રણજિતરામ ગદ્યસંચય – ૨/ત્રણ પ્રકારની સ્ત્રીઓ

From Ekatra Foundation
Revision as of 01:54, 9 June 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ત્રણ પ્રકારની સ્ત્રીઓ.

‘Sex and Character’ના વિદ્વાન યુવાન લેખકે સ્ત્રીઓના બે વર્ગ પાડ્યા છે; માતા અને વેશ્યા. એક ગુજરાતી વિદ્વાન બેને બદલે ત્રણ વર્ગ પાડે છે : આરજા(nun), માતા અને વેશ્યા(a fashionable woman). આ ત્રણ પ્રકારની સ્ત્રીઓનાં સ્વરૂપો કેવાં છે તેનું સંક્ષેપમાં દિગ્દર્શન કરીશું. આ જગતમાં જન્મ્યાથી જે જે પ્રાપ્ત થયું છે તેનો તિરસ્કાર કરવામાં, તેના પોતાના તેમ જ જગતના કલ્યાણ માટે ઉપયોગ કરતાં પાછી પાની ભરવામાં વિકાસને સ્થાને સંયમ, પ્રવૃદ્ધિને રૂચતા ઉત્સાહ – આગ્રહને ઠેકાણે જડ સંતોષ જીવનમાં વણી લેવામાં જે સ્ત્રીઓ પોતાનું આયુષ્ય ગાળે છે તેઓ આરજા છે. પોતાની નૈસર્ગિક શક્તિઓ વાપરતી નથી પણ કટાવી–કરમાવી દે છે. સંસારમાં અજાગલસ્તન જેવું જીવન ગાળી પંચતત્ત્વમાં વિલીન થઈ જાય છે અને પોતાના જન્મ વખતે જગત જેવું હતું તેવું ને તેવું જ મૂકી અવસાન પામે છે. વેશ્યા એટલે પોતાની સહજ શક્તિઓનો જેઓ દુરુપયોગ કરે છે તે. પોતાના યોગ્ય કર્તવ્યને અવગણી નિરર્થક, નિર્માલ્ય, દુષ્ટ અને હાનિકારક પ્રવૃત્તિઓમાં મચી રહે છે. ચોમાસામાં સ્વચ્છન્દ ઊગતી વનસ્પતિની પેઠે તેમની મનોવૃત્તિઓના ઘોડાઓ, મરજી મુજબ લગામનો દાબ ન રહેવાથી દોડ્યા જાય છે અને પોતાને તેમજ બીજાને હેરાન કરે છે. જગતનું ભલું કરવાનું તો દૂર રહ્યું પણ નાહકનું નુકસાન કરવામાં જ તેમની સર્વે ધમાધમી પરિણમે છે. દુખઃપીડિત, અનાથ, અકિંચન, રોગી કે વ્યથિતની શારીરિક, માનસિક કે આધ્યાત્મિક સુશ્રુષા કરી તેમને સુખી, આનંદી, અનાથ, સાધનભર, આરોગ્ય કે ઉત્સાહી કે પવિત્ર કરવાને બદલે ઓર તેમને વધુ પતિત કે વિપથગામી થવાના રસ્તા બતાવે છે. ખોટા બિનજરૂરી ખર્ચો, ફેશનો અને ફિશિયારીઓ, રીતરસમો, સમાજમાં દાખલ કરી અનેક કુટુંબોને તેથી કલહશીલ, દુઃખી કે વ્યગ્ર, વેશ્યાઓ કરે છે. પતંગિયા કે ઢીંગલી જેવું જીવન ગાળી બાહ્ય ઠાઠમાઠમાં જ મચી રહે છે. અંતર અણવિકસ્યું રહે, આત્મા પર મલિન રજ ચડે, પોતાની આસપાસનું માનુષ વાતાવરણ ઝેરી થાય, તે બધાંની દરકાર રાખ્યા વગર પોતાની મનમાનતી મોજો માણ્યા કરે છે. જાણીબૂઝીને સંસારમાં જે અનર્થો, ઉત્પાતો તે ઉપજાવે છે તેને માટે બિલકુલ પશ્ચાત્તાપ તેને થતો નથી તો અનાયાસે થયેલી ભૂલો માટે તો અનુતાપનું નામ જ શાનું? જન્મ વેળા જગત હોય છે તેને વધારે સારું કરવું યા તો હતું તેવું જ રહેવા દેવું – તેમ ન કરતાં તેને વધારે પતિત કરનાર વેશ્યા છે. પરમાર્થનું કેન્દ્ર, સ્વાર્થત્યાગનું મૂર્તિમંત સ્વરૂપ, સેવાધર્મ જેના લોહીના ટીપેટીપામાં ઊછળી રહ્યો છે, આનન્દના ફુવારા જેના શરીરમાંથી ફૂટી રહ્યા છે, જેના હૃદયમાં ઘૂઘવાટ કરતો ભરતીની માફક મનુષ્ય કિનારાઓને પખાળવા ધસતો જાય છે, કલ્યાણ જેની આંખમાં વસી રહ્યું છે, સૌભાગ્ય જેના કપાળમાં ઝગઝઘાટ મારી રહ્યું છે, પવિત્રતાથી જેનો દેહ બંધાયેલો છે એવી ઉત્કૃષ્ટ મહિલા તે માતા છે. બાળકને જન્મ આપી કુટુંબ અને રાષ્ટ્રની વૃદ્ધિ કરવાથી જ તે માતા થાય છે એમ નથી. સંસારીઓનાં ઉડ્ડયનો, અભિલાષા, વાંછના, રસ, સ્નેહ, ભક્તિ પોષી માતા પેઠે ઉછેરવાથી જ તે માતાના સન્માનને પાત્ર છે. શીલ, દયા, આસ્થા, પ્રેમ, ત્યાગ, નિષ્ઠા, આગ્રહ – જેમનામાં જાગતાં જ્યોત છે, જેનો પ્રકાશ સર્વત્ર રેલી અનેક મનુષ્યોનાં જીવન ખીલવે – તેમનાં પ્રભાવ, વચનો, કામો અને સ્નેહથી સંસારનો વેગ સપાટાબંધ ધપતો જાય છે. જન્મભૂમિ અને ઈશ્વરને તેથી જ સંસાર માતાના પવિત્રભાવથી પૂજે છે. માતૃભૂમિ અને અમ્બા વન્દે માતરમ્-ના અલૌકિક પવિત્ર ધ્વનિથી જ અર્ચાય છે. પુત્રી, સખી, પત્ની, ગૃહિણી, સંસારિણી માતૃભાવથી ભરેલી થશે ત્યારે જ સ્ત્રીનું સ્ત્રીત્વ પવિત્ર પ્રતાપથી ઓજસ્વી થશે, પૂજા પામી સમર્થ થશે અને સૃજન હેતુ સફળ કરશે.