ગુજરાતી નારીસંપદા : કવિતા/ગઝલ - ૨

Revision as of 02:47, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગઝલ

રિનલ પટેલ

હોઠ પર તાળું લગાવી રાખશો, પણ ક્યાં લગી?
સત્ય જો રંજાડશે તો ભાગશો, પણ ક્યાં લગી?

છે વિચારોનું કટક તૈયાર મનનાં દ્વાર પર,
વ્યસ્ત છો એવું બતાવી ટાળશો, પણ ક્યાં લગી?

એ તરફની દોર કાપી એ કશે ચાલ્યા ગયા,
આ તરફની દોર ઝાલી રાખશો, પણ ક્યાં લગી?

શ્વાન જેવું છે, એ ક્યારે શું કરે, નક્કી નહીં,
આ અહમને પાળશો, પંપાળશો, પણ ક્યાં લગી?

જિંદગી અણમોલ છે, તો પ્રેમ કરવો જોઈએ,
કાચનું વાસણ તમે સંભાળશો, પણ ક્યાં લગી?

***