રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાત અને ગુજરાતી સાહિત્ય
ભારતવર્ષ મોટો દેશ છે. ભૂગોળના ખંડ જેવડો મોટો દેશ છે. દેશની સ્થિતિમાં કેવળ ન રહેતાં રાષ્ટ્રની સ્થિતિ પ્રાપ્ત કરવાની એની મહેચ્છા અનેક પ્રયત્નો દ્વારા પ્રગટ થઈ છે. એ મહેચ્છાનો જે પ્રવાહ વરસે છે તે હજુ દેશના પ્રત્યેક ભાગમાં ફરી વળ્યો નથી. દેશ ઘણો મોટો છે. જેમનાથી દેશ બનેલો છે એવાં અંગો જાતિ, ધર્મ, ભાષા, આચાર, પહેરવેશ, ગુણ આદિ પરત્વે જુદાં છે એટલું જ નહીં પણું ઘણી રીતે અન્યોન્યના વિરોધી અને ઘાતક છે. જ્યાં લગી આ અંગોના અણુઅણુમાં ઉક્ત મહેચ્છા જાગી ઊઠી નથી, એની પ્રેરિત ગતિમાં તેઓનું સંચલન નથી ત્યાં લગી સમગ્ર દેશની મહેચ્છા માત્ર મહેચ્છા જ રહેવાની. ખેડાણ જમીન ફળદ્રુપ કરવા પાણીનો પ્રવાહ ચાલ્યો આવતો હોય તેથી જમીન ફળ આપતી નથી. જમીનમાં સર્વત્ર પાણી ફરી વળે અને જમીનના દરેક કટકાને તેની જરૂરિયાત પ્રમાણે જોઈતું પાણી મળે એવી જ્યાં લગી તજવીજ ન થાય ત્યાં લગી આવેલું પાણી ગમે તેટલું સમૃદ્ધિકારક હોય અને જમીન ગમે તેટલી કસવાળી હોય તોપણ ઇપ્સિત ફળ પ્રાપ્ત નહીં થવાનું. એકેક ક્યારાની ખાસ સંભાળ લેવાય, તેની જમીનનો કસ ઓછોવત્તો હોય તો તે પ્રમાણે જરૂરજોગા ઉપાય લેવાય, તેમાં ઉગાડવાનાં બી માતબર અને રોગહીન પસંદ થાય અને વ્યવસ્થાથી અને તેમના ઉછેરસંભાળથી, ખંતથી, ધીરજથી, ઉમળકાથી, શ્રદ્ધાથી થાય તો જ જમીન અને પાણીના સમાગમની સિદ્ધિ. સમુદ્રમાં ભરતી આવે પણ તે માત્ર કિનારે અફળાઈ ચાલી જાય તેથી બસ છે? ભરતી સમુદ્રમાં થઈ ખાડીમાં પ્રવેશે અને ખાડીમાંથી નદીમાં, વહેળામાં, ઝરણામાં — મેદાનોમાં, ખીણોમાં, પર્વતની તરડોમાં જ્યાં લગી ફરી વળી નથી ત્યાં લગી ભરતી આવે તો ય શું અને ન આવી તો ય શું? ભારતવર્ષને રાષ્ટ્ર થવાની મહેચ્છા થઈ પણ જ્યાં લગી એમાં વસતા હિન્દુઓ, મુસલમાનો, ખ્રિસ્તીઓ, પારસીઓને એ મહેચ્છા થઈ નથી – ગુજરાતીઓ, દક્ષિણીઓ, કાનડીઓ, તામીલો, તેલુગુઓ, બંગાળીઓ, આસામીઓ, બિહારીઓ, હિન્દુસ્તાનીઓ, પંજાબીઓ, સિન્ધીઓને એ મહેચ્છા થઈ નથી – બ્રાહ્મણોને, રજપૂતોને, વાણિયાને, કારીગરોને, વસવાયાને, ભંગીયાને એ મહેચ્છા થઈ નથી – પુરુષોને, સ્ત્રીઓને, બાળકોને એ મહેચ્છા થઈ નથી – બાળકને, યુવાનને, વૃદ્ધને એ મહેચ્છા થઈ નથી – ગૃહસ્થને, સંન્યાસીને, વિદ્યાર્થીને એ મહેચ્છા થઈ નથી અને એ મહેચ્છાનું પ્રેર્યું જીવન સર્વનું વ્યતીત થતું નથી ત્યાં લગી એ મહેચ્છા સિદ્ધ થતાં કેટલા યુગ લાગશે? એક તરફથી સમગ્ર ભારતવર્ષમાં રાષ્ટ્રભાવના સિદ્ધ કરવા પ્રયત્નો થતા હોય તો બીજી તરફથી એ ભાવનાના વિરોધી નહીં પણ પોષક પ્રયત્નો થવાની ખાસ જરૂર છે. રાષ્ટ્ર થવા વ્યક્તિત્વનો વિનાશ કરવાનો નથી. વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય નહીં ત્યાં લગી રાષ્ટ્ર સંપૂર્ણ ખીલતું નથી. જરૂર પડે રાષ્ટ્ર માટે વ્યક્તિત્વનો ત્યાગ કરાય પણ નાશ તો નહીં જ. રાષ્ટ્રના ભિન્ન ભિન્ન અંગોની ભિન્નતા છાંટી નાંખવાથી એકતા સિદ્ધ થતી નથી પણ ભિન્નતાનો એવો વિકાસ કરવામાં આવે કે વિકાસનું સ્વરૂપ એકતા લાવી શકે. ભારતવર્ષની રાષ્ટ્રભાવના પોષવા જે બળો, સંસ્થાઓ ચાલે છે અથવા જન્મતાં જાય છે તેમનું કાર્ય વધારે સિદ્ધિકારક કરવા એ પ્રયોગ કરવાની જરૂર છે. ભારતવર્ષનાં અંગો જુદાં જુદાં ધોરણે પાડી શકાય છે છતાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, આચાર આદિને લઈ, પડેલા પ્રાન્તિક અંગોનો વિકાસ રાષ્ટ્રીય ધોરણે કરવામાં આવે, પ્રાંત પ્રાન્તની ખાસિયત પ્રમાણે વિકાસ થાય છતાં સમગ્ર ભારતવર્ષની એકતા ખંડિત ન કરે એવું એનું સ્વરૂપ જન્મે તો અખિલ ભારતવર્ષ દેશમાંથી રાષ્ટ્રમાં તરત જ ફરી જાય. પ્રાન્તિક રાષ્ટ્રભાવનાનું પોષણ અખિલ ભારતવર્ષની રાષ્ટ્રભાવનાની સિદ્ધિ માટે છે – પ્રાન્તિક રાષ્ટ્રભાવના ઉક્ત મોટી જ્વલંત ભાવનાની નાશક નીવડે તો તે ત્યાજ્ય છે એવા નિશ્ચયથી પ્રયોગ થાય તો સમગ્ર ભારતવર્ષની રાષ્ટ્રભાવનાને હાનિ નથી. ગામડાનો વસનાર ગામડાનો દેશજન બને, શહેરનો વસનાર શહેરનો દેશજન બને, નગરનો વસનાર નગરનો દેશજન બને, પ્રાન્તનો વસનાર પ્રાન્તનો દેશજન બને અને દેશ સમગ્રનો વસનાર દેશ સમગ્રનો દેશજન બને અને દરેક સ્થિતિના ક્રમ પ્રમાણે તેનું મહત્ત્વ સમજી તે તે ક્રમના ધર્મો પાળે તો વિરોધ રહેતો નથી અને મૂળ સિદ્ધિ સબળ અને સમૃદ્ધ નીવડશે. પૃથ્વીના ખંડ જેવડા ભારતવર્ષની રાષ્ટ્રસિદ્ધિ માટે તેના પ્રાન્તોની રાષ્ટ્રસિદ્ધિ ઘણી જ અગત્યની છે. એક પણ પ્રાન્ત રાષ્ટ્ર થયા વિના રહે તો ભારતવર્ષના રાષ્ટ્રનું એક અંગ નકામું થશે. અને નકામું અંગ શરીરને રોગી અથવા અશક્ત કરી નાંખે છે. પ્રાન્તે પ્રાન્ત રાષ્ટ્ર થવા ઉદ્યુક્ત થાય, પોતાની પરિસ્થિતિ પ્રમાણે પોતાના વિકાસની તજવીજ કરે અને જેટલું જેટલું સર્વસામાન્ય થતું જાય ત્યાં ત્યાં સમગ્ર દેશની એકતા અણાતી જાય તો તેથી ડરવું કે ઉત્તેજિત થવું?