કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૩૮. ભીતર ભગવો
Revision as of 09:30, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
૩૮. ભીતર ભગવો
ભીતર ભગવો ભર્યો પડ્યો છે,
અમને ઊંડો અમલ ચડ્યો છે.
ઘેનપૂર ઘેઘૂર છાંયમાં
મલક લાગતો ધૂણો.
ચારે પા અજવાસ હિલોળે
ભરચક ખૂણેખૂણો.
શ્યામ રંગની રમણા જાગી,
શ્વેત રંગનો ઢોળ ચડ્યો છે.
– અમને ઊંડો અમલ ચડ્યો છે.
એક ઘૂંટમાં ઘટમાં ખૂલે
પળનો પારાવાર,
બીજી ઘૂંટે પલક માત્રમાં
શૂન્ય થાય સાકાર.
ઓગમ-ચોગમ અંદર-બાહિર
અમને ઊંડો ભેદ જડ્યો છે.
– ભીતર ભગવો ભર્યો પડ્યો છે.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૮૯)