રણજિતરામ ગદ્યસંચય – ૨/શરીરની સુષ્ઠુતા અને સુંદરતા

From Ekatra Foundation
Revision as of 02:24, 9 June 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શરીરની સુઘડતા અને સુંદરતા}} {{Poem2Open}} કુદરતી રીતે સ્ત્રીઓને સુંદર થવું ગમે છે. કુદરતે સુંદર ઘાટ, રૂપ કે રંગથી સંપન્ન કરી હોય કે ન હોય તોપણ નાનાવિધના અલંકાર, વસ્ત્ર, પ્રસાધન આદિથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શરીરની સુઘડતા અને સુંદરતા

કુદરતી રીતે સ્ત્રીઓને સુંદર થવું ગમે છે. કુદરતે સુંદર ઘાટ, રૂપ કે રંગથી સંપન્ન કરી હોય કે ન હોય તોપણ નાનાવિધના અલંકાર, વસ્ત્ર, પ્રસાધન આદિથી દેખાવડી થવા દરેક સ્ત્રી પ્રયત્ન કરે છે. પતિને પ્રસન્ન કરવા, આત્મસંતોષ પામવા અથવા દુનિયાનું આકર્ષણ કરવા કેવાં કેવાં પ્રસાધન સ્ત્રીઓએ પ્રયોજવાં, તેનું વિગતવાર વર્ણન સંસ્કૃત અને હિંદી ગ્રંથોમાં અપાયેલું છે. કુમારિકાઓ અને સૌભાગ્યવતીઓએ વર્ણન પ્રમાણે યથારુચિ શણગાર સજતી. ઘણા કાળથી ચાલ્યા આવતા ચીલે સૌ ચાલતાં. હવે આ સ્થિતિ પલટાઈ ગઈ છે. અંગ્રેજી કેળવણી અને અંગ્રેજ સંસારના વિશેષ પરિચયથી યથારુઢિ નહીં પણ યથારુચિ શણગાર સજવાનો – પ્રસાધન(toilet) કરવાનો રિવાજ દાખલ થતો જાય છે. ‘સુંદરીસુબોધે’ આજ લગી ‘પતિની પ્રભુપૂજા’ અને ‘વિદ્યાર્થીઓના સ્નેહજીવન’નાં ચિત્રો આંક્યા કર્યાં; પણ સુંદરીઓને પ્રિય અને સુંદરીસુબોધની દૃષ્ટિથી પણ આવશ્યક પહેરવેશ, શણગાર અને પ્રસાધનના વિષયો કેમ નહિ ચર્ચ્યા હોય? ‘સુંદરીસુબોધ’ના લેખકો અને વાચકો જીવનની ગંભીરતા પૂરેપૂરી સમજતા હોવાથી આવા સ્વચ્છંદ શોખ(frivolity)ના વિષયો પ્રત્યે ઉદાસીન રહ્યા હતા; એવો બચાવ કરવામાં આવે, તો તેને ‘બચાવ’ જ લેખી, જનસમાજમાં જે સ્થિત્યંતર થતું જાય છે તેની નોંધ લેવા આજથી શરૂઆત કરીશું. કોઈ સુશિક્ષિત બહેને આ વિષયનો મંગલ પ્રારંભ કર્યો હોત તો સૌને અને મને ઘણો આનંદ થાત. ઇંગ્લિશ કાપડ અને ફૅશનના પ્રવેશથી પારસી, મુસલમાન અને બંગાળની હિંદુ સન્નારીઓએ પહેરવેશમાં જે રમણીય તત્ત્વ ઉમેર્યું છે તેની, કે અલંકાર(દાગીના)ના ઘાટમાં જે વિવિધતા દાખલ થઈ છે તેની, કે તે પહેરવાની પદ્ધતિનું સૌંદર્યતત્ત્વ નવું જન્મતું જાય છે તેની, અથવા કેશ અને શરીરસંમાર્જનની વધુ લેવાતી સંભાળની, આ નાના લેખમાં નોંધ નથી. વાચક બહેનોમાંથી કોઈ એ નોંધ લેશે તો ઉપકાર થશે. મુંબઈના સુપ્રસિદ્ધ ઇંગ્લિશ દૈનિક ધિ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં દર સોમવારે સ્ત્રીઓના ઉપયોગની બાબત પર લેખ તથા ચિત્રો આવે છે. એ પત્ર વાંચી શકે એવી સંખ્યાબંધ બહેનોથી ગુજરાત વિભૂષિત નથી એ આપણાં કમભાગ્ય છે અને એ આપણામાં સ્ત્રીશિક્ષણની ચાલતી મંદ ગતિ બતાવે છે. ૧૪મી જુલાઈના અંકમાં આવેલા એક પરિચ્છેદ પરથી આ લેખ લખવાનું સૂઝ્યું છે. વસ્ત્ર અને અલંકારથી સુંદરતા આવે છે; સ્નાન અને તેમાંના સંમર્દનથી શરીર તેજ મારે છે; પણ એ સર્વ ઉછીનું છે. શરીર કસરત અને આરોગ્યથી ઘાટદાર અને તેજદાર જેવું થાય છે તેવું આથી થતું હશે? આપણો પહેરવેશ એવો છે કે શરીરના માંસલ ભાગ ઘાટદાર અને રમણીય બનાવવાની વૃત્તિ જ ન થાય. શરીરના બે અથવા ત્રણ અવયવ ખુલ્લા રહે છે. મોં, કોણીથી આંગળા લગીનો હાથ અને પગની પાની. ઘૂમટો કાઢનાર અથવા ઘરેણાથી હાથ અને પાની ભરી નાખનારને તે અંગો ઘાટીલાં અને તંદુરસ્તીથી લોહિયાળ અને તેજસ્વી કરવાની દરકાર ક્યાંથી હોય? ગરદન, છાતી, કેડ, હાથ, આંગળીઓ અને પગના માંસલ નળાનું સૌષ્ઠવ આણવા ઇંગ્લિશ રમણીઓ ભિન્ન ભિન્ન પ્રકારની કસરત કરે છે. પાણીનું બેડું માથે ભરી લાવવાથી કે દળણું દળવાથી ગરદન અને છાતીને કસરત મળતી, પણ લક્ષપૂર્વક આકૃતિ ઘડવામાં ન આવતી હોવાથી સૌંદર્યનો બહાર ખીલતો નહિ. શરીરદૃષ્ટિની પ્રમાણબદ્ધ ઘાટરેખા મેળવવા અને જાળવી રાખવા, ચામડીની કુદરતી પ્રફુલ્લ તંદુરસ્તી સાચવી રાખવા, હાથ અને પગની ગતિમાં લાલિત્ય(grace) અને આરામ(ease) આણવા, ઊભાં રહેતી વખતે કે બેસતી વખતે શરીરની સ્થિતિ(pose) આકર્ષક, પ્રતાપપૂર્ણ અને ભાવસ્નિગ્ધ રાખવા, અંગ્રેજ રમણીઓ જાતજાતની દીવાનખાનાની(indoor) અથવા આંગણાની(outdoor) રમત ખેલે છે. એ રમતોનું ટૂંકું વર્ણન ઉપયોગી થશે. આપણા સંસારના બંધારણને લીધે, આપણી સાંપત્તિક સ્થિતિને લીધે અને કેળવણીની ન્યૂનતાને લીધે, એ બધી રમતો આપણે રમી શકીએ એમ નથી, તેમ રમવાની જરૂર પણ નથી. છતાં શરીરને સુષ્ઠુ અને સુંદર બનાવવા પ્રત્યે લક્ષ દોરાય તો આપણી પરિસ્થિતિને અનુકૂળ આપણી પ્રચલિત રમતોમાંથી આપણાં નિરંતરના કાર્યવ્યવહારમાંથી, અને પરદેશી રમતોમાંથી પસંદગી કરી શકાય. સારી સ્થિતિવાળી ઇંગ્લિશ સુંદરીઓ ગોલ્ફ, ટેનિસ અને હોકી[1] રમે છે. આથી એમનું શરીર તંદુરસ્ત અને આરામ રહે છે. ઘોડેસ્વારી અને તરવાથી પણ સારો ફાયદો થાય છે. આ ઘર બહારની રમતો છે. ગુજરાતની હિંદુ સુંદરીઓના ભાગ્યમાં એ રમવાનું હાલ નથી. નિશાળો પણ બેદરકાર છે. ઊલટું રમાતી હતી તે રમતો નિશાળ અને કેળવણીથી બંધ થઈ છે. ગરબા, રાસડા, ફૂદડી વગેરેનો સાર્વજનિક પ્રચાર સાર્વજનિક રહ્યો છે? નિશાળોમાં કસરત માટે આંગણું કે વાડો ન હોય તો છાપરાને ઠેકાણે અગાસી બાંધી રમતનું સ્થાન ત્યાં ન કરી શકાય? નિશાળો અગાસીવાળી બનાવવાનો આગ્રહ સમાજે કરવો જોઈએ છે. અગાસીથી જગ્યાનો સંકોચ નડશે નહીં, તેમ મલાજો જાળવવો હશે તો તે પણ જળવાશે. હવે દીવાનખાનાની રમતો જોઈએ. તરવા ન જઈ શકાય તો ઓરડામાં ભોંય પર ઓશીકાં મૂકી હવામાં તરવાની સર્વે ક્રિયા કરવામાં આવે છે. તકીયા પર લાંબા થઈને સૂઈ જઈ અમુક વખત લગી હાથપગ તરતી વખત હલાવાય તેમ હલાવે છે. આ પછી વજનમાં હલકો, નાનો ગાળો(hoop) હવામાં ઊંચે ઉડાડવામાં આવે અને બે લાકડીથી પડતો ઝીલવામાં આવે; પછી ઝડપથી ચક્કર ફેરવી એકદમ પાછો ઊંચે ફેંકવામાં આવે. આ રમત રમવાથી ગતિનાં લાલિત્ય અને આરામ(ease) આવે છે. ઘર બહાર દડાની મરદાની રમતો જેમનાથી નથી રમાતી, તેઓ રંગીન ઊનના દડાથી ઘરની અંદર રમે છે. ત્રણ જુદી જુદી જાતના રંગના દડા હોય છે: સફેદ, રાતો અને આસમાની. જાદુગરની પેઠે એક પછી એક હવામાં તે ઉછાળવામાં આવે છે અને ઝીલવામાં આવે છે. આપણી બાળાઓ પાંચીકા(કુંકા)ની રમતો રમે છે તેને મળતી આ રમત લાગે છે. જાણીને વાંચનારી બહેનો અજાયબ થશે કે યુરોપ-અમેરિકાની કન્યાઓ પણ આ રમત ખેલે છે અને અહીંની માફક ત્યાંયે એમના જુદા જુદા દાવ છે. ઘણા દાવ મળતા આવે છે. પ્રાચીન કાળમાં આપણા દેશમાં કન્યાઓ દડો(કન્દુક) ઉછાળવાની રમતો રમતી. દશકુમારચરિતમાં કન્દુકખેલનનું વર્ણન છે. દડાની રમત વિશે કન્દુકાગમ નામનો ગ્રંથ હતો, એવું એનો એક ટીકાકાર લખે છે.[2] દડો ઉછાળવા અને ઝીલવાની દરેક રીત સૌંદર્ય સાધવામાં વિજયવંત નીવડે છે, કારણ કે એથી હાથના કોણી પરના ભાગ(arm) અને મણિબંધ પહોંચી(wrist)માં દક્ષતા(dexterity) આવે છે તથા નજર ચાલાક(quick) થાય છે. ગરદન અને ગળાની ઘાટીલી ખૂબસૂરતી માટે પણ દડાની રમત ઘણી અગત્યની છે અને ઘણી સ્ત્રીઓ પોતાના શરીર પ્રમાણે એ રમતોની નવનવી રીતો યોજે છે. હાથની ગતિને લાલિત્ય અને આરામ(ease) આપવા નાના પ્રકારની સૌંદર્યજનક રમતો રમાય છે. આંગળીઓ અને પહોંચી(wrist)ને સહેલાઈથી વળે એવાં(supple) બનાવવા પ ખાનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરડામાં પંખાથી આકડાનું રૂ ઉડાડવામાં આવે છે અને રૂની પાછળ પાછળ દોડવામાં આવે છે. આકડાનું રૂ ન હોય તો પરમેશ્વરની ગાયની પાછળ પણ ફરી શકાય. બેથી વધારે આ રમત ઘરમાં અથવા ઘર બહાર રમી શકે છે અને રૂને વીંઝવાથી આંગળાં અને પહોંચીને સુષ્ઠુ વ્યાયામ મળે છે તેમ જ ગતિમાં લાલિત્ય અને કુશળતા(dexterity) આવે છે. આ તો અતિશય સંક્ષેપમાં કથન થયું. વિશેષ જાણવાની આતુરતા અતૃપ્ત રહેશે. પણ વિષય પ્રત્યે અંગુલિનિર્દેશ થયો છે : એટલે બીજાં ભાઈબહેનો એ અતૃપ્તિ છિપાવવા પ્રયત્નશીલ થશે. ચર્ચિત વિષય અગત્યનો લાગે તો પહેરવેશ, અલંકાર, પ્રસાધનની વિવિધતા, સુંદરતા અને આવશ્યકતાની કથા રસથી ‘સુંદરીસુબોધમાં’ થવાની આશા રાખું છું. આ ઉપરાંત વાતાવરણ એટલે ઘરની રચના, સરસામાનની ગોઠવણ, આંગણાની ફૂલઝાડથી શોભા, સમાજમાં હળતીમળતી વખતે વર્તવાનું લાવણ્ય અને લાલિત્ય અને સૌથી વિશેષ મહત્ત્વનું આત્માનું સૌંદર્ય વર્ણવવામાં પણ આવશે, એમ આશા છે. એક કદરૂપા ગુલામને બાદશાહે પૂછ્યું ‘ખુદાએ હુસ્નની વહેંચણી કરી ત્યારે તું ક્યાં હતો?’ ગુલામે અદબથી જવાબ આપ્યો, ‘ગરીબનવાજ! ત્યારે હુસ્નના બજારમાં નહિ, પણ નસીબના બજારમાં હું હતો.’ અમારી ગરવી, ગુણવંતી રસાળ ગુજરાતની સુંદરીઓ–જેમના સૌભાગ્યથી શ્રીનિવાસ ચંપુકાર મુગ્ધ થયો હતો—તે નિરંતર હુસ્ન–અને નર્સબના બજારમાં હાજર રહો!

જે વર્તમાનપત્ર પરથી આ લેખ લખવા પ્રેરણા થઈ તેમાં જ બીજો એક લેખ ‘સુંદરતાથી કેવી રીતે રહેવું?’ એવા ગૌણ મથાળાથી આવ્યો હતો. તેમાં સાધારણ વેપારીની વહુ, મધ્યમ સ્થિતિવાળી અને ઘણાં છોકરાંની માતા—માર્ગરેટ નામની કેવી રીતે સુંદરતાથી જીવન ગાળે છે, તેનું ટૂંકું બયાન આપેલું છે. માર્ગરેટનું આનન સુંદર છે, તેની શરીરયષ્ટિ અતિશય લલિત છે અને ઊંચાઈના પ્રમાણમાં તે પાતળી(Slim) છે. જોનારની આંખને આનંદ આપવા ઉપરાંત એની સુંદરતામાં ઘણું વિશેષ છે. કેવી રીતે સુંદરતાથી જીવન ગાળવું તેનો મંત્ર એને હાથ આવ્યો છે. દુનિયા એનું જીવન નીરખે અને તેની સર્વતઃ પૂર્ણતામાંથી લેવાય એટલો આનંદ લે, એવું એનું વર્તન છે. એની ટીકા કરનાર ઘણા છે, અને તેમાં પણ સ્ત્રીઓ છે. ધણી, બચ્ચાં અને ઘરમાંથી તેઓ શરીર કે મનના સંસ્કાર માટે નવરાશ મેળવી શકતી નથી. તેથી એમને એવું લાગે છે કે માર્ગરેટ નિર્દય અને સ્વાર્થી હોવી જોઈએ. સ્ત્રીના કર્તવ્યથી વિમુખ હોવી જોઈએ, પણ આ સાચી હકીકત નથી. અલબત્ત, સુંદર જીવન ગાળવા સારી આવક જોઈએ. પગારદાર માણસો મારફત કામ લેવાથી નવરાશ વધારે મળી શકે છે. માર્ગરેટ નાનાંસૂનાં કામો નોકરને સોંપે છે, અગત્યનાં પોતે કરે છે. નવરાશ કેવી રીતે ગાળે છે? સવારમાં નાના પ્રકારની કસરત કરે છે. આથી જાજ્વલ્ય આરોગ્ય અને લલિત આકૃતિથી ભાગ્યશાળી થઈ છે. પટાબાજી ખેલવાનો, ઘોડેસવારી કરવાનો, તરવાનો અને નાચવાનો એને શોખ છે. બપોરે સંગીતની તાલીમ જાતે લે છે. પિયાનો વગાડતી ગાય છે અને કુદરતી રીતે સૂરને ખીલવા દે છે. સાથે સાથે જાતજાતનાં ગીતોનો સ્મરણસંચય કરી લે છે અને વખત આવે ત્યારે મિત્રોને તેથી ખુશમિજાજ કરે છે. કપડાં પર પુષ્કળ ધ્યાન આપે છે, જાતે જ કપડાં સીવવાની અજબ આદત એને છે. રંગમાં અને નમૂનામાં(design) તે ઉત્તમ હોય છે, એટલું જ નહીં પણ કોઈના પણ પહેરવેશને જરાયે મળતાં નથી હોતાં. એવું એકે નવું પુસ્તક વાંચવા જેવું નહીં હોય જે એણે ન વાંચ્યું હોય; કે એવો નવો ખેલ એણે ન જોયો હોય. સારામાં સારું શોધી કાઢવામાં તે પાવરધી છે. નિર્માલ્ય જોવામાં વખત બિલકુલ ગાળતી નથી. આ ઉપરાંત જાતજાતના મનુષ્યો સાથે મિત્રતા વધારવાના પ્રસંગો તે મેળવે છે. જીવનમાં સૌંદર્ય તે ભરે છે તે આવા પ્રસંગે મિત્રોમાં વેરે છે. એની સાથે પત્રવ્યવહાર રાખવાનું ભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે તેઓ હંમેશ એના પત્રોની આતુરતાથી રાહ જુવે છે. કારણ કે તેમાં આનંદથી જિંદગી ભોગવનારીનો શ્વાસોચ્છ્વાસ ચાલી રહેલો હોય છે. સમભાવથી તે છલકાતા હોય છે. તે હૃદયહીન નથી, એની સાક્ષી એનાં બાળકો અને પતિ આપે છે. બીજી અનેક પ્રવૃત્તિમાં પડવા છતાં પત્ની અને માતાનાં કર્તવ્યો તે બજાવી શકે છે. એનાં બાળકોના ખંડમાં એનું સૌંદર્ય સવિશેષ દીપી નીકળે છે. એનાં બાળકો માતાની ખૂબસૂરતીથી રાચે છે અને તે માટે મગરૂર હોય છે. રાત્રે સૂતી વખતે ગવાતા માનાં ગીતો દિલથી તેઓ સાંભળે છે અને તે માટે ઉત્સુક હોય છે. એનો પતિ મોઢે પ્રશંસા કદી કરતો નથી તેમ એને વિશે વાત પણ નથી કરતો; છતાં એના તરફ વારંવાર દૃષ્ટિ નાખતાં જોવામાં આવ્યો છે અને માર્ગરેટ પાછી વળી એની નજર સાથે નજર મેળવતી પણ પકડાઈ છે. તે એના જીવનનો મંત્ર જાણે છે અને એની ખૂબી પિછાને છે અને એનાથી પૂરો સંતુષ્ટ છે.

—લેખમાં મૂળ મુદ્દા આટલા છે: (૧) વિશ્વની સુંદર વસ્તુઓમાં સ્ત્રીનું સૌંદર્ય અનુપમ છે. તે જેટલું દૃષ્ટિને આહ્લાદક, વૃત્તિને મોહક છે, તેટલું જ આત્માને સાંત્વનપ્રદ અને મનને ઉલ્લાસપ્રદ છે. વિશ્વવ્યવસ્થામાં એ સૌંદર્યને સ્થાન છે. એની આવશ્યકતા છે. એ સત્ય આપણા દેશમાં હાલ જોઈએ તેટલું સમજાયું નથી. જીવનના પ્રત્યેક વ્યવહારમાં એ સૌંદર્યનાં પ્રકાશ–ઉષ્મા ઓતપ્રોત થવાં જોઈએ. (૨) કુદરતી સૌંદર્ય હોય, તો તેનું જતન કેવી રીતે કરવું, તેમ જ તેને કેવી રીતે ખીલવવું? સૌંદર્યની રસવૃદ્ધિ માટે આરોગ્ય ખાસ જરૂરનું છે. સંસ્કૃત સાહિત્યમાં જે સ્ત્રૈલાવણ્ય વર્ણવાયું છે, તેનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ આ જ હકીકત જણાવે છે. આરોગ્ય કસરતથી આવે છે. ફ્રાન્સની સુંદરીઓએ એક વેળા શરીરના કુદરતી ઘાટને અનુકૂળ પોષાક પહેરવાનો સંકલ્પ કર્યો. પ્રચલિત કૃત્રિમ પોષાકમાં, એ ખાતર, ફેરફાર કરતાં સૂઝ્યું કે, શરીરને રૂપવાન અને ઘાટીલું બનાવવા કપડાંની કરામત કરતાં કસરત કરવી વધારે લાભદાયક છે. રસ્તો સુઝ્યો કે તરત જ તેનો અમલ શરૂ થયો. એકદમ ચમત્કાર થયો. વિરૂપતાને સ્થાને સુંદરતા અને ચિર તારુણ્ય આવી ઊભાં. કસરત અને આરોગ્યનું મહત્ત્વ સુંદર થવા માટે છે, તેમ ચિરાયુ થવા માટે પણ છે. અકાળે કાચી કળીની માફક ખરી જતી સ્ત્રીઓ આયુષ્ય માટે નહીં તો સુંદર થવા કસરત કરશે તોપણ ગુજરાત એમનું ઋણી થશે. (૩) સુંદર થવા કૃત્રિમ સાધનોની જરૂર નથી; આ ખાસ લક્ષમાં રાખવા જેવું છે. અત્તર કે સેન્ટના મઘમઘાટથી જનસમૂહમાં ઘૂમતી સુંદરી કરતાં પોતાના સૌંદર્યથી–તેમાંથી ફોરતી સુગંધથી સમાગમમાં આવનારને ડોલાવતી સુંદરી ધન્યાસ્પદ છે. કસરતથી યૌવન અને લાવણ્ય જળવાય છે, તેવું પાઉડર વગેરેના લેપથી નથી થતું. (૪) કસરત કેવી કરવી? આ લેખમાં તેનું રેખાંકન પણ નથી કરી શકાયું. યુરોપની સુંદરીઓ જે રમતો ખેલે છે તે આપણે ખેલી શકીએ એમ નથી. પ્રશ્ન ગંભીર છે અને વિચારણીય છે. ઉકેલ એકદમ થાય એમ નથી. અજમાયશે ઘણી કરવી પડશે. આમ ધારી એની વિગતોમાં નથી ઊતર્યો. (૫) આપણે ત્યાં પૈસાદારની સ્ત્રીઓને તેમ જ મુંબઈ જેવા શહેરોમાં વસતી સ્ત્રીઓને જરૂર કરતાં વધારે નવરાશ મળે છે. આ નવરાશમાં તેઓ સુંદર થવાનો પ્રયત્ન કરી શકે. દેશસેવા કરવાના પ્રયત્ન કરતાં આ પ્રયત્ન સહેલો અને મુશ્કેલી વિનાનો છે. (૬) વસ્ત્રો, આભરણ, પ્રસાધન, સંલાપ, ધર્મવ્યવહાર વગેરેમાં વિવિધ રીતે, પોતાનું વ્યક્તિત્વ સ્ફૂટ કરે એવું સૌંદર્ય આપણી સુંદરીઓ ધારે તો ખીલવી શકે. દેખાદેખી નકલ કરવા કરતાં જાતે વિચારી નવા નમૂના યોજી કાઢે તો એટલી આપણી માનસિક સંપત્તિ વધશે. પોલકાં ચોળીના ફુગ્ગા અથવા તેના પર મુકાતી ‘રસીઅન’ વગેરે(સ્ત્રીઓના પહેરવેશના પારિભાષિક શબ્દો સાચાખોટા વપરાયા હોય તો મારી બહેનો દરગુજર કરશે)માં રહેલું સૌંદર્યતત્ત્વ કોઈ બતાવશે? ભોજનકાળે પણ સુંદર થઈ શકાય છે–આસપાસ પણ સુંદર કરી શકાય છે. ‘સુંદરીસુબોધ’ના તંત્રીને મારી નમ્ર વિનંતિ છે, કે ઇંગ્લૅંડ જઈ આવેલા કોઈ ગુજરાતી બન્ધુ પાસે ઇંગ્લિશ રમણીઓના જીવનવ્યવહાર વિશે લેખ લખાવે. એવા લેખ ઉક્ત સુંદરતાનું સવિસ્તર વર્ણન આપશે. (૭) સુંદરતાને માટે આગ્રહ જન્મતાં લલિતકલાઓ માટે આદર વધશે અને તેમની યોગ્ય ખીલવણી થશે. રૂમાલ ગૂંથવામાં વખત કાઢનારી સુંદરીઓમાંથી કેટલીને સારું ગાતાં આવડતું હશે? ઘણી સ્ત્રીઓને ત્યાં ગૂંથેલા રૂમાલનો બિલકુલ ખપ નહીં હોય, પણ તેનાં બાળકો અને પતિને તેના મધુર કંઠનો ખપ હોય છે. (૮) સુંદરતાની કદર ધર્મવૃત્તિનું શોધન કરશે. મંદિરમાં અથવા ઘરના દેવાયતનમાં જે જે અસુંદર અને અનીતિભર્યું હશે તે દૂર થશે. રસિક વૃત્તિની જાગૃતિ અધમ અને નિશ્ચેતન ધર્મ ક્રિયાઓથી રાચશે નહિ. (૯) સુંદરતા લાવવા સ્વચ્છતાનો આશ્રય કરવો પડશે. (૧૦) સુંદરતા એટલે ભભક નહીં. (૧૧) આગળ સ્ત્રીનું સ્થાન કુટુંબમાં હતું—સ્ત્રીઓમાં અને નોકરોમાં બેસવા-ઊઠવાનું હતું. આજે કુટુંબ કરતાં પતિના સ્નેહી-સંબંધીઓમાં તેની પ્રતિષ્ઠા થવા માંડી છે. પતિની સંસ્કારવાંછના ઊંચી થઈ છે, સંતતિની પણ થતી જાય છે. આવે વખતે સ્ત્રીઓએ સંપન્ન (accomplished) થવાની જરૂર છે. આ સંપન્નતાનો સુંદરતા મોટો અંશ છે. સુશ્લિષ્ટ રૂપમાં લખાયેલી નહીં; પણ આ વેરણછેરણ રહેલી વિચારગર્ભ વાક્યાવલિ વાંચવાની તસ્દી આપું છું અને તકલીફ માટે ક્ષમા માગું છું.


  1. આ રમતો વિશે આપણી ભાષામાં ગાયકવાડ સરકારના આશ્રયથી રા. રા. છગનલાલ ઠાકોરદાસ મોદીએ પુસ્તકો લખ્યાં છે.
  2. કન્દુક કેવી રીતે ખેલાતો હશે. તે મૂર્તિમંત નિહાળવાની દશકુમારચરિત ભણતી વખતે હોંશ થઈ હતી. ઈ.સ. ૧૯૦૯ કે ૧૯૧૦ની સાલનાં ધિ ઈલેસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ નામના સચિત્ર સાપ્તાહિકમાં સાગરિકા (Oceania)દ્વીપસમૂહના અસંસ્કૃત લોકોની દડાથી રમતી કન્યાનું ચિત્ર જોવામાં આવ્યું. સંસ્કૃત ભાષામાં વાંચેલા વર્ણન સાથે ચિત્રમાં આંકેલી ગતિ આબેહૂબ મળતી આવી હતી.