કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૯. ત્યારે

From Ekatra Wiki
Revision as of 10:18, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૯. ત્યારે

નલિન રાવળ

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તૂફાની ઘૂઘવ્યા પવનોભરી રાત્રિ તળે
ડોલી રહેલા વૃક્ષના અણડોલ ઊભા
મૂળની માફક

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
લાવારસે ઊકળ્યાં ભીતરનાં પડ કઠણ તોડી
સહજ આ સૂર્યને ટોચ પર તોળી ઊભેલા
તૃણની માફક

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તાતી અગ્નિ ઝરતી આંખની સામે
નરી પ્રીતિ લઈ ઊભેલ નાજુક
આંસુની માફક

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તમારા સ્નેહભીના અંતરે
દલ દલ ખીલેલા કાવ્યના અવકાશવ્યાપી
છંદની માફક.

(અવકાશપંખી, પૃ. ૨૪૬)