સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/આજનું ગુજરાતી વિવેચન

From Ekatra Foundation
Revision as of 03:07, 16 January 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આજનું ગુજરાતી વિવેચન

આજના ગુજરાતી વિવેચનનો આરંભ વર્ગની ચાર દીવાલોમાં થાય છે. આ સ્થિતિ કદાચ ઘણીખરી ભાષાઓમાં લખાતા વિવેચનની પણ છે. લખાતું વિવેચન જોઈશું તો મોટે ભાગે તેના લખનારા સાહિત્યનું અધ્યયન–અધ્યાપન કરનાર અધ્યાપકો હશે; આજે તો ઘણા સર્જકો સુધ્ધાં અધ્યાપકો છે. આ સ્થિતિ વ્યાપક બનતી જાય છે, એટલા માટે કે સાહિત્યને કેન્દ્રમાં રાખી પોતાનો બધો સમય આપી શકે તેવી સુવિધાઓ અધ્યાપકને મળે છે. વર્ષો પહેલાં સ્વ. મડિયાએ ‘સંદેશ’ના પાના પર ‘કૉલેજમાં કેદ પુરાયેલા કવિઓ’ એવો લેખ લખીને આ અંગે પોતાનો અણગમો અખબારી શૈલીમાં પ્રગટ કરેલો (ત્યારે મને તેના વિરોધમાં ‘છાપામાં સડી રહેલા સાહિત્યકારો’ એવું શીર્ષક સૂઝેલું, જેમા સર્જકો અખબારને રવાડે સર્જકતાને ટૂંપી રહ્યા હોય) અને ત્યાર પછીય અધ્યાપકોના વિવેચનને ‘પ્રાધ્યાપકીય વિવેચન’ એવું નિન્દાપરાક લેખબ લગાડતા રહેલા. આજ પણ આ લેબલ એક પ્રશિષ્ટ ગાળ તરીકે વપરાય છે. સર્જકો નવયુવતી જેવા હોય છે, જે પોતાના રૂપની પ્રશંસા ન થતાં અકળાય છે અને વળી વિવેચકોને ‘પ્રાધ્યાપકીય વિવેચન બાદ કરવામાં આવે તો ગુજરાતીમાં વિવેચનને નામે કશું રહેશે નહિ, પછી જે થોડું ઘણું અખબારી વિવેચન છે તે રહેશે (અને તેયે અધ્યાપકો દ્વારા લખાયેલું હશે કદાચ.) એટલે ‘અધ્યાપકી’ કે ‘પ્રાધ્યાપકીય’ વિવેચન સંજ્ઞાનો અર્થ શોધવો રહ્યો. યાંત્રિક બીબાંઢાળ, ચીલાચાલુ, ઉષ્માહીન, ચોક્કસ સંજ્ઞાઓના વિનિયોગ અને પાંડિત્યના પ્રદર્શનરૂપ વિવેચન અલબત્ત એ નામને પાત્ર છે અને નિન્દાને પણ પાત્ર છે, જેવી રીતે ભભકભર્યાં મથાળાં અને ઘોષણાઓ દ્વારા કોઈને સ્થાપિત કે ઉન્મૂલિત કરવાના આશયથી રેઢિયાળ ભાષામાં થતાં વિવેચનો, જેમાં ખરેખરા વિવેચનની બાદબાકી હોય, તે અખબારી છે અને તે પણ નિન્દાને પાત્ર છે. આ પ્રકારના વિવેચકોની સમગ્ર લાક્ષણિકતાઓ કોઈ દુભાયેલા સંસ્કૃત સર્જકે નીચેના શ્લોકમાં કરી છે :

દુર્બોધં યદતીવ તદ્‌ વિજહતિ સુસ્પષ્ટમિત્યુક્તિભિ :
સ્પષ્ટાર્થેષ્વતિ વિસ્તૃતિં વિદધતિ વ્યર્થૈ : સમાસાદિકૈ :
અસ્થાનેઙનુપયોગિભિશ્ચ બહુભિર્જલ્પૈર્ભ્રમં તન્વતે
શ્રોતૃણામિતિવસ્તુ વિપ્લવકૃત : સર્વેઙપિ ટીકાકૃત :

—બધા ટીકાકારો જે અઘરું છે–દુર્બોધ છે તેને ‘અત્યંત સ્પષ્ટ છે’ એમ કહી છોડી દે છે (એક નવા ગુજરાતી વાર્તાકારની પ્રસ્તાવનામાં પ્રસ્તાવનાલેખકે નવી વાર્તાઓથી મૂંઝાઈને વાચકે પોતે પોતાનો અર્થ શોધી લેવો એવી ભલામણ કરી છે), જ્યાં સ્પષ્ટ હોય છે ત્યાં વ્યર્થ સમાસાદિના ઉપયોગથી વિસ્તાર કરે છે. જરૂર ન હોય ત્યાં પણ અનેક અવતરણો વડે ભાવકોમાં ભ્રમ ફેલાવે છે અને મૂળની વિકૃતિ કરે છે. અન્યથા, ‘અધ્યાપકીય’ કે ‘અખબારી’—બન્ને વિવેચન દ્વારા વિવેચનના મૂળ ઉદ્દેશ્ય – સાહિત્યિક રુચિનું ઘડતર, ઉત્તમ કૃતિઓનું મૂલ્યાંકન, સાહિત્ય પદાર્થની તપાસ – સિદ્ધ થતાં હોય પછી ‘લેબલ’નો ખેદ કરવાનો રહેશે નહિ. અધ્યાપકીય વિવેચનના સંદર્ભમાં જ આજના આપણા વિવેચન પરત્વે બીજો મુદ્દો જે ઊપસી આવે છે તે ‘સાહિત્યિક વિદ્વત્તા’ (લિટરી સ્કૉલરશિપ) અને વિવેચનના સંબંધનો છે. એક વિષય તરીકે સાહિત્યનો ‘અભ્યાસ’ વિશ્વિવિદ્યાલયોમાં થાય છે અને તેના અનુષંગમાં આખી ‘ડિસિપ્લિન’—શાસ્રીયતા ઊભી થઈ છે. સાહિત્યિક વિદ્વત્તા આપણા આ વિશ્વવિદ્યાલયોની દેણ છે. (એનાં અનિષ્ટો પણ ઓછાં નથી.) કેટલીક વાર આ ‘સાહિત્યિક વિદ્વત્તા’નો ઘટાટોપ વ્યાવહારિક પ્રયોજનને કારણે કરવામાં આવે છે. યુનિવર્સિટીમાં ભાષાના અધ્યાપકના ઊંચા હોદ્દા માટે આવી કેટલીક ‘વિદ્વત્તા’ નું પ્રકાશન જરૂરી માનવામાં આવ્યું છે. ઊંચા હોદ્દા પર પહોંચ્યા પછી ફરજના ભાગરૂપે આવું પ્રકાશન અનિવાર્ય પણ હોય છે અને એળેબેળે થતાં આવાં પ્રકાશન અને આવી વિદ્વત્તા વગોવાય તે ખોટું જરૂર નથી, પણ તેથી ‘સાહિત્યિક વિદ્વતા’ની વિવેચનને જે ઉપાયોગિતા છે તે નકારી શકાશે નહિ. ‘સાહિત્યિક વિદ્વત્તા’થી પ્રાચીન, મધ્યકાલીન (અને અર્વાચીન પણ) સાહિત્યના વિવેચનની કાચી સામગ્રી મળે છે. શુદ્ધ શાસ્રીય જ્ઞાનના ઊહાપોહ તરીકે તેની સ્વાયત્ત કિંમત તો છે, પણ અપ્રકાશિત રચનાઓનું પ્રકાશન, પાઠનિર્ણય, કાલનિર્ણય, અન્ય શાસ્રો સાથેનો અનુબંધ, પ્રભાવોની પારસ્પરિકતા – આ બધું વૈજ્ઞાનિક રીથે આલોચાય, સંશોધાય તેની સાહિત્યના અભ્યાસમાં ખાસ જરૂર છે. પ્રસિદ્ધ અંગ્રેજી વિવેચક એફ. આર. લેવિસે તો આવાં ભાષાસાહિત્યને લગતાં સાચાં સંશોધનોને – અભ્યાસને પ્રાકૃતિક વિજ્ઞાનોનાં શોધ-સંશોધનથી જરાય ઊતરતાં નહિ માનવાનો અનુરોધ કર્યો છે. એ સ્વાભાવિકક જ છે કે આજના ગુજરાતી વિવેચનમાં આવાં કેટલાંક પ્રમાણભૂત પ્રકાશનો થાય છે. પણ આ પ્રકારની વ્યુત્પન્ન સાહિત્યિક વિદ્વત્તાનાં ડૉ. હરિવલ્લભ ભાયાણી કે કંઈક અંશે કે. કા. શાસ્રી આદિને બાદ કરતાં વળતાં પાણી જણાય છે. એની અસર આપણા સામ્પ્રત અને ભાવિ વિવેચન પર પડવાની – એની સઘનતા ઓછી થવાની. આજે એ વાતની જરૂરિયાત ભુલાતી જાય છે કે ગુજરાતીમાં વિવેચન લખનારને સંસ્કૃત આદિ ભારતીય શિષ્ટ સાહિત્યની જાણકારી જ નહિ, પરિશીલનની જરૂર છે. તેવી જ રીતે પાશ્ચાત્ય સાહિત્યના પ્રત્યક્ષ પરિચયની પણ. તુલનાત્મક વિવેચન (આપણે ત્યાં શરૂઆત છે) માટે પણ વિવેચકની અન્ય ભાષાસાહિત્યની જાણકારીની અપેક્ષા છે. વિવેચકની આ વિદ્વત્તા (સ્કોલરશીપ)નો પ્રશ્ન સાહિત્યકને અન્ય શાસ્રો અથવા વિચારધારાઓના સંદર્ભમાં તપાસતી વખતે આવે છે. વિવેચનને પૂર્ણ બનાવવા માટે એલિયટે સાહિત્ય સિવાયનાં અન્ય ધોરણોની કસોટીઓ લગાડવાની કરેલી વાતની ઘણી બધી ચર્ચા થઈ છે, તેમ છતાં એ સ્વીકારાય તો છે જ. સમકાલીન વિવેચનમાં અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, ઍબ્સર્ડની ચર્ચા આવે છે, માકર્‌સ અને ફ્રૉઈડની વાત આવે છે, સમાજશાસ્રની વાત આવે છે – આજના આપણા વિવેચનમાં આ બધી વિચારધારાઓ અને સાહિત્યસમીક્ષાનો જે યોગ રચાયો છે તેમાં મૂલગામિતાનો પ્રશ્ન વિચારવા જેવો છે. એક ખાસ પ્રકારની સજ્જતા અને ‘ડિસિપ્લિન’ વિના જ્યારે કોઈ આ ક્ષેત્રમાં ધસી જાય છે ત્યારે જોવા જેવો ઘાટ થાય છે. તે સાથે સાહિત્યના મૂલ્યાંકન માટે પ્રયોજાતી નવી નવી સંજ્ઞાઓ પણ સજ્જતાની અપેક્ષા રાખે છે. આજના વિવેચનની વાત કરીએ તો એલિયટ અને ‘વસ્તુલક્ષી પ્રતિરૂપ’કે ‘કવિતાના ત્રણ સૂર’, વાલેરી અને ‘પ્યોર પોએટ્રી’ ઓર્તેગા અને ‘ડિહ્યુમનાઈઝેશન’, સુઝાન લેન્ગર અને ‘ફોર્મ’, સુઝાન સોન્ટાગ અને ‘અગેઇન્સ્ટ ઇન્ટરપ્રિટેશન’ ઍલન રૉબ ગ્રિયે અને ‘ઍન્ટિ નૉવેલ’, બુક અને ‘ઇન્ટેશનલ – એફેકિટવ ફેલસી‘, રેને વેલેક અને ‘એકસ્ટ્રિઝિક, — ઇન્ટ્રિઝિક અભિગમ, ફૉર્મલિઝમ, સ્ટ્રકચરાલિઝમ, સ્ટાઇલિસ્ટિક્સ, સરરિયલ, ઍબ્સર્ડ – આ કશાથી આપણું વિવેચન અછૂતું નથી, અને છતાં ઘણી વાર આ સંજ્ઞાઓ એના પ્રયોક્તાને હાથે ગંભીર અન્વેષણામાં પરિણમતી નથી ત્યારે એ વિવેચન સાહિત્યપદાર્થને ઉદ્‌ભાસિત કરવાને બદલે વધારે તો ઢાંકે છે. આપણા વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનીક અસ્પષ્ટતા – સંદિગ્ધતા વિષે સુરેશ જોષીએ ગુજરાત યુનિર્સિટીના ભાષાભવનમાં કેટલાંક વ્યાખ્યાનો આપેલાં. ઉમાશંકર જોશી ત્યારે ગુજરાતીના ‘પ્રાફેસર’ હતા. વ્યાખ્યાનો પછી ઉગ્ર ચર્ચા થઈ હતી, જેમાં ડૉ. ભાયાણી, ડૉ. સુરેશની સાથે હતા. આ દૃશ્ય હજીય તાજું છે, તાજું રાખવા જેવું છે. સંજ્ઞાઓના પ્રયોગમાં જેટલા સ્પષ્ટ હોઈએ તેટલા આપણે એલિયટે પ્રબોધેલા વિવેચનના ‘કૉમન પરસૂટ’ના માર્ગ પર ચાલી શકીશું. આમ તો, ઉમાશંકર જોશી અને સુરેશ જોષી – ગુજરાતી વિવેચનમાં આ બે ધરી ‘ગઈ કાલ’ સુધી જોવા મળે છે. ઉમાશંકર જોશીએ ‘બારી બહાર’ની પ્રસ્તાવના સાથે ગુજરાતી વિવેચનને નવો વળાંક આપ્યો હતો. (તે પછી નિરંજન ભગતની વિવેચનાએ ઈમેય્‌જ, સિમ્બોલની પ્રતિષ્ઠા સુપેરે કરી.) શ્રી સુરેશ જોષીએ ‘આકૃતિવાદ’નો મહિમા કરી ગુજરાતી વિવેચનને નવો વળાંક આપ્યો છે. ગુજરાતી વિવેચનની એ બે ધરી – ઉમાશંકર જોશી અને સુરેશ જોષીના હમણાંના વિવેચનસંગ્રહો –અનુક્રમે ‘કવિની શ્રદ્ધા’ અને ‘કાવ્યચર્ચા’ સાથેસાથે રાખીને જોવાથી બંનેના અભિગમોની દિશા સમજાય છે. પરંતુ, એ બંનેની સક્રિય ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતી વિવેચનની એક ‘નવી ધરી’ રચાતી જાય છે. વિવેચકોનો એક નવો ‘ફાલ’ ક્ષેત્રમાં પદાર્પણ કરી ચૂક્યો છે. સજ્જતાની પર્યાપ્તતા – અપર્યાપ્તતા વચ્ચે તેમના ઉત્સાહની કોઈ કમીના નથી. આ બધા વિવેચકો ભલે વિભિન્ન માર્ગી હોય, પણ તેમનું ‘ક્‌લસ્ટર’ બધાતું આવે છે અને તેથી નવા વિવેચનની એક ‘આબોહવા’ અવતરી રહી છે. આ બધા વિવેચકો તરુણ અધ્યાપકો છે. એમને પેલા રૂઢ ‘પ્રાધ્યાપકીય વિવેચન’ની સૂગ છે, અને છતાં તેમના વિવેચનની રીતિમાં અધ્યાપકીયતાનો અભાવ નથી, જે અધ્યાપકીયતા પરદેશના સહિત્યના પરિશીલનનો અને પ્રભાવનો પુરસ્કાર કરે છે, ત્યાંના આંદોલનોથી આંદોલિત થાય છે અને ગુજરાતી સાહિત્યને ક્વચિત્‌ જાગતિક સ્તરથી માપવાનો ઉપક્રમ સેવે તો નવાઈ નહિ. આ વિવેચકોમાં ‘બોલ્ડનેસ’ છે. તડ ને ફડ કહેવાનું વલણ છે. છતાં ‘મિત્રધર્મ’ જેવા મૂલ્યોમાં તેમને વિશ્વાસ છે. ક્યારેક અખબારી શૈલીમાં ‘યુરેકા, યુરેકા’ કહેવાનો ઉદ્‌વેગ છે. તેમની વિવેચના ગુજરાતી ભાષાની જ નહિ, વિવેચનાની સીમાને પણ ઓળંગી જાય છે. ‘આઘાતચિકિત્સા’ની અજમાયશ વારેવારે જોવા મળે છે. પ્રભાવલક્ષી વિવેચનાનો પણ તેઓ પુરસ્કાર કરે છે. જેમાં તેમની ખાનગી સંવેદનશીલતા જ પ્રગટ થતી હોય, વૈયક્તિક આક્રોશ પ્રગટ થતો હોય. એકાદ વાદની સ્થાપના અને એ દ્વારા આત્મસ્થાપના પણ થતી હોય – પણ ગુજરાતી વિવેચન એથી ‘વાસી’ નહી રહેતું, નવાંનવાં જળ આવે જાય છે. આ વિવેચનામાં ખંડનાત્મક અભિગમ તરત જોવા મળશે. પ્રણાલીભંજક બની, તીખા તરુણ બનવાનું ગમે છે. વિવેચક તરીકે પ્રસિદ્ધ થવાનો ‘ખંડનાત્મક અભિગમ’ એ એલિયટે કહ્યું તેમ સૌથી ટૂંકો માર્ગ છે. એવો એક ટૂંકો માર્ગ કોઈ કૃતિને શહીદીથી જ્યારે ત્યારે જોડવામાં છે. કલાપીની જિંદગી એની કવિતાની આગળ નીકળી ગઈ હતી. સમ્પ્રતિ તરુણ કવિઓ મણિલાલ અને રાવજી (વિશેષે રાવજી)ના અવસાન પછી આ બંને કવિઓની કૃતિઓ એકાએક ઊંચામાં ઊંચા ધોરણે પહોંચાડવા વિવેચકો અગ્રેસર થયા. (એ રચનાઓમાં ‘વિત્ત’તો છે જ.) રાવજીના અવસાને અનેક લોકોને કવિતાઓ લખવા પ્રેર્યા, તેમ વિવેચનામાં પણ પ્રવૃત્ત કર્યાં. એ વિવેચનામાં રાવજીનું આકસ્મિક મૃત્યુ વધારે ગુણાંક અપાવે, અથવા વિવેચક સ્વર્ગસ્થ સાથેનો પોતાનો અનુબંધ જણાવી પોતાની વિવેચના માટે વધુ ગુણાંક ફાળવી જવાનો પ્રયત્ન કરે. તે બધુ વિવેચનેતર છે. આવી ઘણી વિવેચનાઓ થઈ છે. સુરેશ જોષી પર ચંદ્રકાંત બક્ષીએ લખેલું વિવેચન વાંચ્યું છે ? (અલબત્ત, એ ‘વિવેચન’ છે જ નહિ.) સર્જક થયો માટે વિવેચક થઈ શકાય; એટલું જ નહિ પણ પોતે સર્જક હોઈ વિવેચન લખે છે ત્યારે, માત્ર વિવેચક કરતાં એક વિશિષ્ટ યોગ્યતા ધરાવે છે એવી ભ્રાન્ત ધારણાએ આપણા વિવેચનને હાનિ કરી છે. સર્જક અંતર્મુખ થઈ પોતાની સર્જનપ્રક્રિયાનો અહેવાલ આપી શકે, તે સિવાય કોઈ પણ સર્જક, પોતાની કે અન્યની કૃતિ પરત્વે જેવો બીજો કોઈ પણ ભાવક હોય તેવો જ છે, અને એનાં વિધાનોનું મૂલ્ય એ સૂક્ષ્મદર્શિતાથી જેટલે અંશે કૃતિને તપાસી શકે તેના ઉપર જ નિર્ભર હોય છે, નહિ કે તેના સર્જક હોવાના મોભા ઉપર. તેમ છતાં સર્જક હોય તે પોતાની વિવેચન કરવાની સજ્જતા કેળવી વિવેચ બની શકે છે. ગુજરાતી વિવેચનમાં સર્જકોનો કેટલો ફાળો છે, જે આજે પણ વિપુલ માત્રામાં છે. એલિયટ કહે છે તેમ સર્જક દ્વારા થતા વિવેચનની એક સીમા હોય છે. સર્જક જે પ્રકારના સાહિત્યની સર્જના કરતો હોય, જાણ્યે-અજાણ્યે તે તેવા પ્રકારના સાહિત્યનું ઊંચું મૂલ્ય આંકે છે. ગુજરાતીમાં એકાદ વિવેચક એવો અત્યારે નીકળશે, જે પોતે જે પ્રકારની કવિતા લખે છે તે પ્રકાર સિવાયની અન્ય સર્જાતી કવિતાને, ‘કવિતા’ કહેવા પણ તૈયાર ન થાય. પોતે જે આંદોલન સાથે જોડાયો હોય છે, તેની વાહ વાહ કરવામાં સમતુલા જળવાતી નથી. આજની પત્રપત્રિકાઓમાં અને કેટલીક પુસ્તિકાઓમાં આ વસ્તુ જોવા મળશે. વિવેચનને અનૌપચારિક, સહજ બનાવવાના ખ્યાલથી અંગત વાતો અને ખાનગી પ્રસંગોને ખેંચી લાવવામાં સાહિત્યેતર રુચિ પોષાતી હોય છે, સાહિત્યિક રુચિ નહિ. ગમે તેમ આજના આપણા વિવેચનના કેટલાંક વલણોનો અહીં જે ઉલ્લેખ છે, તેનાથી એમ તો લાગે છે કે ગુજરાતી વિવેચન સર્જાતા સાહિત્યની સાથે રહેવા પોતાની રીતે મથે છે. ‘વિવેચનનો અંત?’ એવો પ્રશ્ન અસ્થાને છે.

૧૯૭૩ (‘પૂર્વાપર’)

૦૦૦