ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા

From Ekatra Foundation
Revision as of 03:31, 20 July 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧ ભૂમિકા

ભોગીલાલ સાંડેસરા

ઈ. ૧૪૫૦ થી ૧૮૫૦ સુધીનો આશરે ચાર શતાબ્દીનો કાલખંડ એ વાસ્તવિક અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ છે. નરસિંહ પૂર્વેના સાહિત્યને પ્રાચીન ગુજરાતી કે મારુગુર્જર સાહિત્ય કહી શકાય. એનીયે પહેલાં ઉત્તરકાલીન અપભ્રંશ તથા અપભ્રંશ ઐતિહાસિક પૂર્વક્રમમાં રહેલાં છે. પ્રથમ ઉત્તર ભારત ઉપર અને પછી બાકીના ભારત ઉપર તુર્કો અને મુસ્લિમ ધર્મ પાળતા પરદેશીઓનો વિજય થયો ત્યારે ઊભા થયેલા ધાર્મિક-સામાજિક અનેકવિધ નવા પ્રશ્નોના સંદર્ભમાં ભારતીય માનસને અને ભારતીય સંસ્કારિતાના એક નવા જ યુગને અભિવ્યક્તિ આપવાનું કાર્ય ભારતીય ભાષાઓએ નવેસરથી ઉપાડી લીધું. લોકપ્રચલિત કથ્ય ભાષાઓએ તત્કાલીન સમાજની વ્યાવહારિક જરૂરિયાતો પૂરી પાડવાની હતી તે સાથે દેશની અંદર જ દેશની સંસ્કારિતા માટે લડત ચલાવવાની હતી. ભારતીય જીવન એના જૂના ચીલાઓમાં જ ચાલતું રહ્યું હોત તો સંભવ છે કે નવ્ય ભારતીય ભાષાઓનાં સાહિત્યનો જન્મ અને વિકાસ એકાદ-બે શતાબ્દી જેટલો મોડો થયો હોત. ભારતીય વિચારપ્રવાહના નાયકોએ પોતાના પૂર્વજોના ઉચ્ચ સાંસ્કારિક અને આધ્યાત્મિક વિચારોનો આમવર્ગમાં પ્રચાર કરવા માટે લોકભાષાઓનું માધ્યમ સ્વીકાર્યું; હિન્દુઓના તાત્ત્વિક એકેશ્વરવાદનો તેમણે આધાર લીધો અને મુસ્લિમોના નિર્ગુણ એકેશ્વરવાદ સાથે એનો સ્વાભાવિક સમન્વય સાધવા પ્રયત્ન કર્યો. આ પ્રયત્નોનું વાહન મુખ્યત્વે નવ્ય ભારતીય ભાષાઓ બની. પ્રાદેશિક સાહિત્યોનો આ રીતે વિકાસ થતાં વિભિન્ન પ્રદેશોના વ્યક્તિત્વના વિકાસને વેગ મળ્યો. સાંસ્કારિક અને ભાષાકીય પ્રદેશના ઘડતરને રાજકીય એકમની ઘટના દ્વારા પણ ઉત્તેજન મળ્યું. પ્રદેશના ઘડતરમાં બીજાં તત્ત્વો સાથે વાહન-વ્યવહારનાં સાધનો-માર્ગોનુંયે વિશિષ્ટ મહત્ત્વ છે. જેમકે ગુજરાતના સ્વભાવ-ઘડતરમાં એના લાંબા સમુદ્રકિનારાઓ અને વિદેશી વેપારે અગત્યનો ભાગ ભજવ્યો છે, તેમ પ્રથમ પાટણમાં અને પછી અમદાવાદમાં સ્વતંત્ર ગુજરાતી સલ્તનતની સ્થાપનાએ તથા એની સ્થિર થયેલી દૃઢતાએ મારવાડ અને ગુજરાતની પ્રાયઃ સમાન ભાષાને – જેમાં બોલીભેદો હશે જ – ગુજરાત અને મારવાડની બે સ્વતંત્ર ભાષાઓ રૂપે વિકસવાનો અવકાશ આપ્યો. ઈસવીસનની પંદરમી સદીના આરંભમાં અમદાવાદની સ્થાપનાની ઘટના નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય કવનકાળથી થોડાક દશકા જેટલી જ જૂની છે. પૂર્વકાળના અને આપણા અભ્યાસવિષય કાલખંડના સાહિત્યનાં પ્રેરક બળો બહુધા સમાન હતાં. આચાર્ય હેમચન્દ્રના અપભ્રંશ વ્યાકરણમાં ઉદ્ધૃત થયેલા પ્રેમશૌર્ય અને સામાન્ય ઉપદેશના દુહાઓનું સાતત્ય અર્વાચીન કાળ સુધી રહેલું છે એ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના ઐતિહાસિક જીવન અને લોકસાહિત્ય ઉપરથી જણાય છે. સંસ્કૃતનો સુભાષિતછંદ જેમ અનુષ્ટુપ તેમ અપભ્રંશ અને ગુજરાતી-રાજસ્થાનીનો સુભાષિતછંદ દુહો. દુહા વિષે કોઈ વિદગ્ધ કહેલો એક જૂનો ગુજરાતી દુહો છે —

દૂહો તિહાં કહીજઇ, જિહાં હોહિ લોક સુજાણ;
અધૂરઇ પૂરઉ કરઇ, પૂરઇ કઇ વખાણ.

પંદરમા સૈકા પછીના ગુજરાતી હસ્તલિખિત સાહિત્યમાં સુભાષિતોના—પ્રાસ્તાવિક દુહાના અનેક સમૃદ્ધ સંગ્રહો મળે છે, જેમાંના કેટલાક સ્વ. ચિમનલાલ દલાલે, શ્રી મધુસૂદન મોદીએ, અને આ લેખકે છપાવ્યા છે. આ સિવાય જૂની પદ્યવારતાઓ અને આખ્યાનોમાં, રાસા આદિમાં દુહા અને અન્ય છંદોમાં રચાયેલાં પુષ્કળ સુભાષિતો–મુક્તકો ઉદ્ધૃત થયેલાં છે, જેનો ‘સુભાષિતરત્નભાંડાગાર’ જેવો મોટો સંગ્રહ સંકલિત થઈ શકે. શિષ્ટ સાહિત્યનો લોકસાહિત્ય સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને સમન્વય અહીં જોઈ શકાય છે અને મધ્યકાલીન સાહિત્યના અનેક પ્રકારોમાં લોકસાહિત્યનો પ્રભાવ વિવિધ રીતે અને વિવિધ કોટિએ વરતાય છે. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ એ પ્રાભાવિક પ્રેરક બળ હતું, કેમકે જીવનનાં અનેક અંગો ધર્મરંગે રંગાયેલાં હતાં. એમાં વ્યાપક અર્થમાં ધર્મજીવન ઉપરાંત આર્યધર્મના વિવિધ સંપ્રદાયોનો સમાવેશ થાય છે. પહેલાં જૈન ધર્મ લઈએ, કેમ કે નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનું કારણ એ નથી કે જૈનેતર સાહિત્ય રચાયું જ નહિ હોય; એમ હોવું શક્ય કે સંભવિત નથી. પણ જૈન-ગ્રન્થભંડારોની સામાજિક સંગોપનપદ્ધતિને કારણે જૈન સાહિત્ય વ્યવસ્થિત રીતે સચવાયું એટલો જ એનો અર્થ છે. જૈનેતરકૃત જે થોડુંક સાહિત્ય મળે છે તે પણ જૈન ભંડારોમાં સચવાયું છે તે હકીકત આ વિધાનનું એક પ્રમાણ છે. પંદરમા સૈકા પછીના કાલખંડમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે; જૈનેતર સાહિત્ય પણ અર્વાક્તન સમયમાં આવતા જઈએ તેમ તેમ સારું સચવાયેલું છે. એથી પરસ્પરથી કેટલેક અંશે સંપૃક્ત છતાં લગભગ સમાન્તર વહેતા આ બંને પ્રવાહોના તુલનાત્મક અભ્યાસ માટે પણ પર્યાપ્ત અવકાશ રહે છે. ભાગવત–વૈષ્ણવ ધર્મનો વિકાસ અને પ્રચાર શતાબ્દીઓ પૂર્વેથી લગભગ સમગ્ર ભારતમાં હતો, અને તેના પ્રભાવમાંથી ગુજરાત મુક્ત રહી શકે નહિ. ચૌલુક્યયુગથી માંડી ગુજરાતનું સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષાનું સાહિત્ય (જેમાં હેમચન્દ્રે ઉદ્ધૃત કરેલા રાધાકૃષ્ણ વિષેના દુહાનો પણ સમાવેશ થાય છે) એ વાતના પ્રમાણરૂપ છે. નરસિંહ-મીરાંની ઉત્કટ ભક્તિજ્વાળાનો ઉદ્ભવ કંઈ આકસ્મિક નહોતો, પણ દેશભરમાં પ્રવર્તમાન પ્રબળ ભક્તિ-આંદોલનનો અંશ હોઈ વિશિષ્ટ પ્રતિભાવાન વ્યક્તિઓ દ્વારા અભિવ્યક્તિ પામ્યો હતો. પણ પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યના આગમન પછી ગુજરાતના ધાર્મિક જીવનમાં શાન્ત પરિવર્તન આવ્યું. જૈન ધર્મની અનુયાયી અનેક વણિક જ્ઞાતિઓ વૈષ્ણવ બની. અહિંસા, તપ અને દાનધર્મની આર્યધર્મસંમત પૂર્વપરંપરાનો સ્વીકાર કરી, વલ્લભાચાર્યે એમાં સેવાનો આનંદ અને ઉત્સવોનો ઉલ્લાસ ઉમેરીને પ્રજાજીવનને સાચા અર્થમાં નવપલ્લવતા અર્પી, ભક્તિમાર્ગનો મહાયાન સર્વ પ્રકારના અધિકારીઓ માટે ચાલુ કર્યો. મધ્યકાળના અર્વાક્તન છેડે વિદ્યમાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદે એને આચારશુદ્ધિ અને સાત્ત્વિકતાનો પુટ આપ્યો. ભક્તિમાર્ગના આશ્રયથી અને ભક્તિ-જ્ઞાનના ઉપાસક, આમ જનતાની વચ્ચે રહેનારા સંતભક્તોના સરલ આચાર અને સાદી પણ મરમી વાણીના પ્રભાવથી સામાજિક જીવનના આતંકોને હિન્દુ સમાજ કંઈક સ્વસ્થ રીતે પચાવી શક્યો. શ્રીમદ્ ભાગવત આમ તો પુરાણગ્રન્થ હોવા છતાં મધ્યકાલીન સાહિત્યના એક પરિબળ રૂપ બન્યો હતો. સ્માર્ત ધર્મ, પુરાણોક્ત ધર્મ, શિવપૂજા અને શક્તિપૂજા ઉપરાંત અતિપ્રાચીન કાળથી ચાલ્યા આવતા લોકધર્મો સમાજમાં પ્રચલિત હતા. રામાયણ-મહાભારત ઉપરાંત પુરાણો આદિને આધારે વિવિધ પ્રકારોમાં રચાયેલું સાહિત્ય આથી મધ્યકાળમાં છે; શાક્ત સંપ્રદાયનું સાહિત્ય પણ છે. લોકધર્મોને બાદ કરતાં ઉપર્યુક્ત સર્વ સંપ્રદાયોમાં ગુજરાતી ઉપરાંત ઓછાવત્તા પ્રમાણમાં સંસ્કૃત અને પ્રાકૃતમાં પણ સાહિત્ય રચાયું છે. આથી આ સમયના ગુજરાતી સાહિત્યનો વિચાર સમગ્ર ધાર્મિક-સામાજિક જીવન અને સાહિત્યપ્રવૃત્તિના સંદર્ભમાં કરવો જોઈએ. પ્રાચીન ભારતમાં ઉપનિષદપ્રોક્ત સર્વાત્મભાવમાંથી ઉદ્ભવેલો એકેશ્વરવાદ અને નિર્ગુણવાદ હતો અને ઉપરટપકે દેખાતો બહુદેવવાદનો આભાસ વસ્તુતઃ એકેશ્વરવાદને દૃઢ કરવા માટે હતો. પણ ઉત્તર ભારતના તુર્કી વિજય પછી મુસ્લિમ એકેશ્વરવાદ અને નિરાકાર ઈશ્વરની ઉપાસનાએ સમન્વયાત્મક શ્રદ્ધાને અદકો વેગ આપ્યો અને સંત-પ્રણાલીના ઉદ્ભવ અને વિકાસની ભૂમિકા તૈયાર થઈ. મધ્યકાલીન રહસ્યવાદનું એમાં મિશ્રણ અને રસાયણ થયું. ગુજરાતમાં પણ એની અસર સ્વાભાવિક રીતે થઈ. નાથયોગીઓની મરમી વાણી, સૂફીઓની મસ્તી અને વૈષ્ણવોની પ્રેમલક્ષણા ભક્તિ અને અનુભવનો આત્મવિશ્વાસ એ બધું એ સંતવાણીમાં સંભળાય છે; (-એમાંની કેટલીક ગ્રંથસ્થ થઈ છે અને ઘણી નથી થઈ-) માર્ગી બાવાઓનાં, તુરી જોગી ફકીરનાં ભજનોમાં પણ સંભળાય છે. જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો વિચાર પણ આ સાથે જાય, જેમાં એક બાજુ વેદાન્તનો ઉપદેશ આપતી સ્વતંત્ર કે અનૂદિત કૃતિઓ છે, તો બીજી બાજુ વસ્તો, બુટિયો, ગોપાળ, ધનરાજ, અખો આદિની આધ્યાત્મિક અનુભવના પરિપાક સમી કૃતિઓ છે. યોગી આનંદઘનજી અને મહાપંડિત યશોવિજયજી જેવા જૈન કવિઓની કૃતિઓ પણ આ બીજી કોટિમાં આવે. આ સંતવાણીને તથા ભક્તિસંપ્રદાયને ઊર્મિપ્રાણિત પદપ્રકાર અનુકૂળ આવ્યો. અંદાજે હજારો પદો રચાયાં હશે. એમાં જ્ઞાન અને ઉપદેશનાં પદો પણ છે. આખ્યાનો કે પદ્યવારતાઓમાં ઘનીભૂત બનતી ઊર્મિની અભિવ્યક્તિ માટે અથવા વૃત્તાંતકથનમાં વચ્ચે વચ્ચે વિરામ માટે પણ પદો મુકાય છે. આખ્યાન રૂપમાં રચાયેલી ‘અખેગીતા’ જેવી તત્ત્વજ્ઞાનવિષયક કૃતિઓમાં પણ વચ્ચે વચ્ચે પદો આવે છે. પદપ્રકારનાં શિખરો મુખ્યત્વે નરસિંહ, મીરાં, રાજે, દયારામ, પ્રેમાનંદસખી આદિમાં સર થયાં છે. આખ્યાન એ કથાત્મક કવિતા રજૂ કરે છે. એ દૃષ્ટિએ આ જ પ્રકારની કવિતા રજૂ કરતા જૂના સાહિત્યપ્રકાર ‘રાસ’ અથવા ‘રાસો’ સાથે એને ગાઢ સંબંધ છે. અથવા એમ કહી શકાય કે ‘આખ્યાન’ અને ‘રાસ’ એ વાસ્તવિક રીતે જોતાં એક જ પ્રકાર છે, અને તે જૈનેતર પરંપરામાં મુખ્યત્વે આખ્યાન તરીકે, અને જૈન પરંપરામાં ‘રાસ’ તરીકે ઓળખાયો. નાકર અને વિષ્ણુદાસ જેવા પ્રસિદ્ધ જૈનેતર આખ્યાનકારોએ અનુક્રમે પોતાનાં ‘નળાખ્યાન’ અને ‘રુકમાંગદપુરી’ એ આખ્યાનો માટે ‘રાસ’ શબ્દ પ્રયોજ્યો છે અને ભાલણે પણ ‘દશમસ્કંધ’માં એ અર્થમાં ‘રાસ’નો પ્રયોગ કર્યો છે. જૂની ગુજરાતીમાં ‘રાસ’ અને ‘આખ્યાન’ એ બંનેય સામાન્ય રીતે ધર્મકથાને અને કેટલીકવાર ઐતિહાસિક વસ્તુને (અલબત્ત, ઘણું ખરું તો એના કલ્પનામિશ્રિત સ્વરૂપમાં) કાવ્યવિષય બનાવે છે. જૈન રાસાઓ ઉપાશ્રયોમાં અથવા શ્રાવકોના ઘરમાં નાના શ્રોતાવર્ગ આગળ ગવાતા હતા, જ્યારે આખ્યાનોનું કથકો અથવા માણભટ્ટો દ્વારા જાહેર સ્થળોમાં મોટી મેદની સમક્ષ ગાન થતું હતું. બંને પ્રકારમાં વસ્તુ અને સાહિત્યિક ‘પ્રયોજન’ (‘મોટિફ’) ધાર્મિક હતાં, તોપણ રાસ હંમેશાં ઉપાશ્રયના વાતાવરણમાં રહ્યો અને ઉપદેશાત્મક તત્ત્વમાંથી મુક્ત થઈ શક્યો નહિ, જ્યારે આખ્યાન વિભિન્ન રુચિ અને રસવૃત્તિવાળી મેદની સમક્ષ ગવાતું હોઈ તેના રચિયતાઓએ ઉપદેશના તત્ત્વ નીચે રંજન ચેપાઈ જાય નહિ એની સતત કાળજી રાખી. સંસ્કૃત પ્રાકૃતાદિ નહિ જાણનાર જનસમાજને મનોરંજક રીતે ધર્મકથાઓ સંભળાવવાની વૃત્તિમાંથી જન્મેલા આ સાહિત્યપ્રકારનાં પ્રસ્તુત બે નામો સહેજ વિભિન્ન સ્વરૂપે થયેલો વિકાસ માત્ર દર્શાવે છે. રાસ અને આખ્યાનના સંબંધનો વિચાર કરતાં રાસ અને પ્રબન્ધનું સ્વાભાવિક સ્મરણ થાય છે. સાદા સંસ્કૃત ગદ્યમાં અને કવચિત્ પદ્યમાં રચાયેલાં ઐતિહાસિક કે અર્ધ-ઐતિહાસિક કથાનકોને મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રબન્ધ’ કહે છે. પણ જૂના ગુજરાતી સાહિત્યમાં તો રાસ જેવી જ કથાપ્રધાન રચનાઓને ‘પ્રબન્ધ’ નામ અપાયેલું જોવામાં આવે છે, જેમ કે ‘વિમલપ્રબન્ધ’, ‘કાન્હડદેપ્રબન્ધ’, ‘હમ્મીરપ્રબન્ધ’ આદિ. અલબત્ત, આ રીતે જેમને ‘પ્રબન્ધ’ નામ અપાયું છે એવી રચનાઓ કોઈ ઐતિહાસિક વસ્તુ પરત્વે હોય છે એટલું પેલા સંસ્કૃત પ્રબન્ધો સાથે એનું સામ્ય ખરું. જોકે એમાંયે ‘વિમલપ્રબન્ધ’ અને ‘કાન્હડદેપ્રબન્ધ’ને કેટલીક હસ્તપ્રતોની પુસ્તિકાઓમાં ‘રાસ’ કહ્યા છે. બીજી બાજુ, ‘વસ્તુપાલ-તેજપાલરાસ’, ‘સમરારાસ’, ‘પેથડરાસ’, ‘કુમારપાલરાસ’ અને એવી ઐતિહાસિક વ્યક્તિ કે વૃત્તાન્તો પરત્વે રચાયેલી કૃતિઓને ‘પ્રબન્ધ’ કહેવામાં આવી નથી. માત્રામેળ છંદોમાં રચાયેલી ઐતિહાસિક કૃતિઓ ‘પ્રબન્ધ’ કહેવાય અને દેશીમાં રચાયેલી ‘રાસ’ કહેવાય એવી એક માન્યતા છે, પણ તે સાધાર નથી, કેમ કે દેશીબદ્ધ રાસોની જેમ માત્રામેળ છંદોમાં રચાયેલા રાસો પણ મોટી સંખ્યામાં મળે છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે ગુજરાતીમાં રાસ અને પ્રબન્ધ વચ્ચેની ભેદરેખા બહુ સ્પષ્ટ નથી. બલકે, બંનેને અલગ સાહિત્યપ્રકારો તરીકે વર્ણવવા એ પણ વધારે પડતું છે. એ જ રીતે દેશીબદ્ધ રચનાને આખ્યાનનું એક વ્યાવર્તક લક્ષણ ગણવામાં આવે છે, તે પણ આખ્યાનના પ્રારંભિક યુગ માટે બધી રીતે સાચું ગણી શકાય નહિ. વીરસિંહકૃત ‘ઉષાહરણ’, (ઈ. ૧૪૬૪ આસપાસ), કર્મણકૃત ‘સીતાહરણ’ (ઈ. ૧૪૭૦, આસપાસ), માંડણકૃત ‘રામાયણ’ અને ‘રુકમાંગદકથા’ (ઈ.નો ૧૬મો સૈકો) આદિ આખ્યાનો ચોપાઈ આદિ માત્રામેળ છંદોમાં રચાયેલાં છે. જૈન રાસા અને જૈનેતર આખ્યાનની સમાન રચનાપરંપરાની આપણે હમણાં વાત કરી તે અહીં પ્રયોગમાં સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારની રચનાઓમાં વચ્ચે વચ્ચે પદો મૂકવાની પરંપરા પણ બંનેમાં સમાન છે. આ તો મુખ્યત્વે સ્વરૂપની વાત થઈ. રાસ અને આખ્યાન એ જૂના ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. જનસમૂહનું એના જેવું અને જેટલું સમારાધન બીજા કોઈ પ્રકારે કર્યું નથી. રાસ અથવા આખ્યાન તરીકે ઓળખાવી શકાય એવી સેંકડો કૃતિઓ ઉપલબ્ધ છે. રાસ-આખ્યાન સાથે જેની તુલના કરી શકાય એવો બીજો સાહિત્યપ્રકાર કથા અથવા પદ્ય-વારતા છે. એના મૂળમાં લોકવાર્તા છે, પણ એનું સાહિત્યિક રૂપ આનંદલક્ષી કથાનું છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં કથાનું આનંદલક્ષી રૂપ પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી, ગુણાઢ્યકૃત લુપ્ત ‘બૃહત્કથા’માં (તથા ‘કથાસરિત્સાગર,’ ‘બૃહત્કથામંજરી’ આદિ એનાં સંસ્કૃત રૂપાન્તરોમાં), ધાર્મિક રૂપ પાલિ ‘જાતક’માં અને ‘બૃહત્કથા’ના જૈન ધર્મકથા લેખે થયેલા રૂપાન્તર ‘વસુદેવ-હિંડી’માં તથા નીતિશાસ્ત્રલક્ષી વ્યાવહારિક રૂપ ‘પંચતંત્ર’માં જણાય છે. એ કથાઓનો વારસો વિવિધ ફેરફારો અને પરિવૃદ્ધિ સાથે પ્રાકૃત અને અપભ્રંશ દ્વારા ગુજરાતીમાં આવ્યો છે, અને પ્રાચીન કાળથી માંડી ઓગણીસમા સૈકા સુધી એ કથાઓ સામાન્યતઃ પદ્યમાં તેમજ કેટલીક વાર ગદ્યમાંયે મળે છે. ઘણીવાર એ જૂની કથાનું નવસંસ્કરણ હોય છે, તો પ્રસંગોપાત્ત સંસ્કૃત કથાનું કે કથાગ્રન્થનું ગદ્ય ભાષાન્તર કે રૂપાન્તર હોય છે. ઉદાહરણ તરીકે, ‘કાદંબરી’, ‘પંચતંત્ર’, ‘બિલ્હણકથા’, ‘ધૂર્તાખ્યાન’, આદિનાં આવાં પદ્ય કે ગદ્યમાં થયેલાં ભાષાન્તર-રૂપાન્તરો છે. એમાં પણ પદ્યરચનાની દૃષ્ટિએ જોઈએ તો, માત્રામેળ છંદોમાં તેમ જ દેશીઓમાં એમ બંને રીતે રચાયેલી પદ્યવારતાઓ મળે છે. આનંદલક્ષી કથાઓનો સૌથી મોટો લેખક શામળ છે. જોકે એની પછી ઠેઠ અર્વાચીન કાળના સીમાડા સુધી એવી રચનાઓની પરંપરા ચાલુ રહેલી છે. એમાં કંઈક અપવાદરૂપ ગણી શકાય એવી જૈન કવિઓએ રચેલી પદ્યવારતાઓ છે. અલબત્ત, એમાંયે વચ્ચે વચ્ચે આવતા ધર્મોપદેશ અને છેલ્લે નાયક-નાયિકા દીક્ષા લે એવી ઘટનાઓ સિવાય બધું આનંદલક્ષી છે. અર્થાત્ જૈન કથાલેખકો અને કવિઓએ ધર્મોપદેશ અર્થે જનમનરંજનનું આ સાધન સ્વીકાર્યું હતું. ઠેઠ પાંચમા સૈકા આસપાસ ‘વસુદેવ-હિંડી’ના કર્તા સંઘદાસગણિ કહે છે કે ‘કામકથામાં રક્ત જનોને શૃંગારકથાના વ્યપદેશથી ધર્મ જ કહું છું’ – અને આગળ ઉમેરે છે કે, ‘વિદ્વજ્જનોના હૃદયમાં નિક્ષિપ્ત થયેલી કામકથા પણ પરિણામવશાત્ ધર્મકથા સાથે સંયોજિત થાય છે.’ પદ, આખ્યાન, રાસ, વારતા આદિની જેમ ફાગુ પણ જૂના ગુજરાતી સાહિત્યનો એક મુખ્ય પ્રકાર છે. એનું નામ જ સૂચવે છે તેમ (સંસ્કૃત फल्गु, પ્રાકૃત ફગ્ગુ = ‘વસંત’) એ વસંતવર્ણનનો પ્રકાર હોઈ માનવભાવ અને પ્રકૃતિનું સમન્વિત સુભગ આલેખન એ એની એક વિશિષ્ટતા છે. ગુજરાતી ભાષાના ઠેઠ આરંભકાળથી ઓગણીસમા સૈકા સુધી રચાયેલા ફાગુના પુષ્કળ નમૂના મળે છે; વસ્તુ, નિરૂપણ, છંદોરચના આદિની દૃષ્ટિએ આ સાહિત્યપ્રકારે સાધેલા વિકાસનો ઐતિહાસિક તેમજ નિરપેક્ષ દૃષ્ટિએ અભ્યાસ કરવા માટે પૂરતી સામગ્રી એમાંથી પ્રાપ્ત થાય છે. જૈનેતર ફાગુઓ માત્ર દસેક મળ્યા છે, જ્યારે ઉપલબ્ધ જૈન ફાગુઓની સંખ્યા અંદાજે સો ઉપરની હશે. (સંસ્કૃતમાં પણ જયદેવની અષ્ટપદીઓની જેમ ગેય છંદોમાં રચાયેલા થોડાક જૈન ફાગુઓ મળ્યા છે એનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ). તુલના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે વસંતવર્ણનનું એક જ મૂળ સાહિત્યસ્વરૂપ બંનેય પરંપરામાં સહેજ પ્રકારાન્તરે વિકસ્યું છે. વસંતવર્ણન ઉપરાંત વસંતક્રીડા એ ફાગુનો વિષય છે, અને શૃંગારના બંને પ્રકારો–વિપ્રલંભ અને સંભોગ–નું એમાં નિરૂપણ હોય છે. પ્રાચીનતર અપભ્રંશમાં આપણને રાસુ વગેરે પ્રકારોના નમૂના મળે છે તેમ ફાગુના મળતા નથી, અને તેથી સાહિત્યપ્રકાર લેખે ફાગુનું મૂળ ચોક્કસરૂપે સમજવાનાં સાધનો નથી. પણ સંસ્કૃત સાહિત્યનાં ઋતુવર્ણનનાં કાવ્યો સાથે એની તુલના કરી શકાય. જૂના ગુજરાતી પ્રગટ-અપ્રગટ ફાગુઓમાંથી મેં એકત્ર કરેલાં અવતરણો બતાવે છે કે ફાગુ એ જાહેરમાં વિવિધ રીતે નૃત્યાદિ સાથે ગવાતો પ્રકાર હતો—ઓછામાં ઓછું એના પ્રાચીનતર સ્વરૂપમાં તો હતો. નૃત્યકાવ્ય કે ગેયરૂપકને કંઈક મળતો એ પ્રકાર હશે અને લોકસાહિત્યમાંથી શિષ્ટ સાહિત્યમાં સ્વીકારાયો હશે. અલબત્ત, જેમ જે આ પ્રકાર પોતાના મૂળ સ્વરૂપથી દૂર જતો ગયો અને શિષ્ટસાહિત્યના એક પ્રકાર લેખે જ વિકસતો અથવા કહો કે પલટાતો ગયો તેમ તેમ એના જાહેરમાં પ્રયોગની શક્યતા ઓછી થતી ગઈ. (ફાગુ એ જાહેરમાં કે નિદાન સમુદાયમાં ગાવાનો પ્રકાર હતો એની નિશાનીઓ એની છંદોરચનામાં પણ છે. દુહા કે રોળા જેવા માત્રામેળ છંદોના પ્રારંભમાં, છંદનો ખરેખર અંશ નહિ એવાં ‘અહે’, ‘અહ’ કે ‘અરે’ જેવાં લટકણિયાં મુકાયાં છે તે જાહેરમાં એ છંદો લલકારવાની અનુકૂળતા માટે હશે). પાછળના સમયમાં ફાગુમાં કેટલીક એકવિધતા આવી ગઈ. એવા પણ ફાગુઓ રચાયા છે, જેમને નામ માત્ર ફાગુ ગણી શકાય. પણ એકંદરે જોતાં ચૌદમા શતકથી માંડી કેટલાક સૈકા સુધી માનવભાવો સાથે પ્રકૃતિનું ગાન ગાતી, શૃંગાર સાથે ત્યાગ અને વૈરાગ્યના તરંગો ઉછાળતી કવિતા આ સાહિત્યપ્રકારે આપી છે. આખ્યાન કે રાસા કરતાં આનું સ્વરૂપ ટૂંકું છે, પણ ‘વસંતવિલાસ’, ‘ચુપઈફાગુ’ કે ‘વિરહદૈસાઉરિ ફાગુ’ જેવી કૃતિઓ બાદ કરતાં મોટે ભાગે એમાં કંઈક ઇતિવૃત્ત આવતું હોઈ હોરી કે ધમાર જેવાં વસંતખેલનાં ટૂંકા પદો કરતાં એમાં વૈવિધ્યને વિશેષ અવકાશ રહ્યો છે. ‘ષડ્ઋતુવિરહવર્ણન’ (દયારામ) જેવાં ઋતુવર્ણનનાં કાવ્યો, બારમાસીઓ, તિથિ-વારનાં કાવ્યોને પણ અહીં યાદ કરવાં જોઈએ. બીજા કેટલાક ગૌણ પદ્યાત્મક સાહિત્યપ્રકારો જૂના ગુજરાતી સાહિત્યમાં છે, પણ એ સર્વેનો નિર્દેશ આ પ્રાસ્તાવિક લેખમાં આવશ્યક નથી. જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યલખાણો વિરલ કે અણછતાં હતાં એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ બદલાતો જાય છે. ચૌદમા સૈકાથી માંડી જૂની ગુજરાતીમાં ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. અર્વાચીન કાળમાં ગદ્ય ઘણાબધા સાહિત્યપ્રકારોનું વાહન બન્યું છે એવું જોકે એ સમયમાં નહોતું. ગદ્યનું પ્રયોગક્ષેત્ર સીમિત હતું, તો પણ એ સીમિતક્ષેત્રમાંયે ગદ્યનાં થોડાંક, અલગ અલગ રૂપો મળે છે. સંસ્કૃત કે પ્રાકૃત કે વ્રજભાષાના ગ્રંથોના કે કવચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકારૂપ બાલાવબોધો અને ટબાઓ; અક્ષરના રૂપના માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં પદ્યમાં લેવાતી બધી છૂટ ભોગવતા પ્રાસયુક્ત ગદ્ય ‘બોલી’માં રચાયેલ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ અને ‘સભાશૃંગાર’ જેવા વર્ણકસંગ્રહો; અજ્ઞાતકર્તૃક ‘કાલકાચાર્યકથા’ જેવી, ક્વચિત્ અલંકારપ્રચુર અને ક્વચિત્ સહેલા રસળતા ગદ્યમાં રચાયેલી કથાઓ અને ‘કાદંબરી કથાનક’ જેવા કથાસંક્ષેપો; દાર્શનિક ચર્ચાઓ, વાદવિવાદો અને પ્રશ્નોત્તરીઓ; ‘ઔક્તિક’ તરીકે ઓળખાતા, ગુજરાતી દ્વારા સંસ્કૃત શીખવા માટેના સંખ્યાબંધ વ્યાકરણગ્રંથો (એમાં નાનકડો ગુજરાતી-સંસ્કૃત શબ્દકોશ પણ હોય છે) – જેમાં સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા’ અને કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ જેવાં ભાષાના ઇતિહાસનાં સીમાચિહ્નોનો સમાવેશ થાય છે—સ્વામિનારાયણનાં ‘વચનામૃતો’નું પ્રવચનશૈલીનું વિશદ અને પ્રવાહી ગદ્ય : એ જૂના ગુજરાતી ગદ્યસાહિત્યનાં પ્રાપ્ત વિવિધ રૂપો છે. અત્યારે ઉપલબ્ધ થતું જૂનું ગદ્ય એટલું વિપુલ છે કે એનું પ્રકાશન કરવામાં આવે તો ‘બૃહત્કાવ્યદોહન’ના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવા ઓછામાં ઓછા સો ગ્રંથો તો સહેજે ભરાય. જોકે જુદા જુદા પ્રાચીન ગ્રંથભંડારો અને સંગ્રહોમાં જે ગદ્યસાહિત્ય મારા જોવામાં આવ્યું છે તે વિચારતાં લાગે છે કે આ વિધાનમાં સંભવ અત્યુક્તિનો નહિ પણ અલ્પોક્તિનો છે. મધ્યકાળનું સાહિત્ય બહુધા ધર્મપ્રધાન કે ધર્મમૂલક છે. સૌથી વિષમ સમયમાંયે સમાજશરીરમાં ધર્મની નાડીમાં ચેતન હોઈ સાહિત્યનું તે અગત્યનું પ્રેરક બળ હતું. એટલે સાહિત્યમાં ધર્મની પ્રધાનતા હોય એ સ્વાભાવિક છે. પણ ‘એક પ્રેમાનંદના પૂજ્ય અપવાદ સિવાય’ બધું મધ્યકાલીન સાહિત્ય કેવળ ધર્મરંગ્યું કે મૃત્યુની પયગંબરી કરનાર હતું એમ કહેવું વાસ્તવિક હકીકતોથી વેગળું છે. જીવનરસ-પ્રેમ અને વિરહ, શૌર્ય અને પરાક્રમ, હર્ષ અને શોક-નું ગાન કોઈ પણ સમાજમાં અને કોઈ પણ પ્રજાના સાહિત્યમાં ન હોય એ બને જ શી રીતે? ‘વસંતવિલાસ’ અને એ પ્રકારના અન્ય ફાગુઓ, વૃત્તબદ્ધ શૃંગારકાવ્યો – માધવકૃત ‘રૂપસુન્દર કથા’ અને અજ્ઞાતકર્તૃક ‘ફુલાંચરિત્ર’, નર્બદાચાર્યકૃત ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી’ તથા કામશાસ્ત્રવિષયક ગદ્યપદ્યાત્મક કૃતિઓ, ‘બિલ્હણપંચાશિકા’ના ગદ્યમાં અને પદ્યમાં અનુવાદો તથા ‘બિલ્હણપંચાશિકા’માંથી પ્રેરણા પામી સ્વતંત્ર રીતે રચાયેલી ‘શશિકલા ચોપાઈ’, ‘મયણછંદ’ અને ‘અમૃતકચોલાં’ જેવી શૃંગારપ્રધાન કૃતિઓ, ‘ગીતગોવિંદ’ના તથા ‘વાગ્ભટાલંકાર’ અને ‘વિદગ્ધમુખમંડન’ જેવા અલંકારગ્રંથોના ગદ્યાનુવાદો, ‘કાદંબરી’નો આખ્યાનરૂપ અને ગદ્યાત્મક સંક્ષેપ, ‘રણમલ્લ છંદ’ અને ‘કાન્હડદેપ્રબંધ’ જેવાં વીરરસપ્રધાન ઐતિહાસિક કાવ્યો, ‘પંચાખ્યાન’ કે ‘પંચતંત્ર’ના પદ્ય અને ગદ્યમાં સારસંગ્રહો કે અનુવાદો, શામળની પદ્યવારતાઓ તથા એના અનેક પુરોગામીઓની એ પ્રકારની બહુસંખ્ય રચનાઓ, ‘રત્નપરીક્ષા’ અને ‘ગણિતસાર’ જેવી કૃતિઓ—આવાં બીજાં અનેક ઉદાહરણો આપી શકાય. પણ સ્થાલીપુલાકન્યાયે ઉપર્યુક્ત વિધાનના સમર્થનમાં આટલાં બસ થશે એમ માનું છું. ભવાઈની સંકલના ચૌદમા સૈકામાં અસાઈતે કરી હતી, પણ ભવાઈના નવા નવા વેશો ઠેઠ અર્વાચીન કાળ સુધી રચાતા અને ભજવાતા રહ્યા છે. મધ્યકાલીન ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલાનો વિચાર આ સાથે પ્રસ્તુત છે. સં. ૧૫૦૮ (ઈ. ૧૪૫૨)માં ચિત્રિત થયેલું ‘વસંતવિલાસ’નું ઓળિયું પ્રાપ્ત થયું ત્યારથી ભારતીય કલાવિવેચકોનું ધ્યાન એ પ્રત્યે આકર્ષિત થયેલું છે. પુષ્કળ જૈન હસ્તપ્રતોમાં એ કલાના નમૂના ઉપલબ્ધ હોઈ કેટલાક એને જૈનાશ્રિત ચિત્રકલા કહે છે. ગુજરાત અને રાજસ્થાનની હસ્તપ્રતોમાં એના નમૂના મળતા હોઈ એને પશ્ચિમ ભારતીય કે ગુજરાતી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ગ્રંથોમાં, જૈન તેમજ જૈનેતર ગ્રંથોમાં આ ચિત્ર ઉપલબ્ધ હોઈ એને ધર્મનિરપેક્ષ કલા ગણવી જોઈએ. પૂર્વોક્ત ચર્ચાના સંદર્ભમાં પૃથક્કરણ કરીએ તો, જૈન ધર્મના સચિત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોમાં ‘કલ્પસૂત્ર’, ‘ઉત્તરાધ્યયનસૂત્ર’, ‘સંગ્રહણી’, ‘લોકપ્રકાશ’, ‘કાલકાચાર્યકથા’ આદિનો સમાવેશ થાય છે. જૈનેતર સચિત્ર સંસ્કૃત સાહિત્યમાં ‘ગીતગોવિંદ’, ‘બાલગોપાલ સ્મૃતિ’, ‘દુર્ગાસપ્તશતી’, ‘બિલ્હણપંચાશિકા’, ‘મેઘદૂત’, ‘માધવાનલ–કામ–કંદલા’, ‘રતિરહસ્ય’, ‘શાલિહોત્ર’, ‘કાકરત’, આદિ ઉલ્લેખપાત્ર છે. પણ ઉપલબ્ધ જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યકૃતિઓ જે સંખ્યામાં ચિત્રિત થયેલી છે તે ઉપરથી સમાજમાં આ કલાને મળતા વ્યાપક આશ્રયની તથા તે દ્વારા વ્યક્ત થતા જીવનરસની કલ્પના થઈ શકે છે. જો કે અહીં કરાયેલો નિર્દેશ કેવળ ઉદાહરણાત્મક છે, સંપૂર્ણ નથી એ હકીકત નોંધવી જોઈએ. જૈન ગુજરાતી કૃતિઓમાં નલ-દમયંતી ચોપાઈ’, ‘આર્દ્રકુમારરાસ’, ‘ધન્ના-શાલિભદ્રરાસ’, ‘શ્રીપાલરાસ’, ‘માનતુંગમાનવતી રાસ’, ‘હરિબલ ચોપાઈ’, ‘ચંદરાજાનો રાસ’, ‘પ્રિયમેલક રાસ’, ‘પાર્શ્વનાથવિવાહલો’, આદિનાં ચિત્રો ઉલ્લેખ પાત્ર છે. જૈનેતર ગુજરાતી સચિત્ર કૃતિઓમાં ‘પંચાખ્યાન’, ‘હરિલીલાષોડશકલા’, ‘પ્રબોધપ્રકાશ’, ‘ધ્રુવચરિત્ર’, ભાલણકૃત ‘દશમસ્કંધ’, પ્રેમાનંદકૃત ‘મામેરું’, ગિરધરકૃત ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનની વારતા’, પારસી કવિ રૂસ્તમ પેશોતનકૃત ‘અર્દાવિરાફનામેહ’[1] વગેરે કૃતિઓ મળે છે. સાહિત્ય સાથે ચિત્રકળા કેવો તાલ મેળવે છે તે આવી સચિત્ર હસ્તપ્રતોમાંથી જણાય છે. દશાવતારનાં, રાગરાગિણીનાં અને ભોગાસનોનાં ચિત્રોના સંપુટો તથા અનેકવિધ કલાત્મક ગંજીપા મળે છે. શિહોરના રાજમહેલનાં, વડોદરામાં તાંબેકરના વાડાનાં અને સૌરાષ્ટ્રમાં પાડરશિંગાનાં ભીત્તિચિત્રો અને ગ્રન્થસ્થ ચિત્રો વચ્ચેનો ભેદ એટલો જ કે ભીત્તિચિત્રોનું ભૌતિક ફલક સ્વાભાવિક રીતે જ વિશાળ છે, જ્યારે ગ્રંથસ્થ ચિત્રોને હસ્તપ્રતોના માપની સંકુચિત મર્યાદા સ્વીકારવી પડી છે. ચિત્રકલાનો વિષય ગમે તે હોય, પણ એમાં જીવનની અભિવ્યક્તિ છે. મધ્યકાલીન ગુજરાતના વિપુલ ચિત્રિત સાહિત્યને મૃત્યુની પયગંબરી કરતું શી રીતે ગણી શકાય? ‘રણમલ્લછંદ’ કે ‘કાન્હડદેપ્રબંધ’ જેવા થોડાક અપવાદો બાદ કરતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને રાજ્યાશ્રય નહોતો. ચિત્રકલાને અને ચિત્રિત સાહિત્યને ધનિકાશ્રય હતો ખરો, પણ એકંદરે એ સાહિત્ય સામાન્ય સમાજમાં ઉદ્ભવેલું, વિકસેલું અને વિસ્તરેલું હતું. આથી તે સમયે વ્રજભાષામાં, ચારણી સાહિત્યમાં કે રાજસ્થાની–ડિંગળ આદિમાં રચાયા છે તેવા કાવ્યશાસ્ત્ર, કોશ, છંદઅલંકારાદિ કે નાયિકાભેદના ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં નથી. નરસિંહ, ભાલણ, અખો, શામળ, બ્રહ્માનંદ, પ્રીતમ, દયારામ આદિ અનેકોએ વ્રજભાષામાં ઘણું લખ્યું છે તથા ગુજરાતી કવિઓએ વ્રજભાષામાં કરેલા પ્રદાન વિશે એક કરતાં વધુ મહાનિબંધો લખાયા છે. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ અને ગુજરાતી સાહિત્યરચનાની ધારા ગુજરાતમાં લગભગ એક સાથે વહેલી છે. સંસ્કૃત અને વ્રજનું સ્થાન અભ્યાસીઓની રુચિને ઘડનાર અને એમને કાવ્યરચના અને વિદ્યાવ્યાસંગની તાલીમ આપનાર પ્રકૃષ્ટ સાહિત્ય-ભાષાઓ તરીકે હતું. પરંતુ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય તો સમાજની રગેરગમાં વ્યાપેલાં હતાં; સાહિત્યકૃતિઓ બહુધા વાંચવા માટે નહિ, પણ સાંભળવા કે ગાવા માટે હતી એ વસ્તુ વિશિષ્ટ કૃતિઓના બહોળા પ્રચાર માટેનું એક નિમિત્ત કારણ હતી. ગુજરાતી કાવ્યોને લેખબદ્ધ કરવાં એ મુખ્ય નહિ પણ આનુષંગિક બાબત હતી. આપણા મુખ્ય શિષ્ટ કવિઓનાં કાવ્યો, પ્રેમાનંદાદિનાં આખ્યાનો તથા અનેક જ્ઞાતનામા અને અજ્ઞાતનામા કવિઓનાં પદો લોકમુખે સર્વવ્યાપક હતાં અને હજી છે. આપણા પદસાહિત્યનો મોટો ભાગ અલ્પાંશે જ લિપિબદ્ધ થયો હતો અને સંતવાણી તો લોકમુખે જ સંક્રમણ પામતી રહી હતી. સંતવાણીનું વાહન ગુજરાતી લોકબોલી અને ખડીબોલીના મિશ્રણ જેવી ‘સાધુબોલી’ છે અને સાધુઓની જેમ તે પણ સતત પરિવ્રજન કરતી રહી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જનતાના સર્વ વર્ગોમાં વ્યાપક હતું અને એના પ્રણેતાઓ સમાજના સર્વ સ્તરોમાંથી આવેલા હતા. વિદ્યાવ્યાસંગ જેમનું કર્તવ્ય હતું એવી બ્રાહ્મણ અને નાગર જેવી જ્ઞાતિઓ તથા કવિકર્મ અને બંદિકૃત્ય જેમનો પરંપરાગત વ્યવસાય હતો એવી બારોટ અને ચારણ જેવી જાતિઓના કવિ કે લેખકોની આપણે અહીં વાત નહિ કરીએ. પણ અન્ય જાતિઓના લેખકો અને તેમની કૃતિઓના થોડાક ઉદાહરણરૂપ નિર્દેશોથી ઉપર સૂચવી તેવી વસ્તુસ્થિતિનો કંઈક ખ્યાલ આવશે. પ્રસિદ્ધ આખ્યાનકાર નાકર વડોદરાનો દિશાવાલ વણિક હતો અને આખ્યાનો રચીને એક નાગર બ્રાહ્મણ મિત્ર-સંભવતઃ માણભટ્ટના યોગક્ષેમ અર્થે તેને સોંપી દેતો હતો. ‘વલ્લભાખ્યાન’નો કર્તા ગોપાલદાસ અને ‘રસસિન્ધુ’નો કર્તા ગોપાલદાસ વણિક હતા. ‘ગોપાળગીતા’નો કર્તા ગોપાળદાસ નાંદોદનો મોઢ વણિક હતો અને ‘નાસિકેતાખ્યાન’ આદિ રચનાર રણછોડ કપડવંજ પાસે તોરણનો ખડાયતો વણિક હતો. ‘મૃગીસંવાદ’નો કર્તા જાવડ પણ વણિક હતો. ‘કુમારપાલ રાસ’ આદિ અનેક રાસાઓ રચનાર ઋષભદાસ ખંભાતનો શ્રાવક વણિક હતો. તે સિવાય લીંબો, ખીમો, હરખજી, હીરાણંદ (પંદરમા શતકમાં થયેલા ‘વસ્તુપાલરાસ’, ‘વિદ્યાવિલાસપવાડો’ આદિ રચનાર સાધુ હીરાણંદથી ભિન્ન), નેમિદાસ, કર્ણસિંહ, પેથો, પ્રકાશસિંહ, વચ્છભંડારી આદિ શ્રાવક વણિક કવિઓ અને તેમની રચનાઓ જાણવા મળ્યાં છે. પરબત કવિ શ્રાવક ભાવસાર હતો અને લીંબડીનો પાસો કવિ શ્રાવક પાટીદાર હતો. દેપાળ અને મયારામ એ જૈન ધર્માનુયાયી ભોજક કવિઓ હતા. ‘પ્રબોધબત્રીશી’ આદિનો કર્તા માંડણ, આખ્યાનકાર કાશીસુત શેઘજી અને ‘અભિમન્યુ આખ્યાન’નો કર્તા તાપીદાસ બંધારા જ્ઞાતિના હતા. ‘હરિરસ’નો કર્તા પરમાનંદ દીવનો બ્રહ્મક્ષત્રિય – કપડાં છાપનાર કારીગર હતો. ઉચ્ચ કવિત્વયુક્ત ‘મહિના’ રચનાર રત્નો ખેડાનો ભાવસાર હતો. પરબત અને ભીમ એ બે કવિઓ જૈન ધર્માનુયાયી ભાવસાર હતા. ‘સુધન્વાખ્યાન’ રચનાર મોરારસુત ગોવિન્દ સુરતનો કંસારો હતો. વેદાન્તી કવિ અખો અમદાવાદનો સોની હતો. ‘બાલચરિત’નો કર્તા કીકો વશી અને ‘પાંડવવિષ્ટિ’નો કર્તા ફૂઢ અનાવિલ બ્રાહ્મણ ખેડૂતો હતા. ‘અર્જુનગીતા’નો કર્તા ધનદાસ ધંધુકાનો પાટીદાર હતો અને નિરાંત ભક્ત દેથાણનો પાટીદાર હતો. ‘ચાબખા’ વડે નામાંકિત ભોજો ભગત પણ આખાબોલો અભણ પાટીદાર હતો. ‘રુકિમણીહરણ’નો કર્તા દેવીદાસ ગાન્ધર્વ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિખ્યાત કવિ નિષ્કુળાનંદ પૂર્વાશ્રમના લાલજી સુથાર હતા. ‘ધ્રુવાખ્યાન’નો કર્તા હરિદાસ વાળંદ હતો અને ‘શુકદેવાખ્યાન’નો કર્તા વસ્તો ડોડિયો બોરસદનો ધારાળો હતો. પ્રેમભક્તિનાં ઉત્તમ પદો રચનાર રાજે કેરવાડાનો મોલેસલામ ગરાસિયો હતો. બાપુસાહેબ ગાયકવાડ વડોદરાના રાજકુટુંબનો સંબંધી મરાઠો હતો. સંત પ્રણાલીમાં ઉચ્ચ-નીચના કોઈ ભેદ નહોતા; એનું પ્રધાન લક્ષ્ય તો એ ભેદો નિવારી એક ઈશ્વરને ભજવાનું હતું. પંદરમા સૈકામાં ઉત્તર ભારતમાં સ્વામી રામાનંદના શિષ્યમંડળમાં કબીર વણકર, રોહિદાસ ચમાર, સદના ખાટકી, સેના વાળંદ, ધન્ના જાટ, પીપાજી રાજપૂત અને નરહરિ બ્રાહ્મણ હતા. એ જ પરિસ્થિતિ આપણા અભ્યાસવિષય કાલખંડમાં ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતના કબીરપંથી સંતકવિઓમાં ભાણદાસ અથવા ભાણસાહેબ લોહાણા હતા. એમના ગુરુ આંબા છઠ્ઠા નામે નિરક્ષર ભરવાડ હતા, જેમનાં ભજનો ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી સંતવાણી’માં પ્રગટ કર્યાં છે. ભાણદાસના પુત્ર ખીમદાસ અથવા ખીમસાહેબ. ભાણસાહેબના એક શિષ્ય રવિસાહેબ એમના સંસ્પર્શમાં આવ્યા પહેલાં રવજી નામે વ્યાજખોર વણિક હતા; ભાણસાહેબે એનો જીવનપલટો કર્યો હતો. રવિસાહેબના એક રાજપૂત શિષ્ય થરાદના ઠાકોર માનસિંહજી તે મોરાર સાહેબ, જેમણે જીવતાં સમાધિ લીધી કહેવાય છે. લીંબડીના સંત કવિ મીઠા ઢાઢી મુસલમાન હતા, જેમણે રવિસાહેબને પણ અમુક પ્રસંગે ઉપદેશ કર્યો હતો. રવિ-ભાણ સંપ્રદાયે મસ્ત ભજનોનું વિપુલ સાહિત્ય સર્જ્યું છે, જેમાંનું કેટલુંક ‘રવિ-ભાણ સંપ્રદાયની વાણી’ એ નામથી પ્રગટ થયું છે. એ સંપ્રદાયના ભજનિક કવિઓમાંના એક ત્રિકમદાસ ગરોડા અથવા ત્રિકમસાહેબ હરિજન બ્રાહ્મણ હતા અને હોથી સુમરો મુસલમાન હતા. કાજી મહમદશાહનાં ભજનો આજે પણ સૌરાષ્ટ્રમાં ગવાતાં સંભળાય છે.[2] બહુસંખ્ય ભાવવિભોર પદો રચનાર સંત જીવણદાસ અથવા દાસી જીવણ ગોંડળ પાસે ઘોઘવદરના ચમાર હતા. સૌરાષ્ટ્રના લોકસમાજની ભજનિક પરંપરા ઉપર મારવાડના ક્ષત્રિય રાજકુમાર રામદેવજી અથવા રામદે પીરે પ્રવર્તાવેલા મહામાર્ગ અથવા નિજારની પણ ઊંડી અસર છે. સૌરાષ્ટ્રના વિખ્યાત સંત અને ભજનક કવિ દેવીદાસ જેમણે પોતાનું જીવન રક્તપીતિયાંની સેવામાં ગાળ્યું હતું તેઓ રબારી હતા, જ્યારે એમનાં શિષ્યા અમરાબાઈ[3] આયર અને બીજા શિષ્ય શાદુળ ભગત કાઠી હતા. શાદુળ ભગત અથવા ‘શાદલપીર’ની શિષ્યા માંગલબાઈ નામે કાઠિયાણી હતી. રાજકીય ઉત્પાતો અને દુષ્કાળમાં અનાથ બનેલાં બાળકોના આશ્રય માટે મોરબી પાસે વવાણિયામાં ધર્મસ્થાન સ્થાપનાર સંત રામબાઈ, જેઓ ભજનોમાં પોતાને ‘રામુ’ તરીકે ઓળખાવે છે તેઓ આહીર હતા. રામદેવજીના પટ્ટશિષ્ય હરજી ભાટીના શિષ્ય શેલણશોનાં ચેલી લોયણ લુહાર જ્ઞાતિનાં હતાં. એમણે પોતાના એકવારના મિત્ર લાખાને ઉદ્દેશી ‘વાયક’ કહ્યાં છે. ગંગાબાઈ અથવા ‘ગંગાસતી’એ પચાસેક પદો પોતાના પુત્ર અજોભાની પત્ની–પુત્રવધૂ પાનબાઈને સંબોધેલાં છે. ગંગાબાઈ ગોહીલ રાજપૂત હતાં. જામનગરના સંત કવિ હમીર કુંભાર હતા. લખમો ભગત માળી હતો. આ પૈકી કેટલાંકનાં મરમી ભજનો ‘સોરઠી સંતવાણી’ અને ‘પુરાતન જ્યોત’માં સંઘરાયાં છે. આવાં બીજાં પણ ઉદાહરણો ટાંકી શકાય. ખોજા, મતિયા અને વોરા જેવા મુસ્લિમ સંપ્રદાયોએ પોતાની ધાર્મિક કવિતા ગુજરાતીમાં લખી છે. ખોજાપંથી પદસાહિત્યમાં ‘દશાવતાર’, ‘મોમણ ચેતાવણ’, ‘ઈમામવાળાના પ્રછા’ વગેરે ભજનસાગરો છે; એની આંતરસામગ્રીમાં કબીર-નાનક જેવો અદ્વૈતવાદનો પાસ જણાય છે. આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં પારસીઓએ સંસ્કૃતમાં લખ્યું છે[4] તેમ ગુજરાતીમાં પણ લખ્યું છે. પારસી ધર્મગ્રન્થોના ગુજરાતી ગદ્યાનુવાદો વિષે અગાઉ ઉલ્લેખ કર્યો છેઃ પણ સત્તરમા શતકમાં સુરતના મોબેદ રુસ્તમ પેશોતન પહેલી વાર ગુજરાતી પદ્યમાં ‘જરથોસ્ત-નામેહ’, ‘શ્યાવક્ષ-નામેહ’, અને ‘અર્દાવિરાફ-નામેહ’ એ સુદીર્ઘ ચરિત્રો આખ્યાનરૂપે આપે છે. સંભવતઃ સોળમા સૈકામાં થયેલા રાંમ નામે પારસી કવિ તથા સત્તરમા સૈકામાં થયેલા બરજોર ફરેદુન તથા નવસારીનિવાસી નોશેરવાન જમશેદ એ પારસી કવિઓ ઉલ્લેખયોગ્ય છે. સત્તરમા શતકના પારસી કવિઓનું ગુજરાતી કવિતાને પ્રદાન એટલું ગણનાપાત્ર છે કે એ વિષે પેરિનબહેન કાપડિયા (પેરિન ડ્રાઈવર)એ એક મહાનિબંધ તૈયાર કર્યો છે. ગુજરાતી સાહિત્યસેવાની પારસીઓની આ પરંપરા અર્વાચીન યુગ સુધી સતત ચાલુ રહેલી છે. ઈસવીસનના બારમા શતકના આરંભમાં આચાર્ય હેમચન્દ્રકૃત અપભ્રંશ વ્યાકરણના રચનાકાળ આસપાસ ગુજરાતી ભાષા-સાહિત્યનો આરંભ ગણીએ તો, એ કાળથી માંડી ઈસવીસનના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં(૧૮૫૩માં) અવસાન પામેલા કવિ દયારામના સમય સુધી એટલે કે લગભગ સાડાસાતસો વર્ષ સુધી પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતીનો સાહિત્યસ્રોત વિપુલ અને અવિચ્છિન્ન રીતે વહેતો રહ્યો છે. એમાં હિન્દુઓ, જૈનો, મુસ્લિમો અને પારસીઓની રચનાઓ છે; ભાષાને ખીલવનાર અને તેને વિકાસકોટિએ આગળ લઈ જનાર નરસિંહ, મીરાં, ભાલણ, પ્રેમાનંદ, શામળ, રાજે, દયારામ આદિની કૃતિઓ છે; ભાષાની અભિવ્યક્તિને કસોટીએ ચડાવનાર અને તેની શક્તિઓને સવિશેષ સૂક્ષ્મતા અર્પનાર અખો, કૃષ્ણજી, વસ્તો, યશોવિજય આદિનાં કવિતામાં તત્ત્વજ્ઞાન ગૂંથતાં કાવ્યો છે; કેટલાક વિશિષ્ટ અને આકર્ષક પ્રકારો ધરાવતું વિપુલ ગદ્ય તથા વૈવિધ્યભર્યું શક્તિશાળી પદ્ય છે; સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં જે ઉત્તમ અને ઉપયોગી જણાયું તે બધું ગુજરાતીમાં ઉતારવાનો ભારે પુરુષાર્થ એમાં છે. તે ઉપરાંત એ પ્રાચીન વારસા સાથે ગુજરાત અને ગુજરાતીની આગવી વિશેષતાઓનો સુમેળ સાધતી પણ પુષ્કળ રચનાઓ છે. જીવનમાં તેમ સાહિત્યમાં પરંપરાનું પ્રાધાન્ય હતું એવા યુગમાં વિવિધ ઉદ્દેશથી અને વિવિધ પ્રકારો દ્વારા ગુજરાતી ભાષાની જે અનવરત ઉપાસના થઈ છે અને પચીશીવાર નહિ પણ લગભગ દશકાવાર એ ઉપાસનાનાં ફળ લિખિત સ્વરૂપે, આજે પણ જે ઈયત્તામાં ઉપલબ્ધ છે એનો જોટો ભારતીય આર્ય ભાષાસાહિત્યોના ઇતિહાસમાં, એક માત્ર સિંહાલીઝના અપવાદ સિવાય, ક્યાંય નથી. દયારામના અવસાનકાળે ગુજરાતી ભાષા માત્ર વ્યવહારુ ઉપયોગની કથ્ય ભાષા નહોતી, પણ લગભગ આઠ શતાબ્દીના સતત અને સમર્થ ખેડાણનો વારસો ધરાવનારી સમૃદ્ધ સાહિત્યભાષા હતી. વિવિધરંગી ગુજરાતી પ્રજાનું આંતરચૈતન્ય ટકાવી રાખવામાં સૌથી મોટો ફાળો કોઈનો હોય તો તે મધ્યકાળના કવિઓ, સંતો, ભજનિકો અને કથકો-કથાકારોનો છે. ઇતિહાસના સૌથી વિષમ સમયગાળાઓમાં પણ, એથી, પ્રજાએ પોતાની આંતરિક સમતા સાવ ગુમાવી નહોતી તથા શાન્તિ અને આશ્વાસન પ્રાપ્ત કર્યાં હતાં. ‘ગોવર્ધનરામે કહ્યું છે તેમ, ગામગામ વચ્ચે અંધેર, ધાડલૂંટ ઇત્યાદિને કારણે સંપર્ક રહ્યા નહિ હોય ત્યારે દરેક ગામે પોતાનો આછોપાતળો પણ કવિ નિપજાવ્યો, જેણે નાનકડો સ્થાનિક દીવડો બની લોકોનાં હૈયાંને લીલાં રાખ્યાં. તેમાંના વિશેષ સત્ત્વશાળીની પ્રતિષ્ઠા સ્થાનિક ન રહેતાં પ્રદેશવ્યાપી પણ બની. મધ્યકાળના આ કવિકુળે સમાજને એના સારા દિવસોમાં તેમજ રાજકીય અને નૈતિક વિપત્તિ વેળા બૌદ્ધિક વિનોદ, સાહિત્યરસ, ધર્મલભ્ય આશ્વાસન અને નૈતિક બળ આપ્યું છે, અને સમાજને એકાદ ડગલું આગળ લઈ જવાની સેવા બજાવી છે. ગોવર્ધનરામે આથી સાચું જ કહ્યું છે કે આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ક બની જાત અને ગુજરાત હૃદયની સચેતનતા ખોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે ઘડી, પલોટી, કેળવી, તેને ભાવક્ષમ, અર્થવાહી અને મધુર બનાવી એ સેવા તો જુદી.’[5]

સંદર્ભનોંધ

  1. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈના સંગ્રહમાં આ આખ્યાનની ૧૦૬ ચિત્રોવાળી હસ્તપ્રત સચવાયેલી છે. એની બીજી સચિત્ર હસ્તપ્રતો પણ એ સંસ્થામાં છે.
  2. અર્વાચીન કાળમાં વીસનગરના અનવરમીયાં કાજી (‘અનવર કાવ્ય’) અને પીર સત્તારશાહ આદિની રચનાઓની તુલના આ સાથે થઈ શકે.
  3. મધ્યકાલીન સાહિત્યમાં કવયિત્રીઓ – એ અભ્યાસનો એક અલગ વિષય છે. મીરાંબાઈનું વ્યક્તિત્વ અને કૃતિત્વ સૌથી પ્રસિદ્ધ છે. દીવાળીબાઈ, કૃષ્ણાબાઈ, પુરીબાઈ, રાધાબાઈ વગેરેએ ભક્તિનાં પદો ગાયાં છે. એમાંની રાધાબાઈ વડોદરાવાસી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતી. સંસ્કૃત ‘હંસવિલાસ’ના પ્રણેતા, શક્તિ સંપ્રદાયના હંસ મીઠુ અથવા મીઠું મહારાજની શિષ્યા જનીબાઈ નામે રસિક કવયિત્રી થઈ ગઈ. ઓલપાડની નાનીબાઈએ રૂપકપ્રધાન ‘વણઝારો’ રચ્યો છે. સંત નિરાંતની શિષ્યા વણારશીબાઈનાં પદો મળે છે. પીર કાયમુદ્દીન ચિશ્તીના પંથની વોરા કવયિત્રી રતનબાઈની ‘કલામો’ ભક્ત કવિઓનાં ભાષા અને ભાવ વ્યક્ત કરે છે. જૈન પરંપરામાં ‘ચારુદત્તચરિત્ર’ રચનાર પદ્મશ્રી સાધ્વી અને ‘કનકાવતી આખ્યાન’ રચનાર હેમશ્રી સાધ્વી થઈ ગયાં છે. પણ સમગ્ર રીતે જોતાં કવયિત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે અને એમનું પ્રદાન અલ્પ છે. એનું કારણ મુખ્યત્વે સામાજિક પરિસ્થિતિમાં જ ખોળવું રહ્યું ને?
  4. જુઓ એસ.ડી. ભરુચા. સંપાદિત Collected Sanskrit Writings of the Parsees, I-IV
  5. જુઓ : અનંતરાય રાવળ, ગુજરાતી સાહિત્ય [મધ્યકાલીન], (૧૯૫૪) પૃ. ૨૪