સુદામાચરિત્ર/કડવું ૧૪

Revision as of 09:18, 9 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૪|}} <poem> {{Color|Blue|[સુદામાને મળેલા સુખનું વિગતે ગાન કરતા પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૧૪

[સુદામાને મળેલા સુખનું વિગતે ગાન કરતા પ્રેમાનંદ અંતે કહે છે કે આટલો વૈભવ મળ્યો તો પણ સુદામા એટલા જ તટસ્થ છે જેટલા જીવનના આરંભે હતા. આટલો વૈભવ તેમને જરાય ચળાવી શક્યો નથી. આ જ તો છે ‘ઋષિ સુદામા નું રહસ્ય.]

રાગ-ધનાશ્રી

નિજ મંદિર સુદામો ગયા, તત્ક્ષણ કૃષ્ણજી સરખા થયા;
દંપતી રાજ્યશોભાએ ભર્યાં, શ્રીકૃષ્ણે દુઃખ દોહ્યલાં હર્યાં. ૧

ઢાળ
દોહેલાં ગયાં ને સોહેલાં થયાં, ભર્યાં ભવન લક્ષ્મી વડે;
એક મુષ્ટિ તાંદુલ આરોગ્યા, તે લક્ષ જજ્ઞે નવ જડે. ૨


વસન, વાહન, ભવન, ભોજન, ભૂષણ ભવ્ય ભંડાર;
ચામર, આસન, છત્ર બિરાજે, ઇંદ્રનો અધિકાર. ૩

મેડી અટારી છજાં જાળી, ઝળકે મીનાકારી કામ;
સ્ફટિક મણિએ સ્થંભ જડ્યા છે, કૈલાસ સરખું ધામ. ૪

વિશ્વકર્મા ભૂલે બ્રહ્મા, જોઈ ભવનનો ભાગ;
માણેક મુક્તા રત્ન હીરા, ઝવેર જોત્ય જડાવ. ૫

ગોળી ગોળા ઘડા ગાગર, સર્વ કનકનાં પાત્ર;
સુદામાના વૈભવ આગળ, કુબેર તે કોણ માત્ર? ૬

ત્યાં જાચકનાં બહુ જૂથ આવે, નિર્મૂખ કોઈ નવ જાય;
જેને સુદામો દાન આપે, લક્ષપતિ તે થાય. ૭

ઋષિ સુદામાના પુર વિષે, ન મળે દરિદ્રી કોય;
કોટિધ્વજ ને લક્ષ દીપક અકાળ મૃત્યુ ન હોય. ૮

યદ્યપિ વૈભવ ઇંદ્રનો પણ, ઋષિ રહે છે ઉદાસ;
વિજોગ રાખે ભોગનો, થઈ ગૃહસ્થ પાળે સંન્યાસ. ૯

વેદાધ્યયન અગ્નિહોત્ર હોમે, રાખે પ્રભુનું ધ્યાન;
માળ ન મૂકે, ભક્તિ ન ચૂકે, એવા વૈષ્ણવ ઋષિ ભગવાન. ૧૦


સુદામાનું ચરિત્ર સાંભળે, તેનું દુઃખ દારિદ્ર જાય;
ભવદુઃખ વામે, મુક્તિ પામે, મળે માધવરાય. ૧૧


વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ;
ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ પ્રેમાનંદ નામ. ૧૨

સંવત સત્તર આડત્રીશમાં, શ્રાવણ સુદ નિદાન;
તિથિ તૃતીયા ને ભૃગુવારે, પદબંધ કીધું આખ્યાન. ૧૩

ઉદરનિમિત્તે સુરત સેવ્યું, ને ગામ નંદરબાર,
નંદીપુરામાં કીધી કથા, યથાબુદ્ધિ અનુસાર. ૧૪

વલણ
બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી;
ભટ પ્રેમાનંદ નામ મિથ્યા, શ્રોતા બોલો જે હરિ. ૧૫