રણજિતરામ ગદ્યસંચય – ૨/બાદશાહજાદી

Revision as of 02:57, 6 June 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બાદશાહજાદી

પ્રથમ અંક

પ્રથમ પ્રવેશ

ઇસ્તામ્બુલ – પ્રાસાદમાં મંત્રણાકક્ષ. મુતાજેદ અને આજિજ.

મુતાજેદ : વૃદ્ધની એક અરજી છે, જહાંપના. આજિજ : આમ કેમ બોલો છો, વજીર? મુતાજેદ : કેમ બોલું છું તે હમણાં જાણી શકશો. આજિજ : બોલો. મુતાજેદ : અરજી મંજૂર કરશો એ વિશ્વાસથી હું આપની પાસે ઊભો છું. આજિજ : બોલતાં આજ આટલો આડંબર કરો છો કેમ, પિતૃબન્ધુ? મુતાજેદ : પિતૃબન્ધુ? શું બોલ્યા? ફરી એકવાર બોલો. આજિજ : હું બોલ્યો — આપે સાંભળ્યું છે. મુતાજેદ : સાંભળ્યું છે. સાંભળતાં કાંપી ઊઠ્યો છું. આજિજ : કેમ, શું મેં ખોટું કહ્યું (છે)? મુતાજેદ : ભૃત્યથી સમ્રાટને મિથ્યાવાદી કહેવાય? આજિજ: વજીર! આપની વાત સમસ્યા જેવી લાગે છે. મુતાજેદ : હું આપનો પિતૃબન્ધુ નથી. આજિજ : આ વાત સોગંદ ખાઈને કહો તોપણ હું નહિ માનું. મુતાજેદ : તોપણ હું બોલીશ. જહાંપના! હું આપના પિતાનો શત્રુ હતો—પરમ શત્રુ—બન્ધુ હતો નહિ. આજિજ : (હસીને) વજીર! આપના મગજની અવસ્થા બહુ સારી હોય એમ લાગતું નથી. મુતાજેદ: પૂર્વે મગજમાં વિકાર થયો હતો. પણ અત્યારે જ્ઞાન પાછું આવ્યું છે. આજિજ : ઠીક, અરજી કહો. મુતાજેદ : આગળ આપના પિતાની સાથે મારા સંબંધની મીમાંસા થવા દ્યો. આજિજ : ઠીક, આપ પિતૃશત્રુ. હવે શું કહેવું છે, કહો. મુતાજેદ : વિશાળ મોસ્લેમ સામ્રાજ્યના અધીશ્વર! વાત પૂરી સાંભળો નહીં ત્યાં લગી એકદમ મત પ્રકાશ કરશો નહીં. આજિજ : કેવી વિપદ! આપે જ તો કહેવાનું કહ્યું છે. મુતાજેદ : મારા કહેવાનું કહ્યાથી જ કહેશો! આપ સામ્રાજ્યના છેલ્લા ન્યાયાધીશ છો. પહેલો મારો ઇતિહાસ સાંભળો. સાંભળશો કે સમજી શકશો કે હું આપના પિતાનો શું હતો? આજિજ : બોલો. મુતાજેદ : આપને એક કાકા હતા તે આપ જાણો છો? આજિજ : હું તો શું પણ ઈસ્તામ્બુલના એક શિશુપર્યંત (સૌ) જાણે છે. મુતાજેદ : તે (સૌ) ખોટું જાણે છે. કોઈ જાણતું નથી! જાણતા માત્ર ત્રણ જણ. તેમાંથી એક દુનિયા છોડી ચાલ્યો ગયો છે. એક જણ છે કે નથી, તે ઈસ્તામ્બુલમાં કોઈ કહી શકતું નથી. ત્રીજો હું માત્ર જીવતો છું. કિન્તુ જીવતે મર્યા જેવો છું. લોકો જાણે છે કે આપના કાકા વિદ્રોહી હતા. વિદ્રોહિતાની શાસ્તિ (સજા) તરીકે તે દેશમાંથી નિર્વાસિત (દેશનિકાલ) થયા છે. આજિજ : હું પણ તે જાણું છું. મુતાજેદ : ભૂલ, ભૂલ – સમ્રાટ ભૂલ. તે આપના પિતા ઉપર ધિક્કાર લાવી દેશત્યાગ કરી ચાલ્યા ગયા છે. આજિજ : કેવી રીતે? મુતાજેદ : વિદ્રોહી તે નહોતાં. વિદ્રોહી આપના પિતા હતા. અને મેં તે જ વિદ્રોહિતાને સહાયતા કરી છે. આજિજ : મારા પિતા, પિતામહના જ્યેષ્ઠ પુત્ર – યોગ્યતમ ઉત્તરાધિકારી. તેણે કોના પ્રત્યે વિદ્રોહિતા આચરી હતી? મુતાજેદ : ધર્મ પ્રત્યે. જે તે રાજા પ્રત્યે નહીં. આપના પિતા આ વિશાળ ઓટોમન સામ્રાજ્યના એકલા ઉત્તરાધિકારી નહોતા. આજિજ: હું પણ જાણું છું તે. અને તેમ હોવું એ નીતિસંગત છે. મારે પણ જો અન્ય કનિષ્ઠ સહોદર હોત, હું સમજું છું કે તે હોવા છતાં પણ સામ્રાજ્યનો ઉત્તરાધિકારી એકમાત્ર હું થાત. મુતાજેદ : આપના પિતામહ સામ્રાજ્ય પોતાના બન્ને પુત્રને ભાગ કરી આપી ગયા હતા. આપના પિતાને બગદાદનો પશ્ચિમ ભાગ આપી ગયા અને પૂર્વ ભાગ આપના કાકાને. આ વિભાગથી બન્ને ભાઈઓમાં મનોમાલિન્ય રખેને ન થાય માટે તેમણે બન્ને ભાઈને મસ્જિદમાં લઈ જઈ, ઈશ્વરના નામના શપથ લેવડાવી એક પ્રતિજ્ઞાપત્રમાં બન્ને જણની સહી કરાવી હતી. આજિજ : શું કહો છો! આ બધું તો જરાયે હું જાણતો નથી! મુતાજેદ : પછીની વાત સાંભળો – આ હતભાગ્ય તે પ્રતિજ્ઞાપત્રનો સાક્ષી હતો. આપના પિતામહના મૃત્યુ પછી આપના પિતાએ સમસ્ત સામ્રાજ્ય ખાઈ જવાની ઇચ્છા પ્રકાશ કરી. આજિજ : બધું જાણતા છતાં આપે વાંધો લીધો નહી? મુતાજેદ : વાંધો? તેના આ બેઇમાની કાર્યનો પ્રધાન સહાય હું હતો. આજિજ : તેમ હોય તો ખરેખર જ આપ મારા હતભાગ્ય પિતાના પરમ શત્રુ. મુતાજેદ : માત્ર તે જ નહીં. ઉત્તરાધિકારને લીધે જે સમયે ઉભય ભ્રાતાઓમાં વિરોધ ઉપસ્થિત થયો, તે સમયે મેં મસ્જિદમાંથી પ્રતિજ્ઞાપત્ર બહાર લાવી દગ્ધ કરી નાખ્યું. રખેને, કાળ જતાં આપના કાકાનો કોઈ પણ વંશજ એ પત્રની ભાળ મેળવીને આપની સાથે શત્રુતા આચરે. કિન્તુ સમ્રાટ! મેં અર્થ કે પદવીના લોભે આપના પિતાને સહાય કરી નહોતી. સામ્રાજ્ય બે ભાગે વિભક્ત થવાથી રાજશક્તિ ખંડિત થશે એમ ધારીને સહાય કરી છે. આજિજ : સમજ્યો. બોલો હવે આપતી અરજી શી છે? મુતાજેદ : અત્યારે હું પસ્તાઉં છું. આજિજ : અત્યારે અનુતપ્ત! આ કંકાલસાર દેહ અનુતાપવહ્નિનું ખાદ્ય થવા યોગ્ય નથી. પિતાના મૃત્યુની સાથે સાથે જ આ દેહ બળીને ખાખ થવો ઉચિત હતો. મુતાજેદ : કિન્તુ તેમ થયું નહીં. હજી પણ જીવતો છું. માત્ર આપનું મુખ જોઈને જીવું છું. આજિજ : મારું મુખ જોઈને? તમારી આ હીન બન્ધુતાનો શો બદલો હું આપી શકું, વૃદ્ધ? મુતાજેદ : જો હું- આજિજ : જો હું શું? બોલતાં સંકોચ કરે છે કેમ? – જલદી બોલ. મુતાજેદ : જો આપના કાકાને ખોળી શકું? આજિજ : કાકા જીવતા છે? મુતાજેદ : ધારું છું કે, જીવતા છે. આજિજ : ખોળી કાઢો – કે તરત જ અહીં તેમને લઈ આવજો. મુતાજેદ : તેની સાથે તેનાં સ્ત્રી-પુત્ર-કન્યા હતાં. આજિજ : જે અવશિષ્ઠ હોય તે સર્વેને તમે અહીં લાવો. તરત જ તેમને તેમનું ધર્મતઃ પ્રાપ્ય અડધું રાજ્ય હું દાન કરીશ. એટલું જ તો શું પણ જો તે સમસ્ત રાજ્ય માગશે તો પ્રાયશ્ચિત્ત સ્વરૂપે સમસ્ત તેને આપવા તૈયાર છું. અધર્મથી પ્રતિષ્ઠિત રાજ્ય ટૂંક વખતમાં પ્રેતપિશાચની આવાસભૂમિ થાય છે. જાઓ–કેવળ એક વાત કહી જાઓ–મારી માએ શું આ નિષ્ઠુર બેઈમાનીનું સમર્થન કર્યું હતું? મુતાજેદ : જહાંપના! આપની જનનીના નામથી અધર્મ ફેલાવાયો છે. તેમણે પણ આજે આપની માફક સર્વપ્રથમ મારી પાસે આ અધર્મની વાત સાંભળી છે. આજિજ : કઈ દિશામાં મારા કાકા ચાલ્યા ગયા હતા તે આપને ખબર છે? મુતાજેદ : તેઓ બરાબર પૂર્વ દિશામાં ચાલ્યા ગયા હતા. વખતે તેઓ હિન્દુસ્તાનમાં હશે કે સમરકન્દના સુલતાનના રાજ્યમાં. આપના રાજ્યમાં નથી. આજિજ : એમ છે તો કેવી રીતે આપ જેવા વૃદ્ધ તેમની ખોળ કરશો? મુતાજેદ : નહીં તો કોણ કરશે? મારા પાપનું અન્ય પાસે પ્રાયશ્ચિત્ત કરાવું કેમ? આજિજ  : મારા પિતાનું પણ પાપ છે. મુતાજેદ : તેથી શું? આપ નિષ્પાપ છો. આજિજ : કોણે કહ્યું? ઉત્તરાધિકારના નિયમથી તેમના સમસ્ત ઐશ્વર્યનો માલિક હું થાઉં છું. તેમના પાપનું પ્રાયશ્ચિત્ત હું જીવતો છતાં બીજા પાસે કેમ કરાવાય? મુતાજેદ : આપ! આજિજ : હું જ કરીશ. આપ તો નિમિત્તના ભાગી છો પ્રકૃત ફલભોગી તેઓ હતા. મારાં કાકાની સંપત્તિનું આપે અપહરણ નથી કર્યું, તેમણે જ કર્યું છે. હું જ તેમની શોધમાં જઈશ. મારી અનુપસ્થિતિમાં આપ માજીની સાથે રાજ્યશાસન કરજો. મુતાજેદ : ના, જહાંપના – ના. આજિજ : ચલે જાઓ – ઘેલા! તેઓ શું તમારા આગ્રહથી આવશે એમ ધાર્યું? મને વિશ્વાસ છે કે ઈશ્વરના નામના શત શપથ લેશો તોયે તેઓ તમારી કથામાં વિશ્વાસ કરશે નહીં. તમારા મોંનું પણ તેઓ દર્શન કરશે નહીં. મુતાજેદ : ઠીક કહ્યું — ઠીક કહ્યું.

[મુતાજેદનું પ્રસ્થાન.]


આજિજ : વૃદ્ધની હયાતીમાં જ આ વિષમ કથા જાણી શકાઈ, એ મારું પરમ ભાગ્ય છે. હવે કાકાને જીવતા પાછા લાવી શકું એમ છે; એમ થશે તો એ હતભાગ્યનું મરૂમય જીવન બાકી રહેલા કેટલાક દિવસને માટે સરસ બને. આબ્બાસ!

[આબ્બાસનો પ્રવેશ.]


આજ રાત્રે જ મારે માટે અશ્વ સજ્જ કરવાનું કહી આવ. આબ્બાસ : આટલી રાત્રે ક્યાં પધારશો, જહાંપના? આજિજ : કોઈ ખાસ પ્રયોજનથી કેટલાક દિવસ મારે દૂર દેશ જવાનું છે. આબ્બાસ : એકલા? આજિજ : એકલો. આબ્બાસ : આપ દૂર દેશ પધારો અને ગુલામને ઘેર બેઠાં બેઠાં કેવળ આપના પ્રવાસ વિશે વિચાર કર્યા કરવો? દયા કરી ગુલામને પણ સાથે લો, જહાંપના. આજિજ : હું રાજ્ય લેવા જતો નથી. હું મારા ગુમ થયેલા કાકાની શોધમાં જાઉં છું. આબ્બાસ : જહાંપનાનો જય થાઓ. કિન્તુ ગુલામ સાથે નહિ હોય તો તેમને કોણ ઓળખાવી દેશે, જહાંપના? આજિજ : ત્યારે શું તું તેમને ઓળખે છે? આબ્બાસ : હું તો શૈશવથી તેમની સાથે હતો. આજિજ : એમ હોય તો અત્યારે જવા તૈયાર થા. આબ્બાસ : એક જણ બહાર જહાંપનાને મળવા પ્રાર્થના કરે છે. તે કહે છે કે હજાર કોશ દૂરથી આપની પાસે એક અરજ લાવ્યો છું. આજિજ : શું કહે છે! જવાની વખતે હું એને માટે શું કરી શકું? આબ્બાસ : આવેદન તો સાંભળી શકો. આજિજ : તેનો તને કાંઈ આભાસ દીધો નથી? આબ્બાસ : બિલકુલ નહીં જે કહેવાનું છે તે બધું જહાંપનાને કહેશે. આજિજ : સારું, એને મારી પાસે લાવી તું બધી તૈયારી બરાબર કરી આવ.

[આબ્બાસનું આમજેદને આજિજ સમીપે આનયન અને પ્રસ્થાન.]


આમજેદ : ક્યાંથી આવો છો મિ.યા? આમજેદ : જહાંપના! ગુલામ વાત કરવા અશક્ત છે. હજાર કોશ માર્ગે ચાલ્યો આવે છે. માર્ગમાં તિલાર્ધ સમય પણ વિશ્રામ લીધો નથી. જહાંપના! વાત કરવાનું સામર્થ્ય ગુલામમાં નથી. (પત્ર બહાર કાઢે છે.) આજિજ : આટલું કહેવામાં જે ક્ષણ કાઢી તે દરમ્યાન ક્યાંથી આવ્યો તે અનેક વાત કરી શકત, મિયાં! આમજેદ : શકત, પણ શક્યો નહિ. બોલવા ઘણી મહેનત કરી, મુખમાંથી બહાર નીકળ્યું નહીં. આજિજ : સારું, પત્ર આપો. (પત્રનું ગ્રહણ અને પઠન) હું! એક સુલતાનનન્દિનીના હાથનો પત્ર છે? આમજેદ : મારા સંમુખ – પોતે, જહાંપના! હાથમાં કલમ લઈને–ગુલામના મુખમાંથી એથી વધારે કાંઈ પણ વાત નીકળી શકતી નથી. આજિજ : આ પત્રનો મર્મ હું જાણતો નથી? આમજેદ : જાણતો હોત તો શું આટલીવાર થયાં જહાંપનાને કહ્યા વગર ચૂપ રહેત! આજિજ : તમારી સુલતાનનન્દિનીની સાથે વજીરપુત્રનો વિવાહસંબંધ નક્કી થઈ ગયો છે? આમજેદ : સંબંધ થયો છે, લગ્ન થવા દેવામાં નહીં આવે – કદી નહીં. લગ્ન થશે તો કદાચ તે પ્રાણ રહેવા દેશે નહીં. આજિજ : વજીરનો પુત્ર શું લિરિયાન બેગમનું પાણિગ્રહણ કરવા યોગ્ય નથી? આમજેદ : મર્કટ, મર્કટ. યોગ્ય પાત્ર માત્ર આપ છો. દુનિયામાં બીજું કોઈ નથી. કોણ તે? તેનું મુરદ શું, ચહેરો શું! જહાંપના! આજે જ રવાના થાઓ. મારા માલેકની દુઃખી કન્યાનો ઉદ્ધાર કરો. આજે નહીં રવાના થાઓ તો તેનો ઉદ્ધાર કરી શકશો નહીં. આજિજ : પણ એ દરમ્યાન(જો) તેનું લગ્ન થઈ જાય તો? આમજેદ : થઈ જાય – વજીરના બેટાને ગર્દન મારજો. આજિજ : તેને ગર્દન મારવાથી સુલતાનજાદીને લાભ શો? એકવાર તેનું લગ્ન થયું એટલે પછી તો તે સુંદરી ખલીફની પત્ની થઈ શકવાની નથી! આમજેદ : કોઈપણ રીતે લગ્ન થવા દેશે નહીં. પત્ની આપને કરવી જ પડશે. આજિજ : આ લગ્ન માટે તેના કાકાનો આગ્રહ જ અધિક છે. આમજેદ : તેનું મગજ બગડી ગયું છે, જહાંપના. આજિજ : આથી સમરકન્દમાં રક્તસ્રોત પ્રવાહિત થવાનો સંભવ છે, સમજ્યો? આમજેદ : થવા દ્યો, થવા દ્યો – હું તેમાં તરીશ. રક્તસાગર પાર કરી હું સુલતાનજાદીને આપના હાથમાં લાવી આપીશ તે પછી શું કહું – હું (ઈંગિતથી મુખ દેખાડી) હું અશક્ત છું. આજિજ : હવે સમજ્યો. તું અશક્ત નથી. તેં ઇચ્છાપૂર્વક કહેતાં કહેતાં વાત બંધ કરી છે. પ્રભુભક્ત વીર! રખેને તારા મુખથી વર્તમાન પ્રભુસંબંધે અમર્યાદ વાત નીકળી જાય તેથી તેં અનેક મર્મવેદનાભરી કથા રસનામૂલમાં જ આબદ્ધ કરી દીધી છે. આમજેદ : (અવનતજાનુ) જહાંપના! હવે સમજ્યો, આપની તુલના નથી. જ્યારે પકડાઈ ગયો ત્યારે કહું છું – ઘણી મર્મવેદના, શૈશવથી સુલતાનનન્દિની માતૃહીન લિરિયાનને ઉછેરી મોટી કરી છે. તે સુખમાં રહે એમ સમજી લિરિયાનના પિતા – મારા પૂર્વ પ્રભુના – મૃત્યુ પછી તેના અન્યાન્ય ભાઈઓને વંચિત કરી આ અબદુલમલિકને સુલતાન કર્યો છે. મર્મવેદના કેવડી મોટી છે તે સમજી શકતા નથી જહાંપના? જે રાજ્યની સ્વાધીનતા રાખવા આપના પિતાની સાથે કેટલા વત્સર સુધી યુદ્ધ કર્યું છે. દેહમાં શત સ્થાને અસ્ત્રાઘાત સહન કર્યા છે, તે જ રાજ્ય આજ હું આપના હાથમાં લાવી મૂકવા આપને દ્વારે ઊભો છું. આજિજ : તમારી પ્રભુજન્યા તે માટે તૈયાર છે? આમજેદ : તૈયાર. આજિજ : તેથી સુલતાનનું જીવન નષ્ટ થવા સંભવ છે, સમજ્યો? આમજેદ : થવા દો. તેણે જાતે જ વિપત્તિ બોલાવી આણી છે. સોનાનું કમળ મૃત્યુકુંડે નિક્ષેપ કર્યું છે. તેનો ઉદ્ધાર કરો. તે પછી તેને આપના અન્તઃપુરમાં સ્થાન આપજો. તેના રૂપથી આપનું ઘર ઊજળું થઈ જશે. આજિજ : અમીર ઉમરાવોનો મત શું આ લગ્નની તરફેણમાં નથી? આમજેદ : તેમનાં મતામત ઉપર જ જો આધાર કરવાનો હોત, તો દુનિયાના સર્વશ્રેષ્ઠ સમ્રાટનો શરણાપન્ન થાત કેમ, જહાંપના? આજિજ : કોઈ છે?

[એક ઉમરાવનો પ્રવેશ.]


સમરકન્દ ઉપર પિતાજીએ છેલ્લું આક્રમણ ક્યારે કર્યું હતું? ઉમરાવ : જહાંપના! સન તારીખ આ ગુલામને યાદ નથી. તોપણ આટલું સ્મરણ છે, આપનો તે પછી વર્ષે જન્મ થયો છે. આજિજ : ઠીક, આ શ્રાન્ત વૃદ્ધના વિશ્રામની વ્યવસ્થા કર. ઉમરાવ: ચલીએ જનાબ.

[આમજેદ અને ઉમરાવનાં પરસ્પર અભિવાદનનો અભિનય.]



બીજો પ્રવેશ

ઇસ્તામ્બુલ — પ્રાસાદમાંનો વિશ્રામ કક્ષ. આજિજ : પ્રવાસની પૂર્વક્ષણે કેવો વ્યાઘાત! હવે તો મારા કાકાની શોધમાં જવું બને નહીં. મનુષ્યત્વનું સામાન્ય માત્ર પણ અભિમાન હોય તો મારે આજે જ સમરકન્દ જવું જોઈએ. તેમાં વળી હું ખલિફ. દુનિયાની સમસ્ત મુસલમાન પ્રજાની ફરિયાદનો ન્યાય કરવાનો વિધિદત્ત મારો અધિકાર. સુલતાનનન્દિનીને વિપન્મુક્ત નથી કરતો તો ધર્મતઃ મારા ખલિફના નામને કલંકનો સ્પર્શ થશે, સહસ્ત્ર રાજ્ય જીતવાથી, પુત્રનો એકછત્ર અધીશ્વર થવાથી પણ મારું તો કલંક દૂર થશે નહીં.

[આબ્બાસનો પ્રવેશ]


આબ્બાસ : જહાંપનાહ! તૈયારી બરાબર થઈ છે. આજિજ : કયે રસ્તે જવું; આબ્બાસ? આબ્બાસ : પરસ્પર પૂર્વમુખે જાઓ. ભાળ કાઢશું. આજિજ : (આગળ) કોની ભાળ પહેલી કાઢું? મોં સામું જોઈશું? કાકાની ભાળ કાઢું કે—ના પત્નીની ભાળ કાઢું? આબ્બાસ : પેલો માણસ શું કોઈ રાજકુમારીના ખબર લાવ્યો છે? આજિજ : ખબર શું? કન્યા જાતે જ નિમંત્રણ કરે છે. આબ્બાસ : આપને નારી સંબંધે ઉદાસીન જાણ્યા છતાં પણ આપને નિમંત્રણ કરે છે? આજિજ : ઉદાસીન છું તે જાણવાનો તો સમય થયો નથી. આબ્બાસ : લગ્ન માટે શું જહાંપનાની અભિરુચિ થઈ છે? આજિજ: અભિરુચિ ના થઈ હોય તોપણ જવું કર્તવ્ય છે. કોઈ અપ્રિય પ્રણયપ્રાર્થીના હાથમાંથી ઉદ્ધાર પામવા માટે સુંદરી મારા આશ્રયની પ્રાર્થના કરે છે. આજે જ રવાના નહિ થાઉં તો તેનો ઉદ્ધાર અસંભવ થશે. આબ્બાસ : મોટી સમસ્યાની કથા. આજિજ : સુન્દરીને અત્યંત જુલમગારી જણાયા વગર પોતાના કાકાની વિરુદ્ધ મારી સહાયની પ્રાર્થના કરત નહીં. આબ્બાસ : તેનો કાકો શું રાજા છે?