કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૬. ત્રિમૂર્તિ

From Ekatra Wiki
Revision as of 11:05, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૬. ત્રિમૂર્તિ

સુન્દરમ્

૧. બુદ્ધ
ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું
હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું,
લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફ મહીં ને
વદ્યા: ‘શાંતિ, વ્હાલાં, રુદન નહિ બુટ્ટી દુઃખ તણી.’

અને બુટ્ટી લેવા વનઉપવનો ખૂંદી વળિયા,
તપશ્ચર્યા કીધી, ગુરુચરણ સેવ્યા; વ્યરથ સૌ
નિહાળી, આત્મામાં કરણ સહુ સંકેલી ઊતર્યા,
મહા યુદ્ધે જીતી વિષય, લઈ બુટ્ટી નીકળિયા.

પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને
નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા
પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખ થકી,
જગત્ આત્મૌપમ્યે ભરતી બહવી ગંગકરુણા.

પ્રભો! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે,
અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે.

૨. ઈશુ
મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું ‘તું, બલ તણા
મદે ઘેલા લોકો નિરબળ દરિદ્રો કચડતા,
વિસારી હૈયાથી પ્રભુ, જગત સર્વસ્વ ગણતા,
પ્રતિ સ્થાને સ્થાને બસ નરકલીલા જ પ્રગટી.

અહો, તેવે ટાણે વચન વદતો માર્દવ તણા,
ડૂબેલાંને દુઃખે સુખમિલન દુઃખે જ કથતો,
દરિદ્રે ઉગાડી પ્રબળ વચને વૃક્ષ બળનાં,
અમીકૂપી લેઈ જગ પર ભમ્યો બાળ પ્રભુનો.

ડગ્યાં જુલ્મી તખ્તો, બળમદભર્યા તાજ સરક્યા,
નમેલો એ આત્મા પ્રબળ રિપુ દુર્દમ્ય બનિયો,
ભભૂક્યો ક્રૌધાગ્નિ પ્રભુવિમુખનો, ઝાળ ઝબકી;
તહીં તેં હોમાઈ જગતદુઃખનો હોમ કરિયો.

સરી ત્યાં જે શાંતિસરિત બલિદાને ઊભરતી,
કૃપાસ્નાને એના જગત ધખતું શીતળ થયું.

૩. ગાંધી
પટે પૃથ્વી કેરે ઉદય યુગ પામ્યો બળ તણો,
ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મૂઠીમાં જગજને,
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળ તણા,
રચ્યાં ત્યાં ઊંચેરાં જનરુધિરરંગ્યાં ભવન કૈં.

ધરા ત્રાસી, છાઈ મલિન દુઃખછાયા જગ પરે,
બન્યાં ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સૌ,
વહેતી એ ધારા ખડક-રણના કાતિલ પથે,
પ્રગલ્ભા અંતે થૈ, ગહન કરવા વાચ પ્રગટી:

હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો; પાપ મટશે.

પ્રભો, તે બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું!
સપ્ટેમ્બર, ૧૯૩૦

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૦-૧૧)