ગુજરાતી નિબંધ-સંપદા/રમણ સોની/હજુ બીજો પગ બાકી હતો
રમણ સોની
સુરતના સ્ટેશને, ઇન્ડિકેટર ચાલુ થયાં ન હતાં એટલે, અમારું કંપાર્ટમેન્ટ ક્યાં આવીને ઊભું રહેશે એ નક્કી થતું નહોતું. એટલામાં ટ્રેન આવી ગઈ. અમે જોયું કે અમારો ડબો ઓ ચાલ્યો આગળ — ચાલો ઝડપથી. અરે, ‘ડબ્બા’ પાછળ પણ દોડવાનું?!
બધા સાથીઓ તો ઝડપે ચાલ્યા, કેટલાક સ્ફૂર્તિથી દોડ્યા, પણ મારાં ઘૂંટણ મને સ્ફૂર્તિ અર્પતાં ન હતાં, સખત દુખતાં હતાં. છૂટકો ન હતો એટલે સર્વ પ્રયત્ને ઝડપ વધારી, પણ ટ્રેનમાં બેસતાં સુધીમાં તો મારા પગ છૂટા પડીને માથામાં પેસી ગયા હતા — વેદનાના સણકા વાગતા હતા. માથું પકડીને બેસી જવું પડ્યું. બસ, એ જ ઘડીએ સંકલ્પ કર્યોઃ હવે ઑપરેશન કરાવી લેવું…
બે વરસ સુધી જિદ્દ ટકાવી રાખી હતી. શરૂઆતમાં તો, ‘હું બહુ નથી ચાલતો એથી દુખે છે’ તેમજ ‘ચાલું છું એટલે જ દુખે છે’ એવા ઉત્તર-દક્ષિણ નિષ્કર્ષોવાળી અજમાયશો ચાલી, ઘરગથ્થુ ઉપાયો ચલાવ્યા. પછી ડૉક્ટર, દવાઓ, ડૉક્ટર, ઍક્સ-રે, ‘ઘસારો છે, ની-રિપ્લેસમેન્ટ કરાવવું પડશે.’ ‘પણ હમણાં ચાલશે, હમણાં દવાઓ, સાથે-સાથે કસરતો.’ ડૉક્ટરોની, બિનડૉક્ટરોની સલાહો જ સલાહો…
કોઈ કહે — સેકન્ડ ઓપિનિયન લો. પરિણામે, જેટલા ડૉક્ટર એટલી જુદી. નવી, તાજી ભલામણો. ’એકો સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ!’ એનું ફલક જ મોટુંઃ ‘અરે, આ ઉંમર, સાઠ વર્ષ તે કંઈ ઘૂંટણના ઑપરેશનની ઉંમર છે?’ ત્યાંથી લઈને ‘જેટલું મોડું કરશો એટલા સારા રિઝલ્ટના ચાન્સ ઓછા થશે—’ ત્યાં લગીના પહોળા પટે સલાહો મળી. એક અસ્થિતજ્જ્ઞ કહેઃ ‘વારંવાર એક્સ-રે પણ ન કરાવશો. હાડકાં નબળાં પડે.’ એ મને ગમ્યા. વળી એ, કોઈ મિત્રના ઓળખીતા હતા એથી, દવાઓ લખી પણ આપે ને થોડીક ભેટ પણ આપે! પરંતુ, સરવાળે, એમની ટૂંકી પણ વારંવારની મુલાકાતો મોંઘી પડતી ગઈ. દવાઓ પ્રત્યે ચીડ વધતી ગઈ. ‘કસરત-શરણ જ હિતકારી, એવો સંકલ્પ આકાર લેતો ગયો. પેલા પ્રારંભિક ડૉક્ટરે મારા અહંને પંપાળીને જોસ્સો વધાર્યો હતો — ‘સાઠની ઉંમર તે કંઈ ઘૂંટણ-પરિવર્તનની વય છે!’
પણ ન ચાલ્યું. સવાર-સાંજ ચાલું, દુખે, ઓછું દુખે — એમ ચાલ્યું. પરંતુ, મજબૂત મન ઘૂંટણ પર પ્રભાવ ન પાડી શક્યું. તકલીફ લઈને વધુ ચાલવા માંડ્યું તો રાત્રે ઘૂંટણે રજેરજનો હિસાબ માગવા માંડ્યો — જેટલા સણકા એટલા સવાલો. દરમિયાનમાં, એક સવારે, ચાલીને ઘરે પાછો આવતો હતો ત્યારે, મને દૂરથી જોઈ રહેલા મિત્રે કહ્યુંઃ ‘વાહ, તમારી તૈમૂર ચાલ જોઈ!’ ખલાસ. આથી વધારે આઘાતજનક કૉમેન્ટ હોઈ શકે? પૂર્વ-જોસ્સા પર પાણી ફરી વળ્યું. અને સુરત-સ્ટેશનવાળી ઘટનાએ મારા બધા જ નકાર-સંકલ્પોને એક ઘાટકે હકાર-સંકલ્પમાં ફેરવી દીધા. આખરે જીર્ણ મનસૂબા-ગઢ તૂટ્યો…
છેવટે ડૉક્ટરની પરિણામગામી મુલાકાતો શરૂ થઈ. એમણે મારા પગ એવી રીતે વાળ્યા-વળાવ્યા, ને ઘૂંટણની આસપાસ એવી જગાએ આંગળીઓ દબાવી કે એમના નિર્ણયો મારા મુખમાંથી નીકળવા લાગ્યા. એમણે વીજાણુ-પરદા પર એવી દૃશ્યશ્રેણી બતાવી જેમાં પગ કેવા ત્રાંસા ને ચાલ કેવી કઢંગી થઈ જાય છે એવા કુરૂપ, અસહ્ય દૃશ્યથી લઈને, ઑપરેશન પછી કેવી સ્વાભાવિક ને ગતિશીલ જિંદગી શરૂ થાય છે એના પ્રેરક, પ્રસન્ન દૃશ્ય સુધીની ટૂંકી પણ સચોટ યાત્રા હતી. છેલ્લું સુખદ દૃશ્ય વાસ્તવિક નહીં પણ એમની કલ્પનાનું, બલકે એમના મતે દરદીઓના ભાવિ સ્વપ્નનું દૃશ્ય હતું. એની મને છેક ઑપરેશન પછી સમજ પડેલી.
પછી, એમણે નમૂનાના દાગીના બતાવ્યા જેનું મારા ઘૂંટણમાં પ્રત્યારોપણ કરવાનું હતું. ‘આ?’ મેં એકાક્ષરી આશ્ચર્ય વ્યક્ત કર્યું. ‘હા’, એમણે કહ્યું, ‘આ અંદર ફિટ થશે એટલે પછી તમારા પગ નૉર્મલ જેવા થઈ જશે.’ તત્ત્વતઃ એ લોખંડના મિજાગરા હતા જેને ડૉક્ટર કોબાલ્ટ સ્ટીલના કહેતા હતા. એ મિજાગરા, અલબત્ત, સરસ દર્શનીય ચીજ હતી પણ એને તો શરીરમાં ગોપવી દેવાની હતી, એટલે કે, એનું પ્રદર્શનીયપણું એળે જવાનું હતું.
હું સંપૂર્ણપણે સૂચનવશ થયો. છતાં, પરિણામ વિશે એક છેલ્લી ખાતરી મેળવવા મેં પૂછ્યુંઃ ‘જુઓ સાહેબ, મારે માત્ર ‘નૉર્મલ’ જિંદગી જ નથી જોઈતી, મારે ઘણું ફરવું છે, પર્વતો પર ઘૂમવું છે. થઈ શકશે?’ એ કહે, ‘છેક એથ્લેટની, વ્યાયામવીરની જિંદગી હવે નહીં આવે એટલું જ. પ્રવાસો તમે કરી શકશો, ખુશીથી.’
મારા બંને ઘૂંટણ ઑપરેશન-ક્ષમ, બલકે સ-ક્ષમ હતા. પણ હમણાં એક જ પગને પ્રયોગશાળામાં દાખલ કરવો એવી મારી વિનંતી ડૉક્ટરે મંજૂર રાખી. મારી વિનંતી પાછળનું એક કારણ મૂલ્યલક્ષી અર્થાત્ આર્થિક પણ હતું કેમ કે આ ઑપરેશનો જેટલાં મેજર હતાં એથીય વધારે એ મૂલ્ય-વાન હતાં. આજથી પચાસ-સાઠ વર્ષ પૂર્વે, મારા દાદા એમની તિજોરીના ઊંડાણમાં રાખેલી સો-સો રૂપિયાની બેચાર નોટો પૈકી એક અમને બતાવતા — પણ અડવા ન દેતા! એવો એનો અસ્પર્શ્ય પ્રભાવ હતો. અને આજે હું, ઘૂંટણદીઠ દોઢ લાખ રૂપિયા ડૉક્ટરને સમર્પિત કરવા તૈયાર થઈ ગયો હતો. મેં સ્વર્ગસ્થ દાદાની ક્ષમા માગી લીધી…
ઑપરેશનનું નક્કી થયા પછી, પ્રવેશપૂર્વેની પ્રશ્નોત્તરીઓ અને ‘ટેસ્ટ’ શરૂ થયાં. બધી જ કસોટીઓ (ટેસ્ટ્સ)નાં પરિણામો નકારાત્મક અર્થાત્ નેગેટિવ હતાં એથી, મારાં સ્વજનો કરતાંય ડૉક્ટરને વધુ રાહત થઈઃ ‘તમારા પગનું ઑપરેશન કરવું એ હવે અમારે માટે બિલકુલ ચિંતાનો વિષય નથી.’ મેં કહ્યુંઃ ‘આવી અનુકૂળતા સંપડાવનાર દરદી માટે તમે કોઈ સ્કીમ બહાર નથી પાડી?’ ‘એટલે?’ ‘એટલે કે ચિંતા ન કરાવનારને આકર્ષક વળતર આપવા અંગે…?’ એમણે સધિયારો આપ્યોઃ ‘અમે તમને ઑપરેશન થિયેટરની બહાર (જીવતા) લાવીશું ને…’
ઑપરેશનની પૂર્વસંધ્યાએ એક કનિષ્ઠ (=જુનિયર) તબીબે મારો ટૂંકો ઇન્ટરવ્યૂ લીધોઃ ‘તમને કશાની ઍલર્જી છે?’ ‘ના, સિવાય કે બીમાર પડવાની.’ ‘ઑપરેશન પહેલાં કોઈ ચિંતા કે ગભરામણ જેવું થાય છે?’ ‘ના. મારે ક્યાં ઑપરેશન કરવાનું છે?’ ‘આ પહેલાં કોઈ ઑપરેશન કરાવેલું છે?’ ‘ના. દવાખાનામાં દાખલ જ પહેલી વાર થાઉં છું. કેવી કેવી સગવડો હોય છે?’ મારા જવાબોમાં જ પ્રશ્નો વધી જતાં એમણે એ ટૂંકા ઇન્ટરવ્યૂને વધુ ટૂંકાવ્યો.
મને આપેલો રૂમ અને પથારી સુખદાયક હતાં. કોઈ વાર હૉસ્પિટલમાં કોઈની ખબર પૂછવા જવાનું થયું હોય ત્યારે, મને કંઈક બેચેનીનો અનુભવ થતો. આજે, હું જ દરદી હતો છતાં મને એવો કોઈ પ્રતિકૂળ અનુભવ થતો ન હતો. ખબર નહીં કેમ, પણ દરદી હોવાનો પણ કોઈ ભાર હું અનુભવતો ન હતો. આને આત્મવિશ્વાસ કહેવાય કે સંવેદનજડતા – એવી કોઈ પળોજણમાં પડ્યા વિના હું બારીની બહાર જોતો રહ્યો ને ઘરનાં સૌ સાથે વાતો કરતો રહ્યો.
ઑપરેશન બપોર સુધીમાં થવાનું હતું. સવારે જ હૉસ્પિટલની તરુણ વ્યવસ્થાપિકા મને પૂછવા આવી કે, ઑપરેશન દરમિયાન તમને શું સાંભળવાનું ગમશે? ભજનની કૅસેટ મુકાવું? મને આશ્ચર્ય થયું કે, આમ એકાએક, અંતિમ ઇચ્છા પૂછવાનું શું કારણ હશે? ડૉક્ટરનો આત્મવિશ્વાસ ડગી ગયો શું? મેં કહ્યું, ‘ના બહેન, ડૉક્ટરસાહેબને કહેજો કે એ માટે તો હજુ ઘણાં વર્ષોની વાર છે. તમે મધુર વાદ્યસંગીતની કૅસેટ મુકાવશો તો મને ગમશે.’
ઑપરેશન-થિયેટર, ફિલ્મોમાં જોયું હોય એવું આકર્ષક ન હતું. ત્યાં તો સેટ પાછળ ઘણો ખર્ચો કરવામાં આવતો હશે, કદાચ એથી એનું વળતર પણ વધારે મળતું હશે. અહીં તો, સાદી સીધી સહજ ઘરગથ્થુ વ્યવસ્થા હતી. મંડળી સજ્જ થતી હતી. મુખ્ય શસ્ત્રકાર્યકર ડૉક્ટર હજુ હવે આવવાના હતા. આ નવી વ્યવસ્થામાં, દર્દી દાખલ થાય પછી ડૉક્ટર દાખલ થાય એવી પ્રથા હશે?
ઑપરેશન પૂર્વે, સવારે જ, મારો શસ્ત્રભોગ્ય પગ, શેવિંગ કરીને ચોખ્ખો, સુંવાળો, ચકચકતો કરી દેવામાં આવ્યો હતો. બલિને શોભીતો કરીને હલાલ કરવો એ પણ આપણું એક સાંસ્કૃતિક લક્ષણ ગણાયું છે. હૉસ્પિટલો સંસ્કૃતિ-રક્ષા નહીં કરે તો કોણ કરશે — એવું વિચારતો હતો ત્યાં એ ચરણ પર હળદર/પીઠી જેવું કંઈક ચોપડવામાં આવ્યું. કેમ? હશે, વિધિનો એક ભાગ. ત્યાં તો, હું સૂતેલો હતો એમાંથી બેઠા થવાનું, બેસવાનું કહેવામાં આવ્યું. નિઃસંવેદન-નિષ્ણાત ઉર્ફે એનેટિસ્ટે કરોડરજ્જુની નીચે લક્ષ્ય કર્યું. લાંબું ઇન્જેક્શન ઠાલવી દઈને પછી પૂછ્યુંઃ ‘કંઈ થાય છે?’ ‘ના.’ પણ, ખરેખર તો, ‘શું થાય છે મને’ એમાં હું રસ લઈ રહ્યો હતો.
પછી મને ચત્તો સુવડાવવામાં આવ્યો. વળી કહે, ‘પગ ઊંચા કરો તો.’ પ્રયત્ન છતાં, હું એ આજ્ઞાનું પાલન ન કરી શક્યો એથી એમને રાહત થઈ. પરિણામે, દૃશ્ય બદલાયું, — પરદો પાડી દેવામાં આવ્યો. ઉપરથી ઊતરીને મારી છાતી સુધી એક અપારદર્શક, અને અણગમતા રંગનો પરદો ખેંચાઈ આવ્યો. એ કારણે, આંખો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી હોવા છતાં હું મારું અધમાંગ એટલે કે આંખ નીચેનું, પગ સમેતનું, અંગ જોઈ શકતો ન હતો. આંખોની બરાબર સામે આવો નિકટતમ અવરોધ મને રૂંધામણનો અનુભવ કરાવતો હતો. મેં આંખો મીંચી દીધી. સંગીત ચાલુ થયું ને શસ્ત્રક્રિયા પણ શરૂ થઈ — શરૂ થઈ હશે એવું મને લાગ્યું.
જે સમય પસાર થતો હતો એ, એકંદરે કહેવું હોય તો, બહુ કંટાળાજનક હતો. મને એમ કે ઊંઘ આવી જશે, પણ મારું કુતૂહલ મને જંપવા દેતું ન હતું. ને વળી, કુતૂહલ સંતોષાય એવી એક પણ સગવડ આંખવગી ન હતી! મેં કાન સતર્ક કર્યા. સંગીત સંભળાતું હતું એમાં તો કશો ભલીવાર ન હતો. એટલે મારું ધ્યાન બીજા અવાજો તરફ વળ્યું — ડૉક્ટરોના આછા-આછા અવાજો; કંઈક ઘસાવાના, કરવત ચાલતી હોય એવા, થોડા-થોડા હથોડા ઠોકાવાના વેરવિખેર અવાજો કાને પડતા હતા. આવા અવાજો કેમ? શું આ ભ્રાન્તિ હતી? ના. એ વાસ્તવિક અવાજો હતા — મારો પગ છરી-કરવત-હથોડાનો ભોગ બની રહ્યો હતો. અલબત્ત, આ રહસ્યની મને ઑપરેશન પછી ખબર પડેલી. મને માહિતી મળી કે ઑપરેશન એવી નિર્દય રીતે જ કરવામાં આવ્યું હતું. મને સુન્દરમ્નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય યાદ આવી ગયું — પગને ‘અવલનવલ ઘાટ અર્પવા’ માટે જ ‘તોડી ફોડી પુરાણું’ની રીત અજમાવવી પડે એ સનાતન પદ્ધતિ હતી.
છેવટે પત્યું. અમારા પ્રધાન ડૉક્ટર ભરતભાઈએ મારી પાસે આવીને કહ્યુંઃ ‘અભિનંદન રમણભાઈ, ઑપરેશન સરસ થઈ ગયું છે. બસ, હવે થોડીક જ વારમાં તમને રૂમમાં લઈ જશે.’ આમાં મેં શું અભિનંદનીય કરેલું એ હું સમજી શક્યો નહીં પણ મેં એમનો આભાર જરૂર માન્યો — સભ્ય વ્યવહારની પરંપરા મુજબ.
એનેસ્થેટિસ્ટે પણ મને અભિનંદન આપ્યાંઃ તમારું બી.પી. બહુ ઉપર-નીચે થયું નથી. મન મજબૂત કહેવાય. મને થયુંઃ એમણે આ અઘરું ઑપરેશન કરનાર ડૉક્ટરના બી.પી.ની વધઘટ અંગે અભ્યાસ કરવો જોઈતો હતો. એક નિષ્ક્રિય અને નિષ્કિયાંગ કરેલા દરદીએ તો શી ધાડ મારી હતી કે એના બ્લડપ્રેશરની પ્રશંસા કરવાની હોય? ખેર, મારે એમના લાંબા અનુભવોની કદર કરવાની હોય. વળી, મારા સંવેદનતંત્રને નિયંત્રિત રાખવા બદલ પણ હું એમનો ઋણી હતો.
હવે હું રૂમમાં. સૌ પ્રસન્ન. થિયેટરમાં ખાસ્સા ત્રણ કલાક થયા હતા! એ દરમિયાન સૌ ઊંચેજીવ હતાં. ઑપરેશન નાનું હોય કે મોટું — દરદી ફરીથી (જીવતો!) સૌ સામે ઉપસ્થિત થાય છે એનો આનંદ ઓછો નથી હોતો — સ્વજનોને તેમ જ ડૉક્ટરોને પણ.
થોડીક વાર પછી. મારા ઑપરેશનમાં જેમનું યોગદાન હતું એવા બે યુવાન સર્જનો આવ્યાઃ ‘કેમ છો?’ ‘બસ, મજા છે.’ એમણે એક નાનકડું સુંદર ખોખું મને બતાવ્યું, એને સામેના કબાટમાં મૂકતાં એ કહેઃ ‘તમારા પગની અંદર નાખ્યા તે ની-જોઇન્ટનું આ બૉક્સ છે, સાચવજો. મને રમૂજ થઈ. મેં કહ્યુંઃ હાસ્તો, સાચવવાનું જ. ક્યારેક ની-જોઇન્ટ કાઢીને પેક કરીને થોડાક દિવસ મૂકી રાખવા હોય તો એ બૉક્સ કામ આવે ને…’ સૌ હસ્યા. ઼ડૉક્ટરો હસતાં હસતાં બહાર ગયા ને અમારા પ્રધાન તબીબ ભરતેશ્વર પ્રવેશ્યાઃ ‘શું રમણભાઈ, બહુ આનંદનું વાતાવરણ છે કંઈ!’ ‘હા, સાહેબ, આ બધાંને એમ હતું કે તમે મારો પગ હજુ એકાદ દિવસ આ.સી.સી.યુ.માં રાખ્યો હશે — એને બદલે મારા બંને પગ અહીં જોઈને સૌને સાનંદ આશ્ચર્ય થયું છે.’ એ પણ હસ્યાઃ ‘ખરા છો તમે. ઘણુંખરું દરદીઓ થોડોક સમય ડિપ્રેસ્ડ કે શાંત થઈ જતા હોય છે. પણ તમે તો બધું એન્જોય કરો છો. ચાલો, કૉંગ્રેટ્સ ઍન્ડ ગુડ લક…’
પણ એમની શુભેચ્છાઓ ને મારો આનંદ બહુ ટક્યાં નહીં. ‘જવનિકા ત્રૂટતાં સ્મૃતિનાશની…’ એટલે કે એનેસ્થેસિયાની અસર ઓસરતાં જ. પહેલાં આછી ને પછી વધારે વેદના શરૂ થઈ. મને ભયંકર બળતરા થવા લાગી. મેં બધાંને ઊંચાનીચાં કરી મૂક્યાં. નર્સો અને પેલા યુવાન ડૉક્ટરો દોડી આવ્યાંઃ પ્લીઝ, બી કામ. પેઇન કિલર બૉટલમાંથી શરીરમાં જાય જ છે. દસેક મિનિટમાં જ તમને આરામ થઈ જશે.’
‘દ-સ મિ-નિ-ટ?! દસ મિનિટ કોને કહેવાય?! ડૉક્ટર, મારાથી એક સેકન્ડ પણ સહન નથી થતું.’ ઘડીક પહેલાં રમૂજ-મજાક કરનાર માણસને આમ બેહદ બેચેન બલકે અસહિષ્ણુ જોતાં જ સૌને આશ્ચર્ય થયું હશે. મારી ઉત્તમ છાપ પળવારમાં ભૂંસાઈ ગઈ. પણ છાપ ટકાવી રાખવી એ મારા હાથમાં ન હતું, ‘અસહ્ય’ શબ્દ, એના તમામ જીવંત અર્થોમાં, મારી પાછળ પડ્યો હતો, એનું આક્રમણ અસહ્ય હતું. ઘરનાં સૌ પણ વ્યાકુળ હતાં.
વેદના પણ પરાકાષ્ઠા પછીનો ઢાળ ઊતરતી હતી. તળેટીના મેદાન પર એ પગ મૂકે એ પહેલાં જ કદાચ, મારો નિદ્રાપ્રવેશ થઈ ગયો હતો. — હશે.
સવાર ખુશનુમા હતી. બારી બહારનું સુરખીભર્યું આકાશ સ્વાગત કરતું હતું. હું હૉસ્પિટલમાં નહીં પણ, જાણે કે, પ્રવાસ દરમિયાન કોઈ હોટલની સુખદા પથારીમાં પડ્યો હતો. ચિત્ત ચંચલ હતું પણ શરીર અચલ હતું હજુ. શસ્ત્રક્રિયા-ગત મારો સળંગ પગ સુંદર-સુઘડ, આછા ગુલાબી પાટાથી સુબદ્ધ તે સ્થગિત હતો — લિસ્સા, ગુલાબી આરસથી જડિત કોઈ સ્તંભ જેવો! એટલામાં ડૉક્ટર આવ્યાઃ ‘ચાલો.’ ‘ક્યાં?’ (ફરી પાછા ઑપરેશન-થિયેટરમાં જવાનું થયું હશે? કોઈ ક્રિયા બાકી રહી ગઈ હશે?) ડૉક્ટર કહેઃ ‘હવે ચાલવાનું છે.’ હું શંકા અને ભયથી જોવા લાગ્યો ત્યાં તો પરિચારકો સક્રિય થયા. મને ઉઠાડ્યો… બલકે ઉઠાવ્યો. મારો પગ નીચે મુકાવ્યો — ત્યારે ફરી પાછો વેદનાનો સણકો ઊઠ્યો. ઘોડી હાજર કરવામાં આવી. ઘોડે-સવાર થવું અને ઘોડી-સહારે જવું એ બે વચ્ચેનું અંતર વીરરસથી દયારસ વચ્ચેના અંતર જેટલું હતું. ઘોડી પકડવા પહેલાં, સાજા પગમાં સ્લીપર પહેરવાનું કહેવામાં આવ્યું. ડૉક્ટર કહેઃ ‘તમારો ઑપરેશનવાળો પગ સ્હેજ લાંબો થયો છે — એટલે એક જ પગમાં સ્લીપર પહેરો જેથી બેલેન્સ રહે.’ તો, મારી ઊંચાઈ વધી? પણ તે એકતરફી? ખુલાસો કરાયોઃ બીજા પગે ઑપરેશન થશે, પછી બંને પગ સરખા (ઊંચા) થઈ જશે. તાત્પર્ય એ કે બીજા પગનું ઑપરેશન ડૉક્ટરે કબજે (=સિક્યોર) કરી લીધું હતું!…
પહેલું પગલું ભરાયું, બીજો પગ પણ ઊંચો થયો. વાહ! ચલાયું. બીજું આકર્ષક દૃશ્ય એ હતું કે, હું, પરિચારક-ગણ, ડૉક્ટર, મારા સ્વજનો — એ આખી મંડળીની ગતિ અલસગમના હતી. મને કાલિદાસ નહીં પણ રાજેન્દ્ર શાહ યાદ આવ્યાઃ ‘જેવું વિલંબિત લયે મૃદુ મંદ ગાન, એવું જ મારું સહજે ઉર સ્પંદમાન.’ સ્પંદમાન હૃદયના તથા ડૉક્ટરના પ્રોત્સાહનથી હું દસ-વીસ ડગલાં ચાલ્યો. ત્યાં તો દાદરનાં પગથિયાં આવ્યાં. ડૉક્ટર કહેઃ ‘ચડો.’ મેં કહ્યુંઃ ‘સૉરી સર, પણ ચડવા અંગેની ખાતરી તો મેં, પગ સાજો થયા પછી, પ્રવાસ દરમિયાન પર્વત ચડી શકું એ માટે જ માગી હતી. અત્યારે જરૂર નથી.’ ‘છે’ — એવા એકાક્ષરી ને દૃઢ ડૉક્ટરોદ્ગાર સાથે, ને મારા આશ્ચર્ય વચ્ચે, એમણે સહાયક મંડળી પાસે મને થોડાંક પગથિયાં ચડાવડાવ્યાં.
હવે ફરી પાછું સરઘસ મારી રૂમ તરફ. નવા સાંધા સાથે ચાલવાનો પહેલો રિયાજ પૂરો કરી હું પથારીમાં પડ્યો. આટલામાં જ કેટલું થાકી જવાયેલું! પેલો જાણીતો શેર સ્મરણમાં ઝબક્યોઃ
બેફામ, તોય કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
કાવ્ય ગમે તેટલું ઉત્તમ ભલે ને હોય, પણ એનું આવું અપશુકનિયાળ સ્મરણ સારું નહીં — એવો ઠપકો મેં જ મને આપ્યો. સારું હતું કે આ કાવ્યપાઠ મેં સ્વજનો સાંભળે એ રીતે ન કરેલો.
નિષ્ક્રિયતામાં જ મને સુખ લાગતું હતું. એ સુખ ભોગવવાના મારા હકના આ બે-ત્રણ દિવસ હતા. પણ હૉસ્પિટલતંત્રને એ માન્ય ન હતું. ચલાવવાના કષ્ટ ઉપરાંત વ્યાયામોપચાર અર્થાત્ ફિઝિયોથેરપીની પીડા આપવાનું એમણે શરૂ કર્યું. એમની આવી સક્રિયતાઓ દરમિયાન વેદનાની સતત ને ક્યારેક સખત હાજરી રહેતી હતી. પણ આ સાતત્યમાંથી મને એક સત્ય પ્રાપ્ત થયુંઃ પરપીડન પરિહિતાર્થે પણ હોઈ શકે. વ્યાયામ-નિષ્ણાતો, પ્રસન્નવદને મને વેદના આપતાં હતાં. એમણે, અને ડૉક્ટરે પણ કહેલું કે આ વ્યાયમ-સારવાર સળંગ એક મહિના સુધી કરવી પડશે. ઓહ્! માઇલ્સ ટુ ગો બિફોર આઈ ગો ઑન અ ટૂર…
ચોથે દિવસે સવારે વિદાય-સમારંભ. ઘણી મૌખિક અને થોડી મુદ્રિત સૂચનાઓ અને દવાઓના આલેખ-પત્ર સાથે તેમજ એક મુક્તિ-પ્રમાણપત્ર સાથે મને વિદાય અપાઈ — ટૂંકમાં, ડિસ્ચાર્જ અપાયો. એક ભલામણપત્ર એરપૉર્ટ આદિ ઑથોરિટીઝને માટે પણ અપાયો હતો કે મને પ્લેનમાં સાચવીને, જરૂર પડ્યે વ્હીલચેરની વ્યવસ્થાપૂર્વક, લઈ જવો; અને સિક્યોરિટીના દુર્ગમ દ્વારમાંથી પણ, શરીરમાં ગોપિત રહેલી ચીજ પર શંકા કર્યા વિના જ, મને પસાર થવા દેવો. હૉસ્પિટલ તરફથી આટલા મોટા બહુમાનની મને કલ્પના ન હતી. — જોકે, પછી જેટલી વાર હવાઈ મુસાફરી કરવાની થઈ છે ત્યારે દરેક વખતે એ પ્રમાણપત્ર લેવાનું હું ભૂલી ગયો છું ને સિક્યોરિટી ઑફિસરોને કોઈ અંતઃપ્રેરણાથી મારા નૂતન ની-જોઇન્ટનો ખ્યાલ આવી ગયો છે. એક વાર, દિલ્હી એરપૉર્ટ પર એક ઑફિસરે ટકોર કરેલી કે એ પ્રમાણપત્ર રાખ્યું નથી છતાં અમે અહીં તો પ્રવેશ આપીએ છીએ, પણ તમે પરદેશ જઈ રહ્યા છો ત્યાં તમને કોઈ અટકાવી શકે. પરંતુ, માનવીય ઉદારતા બધે જ સરખી — એથી પરદેશમાં પણ મને કોઈએ રોકેલો નહીં. પરિણામે, હવે તો એ પ્રમાણપત્ર મને મારા ઘરમાં પણ શોધ્યું જડતું નથી.
વિદાય વખતે એક બીજી સુવિધા પણ, આગોતરી રકમ ચૂકવાવીને, મને આપવામાં આવેલીઃ એક માસિક દુશ્મન! એક વ્યાયામ-નિષ્ણાતિકા આખો મહિનો મારા પગની તાલીમ-અર્થે, મને રોજ એક કલાક ચીસો પડાવવા માટે મારે ઘરે આવશે એની કાળજી ડૉક્ટરે રાખી હતી. એ રીતે, હૉસ્પિટલ સાથે મારો અનુબંધ ચાલુ રહેવાનો હતો.
એટલે, ઘરે જવું કે ન જવું — એવું તો છેક ન થયું, પણ હૉસ્પિટલ-નિવાસનો મારો આ પહેલો જ જીવન-અનુભવ ઘણો યાદગાર બની રહ્યો. સૌએ કહ્યુંઃ ‘આવજો.’
— કારણ કે હજુ બીજો પગ બાકી હતો…