સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નવલરામ
Jump to navigation
Jump to search
નવલરામ
[‘બેપગાં’ને સારુ જોડેલી ‘ચોપગાં’ની આ ‘જાન’, કવિતામાં કટાક્ષ કેવી સચોટ રીતે કરી શકાય તેનો સરસ નમૂનો છે. પ્રાણીની વાતો જોડી કાઢી તે ઉપરથી બોધ આપવાની રીત બહુ જૂની છે, અને લગભગ દરેક દેશમાં તે પ્રચલિત છે. પંચતંત્ર, હિતોપદેશ, ઈસપનીતિ આદિ કથાઓ આ બાબતમાં જાણીતી છે. આપણા દેશમાં શ્રી. હરવિલાસ સારડાએ બાળલગ્ન ઉપર પ્રતિબંધ મુકાવતો કાયદો વડી ધારાસભા પાસે પસાર કરાવ્યો તે પહેલાં દર વર્ષે લાખ્ખો બાળલગ્ન થતાં. છોકરાં ‘પારણાંમાંથી ઝડપાઈ’ જાય એમાં કુલિનતા લેખાતી. ‘જનાવરની જાન’માં એ કુરૂઢિ ઉપર બહુ અસરકારક કટાક્ષ કરવામાં આવ્યો છે. સ્વ. નવલરામ નર્મદની જેમ એક સુધારક પણ હતા તે આ કાવ્ય ઉપરથી જોઈ શકાશે. આમાં રહેલ હાસ્યરસ તેમના ‘ભટનું ભોપાળું’ નામના એક નાટકમાં પણ ભારોભાર ભર્યો છે. આપણા એ આદિ વિવેચકની આ અને એવી બીજી સાહિત્યકૃતિઓ જોવા જેવી છે.]