ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ગિરિમા ધારેખાન
કોશા રાવલ
સમકાલીન વાર્તાલેખનમાં ગિરિમાબહેન આગવું સ્થાન ધરાવે છે. લોકહૃદયમાં આવકાર પામે એવી વાર્તા કહેવાની કુનેહ એમની પાસે છે. એમની પાસે ટૂંકા ગાળામાં ચાર વાર્તાસંગ્રહો મળેલ છે. અહીં ગિરિમાબહેનનો પરિચય આપ્યો છે. ત્યારબાદ ટૂંકીવાર્તા સંદર્ભે એમની વાર્તાઓ વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
પરિચય :
ગિરિમા હાર્દિક ઘારેખાનનો જન્મ તા. ૨૮-૦૨-૫૫ના રોજ પ્રશિક્ષિત નાગર કુટુંબમાં થયો હતો. અંગ્રેજી સાહિત્ય સાથે અનુસ્નાતકની પદવી, તેમ જ સ્પેશિયલ અંગ્રેજી વિષયમાં બી.એડ. કરનાર ગિરિમાબહેનની વાર્તાઓ યુનિવર્સિટીના અભ્યાસના ગાળામાં (૧૯૭૭-૭૮) ‘આરામ’ અને ‘ચાંદની’ પ્રકાશિત થઈ હતી. લગ્ન કરીને મસ્કતના રહેવાશે એમનું અનુભવવિશ્વ સમૃદ્ધ બનાવ્યું. ત્યાં નોકરી સાથે નાટકો, ગરબા, કાવ્યલેખન જેવી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યાં. ત્રણ દાયકાની પરદેશ સફર પછી ભારત આવ્યા બાદ વાર્તાઓ લખવાનો પ્રેમ પુનઃજાગ્રત થયો. એમની વાર્તાઓ નિયમિત રીતે ‘શબ્દસૃષ્ટિ’, ‘પરબ’, ‘અખંડઆનંદ’, ‘નવનીત સમર્પણ’, ‘ચિત્રલેખા’, ‘કુમાર’, ‘શબ્દસર’, ‘મુંબઈ સમાચાર’, ‘જનકલ્યાણ’, ‘ઉત્સવ’, ‘હલચલ’, વગેરે સામયિકોમાં પ્રકાશિત થઈ અને બહોળો પ્રતિસાદ પામી. એમની ઘણીબધી વાર્તાઓ અને લઘુકથાઓના અનુવાદ હિન્દી, અંગ્રેજી, મરાઠી, ઉડિયા ભાષાનાં સામયિકોમાં પ્રકાશિત થયાં છે. એમની વાર્તાનો અંગ્રેજી અનુવાદ, બીજા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેખકો સાથે વાર્તાના સંપાદનમાં સ્થાન પામ્યો છે. ‘વાયા રાવલપિંડી’ નવલકથા હિન્દીમાં અનુવાદિત થઈ છે. ઉપરાંત ઉડિયા ભાષામાં એમનો વાર્તાસંગ્રહ પ્રકાશિત થયો છે. અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ગુજરાત દર્પણ’ તથા ‘વેબ ગુર્જરી’ સામયિકમાં એમની વાર્તાઓ પ્રકાશિત થતી રહે છે. વાર્તાલેખન ઉપરાંત ગિરિમાબહેન હાલ ‘વિશ્વકોષ’ની નિશ્રામાં પ્રકાશિત થતાં ‘વિશ્વા’ સામયિકમાં સહસંપાદક તથા ‘બાલ આનંદ’ સામયિકમાં સહસંપાદકની સેવા આપે છે. એમના ચાર વાર્તાસંગ્રહો આ મુજબ છે :
૧. ટુકડો (૨૦૧૮)
૨. લંબચોરસ લાગણીઓ (૨૦૨૧)
૩. ભીનું ભીનું વાદળ (૨૦૨૨)
૪. આધુનિકા (૨૦૨૩)
પારિતોષિકો :
– ‘ટુકડો’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૧૮નો પ્રથમ પુરસ્કાર.
– ‘લંબચોરસ લાગણીઓ’ને ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્ય સભાનો ૨૦૨૧નો દ્વિતીય પુરસ્કાર.
– ‘ભીનું ભીનું વાદળ’ને ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્ય સભાનો વર્ષ ૨૦૨૧નો દ્વિતીય પુરસ્કાર.
આ ઉપરાંત ‘અખંડઆનંદ’ની ૨૦૧૬ વર્ષની શ્રેષ્ઠ વાર્તામાં એમની ‘ત્રણ પિયર’ વાર્તા પસંદ થઈ. સુરત વાર્તાસ્પર્ધામાં ‘પુરાવા’ ૨૦૧૬માં, કેતન મુનશી વાર્તા સ્પર્ધા ‘ટુકડો’ ૨૦૧૬માં, વિશ્વા વાર્તા હરીફાઈમાં ‘પંક્ચર’ ૨૦૧૭માં, કચ્છ શક્તિ ચિત્રલેખા વાર્તાસ્પર્ધા, પ્રથમ પારિતોષિક ‘એ આંખો’ (૨૦૧૯)ને મળ્યું. શોપીઝન નવલિકા સ્પર્ધામાં ‘બધું બરાબર છે ને?’ (૨૦૧૯) વાર્તા પોંખાઈ.
ગિરિમા ઘારેખાનનું વાર્તાવિશ્વ :
લેખિકા પાસેથી અનેકવિધ વિષયોની વાર્તા મળી છે. એમની વાર્તાના વિષયો મોટાભાગે સાંપ્રત સામાજિક સમસ્યાઓ સાથે વણાયેલા છે. મધ્યમ વર્ગનાં પાત્રોના નાનામોટા સંઘર્ષોની રજૂઆત કરતી વેળા એ લેખિકાની શુચિતા અને સ્નેહસભર જીવનદૃષ્ટિ વાર્તાઓની લાક્ષણિકતા બની રહે છે. આ સંદર્ભે કિરીટ દૂધાતનું વિધાન નોંધનીય છે : “એમની નમ્રતા અને શાલીન વ્યવહાર એમને વાર્તાલેખનમાં સતત નવું નવું કરવા પ્રેરતાં રહ્યાં છે. એમની વાર્તાઓ આજના સમયની શહેરી નારીનાં વિવિધ સંવેદનો સુપેરે વ્યક્ત કરે છે.”[1]
રઘુવીર ચૌધરી એમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ટુકડો’ને આવકાર આપતા, એમની ‘સાહિત્યવિમર્શ’ કૉલમમાં લખ્યું છે : ‘પ્રથમ વાર્તાસંગ્રહમાં વ્યક્તિત્વ, મન, દાંપત્ય, કુટુંબ, સમાજ, દેશ અને દુનિયાનો આવો અંદાજ ભાગ્યે જ જોવા મળે. આવા અને અભિવ્યક્તિના તાણાવાળામાં ક્યાંય ગૂંચ કે સાંધોના વર્તાય એવું બને? બન્યું છે કારણ કે ગિરિમાબહેન અનુભવ અને સ્વાધ્યાયની દીર્ઘકાલીન મૂડી ધરાવે છે.” વિષયવસ્તુ : “એમની વાર્તાઓમાં વીતી ગયેલી વેળાનાં, હૈયા મહીં સંઘરાયેલાં મધુરાં સંવેદનો અને માઠા દિવસો દરમિયાન એ જ હૈયાએ બળતરામાં કેવું શેકાવું પડ્યું હતું – એનાં સ્મરણો આલેખવાં ગમે છે.” [2] ઉપરાંત નગરજીવનની વસમી વાસ્તવિકતા, વણસતા જતા કૌટુંબિક સંબંધો, સામાજિક દૂષણો, પ્રેમ, વિચ્છેદની પીડા, મૈત્રી, બદલો, સ્ત્રી જીવનની વ્યવહારિક મૂંઝવણો, ટૅક્નોલોજી સંલગ્ન રહ્યા છે. ગ્રામ્યજીવનની વાર્તાઓ એમની પાસેથી બહુ થોડી મળે છે. સ્ત્રી સંવેદનની વાર્તાઓ : એમની વાર્તાઓમાં સ્ત્રીસંવેદનનું સ્થાન વિશિષ્ટ રહ્યું છે. જેને માત્ર સ્ત્રી સાથે સાંકળી શકાય, એવા કેટલાક વિશિષ્ટ અનુભવો ગિરિમાબહેનની વાર્તાઓમાં જોવા મળે છે. જેમ કે : ‘ટુકડો’ : પ્રથમ વાર્તાસંગ્રહની શીર્ષકસ્થ વાર્તામાં અપંગ જન્મતા પુત્ર માહિરને પિતા બેરહેમીથી છોડી દે છે, જ્યારે મા અર્પિતા હિંમતભેર પુત્રને મોટો કરવા ઝઝૂમે છે. ચાંગળુક સુખ આપવા મોહિત એની જિંદગીમાં પ્રવેશે છે, પરંતુ માહિર માટેની ફરજની ક્ષણમાં એને એકલી છોડી, મોહિત પણ ચાલ્યો જાય છે. આ વાર્તા વિશે જયેશ ભોગાયતા ‘તથાપિ’ના ગ્રંથપરિચયમાં લખે છે : “પરિસ્થિતિવશ કે સંદર્ભમાન્ય સીમાઓને વફાદાર રહેવાની ઉત્કટ ભાવનાઓને કારણે રસની સંતૃપ્તિ થતી નથી અને જીવન રસ છિન્નભિન્ન થતો ચેતનાના અંતઃસ્તલોમાં ગંઠાઈ જાય છે. ગિરિમા ઘારેખાનની ‘ટુકડો’ વાર્તાની અર્પિતા સ્ત્રી ચેતનાનાં છિન્નભિન્ન રૂપોનો અંશ છે.”[3] ‘ડાઘ’ : (વા. સં. : લંબચોરસ લાગણીઓ) કૉલેજના વાર્ષિક ઉત્સવ દરમિયાન અચાનક માસિક આવતા સફેદ ડ્રેસ પર પડેલા ડાઘને લીધે પન્ના ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેટલી મૂંઝવણ અનુભવે, જ્યારે તેની દીકરી નીપા બહુ સાહજિકતાથી માસિક આવ્યાની વાત સરને કહી, યુવામિત્રના ઍક્ટિવામાં બેસી ઘરે પાછી ફરે છે. એ વાત પન્નાને સ્તબ્ધ કરી દે છે. નાની વાત અહીં મા-દીકરી વચ્ચેનો જનરેશન ગેપ લેખિકા દર્શાવે છે. ‘મૂંઝવણ’ : (વા. સં. : લંબચોરસ લાગણીઓ) “સુનંદાબેન બે દિવસ નાથદ્વારાના પ્રવાસે જવાના છે. ભૂતકાળમાં નાથદ્વારાના પ્રવાસ દરમ્યાન થયેલ દુઃખદ અનુભવ યાદ આવવાથી સુનંદાબેનનું મન વિચલિત થઈ જાય છે. એમની મૂંઝવણનો પાર રહેતો નથી. પુત્રવધૂ અમી પૂછે છતાં તે કાંઈ કહી શકતાં નથી. અમી સામાનમાં ડાઇપર મૂકી મૂંઝવણનો ઉકેલ શોધી લાવે છે. “વાર્તા સુનંદાબેનના ચિંતિત મનની છે. વાર્તામાં ઊભું થતું ટૅન્શન ભાવક માટે વાર્તારસ મેળવવાનું માધ્યમ બને છે. સરળ ઘટનાક્રમનો ઉપયોગ કરી રચેલી વાર્તા લેખકની વાર્તાસૂઝનું ઉદાહરણ છે. વાર્તાની ગતિ, ઓછાં પાત્રો, જરૂરી સંવાદો વાર્તાને વધુ વાચકો સુધી પહોંચાડવા સક્ષમ બનાવે છે.”[4] ‘અખંડ સૌભાગ્યવતી’ : (વા. સં. : ટુકડો)ની સરોજે આજીવન પતિની સેવા કરવામાં જાત ઘસી નાંખી છતાં એ કદી સુખની છાલક ન પામી. સૌભાગ્યવતી સરોજને પાડોશી વિધવા સ્ત્રીઓનું સ્વતંત્ર રહેવાનું સુખ પોતાના સુખથી મોટું લાગે છે. અખંડ ‘સૌભાગ્ય’નું દુર્ભાગ્ય પામેલી સરોજ જીવનભર પતિની સરમુખત્યારશાહીને લીધે મનથી જીવવાનો અબળખો અધૂરો લઈ મૃત્યુ પામે છે. આમ જે સૌભાગ્ય ગણાય, એ પતિ જ દુર્ભાગ્યપૂર્ણ હતા. સરોજનું કડવું જીવનસત્ય અહીં સંવેદનશીલતા સાથે આલેખાયું છે.
‘આંખથી મોટું આંસુ’ : (વા. સં : ભીનું ભીનું વાદળ) “ઘણી બધી બહેનો પોતાના ઉરમાં અજન્મા રચનાઓ સમાવીને જ જીવે છે. તમે એવી સ્ત્રીને વાર્તામાં કંડારી આપી.” આવું વિધાન જે વાર્તા માટે મીનલ દવે કરે છે એ વાર્તાનું નામ છે : ‘આંખથી મોટું આંસુ’૫ અહીં વાર્તા પોતે કથક બની વાત કહે છે. ન લખાયેલી વાર્તાની પ્રસવની વેદનાની વાત આ વાર્તામાં રજૂ થઈ છે. વાર્તા લખવા બેસેલી મીતુની અધૂરી લખાયેલ વાર્તાનાં પાનાં પે’લીવાર મમ્મી ફાડી નાંખે છે. બીજીવાર પતિના ડરને લીધે વાર્તા અધૂરી રહી જાય છે. ફરી જ્યારે વાર્તા પૂરી થવામાં હોય ત્યારે તેનાં બાળકો ચિન્ટુ અને રમ્યા તેના પર લીટા કરી ટુકડા કરી નાંખે છે. આમ, વાર્તાની સામયિકના પાને પ્રગટવાની ઇચ્છા અધૂરી રહી જાય છે. પણ હવે વાર્તા મીતુમાં સમાઈ ગઈ છે. આમ કહી લેખિકા વાર્તાના પ્રગટ થવાની ક્ષણનું સાહજિક પ્રગટીકરણ કરે છે.
ઘરસંસારમાં પોતાને ઓગાળી દેતી સ્ત્રીને એની અંદર ઢબુરાઈ ગયેલી સંવેદનાઓને વ્યક્ત કરવાનો કદી મોકો મળતો નથી, એ વેદનાની વાત સંયતતાથી કરી છે. વાર્તાકથક નિર્જીવ વસ્તુને બનાવવાના પ્રયોગમાં તાજગી વર્તાય છે. એમની અન્ય એક વાર્તામાં પણ એમણે નિર્જીવ છતને વાર્તાકથક બનાવી છે. ‘ચંદેરી’ (વા. સં. : ભીનું ભીનું વાદળ) પિતાની સેવાચાકરી કરવા માટે જીવનભર કુંવારી રહેતી શ્યામાને તેની બંને પરણેલી મોટી બહેનો કેટલી ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે, એ વાત ચંદેરી સાડીના સંદર્ભે કરવામાં આવી છે. ભત્રીજીના લગ્નમાં નીતા દીદીને ચંદેરી સાડી અને અપરિણીત શ્યામા અને સાદો ડ્રેસ આપતી મોટી બહેન જમવામાં જગલો અને કૂટવામાં ભગલોની જે નીતિ અપનાવે છે. આવી અગણિત નાનીમોટી વાતોથી શ્યામા કેટલી દુઃખી થાય છે, એ અહીં કહેવાયું છે. એની સંવેદનાઓનું સતત શોષણ કરાયું છે, એની ઇચ્છા અનિચ્છાની પરવા કર્યા વિના તેને નાના મોટા દરેક કામમાં જોતરી દેનાર બહેનો, શ્યામાનાં આશા અરમાનો પ્રત્યે બેપરવાહ બની અને માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે. મૂંગે મોંએ અરમાનોની આહુતિ આપનારી શ્યામાની વેદના વાચકોના હૃદયમાં ચોટ પહોંચાડે એવી રીતે રજૂ થઈ છે. આવું જ સંવેદન ‘બાણશય્યા’ વાર્તાની નાયિકા અપરિણીત રહી માની સેવા કરતાં નીલુ આન્ટીનું છે. નીલુ આન્ટીનાં ભાઈ-બહેનનાં પાત્રો દ્વારા આપણી ધોવાઈ રહેલી પારિવારિકતા ઉજાગર થાય છે.[5] (‘ટુકડો’ અભિપ્રાય; રમેશ ર. દવે પૃ. ૧૫.)
આધુનિકા સંગ્રહની ‘સ્વીકાર’ વાર્તામાં અઢાર વર્ષની મેઘાની સાવકી મા નહિ, સાચી મા થવા મથતી ઊર્મિની પ્રેમની શક્તિનો છેવટે વિજય થાય છે. મેઘા એને મા તરીકે સ્વીકારે છે, એવી વાત છે. તો ‘અમૃતધારા’ વાર્તામાં (વાર્તાસંગ્રહ : આધુનિકા) લતાબહેનને કચરાપેટીમાંથી મળેલા નવજાત શિશુનો વલવલાટ એમની જિંદગીની દિશા બદલી નાખે છે, આવા નવજાત શિશુ માટે મિલ્ક બૅન્ક ચાલુ કરવાની નવી દિશા એમના મૃતપ્રાય લાગતાં જીવનમાં સ્વયમ્ અમૃતધારા ઘોળે છે. ‘સેફટી ફર્સ્ટ’માં મિતાને સામાજિક કારણોસર ફરજિયાત બહારગામ જવું પડે તેમ છે, પરીક્ષાને કારણે દીકરી કોષાને લઈ જઈ શકાય તેમ નથી. મીતાને દીકરીની સલામતીની ચિંતા કોરી ખાય છે. અનેક વિકલ્પો વિચાર્યા પછી મિતા, કોષાને તેની ટ્યૂશન શિક્ષિકાના ઘરે મૂકવાનું નક્કી કરે છે, જ્યાં શિક્ષિકા દ્વારા જ એનું શારીરિક શોષણ થાય છે. બહુ ડાહ્યા, બહુ ખરડાય અહીં સાચું ઠરે છે.
કુટુંબજીવનની વાર્તાઓ :
એમની ઘણી બધી વાર્તાઓમાં મુખ્ય પાત્ર તરીકે મા અને દીકરીના સંબંધો અને તેમનાં અલગ અલગ પરિમાણો જોવા મળ્યાં છે. જેમ કે ‘આધુનિકા’ સંગ્રહની વાર્તા ‘આધુનિકા’ પરદેશ ગયેલી દીપાના બદલાયેલા ટૂંકા પહેરવેશ અને ટૂંકા વાળને જોઈ આઘાત અનુભવતી એની મા રચના, જ્યારે સત્યનારાયણની કથામાં દીપાને ફરી ભારતીય પોશાકમાં અને ભારતીય રીતભાત સાથે જુએ છે, ત્યારે અહેસાસ થાય છે કે એમણે આપેલો સંસ્કાર વારસો એળે ગયો નથી. આવી જ વાર્તા ‘ટુકડો’ સંગ્રહની ‘ડિયર મમ્મા’ છે. સાસરે ગયેલી દીકરી માતાને ઇ-મેઇલ કરે છે જેમાં શ્રીમંત માતાની વધુ પડતી ચિંતા, મધ્યમ વર્ગમાં પરણેલી સાસરવાસી વાર્તાનાયિકાને સાસરે ભળવામાં અવરોધે છે. આ વાત તાર્કિક રીતે સમજાવી દીકરી પોતાની માતાને ખોટી ચિંતાથી દૂર રહેવા વિનવે છે. ‘લીવ ઇન રિલેશનશિપ’(ટુકડો)માં રહેવાની તોષાની ઇચ્છા પાછળ માતાનું ખંડિત લગ્નજીવન જવાબદાર હોય છે. ‘છેકો’ (લંબચોરસ લાગણીઓ) “વાર્તા મા-દીકરીના સંબંધની અને દીકરી પક્ષે જીવનના દાખલામાં આવેલી ભૂલની છે. અહીં લેખિકાને જે કહેવું છે તે સ્પષ્ટ છે. વ્યંજના દ્વારા રજૂ થયેલી સુરાલીની વેદના સઘન બનીને ઊપસે છે. લગ્નજીવનની વિડમ્બનાની વાર્તાનો અંત વાચકને સ્પર્શે છે.”[6] દાંપત્યજીવનના વિવિધ પાસાઓ વ્યક્ત કરતી વાર્તાઓમાં ‘લાપશી’, ‘શિવોહમ્ શિવોત્વમ’, ‘ઉપશમન’, ‘મર્મવ્યાધિ’, ‘યશોધરા’, ‘અડધી ખુલ્લી આંખે’, ‘હું ને તું’, ‘તારાથી રડાઈ નહીં’ આદિ છે. ‘લાપશી’ વાર્તામાં એકલવાયાં વૃદ્ધ મા-બાપ આકરાં તાપે તપી પુત્રને વિદેશ મોકલે એના ફોનના સહારે જીવતાં પતિપત્નીને જ્યારે પુત્ર પાસપોર્ટ કઢાવી લેવા આગ્રહ કરે ત્યારે પોતાને ભાવતી લાપશી રાંધ્યાનો આનંદ મેનાબા અને રાવજીભાઈ અનુભવે છે. પૌત્ર માટે દાદાદાદીની ઝંખનાનું હૃદયંગમ નિરૂપણ ‘શિવોહમ્, શિવોત્વમ’ વાર્તામાં આલેખાયું છે. તો ‘મર્મવ્યાધિ’માં પુત્ર વાલ્મિક એની ભાવિ પત્નીને છોડી બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાની વાત કરે તો એ અન્યાયનો વિરોધ કરી, વાલ્મિકનાં માબાપ પુત્રએ તરછોડેલી ભાવિ પુત્રવધૂની પડખે રહે છે. સમકાલીન ઘટનાઓ એમની વાર્તાઓમાં જોવા મળે છે. જેમ કે નિર્ભયા બળાત્કાર કેસની સાથે ‘નિરાવૃત્ત’ (ભીનું ભીનું વાદળ) વાર્તાને સાંકળી શકાય. જો કે વાર્તામાં ટિ્વસ્ટ એ રીતે આવે કે પોતાના પિતા બળાત્કારી છે, એ વાત જાણી લોપાની અંદર દુર્ગા જાગ્રત થઈ જાય છે, એ પિતાને સજા અપાવવા તૈયાર થાય છે. ‘ટુકડો’ વાર્તાસંગ્રહની ‘પુરાવો’ વાર્તામાં યુવાનીમાં બળાત્કારનો ભોગ બનેલી માતાને જાણ થાય છે કે પોતાના જ દીકરાએ કોઈ યુવતી પર બળાત્કાર કર્યો છે, આપવીતીથી એ પેલી યુવતીની પીડા સમજે છે એટલે એ પુત્રને જેલમાં મોકલવાની સજા કરાવવા કૃતનિશ્ચયી બને છે. ‘હવે તો’માં કોમી રમખાણોનો દાવાનળ, ‘ઝા તો સારા મિના કવામ’માં ઍરપૉર્ટ પર થયેલા બૉમ્બધડાકા પછી બચી જતા લોકોની વેદના, ‘પરપોટા’માં કોઈ મુસલમાન યુવકે યુવતીની કરેલી હત્યાના સમાચાર સાંભળી મુસલમાન સાથે પરણેલી પુત્રીની સલામતીના વિચારે માતાના ચિત્તમાં કબજો લીધો. કુશંકાઓ દીકરી મળવા આવતાં સુખાંતમાં પરિણમે છે. ‘ચોરી, લૂંટફાટ’ : ‘ભીનું ભીનું વાદળ’ સંગ્રહની ‘બંગડી’ વાર્તામાં પોતાની દીકરીને કરિયાવર દેવા માટે એક મધ્યમવર્ગી પૈસા માટે શરીર વેચતી સ્ત્રીની બંગડી લૂંટવા પ્રેરાતો ચોર અંતે ખોટી બંગડી અને ગુમાવેલી ઇજ્જતના વસવાસામાં રહે છે. ‘ડિજિટલ દિવાળી’, ‘લંબચોરસ લાગણીઓ’ સંગ્રહની આ વાર્તામાં પણ ચોરી કરતી ચોર ટોળી ઑનલાઇન પેમેન્ટને કારણે સાવ મામૂલી રકમ એકઠી કરી શકે છે. ‘વજાદ્ અપી કઠોરાણિ’માં દીકરાની મેડિકલ ઇમરજન્સી માટે પૈસાની ચોરી કરતા રફીકને અંતે બૅન્કના મૅનેજર જ એણે ઉચાપત કરેલી રકમ માનવતાની રૂએ પોતાના ખાતામાંથી આપે છે. આમ માનવતા જીતે છે. પંકચર વાર્તામાં પણ લૂંટારાઓની લૂંટનું વર્ણન થયું છે. આ ઉપરાંત નોંધપાત્ર વાર્તાઓમાં એમની ‘ત્રણ પિયર’ વાર્તા વિષયવસ્તુના નાવિન્યને લીધે તાજગીપ્રદ બને છે. માનવમનની ઊર્મિર્ઓનું અકલ્પ્ય લાગે તેવું વિષયવસ્તુ ‘ત્રણ પિયર’ની નાયિકા મેઘાનું છે. પોતાનું પિયર, મૃત પતિનું એકવખતનું સાસરું અને હાલનું બીજું પિયર અને તુષારની પ્રથમ પત્ની હેમાનું પિયર એ ત્રીજું પિયર. અહીં મેઘા અને તુષારના મનની મોકળાશ માનવતાની મહેકનો અનુભવ કરાવે છે. ‘ટુકડો’ સંગ્રહની ‘અંકલ’ વાર્તા માનવમનના સંકુલ ચરિત્રને રજૂ કરે છે. બળાત્કાર પછી મૃત્યુ પામેલી પુત્રીની સખી મળવા આવે. ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેતી એ છોકરીને બાથમાં લેતા પિતાની અંદર અનુચિત રોમાંચ જન્મે જેના કારણે જન્મેલો રંજ પુત્રીના ફોટા સામે જોવામાં શરમ ઉપજાવે.
વાર્તાઓની ભાષા :
નાગર કુટુંબની બોલીની મીઠાશ ગિરિમાબહેનની વાર્તાના સંવાદોમાં અનુભવાય છે. શિષ્ટ અને શાલીન શબ્દોનો ઉપયોગ એમના અંગત પરિવેશની છાંટવાળો છે. એમના અલંકારોની ગૂંથણી ભાષાની તાજગીનો અનુભવ કરાવે છે. જેમ કે – “પાંખો પૂરી વિસ્તરે એ પહેલાં જ આકાશ તરફ જોઈને બેઠેલું પંખી પિંજરામાં પુરાઈ ગયું. (‘અખંડ સૌભાગ્યવતી’ : ટુકડો, પૃ. ૧૮) “દુકાનમાં ગુમાસ્તાની નોકરી કરતા રાજેશના નસીબમાં તો દરેક મહિને સુખદુઃખના શુક્લપક્ષ અને કૃષ્ણ લખાઈ જ ગયા હતા.” (‘યાત્રા’ : ટુકડો, પૃ. ૧૦૨) “મારો ધણી હતો, એના પડખે હું હૂતી, મને ખબર ના હોય તો કોને હોય, બુન?” (‘ભાવના’, ભીનું ભીનું વાદળ). “મમ્મીઓનું સ્થાન વીજળીના ગોળામાં રહેલા પેલા બે પાતળા વાયરો જેવું છે. એ ગોળો જ્યારે ઝળહળ થાય છે ત્યારે એ વાયરો કોઈને નથી દેખાતા જેને લીધે એને રોશની મળી છે.” (‘ટ્રોફી’, ભીનું ભીનું વાદળ) એમણે આપેલી ઉપમા ધ્યાનાકર્ષક છે. ‘લાગણીના સરનામા જેવી એની પત્ની’, ‘પડીકા ઉપર બાંધેલી ઇચ્છાની દોરી’ રાહતના છાંટા આદિ આકર્ષક લાગે છે પરંતુ એનો વિશેષ ઉપયોગ એકવિધતાનો અનુભવ કરાવે છે, એ વિશે ટકોર કરતા રમેશ ર. દવે લખે છે : “મૂંઝવણનો ધુમાડો, ક્રોધના કાજળની લકીરો, સ્મિતનો ઉંબર, વાતોના સોફા, આદરનો પર્વત, સળગતા તીર સમી વીજળી, સિંહગર્જના સમો વાદળ ગડગડાટ, હાથીની સૂંઢ સમી મેઘધારા. અલબત્ત, આ અલંકારણ ક્વચિત એકવિધ પણ ભાસે છે એનાથી બચવું ભલું!”[7] અમુકવાર શબ્દ પસંદગીમાં થાપ ખાઈ જવાઈ છે. જેમ કે ‘ઉપશમન’ વાર્તામાં એમણે વાપરેલ શબ્દ છે, મગજની મંજૂષા, ત્યાં સ્મરણની મંજૂષા વિશેષ યોગ્ય લાગે. તો અન્યત્ર યોજેલ ઉપમા : ‘પ્રશ્નોનો કાનખજૂરો’, ‘સમયનું ધુમ્મસ’ આદિ વિશેષ લાભપ્રદ નીવડતી નથી. આવાં અનેક ઉદાહરણો નોંધી શકાય એમ છે.
પાત્રાલેખન :
એમની વાર્તાનાં પાત્રો મોટાભાગે ગુજરાતી સમાજના મધ્યમ વર્ગથી સહેજ ચડિયાતા લોકો છે. ‘બંગડી’ વાર્તાનો રિક્ષાવાળો દિનેશ, ‘ટ્રાફિક જામ’, ચુંબન, વેલેન્ટાઈન ડેમાં કૉલેજના તરવરાટ ભરેલાં યુવક યુવતીઓ, ફેસબૂક ફ્રેન્ડને મળવા જતી ‘બરફ પર કોતરણી’ વાર્તાની ગૃહિણી નિત્યા, મંદબુદ્ધિનાં બાળકો માહિર (ટુકડો) અને ‘સિદ્ધાર્થ’, ‘ભૂખ’ વાર્તાની ગાંડી વિમુ, ‘સંબંધ’ વાર્તાના દૂરથી વાર્તાનાયકને રોજ દેખાતાં, તાજેતરમાં મૃત્યુ પામેલાં કામગરાં માજી, ‘તમાચો’ ખાઈને પણ શિક્ષિકાની તરફેણ કરતો નિર્દોષ મુસ્લિમ વિદ્યાર્થી યુનુસ, એચઆઈવીગ્રસ્ત ‘અંતરવલોણું’ના હેમાંગ અને વર્ષા, બાયપાસ સર્જરી કરાવનારી ‘બસ થોડા વધારે’ની નાયિકા વિભા, ગુનાઈત લાગણીથી પીડાતો, ‘બધું બરાબર છે’નો નાયક રોહિત, પ્રથમ પ્રેમના મનના મેઘધનુષ્યમાં ઝૂલતી ‘સ્પર્શ’ વાર્તાની નાયિકા અંગના, ‘યશોધરા’ વાર્તાનાં ઠસ્સાદાર કુંજનબહેન, ‘લાપશી’ વાર્તાના પગે ડગુમગુ પણ હૈયે દીકરાના ભાવે હંમેશાં ભીંજાતાં મેનાબા, પાડોશી વાર્તાની બારગર્લ માટે સંકુચિત મનોવૃત્તિમાં પોતાને કેદ કરેલી રન્ના, ‘ઉઘાડા પગે’ વાર્તાના બે પરમ મિત્રો શાંતિકાકા અને શરદભાઈ : આ બધાં પાત્રો આપણી આસપાસ રહેતાં હોય એટલાં પરિચિત લાગે છે એમની સાથે બનેલી ઘટનાઓ પણ સાવ નજરે જોઈ હોય તેટલી સહજ લાગે છે. વાર્તાઓની મર્યાદાઓ : એમની વાર્તાનું જમા પાસુ છે, વાર્તામાં સરળ સહજ વાર્તાપ્રવાહ. સરળ સહજ પાત્રો અને આ જ એમની વાર્તાઓની મર્યાદા પણ છે. પોતાની એકધારી રઢમાંથી છૂટવાની મથામણ કરી એઓ અવશ્ય સક્ષમ વાર્તાઓ આપી શકે, એવી શક્યતાઓ છે. લોકભોગ્ય વાર્તાઓ : એકંદરે ગિરિમાબહેનની વાર્તાઓ સામાન્ય વાચકોનો બહોળો આવકાર પામે, એવી સરળ અને સાહજિક છે. લોકપ્રિય વાર્તાના ગુણવિશેષો જેવા કે સરળ કથાનક, રોજબરોજના જીવનની સામાન્ય ઘટનાઓ એમની વાર્તાઓમાં સાહજિક ગૂંથાયેલા છે. જેને લીધે એમની સરેરાશ વાર્તાઓ લોકભોગ્ય બની આવકાર પામી છે. વાચકોને પોતાની અંગત જિંદગીનો ટુકડો અનુભવાય એવી ઘણીબધી વાર્તાઓ એમની પાસેથી મળેલ છે. એમની ‘લાપશી’, ‘ત્રણ પિયર’, ‘આંખથી મોટું આંસુ’, ‘ટુકડો’, ‘ચંદેરી’, ‘અંકલ’ જેવી વાર્તાઓમાં વાર્તાકળાનો કસબ અનુભવાય છે. આવી કેટલીક નક્કર વાર્તાઓ જ લેખકને જિવાડતી હોય છે.
સંદર્ભો :
- ↑ ૧. ‘ભીનું ભીનું વાદળ’ : બેક કવર, કિરીટ દૂધાત
- ↑ ‘ટુકડો’, રમેશ ર. દવે, પ્રસ્તાવના, પૃ. ૭
- ↑ ‘તથાપિ’, વર્ષ ૧૩, અંક ૫૦, પૃ. ૭૩
- ↑ ૪. ‘લંબચોરસ લાગણીઓ’, પ્રસ્તાવના, દિવાન ઠાકોર
- ↑ ‘લંબચોરસ લાગણીઓ’, પ્રસ્તાવના, દિવાન ઠાકોર
- ↑ ‘લંબચોરસ લાગણીઓ’, વાર્તા પ્રતિભાવ : મિનલ દવે
- ↑ ૭. ‘ટુકડો’, પ્રસ્તાવના, રમેશ ર દવે. પૃ. છ
કોશા રાવલ
એમ.એ., પીએચ.ડી.
વાર્તાકાર, સંશોધક
વડોદરા
મો. ૯૭૨૪૩ ૪૧૨૨૦