ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/લતાબેન હિરાણી

From Ekatra Foundation
Revision as of 11:55, 25 December 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
લતાબેન હિરાણીની વાર્તાઓ

ગિરિમા ઘારેખાન

GTVI Image 134 Lataben Hirani.png

સર્જક : લતાબેન હિરાણી
જન્મતારીખ : ૨૭-૨-૧૯૫૫, જન્મસ્થળ : મોરબી
જીવનસાથી : જગદીશ હિરાણી
અભ્યાસ : બી.એ., એલ.એલ.બી.
પુસ્તકો : ગદ્ય અને પદ્યનાં વિવિધ સ્વરૂપોનાં ૨૮ પુસ્તકો
સંપાદન : ‘ટેરવે ઊગ્યું આકાશ’–કાવ્યો
અનુવાદ : નેશનલ બુક ટ્રસ્ટના પુસ્તકનો અનુવાદ
પુરસ્કાર : આંતરરાષ્ટ્રીય હિન્દી સાહિત્ય પરિષદ તરફથી ત્રણ પારિતોષિક
રાષ્ટ્રીય પારિતોષિક : રાષ્ટ્રીય સાક્ષરતા મિશન, નવી દિલ્હી (‘ધનકીનો નિરધાર’ પુસ્તક માટે)
રાજ્ય કક્ષાનાં પારિતોષિક :
ગુજરાતી સાહિત્ય પરિષદ (‘ઉજાસનું પ્રથમ કિરણ’, પ્રથમ પારિતોષિક)
ગુજરાત સાહિત્ય અકાદમી (‘ઉજાસનું પ્રથમ કિરણ’, દ્વિતીય પારિતોષિક)
સખી શક્તિ એવૉર્ડ (‘ઉજાસનું પ્રથમ કિરણ’)
કલાગુર્જરી એવૉર્ડ – કવિતા માટે
‘સંસ્કાર ભારતી’ એવૉર્ડ- સમગ્ર સાહિત્ય માટે
શિશુવિહાર, ભાવનગર તરફથી ‘જહાનવી’ સ્મૃતિ કવિયિત્રી એવૉર્ડ

‘કોલ્ડ કૉફી’, પ્રકાશન વર્ષ ૨૦૨૧, પ્રકાશક : અમોલ પ્રકાશન, અમદાવાદ
વાર્તા સંખ્યા ૧૬, પાનાં ૧૫૦

GTVI Image 134 cold Coffee.png

મુખ્યત્વે કવિયત્રી તરીકે જાણીતાં અને પોતાની ‘કાવ્ય વિશ્વ’ વેબસાઇટને લીધે વિશેષ પ્રસિદ્ધ થયેલાં લતાબેન હિરાણીએ ગદ્ય સાહિત્યમાં પણ ઘણું કામ કર્યું છે. એમનાં કુલ ૨૮ પ્રકાશિત પુસ્તકોમાં કાવ્યનાં પુસ્તકો ઉપરાંત નવલકથા, વ્યક્તિ ચરિત્રો, ટૂંકી વાર્તાનું પુસ્તક, બાળવાર્તાનાં પુસ્તકો, સંપાદિત પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૦૭ના વર્ષથી ‘દિવ્ય ભાસ્કર’માં કાવ્ય અને હવે વાર્તા સંબંધિત કૉલમ લખી રહેલાં લતાબેન વિશ્વકોશના ‘વિશ્વા’ સામયિકમાં સંપાદક તરીકેની સેવાઓ પણ આપી રહ્યાં છે. આની પહેલાં એમણે ‘દિવ્ય ભાસ્કર’ વર્તમાનપત્રના વાર્તા વિભાગમાં પણ ઓનલાઇન સંપાદક તરીકે કામ કરેલું છે. એમનાં વિવિધ પુસ્તકો માટે એમને ત્રણ આંતરરાષ્ટ્રીય, એક રાષ્ટ્રીય અને છ રાજ્ય કક્ષાનાં પારિતોષિકો આપવામાં આવેલાં છે. ૨૦૨૦ના વર્ષથી તેઓ www.kavyavishva.comનામની સંપૂર્ણપણે કવિતાને વરેલી વેબસાઇટ ચલાવી રહ્યાં છે. ટૂંકી વાર્તા ક્ષેત્રે ભલે લતાબેનનું કામ પ્રમાણમાં ઓછું છે, પણ નોંધપાત્ર તો છે જ. ૨૦૦૪માં એક ‘અખંડ આનંદ’માં પ્રકાશિત થયેલી એમની વાર્તા ‘જૂઈ’ હિન્દીમાં અનુદિત થઈને ભારતીય જ્ઞાનપીઠના સામયિક ‘નયા જ્ઞાનોદય’માં પ્રકાશિત થઈ. એમની ‘બંધાણ’ વાર્તા ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક ચયનમાં અને ‘વાર્તા રે વાર્તા’ સંપાદિત પુસ્તકમાં સ્થાન પામેલી છે. ગુજરાતી સાહિત્યના ઘણાં સામયિકોમાં એમની વાર્તાઓ અવારનવાર પ્રકાશિત થતી રહે છે. હાલમાં એમની બે વાર્તાઓનો ઓડિયા ભાષામાં અનુવાદ થયો છે. જેને માટે લતાબેન પોતે કહે છે કે ‘એણે મને વધુ યશ અપાવ્યો છે’, એ ‘બંધાણ’ વાર્તા ‘કોલ્ડ કૉફી’ વાર્તાસંગ્રહની પહેલી જ વાર્તા છે. આ વાર્તામાં ગામડામાં રહેતા એક ગરીબ કુટુંબના વાસ્તવને વાર્તાનું વાસ્તવ બનાવીને રજૂ કરાયું છે. વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યાના જણાવ્યા પ્રમાણે ‘દરેક વાંચન વખતે નવા રસની અનુભૂતિ કરાવે’ એવી અને ‘ચગળ્યા કરવાનું મન થાય’ એવી આ વાર્તામાં બીડીના બંધાણી વૃદ્ધ બાપા છે, એમની સેવાથી કંટાળેલી ત્રણ બાળકોની માતા મંજુ છે અને એને કોઈ રીતે સહાય ન કરતો પતિ મનોર છે. આવા કુટુંબમાં બને એવી સ્થૂળ ઘટનાઓ વાર્તામાં બનતી રહે છે, પણ વાર્તાનો જે અંત છે એ વાર્તાને ‘હટકે’ બનાવે છે, એને ઊંચાઈ બક્ષે છે, જ્યાં સતત બબડાટ, કકળાટ, કરતી મંજુ વહુમાંથી મનુષ્યત્વ પ્રગટે છે. કોઈ પણ પ્રકારની વ્યંજના કે રૂપકોના ભાર વિના લખાયેલી આ વાર્તા સંગ્રહની એક માતબર વાર્તા છે. સ્ત્રીની સંવેદનાઓ લતાબેનની ઘણી વાર્તાઓમાં પૂરબહારમાં ખીલી છે. મર્મસ્થાન ઉપર થયેલા ઘણા આઘાતો સહીને ‘કોલ્ડ’ બની ગયેલી સ્વાતિની વાત કરતી ‘કોલ્ડ કૉફી’ વાર્તામાં સ્ત્રી-સંવેદનાઓ સુપેરે શબ્દાકાર પામી છે. પ્રથમ પુરુષમાં લખાયેલી આ વાર્તા પોતાની લેખનરીતિને લીધે વધુ સ્પર્શે છે. કોઈ જ કારણ વિના ‘ત્યક્તા’ બની ગયેલી સ્વાતિ સંઘર્ષ કરીને, એકલા હાથે પુત્રને ઉછેરે છે. એ પુત્ર જ્યારે પરદેશમાં સ્થાયી થઈ ગયેલા પિતા પાસે જતો રહે છે ત્યારની એ માતાની વેદના ખૂબ લાઘવથી, લાગણીઓમાં ખેંચાઈ ગયા વિના કે આંસુમાં તરબોળ થયા વિના [મેલોડ્રામા વિના] લેખિકાએ સુપેરે વ્યક્ત કરી છે. લેખિકાને જેણે સર્જનનો સંતોષ આપ્યો છે એ ‘જૂઈ’ વાર્તા સંગ્રહની વધુ એક નોંધપાત્ર વાર્તા છે. કોમી હુલ્લડના ધુમ્મસિયા વાતાવરણમાં આકાર પામતી આ વાર્તા લેખિકાના આવા વાતાવરણના અનુભવના પ્રત્યાઘાત તરીકે ઊભરી હોય એવું લાગે છે. પોતાના ‘ટૂંકી વાર્તા મીમાંસા’ પુસ્તકમાં લેખક શ્રી મોહનભાઈ પટેલ જણાવે છે એ પ્રમાણે ‘ટૂંકી વાર્તાની રચના કરવા પાછળનો સર્જકનો મુખ્ય આશય કોઈ વૃત્તાંતનું નિવેદન કરવાનો નથી હોતો, પણ પોતાના ચિત્તમાં ઊભરાઈ રહેલા કોઈ પદાર્થને ભાવક સુધી પહોંચાડવાનો હોય છે.’ સંતાન ઝંખતી એક સ્ત્રી જ્યારે બળાત્કારથી ગર્ભવતી બને ત્યારે એની મનોઃસ્થિતિ શું હોય એ આ વાર્તામાં આબેહૂબ રજૂ કરવામાં લતાબેન સફળ થયાં છે. ક્યારેક કોઈ કૃતિ સર્જકના મનમાં છૂપાયેલી પીડાને બહાર પણ લાવતી હોય છે, Catharsisનું કામ કરે છે. અલ્ઝાઈમરથી પીડાતી, આઈ.સી.યુ.માં ભરતી કરાયેલી મા અને એની પુત્રીની, પ્રથમ પુરુષ કથનરીતિથી લખાયેલી ‘મી’ વાર્તામાં લેખિકા પોતે ઘણી જગ્યાએ દેખાય છે. પુત્ર ઉપરની પોતાની પકડ ઓછી ન કરવા માટે અને ઘરમાં પોતાનું મહત્ત્વ યથાવત જળવાઈ રહે એ માટે વહુને ત્રાસ આપતી અને પુત્રને પણ એવું કરવા માટે પ્રેરતી સાસુઓની ઘણી વાર્તાઓ આપણે ત્યાં લખાઈ ગઈ છે. લતાબેનના આ સંગ્રહમાં પણ ગામઠી પરિવેશમાં ઊભરેલી એવી એક વાર્તા છે – પથરો. પણ એમાં એક બાળકનું પાત્ર ઉમેરીને અને સહન કરતી વહુના પાત્રના વિશિષ્ટ સંવેદનો એ બાળક સાથે જોડીને લેખિકાએ આ વાર્તાને અલગ તારવી અપાય એવી બનાવી છે. વહુને ‘પથરો’ કહેતાં સાસુ અને પત્નીની પીડા ન સમજતો એનો પતિ લાગણીઓની બાબતમાં અહીં વધારે ‘પથરા’ જેવા લાગે છે. ગામડાના એક ઘરના વાતાવરણનું આબેહૂબ ચિત્રણ કરીને લેખિકાએ મૂંગી રહેતી વહુની સામે એ વાતાવરણને બોલતું કરીને જીવંત બનાવી દીધું છે. એ વાતાવરણ કેવળ સ્થૂળ ગ્રામ્યપરિવેશથી જ રચાતું નથી. પાત્રપાત્ર વચ્ચે આંતરસંબંધોથી રચાતું વાતાવરણ ભાવકને વધારે આકર્ષે છે. ‘રાતે જુદો અને દિવસે જુદો’ – એવા વર સાથેનો સુમીનો સંબંધ, કચકચિયા સાસુને સહન કરતી સુમીનો એના સંસ્કાર સાથે આંતરિક સંબંધ, બધું સમજીને ન બોલી શકતા સસરા અને સાસુનો સંબંધ અને બળતા સંબંધોમાં હિમ જેવો લાગતો, દિયર ‘છોટુ’ સાથેનો સુમીનો સ્નેહ સંબંધ, માનવીય સંબંધોની ભૂમિને ભીનાશ આપે છે અને વાર્તાને સુખદ અંત તરફ દોરી જાય છે. સંગ્રહની એવી જ એક સત્ત્વશીલ કહી શકાય એવી વાર્તા છે ‘ઘર’ જેમાં આમ તો એક ઘરમાં રહેતાં બે જ નવપરિણીત પાત્રો દેખાય છે, પણ ત્રીજું એક મહત્ત્વનું પાત્ર છે ઘરનું બોઝિલ, ગોરંભાયેલું વાતાવરણ. બંને પાત્રો પોતપોતાની રીતે મૂંઝાયેલાં છે, પરિસ્થિતિ એવી છે કે કોઈ મનની વાત ઉચ્ચારી નથી શકતું અને એ ઘેરાયેલા વાદળોના કારણે વાતાવરણમાં જે ઉકળાટ થાય છે એ ભાવકો સુધી સાંગોપાંગ પહોંચે છે. નપુંસક પતિ સાથે જોડાઈ ગયેલી સ્ત્રીની વ્યથા બહુ સંયમિત શબ્દોમાં વ્યક્ત કરીને લેખિકાએ પાત્રની ગરિમા જાળવી છે. પહેલી રાત્રે પલંગમાં ઓઢવા માટેની બે ચાદરો જોઈને નાયિકાના મનમાં જે ભાવ આવે છે, જે રીતે એ બાલ્કનીમાં સૂવા જતી રહે છે, એ બધા એના મનોવૈજ્ઞાનિક પ્રત્યાઘાત છે. કેટલીક વાર્તાઓનાં મૂળ સર્જકની પોતાની અનુભૂતિમાં હોય છે તો કેટલીક વાર્તાઓનાં મૂળ ક્યાંક દૂરથી, કોઈ અન્યના અનુભવના જ્ઞાનથી, શ્રવણથી, વાંચનથી કે અન્ય રીતે સર્જક પાસે આવ્યાં હોય અને એમની સર્જકતા અને કલ્પનાશક્તિના બળે વાર્તા બનીને ઊછર્યાં હોય. લતાબેને બાળકો માટે, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતાં ગરીબ બાળકો માટે ઘણું કામ કરેલું છે. એટલે એ લોકોની ગરીબી એમણે જોઈ છે અને આંખોથી અનુભવીને હૃદયથી એની પીડાને પણ વેઠી છે. એમની એ પીડા ભાવકો સુધી પહોંચાડવા માટે એમણે વાર્તાઓના માધ્યમને પસંદ કર્યું છે એ એમની ‘અમ્મા’ અને ‘કઈ તરફ’ વાર્તાઓમાં પ્રગટ થયું છે. પ્રસિદ્ધ વાર્તાકાર સ્ટાઇન બેક વાર્તારચનાના રહસ્યને આ પ્રમાણે રજૂ કરે છે, ‘The formula seems to lie solely in the urge of the writer to convey something he feels important to the reader.’ ‘અમ્મા’માં પોતાનાં બાળકોને ટ્રેનમાં ચડાવીને આપઘાત કરતી માતા અને ‘કઈ તરફ’માં મામા મામીના ત્રાસથી છૂટવા ટ્રેનમાં ચડી જતો ટીનુ – બંનેનું છૂપું આક્રંદ ભાવકો સુધી પહોંચાડવામાં લેખિકા સફળ રહ્યાં છે. સ્ત્રીપાત્રોના આ મેઘધનુષી મેળામાં જુદી પડી આવતી બે વાર્તાઓ છે ‘ગુનગુના રહે હૈ ભંવરે’ અને ‘વતન’. પુરુષકેન્દ્રિત આ બે વાર્તાઓમાં લેખિકાએ પરકાયા પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી વાર્તા એક વિધુર, પ્રૌઢ પુરુષના, બગીચામાં એક સ્ત્રીને જોયા પછીના મુગ્ધ ભાવોની છે અને ‘વતન’ એ મનહરની અને સાથે દેશના અનેક યુવાનોની વાર્તા છે જે પરદેશના મોહમાં દેશને ભૂલી જાય છે, પણ જીવનના એક તબક્કે વતન પાછા ફરવા માટે ઝંખે છે. આ વાર્તાનું કથાવસ્તુ અને એનું નિરૂપણ એને માત્ર એક વ્યક્તિ – મનહરની વાત ન રહેવા દઈને એમાં સમષ્ટિને સાંકળી લે છે. પોતે સ્ત્રીસર્જક હોવાને કારણે લતાબેન હિરાણી જીવનની અલગ અલગ પરિસ્થિતિમાં મૂકાયેલાં સ્ત્રીપાત્રોના મનોભાવોને બહુ બારીકીથી આલેખી શક્યાં છે. અહીં શ્યામવર્ણને કારણે વાગ્દત્તથી અવલેહના પામતી પણ ખુદ્દાર અને આત્મવિશ્વાસથી ભરપૂર સુમી છે, તો ઇચ્છામૃત્યુને વરી લેતાં, જાતે જ સ્નાન કરીને, ઘરચોળું પહેરીને વિદાય થતાં બા પણ છે. [ઊભા રે’જો] ‘યસ મમા’ના બંને સ્ત્રીપાત્રો ધ્યાનાર્હ છે. પતિના મૃત્યુ પછી એકલતા ઓઢીને ગમગીનીના કોશેટામાં જતી રહેલી માતા સરલ અને એનાં બીજાં લગ્ન કરાવીને એને એ કોશેટામાંથી બહાર કાઢવા મથતી પુત્રી અમી. આ મા-દીકરી વચ્ચેના સંવાદો મુખર કરતાં મૌન વધારે છે. આ આખી વાર્તા એમની વચ્ચેના સમભાવી આદાન-પ્રદાનની છે. વાર્તામાં માનવજીવનનું જે દર્શન અભિવ્યક્ત થાય છે એ આમ તો સમાજના પરિપેક્ષ્યમાં જ થાય છે. (‘Literature represents life and life is in large measure a social reality - Austin Warren.) એ રીતે જોતાં ‘કોલ્ડ કૉફી’ની બધી વાર્તાઓ social realityનું દર્શન કરાવે છે. લતાબેનનાં સ્ત્રીપાત્રો ‘વજ્રાદપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદપિ’ છે. બીડી સળગાવીને, એનો કશ ખેંચીને સસરાના મોંમાં મૂકતી મંજુ, સહજતાથી આઘાતો સ્વીકારી લેતી સ્વાતિ, રાહત કેમ્પમાંથી ભાગી-ભગાડી જવાની હિંમત રાખતી ‘જૂઈ’ની ચંપા, તો સ્વમાન ખાતર પોતાના વાગ્દત્તને છોડી દેવા માટે તૈયાર ‘અરીસા’ની નાયિકા સુમી, દાદાજીને થયેલા અન્યાયનો માતા પિતા સામે બદલો લેવા માટે ઘરને હંમેશ માટે ત્યજીને ભાગીને લગ્ન કરી લેતી ત્વિષા – આ બધી સ્ત્રીઓ જલદીથી સ્મૃતિમાંથી ખસી જાય એવી નથી. લતાબેનની વાર્તાઓ મુખ્યત્વે અભિધામાં લખાયેલી છે. આદિ મધ્ય અને અંતવાળી, ક્યારેક સીધી લીટીમાં તો ક્યારેક ભૂતકાળને સાથે ઢસડીને ચાલતી આ વાર્તાઓમાં એમણે ‘છુપાવીને’ કશું નથી કહ્યું પણ એમના સંવાદોમાં ઘણું બધું ‘છુપાયેલું’ સંકળાઈ ગયું છે. એમના મુખર લાગતા શબ્દોમાં પણ એક ચિત્રાત્મકતા છે જે મૂર્ત લેખનનું કામ કરે છે. કેટલાંક ઉદાહરણો જોઈએ : – પર્ણોને સોનેરી જ રહેવા દે, સરૂ, તારા લીલપના સ્વપ્નને મારો સાથ ક્યાં ફળવાનો?’ (પત્નીને સંતાન ન આપી શકતો પતિ – જૂઈ) – દાદાજી, દરિયાના મોજાંને કેનવાસ પર કેમ ઠાલવવાં?’ – ‘ઉછળવા દે ને!’ (ઓરીજીનલ સ્માઈલ) કોઈ વાતને લાંબી ખેંચ્યા વિના ગાગરમાં સાગર ભરી દેવાની કળા આ લેખિકાને હસ્તગત છે. એમની વાર્તાઓના પ્રવાહમાં જીવનદર્શનની વાતો પણ ડોકિયાં કરી જાય છે. – તૂટી જનારું ય મન અને મદદ કરે તો ય મન. અંદર બેઠું બેઠું એ જ પોતાના ઘા રૂઝવે. (કોલ્ડ કૉફી) – મારાથી સ્વાતિની આંખો સુધી પહોંચાતું હતું, પણ આગળ જવાનો રસ્તો ન હતો મળતો. – સ્વાતિ મારા મૌનનું ભાષાંતર કરી શકતી. (કોલ્ડ કૉફી) – ચાર મહિના! આખી જિંદગી કરતાં ક્યાંય લાંબો સમય. (જૂઈ) – સુખની સ્મૃતિ દરિયાના ફીણની જેમ શમી જતી હોય છે જ્યારે પીડાની પળો પથ્થર બની માનવીને ખરલમાં ઘૂંટ્યા જ કરતી હોય છે. (જૂઈ) આ લેખિકાની ભાષા સરળ છે, ભાવકને સહજ રીતે સ્પર્શી જાય એવી છે. વિષયવૈવિધ્યવાળી આ વાર્તાઓમાં ઘણી એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે જેની સાથે ભાવક પોતાની જાતને જોડી શકે. પાત્ર અને પરિવેશને યોગ્ય ભાષાના બળે લેખિકા ભાવકને હાથ પકડીને પોતાના સંવેદનાના વિશ્વમાં લઈ જઈ શકે છે. એમની ‘બંધાણ’, ‘ઊભા રે’જો’, ‘પથરો’, વગેરે વાર્તાઓનાં પાત્રો કાઠિયાવાડી ગામડાની ભાષા બોલે છે, ‘બોય ફ્રેન્ડ’ની યુવતીઓ સહજ રીતે પોતાની ભાષામાં હિન્દી, અંગ્રેજી શબ્દો પ્રયોજે છે તો ‘વતન’નાં લંડન સ્થિત મનહર અને લીઝા છૂટથી અંગ્રેજી શબ્દો વાપરે છે અને લીઝા ‘ખોળિયું’ જેવા શબ્દમાં અટવાય પણ છે. એમનાં પાત્રો ભાષાને ‘ઓઢતાં’ નથી, ‘પહેરે’ છે. વાર્તાઓમાં દેખાતાં આબાલવૃદ્ધ પાત્રોની માનસિકતા એમની ઉંમર અને પરિવેશ, પરિસ્થિતિ અનુસાર નિરૂપાયેલી છે જે એમને વધુ જીવંત બનાવે છે. ઘણી વાર્તાઓમાં સાવ નાની ઘટનાને વળ આપીને લેખિકા વાર્તાસ્વરૂપમાં ઢાળી શક્યાં છે. વાર્તાનાં શીર્ષકો પણ અર્થસભર છે. સમાજ અને વ્યક્તિના રોજિંદા વ્યવહારમાંથી નીપજતું દર્શન એ વાર્તાનો આત્મા છે. પણ, પણ, જેમ યોગીઓ માટે પણ મનુષ્ય આત્માને ઓળખવાનું કાર્ય દુષ્કર હોય છે એવું જ દરેક વાર્તાકારનું પણ છે. દરેક લેખક માટે વાર્તાના આત્મા સુધી પહોંચવું સહેલું નથી. વાર્તાનો આરંભ, આલેખન, ભાષા, પરિવેશ, અંત, ઘટના, વગેરે પરિબળોના આલેખનમાં વાર્તાકાર ક્યારેક ક્યાંક અટવાઈ જાય છે. લતાબેન વાર્તાનો ઉઘાડ, આલેખન, સરસ કરે છે, પણ ક્યારેક અંતમાં અટવાઈ જતાં હોય એવું લાગે છે. આમ તો કઈ વાર્તાને કયા વળાંક ઉપર લઈ જવી અને ક્યાં પૂરી કરવી એ નક્કી કરવાનો હક લેખકને જ છે. પણ એ અંત ભાવકને પ્રતીતિકર લાગવા જોઈએ. આ સંગ્રહની અમુક વાર્તાઓના અંત શ્રી રજનીકુમાર પંડ્યા જણાવે છે એમ ‘કપડાંના છેડા લટકતા રાખવાને બદલે ઓટી લેવાય એમ ‘ઓટી’ લેવાયેલા લાગે છે.’ જેમ કે ‘ઘર’ની નાયિકા નપુંસક પતિ સાથે રહેવાનું આનંદથી સ્વીકારી લે છે, પણ વાસ્તવમાં એટલું બધું સમાધાન શક્ય છે ખરું?’ ‘પથરો’ વાર્તામાં માત્ર છોટુના એક વાક્ય ઉપર જિંદગીનો આવડો મોટો નિર્ણય ફેરવી નાખતી સુમીની એવી ઉભરાઈ જતી લાગણી એકદમ ગળે ઊતરે એવી નથી. માત્ર સુખાંત આપવા માટે એ અંત ત્યાં ચોંટાડી દીધો હોય એવું લાગે છે. આ અંત અત્યારની ઘણી વાર્તાઓમાં જોવા મળે છે એવો ‘open’ અંત નથી જ્યાંથી ભાવક પોતે, પોતાની રીતે વાર્તાને આગળ લઈ જઈ શકે. આ લેખિકાએ વિચારેલા નિશ્ચિત અંત છે. એવું જ ‘અરીસા’ વાર્તાના ઉમંગનું પાત્ર છે. શરૂઆતમાં પોતાની વાગ્દત્તા પ્રત્યે એકદમ ઠંડુ વલણ દાખવતો એ અંતમાં અચાનક બદલાઈને ‘પ્રેમી’ બની જાય છે. એના એ બદલાવનું કોઈ કારણ, કોઈ ઇંગિત દર્શાવવામાં આવ્યું નથી. અમુક વાર્તાઓ શરૂઆતમાં ખૂબ અપેક્ષાઓ જગાડે છે, પણ અંતમાં એકદમ આટોપી લેવાઈ હોય એવું લાગે. (ગુનગુના...) લતાબેન પોતાની મુખ્યત્વે ઘટનાપ્રધાન વાર્તાઓમાં પ્રયોગશીલતાથી દૂર રહ્યાં છે. અનુઆધુનિક યુગની વાર્તાઓમાં જોવા મળતાં મનોસંચોલનોનું નિરૂપણ પણ ખાસ દેખાતું નથી. ક્યાંક લેખક પણ વાર્તામાં પ્રવેશી જાય છે. પણ સાથે સાથે એમની વાર્તાઓ બિલકુલ દુર્બોધ નથી બનતી અને વાચકોને અંત સુધી જકડી રાખે છે. ટૂંકાં ટૂંકાં વાક્યોથી અને રસપ્રદ સંવાદોથી ગતિ કરતી આ વાર્તાઓનાં વિષયવસ્તુ સાથે ભાવક સહેલાઈથી જોડાઈ શકે છે. વાર્તાઓમાં શબ્દબદ્ધ થયેલાં સંવેદનો વાચકના હૃદય સુધી પહોંચી શકે છે. અને આખરે તો શ્રી H. E. Bates કહે છે એમ ‘The short story can be anything the author decides it shall be.’ ભાવકે તો આંખ અને હૃદય સામે પીરસાયેલી એ વાર્તાનો આનંદથી રસાસ્વાદ લેવાનો હોય છે.

ગિરિમા ઘારેખાન
વાર્તાકાર, નવલકથાકાર, બાળ સાહિત્યકાર, લઘુકથાકાર
Email : kruhagi@yahoo.com
અમદાવાદ
મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯