ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ

Revision as of 03:33, 3 January 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ

એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ બ્રાહ્મણ છે. અમદાવાદના વતની છે; અને જન્મ પણ અમદાવાદમાં લાખા પટેલની પોળમાં ઇ. સ. ૧૮૮૪ ના જુલાઈની ૧૮ મી તારીખે થયો હતો. એમના પિતાનું નામ કનૈયાલાલ ગીરધરલાલ ધ્રુવ અને માતુશ્રીનું નામ મણિગવરી. એમના પિતા ભાવનગરમાં કેળવણી અધિકારી અને પાછળથી આસિસ્ટન્ટ વસુલાતી અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી એમણે ભાવનગરમાં લીધી હતી. સન ૧૯૦૦ માં મેટ્રીક થયા બાદ તેઓ ગુજરાત કૉલેજમાં જોડાયા હતા. પછી સન ૧૯૦૨ માં પુનાની એન્જીનિયરિંગ કૉલેજમાં દાખલ થયા અને સન ૧૯૦૩માં ઇન્ટરમિડિયટ સાયન્સનું શિક્ષણ વિલ્સન કૉલેજમાં લીધું અને સન ૧૯૦૪ માં ફરગ્યુસન કૉલેજમાં બી.એસ.સી. ક્લાસમાં જોડાયા પણ તેમાં પરીક્ષા આપી નહોતી. તે પછી એમણે એન્જીનિયરિંગનો અભ્યાસ પૂરો કરી સન ૧૯૦૭ માં એલ. સી. ઈ. ની પદ્વી મેળવી હતી. ત્યારબાદ તરતજ તેઓ વડોદરા રાજ્યમાં પબ્લીક વર્કસ ખાતામાં નોકરીએ જોડાયા અને હાલમાં નવસારી પ્રાંત પંચાયત (ટીસ્ટ્રીકટ લોકલ બોર્ડ)ના એન્જીનીયર તરીકે કામ કરે છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૦૨માં અમદાવાદમાં સૌ. ચંદ્રભાગા સાથે થયું હતું અને બીજું લગ્ન ઈ. સ. ૧૯૦૬ માં પ્રથમ પત્નીના બહેન સૌ. યશોમતિ સાથે થયું હતું. આ બંને બ્હેનો ગ્વૉલીયરના ભગવંતરાય બળવંતરાય મુનશીની પુત્રીઓ થાય. બીજા પત્ની પણ સન ૧૯૧૮ માં મૃત્યુ પામ્યા છે. હાઈસ્કુલના, કૉલેજના અને એન્જીનિયરિંગના અભ્યાસ દરમિયાન વખતોવખત એમને ઈનામો અને સ્કોલરશીપો મળ્યાં હતાં, એ એમની ઉંચી બુદ્ધિશક્તિ અને ઉત્તમ અભ્યાસનાં પ્રમાણપત્રો લેખી શકાય. એમના અભ્યાસનો પ્રિય વિષય વિજ્ઞાન છે; અને કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી એઓ વિજ્ઞાનપર અવારનવાર લેખો વસન્ત, બુદ્ધિ-પ્રકાશ, ગુજરાત શાળાપત્ર, મેઘનાદ વગેરે જાણીતા માસિકોમાં લખી મોકલતા હતા.૧ ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકો જૂદે જૂદે સ્થળે મળતી તે માટે તેઓ લેખ મોકલવાનું ચૂકતા નહિ અને એમના એ લેખો અભ્યાસપૂર્ણ તેમ લોકપ્રિય માલુમ પડતા હતા. ગુજરાતમાં વિજ્ઞાન વિષે લખનારા બે પાંચ સારા લેખકે ગણાય છે, તેમાં એમનું નામ આવી જાય છે. ગયા વર્ષે સોસાઇટી તરફથી વિજ્ઞાન વ્યાખ્યાનમાળાની યોજનાને અંગે એમણે ખગોળ પર ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં, જે ખૂબ પ્રશંસા પામ્યા હતા. એમણે કોઇ રવતંત્ર પુસ્તક રચ્યું નથી પણ એમના લેખોનો સંગ્રહ કરવામાં આવે તો તેના બે ત્રણ પુસ્તકો થાય; એટલું બધું તે લખાણ છે, અને તે લેખોની સંખ્યા લગભગ ૫૦ ની થવા જાય છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ ગુજરાતીમાં વિજ્ઞાનનું સાહિત્ય વધુને વધુ પ્રમાણમાં ઉતારવા શક્તિમાન થાઓ.

૧ અને અમદાવાદની ગુજરાત સાહિત્ય સભામાં આ વિષયના ભાષણો અવાર-નવાર આપતા હતા.