ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી પાઠયપુસ્તકો

From Ekatra Wiki
Revision as of 10:06, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ગુજરાતી પાઠ્યપુસ્તકો: મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને અંગ્રેજી-હિન્દીના ગજગ્રાહને બાજુએ મૂકી ‘દેશીઓને દેશી ભાષામાં શિક્ષણ’ની હિમાયત કરી. એના કારણે ‘ધી નેટિવ સ્કૂલબુક ઍન્ડ સ્કૂલ સોસાયટી’ અસ્તિત્વમાં આવી. પરિણામે ૧૮૨૦ની સાલમાં ભારતની ભાષાઓમાં પાઠ્યપુસ્તકોની જરૂરિયાતનો સ્વીકાર થયો. ૧૮૨૨માં ‘મરે’ના ‘ગ્રામર’નો અનુવાદ પ્રસિદ્ધ કરાયો જે ગુજરાતી ભાષાનું ઇતિહાસદૃષ્ટિએ સૌથી પહેલું પાઠ્યપુસ્તક બની રહ્યું. ૧૮૨૪માં સોસાયટીએ ‘લિપિધારા’, ‘ગુણિત’, ‘બોધવચન’, ‘પંચોપાખ્યાન’, ‘વિદુરનીતિ’, ‘બાલગોષ્ઠિ’ વગેરે પુસ્તકો તૈયાર કર્યાં. આ સોસાયટી ૧૮૨૭થી ‘ધી બોમ્બે એજ્યુકેશન સોસાયટી’ નામથી ઓળખાઈ. ૧૮૫૦માં એના ઉપર નિરીક્ષણ અર્થે ‘બોર્ડ ઑફ એજ્યુકેશન’ સ્થપાયું. સોસાયટીનાં પુસ્તકો ‘આદર્શ પાઠ્યપુસ્તકો નથી’ અને ‘ભાષાન્તરો હોઈ પ્રદેશના વાતાવરણને કે એની જરૂરિયાતોને સમાવી શકતાં નથી.’ એવી ટીકાઓ એની સામે, ૧૮૪૦થી શરૂ થવા પામી હતી. તેથી ‘ભાષાનાં પુસ્તકોની વાચનમાળા’નું નિર્માણ થવું જોઈએ એવો નિષ્કર્ષ વિચારાયો. અને એ રીતે આદર્શ પાઠ્યપુસ્તકોનો પ્રથમ પ્રયાસ કર્યો. ‘મુંબઈ રાજ્યના કેળવણીખાતા’ના વડા મિ. હાવર્ડની સૂચનાથી એ વખતના ઊંચા કેળવણીકાર ગણાતા ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ટી.સી. હોપ દ્વારા ૧૮૫૭માં ‘વાચનમાળા’ નામની બારસો પાનાંની ક્રમિક ધોરણ અનુસારની સાત ચોપડીઓ પ્રસિદ્ધ કરાઈ. વસ્તુવિષય, પાઠોની લંબાઈ, પદ્ધતિ, વિશ્લેષણચિકિત્સા, સામાન્ય દેખાવ વગેરે બાબતોને એમાં લક્ષ્યમાં લેવામાં આવી હતી અને વિદ્યાર્થીની કુદરતી જિજ્ઞાસાને ઉત્તેજી રસ જગાડી જ્ઞાન આપવાની પદ્ધતિનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે પ્રત્યક્ષ નીતિબોધ અને રાજનીતિ અંગેના ઝુકાવને બાદ કરતાં એ વાચનમાળા વ્યવસ્થિત તો હતી જ. એ તૈયાર કરવામાં મિ. હોપે તે સમયના વિદ્વાનો મહીપતરામ રૂપરામ, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મોહનલાલ પ્રાણવલ્લભદાસ અને કવિ દલપતરામની મદદ પણ લીધી હતી. અલબત્ત, એ ઓળખાઈ હતી તો ‘હોપ વાચનમાળા’ નામે જ અને ૧૮૬૦થી ૧૯૦૬ સુધી પ્રાથમિક મિડલ સ્કૂલક્ષેત્રે’ ‘જુઓ અને કહો-ની આદર્શ શિક્ષણપદ્ધતિ’વાળી. એનું એકચક્રી શાસન રહ્યું હતું. હરગોવિંદદાસ કાંટાવાળાની સહાયથી કન્યાઓ માટે જુદાં ત્રણ પુસ્તકો પણ તૈયાર કરાયાં હતાં. સરકારી સૂચના અનુસાર ૧૯૦૩-૧૯૦૫માં જે.જી. કોવર્નટનના અધ્યક્ષપદે ‘પાઠ્યપુસ્તક સુધારણા સમિતિ’ની રચના કરવામાં આવી. આ સમિતિએ ‘હોપ વાચનમાળા’નું આખું કલેવર જ બદલી નાખ્યું. ‘જુદાજુદા લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતા તેમજ તેમના રોજિંદા જીવનને અને અનુભવને સ્પર્શતા સાહિત્યનો સમાવેશ વાચનમાળામાં કરવો. એ ઉપરાંત ભૂતકાળના ભવ્ય ઇતિહાસને લગતા પ્રસંગો તેમજ ભારતની અને બીજા દેશોની સંસ્કૃતિને લગતું સાહિત્ય ઉમેરવું.’ એવું એક લક્ષ્ય નક્કી થયું. એ સાથે સાદા વર્ણન જેવી અને કાવ્યતત્ત્વ સિવાયની તેમજ સંબંધ વગરની કાવ્યરચનાઓ હોપ વાચનમાળામાં હતી એ ફરિયાદ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હોપ વાચનમાળામાં સરકારનો સંપૂર્ણ ઇજારો હતો અને એનું વેચાણ પણ ‘ગવર્નમેન્ટ બુકડીપો’ની મદદથી થતું હતું. એક નોંધપાત્ર વસ્તુ એમાં એ દાખલ થઈ હતી કે રંગીન ચિત્રોનો એમાં સમાવેશ કરાયો હતો. ૧૯૧૬માં ગાંધીજી આફ્રિકાથી ભારતમાં પાછા ફર્યા ને એમના પ્રયત્નોના પરિણામે જાગ્રત થયેલા સ્વદેશપ્રેમે આખીયે કેળવણીમાં ક્રાંતિકારી જુવાળ આણ્યો. યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે ભારતની ભાષાઓનો અભ્યાસ શરૂ થયો. મુંબઈપ્રાંતની પ્રજામાં આવેલી સામાન્ય જાગ્રતિને લીધે પાઠ્યપુસ્તકો પણ જાહેર ચર્ચાનો વિષય બન્યાં. ગૂજરાત વિદ્યાપીઠ અને દક્ષિણામૂર્તિ વિદ્યાભવન દ્વારા ૧૯૧૯થી રાષ્ટ્રીયતાની અસરવાળી પોતીકી વાચનમાળાઓ અસ્તિત્વમાં આવી. ૧૯૨૩ના મુંબઈપ્રાંતના પ્રાથમિક શિક્ષણના ધારાએ પાઠ્યપુસ્તકો મંજૂર કરવાની સત્તા જિલ્લા અને મ્યુનિસિપલ શાળામંડળોને આપતાં વાચનમાળાના સાહસ માટે આ બે સંસ્થાઓ ઉપરાંત ખાનગી પ્રકાશકો અને ઘણા લેખકો બહાર પડ્યા અને વાચનમાળામાં વિવિધતા આવવા માંડી. આ ગાળામાં જે પ્રયોગો દેખાયા એ નોંધવા જોઈએ. દેશી રજવાડામાંથી વડોદરા, ગોંડલ, જેવાં રાજ્યોએ ‘સયાજી વાચનમાળા’ (પાછળથી ‘પ્રતાપ વાચનમાળા’), ‘ભગવદ્ વાચનમાળા’, ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (વિધાઅધિકારી કચેરી, ગોંડલ) જેવાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા એ ખરેખર તો રાષ્ટ્રીય ક્રાન્તિના જુવાળમાં વધેલા સ્વભાષા પ્રેમે પાઠ્યપુસ્તકોના વિકાસને કરી આપેલી અનુકૂળતાનું જ પરિણામ હતું. આ સાહસમાં લેખકો તરીકે નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા જેવા શિક્ષણશાસ્ત્રીઓ કાર્યરત થયા હતા એમ ઝવેરચંદ મેઘાણી અને અમૃતલાલ શેઠ જેવા વર્તમાનપત્રના વ્યવસાયમાં પડેલા કલમવીરો પણ બાળકોમાં રાષ્ટ્રીય ચારિત્ર્યનું ઘડતર કરવાના આશયથી જોડાયા હતા. જુગતરામ દવે, મૂળશંકર ભટ્ટ, કાકાસાહેબ કાલેલકર વગેરેએ પણ દેશની ભાવનાને મૂર્તિમંત કરવાના આશયથી ‘ચાલણગાડી’ જેવાં પ્રાથમિક શિક્ષણના આરંભનાં પુસ્તકો તૈયાર કર્યાં. ખુદ ગાંધીજી પાસેથી પણ આપણને ‘બાળપોથી’ પ્રાપ્ત થઈ હતી. ૧૯૪૭ના પ્રાથમિક શિક્ષણના ધારાએ પ્રાથમિક કક્ષાનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સત્તા કેળવણીખાતાને આપી અને રાજ્યસરકાર દ્વારા એક ખાસ સમિતિની નિમણૂક કરાઈ અને ધોરણ ૧થી ૪માં કેળવણીખાતાની વાચનમાળા ફરી દાખલ થઈ. ‘સ્નેહરશ્મિ’, ચંદ્રવદન ચુનીલાલ શાહ, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ અને શંભુપ્રસાદ કૃપાશંકર ભટ્ટની સમિતિ દ્વારા તૈયાર થયેલી ‘ગુજરાતી વાચનમાળા’ (ધો. ૧થી ૪) સરકારે રાખેલી ઓછી કિંમતના કારણે વધુ ચાલી તેમ છતાં સ્પર્ધામાં નીચેની ખાનગી પ્રકાશકોની વાચનમાળાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી. અને ઘણે સ્થળે ચાલી હતી. ‘નવયુગ વાચનમાળા’ (મગનભાઈ ત્રિ. વ્યાસ, લાલભાઈ ર. દેસાઈ, વોરા ઍન્ડ કંપની), ‘નવભારત વાચનમાળા’ (ભગવત્ ભટ્ટ અને રમણિક ઠાકર, દોશી ઍન્ડ કંપની), ‘આનંદ વાચનમાળા’ (ધીરુભાઈ ઠાકર, અને મગનલાલ દેસાઈ, ભારત પ્રકાશન), ‘લોકભારતી વાચનમાળા’ (‘દર્શક’, બાલગોવિંદ પ્રકાશન) ‘વાચન ભારતી’ (મૂળશંકર ભટ્ટ અને રતિલાલ સાં. નાયક), ‘અમારી વાચનમાળા’ (જશભાઈ પટેલ, જયાનંદ દવે, ‘ઉશનસ્’ રમેશ કોઠારી, અપના પ્રકાશન), ‘સુબોધ વાચનમાળા’ (પન્નાલાલ પટેલ, દેવજી મોઢા, દિલીપ ગોહિલ, વીરસુત મહેતા, ક્રાન્તિકુમાર જોશી, નીતિ પ્રકાશન અને બેચર મેઘજી ઍન્ડ સન્સ) આ વાચનમાળાઓ ૧થી ૪ ધોરણની હતી. પાંચથી અગિયાર ધોરણની નીચેની વાચનમાળાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી. ‘સાહિત્ય પાઠાવલી’ (‘સ્નેહરશ્મિ’, રામપ્રસાદ બક્ષી), ‘સાહિત્યપલ્લવ’ (‘સ્નેહરશ્મિ’, ઉમાશંકર જોશી), ‘સાહિત્ય કિરણાવલી’ (ધીરુભાઈ ઠાકર, ‘જયભિખ્ખુ’, મગનલાલ દેસાઈ), ‘સાહિત્યસોપાન’ (ચતુરભાઈ શંકરભાઈ પટેલ, પુરુષોત્તમ છગનલાલ શાહ), ‘સાહિત્યલહરી’ (મનસુખલાલ ઝવેરી, ખુશમનભાઈ વકીલ, મનુભાઈ વૈદ્ય, અરવિંદલાલ મજમુદાર), ‘સાહિત્યરત્ન’ (ઈશ્વરલાલ ખાનસાહેબ, નરહરિલાલ ત્ર્યંબકલાલ), ‘સાહિત્યમુકુર’ (ચંદ્રવદન ચુનીલાલ શાહ) ‘સાહિત્યસૌરભ’ (ભાનુપ્રસાદ વ્યાસ, શંકરપ્રસાદ રાવલ), ‘સાહિત્યસુમન’ (કે.બી. વ્યાસ), ‘સાહિત્યપરિચય’ (ધીરુભાઈ દેસાઈ, રણછોડજી દેસાઈ), ‘સાહિત્યદર્શન’ (અંબાલાલ નૃ. શાહ), ‘સાહિત્યમંજરી’ (સાકરલાલ દવે), ‘સાહિત્યપરિમલ’ (નવલરામ જ. ત્રિવેદી), ‘ગુજરાતી સાહિત્યપ્રવેશ’ (ચં. ચુ. શાહ), ‘કિશોર વાચનમાળા’ (રમણ વકીલ, ભાનુશંકર વ્યાસ, અમીદાસ કાણકિયા, સુંદરજી બેટાઈ, પુષ્પા વકીલ). સ્વાતંત્ર્ય પહેલાં, સ્વાતંત્ર્ય લેતી વખતે, અને સ્વાતંત્ર્ય મેળવ્યા પછી પાઠ્યપુસ્તકો પોતાનાં કલેવર બદલતાં રહે છે એ અનુસાર આ ગાળામાં પાઠ્યપુસ્તકોમાં સ્વદેશપ્રેમ, સ્વભાષાપ્રેમ પ્રકૃતિ તરફ રુચિ અને ચિંતનપ્રધાન નિબંધ તરફ વિશેષ ભાવ જોવા મળે છે. ગુજરાત રાજ્યના કેળવણીખાતા તરફથી રાજ્યે કાયદો કરી ‘ગુજરાત રાજ્ય શાળાપાઠ્યપુસ્તકમંડળ’ની સ્થાપના કરી અને ૧૯૬૯થી મંડળે તેની કાર્યવિધિ સંભાળી જૂન ૧૯૭૦થી રાષ્ટ્રીયકરણ રૂપે આખાયે રાજ્યમાં મંડળનાં પુસ્તકો અમલી બન્યાં, (‘મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષણમંડળે પણ અલગ અસ્તિત્વ રૂપે ત્યાંની ગુજરાતી શિક્ષણ આપતી શાળાઓ માટે ‘વાચનભારતી’, ‘કુમારભારતી’, ‘યુવકભારતી’ નામથી ગુજરાતી વાચનમાળા આપ્યા કરી છે). મંડળે વિષયસલાહકારો, સંપાદકમંડળ અને પરામર્શકસમિતિ એમ ત્રિસ્તરીય રચનાથી પાઠ્યપુસ્તક તૈયાર કરી, જરૂર પડ્યે એક વર્ષ પસંદગીની શાળાઓમાં અજમાયશ કરી, અમલમાં મૂકવા માંડ્યું છે. છેલ્લે ભારતભરમાં ક્ષમતાકેન્દ્રી નવી શિક્ષણનીતિ અમલી બની રહી છે, તો તે મુજબ ફેરફાર કરીને, પણ એની એક ઉલ્લેખનીય એવી, સાહિત્યતત્ત્વના ભોગે કશું – નહિ એ નીતિ જાળવીને પાઠ્યપુસ્તકો આપતું રહ્યું છે. ર.ના.