ભાવસ્ખલનો, સાંપ્રત જીવનની વિભીષિકાઓ વગેરેને વાર્તાકારે પોતાના મલક-પ્રદેશ સાથે સાંકળી એક મનુષ્ય વૃત્તિઓના આયામો મૂકી આપતા નજરે પડે છે. (૬) અહીં કથાઘટક, રચનારીતિ અને ભાષાનાં ત્રિવિધ સૂત્રને સિદ્ધ કરતી વાર્તાઓ ‘માળો’, ઓબ્જેક્ટ, રેડિયો, જન્નો-મન્નો, તેતરમાંથી મોર, રૂખડો વગેરે ગણાવી શકાય. (૭) ઝાલાવાડ પ્રદેશની અસ્મિતા અને વાસ્તવને પ્રગટ કરતી વાર્તાઓમાં માળો, ભૂખ, ટોળા બહારનો માણસ, જન્નો-મન્નો, વગરેમાં અભિવ્યક્તિનું સાયુજ્ય રચાયેલું જોઈ શકાય છે. (૮) આ સંગ્રહનું એક ગુણધર્મી પાસું તેની ભાષારીતિમાં જોવા મળે છે. પાત્ર- સમય-સ્થળ-પરિવેશ-સંઘર્ષ – અંતની વેધકતા સાથે વ્યંજનાગર્ભ અભિવ્યક્તિ રીતો ઉત્તમતાનાં દર્શન કરાવે છે. જગ્યાના અભાવે વિશેષ ભાષા અંગે નોંધી શકાય તેમ નથી છતાં બે દૃષ્ટાંતોથી ભાષામર્મ જોઈએ. (૧) જોવો, જમાલભાઈ, ઈ છે જ એવો તમે તો મારા કરતાંય ઈને વધુ ઓળખો. હુંય મુવી શું કૌ? દાનત તો નઈ એવું નઈ પણ મુવામાં વેતોય નથી. નઈતર આવા વિઘા એકના ફળિયામાં હું એકલી હૌવ! તમે જ કૈ રસ્તો કાઢો. (જન્નો-મન્નો, પૃ. ૫૬) (૨) ચાર દાંત રહ્યા છે પણ હજુ અથાણાં ખાવાના અભરખા ગયા નથી, હવે તો જપો. ઉંમર થાય ને એટલે પગ અને જીભને, બેઉને આરામ આપવો જોઈએ જરા સમજો. (ત્રિરાશી ત્રીજું પદ, પૃ. ૬૬) આ રીતે વાર્તાકાર ભાષારીતિનાં આવર્તનોથી સુસજ્જતાનાં દર્શન કરાવે છે તે સ્વીકરવું પડે. સાંપ્રત સમયમાં સર્જકની અન્ય વાર્તાઓ ગણવેશ, ઓળખ, બીયું વગેરે પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થતી રહી છે. ભાવકો-વિવેચકોનો ખૂબ આદરભાવ મેળવતી પણ રહેલી જોઈ શકાય છે. તે જોતાં આધુનિકોત્તર વાર્તાપ્રવાહમાં એક નોંધપાત્ર વાર્તાસંગ્રહ આપણને મળશે તેવી આશા જરૂરથી જન્મે છે. આ બન્ને વાર્તાસંગ્રહોની વાર્તાઓમાંથી પસાર થતાં વાર્તાકારની પ્રારંભિક વાર્તા અભિવ્યક્તિ દિલીપ રાણપુરા, સુમંત રાવલ, ગિરીશ ભટ્ટ, ઉજમશી પરમાર આદિની રીતિઓનાં દર્શન થાય છે, જ્યારે બીજા સંગ્રહમાં વાર્તાકાર બિંદુ ભટ્ટ, કિરીટ દૂધાત, નીતિન ત્રિવેદી, દશરથ પરમાર, રાજેન્દ્ર પટેલ, સંજય ચૌધરી, અજય ઓઝા, જિજ્ઞેષ જાની આદિ સાંપ્રતકાળના વાર્તાકારોની સંલગ્ન રચનારીતિના આયામોને પ્રગટ કરતા જોવા મળે છે. ઝાલાવાડ પ્રદેશની અસ્મિતાને વાર્તાસંવેદનોથી અભિવ્યક્ત કરી, મનુષ્ય સહજ વૃત્તિ-સૃષ્ટિના પરિણામોને તેઓ તાગે-તાકે છે તે ઘણી વિશિષ્ટ બાબત છે. જ્યોતીન્દ્ર પંચોલી આપણા સાંપ્રતકાળના પ્રયોગશીલ વાર્તાકળાના ત્રાજવે સફળ રહેતા જણાય છે.
સંદર્ભ ગ્રંથો :
(૧) ‘ગુજરાતી વાર્તાસંચય ભાગ ૧-૨’, સંપાદક : જયંત પારેખ, શિરીષ પંચાલ
(૨) ‘ગુજરાતી ટૂંકીવાર્તા : ૧૯૫૫થી ૨૦૦૦’, જયેશ ભોગાયતા
(૩) ‘વાતોડિયો’, જ્યોતીન્દ્ર પંચોલી, લટૂર પ્રકાશન, ૨૦૧૫
(૪) ‘ટોળા બહારનો માણસ’, જ્યોતીન્દ્ર પંચોલી, વિશ્વગાથા પ્રકાશન, ૨૦૨૨
(૫) ‘અધીત-૩૮’, સંપાદક : સંજય મકવાણા, નરેશ વાઘેલા, ગૂર્જર ગ્રંથરત્ન, ૨૦૧૬
(૬) ‘વાર્તાપર્વ’, બાબુ દાવલપુરા, પાર્શ્વ પ્રકાશન, ૨૦૦૭
જનક રાવલ
ગુજરાતી વિભાગ,
કવિ કૉલેજ, બોટાદ-૩૬૪૭૧૦
મો. ૭૯૯૦૫ ૮૩૩૮૦