સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ડુંગર ચડું ને—
Revision as of 02:42, 2 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. ડુંગર ચડું ને-|(ગઝલ)<br>બાલશંકર કંથારિયા}} {{Block center|<poem>હું તો ડુંગર ચડું ને આભ ઊતરું રે. એનાં પગલાં જડે નહિ ક્યાંય રે! {{right|ડુંગર ચડું ને આભ ઊતરું રે.}} હું તો વીણા વગાડું, નામ ઊચરું રે,...")
૨. ડુંગર ચડું ને-
(ગઝલ)
બાલશંકર કંથારિયા
હું તો ડુંગર ચડું ને આભ ઊતરું રે.
એનાં પગલાં જડે નહિ ક્યાંય રે!
ડુંગર ચડું ને આભ ઊતરું રે.
હું તો વીણા વગાડું, નામ ઊચરું રે,
મારો વણસૂણ્યો સાદ શમી જાય રે!
ડુંગર ચડું ને આભ ઊતરું રે.
હું તો દીવા કરું ને જગત નીરખુ રે,
એના ઓળા પડે નહિ ક્યાંય રે!
ડુંગર ચડું ને આભ ઊતરું રે.
હું તો વીજે ઝૂલું, સમુદર ઊછળું રે,
એને ઝાલું ઝાલું ને સરી જાય રે!
ડુંગર ચડું ને આભ ઊતરું રે.
હું તો ચાંદા સૂરજે ઊગું આથમું રે,
એનાં ઉગમણાં તેજ ના ભળાય રે!
ડુંગર ચડું ને આભ ઊતરું રે.