સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જઠરાગ્નિ

From Ekatra Foundation
Revision as of 14:51, 2 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨. જઠરાગ્નિ

ઉમાશંકર જોષી

[‘કુતૂહળ’માં વપરાય છે તે જ છંદ, અને તે જ કાવ્યતત્ત્વનાં પોષક અંગો વડે પ્રાણવાન બનેલું આ કાવ્ય સૉનેટ જાતિનું છે. ‘કુતૂહળ’માં કવિએ પ્રાસની દરકાર નથી રાખી, જ્યારે આમાં મોટે ભાગે પ્રાસ મેળવ્યા છે. ગરીબ લોકોનાં જીવન પ્રત્યે બેદરકાર રહી પોતાના ધનવૈભવમાં મશગૂલ એવા દ્રવ્યાન્ધ લોકોને સંબોધાયેલું આ કાવ્ય જાણે શરૂઆતથી જ ધનિકોની એ લીલાની ઠેકડી કરવું હોય તેમ કહે છે; ‘રચો, રચે, ભલે આજે એ તમારા મહેલ મિનારા રચો! પણ . .’ અને એમ ‘પણ’ કહેતાંની સાથે જાણે ક્રોધથી તર્જની ઊંચી કરી કવિ રૌદ્ર વાણીમાં કહે છે : ‘પણ યાદ રાખજો, એક દિવસે એ ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’—અને ત્યારે? એ જઠરાગ્નિનું રૌદ્ર સ્વરૂપ અને તેની સંહારલીલા એ આ કાવ્યનું હાર્દ છે. કવિતામાં એટલા ઓછા શબ્દોમાં અને એટલું તો અસરકારક રીતે એ ગૂંથાયું છે કે એને બીજા શબ્દોમાં મૂકતાં એના અર્થને હાનિ જ પહોંચે. એટલે હૃદયશૂન્ય ધનઘેલછાને અપાયેલો એ શાપ તો કવિના શબ્દોમાં જ આપણે જોવો જોઈએ. આ કાવ્યની ત્રીજી પંક્તિમાં ‘લટકાઓ’–માંના ‘ઓ’નું ઉચ્ચારણ લઘુ કરવાનું છે. એટલે ‘લટકાવ’ જેવો ઉચ્ચાર કરવાથી એ પંક્તિ સારી રીતે વાંચી શકાશે.]

(મિશ્રોપજાતિ)
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે, લટકાઓ ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા!
રચો, રચો ચંદન-વાટિકાઓ,
રાચો રચી કંચન સ્થંભમાળા!
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો,
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે!
અન્તર રુંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે!
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરની ભસ્મકણી ન લાધશે!
ગંગોત્રી’માંથી

સ્વાધ્યાય

૧. ‘દરિદ્રની એ ઉપહાસલીલા’ સવિસ્તર વર્ણવો.
૨. જાગેલા જઠરાગ્નિના સ્વરૂપનું વર્ણન કરો.
૩. સજીવારોપણનો કવિએ ક્યાં આગળ ઉપયોગ કર્યો છે તે જણાવો.
૪. આ કાવ્યની પહેલી પંક્તિની ખૂબીઓ સમજાવો.
૫. આ કાવ્યમાં અનુનાસિકોનો જે રીતે ઉપયોગ થયો છે તે તપાસો અને એની કાવ્ય ઉપર શી અસર થઈ છે તે જણાવો.