સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બાલ મણિરાજ

Revision as of 01:46, 5 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બાલ મણિરાજ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

મધુમક્ષિકાના સોંપેલા રાજકુમારને રાજાએ પોતાની આંગળીએ લીધો અને પ્રધાનને તેડવા મોકલી રાજા બાળકની સાથે ગોષ્ઠીવિનોદ કરી તેની પરીક્ષા કરવા લાગ્યો : ‘કુમાર, હવે માતાજી વિના તમને ગમશે કે?’ મણિરાજ — માતાજી વિના તો નહિ ગમે, પણ આપને માતાજી વિના રહેવું પડે છે તેમ અમે પણ રહીશું. મધુ૰ – મહારાજ, એ ઉત્તરમાં કાંઈ બાકી રાખ્યું નથી. આપ અને માતાજી ઉભય પ્રતિ આ ઉત્તર સધર્મ છે. સર્વ ધર્મ જાળવી બાલકે બાલભાષામાં આપેલો ઉત્તર જ કહી આપે છે કે, મોટપણે એ રત્નનગરીના રાજાઓનું ધર્મવૈચિત્ર્ય જાળવશે. મલ્લરાજ — (પ્રસન્ન મુખે બાલકનો હાથ ઝાલી) અમારે તો રાજ્ય કરવું પડે છે – તમે શું કરશો? મણિરાજ — આપ રાજ્ય કરો ત્યારે દેખાડી દેવાની કૃપા કરજે કે રાજ્ય આમ થાય. આપની સાથે રહીશું, આપ દેખાડશો તે દેખીશું, ને આપ કહેશો તે કરીશું. મધુ૰ — મહારાજ, બાળકે તો રાજવિદ્યાનું માગણું માગી લીધું – તે આપવું એ હવે આપના અધિકારની વાત. બાળકે હાથ ઊંચો કરી દાસીનું મુખ દાબ્યું : ‘મધમાખ, અમે રાજાજી જોડે વાત કરીએ, તેમાં વચ્ચે ગણગણવાનું તને કોણે કહ્યું છે? તારે અમારી વાતમાં બોલવું નહિ.’ મધુમક્ષિકા નીચ વળી કુમારને છાતી સરસો દાબવા લાગી અને તેમ કરતાં કરતાં એની આંખમાં આંસુ ભરાયાં. તેને દાબતી દાબતી છોડી દેતી તે બોલી : ‘ઘણું જીવો, કુમાર! - મહારાજ! પ્રભાતનો સૂર્ય ઊગતો ઊગતો તિમિરને આધું ધકેલે તેમ આપની પાસે આવતા ઊગતા રાજકુમાર, રાજવિદ્યાનો આરંભ કરતા પહેલાં આજથી જ, મજ જેવાનો અધિકાર બંધ કરે છે ને કહે છે કે મારી પાસે अबला प्रबला નહિ થાય.’ મણિરાજ — મધમાખ, હજી તું ગણગણતી રહેતી નથી ને કહ્યું કરતી નથી. મધુ૰ – તે આપ મને શું કરશો? મણિરાજ પિતા ભણી જોઈ બોલ્યો : ‘મહારાજ, માતાજીએ કહ્યું છે કે અવળે રસ્તે ચાલે તેને રાજાજી શિક્ષા કરે, માટે હવે આપ જાણો.’ મધુ૰ — (હસી પડી) ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે? મણિરાજ - હું તારી સાથે બોલીશ નહિ. મધુ૰ - મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની[1] અસહિષ્ણુતા બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી — મારી સાથે અબોલા લીધા! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફૂટવા લાગે છે. મણિરાજ — મહારાજ, મારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મૂકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી. મધુ૰ - કુમાર, આપ જાતે જ મને કાઢી મૂકો તો હું તરત જાઉં. મણિરાજ - હું કાંઈ તને કાઢી મૂકતો નથી. તારા મધુપૂડામાં ભરાઈ જા ને ગણગણીશ નહિ એટલે થયું. મધુ૰ – લો ત્યારે હું આ છાની રહી. મણિરાજ — હવે ઠીક. સહુ બોલતાં બંધ રહ્યાં. કુમાર મધુમક્ષિકા ભણી જોઈ રહ્યો, તોયે એ બોલી નહિ. મણિરાજ - મધમાખ, બોલતી કેમ નથી? મધુમક્ષિકા બોલી નહિ. હસતી હસતી જોઈ રહી. મણિરાજ - કેમ બોલતી નથી? મલ્લરાજ - તમે બોલવાની ના કહી તે શી રીતે બોલે? મણિરાજ – હું બોલાવું ત્યારે તો બોલે. મલ્લરાજ — તમારે એની પાસે શું બોલાવવું છે? મણિરાજ - માતાજીએ કહાવેલું બધું એણે આપને કહ્યું, પણ કાલ રાત્રે રાણીજીએ ને મધમાખે પોતે મને કહેલું હતું તે આજ કહેતી નથી. મલ્લરાજ — શું કહ્યું હતું? મણિરાજ – એ વાત મધમાખ કહે. મધુ૰ - હું તો ભૂલી ગઈ છું. મણિરાજ – ભૂ . . . લી . . . જા..... ય! બોલી દે. રાણીજી રોજ તને જૂઠી કહે છે. મધુ૰ - એ તો એમનું જૂઠું ખાઉં માટે જૂઠી કહે છે. મણિરાજ - વારુ, બોલ તો ખરી! મધુ૰ - શું બોલું? જરા સંભારી આપો તો બોલું : મણિરાજ – પેલું - લાકડાના ઘોડાને ઠેકાણે ખરો ઘોડો ને એવું બધું. મધુમક્ષિકા હસવા લાગી — હા, હા, મહારાજ, કુમારને આપની પાસે બોલી કરી આણેલા છે. મણિરાજ – તે બોલી શી તે કહે ને? જરાશંકર એટલામાં આવ્યો અને પાસે બેઠો. કુમારને ખોળામાં લીધો. જરાશંકર - મહારાજ, કુમારશ્રીને શું પૂછવા માંડ્યું છે? મલ્લરાજ — કુમાર આજથી માતાજીનું મંદિર છોડી આપણી પાસે આવ્યા છે તે બોલી કરીને આવ્યા છે. જરાશંકર – હેં કુમાર! શી બોલી કરી છે? મણિરાજ - આજથી મારા લાકડાના ઘોડાને ઠેકાણે હવે મને ખરો ઘોડો આપવાનો. જરાશંકર – બીજું કાંઈ? મણિરાજ — હવે મારે રમવાનું મૂકી દઈ ઘોડે ચડવાનું, પટા રમતાં શીખવાનું, ને બૈરાંને મૂકી મહારાજની અને પ્રધાનજીની સાથે ફરવાનું તે દરબાર ભરાય તેમાં આવવાનું. જરાશંકર – કેમ મધુમક્ષિકા, આવી બોલી કરી છે? મધુ૰ - હા જી. મણિરાજ - હવે હું મહારાજની સાથે જમવાનો. જરાશંકર - એમાં તો મહારાજની આજ્ઞા જોઈએ. મણિરાજ – તે તમે અપાવો કે મધમાખ અપાવે. હું નહિ માગું. જરાશંકર – પિતાજીની પાસે તો માગવી પડે. મણિરાજ – માતાજીએ કહ્યું છે કે ક્ષત્રિયો માગે નહીં. જરાશંકર - ત્યારે જોઈતું હોય તે શી રીતે મેળવે? મણિરાજ — જાતે મેળવે, બળે મેળવે, તરવાર વડે મેળવે. જરાશંકર – ત્યારે આપ પણ તેમ મેળવો. મણિરાજ — મેં બોલી કરી છે તે મધમાખ નહિ અપાવે તો એના ઉપર રિસાઈશ એટલે એ એની મેળે અપાવશે. મધુ૰ — કુમાર, મારે તો આપની પાસેથી હવે જવાનું. મણિરાજ — જાય ક્યાં? બોલી પાળ્યા વગર જાય તો બારણા વચ્ચે ઊભો રહી રોકું. જરાશંકર - કુમાર, હવે તમારી બોલી મહારાજ પાળશે. મણિરાજ — મહારાજ આપને આજ્ઞા કરે તો બોલી પળાઈ સમજું. જરાશંકર — તે આજ્ઞા કરી જ સમજો. મણિરાજે મલ્લરાજ સામું જોયું. મલ્લરાજને હસવું આવ્યું. મણિરાજ – રાણીજીએ કહ્યું છે કે આપની આજ્ઞા વગર કોઈથી ચલાય નહિ ને પ્રધાનજી આમ કેમ પોતાની મેળે કહે છે? મલ્લરાજ – એમને જ પૂછો. જરાશંકર — કુમાર, મહારાજ પ્રસન્ન થાય ત્યારે એમની આજ્ઞા થઈ સમજવી. મણિરાજ – ત્યારે અમે પણ એમને પ્રસન્ન જ કરીશું એટલે અમારી મરજી પ્રમાણે થશે. જરાશંકર — એમ જ. મધુ૰ - મહારાજ, કુમાર સોંપી હું હવે રજા લઉં છું. મણિરાજ – મધમાખ, માતાજીએ કહ્યું છે કે રાજાએ અને કુમારોએ સેવકોની ચાકરી જાણવી. માટે ઊભી રહે. સૌ જોઈ રહ્યાં. મણિરાજ — મહારાજ, આપની આજ્ઞા હોય તો મારાં રમકડાં મધમાખના દીકરાને આપવાનાં છે તે હું માતાજીને મંદિર જઈને એને આપું. મલ્લરાજ પુત્રની કૃતજ્ઞતાથી પ્રસન્ન થયો અને તેને ખોળામાં લઈ બોલ્યો, ‘કુમાર, માતાજીએ જે જે કહ્યું છે તે સરત રાખજો ને એમને મંદિરે જઈ મધમાખને ખુશી કરો. મધુમક્ષિકા, કુમારને વાસ્તે યોગ્ય વ્યવસ્થા કરતાં સુધી માતાજીની પાસે જ થોડા દિવસ રાખજે ને હું બોલાવું એટલે લાવજે.’ મણિરાજ — મહારાજ, હું હવે રમકડાં રમવાનો નહિ. મલ્લરાજ હસીને બોલ્યો : ‘ના, કુમાર, નહિ. હવે તમારે બેસવાને ઘોડો ને રમવાને પટા ને બાણ આવશે — પ્રધાનજી સત્વર મોકલાવશે.’ મણિરાજ – તે શીખવશે કોણ? મલ્લરાજ - તે પણ આવશે. મણિરાજ — મને આપ ક્યારે બોલાવશો? મલ્લરાજ સાંજે કિલ્લો જોવા લઈ જઈશું. મણિરાજ - હા! મધમાખ, હવે ચાલ ને ઘેર જઈ તારા દીકરાને લાવ તો હું તેને રમકડાં આપી દઉં. મધુ૰ — તે મને આપજો એટલે હું એને આપીશ. મણિરાજ - ના. તું તો ઘરમાં રાખી મૂકે ને તારા દીકરાને આપે નહિ. એ તો હું જ એને આપીશ તે મારી પાસે લાવજે, ને જે પાછાં એની પાસેથી ખૂંચી લીધાં તો જોજે તારી વલે. મધુ૰ - એમ કરજો. ચાલો હવે મહારાજની રજા લઈએ. મણિરાજે એનું મોં ફરી દાબ્યું. મધુમક્ષિકા કુમારનો હાથ ખસેડતી બોલી : ‘કેમ મોં દાબો છો? જવાની ઇચ્છા નથી?’ મણિરાજ — અહીં ઊભી રહે. મહારાજ જશે ત્યારે જઈશું. મધુ૰ – ત્યાં સુધી શું કરીશું? મહારાજને હવે કામ હશે. મણિરાજ - મહારાજ પ્રધાનજી જોડે બોલશે તે સાંભળીશું. મધુ૰ — મહારાજની ખાનગી વાતો આપણાથી સંભળાય નહિ. મણિરાજ – ત્યારે રજા લે. આટલી વાર રાજાપ્રધાન પરસ્પર વાતોમાં ભળ્યા હતા તેને મધુમક્ષિકા કહેવા લાગી : ‘મહારાજ, હું ત્યારે આજ્ઞા માગું છું ને કુમારને સાથે લઈ જાઉં છું - પણ જતાં જતાં માતાજીના સંદેશા ઉપરાંત હું રંક કાંઈ વિજ્ઞપ્તિ મારા ભણીથી કરું તે સાંભળવી જોઈએ.’ મલ્લરાજ – બોલ. મધુ૰ - મહારાજ! સામાન્ય મનુષ્યોને પણ પુત્રરત્ન મૂલ્યવાન હોય છે તો રાજાને હોય તેમાં કાંઈ નવાઈ નથી. શ્રુતિ પુત્રને પિતા પાસે કહેવડાવે છે કે :

‘अंगादंगात्संभवसि हृदयादधिजायसे ।
आत्मा वै पुत्रनामाऽसि स जीव शरदः शतम् ॥ ’

(પુત્ર – મારા પ્રત્યેક અંગમાંથી તું સંભવ પામ્યો છે અને હૃદય પાસેથી ઉત્પન્ન થયેલો છે તે પુત્ર નામે મારો આત્મા જ તું છે : તે સો શરદઋતુ વટાવી જીવ જ.) – મહારાજ, પુત્રમાં પિતાના અંગનો આવિર્ભાવ તો થતાં થાય, પણ પિતાના હૃદયનો આવિર્ભાવ તો અવશ્ય થાય છે. મણિરાજ આ સર્વ વાત સાંભળી રહ્યો હતો, ધાત્રીના મુખ સામું જોઈ રહ્યો હતો અને મધ્યે પિતા અને પ્રધાનનાં મુખ સામું જોયાં કરતો હતો તે, મલ્લરાજ ઉત્તર આપે તે પહેલાં, ધાત્રીનો પાલવ ઝાલી બોલી ઉઠ્યો : ‘મધમાખ, ગણગણી રહી?’ મધુ૰ – હા, આપને કાંઈ કહેવું છે? મણિરાજ - એક બોલી તું કરે તે વગર હું આવવાનો નથી. મધુ૰ - શી બોલી? મણિરાજ – ભરતે સિંહના દાંત ગણવા માંડ્યા ને શકુંતલા આવી ત્યારે ભરતને મૂકી રાજા સાથે એ વાતો કરવા મંડી ગઈ ને ભરતને ન બોલાવે શકુંતલા ને ન બોલાવે દુષ્યંત! મધુ૰ – તેનું આજ શું છે? મણિરાજ – રાણીજીને તારે કહેવું કે મારે આમ ભરતના જેવું ન થાય, મારી સાથે તો આખો દહાડો ને રાત ભરતની ને લવકુશની વાતો કર્યા કરે તો આવું. સૌ હસી પડ્યા. મધુ૰ – તે રાણીજી કાંઈ મારા હાથમાં? આપ એમને કહેજો. મણિરાજ – હું આવ્યો ત્યારે રાજા તારા હાથમાં ખરા ને હવે જતી વખત રાણીજી નહિ. આવ્યો ત્યારે કેમ બોલી કરી હતી? – જા, નહિ આવું તારી સાથે. સર્વ હસી પડ્યાં. મલ્લરાજ —– કુમાર, જાઓ રાણીજીને કહેજો. મણિરાજ – હું રાણીજી પાસે માગવાનો નહિ. અમે રાજકુમારો તો બળે કરી લઈ એ – તે આવો તાલ નહિ ચૂકું. આપ દુષ્યંત રાજા જેવું કરશો તો મને નહિ ગમે. મારી સાથે તો વાતો કર્યાં કરશો તો મને ગમશે. રાજા પ્રધાન ફરી હસી પડ્યા. મધુમક્ષિકા મોં મલકાવી શરમાઈ ગઈ. મધુ૰ - કુમાર બોલી કરી બાંધશે. માગવાના નહિ. ચાલો ત્યારે એમ કરીશું. મણિરાજ - જોજે હાં! ફરી જઈશ તો પછી. જોજે. હું ખુશી નહિ રહું ને તને કાયર કરીશ. એ બે જણ વાતો કરતાં કરતાં ગયાં. તેમની પાછળ રાજાની દૃષ્ટિ ગઈ. કુમાર આગળ ચાલી ધાત્રીને હાથ ઝાલી ખેંચતો હતો અને ઉતાવળી ચલાવતો હતો. એ બે અદૃશ્ય થતાં રાજાની દૃષ્ટિ પાછી વળી. સૂર્યમાંથી કિરણ ફૂટે તેમ રાજાના પુત્રાભિમાનનો આનંદ ભભૂકતો હતો.


  1. સહી જવાની અશક્તિ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

સ્વાધ્યાય

૧. મણિરાજમાં એ બાળક હોવા છતાં પણ ભવિષ્યના આદર્શ રાજાની – કર્તવ્યશીલ સેવકની ઝાંખી થાય છે એ એના કયા વર્તનથી?
૨. મણિરાજ મધુમક્ષિકાને ચીડવે છે છતાં તેને માટે એને અનહદ ભાવ છે એ શા ઉપરથી લાગે છે?
૩. આ દૃશ્ય ભજવી શકશો?
૪. મણિરાજ પિતાને મળે છે એ વખતે તમે પણ ત્યાં હાજર હતા એમ કલ્પી ત્યારે બનેલા પ્રસંગનું તમારી ભાષામાં વર્ણન કરો.