સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/સળગતી હવાઓ (સરૂપ ધ્રુવ)

From Ekatra Foundation
Revision as of 02:12, 16 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩. સળગતી હવાઓ (સરૂપ ધ્રુવ)

આવતા યુગનાં બધાં જ દુઃખો હું પણ ભોગવીશ, કહું છું
આજની વ્યથાનું શું કરવું, કોઈ કહેતું જ નથી.
નારાયણ સુર્વે
વાડની પેલી તરફ જોઈને જોયું’તું જ ક્યાં?
આ તરફ પડછાયો મૂકી હું તો ફરતી હતી.
સરૂપ ધ્રુવ (મારા હાથની વાત)

‘સળગતી હવાઓ’ની રચનાઓમાં ‘આજની વ્યથાનું’ પૂરેપૂરી સભાનતા તથા પ્રતિબદ્ધતાથી આલેખન થયું છે. આ રચનાઓમાં આપણી આજની સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, સ્ત્રીવિષયક અને કવિતાસંબંધી પોતાને સતાવતી સમસ્યાઓની વાત જાતસંડોવણીથી અને નિષ્ઠાથી કરવામાં આવી છે. કવિથી ‘મારા હાથની વાત’માં વાડની પેલી તરફ જોવાનું જાણે રહી ગયું હતું તો ‘સળગતી હવાઓ’માં વાડની પેલી પાર રહેલા જગતને જોવાનો, જાણવાનો અને કવિતા સાથે તેનો સંબંધ જોડવાનો પ્રયત્ન છે. એ સુરક્ષિત વાડની સામી બાજુ એક એવું જગત છે જે અત્યાર સુધી ઉપેક્ષિત રહ્યું હતું, હાંસિયામાં રહી ગયું હતું. આ જગત એ દમનનો, યાતનાનો ભોગ બનેલા કચડાયેલા માનવીઓનું જગત છે. કવિ સરૂપ ધ્રુવ આ ઉપેક્ષિતોના, અન્યાયનો ભોગ બનેલાઓના જગતની સમસ્યાઓને લઈ પરિઘ પરથી કેન્દ્રમાં આવે છે ત્યારેય ઓછી સમસ્યાઓ નિર્માણ થતી નથી. ખાસ કરીને આપણો કહેવાતો સાંસ્કૃતિક વારસો, રાજકારણ, ધર્મ, સમાજ, પૂર્વજો, ભદ્ર વર્ગે સ્થાપેલાં કળાનાં ધોરણો, અને પુરુષોની સત્તા સામે અહીં દેખીતો વિરોધ આક્રોશની માત્રાએ, વિનોદવ્યંગ અને વેદનાની ચાલમાં ક્યાંક ક્યાંક તારસ્વરે પ્રગટતો અનુભવી શકાશે. ટૂંકમાં, આ સત્તા ગમે તે હોય, તેનો discourse જે સમાજમાં વધારે પ્રમાણમાં હોય તેની સામે પ્રતિક્રિયા થવાની જ. આવી વ્યવસ્થાઓની જડ સત્તા સામે અવાજ ઉઠાવવો પડે, ક્રાન્તિની ભાષામાં જરૂર પડે તો પ્રગટપણે વાત તો કરવી જ પડે. અને એક સમાંતર સત્તા જરૂર પડે તો સ્થાપવાની રહે એવો મોટા ભાગનાં કાવ્યોનો સૂર છે. કવિ આ સંગ્રહની રચનાઓમાં આગળ જણાવી તે સમસ્યાઓનું નિરૂપણ કરી માત્ર અટકી જતાં નથી પણ સાથે સાથે તે સમસ્યાઓનું નિરાકરણ કરવાની હાકલ પણ કરે છે.

ઘરખૂણે કેદ કર્યાં, ઘરકુકડી નામ દીધાં
નીકળ્યાં જો બહાર ત્યારે પળપળ બદનામ કીધાં
એવાં અપમાન નહીં પીશું રે લોલ (૧૩૫)

અથવા

ધગધગતી સાબરમતી પૂછે છે –
આ ભાંગી પડેલી જિંદગીઓનો બોજ ઉઠાવવાની તાકાત છે
તમારાં મંદિરો ને મસ્જિદોમાં?

બળેલાં ઝળેલાં શરીરને ફરીથી બેઠાં કરવાની કરામત છે
તમારા મંતરો ને તંતરોમાં? (૨૧)
....
તમારાં ઇતિહાસનાં થોથાં જલાવી દઈશું મંદિર-મસ્જિદના ભંગાર ભેગાં.
તમારાં ખિસ્સાં લૂંટીને અમારી રોટી ખરીદીશું. (૨૪)

આમ કવિએ અહીં બેવડી ભૂમિકા સ્વીકારી છે ક્રાન્તિ કે સુધારાના ઉદ્‌ગાતા તરીકેની અને આ સમસ્યાઓમાંથી માર્ગ કઈ રીતે કાઢવો તેના પથદર્શક તરીકેની.

બહુ સહ્યાં અપમાન, હવે ના અમે સહીશું;
ગણી ગણીને આજ તો સાથી! બદલો લેશું.
હાથ ચડ્યાં હથિયાર લઈને લડશું - ઝૂઝશું
સ્વમાન સાથે જીવશું નહિતર ખપી ખૂટશું.
ગણાય છો ને ઘડીઓ
છો ને મળતા જાસા
હવે પલટશું પાસા! (૧૭૪)

આ સંગ્રહની મોટા ભાગની રચનાઓના કેન્દ્રમાં કોઈ ને કોઈ પ્રકારની પ્રાસંગિકતા રહેલી છે. કાવ્યમાં પ્રાસંગિકતા જો એક સામગ્રી લેખે આવે તો વાંધો ન હોવો જોઈએ. પ્રસંગ કે ઘટનાનું નિમિત્ત સમજવાથી કવિની કવિતા પર કોઈ વિશેષ પ્રકાશ પડતો નથી. કારણ વિના એ ઘટના કવિતાને બાજુએ હડસેલી એક મિથનું સ્વરૂપ અને સ્થાન લઈ લે ત્યારે ઘણા પ્રશ્નો જન્મે. તેથી જ આ સંગ્રહની ‘અગનપંખી’ નામની કવિની કેફિયતમાં થયેલી વાતોને કવિની આત્મકથાના અંશ લેખે ઘટાવી શકાય, કાવ્યના ભાવન વખતે તેનું કૌંસીકરણ કરવું પડે. કવિ જ્યારે સીધા વાસ્તવ સાથે જોડાય છે ત્યારે એણે વાસ્તવને નિરૂપતી ભાષા સાથેય જોડાવું પડે છે. હવે આપણે એટલું તો જાણીએ જ છીએ કે સાહિત્ય એ વાસ્તવનું સીધેસીધું પ્રતિબિંબ નથી પણ વાસ્તવનું વક્રતાયુક્ત પ્રતિબિંબ છે. અનુભવ અને તેની અભિવ્યક્તિ પરસ્પરવિરોધી તત્ત્વો નથી, પૂરક તત્ત્વો છે. એ બન્નેનો સમન્વય જ્યાં કલાકૃતિમાં નથી થતો ત્યારથી જ મુશ્કેલીઓનો આરંભ થાય છે. શબ્દરૂપ થયેલી કવિતા કવિને થયેલા અનુભવથી જુદી જ હોય છે. તેથી કવિતામાં બનતી ઘટનાનું કે આવતા ‘હું’ની વિગતોનું આલેખન સાંકેતિક હોય છે. વાચક જ્યારે કવિતાની મુખોમુખ થાય છે, ત્યારે કવિતામાંથી ઊભા થતા સંકેતો દ્વારા અનુભવનાં સંરચનાગત વિશિષ્ટ પરિમાણોને પામે છે અને તે પણ સર્જનાત્મક ભાષા દ્વારા જ. કવિ તો પોતાના મનને સતત પ્રવાહી રાખી, વાસ્તવ વિશેની સભાનતાથી પોતાની આજુબાજુના જગતને કવિતામાં ગૂંથતો રહેવાનો છે. એટલે કે સર્જક, કૃતિ અને ભાવકના પરસ્પરના ભાષાના સંબંધ અને સંદર્ભને કાવ્યના ભાવનની ક્ષણે સમજવાનાં રહે. આપણે આપણા શબ્દો અને અન્યના શબ્દો સાથે-સામે વ્યવહાર કરીએ છીએ. શબ્દોનો આ ક્રિયા-પ્રતિક્રિયાત્મક વ્યવહાર દલીલો, સમર્થન, આજીજી, આજ્ઞા, વિનતિ, આક્રોશ જેવા અનેક ઉપાયો દ્વારા કવિતા અને તેની વાચના સંદર્ભે સંભવી શકે. આ ‘સંવાદ’ને મિખાઇલ બખ્તિન કલાકૃતિના પ્રત્યાયન માટે મહત્ત્વનો ગણાવે છે. ‘સળગતી હવાઓ’ની ઘણીખરી કવિતામાં ભાષા પ્રતિક્રિયા રૂપે યોજવામાં આવી છે. સત્તાની ભાષાનો વિરોધ કરતી કે તેની પ્રતિક્રિયારૂપે કાવ્યમાં પ્રયોજાતી ભાષાને વિશિષ્ટ સંદર્ભમાં તપાસી શકાય – આપણી ભાષાસત્તાઓ વચ્ચેનું અમાનવીય જોડાણ તપાસવા જેવું છે. સત્તાની ભાષા અને પ્રતિક્રિયાની ભાષાનો વિલક્ષણ સંબંધ જોઈએ.

ધનિક : ખરે, બંધુ! સાચી સમજ! તુજને ધન્ય! – શું કહું?
અલ્યા, તું જાણે છે, કવણ રીતથી આ ફળ મળ્યું?
હતાં પુણ્યો પૂરાં, પૂરવ ભવથી સંચિત કર્યાં
પછી પામ્યો હું આ જનમ કુળવંતા કુળ મહીં
દીધાં દાનો, કીધાં વર્ત, તિરથ, તપ, જાપ, અદકાં
અરે! આ તેથી તો પરમ કિરપા સહુ ગુરુ તણી! (પૃ. ૭)

આ પરંપરાપ્રાપ્ત લોભ લાલચ, ડરવા-ડરાવવાની ભાષા તો એની સામે પ્રતિક્રિયાની ભાષા! જુઓ :

ગરીબ : મું જાણું નં, તુ ખેલાડી,
પરભુ તારો મોટો વેપારી!
હામહામી તમે સોદા માંડો
ગુરુજી બેઠો ખાય દલાલી

અથવા

એ... પાપ... પુણ્યમાં મું નાં માનું
અફીણ-કાંકરી મું નાં ચાખું!
બઉયે તારાં વૈતરાં વેઢ્યાં
હવે ધૂંસરી કૈં નાં સાંખું!
જોજે-લૂટું છું છેતરાં ચેવાં,
જોજે-ગોદામો ચેવાં બાળું,
... ... ...
મ્હેલો ધ્રૂજે, મંદિર ધ્રૂજે,
ધોળી ટોપી ને ધજાઓ ધ્રૂજે!
પાણકાના તારા દેવતા ધ્રૂજે,
માટી પગા માનવી ધ્રૂજે,
ભોંય ભડાકે ભૂંજી દઉં સઉ,
ચેવું દિવાળીનું લઉં છું દાપું! (પૃ. ૮)

કવિનો આગ્રહ સાહિત્યને સામાજિક તથા રોજબરોજના જિવાતા જીવનને સંદર્ભે પામવાનો છે. સર્જક પોતાના માટે એક કે બીજી રીતે લખતો હોય છે. દરેકની વાસ્તવને જોવાની તથા તેનું નિરૂપણ કરવાની વ્યૂહરચના કે રીતિઓ અલગ સંભવી શકે, ઉદા. તરીકે સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા ‘સિંહવાહિની સ્તોત્ર’ કે દિલીપ ઝવેરીની બૉમ્બ વિસ્ફોટ પછીનાં ફાટી નીકળેલાં કોમી રમખાણો વિશેની રચના ‘ખંડિત કાંડ’માં રાજકીય, સામાજિક સંદર્ભો જુદી ભૂમિકાએ રહી પ્રગટ થયા છે. કવિ જ્યારે શબ્દની પસંદગી કરે છે ત્યારે સાથે સાથે મૂલ્યનિર્ણયની પણ પસંદગી કરે છે. આ માટે તે દલીલ કે સમર્થનની સામસામા છેડાની ભાષા કવિતામાં પ્રયોજે છે. ‘સળગતી હવા’ની ઘણીખરી રચનાઓ કોઈ ને કોઈ ઘટના કે પ્રસંગની પ્રતિક્રિયા રૂપે આવે છે. ઉદા. કે. કા. શાસ્ત્રીને ૧૯૮૬નો ‘વિશ્વગુર્જરી એવોર્ડ’ મળ્યો તે નિમિત્તે રચના ‘હિન્દુ ખરો કે...., સાહિત્યગોરનું તરભાણું ભરો!’ આપણાં સ્વજનોનાં મોતની ઠેકડી ઉડાડી છે એ કાયર હિંસાખોરોએ! એ લોકો આજે નવાજવા બેઠા છે, ૧૯૮૬ના સૌથી બદમાશ કતલખોર, સૌથી નીચ સાહિત્યકાર અને સૌથી ભયાનક બ્રહ્મરાક્ષસને આપીને ઍવોર્ડ વિશ્વગુર્જરી!

વાહ ગુર્જરી! ધન્ય ગુર્જરી! કૃતકૃત્ય થઈ ગઈ!
ખમ્મા, ખમ્મા તને, મારી રોળાયેલી,
રગદોળાયેલી, ચગદાયેલી,
વિંખાયેલી, પિંધાયેલી, ચૂંથાયેલી,
ચિરાયેલી, છેદાયેલી, વિંધાયેલી, ગુર્જરી!
આજે તું ધન્ય થઈ ગઈ! (પૃ. ૩૦)

આ આક્રમક ભાષા સાથે ગત્યાત્મક ક્રિયાપદોની સંગતિ આક્રોશ રૂપે વ્યંગ અને વેદનાને પ્રગટ કરે છે. ‘સળગતી હવાઓ’ની કવિતા વિષયાનુસાર પાંચ ખંડમાં વિભાજિત કરવામાં આવી છે; ‘બંધમુઠ્ઠી’, ‘પ્રાસંગિક’, ‘જરા તો સાચો’, ‘ડુંગરા ડોલ્યા છે’ અને ‘આપણા હાથની વાત.’ આ પાંચે ખંડના ભાવિ વિશ્વના વિષયો કોમવાદ, અન્યાય, આપણા સમાજમાં સ્ત્રીનો દરજ્જો, બાળમજૂરો તથા આદિવાસી પ્રજાનું થતું શોષણ અને નર્મદાબચાવ આંદોલન રહ્યા છે. કવિનું ભાવવિશ્વ હકીકતો, વિવિધ પ્રસંગો અને સંદર્ભોથી સમૃદ્ધ છે. આ ભાવવિશ્વને આકાર આપવા માટે આપણી લોકપરંપરાનો અને વિવિધ કાવ્યપ્રકારોનો તિર્યક્‌તાથી તથા નાટ્યાત્મકતાથી અહીં વિનિયોગ થયો છે. લોકગીતના વિવિધ ઢાળો, ઝૂલણા, કટાવ, મનહરની ક્યાંક લથડતી ચાલ, પ્રતિકાવ્ય, ગીત, ગઝલ ને અછાંદસ રચનારીતિઓનો વિનિયોગ જ્યાં જ્યાં સમર્થક રીતે થયો છે ત્યાં કવિનું ભાવવિશ્વ મહોરી ઊઠ્યું છે. આ ભાવવિશ્વને નર્મમર્મ, વ્યાજોક્તિ, શબ્દ-અર્થવિચલન, વિડમ્બના વ્યંગ ને વેદના દ્વારા રૂપબદ્ધ કરવાનો ઉપક્રમ, કવિએ સ્વીકાર્યો છે તો સાથે સાથે આપણી કહેવતો, વાતચીતના કાકુઓ, કટાક્ષ, નાટ્યાત્મકતા, શૈલીનો વિચિત્રમાર્ગ અને વિપરીત લક્ષણોના ઓજારોને ય કવિએ ખપમાં લીધાં છે. મોટા ભાગની રચનાઓમાં સીધાં સંબોધન, સીધાં ઉદ્‌બોધનનો આશ્રય લેવાયો છે તેથી રચનાનું વાતાવરણ વ્યંગપ્રધાન નાટ્યાત્મક ને ટ્રૅજિક કે પરિહાસપ્રધાન બન્યું છે. કવિ ચોક્કસ મિશન લઈને આવે છે તેથી ક્યારેક ઉદ્‌ઘોષણાઓ, સ્લોગનોનો સીધો જ ઉપદેશયુક્ત માર્ગ ગ્રહણ કરી ચાલે છે ને એક પ્રચારક હોવાનું જોખમ પણ ખેડી લે છે. જોકે તેની નેમ પણ તે જ લાગે છે. મિશનરીનો આ પાઠ ઘણી વાર કવિતાને નેપથ્યમાં ધકેલી દે છે. વાચાળતાથી અને વિચારનાં સીધાં કથનોથી કવિતા નમી જાય છે. આમ તો દરેક કવિને કશું ને કશું કહેવાનું હોય જ છે પણ આપણને રસ પડે છે, કવિ કઈ રીતે કહે છે તેમાં. આ સંગ્રહની મોટા ભાગની રચનાઓમાં પક્ષકાર તરીકેની વાત કરવાના પ્રસંગો ઝાઝા છે અને એ મૂલ્યને પાયાનું મૂલ્ય ગણીને કવિ ચાલ્યા છે. આ માટે આગળ જોયું તેમ આક્રમકતાની ભાષાનો કવિએ વિશેષ આધાર લીધો છે. તો સાથે સાથે સહાનુભૂતિ ને સમભાવશીલતા તથા કારુણ્યના ભાવને પણ ભાષામાંથી પ્રગટાવ્યો છે. બીજું, આ રચનાઓ દૂરદર્શન, શેરીનાટક, મોરચા, આંદોલન કે ધરણાંના માધ્યમ દ્વારા કોઈ ને કોઈ પ્રાસંગિકતાને કેન્દ્રમાં રાખી રચાઈ છે તેથી તે માધ્યમોની શિસ્તને અનુસરવાની અને વ્યૂહાત્મક માળખાને સ્વીકારવાની સભાનતા કવિ પક્ષે રહી છે. કવિના મનમાં આ રચનાઓનો આસ્વાદ કરનાર ભાવક પણ નિશ્ચિત છે. તેની નાડ, તેના મિજાજને કવિ બરાબર ઓળખે છે. આગળ જે કેટલાક મુદ્દાઓ નોંધાવ્યા છે તેના સમર્થન માટે કેટલાંક ઉદાહરણો જોઈએ. ‘અહીં’માં આપણી વર્તમાન પરિસ્થિતિનું વર્ણન નાટ્યાત્મકતાથી, શ્લેષના ઉચિત વિનિયોગથી અને કરુણની ઝાંય સાથે થયું છે.

અહો! રાગ દરબારી ભરચક હવામાં
જુઓ ભલભલા અહીં ઝૂકે છે, લખે છે.
હજી બેસી રહીશું? હજી જોઈ રહીશું?
હજી લાશની તું ગણતરી કરે છે?
અહીં જાત માણસની, માણસના હાથે
ઈશ્વરના નામે કમોત મરે છે. (પૃ. ૪)

‘સવાલ’ જેવી રચનામાં અનામત વિરોધી આંદોલન તથા કોમી રમખાણોની સાક્ષી સાબર છે, એ જે સવાલ પૂછે છે તેના જવાબ બીજા પાસે ભલે ન હોય, સાબર પાસે તો છે.

નામ દઈ અલ્લા ઈશ્વરનું, માણસજાત કપાતી
પ્રેમથી અદકું નથી કશું - એ વાત ન કાં સમજાતી?

સ્વારથ એમ લડાવે સૌને.
ધર્મની રાખી ઢાલ-સાબર પૂછે (પૃ. ૬)

‘બિનસાંપ્રદાયિકતા’માં આપણા કહેવાતા સાંસ્કૃતિક વારસાની વિડંબના નિરૂપાઈ છે. તો ‘હવે’માં બધું જ, બધી જ ધાર્મિક વ્યવસ્થાઓ તોડી પાડવાની વાત ગઝલ સ્વરૂપે થઈ છે :

ત્યાં કરો જગ્યા, ચડી બેસો હવે માણસ બધાં
આ શિખર, ગુંબજ બધુંયે ધ્વસી છે કરવું હવે. (પૃ. ૧૧)

માન-ઇનામ-અકરામો સાહિત્યકારને ખરીદી લે છે. પછીથી સાહિત્યકાર સ્થાપિત હિતોનો હાથો બની જાય છે અને પોતાનું સ્વત્વ ગુમાવી દે છે. જોસેફ મેકવાનને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળે છે તે પ્રસંગે લખાયેલી ‘દોસ્તો’ કવિતામાં કહેવતનો સર્જનાત્મક વિનિયોગ થયો છે. અહીં પ્રાસંગિકતા કઠતી નથી, સ્વત્વને નષ્ટ કરવાની સ્થાપિત હિતોની ચાલને અહીં માર્મિક રીતે ઉઘાડી પાડવામાં આવી છે. ‘આપણી કોણી હશે ને ગોળ મીઠો ’એમનો’ ને પછી ‘એ લોક’ કાપે આજ કાંડાં, દોસ્તો (પૃ. ૧૪)’ ‘આપણા હાથની વાત’માં ક્રમશઃ ટોળામાં રૂપાંતરિત થતી અને વ્યક્તિત્વનો હ્રાસ કરતી આપણી જ વાત છે. આ ટોળું બનવા માટે પરિસ્થિતિ જવાબદાર નથી પણ આપણી જ ક્યાંક ઊંડે ઊંડે સંમતિ રહેલી હોય છે. આપણે ધીરે ધીરે વ્યક્તિત્વહીન, સત્ત્વહીન, સંવેદનહીન, તથા સ્વભાષાહીન કેવી રીતે થતાં જઈએ છીએ તેની વાત વિપરીતલક્ષણા ને વિડમ્બનાથી તથા વેદનાથી કહેવાઈ છે તો સાથે સાથે આત્મવિશ્વાસ કેળવી આ ટોળશાહીમાંથી મુક્ત થવાનો ઉકેલ પણ કવિ જ આપે છે.

કદી કદી પવનથી યે ફફડતાં પારેવાં છીએ તો કદી નીરક્ષીર જુદાં કરી,
મલાઈ મમળાવતાં હંસટોળાં...
વધારે શું કહું? ....આ મારી જેમ ટેવવશ પ્રતીકોમાં વાત કરતાં,
વાતડાહ્યાં પંડિત-ટોળાં પણ આપણેસ્તો!...
...આપણને ચોક્કસ નામરાશિગોત્ર-નક્ષત્રનાં લટકણિયાં લેબલ ચોંટાડીને ખોડી દેવાયાં છે
આપણી જીભ કાપીને, ત્યાં નિશ્ચિત ભાષાની ટેપ ગોઠવી દેવામાં આવી છે... (પૃ. ૧૫)

‘પ્રાસંગિક’ ખંડમાં ધર્મ, રાજકીય નેતાઓ, કવિઓ, આંદોલનો, જાતિ તથા વર્ગભેદની સમસ્યાઓ અને કે. કા. શાસ્ત્રીને મળેલો વિશ્વ ગુર્જરી ઍવોર્ડ – આ બધાં સામે તારસ્વરે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે. ‘સાબરમતી પૂછે છે’માં અનામત-આંદોલનમાંથી ફેલાયેલા કોમી હિંસાના દાવાનળથી હચમચાવી ઊઠતી સાબરમતીના પ્રશ્નો છે :

ટળવળતાં પેટ ને કરગ
રતા હાથની સામે તુલસીની માળા
ને તિલસ્મી તાવીજ મૂકનારાંઓ!
શો હક્ક છે તમને આંસુ અને વિશ્વાસની વાત કરવાનો?
....
ગીતા અને કુરાનને આત્માનો અવાજ કહી ઓળખાવનારા
શું કહે છે તમારા એ માણસ-વિરોધી મુસદ્દાઓ?
કેમ ચૂપ છો કવિજન? ભાષાભૂલ્યા કે શું?
કે પછી જીભ પર સરકારી સલામોની લાલપટ્ટીઓ બાંધી દીધી છે?
કે પછી ઇમ્પોર્ટેડ લિટરેચરની ચ્યૂંઇગમ ચગળવાની મજા માણો છો?
કે પછી પૂરાં થયેલાં પાંચપચીસ પ્રેમ-પ્રકરણોના ઘા હજી રૂઝાયા નથી?
કે પછી જમના કે તટપર કિસન કનૈયા,
રાધાપ્યારી પનઘટવારી – તમારો પીછો છોડતાં નથી?
કે પછી અમદાવાદને માની લીધું છે તમે ટ્યુટોરિયલ ટંકશાળ? (પૃ.૨૨)

અહીં પત્રકારો, માધ્યમો – ધર્મધુરંધરો, રાજકારણીઓ, કવિઓ, અધ્યાપકો – બધા કેવી આત્મવંચનામાં રાચે છે તેની વેધક સવાલોથી મીમાંસા થઈ છે. આમ આપણા સમાજમાં આજે જે કંઈ ચાલે છે તેની દસ્તાવેજી કૉમેન્ટ્રી આ કાવ્ય અને અન્ય કાવ્યો બની રહે છે. એ લોકો માણસ જાતને, આપણને ધિક્કારે છે એટલે જ તેત્રીસ કરોડ પૂતળાંનાં વન વસાવે છે.

એમને નથી કોઈના દિલમાં વસવું કે નથી કોઈને વસવા દેવા
એટલે જ મંદિરો ને મસ્જિદો બાંધે છે ને તોડે છે. (પૃ. ૨૭)

‘એકલવ્યના વારસદારને’માં સમાજના શોષિત વર્ગને આંદોલન કરવાનું સીધું ઇજન છે. તો ‘સંવત ૨૦૪૨નું સરવૈયું’ની વક્રોક્તિમાં ગુજરાત રાજ્યનો ચહેરો ઉપસતો દેખાશે.

જમા મૂડી કુલ મહિના બાર,
તેમાં છ તો ગયા હુલ્લડે ઉધાર
બાકી રહ્યા એ દુકાળે સુકાયા (પૃ. ૩૯)

‘કેવડિયાનો કાંટો’માં બદલાયેલો સંદર્ભ આ રીતે વાચા પામે છે :

આપ્યાં વચનો અષ્ટમપષ્ટમ; અધિકાર જો માગ્યોજી! કેવડિયા (પૃ. ૬૦)

‘ભગતસિંહ’માં પરિસ્થિતિ નથી બદલાઈ પણ ચામડીનો રંગ આપણા જેવો છે તેથી ખતરનાક યુદ્ધ છે, પણ ભગતસિંહનું સ્મરણ જ અંગારા પરની રાખ ખંખેરી શકશે એવી કવિને શ્રદ્ધા છે. ‘ચેત ગુજરાતી! ચેત’ રચનામાં દલપતરામનો મનહર છંદ કટાક્ષના શસ્ત્ર તરીકે પ્રયોજાયો છે. દુકાળગ્રસ્ત અમરેલીમાં યોજાયેલી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રનો નર્મમર્મ અહેવાલ છે. સાહિત્યકારોની સાંપ્રત પરિસ્થિતિ પ્રત્યેની ઉદાસીનતા, જીવનથી દૂર રહી વ્યર્થવાણીવિલાસમાં રાચતા આપણા કવિઓને ઠીક ઠીક મજાકનું સાધન આ રચના બનાવે છે. જોકે છંદનું બળ છેક સુધી ટકતું નથી.

ભાષાબાજી નામે એક જીવલેણ રોગ થકી
કહેવાતા સાહિત્યની તો માંદીફિક્કી કાય છે,
લથબથ લાગણીથી ખબડે છે ફેફસાં, ને
ભારેખમ શબ્દોની અજીરણ થાય છે,
પ્રકૃતિ, પ્રભુ ને પ્રેમ – ભલે લાગે હેમખેમ
જાય છે અંતિમ શ્વાસ ઘડીઓ ગણાય છે.
...
એ જ લખે, વાંચે એ જ, સમજેય એટલા જ,
સામસામી જોખશે ને સામસામે પોંખશે!
ગાંગરે ગન્યાંનગાય, દોહી લેશે માંહોમાંહ્ય
આપણે માથે તો ખાલી હાંડી બસ ફોડશે! (પૃ. ૬૮)

‘તસલીમા નસરીન માટે ત્રણ કવિતા’ અને ‘સુરત ૧૯૯૪’ – આ બે રચનાઓમાં થોડેઘણે અંશે કળાત્મક ભૂમિકાએ રહી વિષાદની વાત થઈ છે. સુરતની વરવી દશાનું ચિત્ર ‘સુરત ૧૯૯૪’માં નિરૂપાયું છે. સુરતની દેખાતી સમૃદ્ધિ આમ તો તેની દરિદ્રતાને જ છતી કરે છે. સમગ્ર રચનામાં સુરત એ ક્ષયિષ્ણુતાનો, વિનાશનો, આપણી નીંભર જડતાનો, સ્વાર્થ-અંધતા, સંવેદનહીનતા અને વ્યક્તિત્વના હ્રાસનો મેટાફર છે. અંતે સ્વયં સુરતનો જ ઇન્કાર છે, તેના નાશમાંથી નવું સુરત ઘડવાનું છે એવો સુખદ આશાવાદ કવિ જગાડે છે.

ઉંદરે થઈ તરફડતું સુરત
ગાંઠ બની ફદફદતું સુરત
મૂક બજારો વ્હેરી શેરી
મોત સમું સૂસવતું સુરત. (પૃ. ૭૫)
કોના વાંકે કોના ભોગે
કટકે કટકે મરતું સુરત? (પૃ. ૭૭)
વિસૂવિયસની ટોચે બેઠું
ક્યારનું ય બળબળતું સુરત (પૃ. ૭૭)

તેથી જ અંતે હઠપૂર્વક સુરતનો ઇન્કાર કરે છે ને નવતર સુરતની માગણી કરે છે.

ના જોઈયે એનું એ સુરત
ખોટુકલા સોનાની મૂરત
બનાવટી રેશમની નગરી
જોયેં અમને નવતર સુરત. (પૃ. ૭૯)

‘જરા સોચો તો’ એ ખંડમાં સાંપ્રત સાહિત્યની ગતિવિધિ પ્રત્યેનો અસંતોષ કટાક્ષ ને આક્રોશની માત્રાએ વ્યક્ત થયો છે. કવિએ પોતાના સમયની સમસ્યાઓથી પીઠ ફેરવી છે. સર્જકનું સમાજ પ્રત્યે કોઈ દાયિત્વ ખરું કે એવો પ્રશ્ન આ ખંડની કેટલીક રચનાઓમાં પૂછવામાં આવ્યો છે. આપણો કવિ આત્મસંતુષ્ટ છે, અમુક મર્યાદિત વિષયની સીમામાં જ તે આત્મરતિથી હરેફરે છે, તેની પોતાના સમાજના લોકોનાં દુઃખદર્દો સાથે નિસ્બત ખરી કે? આવા પ્રશ્નો ‘ક્યાં સુધી?’ ‘મિચ્છા પૂછે ઇચ્છાને કે...’ ઇત્યાદિ રચનામાં પૂછવામાં આવ્યા છે. તો ‘આપણે કવિઓ અને સમસામયિક સંદર્ભો ઉર્ફે કલ ફિર આઉંગી, સાયોનારા’ કવિતામાં આવો જ આક્રોશ પ્રગટ થયો છે. કવિ ઇન્દ્રિયબધિર બની જાય તે ન ચાલે, પોતાના આગવા એકાંતમાં, પોતાના એકદંડિયા મહેલમાં બેસી રહે તે તો જરા પણ ન ચાલે’

આપણે તો ક્યારનું ય રચી દીધું છે
ક્યારેક લખાતી કવિતાકવિતાનું ક્વોરન્ટાઇન. (પૃ. ૯૪)

આપણા કવિનાં સાહસ ને શોધ અટકી ગયાં છે, તે પારકાનાં સુખદુઃખ પ્રત્યે આંખ આડા કાન કરે છે, એને પુનરાવર્તન કરવાનું ફાવી ગયું છે. એ પોતાનું ક્વૉરન્ટાઇન તોડીને ભાગી શકતો નથી.

પલળેલાં છાપાં જેવાં /જામીને સજ્જડ થઈ ગયેલી
ઘડીઓમાં સુસ્થાપિત એવાં
આપણા સુખિયા જીવોને
મોંમાંથી પેલી સ્ટ્રો છોડવી ગમશે કે કેમ (પૃ. ૯૫)

કવિ અને કવિતાને વિષય બનાવી લખાતી કવિતાનાં જોખમ ઘણાં હોય છે. તે જોખમે કવિએ અહીં ખેડ્યાં છે. આગલી પેઢીના કવિઓ જેટલું જ જાત-સફાઈનું તત્ત્વ અહીં પણ નથી એમ ભાગ્યે જ કહી શકાય. દરેક જમાનામાં કવિના ઉત્તરદાયિત્વ માટે પ્રશ્નો પૂછાયા છે, સામસામા મોરચા મંડાયા છે, ઠીક ઠીક ઊહાપોહ પણ થયો છે. બિનસાંપ્રદાયિકતાનો આદર્શ કવિઓ પણ ભાગ્યે જ ઉછેરી શકે છે. મૂળ પ્રશ્ન તો એટલો જ કે કોઈ કવિ કે વિવેચક કે સમાજ અન્ય સર્જકને એવું ફરમાન કરી શકે ખરો કે તેણે અમુક-તમુક રીતે જ લખવું? જોકે આવી ઉદ્‌ઘોષણાઓ દરેક પેઢીમાં થઈ છે. કવિતાની અનેક રીતિઓ, કવિતાના અનેક પ્રવાહો એક સમાજમાં એક સાથે અસ્તિત્વ ધરાવતા હોય છે. પ્રશ્ન છે અસહિષ્ણુતાનો. કોણ-કોના પ્રત્યે સમભાવશીલ છે તેનો જવાબ દરેક સર્જકને અને સમાજે પોતાની રીતે શોધવાનો રહે. ‘પૂર્વજોનું પૂંછડું, પૂંછડાની પીંછી અને અમે લોકો’માં પૂર્વજોની પકડમાંથી, તેમણે રચેલા ઇતિહાસમાંથી મુક્ત થવાનું ઇજન આપવામાં આવ્યું છે.

તમે રચેલા ઇતિહાસમાં નથી રાચવું અમારે!
છો ને તમારા દિવસ હજી આથમ્યા ના હોય...
...પણ મરીશું તો નહીં જ આમ તમારી જેમ...
જંગલોમાં, પિંગલોમાં ને ડિંડકિયાં ડિગલોમાં,
એક દંડિયા મહેલોમાં, ગુફાઓની જેલમાં, આશ્રમોમાં,
ધામોમાં ને ગેલ્વેનાઇઝ્‌ડ ગ્રામોમાં... માન-અકરામોમાં
સરકારી સલામોમાં, ને મોરારી બાપુના રામોમાં. (પૃ. ૯૯)

આ જ પૂર્વજોનાં પૂંછડાંમાંથી આ પેઢી પીંછી બનાવશે ને પૂર્વજોનાં કાળાં કરતૂતોની કથા ચોરેચૌટે ચીતરાવશે જેથી આવનાર પેઢી નાનપણથી જ તેઓને ઓળખી શકે. આ કવિતામાં ઇન્કારનો સૂર સતત સંભળાય છે. કવિ સ્વરૂપ ધ્રુવ આગલી પેઢીને સમકાલીન કવિઓની ઘણી કૃતિઓના આંતરકૃતિત્વના સંસ્કારો ગ્રહણ કરી ક્યાંક ક્યાંક આ રચનાઓમાં વાક્‌છટાથી ચાલ્યાં છે ખરાં. ‘મુજરિમ હાઝિર...’માં પોતાના પૂર્વજોની પેઢીની કવિતામાંથી ઊફરા જવાનો ઉપક્રમ છે. પોતાના પૂર્વજોના જ પડછાયા બની કવિતા લખી તો પરિણામ શું આવ્યું?

પૂછી પૂછીને પાણી પીવા રહી’તી એમાં સરોવર તો સુકાઈ ચાલ્યાં
ને નર્યા શબ્દાળુ શમણાં જોતી’તી એમાં આંખે તો
ચામાચીડિયાંના માળા બંધાઈ ચાલ્યા...
ને કવિતા તો બની ગઈ ખાલી કાનની કરામત,
છંદ, અલંકાર, સન્ધિ, સમાસ, શૈલી અને સ્વરૂપનાં
ડંડાબેડી, ટાટબેડી, આડીબેડી... બધું... જ ગૂંચવાતું ચાલ્યું
ને તો ય લાગે છે કે મારા પોતાના જેવું તો સાવ ના જ થયું! (પૃ. ૧૦૩-૧૦૪)

આપણને પ્રશ્ન થાય કે આ માટે કોને જવાબદાર ગણીશું – પૂર્વજો ને કે કવિની સર્જકતાને? અહીં સીધો જ સમકાલીન કવિતા પ્રત્યેનો વિરોધ પ્રગટ થયો છે. પોતે સામાજિક પ્રશ્નોને વાચા આપતી કવિતા કરવાનો ગુનો કર્યો છે. તેથી ડાહ્યાડમરા કવિઓની અદાલતમાં તેના પર કામ ચાલે છે, તેને નાત બહાર મૂકવામાં આવે છે. ખરેખર તો આ રચનામાં કઠેડામાં ઊભેલો મુજરિમ ગઈ પેઢી પર મુકદ્દમો ચલાવે છે. ન્યાયાધીશ ને ગુનેગારના રોલની અદલાબદલી થઈ ગઈ છે. આગલી પેઢીની ચિંતાયુક્ત અસરમાંથી કેમ મુક્ત થવું તે દરેક આવનાર કવિને સતાવતો પ્રશ્ન છે, તેને મૂંઝવતી ચિંતા છે. દરેક સજાગ કવિ આથી જ સાહસ કરે છે, મથામણો કરે છે અને નવા નવા આરંભો કરે છે. જોકે અહીં તો આ બધી મથામણો ને અંતે કવિની શોધ અટકી નથી. તેથી જ કહે છે –

શોધું છું હું સ્વ-રૂપ
વિસ્ફોટની હું ક્ષણ છું. (પૃ. ૧૧૪)

ચોથા ખંડની રચનાઓ ‘ડુંગરો ચાલ્યા છે’માં નારીની વિવિધ છબી આલેખાઈ છે. માતા એ કુટુંબનો મોભ છે, જીવન છે. તેનાથી જ કુટુંબ હર્યુંભર્યું રહે છે; અન્નદાતા છે, પિતાની ભીડનું મોતી છે છતાં કુટુંબમાં એનું સ્થાન નગણ્ય છે. શરૂઆતની રચનામાં દીકરીની નજરે આલેખાયેલું માતાનું ચિત્ર જોઈએ :

મા ઊઠી, જગ ઊઠ્યું, જડ ને ચેતન ઊઠ્યું
અડકતાં હાથ અજવાસ ઝલમલે
ઝળહળી ઓસરી, ઝળહળ્યું આંગણું
હળુહળુ પગરવે સકલ ઝળહળે (પૃ. ૧૧૭)

એક બીજું ચિત્ર જુઓ :

ટીપું છોરાં માટે લેવું, કળશ્યો ઢોરાં માટે લેવું
કાંક ન્હાવાધોવા જેવું, માને પાણી ભરવું વહેલું. (પૃ. ૧૧૯)

‘કૂવાકાંઠે’માં આખો સંદર્ભ બદલાય છે. બે સહિયરો વચ્ચેની વાતચીતમાં સ્ત્રીને વેઠવી પડતી યાતનાનું કરુણ ચિત્ર દોરાયું છે. આપણા સમાજમાં દીકરો કુળદીપક કહેવાય, તે પિંડ મૂકે તો જીવ સદ્‌ગતિ પામે’ આવા ભેદભાવવાળા ખ્યાલોથી પુરુષપ્રધાન સમાજે સ્ત્રીઓને જે વેદના આપી છે, લાચારીથી ગૂંગળાવી છે તેનો વિસંવાદ અહીં મૂર્ત થયો છે. બન્ને સહિયરનાં સામસામાં છેડાંનાં ભાવવિશ્વો અહીં રૂપ પામ્યાં છે.

બીજી : આંગણું મેં તો લીંપી-ગૂંપીને રાખ્યું, બેની મારી!
રાંદલમાયે તો યે દુઃખ ના કાપ્યું...
બીજી : કાચા રે સૂતર શો આ સંસાર, બેની મારી
પરણ્યો લાવશે શોક્યને કાલે સવાર... (પૃ. ૧૨૦–૧૨૧)

જ્યાં જ્યાં દમન છે, અન્યાય છે, ત્યાં ત્યાં નારી જ એનો ભોગ બને છે અને તેને થયેલા અન્યાયની ભાષા જે કવિતામાં જોવા મળે તે નારીવાદી કવિતા છે. અનેક સ્તરે તેની સતામણી થતી જ રહે છે.

કઠપૂતળી જેમ દોર સોંપી દીધા મેં તો, એકલાં પડી જવાની બીકે
મનફાવે શણગારે, મનફાવે ધૂતકારે, મનફાવે પ્રેમ કરે - પીંખે. (પૃ.૧૨૨)

‘મન થતું પૂછવાનું’માં દીકરી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનું નિરાકરણ શોધ્યેય જડે એમ નથી. માતાની કુટુંબમાં થતી અવહેલના કેવી છે?

એ શું સમજે? એ શું જાણે? એને ના કોઈ વખાણે;
તો યે હસતાં-હસતાં આખા ઘરનો ઢસરડો એ તાણે
પૂછતું એને કોઈ ન પહેલાં, સૌ કોઈ એને ચીંધે;
‘ઠીક છે, એ તો એ જ કરે ને’ – કહીને કાળજું વીંધે (પૃ.૧૨૬)

આપણા સમાજે સ્ત્રીને અનેક બિરુદો આપ્યાં છે. ગૌરવ અને હીણપતભરી દશામાં તેને મૂકી છે, નારીછબિને સમાજ સતત ખરડતો રહ્યો છે, પુરુષોની સત્તાએ શું શું કર્યું છે આ સ્ત્રીનું –

કહે છે દેવી – પતિવ્રતા – માતા કહી પૂજા કરે
રાધા કહી ભક્તિ કરે, સીતા કહી સતી ગણે
કરી અપમાન, જૂઠાં માનપાન પદવી દે
ચ્હેરો ભૂંસી મ્હોરાં પહેરાવ્યાં રે (પૃ. ૧૩૮)

સત્તાની હેવાનિયત હેઠળ ભાષા બનાવટી અર્થચ્છાયાઓ સાથે પ્રગટે છે. ભાષા સાથે ભળેલા માનવીય સંવેદનને સત્તા હંમેશાં વિકૃત ને વિલક્ષણ રીતે રજૂ કરે છે. આ સંદર્ભમાં દીકરી-દીકરા વચ્ચેના ભેદભાવનું રાજકારણ તપાસવા જેવું છે. પિતૃસંસ્થાનો વરવો અહંકાર, આધિપત્યની છાયા નીચે હંમેશાં પોષાતો રહ્યો છે. દીકરીની આપણા સમાજમાં આ સ્થિતિ છે –

પારકી થાપણ, સાપનો ભારો, દીકરી ગરીબ ગાય
એનાં ઝાઝાં જતન શાનાં, દોરો ત્યાં એ જાય. (પૃ. ૧૪૩)
ચૂલો-ઊંબર-ચાર દીવાલ-એની એ ઘટમાળ
પાંખો કાપી, પિંજર આપ્યું! પાથરી રેશમ જાળ (પૃ. ૧૪૪)

‘બીજો પગ પણ...’ ‘તથા લડાઈ : ઉંબરની આ તરફ, પેલી તરફ અને...’ બન્ને રચનાઓમાં વિષમતાના વિષચક્રમાં ફસાયેલી નારીનું શોષણ કઈ કઈ રીતે કરવામાં આવે છે તેનું આલેખન બળકટ ભાષામાં લડાયક મિજાજથી થયું છે –

વળતર નથી માગતી વૈતરાનું
પગાર નથી જોઈતો મારે પ્રેમનો
પણ ઊભાં રહેવા – ટટ્ટાર ઊભા રહેવા
ભોમ માગું છું સમથળ (પૃ. ૧૪૬)
મને ક્યારેય પૂછવામાં નથી આવ્યું ને હું સહેતી આવી છું
કૈં કેટલાય બળ વગરના બળાત્કાર અને માણવી પડી છે
મન વિનાની માઝમ રાતો (પૃ. ૧૪૬)

સ્ત્રીએ તો ઘરના ને બહારના મોરચે લડાઈ લડવાની છે, તેમાં જીતવાનું છે અને ગુમાવવાની છે અન્યાયની, અસમાનતાની, અપમાનની, અજ્ઞાનની, અત્યાચારની, જૂઠાં મૂલ્યોની ને ખાટાં સપનાંઓની જંજીરો. અંતિમ ખંડ ‘આપણા હાથની વાત’ સંગ્રહનો નબળો ખંડ છે. અહીં સીધાં હાથવગાં સમીકરણો ને નિરાકરણોમાં કવિતા વેડફાઈ ગઈ છે. કવિની કાવ્યપ્રાપ્તિ શુભદૃષ્ટિ કેમ થઈ નહીં હોય એનું આશ્ચર્ય થાય છે. જોકે આ રચનાઓ જે પ્રજાસમૂહને ધ્યાનમાં રાખી લખાઈ છે, તેને મન તેનું આગવું મૂલ્ય હોઈ શકે. સરકારી માધ્યમોમાં આવતી બોલકી રચનાઓ કરતાં આ ખંડની રચનાઓનો અવાજ ક્યાંય જુદો પડે છે ખરો? સર્જકમાત્ર માટે સમાજવિદ્યા, રાજકારણ, શરીરશાસ્ત્ર કે અન્ય વિચારણા હંમેશાં, પોતાના આગવા દર્શન(vision)ની અભિવ્યક્તિ માટે ગૌણ જ રહેવાં જોઈએ. નર્યો ભવ્ય કે દુઃખદ અનુભવ કૃતિને ગંભીર કળાકૃતિ ન બનાવી શકે. સારી ભાવનાઓથી, ચિંતનાત્મક કે ક્રાન્તિકારી વિચારોથી સારું સાહિત્ય રચાય છે એ ભ્રમને ઝાઝો મલાવવા જેવો નથી. ગંભીર કળાત્મક અવાજ અંગત, વ્યક્તિગત શૈલીનો જ સંભવી શકે; અને તે આ કે તે ગમે તેટલી પ્રિય વિચારણા પછી ભલે ને હોય તેને ઓળંગીને પ્રગટ કરવાનો રહે. આ સંગ્રહમાં જ્યાં જ્યાં કવિથી એ શક્ય બન્યું છે ત્યાં કવિના નિજી અવાજનો જરૂર અનુભવ થયો છે. પ્રચારાત્મક કે પ્રતિબદ્ધ વલણની સાથે કલાદૃષ્ટિનો સમન્વય થવાના ઉપક્રમો અહીં છેક જ નથી રચાયા એમ પણ ન કહી શકાય. આ સંગ્રહની કવિતા ખુલ્લા છેડાવાળી નથી; કવિ પોતે સમાજ પ્રત્યેના ને એ દ્વારા જાત પ્રત્યેના અમુક પ્રકારના કમિટમેન્ટમાં માને છે. તેનો આદર જરૂર કરીએ પણ કવિતા કોઈ વિચારણાની ઓથે છુપાઈ જાય તો શાં પરિણામ આવે તે આ સંગ્રહના કવિ બરાબર જાણે છે. કવિ અને કવિતાનું સમાજમાં કાર્ય શું? કવિએ શું કોઈ ભૂમિકા સ્વીકારીને ચાલવાનું જ નહીં? કવિ આખરે કોને માટે લખે છે? કવિતાએ શું કહેવાનું નથી? માત્ર સૂચવવાનું જ છે? મિશનની શું કવિતા ન સંભવી શકે? કવિતા શું નિજાનંદ માટે જ છે? મનોરંજન માટે જ છે, સુધારાનો બૂંગિયો છે? કઈ કાવ્યમીમાંસા સાચી? પોતાને અનુકૂળ હોય એ સિવાયનું રસશાસ્ત્ર શું સંભવી ન શકે? આ અને આવા ઘણા પ્રશ્નો સમયે સમયે એક કે બીજી કાવ્યવિભાવના કે સામાજિક અથવા રાજકીય વિચારણા હેઠળ પૂછાતા રહેતા હોય છે. તેના સમર્થનમાં ને વિરોધમાં અનેક જવાબો આપણને વિચારનાં જુદાં જુદાં કેન્દ્રો તરફથી મળતા રહે છે. વળી, આ બધા જવાબો વચ્ચે સંગતિ પ્રવર્તે છે એવુંય નથી. સદ્‌ભાગ્યે આજેય નવા નવા રૂપરંગે આ પ્રશ્નો આપણી વચ્ચે મોજૂદ છે. કવિતા અનેક સ્વરૂપે વહેતી સતત ઘટના છે, કારણ કે કવિતા હજીયે લોહીમાં ટાંકણી ભોંકે છે, અકળાવે છે, બેચેન બનાવે છે. નવી નવી શોધ અને નવાં નવાં સાહસોની યાત્રાએ આપણને લઈ જાય છે. આપણે હંમેશાં ભાષા દ્વારા કવિતાને માર્ગે હોઈએ છીએ.

(ફા.ગુ.સ., એપ્રિલ-જૂન, ૧૯૯૫)
(‘અપૂર્ણ’)