ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જિતેન્દ્ર પટેલ

Revision as of 12:41, 25 December 2025 by Meghdhanu (talk | contribs) (Email / Footer Corrected)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગ્રામજીવનના આલેખનના
કુશળ કથાકાર : જિતેન્દ્ર પટેલ

દશરથ પરમાર

GTVI Image 169 Jitendra Patel.png

સર્જક પરિચય :

વાર્તા, નવલકથાકાર અને ચરિત્રલેખક જિતેન્દ્ર પટેલનો જન્મ તારીખ ૧૦-૧૨-૧૯૭૨ના રોજ વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં. વિજ્ઞાનના અભ્યાસી અને વ્યવસાયે એન્જિનિયર જિતેન્દ્ર અમદાવાદમાં રહે છે. નાનપણથી જ વાર્તા પ્રત્યેના આકર્ષણને લીધે ‘ફૂલવાડી’ની વાર્તાઓ વાંચી વાર્તાકાર થવાનો અભરખો થયેલો. હાઈસ્કૂલમાં પન્નાલાલ, મેઘાણી, ધૂમકેતુ જેવા સર્જકોની રચનાઓ વાંચી. એન્જિનીયરીંગના અભ્યાસકાળ દરમ્યાન રમણ સોની જેવા પ્રબુદ્ધ વિવેચકનું પ્રોત્સાહન મળતાં પ્રથમ સિમેસ્ટરમાં ‘વાત્સલ્યદીપ’ નામની ટૂંકી વાર્તા લખી, જે ‘પ્રખર’ નામના સામયિકમાં પ્રગટ થઈ. એમના વાર્તાસંગ્રહ ‘અભિષેક’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય તથા એકાંકીસંગ્રહ ‘ઉજાગરા’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ અને ગુજરાતી સાહિત્ય પરિષદનું – એમ બે પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.

સાહિત્ય-સર્જન :

વાર્તાસંગ્રહ : (૧) ઉન્મેષ (૨) અનિમેષ (૩) અતિરેક (૪) અભિષેક (૫) એકરાર (૬) મનગમતી વાર્તાઓ.
નાટક : (૧) ઉજાગરા (એકાંકી સંગ્રહ).
નવલકથા : (૧) આફ્ટરશૉક (૨) બંધ (૩) પાંચ પગલાં પાતાળમાં (૪) પરસ્પર (૫) રસ્તો (૬) પૅન્શનર.
સંપાદન : (૧) વ્યક્તિ, વિચાર અને પ્રેરણા (૨) કિનારે કિનારે.
ઇતિહાસ : (૧) ભારતના રાજવંશો (૨) ભારતના સમ્રાટો (૩) તીર્થભૂમિ ભારત.
પ્રવાસ : તીર્થભૂમિ ભારત.
જીવનચરિત્ર : ૫૧ જીવનચરિત્રો, આપણા ક્રાંતિકારીઓ, આપણા સાહિત્યકારો, અવિસ્મરણીય ગુજરાતીઓ, તથા સરદાર પટેલ, લાલા લજપતરાય, અશફાકઉલ્લાખાન, મોરારજી દેસાઈ જેવી વિવિધ પ્રતિભાઓ વિશેનાં ૪૬ પુસ્તકો.

કૃતિ-પરિચય :
(૧) ‘ઉન્મેષ’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૦૦, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)

GTVI Image 170 Unmesh.png

વીસ વાર્તાઓ ધરાવતો આ સંગ્રહ લેખકે ‘સ્વ. હસુબા તથા પૂ. પિતાજી...’ને અર્પણ કર્યો છે. ‘પ્રકાશકીય’ અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશનમંત્રીની નોંધ, લેખકનું ‘સ્વકથન’ અને ‘ગ્રામીણ વાતાવરણનું કલાત્મક અંકન’ શીર્ષક હેઠળ રઘુવીર ચૌધરીની પ્રસ્તાવના પ્રગટ કરવામાં આવી છે. સિત્તેરના દાયકાનું પ્રતિનિધિત્વ કરતી રચનાઓમાં મધ્ય-ઉત્તર સૌરાષ્ટ્રના નિમ્ન મધ્યમવર્ગનો ગ્રામીણ, વિશેષતઃ ખેડૂતસમાજ આલેખાયો છે. ‘પાવો’માં મેળે જવાની ઘટનાનિમિત્તે બે ભાઈઓ વચ્ચેના ઈર્ષ્યા અને દ્વેષના ભાવો આલેખન પામ્યા છે. ભોપલો પિતાજી સાથે સાઈકલ પર ગયો છે. ઉતાવળે ચાલી રહેલાં ભાભુ અને માસી સાથે ખેંચાઈ રહેલા હકલાના મનમાં છે કે ભોપલાએ પાવો ખરીદી લીધો હશે. બાના સ્વભાવને એ જાણે છે તેથી થાકનું બહાનું કાઢી બા પાસેથી પાવો ખરીદવા સારુ મારગમાં જ એક રૂપિયો મેળવી લે છે. મેળાના રસ્તે મળતા પાવા બાને મોંઘા લાગતાં બીજેથી ખરીદવા કહે છે. બીજે પણ એ જ દશા થાય છે. પરિણામે બા કે પાવાવાળાને ખબર ન પડે એમ એક પાવો લઈ, ચડ્ડીનું નાઢું ઢીલું કરી અંદર ઊતારી દે છે. આ પાવો રસ્તામાં હકલાને ખૂબ મૂંઝવે છે. ઘેર પહોંચી એને બાજરીની કોઠીમાં ઊતારી દેવા સુધીની એની યંત્રણા સરસ રીતે આલેખાઈ છે. ભોપલો હકલાને બાળવા બાપુએ લઈ આપેલો પાવો વગાડવા લાગે ત્યારે જીવ પર આવી ગયેલો હકલો પણ કોઠીમાંથી પાવો કાઢી વગાડવા લાગે છે. ભોપલાનો પાવો બંધ થઈ જતાં એ બા આગળ ચાડી ખાય છે. બા ધમકાવે છે. રાત્રે ઘેર આવેલા બાપુ સમક્ષ પણ એ ચોરી કબૂલતો નથી. બાપુ રાડ નાખીને ‘ચોરી કરી? મારી સાત પેઢીમાં કોઈ આવું નથી થ્યું ને તું કજાત આવો ક્યાંથી પાક્યો?’ કહી ભૂખ્યા રહેવાની સજા ફરમાવે છે. હીબકાં ભરતા હકલાને પ્રશ્ન થાય છે કે, ‘રોજ ભાભુ ને માસી ‘કાં રોવે?’ કહેતાં છાનો રાખવા દોડી આવતાં હતાં. ભાભુ ને માસી આ વખતે નહીં આવ્યાં હોય ને?’ મેળાના પરિવેશમાં સહજ વિકસેલી, બોલીના બળકટ પ્રભાવવાળી વાર્તામાં બાળકોની મનોવૃત્તિઓ અને સંસ્કારોની સાથોસાથ જીવનમાં નૈતિકતાને મહત્ત્વ આપતાં પરંતુ સંતાનોની ઇચ્છાને અવગણતાં મા-બાપને લીધે બાળક ચોરી કરવા પ્રેરાય છે, તેવું પણ સૂચવાયું છે. મધરાતે બારણું ખખડવાની ક્રિયાથી આરંભાતી ‘અધરાતે’માં નાનો ભાઈ લક્ષ્મીપ્રસાદ દેવ થઈ ગયાનું જાણી જોઈતારામ વિચિત્ર મનોદશામાં મૂકાય છે. વાર્તાના મધ્યમાં ભાવક અનુભવે છે કે તમામ ઘટનાઓ જોઈતારામની સ્વપ્નાવસ્થામાં ઘટી છે. વાસ્તવમાં જોઈતારામના યજમાનને ત્યાં રાંદલની લોટી પૂરવા ગયેલા લક્ષ્મીપ્રસાદને ચોપન સોપારી મળી છે. જોઈતારામ એમાં ભાગ માગે છે. લક્ષ્મીપ્રસાદ નન્નો ભણતાં બન્ને વચ્ચે બોલાચાલી થાય છે. અંતે જોઈતારામની બૂમો સાંભળી આસપાસનાં લોકોની સાથે દોડી આવેલો લક્ષ્મીપ્રસાદ ઘેરથી સોપારીનું પોટકું લાવી જોઈતારામ સામે ફેંકે છે. ગોરાણી પગ પકડીને લક્ષ્મીપ્રસાદની માફી માગે છે. બ્રાહ્મણોની માંહ્યોમાંહ્યની ઈર્ષ્યા, જોઈતારામની મનોયંત્રણા અને સંબંધોની જટિલતા અપેક્ષિત કૌશલથી આલેખાઈ છે. ‘ભાભી’માં મુંબઈથી ગામ આવેલો કથક વિધવા ભાભીની કપરી પરિસ્થિતિથી અવગત થતાં અપાર પીડા અનુભવે છે. અગાઉ ભાભીની આર્થિક મદદ કરવાના એણે ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ કંજૂસ અને કજિયાળી મા સફળ થવા દેતી નથી. ઘરભંગ થયેલો વાણિયો તલકચંદ ભાભી સાથે અવૈધ સંબંધે જોડાયેલો હોવાની વાત ટપુ પાસેથી સાંભળી આઘાત પામેલો કથક સાંજે ભાભીને ત્યાં જમવા જવાની વાત કરે ત્યારે બા ના પાડતાં કહે છે કે, ‘હવે એ ઘર નથી રહ્યું. રાંડનો વાડો થઈ ગ્યો છે વાડો!’ માની વાતનો અનાદર કરી ગયેલો રામજી ભાભીને ત્યાં જમતી વેળાએ બહાર આવેલા તલકચંદને જોઈ કડવાં વેણ કહે છે. ભાભી દ્વારા ઘટસ્ફોટ થાય છે કે મોટાભાઈની બીમારી વખતે ચાર હજાર રૂપિયાનો વાણિયા પાસેથી ઉપાડ કરેલો તેની ઊઘરાણી માટે એ આવે છે. બા સમક્ષ ભાભી પવિત્ર હોવાની એની એકેય દલીલ ચાલતી નથી. તેથી બા જીવે ત્યાં સુધી ગામના ઝાંપામાં પગ ન મૂકવાનો નિશ્ચય કરી એ પરત ચાલ્યો જાય પછી જાણવા મળે કે તલકચંદનું માથું ફોડી નાખવાના ગુનાસર ભાભીને ન્યાત બહાર મૂક્યાં છે. સાંપ્રત ક્ષણે ગામમાં આવેલો કથક ભત્રીજાને ત્યાં ચા પીવા જાય ત્યારે જાણવા મળે કે ભાભી તો ‘જડેશ્વરની જગ્યામાં પાપ ધોવા ગઈ છે.’ ગ્રામસમાજમાં વિધવાની અવદશા, અવમાનના અને રૂઢિચુસ્ત માનસ વગેરેના આલેખનમાં કલાકીય સંયમ અને સૌન્દર્યાત્મક દૂરતા બખૂબી જળવાયાં છે. ‘બાની વહુ’માં બાની પુત્રવધૂ લાવવાની ઘેલછાને દીકરો અવગણે છે, તેથી એ દીકરીને બોલાવે છે. ભાઈના લગ્નની વાતે કશી ઉતાવળ કરવા ન ઇચ્છતી દીકરી પણ સમજે છે કે બા ભાઈનાં લગ્નમાં પોતાની હાજરી ઝંખે છે એટલું જ. બાકી, બાપુ એકલા પડી જાય કે ઘર ઊઘાડું રહી જાય એ બધી વાતો ગૌણ છે. અંતે દીકરો બાની ઇચ્છા સંતોષવા તૈયાર થાય, એ સમાચાર આપવા પરોઢે દીકરી એમની પથારી પાસે પહોંચીને જુએ તો બા રહ્યાં નથી. બાપુનું અંતિમ વાક્ય સંદિગ્ધ છે. ચૌદ નાના ખંડકોમાં વિભાજિત ‘દીવો’માં બે પેઢીની ભિન્ન વિચારસરણી, ખેતર-ખોરડું ન વેચવાની બાપની જિદ વગેરેને લીધે ઘર છોડી નાસી ગયેલો દીકરો સટ્ટામાં પાયમાલ થઈ સંબંધોનો અંત આણવા સુધી પહોંચી જાય છે. વાર્તાન્તે બાપે મૃત્યુ પહેલાં દીકરા માટે એક દાબડામાં ખાલી છોડેલું કોડિયું જોઈ દીકરાની આંખમાંથી ત્રણ-ચાર બુંદ ટપકી પડે એ વાર્તાની વિધાયક ચરમોત્કર્ષ ક્ષણ છે. કોળી અને ડફેરોના વેરઝેરને લીધે ઉત્પન્ન થયેલા ભયજનક પરિવેશમાં ક્રમિક વિકાસ પામતી ‘પાદરનો કૂવો’માં ઘટનાઓ અને સંવાદો થકી વિવિધ વળ-વળાંકો આવે છે. સાસરિયાંના ત્રાસથી દીકરાને લઈ પિયર જવા ભાગેલી ઝકલ ત્યાંથી નીકળતા ગાડાખેડુને વિનંતી કરી ગાડામાં બેસે છે. માર્ગમાં બન્ને જણ પોતાની જાત છૂપાવી સંવાદ કરે છે. ગામના ઝાંપા પહેલાં કૂવા પાસે સ્ત્રીને ઊતારી ગાડાખેડુ ગામ તરફ ચાલ્યો જાય છે. અંધારામાં પાણિયારીઓ પાસેથી બાઈને માહિતી મળે છે કે પોતે જે ગાડામાં બેસીને આવી હતી તે પોતાનો સગો ભાઈ જીવો વાઘેલો જ હતો. પાછળ આવતી ઘીસતના ડરથી બહેનને આશ્રય ન આપી શકતા ભાઈની મજબૂરી સમજી બેન દીકરા સહિત કૂવામાં કૂદી પડે છે. એ જ ક્ષણે પરત ફરેલા ભાઈના બે ધુબાકા સાંભળી પગ ખોડંગાઈ જાય છે. લોકકથાનું કાઠું ધરાવતી વાર્તામાં પિયરનો કૂવો અસહાય સ્ત્રીનું અંતિમ આશ્રયસ્થાન બને એવી કથાસંયોજના રસપ્રદ છે. ‘ડંખ’માં હૉસ્ટેલના દિવસોમાં પગરખાંને લીધે મજાકનું પાત્ર બનેલા નાયકનો અપરાધબોધ અને મનોડંખ વર્ષો પછી હૉટલમાં થયેલી મિત્રોની મુલાકાત દરમ્યાન પણ યથાવત્‌ રહે છે. ‘ગોકીરો’માં જીવુભા અને અવગતે ગયેલા ગોકીરાના સંવાદોથી રચાયેલી વાર્તા છે. ભૂત-પ્રેતની સૃષ્ટિને સમર્થન આપતી રચનામાં ગ્રામજીવનના કાવાદાવાનું નિરૂપણ થયું છે. ‘મા અને દીકરો’માં વતન આવી મા વિશેનાં સ્મરણો વાગોળતો નાયક માની છબી પર ચોરીછૂપીથી હાર બદલવા જાય એ જ ક્ષણે સર્પદંશથી ગુજરી ગયેલા દીકરાનો ફોટો છાતીએ લગાડી રડતાં વિધવા ગંગામાને જોઈ એની પીડા બેવડાય છે. ‘મામાની ઘરે’ના કેન્દ્રમાં કલેશભર્યું ગૃહજીવન અને ભાણા પ્રત્યેનું ઑરમાયું વર્તન છે. નાનીમાને ત્યાં આવેલો નાયક બે મામાના ઘર વચ્ચે ચણાયેલી વંડી જોઈ ભીતર-બહારથી ક્ષુબ્ધ બની જાય છે. બાપાના સમયના જૂના ડેલામાં રહેતાં નાનીમાની વ્યથા પણ નાયક સહન કરી શકતો નથી. અંતે નાના મામાના એક વાક્ય, ‘તારી બાને કશું કહેતો નહીં’માંથી સઘળું સમજી ચૂકેલો નાયક નાનીમા પોતાને ગોતતાં અહીં આવશે એવી બીકે ત્યાંથી ચાલી નીકળે છે. બદલાયેલા સમયમાં કૌટુંબિક સંબંધોની આંટીઘૂંટીઓ અને સ્વાર્થી સમીકરણો ઘેરા કરુણમાં ઘૂંટાઈને અભિવ્યક્ત થયાં છે. ‘હકલી’માં ચાર દીકરીઓની માને છેલ્લી હકલી ખૂબ વહાલી છે. પરંતુ ચમત્કૃતિપૂર્ણ અંતમાં જાણવા મળે છે કે એના જન્મ પછી બહારની સ્ત્રીઓ સાથે અવૈધ સંબંધ રાખતો પુત્ર જીવણ પરત ફરે એ આશાએ ડોશીએ જ હકલીને મારી નાખી છે. ‘ધરતીનો છોડ’માં બબ્બે દુષ્કાળ પછી પણ મરણપથારીએ પડેલા બાપાને આપેલા વચનને લીધે રામો ખેતર વેચતો નથી. પરંતુ પત્નીનાં મહેણાં અને બાળકોની ભૂખથી હારેલો એ ખેતર વેચવાનું નક્કી કરી મોતને વહાલું કરે છે. એને દુષ્પ્રેરિત કરનાર કરમશીનું હૃદયપરિવર્તન થતાં ખેતર વેચાવા ન દે તેથી દુષ્કાળ પછીના નવજીવનની શક્યતા ઊભી થાય છે. ‘ચચરાટ’માં મોટી બહેનની સગાઈમાં પોતાનું રૂપ વ્યવધાનરૂપ બનતું હોવાથી નાની બહેન નેહા પોતાના ચહેરા પર ઍસિડ છાંટી પોતાનો ચહેરો કાયમ માટે કુરૂપ જ રહેશે જાણી શાતા અનુભવે છે. ‘ખાડ’માં સાસુ-વહુના કલેશથી પીડાતો પતિ દીકરાના ઘોડિયા પર છૂટું આડું ફેંકે છે. નાનપણમાં પોતાને કુહાડી લઈ મારવા ધસી આવેલા બાપની ઘટનાનું સ્મરણ થતાં શું પોતાનો દીકરો પણ નમાલો જ પાકશે એવી ભીતિમાં એનો આંતરસંઘર્ષ નિરૂપાયો છે. એક તરફ ખેતરની; દાદાના સમયની ન પૂરાતી ખાડ અને બીજી તરફ જીવતરમાં પડેલી સંબંધોની ખાડ – આ બંનેની સહોપસ્થિતિમાં પુત્રના ભાવિનો સંકેત છે. ‘તવાઈ’માં પુત્રવધૂ પોતાના પિયરની વાઘરણ સાથે સ્નેહભરી વાતચીત કરે તે નારાજ સાસુ સાંખી શકતી નથી. વિફરેલી વાઘરણ ડોશીને જોઈ લેવાની ધમકી આપી ચાલી જાય પછી મોડી રાત્રે વહુ દિશાએ જવાના બહાને વાઘરણને ત્યાં જાય. એના ફુઆને દયા આવવાથી કશુંય કર્યું નથી, એવું આશ્વાસન મેળવી પરત ફરેલી વહુની પરિવાર પ્રત્યેની ભાવના પ્રગટ થાય છે. ‘માનુ’માં એક અદના શિક્ષકની કન્યા કેળવણીના પ્રયાસની વિફળતા આલેખાઈ છે. ‘વરસાદ’માં પુત્રની પરત ફરવાની વાતે યંત્રણા અનુભવતા મોટાભાઈ અને ભાભીની વાત કથક સાક્ષીભાવે જુએ છે. નાનપણની આવી જ એક ઘટનાનું પ્રત્યક્ષીકરણ અને ભાઈનો પ્રશ્ન ‘પણ આપણે ક્યાં બા હતાં?’ કથકની પીડાને વળ ચડાવે છે. સંવાદો અને ભાઈની ક્રિયાઓમાંથી પ્રતીત થાય છે કે ભાઈની ચિંતાનાં મૂળ પેલી બાલ્યકાળની ઘટનામાં પડેલાં છે. ઐતિહાસિક લોકવાર્તા જેવી ‘દશ્મનની ઘરે’માં છેલા સામતની પિતા પાછળ બારમું કરવાની મનોવેદના, અને એ માટે રમાતી મેલી રમતોનું આલેખન છે. દુષ્કાળને લીધે પચીસથી વધુ માણસોને એક રસોડે જમાડવાનો રાજનો નિષેધ હોવાથી ચાર અલગ-અલગ જગ્યાએ રસોડા કરવાની ગોઠવણ થાય. પરંતુ એ ચારેય સાથે છેલાને જૂની દુશ્મની હોવાથી એનાં પરિવારજનો વિરોધ કરે. છેલો દરેક વખતે મૌન રહે છે. અંતે રાજના સિપાઈઓને ખબર પડી જતાં પેલા ચારેયને મેથીપાક ચખાડે ત્યારે છેલાની પત્ની અને પુત્ર રાજીપો અનુભવે છે. કૂતરાં સૌથી વફાદાર પ્રાણી છે, એવી માન્યતાનો છેદ ઊડાડતી ‘માંગણું’માં કથક હકાને કૂતરાં માટેના માંગણા, મઢી બનાવવાની મિત્રોની મથામણ વગેરેમાં રસ છે. પરંતુ બા એને આ બધાથી અલિપ્ત રાખી ઉઘરાણીએ મોકલ્યા કરે છે. પંડ્યના જણ્યાની જેમ ઊછેરેલા કાળિયા કૂતરાનું વિપરીત વર્તન, બા-બાપુની અવહેલના, સવલીના આક્ષેપો વગેરેથી સંત્રસ્ત હકો અંતે કૂતરીની મઢી પર સાંબેલાનો ઘા કરે તેવી પ્રતિક્રિયામાં કિશોરમાનસ પર વડીલો દ્વારા થયેલો કુઠારાઘાત અને કૂતરાંની સાથોસાથ સમગ્ર મનુષ્યજાત પ્રત્યેનો અવિશ્વાસ વ્યક્ત થયો છે. ‘દીકરી’માં ભાઈ-ભાભીના કજિયાખોર સ્વભાવને લીધે કથકની બા પિતાને મળવા જતી નથી. બાપા માંદગીના બહાને ભાઈને તેડવા મોકલે છે. થોડી આનાકાની પછી બા હકુને સાથે લઈને જાય છે. રસ્તામાં મામાનું ખેતર આવતાં મગફળીના છોડ લઈ આવતો હકુ વળતાં એ ખેતર ભૂલાઈ ન જાય એ આશયથી ભોંયમાં એક લાકડું ખોસી આવે છે. મોસાળમાં જુદા રહેતા અને જાતે રાંધી ખાતા બાપા જમીન બાના નામે કરવા માગે છે. બા માનતી નથી. રાત્રે મામીને ત્યાં જમતી વખતે મામા હકાની દૂધપાકની વાડકી બદલી કાઢે એમાં છૂપો સંકેત છે. રાતે બાને લીલી કાચ જેવી ઊલટીઓ થાય છે. મામીનું ષડ્‌યંત્ર બા સમજી ગઈ હોવાથી પરોઢિયે હકુને જગાડી થેલી લઈ પાછી ફરે છે. માર્ગમાં હકુ મગફળી તોડવા જાય ત્યારે મના કરતી બાને હકુ કહે કે આ તો મામાનું ખેતર છે-ના ઉત્તરમાં, ‘એ તો ક્યારનું વયું ગ્યું’ કહેતી બાની આંખમાંથી આંસુ ટપકે એમાં એની પીડાની પરાકાષ્ઠા છે. બાના વિધાનમાં કેવળ ખેતર નહીં, ભાઈ-બહેનના સંબંધોનો પણ અંત આવી ગયાનું સૂચન છે. આમ, સંગ્રહની અધિકાંશ રચનાઓમાં બોલીના વિનિયોગથી ઊપસી આવતાં ચરિત્રોના માધ્યમથી પરંપરા અને ગ્રામજીવનના યથાર્થનું પારંપરિક શૈલીએ તાટસ્થ્યપૂર્ણ આલેખન થયું છે. યદ્યપિ, કેટલીક રચનાઓ લંબાણ અને સંવાદોની અતિશયતાને લીધે અપેક્ષિત પ્રભાવ પાડી શકતી નથી, એ પણ નોંધવું રહ્યું.

(૨) ‘અનિમેષ’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૦૧, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)

GTVI Image 171 Animesh.png

‘ભારતમાતાના ચરણોમાં’ અર્પણ કરાયેલા આ સંગ્રહમાં વીસ વાર્તાઓ છે. ‘અલગ ઓળખ ઊભી કરતો વાર્તાસંગ્રહ’ શીર્ષક અંતર્ગત રજનીકુમાર પંડ્યાની પ્રસ્તાવના પછી લેખકનું ‘સ્વકથન’ છે. ગ્રામજીવનની આપદાઓ-વિપદાઓ સાથે ચારેક નગરજીવનની રચનાઓમાં નગરજનોની માનસિકતા આલેખાઈ છે. ‘ધ ન્યૂઝ રિપોર્ટિંગ’માં ચાલીસ વર્ષ પૂર્વે ગુજરી ગયેલા બાબુ સેવકરામની શોધખોળમાં નીકળેલા પત્રકારો રાજપર ગામમાં પહોંચી જાય ત્યારે છાપામાં ચમકવાની અબળખાને લીધે આગેવાનો એક વયોવૃદ્ધ વ્યક્તિ સાથે મુલાકાત કરાવી, ભળતી માહિતી આપી એમના જન્મસ્થળ, શાળા અને પોતાના ફોટા પડાવી છાપામાં પ્રગટ થયાનો હરખ મનાવે છે, ત્યાં એક છોકરો ઘટસ્ફોટ કરે કે સેવકરામ તો કોઈ બીજા જ રાજપરના હતા. ઇતહાસની ચોપડીમાંથી એ વિશેની સાચી માહિતી બતાવતા છોકરાની ચોપડીના લીરેલીરા કરી હવામાં ઊડાડી મૂકતા લોકો સત્યનું ચિરહરણ કરતા દેખાય છે. પ્રસિદ્ધિનો મોહ અને સાંપ્રત સમયના પત્રકારત્વ પ્રત્યે પણ લેખકે સૂક્ષ્મ સંકેત કર્યો છે. ‘મોંએ’માં વર્તમાનની ક્ષણે મોસાળ આવેલો કથક મામી અને મામાના નાની સાથેના વર્તનથી પરિચિત છે. આઠેક વર્ષ પૂર્વે નાનીને ચા ન આપવા જેવી મામીની જિદમાંથી એમના પાત્રમાનસનો પરિચય થતાં કથક ઢીલો થઈ જાય એમાંય મામીને કોઈકની ચડવણી વર્તાય છે. ‘શંકા’માં પોતાની છઠ્ઠી આંગળીને લીધે પત્ની પોતાને છોડી જશે એવી યંત્રણા ભોગવતો નાયક લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવાનો આગ્રહ રાખે છે. પત્નીને અજ્ઞાત રાખી પોતાના કૅન્સરના ઑપરેશનની એની ચાલ પકડાઈ જાય છે. અંતે પતિની મુરાદ બર ન આવવા દેતી પત્ની બધાં કાગળિયાં ફાડી નાખે ત્યારે પણ એને તો એમ જ થાય કે એમાં પેલાં મૅરેજ બ્યૂરોવાળાં કાગળિયાં તો નહીં હોય ને? ‘મે’માન’માં ફુવાના આગમનથી રાજી થયેલો કથક બે પૈસા મળશે તેવી આશા સેવે છે. બા અને ભોપો તરકટ રચી જમવામાં હલકી કક્ષાનું ઘી વાપરતાં ફુવાને ઝાડા થઈ જાય છે. પરિણામે રાત્રે ફુવા સાથે દિશાએ જતા કથકને એક રૂપિયો મળે છે. પછી ખિસ્સું કપાઈ ગયાનું બહાનું કાઢી બસમાં જવાને બદલે ચાલતા જતા ફુવા તરફથી બીજો રૂપિયો મળે, જેનાથી કથકના મિત્રોને આશ્ચર્ય પામે છે. ‘દર’માં શહેરના છેવાડે મકાન રાખી રહેતા દંપતી પૈકી એકલતા અનુભવતી સ્ત્રીની વાત છે. ઘરના એક ખૂણે ઉંદરનો દર દેખાતાં પડોશી જમુબા એને ન ખોતરવાની સલાહ આપી માટીના લોંદાથી પૂરી કાઢે છે. પરંતુ એક રાત્રે પતિ નોકરી પરથી ઘેર ન આવવાનો હોઈ નાયિકા પેલો દર ખોતરી નાખે એવા એના ક્રિયાત્મક આવેગમાં ઉંદરના અવાજથી પોતાની એકલતાને ભરવાની ઝંખના પ્રતીકાત્મક રીતે પ્રગટ થઈ છે. ‘છેડો’માં શોક ભાંગવા આવેલી યુવાન દીકરી, સાસુ દિયરવટુ વાળવા ઇચ્છતાં હોઈ પાછી જવા તૈયાર નથી. અંતે માની સમજાવટથી દિયર સાથે સાસરે જવા તૈયાર થાય. ત્યાં છકડામાં બેઠા પછી માની જેમ જ રંડાપો વેઠવાનો વિચાર આવતાં દીકરીનું ઓઢણું ભૂલી ગયાના બહાને ઘેર પરત આવે ત્યાં માના અવૈધ સંબંધની જાણ થતાં છકડો ઊપડી જાય તે પૂર્વે પાછી ફરે છે. બે વિધવા સ્ત્રીઓની ભાવશબલતાનું સૌન્દર્યાત્મક અંતર જાળવીને થયેલું રસપ્રદ આલેખન. ‘ગોટા’માં બદલાતા સમય સંદર્ભે આવેલાં ધારણા વિરુદ્ધનાં લાગણીવિષયક પરિવર્તનો હાસ્ય-વ્યંગના ટૉનમાં આલેખાયાં છે. ‘કોરું કપાળ’માં મા-દીકરીના વિચિત્ર સંબંધની વાત છે. દીકરી વિધવા થયાના સમાચાર જાણી સાવકી મા કંકુ મેલાને હૈયાસરસો ચાંપી છૂટા સાદે ખિખિયાટા કરવા લાગે છે. એની પડછે રહેલી કથા એ વાર્તાનો મુખ્ય સૂર છે. પિતાના અવસાન પછી નવી મા અને દીકરીના સંબંધમાં ઈર્ષ્યાનો ભાવ પાંગરે છે. દીકરીએ એની ઓળખ કોરા કપાળવાળી કંકુ તરીકે પ્રસ્થાપિત કરી છે. ત્યારથી એ દીકરીના વૈધવ્યની ઝંખના સેવે છે. અંતે એમ થતાં સ્વપ્નમાં શોક ભાંગવા આવેલી દીકરીને પોતાની જેમ પછીતે કપાળ કૂટતી દેખાય. પરંતુ વાસ્તવમાં એ પોતાનું જ કપાળ કૂટતી હોય છે. સાવકી માનું અનવદ્ય પરિવર્તન. ‘અભાવ’માં નિઃસંતાન નાયિકા સગર્ભા સખીની કસુવાવડના સમાચાર જાણી પીડા અનુભવે તેથી ઘર બંધ કરી રડવા લાગે છે. પરંતુ અરીસા તરફ ફરીને જોતાં એના પગ અસ્થિર થવા લાગે એ ક્રિયામાંથી કશું સ્પષ્ટ થતું નથી. ‘રંડાપો’માં રાણીછાપ રૂપિયાના બદલામાં બેન-દીકરીઓના સોદા કરનાર મીઠા વરુની દીકરી દકુ સાસરેથી આવી રિસાઈને બેઠી છે. વર્ષોથી પિયરમાં રહેતી અને મંદિરમાં સેવા-પૂજા કરતી દકુની ફોઈ ઇચ્છે છે કે પોતાની સાથે જે થયું છે તે ભત્રીજી સાથે ન થાય. બાપ નામક્કર જતાં સસરા સાથે કમને વિદાય થયેલી દકુ રાત્રિના ત્રીજા પહોરે ફોઈને ત્યાં પરત આવી જણાવે કે એના નપુંસક ધણીએ ઝેર ઘોળ્યું છે. આ વાતથી ફોઈ આશ્વસ્ત થાય કે દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. ‘સ્ત્રી’માં દીકરીનાં લગ્ન અંગે પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતાં મા-બાપ એની સાસરીમાં થયેલી અવદશા પછી એકમતી સાધે એવી કથાસંયોજના છે. ‘દીકરિયાળ’માં છ દીકરીઓનાં માવતર ગરીબીને લીધે દીકરીને ત્યાંથી આવતા સારા સમાચાર જાણીને પણ વ્યથિત થાય છે. ‘કારણ’માં ભૂકંપમાં કામ અધૂરું મૂકી બહાર જવાથી બચી ગયેલા મધ્યમવર્ગીય દંપતીની વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા આલેખાઈ છે. કાટમાળમાં પરિવર્તિત થયેલા સરસામાનની ચિંતાને બદલે સ્ત્રીને એક માણસે આપેલી ફોટો ફ્રેમની ચિંતા થાય એમાં એના સ્ત્રીસહજ સ્વભાવની પ્રતીતિ થાય છે. ‘નડતર’માં જીવાકાકા નવી પત્નીને જૂની પરેશાન કરી રહ્યાનું માની એક ભૂવાને બોલાવે છે. ભૂવા સાથેનો નવી પત્નીનો અવૈધ સંબંધ જાહેર થઈ જતાં આ જગ્યા નડતરવાળી છે-નું બહાનું કાઢી બન્ને ભૂવાવાળી શેરીમાં જ રહેવા જાય એવી ભૂત-પ્રેતની માન્યતાના ઓઠે રંગરેલિયાં મનાવતી યુવાન સ્ત્રીની વાત છે. ‘ફેરિયો’માં રોજ બપોરે પતિની અનુપસ્થિતિમાં એક ફેરિયાને બોલાવતી સ્ત્રી પતિના સમજાવટભર્યા પ્રયાસો પછી પણ ન માને ત્યારે પતિ ‘હલકટ’ કહી એક તમાચો ચોડી દે છે. ‘કળજગ’માં મોટી ઉંમરના પુરુષની કામવાસનાને લીધે આવેલા પરિણામ અને તજ્‌જન્ય અટકળોનું આસ્વાદ્ય નિરૂપણ છે. ‘સગપણ’માં વિષયનાવિન્ય નથી. પરંતુ કથનની માવજતે એને વિશિષ્ટ બનાવી છે. ત્રણ દિવસની રજા લઈ ગામ આવેલો કથક મિત્રો પાસેથી જાણે છે કે ટપુનું સગપણ થયું છે તે છોકરી આંખે ત્રાંસુ જુએ છે. ટપુનું મન માનતું નથી. પરંતુ કરમમાં લખાયું હોય એ જ થઈને રહે છે એમ માની સ્વીકારી લે છે. કથકના પરત ફરવાના દિવસે ટપુ પાર્ટી આપવાનો આગ્રહ કરી એને રોકી રાખે છે. ત્યાં જ એનું સગપણ ફોક થયાના સમાચાર મળે છે. કારણ કે પહેલાં સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો ટપુ હવે ગામમાં રહેવાનો છે. મિત્રોની ટોળકીના સંવાદોમાંથી સ્ત્રીજન્મનો ઘટતો જતો દર, સાટાપેટા પ્રથા, શિક્ષણનો અભાવ, સરકારી નોકરીવાળો મૂરતિયો, દીકરીને શહેરમાં જ પરણાવવાની મા-બાપની પ્રબળ ઝંખના વગેરે મુદ્દાઓ ક્રમશઃ ઊપસી આવે છે. અને એ દ્વારા રચનાને ચડતો જતો વળ અંતે તૂટી પડે એવી સબળ કથાસંયોજના લેખક કરી શક્યા છે. ચાર ખંડકવાળી વાર્તા ‘પાપ’માં મોઈ-દંડો રમતાં છોકરાંની મોઈ નિઃસંતાન મીઠીના આંગણામાં જઈ પડતાં રમખાણ મચી જાય છે. મીઠી દ્વારા અપમાનિત હેમી પતિ નવઘણને એની ભરબજારે લાજ લૂંટવા ઉશ્કેરે પરિણામે વહેલી સવારે વાવ પર પાણી ભરવા ગયેલી મીઠીને નવઘણ અવેડામાં નાખી કચડી નાખે છે. ત્રણેક મહિના પછી સગર્ભા થતી મીઠીને પતિ સમજાવે કે, ‘કોઈના કીધા આપણે વાંઝિયા રહ્યા? કો’ક આપણું ભૂંડું ઇચ્છે એમ તો આપણું પાપ ધોવાય.’ અહીં પાપની પરિભાષા સમૂળગી બદલાઈ ગયેલી જણાય છે. ‘મોટો’માં એક મરણ નિમિત્તે સ્મશાને જવાની વાતે ચડસાચડસીમાં ઊતરી આવેલા બે ભાઈઓમાંથી નાનો નામક્કર જતાં મોટો ધૂંધવાઈને સ્મશાને જવા નીકળે છે. પરંતુ પરોઢિયે એના ઘેર આવ્યા પછી મંદિરના મહારાજ એક બૅટરી લઈને આવે ત્યારે ખૂલી ગયેલું રહસ્ય બા સ્વીકારતી નથી. પરંતુ કથક દ્વારા સૂચવાય છે કે એમના બીકણ બાપુજી આમ જ બૅટરી લઈને રાતવરત બહાર જતા હતા. અહીં પિતા-પુત્રની સમાન લાક્ષણિકતાઓની વાત લાઘવથી કહેવાઈ છે. કાકો, બે ભત્રીજા અને ફોઈના સંબંધોનાં સમીકરણોની વાર્તા ‘ચડતી દેગડી’માં કાકો ભાઈની દવા પાછળ થયેલા ખર્ચના બદલામાં વારસાગત જમીન પચાવી બેઠો છે. બદલામાં બન્ને ભત્રીજા ઘણા સમયથી કાકાની દીકરીનું સગપણ થવા દેતા નથી. આ વખતે ફોઈના સમજાવવાથી બન્ને સમજી જાય છે. પરંતુ સામેના લોકો બે ભાઈઓના દુશ્મન હોવાથી સગપણ માટે આવતા નથી. કાકો આમાં પણ એમને જ જવાબદાર સમજે છે. અંતે દકુ બીમાર થઈ જતાં એને દવાખાને લઈ જવા સામેથી પહોંચેલા કથકના ખટારા પર આડું મારી કાચ તોડી નાખવાની કાકાની પ્રતિક્રિયાને લીધે સંબંધોના પુનઃપ્રવર્તનની શક્યતા પર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. ‘અનિમેષ’ની સમગ્ર વાર્તાઓની તપાસ કરતાં જણાઈ આવે છે કે ગ્રામજીવનનાં પોતીકાં સંવેદનો અને અનુભવસૃષ્ટિનું સંવાદોના માધ્યમથી વાર્તાન્તરણ કરવામાં ફાવટ ધરાવતા લેખકનો નગરજીવનની ચારેક રચનાઓમાં કરવો પડેલો કથનશ્રમ અને આયાસ સ્પષ્ટ વરતાઈ આવે છે. જો કે, આ સંગ્રહની રચનાઓમાં લાઘવનો ગુણ તેઓ કેળવી શક્યા છે, તે એમની વાર્તાકલાનું જમા પાસું ગણી શકાય.

(૩) ‘અતિરેક’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૦૫, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)

GTVI Image 172 Atirek.png

વીસ વાર્તાઓનો આ સંગ્રહ લેખકે એમના હૃદય પરથી જેમનું નામ ક્યારેય નહિ ભૂંસી શકાય એવા સ્વાતંત્ર્યસેનાની અને સર્જક વીર સાવરકરને ભાવપૂર્વક અર્પણ કર્યો છે. પાંચ ગ્રામજીવનની તથા પંદર નગરજીવનની વાર્તાઓ પૈકી સાત પ્રથમ પુરુષ અને બાકીની સર્વજ્ઞ કથનપદ્ધતિએ કહેવાઈ છે. ‘બંધ’માં આવતીકાલે બંધનું એલાન હોઈ વહુના શાકભાજી લેવા જવાના નકાર પછી જંતિલાલ ખુદ નીકળી પડે છે. પુત્ર આ બાબતે પત્ની સાથે ઝઘડે એમાં દીકરાને સાણસી વાગી જાય છે, તેથી લોકલાજે બારણું બંધ રાખવું પડે છે. બીજે દિવસે જંતિલાલ બહાર નીકળી જુએ તો બધુંય ખુલ્લું છે. બંધ છે કેવળ પોતાનું ઘર. શીર્ષકને સાર્થક કરતી વાર્તા વ્યંજનાના સ્તરે વિકસી છે. ‘મંદી’ને લીધે સસ્તા મળી ગયેલા ફ્લૅટમાં રહેતાં નિઃસંતાન દંપતી પડોશમાં કોઈ રહેવા આવવાનું છે એ જાણી રાજી થાય. પરંતુ હવા-ઉજાસનું બહાનું કાઢી, એ લોકો પણ ન આવે ત્યારે નાયિકાના મનમાં ઘોર નિરાશા વ્યાપી વળે છે. ‘ગટ્ટી’ તરીકે ઓળખાતી ગતિના સગપણમાં એની ઊંચાઈ વ્યવધાનરૂપ બને છે. છેલ્લે એના જેટલી જ હાઈટવાળો મૂરતિયો મળે પણ ઉંમરના બાધને લીધે વાત જામતી નથી. ગટ્ટીની મમ્મી દ્વારા એની ઊંચાઈ માટે કરવામાં આવતા વિવિધ અખતરામાંથી રમૂજ નિષ્પન્ન થાય છે. તો પિતાની યંત્રણામાં કરુણતા આલેખાઈ છે. હાસ્યના ટૉનમાં આલેખાયેલી ‘પી. પી. નંબર’માં લૅન્ડલાઈન ફોન પતિ-પત્ની માટે ઉપાધિનું કારણ બને છે. પડોશી હંસાબેન દ્વારા થતો એનો અત્યુપયોગ ટાળવાની તમામ તરકીબો બેકાર જાય છે. આધુનિક ઉપકરણોને લીધે સંબંધો સંદર્ભે મનુષ્ય કેટલો સંકુચિત થઈ ગયો છે તેનું રમતિયાળ શૈલીમાં આલેખન થયું છે. ‘પડદા પરનું દૃશ્ય’માં નજીકના હાઈવે પર થતા અકસ્માતોને કાલ્પનિક માનતી નાયિકાના પતિના અકસ્માત વખતે એની જેમ જ પડદા પરનું દૃશ્ય સમજતાં પડોશીઓ અને આસપાસના સંવેદનહીન લોકો કોઈ જ મદદ ન કરે તેથી એની હાલત દયનીય થાય છે. ‘રાતપાળી’માં ગામડેથી શહેરમાં આવી નિઃસંતાન કાકા સાથે રહેતો કથક મિલની રાતપાળીમાં કામે જાય છે. એકવાર મોડી રાત્રે ફિલ્મ જોઈ પરત ફરતાં કામલીલામાં મગ્ન કાકી બારણું ખોલતાં નથી, તેથી રેલ્વે સ્ટેશન પર રાત ગાળી સવારે ઘેર આવે ત્યારે કાકા તો રાત્રે ઘેર આવ્યા જ નહોતા, એવું જાણી હચમચી ઊઠે અને ગામ પરત ફરે છે. કાકાને ત્યાં દીકરો અવતર્યા પછી બાપા એને છોકરાને રમાડવાના બહાને પાછો ધકેલે ત્યારે એના મનમાં થયેલા પ્રશ્ન ‘છોરો કોના જેવો લાગતો હશે?’માં સઘળું સૂચવાઈ જાય છે. રચનાનું લંબાણ અને મુખ્ય ઘટના પર પહોંચવામાં થતો વિલંબ ભાવકને નિરાશ કરે છે. ‘તાપ’માં બદલાયેલા સમયમાં મનુષ્યની સંવેદનહીનતા નિરૂપાઈ છે. ‘ઘાત’માં મરણપથારીએ પડેલું ઘરડું માણસ બેઠું થાય તો ઘરના કોઈ જુવાનના જીવને જોખમ રહે છે – એવી માન્યતાથી ગભરાઈને સુરક્ષા શોધતાં સૌ પરિવારજનોની દિનચર્યા ખોટવાય છે. એને લીધે મૂંઝાતો વસ્તો એક રાત્રે માને ઝેર આપી પરિવારનાં લોકોને ઘાતમુક્ત કરે અને હાશકારો અનુભવતાં સૌ પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓમાં પુનઃ જોતરાઈ જાય છે. સ્વકેન્દ્રિત સંબંધો અને માન્યતાભંગના સામંજસ્યની વાર્તા. ‘રેલ’માં પિયર આવેલી લાખુને પતિએ વચન આપ્યું હોવાથી આ વખતે એ ખુદ આવી વળતાં એને રેલમાં બેસાડીને લઈ જશે, એવો ઢંઢેરો એણે આખા ગામમાં પીટ્યો છે. પરંતુ સસરા ગાડું લઈને આવે છે. રેલમાં જવાની રઢ લઈને બેસેલી લાખુ બાપાના ઠપકા પછી કમને તૈયાર થાય છે. માર્ગમાં રેલના પાટા જોઈ નાનપણથી એમાં બેસવાની ઝંખના પૂર્ણ ન થયાની બળતરા બળવત્તર થયા કરે છે. ઉધરસ ખાતા સસરાની તબિયત વિશે જાણ્યા પછી એનાથી કહેવાઈ જાય છે કે, ‘તો પછી આવામાં હેરાન નો થ્યા હોત ને તમારા દીકરાને મોકલ્યો હોત તો?’ ત્યારે ડોસા ઘટસ્ફોટ કરે છે કે રાત-દિવસ કામ કરી રેલના પૈસા ભેગા કરવાની ધખનાને લીધે એ તાવમાં પટકાયો છે. આ જાણીને લાખુ આઘાત પામે છે. પછી સસરા પાસેથી ઘરની આર્થિક સ્થિતિ વિશે જાણીને અંતે ‘આતા મારી મૂકો ગાડું. આ રેલ શું આપણને આંબી જાતી’તી?’માં વ્યક્ત થયેલો લાખુનો ક્રિયાત્મક આવેગ કેવળ ભાવનાત્મક સ્તર પર સીમિત ન રહેતાં યથાર્થની સ્વીકૃતિનું સમર્થન કરે છે. ‘વાવડો’માં ઘરની નબળી અર્થિક સ્થિતિની મશે સંવેદનાની સઘનતા તથા સંબંધોની પીડાનું યથાર્થ આલેખન છે. દુષ્કાળને લીધે નાનિયો વાવડો વેચવા તૈયાર છે. પરંતુ બે મોટાભાઈઓ ના પાડે છે. વાવડા પાસેથી કૅનાલ નીકળવાની છે. પરંતુ એનું પાણી પિયત માટે નહીં પણ આગળ લોકોને પીવા માટે લઈ જવાનું છે. નાનિયાનો સ્વપ્નભંગ અને ડોસાની અંતની ક્રિયાઓ કારુણ્યને ઘૂંટે છે. ‘અપ ડાઉન’માં બાઈક લઈને આવનજાવન કરતા નવનીતલાલ વિશે સતત ચિંતિત રહેતી પત્ની તેઓ પરત ન ફરતાં કાયમ અગાશીએ ચડી રસ્તો નિહાળ્યા કરે છે. ઘણા સમય પછી એક અજાણ્યો માણસ આવી એમના મૃત્યુ વિશે જણાવે ત્યારે ‘પપ્પાનું તો જે થવાનું હતું તે થયું મમ્મીની ચડ-ઊતરનો તો અંત આવ્યો.’ એવી સંતાનો દ્વારા અનુભવાતી હળવાશમાં માનવમનની અકળ લીલા અભિવ્યક્તિ પામી છે. ‘ઘર’માં સ્વચ્છતાની દુરાગ્રહી આરતી પતિ નિલય પાસે પણ એવી જ અપેક્ષા રાખી એનું જીવવું દુષ્કર કરી મૂકે છે. પતિના આકસ્મિક અવસાન પછી એકાકી બનેલી આરતીને માનવસંબંધોનું મૂલ્ય સમજાય છે. અંતમાં ઘરને અસ્તવ્યસ્ત રાખતી અને ગ્રંથિમુક્ત થયેલી આરતીને અનુભવાય કે જીવનમાં મનુષ્યના સાથ-સંગાથથી વિશેષ કશું નથી. ‘પસંદગી’ અને ‘ટૉસ’ એક જ કુળની છે. ‘પસંદગી’માં ડૉક્ટર દંપતીના ડિવૉર્સ પછી હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા કથકને બેઉ જણ અધિકારપૂર્વક પોતાના કબજામાં રાખવા મથે છે. પસંદગીની આ પ્રક્રિયાથી કથક નારાજ છે. એ ઇચ્છે છે કે બન્ને જણ બીજાં લગ્ન કરી લે તો પોતે એમાંથી મુક્ત થાય. પરંતુ મમ્મીના અવસાન લગી એમ થતું નથી. સાંપ્રત ક્ષણે મિત્ર દ્વારા ધકેલાયેલો કથક પપ્પાને મળવા જાય ત્યારે એમના પુનર્લગ્ન વિશે અવગત થતાં એમને મળ્યા વગર પરત ફરી પપ્પાએ આપેલી ઘડિયાળ કચરાપેટીમાં ફેંકી હાથ હળવો થયાનો ભાવ અનુભવે છે. એના આ પ્રત્યાઘાતમાં પસંદગીની પીડામાંથી મુક્ત થવાની સાથોસાથ આત્મસંઘર્ષમાંથી મુક્ત થવાની હળવાશ પણ નિહિત છે. ‘ટૉસ’માં પતિ-પત્નીના વિસંવાદ અને વિખવાદમાં પીસાતો પુત્ર કોની પાસે રહે તે માટે એમના લગ્નનું નિમિત્ત બનનાર કથક ટૉસ કરવા આવે છે. પરંતુ વાર્તાન્તે મિત્ર ટૉસ અને પુત્રને લઈ ક્યાંક જતો રહે એમાં માનવસંબંધોની પોકળતા પ્રગટ થાય છે. બા, લકવાગ્રસ્ત બાપુજી અને પુત્ર-પુત્રવધૂના આંતરસંબંધોનું આલેખન ‘ચેપ’માં છે. બાને ટી.બી. થયાનું જાણી એમના માટે અલગ માટલું રખાવતા નાયકની અંતમાં બાના ગામડે ગયા બાદ માટલું ફોડી નાખવાની ક્રિયામાંથી તૂટતા સંબંધોની સાહેદી મળે છે. ‘ઈયળ’માં કૉલેજની મૅસમાં રસોઈ સન્દર્ભે બે ગ્રુપોના ઝઘડા, દેખાવો, રકઝક અને રાજરમતમાં મહારાજની અવદશાના આલેખનથી કોઈ વિશેષ પરિમાણ પ્રગટતું નથી. ‘ઉજાગરા’માં દીકરીને જીયાણે તેડી લાવ્યા પછી મા કંકુને ઉજાગરા વેઠવા પડે છે. દીકરો સતત રડતો હોવાથી આસપાસનાં લોકોની સાથે ત્રાસ અનુભવતી કંકુ ટેમભાને ત્યાંથી શાંત નિદ્રા માટે અફીણ લાવી બાળકને પીવડાવવા દીકરીને કહે ત્યારે એની માત્રાથી અજાણ દીકરી દ્વારા બધુંય અફીણ પીવડાવી દેવાતાં દીકરો સદાયને માટે પોઢી જાય છે. પરિણામે કંકુના ઉજાગરાનો કરુણ અંત આવે છે. ‘ધંધો’માં દેવચંદ શેઠ દેવાદાર નવનીતલાલના પુત્રને એક દિવસ માટે કોઈને જણાવ્યા વગર બહાર લઈ જઈ એમના પર દેવું ચૂકવવાનું દબાણ લાવે છે. શેઠની મેલી રમતનો શિકાર બનતા નવનીતલાલની વાર્તામાં માનવીય સંવેદનાના મૂલ્યોનો હ્રાસ ઇંગિત થયો છે. ‘જર્ની’માં કેવળ જર્નીની જ નહીં; પૂર્વગ્રહગ્રસિત સમાજ અને વ્યક્તિનું વાસ્તવિક ચિત્ર પણ રજૂ થયું છે. શંકા-કુશંકાને લીધે સામેવાળી વ્યક્તિના અસલ રૂપને ઓળખવામાં થાપ ખાઈ ગયેલો નાયક લૂંટાઈ જાય છે. ‘પરસ્પર’માં લગ્નના સમય સંદર્ભે સર્જાયેલા મતભેદને લીધે સગાઈ તોડી નાખ્યા પછી બીજી સગાઈ માટે ઝઝૂમતા બાપની મનોયંત્રણા આલેખાઈ છે. અંતે એ જ ઠેકાણે પુનઃ ગોઠવાઈ જતાં બન્ને વેવાઈઓ રાહત અનુભવે છે. આમ, ‘અતિરેક’ની વાર્તાઓમાં વિષય વૈવિધ્ય જોવા મળે છે. તળના સમાજજીવન અને મધ્યમવર્ગના મનુષ્યોના આલેખનમાં અભિવ્યક્તિની અસરકારક પારદર્શિતા અને સ્ત્રી-પાત્રોના મનોભાવોનું ઝીણવટભર્યું નિરીક્ષણ એ આ સંગ્રહની વિશેષતા છે.

(૪) ‘અભિષેક’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૦૬, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)

GTVI Image 173 Abhishek.png

પોતાના પ્રિય સર્જકો – મેઘાણી, મુનશી, મડિયા, દ્વિરેફ અને પન્નાલાલને અર્પણ કરાયેલા લેખકના ચોથા સંગ્રહમાં વીસ વાર્તાઓ છે. ‘અથરા, અધીરિયા પણ સાચા...’ શીર્ષક અંતર્ગત હરિકૃષ્ણ પાઠકની પ્રસ્તાવના પછી લેખકે પોતાની વાર્તાસર્જન પ્રક્રિયા અંગેની ટચૂકડી નોંધ લખી છે. ‘કપડાં’માં નાનપણથી જ મોટાભાઈનાં ઊતરેલાં કપડાં પહેરનાર મિલકામદાર કથક મોટાભાઈને ત્યાં ઘણા વર્ષે પુત્રજન્મ થયાની ખુશાલીમાં પોતાના પુત્રનાં એકાદ-બે વાર પહેરેલાં કપડાં લઈને જાય અને નિખાલસભાવે કહી દે ત્યારે ભાભી દ્વારા થતો એનો અસ્વીકાર એને આઘાત પહોંચાડે છે. ભાભીની કપડાં કામવાળીને આપી દેવાની વાતે ઉશ્કેરાઈ જતો કથક પોતે પહેરેલો ભાઈનો ઊતરેલો શર્ટ ઊતારવા જાય ત્યાં કાણાંવાળું ગંજી યાદ આવતાં અટકી જાય એમાં એની વર્ષો જૂની લાચારી છતી થાય છે. ‘વહુ’માં ઘરના ત્રણેય પેઢીના પુરુષ સભ્યોના ગળ્યું ખાવાના શોખથી અવગત સાસુ દ્વારા વડસસરાને ગળ્યું ન અપાતાં નવવધૂ વસવસો અનુભવે છે. અંતે મોડી રાતે કળશિયો શોધવાને બહાને મીઠું ખાવાનું શોધતા ડોસાને એ સામે ચાલીને લાડુની થાળી આપી આવે, એમાં એની સમજણ અને પારિવારિક મૂલ્યોની જાળવણીની ખેવના પ્રગટ થઈ છે. હાસ્ય-કટાક્ષપ્રધાન ‘ડબો’માં ધના પટેલને ગલા કુંભાર સાથે જૂનું વેર હોવાથી સરપંચ સમક્ષ પોતાના ખેતરમાં રંજાડ કર્યાની ફરિયાદ કરી ગધેડાને ડબામાં પૂરાવે છે. સરપંચ ગધેડાની હરાજી બોલાવે ત્યારે પોતાની રમતમાં ખુદ ફસાઈ જતા ધના પટેલ અને ગામલોકોના સંવાદો તથા વર્ણનમાંથી હળવું હાસ્ય નિષ્પન્ન થાય છે. ‘પાડોશી’માં પોતાના તોફાની છોકરાને લીધે ફ્લૅટમાં રહેવા આવેલો પરિવાર એની ઉંમરના બીજા કોઈ છોકરા ન હોવાથી શાતા અનુભવે. કથકનો ભત્રીજો તમામ વિષયમાં નાપાસ થાય, ત્યારે પોતાનો દીકરો પાસ થતાં પેંડા વહેંચવા આવેલી પડોશણને શેની બાધા હતી, એ સમજી ચૂકેલો કથક બીજી જ ક્ષણે પૂરક પરીક્ષાની તૈયારી કરવા ભત્રીજાને બોલાવી લે એવી પ્રતિક્રિયા પ્રતીતિકર લાગે છે. ‘ચંપલ’માં લગભગ અંધશ્રદ્ધા કહી શકાય તે હદની શ્રદ્ધા ધરાવતાં સવિતાબેન હોશિયાર પુત્રનું એક વિષયમાં નાપાસ થવાનું કારણ, દીકરો મંદિરમાંથી પોતાનાં ચોરાઈ ગયેલાં ચંપલના બદલે કોઈક બીજાનાં ચંપલ પહેરી લાવે છે તેને માને છે. તેથી જાતે જ પાછાં મૂકી આવે છે. ‘મારગ’માં ગામના બની રહેલા રોડની તંત્રના ભ્રષ્ટાચાર અને અમાનવીય વલણને લીધે કોન્ટ્રાક્ટર અને મજૂરના દીકરાએ જીવ ગુમાવવો પડે એવી કરુણાંત વાર્તા. ‘મતદાર’માં જીતની પાકી ખાતરી સાથે સુધરાઈની ચૂંટણીમાં ઝંપલાવતા અને અત્યંત ખરાબ રીતે હારી જતા જગતરામની વિચિત્ર વર્તણૂક અને સંભ્રાન્ત મનોદશાનું હળવા ટૉનમાં આલેખન થયું છે. ‘વાત’માં નિઃસંતાનતા સંદર્ભે બીજાને ક્યારેય કશું ન જણાવવાની પરસ્પર સમજણ કેળવી જીવતાં દંપતીમાંથી ખામી કોની છે, તેની ખોજ કરતી નાયિકાની શુભચિંતક બહેનપણી એની પાસેથી કશું ન જાણી શકતાં અંતે પતિને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા સમજાવે છે. પોતાની ખામી હોવા છતાં પિતૃસત્તાક સમાજ પત્નીને જ જવાબદાર સમજશે એમ માની પતિ પોતાની ઉણપ કબૂલી લે છે. પરંતુ ઘેર આવ્યા બાદ પત્ની પોતાને સારા દિવસો હોવાનું જણાવે ત્યારે અસમંજસતામાં મૂકાય છે. ‘ચોથી બાજુ’માં કોઈ અજાણી બાબતે નારાજ બા પુત્રથી અલગ રહે છે. દીકરીનું ક્યાંય સગપણ ન ગોઠવાયાની ચિંતાથી સોરાતાં દંપતી છેવટે સમાધાન કરી અંતરિયાળ વિસ્તારમાં સરકારી નોકરી કરતા, મા-બાપ વિનાના અપંગ છોકરાને પસંદ કરે છે. મૂરતિયાની ત્રણ બાજુઓ નબળી, પરંતુ ચોથી બાજુ સબળ છે તે વેધક રીતે રેખાંકિત થયું છે. ‘ચૂલો’માં ગામડામાં ચૂલા પર રાંધવા ટેવાયેલાં બા સોસાયટીમાં દીકરાને ત્યાં પણ બહાર ચૂલો બનાવી રાંધે છે. પુત્રવધૂ અને સોસાયટીના લોકોને એનો અણગમો છે, એવું જાણી ચૂકેલાં બા શ્રાવણ માસમાં ગામડે મૂકવા આવેલા પુત્રને ચૂલો કાઢી નાખવાની સલાહ આપે છે. પરત ફરેલો નાયક જુએ તો એ જ ચૂલા પર પત્ની રાંધવા બેસી છે. પત્નીનું બામાં થતું આ સંક્રમણ આસ્વાદ્ય છે. ‘રહસ્ય’માં કજિયાખોર પત્નીથી સંત્રસ્ત મામા દ્વારા પુત્ર માટે સરકારી અને વધુ પગારવાળી છોકરીને બદલે ઓછા પગારવાળી પરંતુ લાંબો સમય ઘરની બહાર ગાળી શકે તેવી છોકરી પસંદ કરવા પાછળનું રહસ્ય કથક ભાણો જાણી જાય છે. ‘જાતરા’માં જાતરા કરવા નીકળેલાં જીવકોર ડોશી દાનેશ્વરી બની છૂટથી પૈસા વાપરે અને અંતે પૈસા ખૂટી પડતાં પૌત્ર માટે એક દુકાનેથી રમકડું ચોરતાં પકડાઈ ગયાના અપરાધબોધથી પીડાઈને નદીમાં આત્મહત્યા કરવા પ્રેરાય ત્યારે આયોજક ‘એવું ક્યાં અહીંનું પાણી ચોખ્ખું છે’ કહી એમને ઉગારી લે એમાં આપણાં ધર્મસ્થળોમાં ફેલાયેલી વિવિધ પ્રકારની ગંદકીનો પણ છૂપો નિર્દેશ છે. દલિત વાર્તા ‘મંકોડા’માં દાદાના સંસ્કારોથી ઘડાયેલો નાયક મંકોડા મારવા જેવી સૂક્ષ્મ હિંસા પણ આચરી શકતો નથી. મિત્ર દેવશી ધર્મપરિવર્તન કરી ડૅનિયલ બની સવર્ણો ભેગો રહે છે. જ્યારે જાતિભેદને લીધે નાયકને બદલીના સ્થળે સારું મકાન મળતું નથી. લોનની ગરજે એક વેપારીએ આપેલી વખારમાં રહે ત્યાં બાજુમાં રહેતા દેવુભાની કનડગત છે. એક તરફ રહેઠાણની મુશ્કેલી અને બીજી તરફ પત્નીની ત્યાં રહેવા આવવાની આતુરતા એમ બે બાજુએથી ત્રસ્ત કથક અંતે ધર્મપરિવર્તન કરવા તૈયાર થાય ત્યાં જ ખટારાની હડફેટે અવસાન પામેલા દેવુભાના સમાચાર મળતાં કુદરતના ન્યાયને સ્વીકારી ડૅનિયલને ના પાડી દે છે. કથક વટાળ પ્રવૃત્તિથી બચી જાય એવી કથાસંયોજના કરી લેખકે કલાસૂઝનો પરિચય કરાવ્યો છે. ‘સંતાન’માં વયોવૃદ્ધ માતાથી છૂટકારો ઝંખતાં સંતાનોની બદલાયેલા સમયમાં સંબંધોની વિરક્તિ ખૂલીને સામે આવે છે. ‘ફળ’માં નવી પેઢીનો ટૂંકા ગાળામાં પાંગરેલો પ્રણયસંબંધ કાચા ફળની જેમ તૂટી પડે એવું કાચાં જામફળને કોરી ખાતા સૂડાના સંનિધિકરણથી સૂચવાયું છે. હળવાશના સૂરે કહેવાયેલી ‘ઠાઠડી’માં ભૂત-પ્રેતની માન્યતાથી ડરી સ્મશાને ઠાઠડી લેવા જતા રણમલના દેહને અંતે એ જ ઠાઠડીમાં નાખીને લાવવો પડે તેવા કરુણાંતને લીધે ભગત એ ઠાઠડીને કૂવામાં પધરાવવા ઉદ્યુક્ત થાય એમાં કાયમી વ્યવસ્થાના વિરોધનો સૂર પ્રગટ્યો છે. ‘ઇજારો’માં છાણના મૂલ્ય અને મહત્ત્વને લીધે ગામલોકોમાં થતા સંઘર્ષને ટાળવા સરપંચ છાણનો ઇજારો લાખાને આપે છે. લાખાની દીકરી રૂખી પાદરેથી છાણ વીણી ખાડુંમાં ખીમા સાથે આખો દિવસ રહે છે. ભેંસને ઘેર જ પોદળો કરાવી ખાડુંમાં મોકલવાના ગોવા અને ધનીના પેંતરામાંથી રમૂજનો ભાવ નિષ્પન્ન થાય છે. એકવાર પોદળા બાબતે રૂખી અને ધની વચ્ચે થતા ઝઘડામાં ખીમો રૂખીના બચાવમાં ઊતરી આવે છે. તો ધનીના પક્ષે ગોવો છે. વારંવારના વિવાદોથી ત્રાસીને સરપંચ ઇજારાશાહી ખતમ કરે છે. એકી સાથે એક કુંવારી અને એક વિધવાની મા બનવાની ઘટના ગામમાં હાહાકાર મચાવે છે. પંચાયતના ઓટલે બેસી ઇજારાશાહીને ભાંડતા સરપંચનાં વિધાનોમાં તત્કાલીન ઇજારાશાહીનાં દુષ્પરિણામો વિશેના સંકેતો રહેલા છે. ‘શોક્ય’માં પત્નીની વાત ન માનીને વધારે પડતી બીડીઓ પીવાને લીધે કૅન્સરનો ભોગ બનતા ગોરધનની વેલો આગળ વધારવાની અબળખાને પારખી ગયેલી પત્ની મધરાતે એને સૂતો મેલી ચાલી જાય એમાં ગોરધનના જીવનનું કારુણ્ય અનુભવાય છે. ‘વૈતરાં’માં સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે, એવો બોધપાઠ મળી રહે છે. બે-ચાર દિવસ માટે પિયર આવેલી સ્વાતિને ‘દીકરીના અવતારને વળી થાક શાનો?’કહી બધાં કામ એની પાસે કરાવવાનો મમ્મીનો દુરાગ્રહ છેવટે એને બીજે જ દિવસે પિયર છોડી જવા મજબૂર કરે છે. જતી વખતે દરવાજો ચસોચસ બંધ કરવાની સ્વાતિની ક્રિયા પ્રતીતિકર લાગે છે. ‘વૉચમેન’માં નગરજીવનના લોકોની સામાન્ય મનુષ્ય પ્રત્યેની સંવેદનહીનતાની વાત આલેખાઈ છે. કેન્દ્રવર્તી ક્ષણના અભાવને લીધે વાર્તામાં કોઈ નવું પરિમાણ પ્રગટી શક્યું નથી. આમ, ‘અભિષેક’ની તેર સર્વજ્ઞ અને સાત પ્રથમ પુરુષ કથનપદ્ધતિએ કહેવાયેલી વાર્તાઓમાં નગર અને ગ્રામજીવનના વિવિધ વિષયો આલેખન પામ્યા છે. ‘ડબો’ અને ‘ઇજારો’ જેવી હાસ્ય-કટાક્ષના ટૉનમાં લખાયેલી રચનાઓ હળવાશનો અનુભવ કરાવે છે.

(૫) ‘એકરાર’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૧૭, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)

GTVI Image 174 Ekarar.png

આ સંગ્રહમાં કુલ વીસ વાર્તાઓ છે. આરંભે ‘આ ક્ષણે...’ નામનું લેખકનું સંક્ષિપ્ત નિવેદન છે. અહીં ગ્રામજીવનની એકાદ-બે રચનાઓ જ છે. બાકીની રચનાઓમાં નગરજીવનના મધ્યમવર્ગીય લોકોની સમસ્યાઓનાં યથાર્થપરક ચિત્રો જોવા મળે છે. ‘બચાડા જીવ!’માં ગામડામાંથી સ્થળાંતર કરી શહેરમાં રહેતા પરિવારના ગામડાના ખાલી ઘરની સમસ્યા આલેખાઈ છે. બા વેચવા માટે તૈયાર નથી. કોઈ ભાડે લેવા પણ તૈયાર નથી. એવામાં વરસાદમાં પડી ગયેલી વંડીના પાયામાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવતાં કથક રાજી થઈ જાય છે. હવે મંદિર માટે કદાચ કોઈ ઘર વેચાતું લે એવી આશા બંધાય ત્યાં જાણવા મળે કે લોકોએ હનુમાનજીની મૂર્તિ ત્યાંથી ખસેડીને મંદિરમાં સ્થાપી દીધી છે. અંતે સરપંચના કહેવાથી એક દલિત શિક્ષકને ભાડે આપી ઘેર આવીને કથક બાને જણાવે કે ‘ક્યાંથી ભાડે આપે? મકાનમાં તો કૂતરી વિયાણી છે. પાંચ ગલૂડિયાં છે.’ ‘થ્યું એય બચાડા જીવ છે ને!’ કહી આશ્વસ્ત થતાં બાને ઘરમાં રહેતાં કૂતરાં પ્રત્યે રૂઢિચુસ્ત બાને અનુકંપા છે. કથકે સાચી વાત કહી હોત તો શી દશા થાય? જાતીય ભેદભાવને લીધે બા સમક્ષ જૂઠ્ઠું બોલતા કથકની મજબૂરીમાંથી ખોખલી સમાજવ્યવસ્થા અને વર્ગભેદની અમાનવીય માનસિકતા છતી થાય છે. ‘ડ્રાઇવર’માં વ્યસનમુક્તિનું અભિયાન ચલાવતા મથુર શેઠની અંતિમ ક્રિયા વખતે એકઠા થયેલા ત્રીસ જેટલા ડ્રાઇવરોની વાતચીતમાંથી શેઠની નિર્વ્યસની ડ્રાઇવરની શોધ અને અંતે મળેલા ડ્રાઇવરની ભૂલને લીધે થયેલા અકસ્માતની વિગતો ખૂબ જગ્યા રોકે છે. ‘આ વખતની દિવાળી’માં દર વખતે દિવાળી પર પિયર જતી બેન નાના ભાઈના અવસાન પછી મોટાભાઈનો અત્યાગ્રહ અને શોકગ્રસ્ત પતિના અથાક પ્રયાસો છતાં ત્યાં જવા રાજી થતી નથી. અંતે પતિનો દંભ ઉઘાડો પડી જાય છે. પત્નીને પિયર મોકલી મિત્રો સાથે દીવ જઈ ઢીંચવાનો પ્રોગ્રામ પત્નીને લીધે રદ થયો છે, એવું એની મિત્રો સાથી વાતચીત પરથી જાણી પત્નીની પીડા બેવડાય અને અતિવિશ્વાસને લીધે આઘાત અનુભવે છે. ‘હલકટ!’માં હીરાઘસુ પિતૃસત્તાક પતિ એની સાથે કામ કરતી અન્ય સ્ત્રીઓ સાથેના અવૈધ સંબંધોને લીધે દેવાદાર થતાં પોતાનો અપરાધ છૂપાવવા આર્થિક મદદ કરવાના પ્રયાસો કરતી હીરાઘસુ પત્નીને હલકટનું લાંછન લગાડે, એવી ક્રૂર નિયતિની વાત છે. ‘સગાં’માં મફત સારવાર કરાવવા આવતાં સગાંવહાલાંના ત્રાસથી ડૉક્ટર પ્રેક્ટિસ બંધ કરી, સરકારી નોકરીએ જતાં દવાખાનું વેચવા કાઢે ત્યારે સસ્તા ભાવે ખરીદવા બધાંય તૈયાર થાય તેથી ડૉક્ટરે ‘આ મકાન વેચવાનું નથી’ એવું બૉર્ડ લગાવવું પડે છે. ‘માસ્ટર લૉક’માં પોતાનું ઘર છોડી બીજે ક્યાંય જવા ન માગતી સ્ત્રીની પઝેસિવનેસની વાત છે. ધારણાઓ અને પૂર્વગ્રહોને લીધે સ્ત્રીના આંતરિક સ્વરૂપને ઓળખવામાં પુરુષ હંમેશા અસમર્થ રહે છે, તેવું સૂચવતી વાર્તાનો અંત જોકે તાલમેલિયો લાગે છે. ‘ગામડિયા’માં વીસ વર્ષ પછી પતિના મિત્રની દીકરીના લગ્નમાં આવેલી પત્નીની સ્મૃતિમાં ગામડાનું જૂનું ચિત્ર છે. પરંતુ પરિવેશ અને અન્ય સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો વગેરેથી એની માન્યતા ભાંગીને ચૂર થઈ જતાં વહેલી પરત ફરતી એ હવે બાળકોને લઈને અહીં આવશે, એવું કહે એમાં બદલાયેલા સમયની સ્વીકૃતિનો ભાવ રહેલો છે. ‘છેલ્લું સ્ટેશન’માં નિઃસંતાન દંપતી ઘરકામ અને એકલતાથી કંટાળી એક આશ્રમમાં રહેવા જાય ત્યાં પણ એ જ સ્થિતિ હોવાથી ભાણેજના લગ્નનું બહાનું કાઢી આશ્રમ છોડી ઘેર જવા ઉદ્યુક્ત થાય ત્યાં પતિનું અવસાન થતાં, અંતિમ સંસ્કાર પછી પત્ની ઘેર જવાને બદલે બૅગ ખાલી કરે છે. ‘ભાગ્યની વાત’માં બે લંગોટિયા ભાઈબંધો વચ્ચેની છૂપી ઈર્ષ્યા અને સ્પર્ધાની વાત છે. સાધનસંપન્ન ચંપકલાલને વારંવાર મદદ કરતા મિત્ર ભોગીલાલને એની તરફથી પ્રાપ્ત થતાં ઉપહાસ અને કૃતઘ્નતા એમને કેવળ ફરિયાદ નહિ, સામાજિક વાસ્તવ પ્રત્યેના આત્મમંથનનો અવસર પણ પૂરો પાડે છે. ‘ફરતો ફાગણ’માં ઘરકામ અને સાસુના વર્તનથી કંટાળી પિયર જતી રહેતી પત્ની સાસુ નોખાં રહેવા જાય તો જ પરત આવશે એવી શરત મૂકે ત્યારે સાસુને પોતાની સાસુ પ્રત્યેનું સમાન વર્તન સાંભરી આવે અને દીકરાની આનાકાની છતાં સાસુની જેમ જ ડેલામાં અલગ રહેવા જતાં રહે એમાં મનુષ્યત્વને જીવિત રાખતી નૂતન આશાની પુનરાવૃત્તિ છે. ‘ચૂંટણી પરિણામ પહેલાં’માં પરિણામ વખતે ગેસ્ટરૂમમાં પૂરાઈ રહે અને જીતના સમાચાર પૂર્વે ઉમેદવાર અવસાન પામે છે. કાર્યાલય આગળ ઉપસ્થિત લોકોના સંવાદોમાંથી ખૂટતી કડીઓ મળી રહે છે. પરંતુ રાયચંદ શેઠની પરિણામવિષયક ઉત્તેજના કે એમના મનોવ્યાપારોની સદંતર ગેરહાજરી ખૂંચે છે. ‘પ્રજ્ઞાચક્ષુ’માં ડોસાની આંખનો મોતિયો પ્રસરીને એમને અંધાપો આવી જાય ત્યાં સુધી કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ અંધજનોને મળતા મુસાફરી પાસમાં એક વ્યક્તિને સાથે મફત મુસાફરી કરવા મળે એવી યોજના જાણ્યા પછી ડોસાનો પાસ કઢાવી એમની સ્થિતિની પરવા કર્યા વિના એમને સાથે લઈને ત્રણેય દીકરા પોતાના અંગત કામ પાર પાડવા એમનું ભયંકર શોષણ કરે છે. અંતે અંધ પિતાની આત્મગૂંજ અને વિચારોત્તેજક પ્રતિક્રિયાથી પાઠક હચમચી ઊઠે છે. શિક્ષિત યુવકની બેકારી અને લાચારીની ‘નવની ઍક્સપ્રેસ’માં પિતાની સત્તાત્મકતાને લીધે અનાજની દુકાનની નોકરી અને છાપાં વહેંચવાની મજૂરી કરતા પુત્રને એક ઇન્ટરવ્યૂ માટે ગામ પરથી પસાર થતી ઍક્સપ્રેસ ટ્રેનની મુસાફરી કરવી છે. પરંતુ પિતાની અનિચ્છાને લીધે ટ્રેન ચૂકી જાય અને ઇન્ટરવ્યૂમાં સમયસર પહોંચી શકતો નથી. મનમાં વ્યાપેલી નિરાશાને લીધે આત્મઘાત માટે તત્પર એ સાંધાવાળાની નજરે ચડી જતાં નવની ઍક્સપ્રેસ ફરી ચૂકી જાય છે. ‘ડોબું’માં જેના લીધે ઘરનું ગાડું ગબડી રહ્યું છે અને ગૃહિણીને જેના પ્રત્યે વિશેષ અનુરાગ છે તે ભેંસને લીધે દીકરાનું સગપણ થતું નથી. ભેંસની ચાકરી ન કરવાની શરતે એક યુવતી પરણે છે. પરંતુ એ ઘર આગળ બંધાયેલી ભેંસની હાજરીને લીધે રિસાઈને પિયર જતી રહે છે. એને પરત તેડી લાવતો અરજણ ભેંસને ડેલામાં બાંધે અને અંતે બારોબાર વેચી મારે એમાં અરજણની દીકરાનું ઘર ન ભાંગે એવી સમજદારી વર્તાય છે. ‘માનતા’માં બાધા-આખડીમાં ન માનતો ગામ જવા નીકળેલો મનસુખ છકડાની દુર્ઘટના પછી એના માલિકનો ભ્રમ ભાંગવા નવું ટાયર ખરીદવામાં આર્થિક મદદ કરી માનતા કરવા ગામ જવાને બદલે શહેરમાં પરત ફરે ત્યારે, મનસુખભાઈ તમે આવું કેમ કર્યું? એવો ચીચાનો અવાજ ભાવકના ચિત્તમાં પણ ઘૂમરાયા કરે છે. ‘બે છેડા’ પ્રેમ, સ્વાર્થ, નિષ્ઠા, સ્વતંત્રતા, અધિકાર અને ત્યાગના દ્વંદ્વની વાર્તા છે; જે આત્મીય બંધનથી બંધાયેલા જવાબદાર પુરુષ માટે જીવલેણ સાબિત થાય છે. ‘ભાડવાત’માં મકાનમાલિકનાં પ્રાંતવાદ અને અમાનવીય વલણો આલેખાયાં છે. અન્ય રાજ્યના સરકારી કર્મચારીને મકાન ભાડે આપ્યા પછી સોસાયટીના ચૅરમેન અને અન્ય સભ્યોની નારાજગીને લીધે ખાલી કરાવવાના મકાનમાલિકના પેંતરાઓ નિષ્ફળ જતાં એ આઘાતમાં સરી પડે છે. શિક્ષણ જગતની જડતા પર પ્રહાર કરતી ‘સી.એલ.’માં સત્યનો પક્ષ લેવાને બદલે અનુશાસન અને નિષ્ઠાનું પાલન કરાવવાની આચાર્યની જિદ અને સંવેદનહીન વલણ એક શિક્ષક માટે જીવલેણ નીવડે છે. ‘ગરબડ’માં વર્ષો પૂર્વે કશીય જાણ કર્યા વગર પોતાને અને પુત્રને છોડીને ચાલી ગયેલી પત્નીના એક મિત્ર દ્વારા અવસાનના સમાચારથી વિક્ષુબ્ધ દોલતરાયની પુત્રને જાણ કરવા-ન કરવા વિશેની મનોવ્યથા આલેખાઈ છે. વાસ્તવમાં ચાર માસ પૂર્વે ઘટેલી ઘટનાથી પુત્ર વાકેફ છે તે જાણ્યા પછી પિતા હળવાશ અનુભવે. પરંતુ પુત્રની ઊંઘ ઊડી જાય એમાં બાપ-દીકરાનું સમસંવેદન સૂચવાય છે. ‘કવરેજ ક્ષેત્રની બહાર’માં ટૅક્‌નોલોજીએ મનુષ્યની અંગતતા અને સંવેદના પર કરેલા પ્રહારની પ્રતીતિ પૌત્ર દ્વારા દાદાને મોબાઇલ મોકલ્યા પછી એમના બંધ થઈ ગયેલા પત્રોમાંથી મળે છે. મોબાઇલ જેવું ઉપકરણ મનુષ્યને અવાજ વડે સંપર્કમાં રાખી શકે, પરંતુ સ્પર્શાનુભૂતિ કરાવવામાં બિલકુલ અસમર્થ છે, એવો અર્થ નિષ્પન્ન કરતી યથાર્થપરક કથા જે સંબંધવિષયક નૂતન સંવેદન રચે છે. આમ, ‘એકરાર’ની વાર્તાઓમાં લેખકે નગરજીવનની સમસ્યાઓના આલેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અગાઉના સંગ્રહોની સરખામણીએ સંવાદોને બદલે કથન-વર્ણનનો મહિમા વધુ જોવા મળે છે; જેને લેખકની વાર્તા-યાત્રાનું મહત્ત્વનું સ્થિત્યંતર ગણી શકાય.

(૬) ‘મનગમતી વાર્તાઓ’ (પ્રથમ આવૃત્તિ : ૨૦૦૫, પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ)

લેખકે પોતાના ત્રણ સંગ્રહો પૈકી ‘ઉન્મેષ’માંથી નવ, ‘અનિમેષ’માંથી પાંચ અને ‘અતિરેક’માંથી સાત, એમ એકવીસ વાર્તાઓ પસંદ કરીને ‘મનગમતી વાર્તાઓ’ નામે એક સંગ્રહ પ્રગટ કર્યો છે. કિરીટ દૂધાતે તાટસ્થપૂર્ણ પ્રસ્તાવના લખી છે. જે-તે સંગ્રહ અંતર્ગત વાત થઈ હોવાથી આ સંગ્રહની વાર્તાઓની ચર્ચા અહીં અસ્થાને છે. ‘ઉન્મેષ’થી ‘એકરાર’ સુધીના જિતેન્દ્ર પટેલના પાંચ સંગ્રહોમાંથી પસાર થયા બાદ વિશેષતાઓ-મર્યાદાઓ વિશે નોંધીએ તો એમની વાર્તાઓ સ્પષ્ટપણે બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળે છેઃ (૧) ગ્રામજીવનની વાર્તાઓ અને (૨) નગરજીવનની વાર્તાઓ. મધ્ય-ઉત્તર સૌરાષ્ટ્રના; મચ્છુકાંઠાના ગામડાના સ્વાનુભવોને પારંપરિક શૈલીએ રજૂ કરવાની ફાવટ ધરાવતા લેખકે આરંભિક સંવાદપ્રધાન વાર્તાઓમાં પાત્રોચિત લોકબોલી પ્રયોજીને ગ્રામજીવનની નાની અને તુચ્છ વિગતોમાંથી ચરિત્રો ઉપસાવ્યાં છે. કિરીટ દૂધાતના ‘કાળુ’ કે અજિત ઠાકોરના ‘તખુ’ની જેમ એમની ગ્રામજીવનની એકાધિક વાર્તાઓમાં બાળકથક ‘હકુ’ છે. એમની પાસેથી નગરજીવનની રચનાઓ પણ મળે છે. યથાપિ, ગ્રામચેતનાના આલેખનમાં એમણે જેવું કલાકૌશલ્ય દાખવ્યું છે, તેવું નગરજીવનની વાર્તાઓમાં થયું નથી. શહેરીજીવનની વાર્તાઓના આલેખનમાંથી સંવેદના જન્મે છે ખરી, પરંતુ એ ગ્રામચેતનાની વાર્તાઓ જેટલી સ્પર્શક્ષમ બનતી નથી. જો કે સમાજ સાથે અવિનાભાવે જોડાયેલાં પાત્રો સંદર્ભે લેખકે દાખવેલું તાટસ્થ્ય નોંધનીય છે. બન્ને પ્રકારની વાર્તાઓમાં પાત્રોનું નિઃસંતાનપણું એક મર્યાદા બનવાની હદ સુધી આલેખાયું છે. નિરવરોધ વાર્તાપ્રવાહ હોવા છતાં જિતેન્દ્રની કેટલીક વાર્તાઓના ચમત્કૃતિપૂર્ણ અંત ભાવકને આશ્ચર્યમાં મૂકી પ્રતીતિકરતાના પ્રશ્નો જન્માવે છે. ‘ઉન્મેષ’ના સ્વકથનમાં એમણે કબૂલ્યું છે કે, ‘પ્રયોગશીલતા કે ઘટનાલોપની વાત મને બહુ સ્પર્શી શકી નથી.’ તેથી, રચનારીતિ કે કથનકલાના કોઈ વિશેષ પ્રયોગોની આળપંપાળમાં પડ્યા વિના સાતત્યપૂર્વક પરંપરાગત રીતિએ અને એકસમાન ગતિએ વાર્તાઓ આપતા નોંધપાત્ર વાર્તાકાર જિતેન્દ્ર પટેલ વિશે નિઃશંક કહી શકાય કે તેઓ ગ્રામજીવનના આલેખનના કુશળ કથાકાર છે.

દશરથ પરમાર
વાર્તાકાર, સંપાદક.
મો. ૯૪૨૭૪ ૫૯૩૦૫, ૭૬૯૮૪ ૦૦૨૩૩
Email: dasharth.parmar02@gmail.com