સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ચિત્રવિલોપન

From Ekatra Foundation
Revision as of 02:02, 15 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ર. ચિત્રવિલોપન|નરસિંહરાવ દિવેટિયા}} {{center|[ઇન્દ્રવજ્રા વસંતતિલકા વૃત્ત ]}} {{Block center|<poem>સંધ્યા રમાડે ધરીને ઉછંગે આ શુક્રતારાકણીને શી રંગે! ને સિંધુમાં ગૂઢ થઈ ગયેલો જોતી રહી રસથકી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ર. ચિત્રવિલોપન

નરસિંહરાવ દિવેટિયા

[ઇન્દ્રવજ્રા વસંતતિલકા વૃત્ત ]

સંધ્યા રમાડે ધરીને ઉછંગે
આ શુક્રતારાકણીને શી રંગે!
ને સિંધુમાં ગૂઢ થઈ ગયેલો
જોતી રહી રસથકી રવિનાથ પેલો.
પ્રીતેથી પીતી સુખ વર્તમાન
ને ભાવિનાં રમ્ય સુણંતી ગાન,
સ્વપ્ને ન જોતી અતિગૂઢ ઘેરું
એ ચિત્ર દૂર વસતું લયકાળ કેરું.

[અનુષ્ટુપ]

સાવિત્રી સિંધુમાં વહેતી, તરંગો ઊછળે તહીં,
નાવડું નાચતું તેમાં આવતું જો! દીસે અહીં.
યુવતી તે વિષે બેઠી, બાળકી છાતીએ ધરી,
પ્રેમવાત્સલ્યના પાના અમોલા શા વહ્યા ઝરી.

[ખંડ હરિગીત]

‘નાવડું હંકારજો વેગથી, સંભાળથી,
ઓ ખલાસી કુશળ એ! આ મોંઘી છે મુજ બાળકી.
લાડકી મુજ જગ વિષે આવી એક જ માસથી,
તોય મુજ હૈડે વસી દિન અણગણ્યા ત્યમ ભાસતી.
સિંધુતટ પેલો ઊંચે દુર્ગ પર્વતટોચ જે,
તાત ત્યાં તુજ વાટડી જેતા ઉભા ધરી મોદને.
થાશું ભેળાં ક્ષણમહીં, દીર્ઘ વિરહ જ છેદીને,
પ્રથમ દર્શન આંકતાં કંઈ ચુંબનો કરશે તને.
નાવડું આ સિંધુમાં ઊછળે કંઈ વેગથી,
હૃદય પણ મુજ નાચતું દે તાલ તેને પ્રેમથી.
પ્રેમસાંકળ જે રૂડી મધુર બે-અમ ઉરની,
બીડતી દૃઢ તેહને તું કનક-કડી વણમૂલની.
દુર્ગ પર જો! ફરફરે ધવલ કર-અંચલ પણે;
હૈડું આ કંઈ થરથરે, ને પ્રેમમંત્રો શા ભણે!
હા! મીઠું બુલબુલ માહરું! કૂજતું કલરવ કરે,
લાડકી! તુજ એ અમી પીતાં ન મન તૃપ્તિ ધરે.
તાતને તુજ કૂજનો એ રૂડાં તું સુણાવજે,
મર્ત્યલોકે સ્વર્ગની કંઈ દીપ્તિ ક્ષણ ઝળકાવજે.
મીઠડી જે વ્યોમમાં શુક્રકણી શી શોભતી!
હા! તદૃપિ મુજ લાડકી એથી રુચિર અદકી અતિ.
ભૂતભાવિ ભૂલતી, સુખહિંડોળે ઝૂલતી,
સંગ લઈ મુજ પૂતળી, આનંદસિંધુ હું બૂડી.’—

[ઉધોર]

‘ઓ! આ આમ એકાએક નાવડું વાંકું વળિયું છેક!
ધાઓ! અરે જીવનનાથ!—લાડકી! ભર તું મુજને બાથ!’

[અર્ધ ભુજંગી]

‘ખલાસી! બચાવો! અરે કોઈ આવો!
દયાસિંધુ! આવું! શિશુ સાથ લાવું!’

[માલિની]

નિમિષમહીં જ ડૂબ્યું નાવડું સિંધુમાંહીં,
મધુર સુખછબીઓ ને ગઈ જો! ભુસાઈ!
ઉદધિઉદર સંધ્યા શુક્ર બંને સમાયાં,
તિમિરમહીં જ ગૂઢાં સિંધુએ ગાન ગાયાં.
‘નૂપુરઝંકાર’માંથી

સ્વાધ્યાય

૧. ‘પ્રેમના સંદેશ’ શબ્દો વડે યશોધરા શાનું સૂચન કરે છે?
૨ ક્યાં ક્યાં બુદ્ધ પ્રેમના સંદેશનું દર્શન કરે છે અને કરાવે છે?
૩. ‘પ્રેમના સંદેશ’ કાવ્યમાં જે કલ્પના તમને ઘણી ગમી હોય તેનો ઉલ્લેખ કરો.
૪. ‘ચિત્રવિલોપન’ શીર્ષક સમજાવો.
૫. ‘ચિત્રવિલોપન’ કાવ્ય વાંચતાં કેવી લાગણીઓ તમે અનુભવી તે જણાવો.
૬. ‘ચિત્રવિલોપન’ની પહેલી કડી યોજવામાં કવિએ ઘણું કૌશલ્ય દાખવ્યું છે એમ બતાવો.
૭. તોફાન થાય અને તે પછી જે ગમગીન શાંતિ ફેલાઈ રહે તેવું વાતાવરણ ચિત્રવિલોપનની કઈ પક્તિ વાંચતાં આપણે અનુભવીએ છીએ તે જણાવી શકશો?