કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે

From Ekatra Wiki
Revision as of 07:52, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે

(ખંડ શિખરિણી)
હજી સુક્કી કાઠી
(જરા ઝૂકી કાઠી)
અણથક ભરે એ જ ડગલાં
સવારે ને સાંજે.
હજી ઝાંખી આંખે
(જરી પાંખી આંખે)
ચરચબરખી રોજ નીરખે,
કપોલે રેખાઓ
ગડમથલની કૈંક ઊપસે,
કશું છાનુંછૂપ્યું
(કશું લીંપ્યું-ગૂપ્યું)
જરીક પણ જેવું મન વસે,
ફરી આછુંઆછું
ફરફર થતું હેત હરખે.
હજી આઠે પ્હોરે
(રહી કાંઠે-કોરે)
ખળખળ જતાં વ્હેણ પરખે.
વટાવ્યા કંઈ કેવા
અગણ જનના
સમય-વનના
પરિચય તણા ફેરફાંટા
હવે તો એ હૈયે ખેવના એટલી કે
અમારાં આ જૂનાં
જપ-તપ અને જોગ પરખી
કદી તો, કોઈ તો
નિજ સમયના
મેળવે ક્યાંક કાંટા.

૧૨-૩-૭૩
(જળમાં લખવાં નામ, પૃ. ૬૩)