ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પુરુષોત્તમ શિવરામ ભટ્ટ
પુરૂષોત્તમ શિવરામ ભટ્ટ
એઓ જ્ઞાતે વિશનગરા નાગર બ્રાહ્મણ અને ગવાડાના વતની છે. જન્મ તેમના મોસાળ ડીંગુચા ગામે સંવત્ ૧૯૫૫ ના અષાઢ સુદ ૧ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ શિવરામ મયારામ ભટ્ટ અને માતાનું નામ પાર્વતીબાઈ હતું. પ્રાથમિક શિક્ષણ ગવાડામાં પુરૂં કર્યા પછી તેઓ વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં દાખલ થયા હતા. ત્યાંથી વડોદરા ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થઇ ટ્રેન્ડ શિક્ષક થયા હતા. પરંતુ સાહિત્યશોખને લીધે શિક્ષકની નોકરી છોડી દઈ “નાગર વિજય” નામનું જ્ઞાતિ પત્ર કાઢ્યું; પણ એ ખોટ પાસું હતું, તેમજ તે સેવાકાર્યમાંથી છુટા થઈ, ફરી પાછા તેઓ મુંબાઇ કોરપોરેશન સ્કૂલ ખાતામાં શિક્ષકની નોકરીમાં જોડાયા. એ ઉચ્ચ ધંધાની ફરજ અદા કરતા સાહિત્ય સેવાનું કાર્ય તેઓ વિસરતા નથી.
: : એમની કૃતિઓ : :
| ૧ | તાજો તવંગર | સન ૧૯૨૬ |
| ૨ | સ્ત્રીઓનો સાચો દેવ યાને પતિવ્રત ગીતા | ” ૧૯૨૧ |
| ૩ | નાગર સુદર્શન | ” ૧૯૨૩ |
| ૪ | શ્રી આદ્ય શંકરાચાર્ય યાને જગદ્ગુરૂ જીવનકથા | ” ૧૯૩૦ |