ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/મુનિરાજશ્રી જયન્તવિજયજી

From Ekatra Foundation
Revision as of 14:54, 30 December 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મુનિરાજ શ્રી જયન્તવિજયજી

જગત્‌ પ્રસિદ્ધ સ્વ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજય ધર્મસૂરિ મહારાજના વિદ્વાન્‌ અને પ્રસિદ્ધ શિષ્યોમાંના એક મુનિરાજ શ્રી જયન્ત વિજયજીનો જન્મ વળા (કાઠિયાવાડ) માં સં. ૧૯૪૦ ના ફાગણ સુદિ ૧૩ ના દિવસે થયો હતો. પિતાનું નામ શાહ ભુરાભાઈ હકમચંદ અને માતાનું નામ જેઠીબાઈ. જ્ઞાતે વિશા ઓશવાળ. તેઓ ત્રણ ભાઈ અને ત્રણ બેન એમ છ ભાંડરડાં હતાં. તેમનું મૂળ નામ હતું હરખચંદભાઇ. જૈન સાધુપણાની દીક્ષા લીધા પછી તેમનું નામ શ્રી જયન્તવિજયજી રાખવામાં આવ્યું હતું. અગિયાર વર્ષની ઉમ્મરે પિતાજીનો સ્વર્ગવાસ થયો. ઘરની સ્થિતિ સાધારણ હોવાથી માતાએ મજૂરી કરીને બાળકોને મ્હોટાં કર્યાં. માતા અત્યંત ધાર્મિક વૃત્તિનાં; એટલે આ બાળકો ઉપર માતાના ધાર્મિક સંસ્કારોની અસર ઘણી સારી પડી. હરખચંદભાઇએ ગુજરાતી સાત ચો૫ડીનો અભ્યાસ કર્યા પછી સં ૧૯૫૫માં તેઓ માતાની આજ્ઞાથી મહેસાણાની શ્રી યશોવિજય જૈન પાઠશાળામાં સંસ્કૃત અને ધાર્મિક અભ્યાસ કરવા માટે જોડાયા. આ સંસ્થામાં રહીને એમણે જૈન ધર્મનો અભ્યાસ કરવા સાથે સંસ્કૃત વ્યાકરણ હૈમ લઘુ પ્રક્રિયાની બે વૃત્તિ કરી. હરખચંદભાઈની વૃત્તિ પ્રારંભથી જ શાન્ત, ગંભીર અને સહનશીલ હતી. ઉપરાંત માતાના ધાર્મિક સંરકારોની અસર ઉંડી પડેલી, તેથી તેઓ ન કેવલ જ્ઞાન તરફજ, બલ્કે ક્રિયા તરફ પણ તેટલો જ પ્રેમ રાખવા લાગ્યા. આથી કુદરતી રીતે સૌનો પ્રેમ તેઓ જીતી લેતા. સં. ૧૯૫૭ માં તેમને શા. વિ. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજ (તે વખતના ધર્મવિજય મહારાજ) નો સમાગમ થયો. તેઓ ગુરૂની સાથે રહેવા લાગ્યા; અને ધાર્મિક પ્રકરણો તેમજ સંસ્કૃતનો અભ્યાસ વધારવા લાગ્યા. ગુરૂશ્રી વિજય ધર્મસૂરિ મહારાજે પહેલાં માંડલમાં અને ૫છી કાશીમાં સંસ્કૃત, પ્રાકૃતના વિદ્વાનો ઉત્પન્ન કરવા માટે શ્રી યશોવિજય પાઠશાળા સ્થાપન કરી. ખરી રીતે આ પાઠશાળા સ્થાપવામાં શ્રી હરખચંદભાઈ મુખ્ય કારણ હતા. તેમની જ પ્રાર્થના અને સલાહથી ગુરૂ મહારાજે આ વિચાર પાકો કર્યો હતો. સં. ૧૯૬૦માં તેઓ બનારસની યશોવિજય પાઠશાળામાં ગયા. ગુરૂ મહારાજના આશ્રય નીચે સંસ્થામાં રહી, સંસ્કૃત અભ્યાસ વધાર્યો; એટલું જ નહિં પરન્તુ પોતાના વિનય, ભક્તિ, સૌજન્ય, અને કાર્યકુશળતાથી ગુરૂદેવની એટલી બધી પ્રીતિ સંપાદન કરી કે સમય આવે આ સંસ્થાનું કાર્ય હરખચંદભાઈને સોંપવામાં આવ્યું અને તેઓ સંસ્થાના મેનેજર બન્યા. ગુરૂદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજના ઉપદેશથી બનારસમાં એક પશુશાળાની સ્થાપના થઈ, તેના સેક્રેટરી તરીકેનું કાર્ય પણ હરખચંદભાઈને સોંપવામાં આવ્યું. ‘જૈન શાસન” નામનું એક પાક્ષિક પત્ર કાઢવામાં આવ્યું, તેના સમ્પાદક પણ હરખચંદભાઈ થયા, અને ‘શ્રી યશોવિજય ગ્રંથમાળા’ નામની એક સંસ્કૃત ગ્રંથમાળા શરૂ થઈ, એના મેનેજર-પ્રકાશક પણ તેઓ થયા. ગ્રંથમાળાની અનુકૂળતાને માટે શ્રીયુત હરખચંદભાઈએ ‘ધર્માભ્યુદય’ નામનું એક છાપખાનું પણ પોતાનાજ તરફથી કાઢ્યું. આમ એક પછી એક એમ અનેક કાર્યોની જવાબદારી ગુરૂકૃપાથી માથે આવતાં, હરખચંદભાઈમાં કાર્યદક્ષતા પણ ઘણી વધી. હમેશાં તેઓ ગુરૂસેવામાં રહેતા ને ગુરૂકૃપા મેળવતા. ગુરૂસેવામાં તેમણે બંગાલની મુસાફરી પણ કરી. તે પછી ગુરૂ શ્રી વિજયધર્મસૂરિ મહારાજે પાલીતાણામાં શ્રી યશોવિજય પાઠશાળા, જેનું પાછળથી નામ ‘યશોવિજય ગુરૂકૂલ’ રાખવામાં આવ્યું, તેની સ્થાપના કરી તેના મેનેજર તરીકે પણ કેટલાક વર્ષો સુધી કામ કર્યું. તે પછી સં. ૧૯૭૧ના વૈશાખ સુદિ ૫ના દિવસે ઉદીપુરમાં તેમણે દીક્ષા લીધી; અને તેમનું નામ શ્રી જયન્તવિજયજી રાખવામાં આવ્યું. એમની દીક્ષામાં બે વિશેષતા હતી. એક તો એ કે તેમનાં ધાર્મિક માતૃશ્રીએ પોતાના આ એકના એક વ્હાલા પુત્રને પ્રસન્નતાપૂર્વક દીક્ષા લેવા માટે આજ્ઞા આપી; અને બીજી વાત એ કે – ઇટાલીના પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એલ. પી. ટેસીટોરીની ઉપસ્થિતિ. દીક્ષા લીધા પછી તેઓ હંમેશા ગુરૂસેવામાં રહેવા લાગ્યા. તેમની શાન્તવૃત્તિથી તેમના વ્યક્તિત્વની આખા સાધુ સમુદાય પર સારી અસર પડી, અને તે જ કારણથી તેઓ “શાન્ત મૂર્તિ” તરીકે ઓળખાય છે. સ્વ. ગુરૂદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજે સં. ૧૯૭૬માં વીલાપારલા- મુંબાઈમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળની સ્થાપના કરી. આ નવસ્થાપિત સંસ્થાના પ્રારંભિક સંચાલન માટે ગુરૂ મહારાજે મુનિરાજશ્રી જયન્તવિજયજીને, તેમના વિનયવાન શિષ્ય મુનિરાજશ્રી વિશાળ વિજયજી સાથે વીલાપારલામાં ચોમાસુ રાખ્યા. જે વખતે ગુરૂમહારાજ ઇંદોર વિરાજતા હતા, તે વખતે મુંબાઇમાં રહેલી આ સંસ્થાને બનારસ મોકલવાનો વિચાર થયો. પરન્તુ બનારસમાં સંસ્થા કોણ સંભાળી શકશે? એ પ્રશ્ન ગુરૂ મહારાજનું ઉઠતાં બનારસ મોકલવા માટે મુનિરાજશ્રી જયન્તવિજયજીનેજ પસંદ કરવામાં આવ્યા; અને તેમની ઇચ્છા બિમાર ગુરૂ મહારાજની સેવામાં જ રહેવાની હોવા છતાં ગુરોરાજ્ઞા ગરીયસી માનીને તેઓ બનારસ ગયા. તેમની સાથે બીજા ત્રણ મુનિરાજોને ગુરૂ મહારાજે મોકલ્યા; જેઓમાં વયોવૃદ્ધ અને ગૃહસ્થો પાસેથી સંસ્થાને આર્થિક મદદ કરાવવામાં કુશળ એવા પ્રવર્તક શ્રી મંગળવિજય પણ હતા. મુનિરાજ શ્રી જયન્તવિજયજી છેલ્લા કેટલાક વર્ષોથી ઐતિહાસિક સંશોધન, શિલાલેખો, પ્રશસ્તિયો આદિને સંગ્રહ કરવા અને પુસ્તકો લખવાની પ્રવૃત્તિ તરફ વળ્યા છે. તેઓ પોતાના જ્ઞાનનો જ્યાં જાય છે ત્યાં સારો લાભ આપે છે; ખરી સાધુવૃત્તિની ઉંડી છાપ પાડે છે. તેમની જ્યાં જ્યાં સ્થિરતા થઈ છે, ત્યાં ત્યાં સંઘમાં શાંતિજ ફેલાઇ છે. જ્યારે તેઓ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીની સાથે શિવપુરીમાં હતા, ત્યારે સુપ્રસિદ્ધ જર્મન વિદુષી ડૉ. કૌઝે (સુભદ્રાદેવી)એ અને અમેરિકન વિદુષી મિસ જ્હોન્સને પણ તેમની પાસે જૈન ફિલેસોફી સંબંધી કેટલોક સમય અભ્યાસ કર્યો હતો. તેઓ સ્વ. વિજયધર્મસૂરિ મહારાજના સમુદાયના પ્રતિષ્ઠિત, વિદ્વાન અને શાન્ત સાધુ છે.

: : એમની કૃતિઓ : :

‘સિદ્ધાન્ત રત્નિકા’ (સંસ્કૃત, સંપાદિત) ઉત્તરાર્દ્ધનું ટીપ્પણ પણ બનાવ્યું.
વિહાર વર્ણન (ગુજરાતી)
આબૂ (ગુજરાતી) ભાગ ૧.
‘ઉત્તરાધ્યયનસૂત્ર’ (સંપાદિત) ટીકાયુક્ત