સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જનાવરની જાન

Revision as of 03:17, 1 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જનાવરની જાન

નવલરામ

જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે;
બકરીબાઈને બેટડો પરણે છે આજે.
ઢોલ, નગારાં, ભેર ને સૂર સરણાઈ તીણાં;
સો સાબેલા શોભિતા, બેટા બેટી ઘેટીનાં.
ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો;
દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો.
સાજનનું શું પૂછવું? બકરે કરી જોરો;
ભેગાં કર્યાં છે ભાવથી મોટાં મોટાં ઢોરો.
રાતા માતા આખલા રાખી શિંગડાં સીધાં;
આગળ માર્ગ મુકાવતા પદ પોલીસ લીધાં.
સાજને શ્રેષ્ઠ જ ઊંટડા હીંડે ઊંચી ઓડે;
એનાં અઢારે વાંકડાં કામદારોની ગોડે.
હારમાં એક બે હાથી છે મોટા દાંત જ વાળા;
નીચું ન્યાળીને ડોલતા હીંડે શેઠ સૂંઢાળા.
હાથી ઘોડા તો છે ઘણા, હાર રોકતા પાડા;
કાળા કઢંગા ને થયા ખડ ખાઈ જડ જાડા.
આંખ ફાટી, છાતી નીસરી, કરતા ખૂબ ખૂંખારા;
હીંડે ઊછળતા ઘોડલા શાહજન થઈ સારા.
ટટ્ટુઓ ટગુમગુ ચાલતાં, પૂઠે ગરીબ ગધેડા,
હાજી હાજી કરી હીંડતા ડીફા વિના અતેડા.
હારોહાર હજારો આ માંહોમાંહે લપાતા;
કોણ આવે કામળ ઓઢીને? એ તો ગાડર માતા.
પિત્રાઈઓ વેવાઈના એને અકલ ન કોડી,
આડા અવળા એકેકની પૂઠે જાય જો દોડી.
બકરા તો વરના બાપ છે, હોય એનું શું લેખું?
શું સાગર શિંગડાંતણો હું તે આજે આ દેખું!
વરનો તે ઘોડો આવિયો, વાજે વાજાં વિલાતી;
ભેર, ભૂંગળ ને ઝાંઝરી ભેગું ભરડતી જાતી.
વરરાજા બે માસનું બાળ બેં બેં કરતું,
ઝડપાયું ઝટ ઝોળીમાં, મન માડીનું ઠરતું.
મંગળ બકરી માઈ તો ગાય હરખી હરખી,
જોડે જાંદરણી ઘણી કાઢે જોવા જ સરખી.
બકરીબાઈએ નાતની ને બીજી ઘણીઓ
આણી આડોશપાડોશણો બાઈપણી બેનપણીઓ;
ભેંસ, ભૂંડણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી,
ગાય, બિલાડી, ઉંદરડી ને એક કૂતરીયે તેડી.
વાંદરીઓ નથી વીસર્યા, દસ વીસ આ કૂદે!
માથે સામટાં થઈ સૌ સાતે સૂરને છૂંદે;
કોઈ બેંબેં કોઈ ભેંભેં કરે, કોઈ ભૂંકતી ભૂંડું,
કોઈ ચૂંચું, મ્યાઉં મ્યાઉં કરે, વેર વાળે કોઈ કૂડું,
હૂકહૂક કરતી વાંદરી જોજો નાચે છે કેવી!
ધન ધન બકરી! ન કોઈની જાન તારા તે જેવી!
ચારપગાંની જાન આ જોડી બેપગાં સારુ;
સમજે તો સાર નવલ બહુ, નહિ તો હસવું વારુ.

સ્વાધ્યાય

૧. બકરીબાઈના બેટાનું અને એ બેટાની જાનમાં જે જે આવ્યાં તે સહુનું વર્ણન કરો.
૨. આ કવિતામાંથી કેટલીક રમૂજી પંક્તિઓ બતાવો.
૩. પોતે આ કવિતા લખી છે તે અંગે નવલરામને કયો સંતોષ છે?
૪. આ કાવ્યમાં રહેલો કટાક્ષ તમારા શબ્દોમાં સમજાવો.
૫. બાળલગ્ર ઉપર એક ટૂંકો નિબંધ લખો.