કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી

From Ekatra Wiki
Revision as of 14:00, 17 December 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી


વીસમી સદીના યુગદ્રષ્ટા સર્જક ઉમાશંકર જોશીનો જન્મ તા.   ૨૧-૭-૧૯૧૧ના રોજ બામણા (જિ. સાબરકાંઠા)માં થયો હતો. તેમનું મૂળ ગામ શામળાજી પાસેના ડુંગરોમાં આવેલું લુસડિયા. પણ છપ્પનિયા દુકાળમાં તેમનું કુટુંબ ઈડર પાસે આવેલા બામણા ગામમાં વસેલું. માતા નવલબહેન. પિતા જેઠાલાલ જોશી. ઉપનામ ‘વાસુકિ’, ‘શ્રવણ’. પ્રાથમિક શિક્ષણ ત્રણ ધોરણ સુધી બામણામાં, ત્યારબાદ અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડર છાત્રાલયમાં રહીને ઈડરની શાળામાં અભ્યાસ. ત્યાં પન્નાલાલ પટેલ તેમના સહાધ્યાયી. શિક્ષકો સારા મળ્યા. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મૅટ્રિકની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અભ્યાસ. તેઓ ઇન્ટર આર્ટ્સમાં હતા ત્યારે, ૧૯૩૦માં, ૧૯ની વયે તેમણે સ્વાતંત્ર્ય-ચળવળમાં ઝંપલાવ્યું. ૧૯૩૦થી ૧૯૩૪ સુધી તેઓ સત્યાગ્રહની લડતમાં સક્રિય રહ્યા. આ દરમિયાન તેઓ સાબરમતી જેલમાં મરાઠી અને યરવડા જેલમાં બંગાળી શીખ્યા. જેલવાસ દરમિયાન તેઓ ઉર્દૂ પણ શીખ્યા. ૧૯૩૪માં પિતાનું અવસાન થયું. ૧૯૩૬માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર તથા ઇતિહાસના વિષયો સાથે બી.એ. તથા ૧૯૩૮માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો લઈ એમ.એ. થયા. ૧૯૩૭માં એમની જ જ્ઞાતિનાં જ્યોત્સ્નાબહેન સાથે લગ્ન થયાં. આ લગ્નના કારણે તેમને નાત બહાર મૂકાવાનું બનેલું. મુંબઈમાં વિલેપાર્લેની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે, સિડનહામ કૉલેજમાં ગુજરાતી વ્યાખ્યાતા તરીકે તેમણે કામ કર્યું. ૧૯૩૯માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૪૧માં પુત્રી નંદિની તથા ૧૯૪૮માં સ્વાતિનો જન્મ. ૧૯૪૬થી ૧૯૫૪ દરમિયાન તેમણે વ્યવસાયમુક્ત રહીને ‘ગુજરાતના સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક’ તરીકે ગુજરાતભરમાં અનૌપચારિક અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૫૪થી ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાભવનના અધ્યક્ષ, પ્રધાન અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું અને ૩૦ નવેમ્બર, ૧૯૬૬ સુધી વેતન સાથે અને ૩૧ માર્ચ, ૧૯૭૦ સુધી વિના વેતને ફરજ બજાવી. ૧૯૬૪માં જ્યોત્સ્નાબહેનનું અવસાન થયું. ૧૯-૧૨-૧૯૮૮ના રોજ મુંબઈ ખાતે ઉમાશંકર જોશીનું અવસાન થયું. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે, રાજ્યસભાના સભ્યપદે, દિલ્હીની સાહિત્ય અકાદેમીના પ્રમુખપદે તથા વિશ્વભારતી, શાંતિનિકેતનના કુલપતિપદે તેમણે સેવાઓ આપી. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ કામ કર્યું. રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (કન્નડ કવિ પુટપ્પા સાથે), વિશ્વગુર્જરી પુરસ્કાર, મહાકવિ કુમારન્ આશાન પારિતોષિક, ‘રવીન્દ્રતત્ત્વાચાર્ય’ની પદવી, કેન્દ્રીય સાહિત્ય અકાદેમીની ફેલોશિપ આદિ સન્માન એમને પ્રાપ્ત થયેલાં. ‘વિશ્વશાંતિ’ (૧૯૩૧), ‘ગંગોત્રી’ (૧૯૩૪), ‘નિશીથ’ (૧૯૩૯), ‘પ્રાચીના’ (૧૯૪૪), ‘આતિથ્ય’ (૧૯૪૬), ‘વસંતવર્ષા’ (૧૯૫૪), ‘મહાપ્રસ્થાન’ (૧૯૬૫), ‘અભિજ્ઞા’ (૧૯૬૭), ‘ધારાવસ્ત્ર’ (૧૯૮૧), ‘સપ્તપદી’ (૧૯૮૫) – આ દસ કાવ્યસંગ્રહોનો સમાવેશ ‘સમગ્ર કવિતા’ (૧૯૮૧)માં થયો છે.

બાળપણના પ્રથમ ભાષાસંસ્કાર વિશે ઉમાશંકરે ‘સમગ્ર કવિતા’ના પ્રવેશક – ‘આત્માની માતૃભાષા’માં નોંધ્યું છેઃ “બાળાપણમાં એક એક શબ્દ, જીવવાનું શીખતાં શીખતાં, પહેલવહેલો ગ્રહણ થયો હશે — આકૃતિ સાથે સંબદ્ધ, કોઈ ગદ્ય કે અવાજ સાથે સંબદ્ધ, તે કશી ખબર આપ્યા વગર પચાસ-સાઠ વરસે પણ તેવા જ રૂપે ચેતનામાં પ્રતિબદ્ધ થઈ ઊઠે, કોશ કે શિષ્ટ સાહિત્યના અર્થ-સંદર્ભ કરતાં જુદા જ ઇન્દ્રિયગ્રાહ્યતાના સંદર્ભ સાથે, અને સર્જકનું આખું કલેવર ચમત્કારક આવેશથી સભર થઈ જાય, — એ છે જાદુ બાળાપણના પ્રથમ ભાષાસંસ્કારનું.” સાહિત્ય અંગેના વલણને પુષ્ટ કરનાર પરિબળોની વાત કરતાં ઉમાશંકરે લખ્યું છેઃ “અરવલ્લી ગિરિમાળાની દક્ષિણ તળેટીએથી હું આવું છું — મારા ગામની આસપાસ વહેળાઓ, નદીઓ, જંગલો અને ડુંગરો ઓળંગીને લાંબા મારગ કાપવાનું વારંવાર બન્યું છે. જુદી જુદી ઋતુઓમાં એ લાંબા પંથ અને કુદરત સાથે વાતે વળવાની, મારી જાત સાથે વાતે વળવાની તક આપતા.” શૈશવમાં લાંબા પંથ કાપવાના ને કુદરત સાથે વાતે વળવાના કારણેસ્તો માઈલોના માઈલો આ કવિની અંદરથી પસાર થયા હશે, લહેરાતાં ખેતરોનો કંપ અંગઅંગે ફરક્યો હશે; કોઈ ખરતો તારો કવિને અનંતની કરુણાનો અશ્રુકણ લાગ્યો હશે ને વિશ્વોનાં વિશ્વો કવિની આરપાર પસાર થયાં હશે. ૧૯૨૮માં દિવાળીની રજાઓમાં તેમણે આબુનો પ્રવાસ કર્યો. નખી સરોવર ઉપર શરતપૂર્ણિમાના અનુભવમાંથી તેમણે સુંદર સૉનેટ રચ્યું. તેની છેલ્લી પંક્તિ:

‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’

આમ તેઓ આ સૉનેટથી સત્તર વર્ષની વયે કાવ્યદીક્ષા પામ્યા. આ સૉનેટ આબુથી ઊતરતાં અને ઈડર સુધી પગપાળા આવતાં મનમાં આકારિત થયેલું. ડુંગરોમાં તેઓ ખૂબ ભમ્યા છે ને તેમના મનની કોઢમાં કંઈ ને કંઈ સતત ચાલ્યા કર્યું છે. ઉમાશંકરે પોતાની શબ્દયાત્રા વિશે વાત કરતાં નોંધ્યું છેઃ “ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, — એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય. બીજી બાજુ યત્કિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઇડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.” આમ, આ કવિએ શબ્દધર્મ તો નિભાવ્યો જ છે, સાથે માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોના કેન્દ્ર તરફ ડગ ભરીને માનવધર્મ પણ ઉજાળ્યો છે.

સત્તર વર્ષની વયે ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ સૉનેટથી કાવ્યદીક્ષા પામનાર ઉમાશંકરે માત્ર વીસ વર્ષની વયે ૧૯૩૧માં ‘વિશ્વશાંતિ’ જેવું ખંડકાવ્ય રચ્યું. ને વીસમી સદીના યુગદ્રષ્ટા કવિના આગમનની એંધાણી મળી. માત્ર વીસ વર્ષની વયે આવું ખંડકાવ્ય રચે તે વીસમી સદીનો ‘સર્જક-મનીષી’ બની રહે એમાં શી નવાઈ? દૂરથી આવતા મંગલ શબ્દને તેઓ નીરખી રહે છે. શતાબ્દીઓનો ચિર શાંત ઘુમ્મટો ગજાવતો ચેતનમંત્ર તેઓ પામે છે. નિત્યપ્રવાસપંથે ધપતી ધરાએ જ નહિ, ઉમાશંકરેય પ્રકાશના ધોધ અમોઘ ઝીલ્યા છે ને એમની આંતરખોજની આંતરયાત્રા સતત વિકસતી રહી છે. એમની ગાંધીદીક્ષા આ કાવ્ય થકી પમાય છે, કેટલીક પંક્તિઓ જોઈએ:

‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’

*
‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે;
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’

*
‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!’

૧૯૩૧માં તેઓ કૉંગ્રેસ અધિવેશનમાં બેડી બંદરથી શઢવાળા નાના જહાજમાં કરાંચી ગયેલા એટલે સમુદ્રનો નિકટથી પરિચય થયેલો. “તે સમયની બુલંદ રાષ્ટ્રભાવના, શોષિતો પ્રત્યેની હમદર્દી અને એક પ્રકારની વૈશ્વિક ચેતના — તેનો પ્રગાઢ સંસ્પર્શ સહેજે અનુભવાતો. તેમાંથી ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ ઉદ્ગાર નીકળ્યો” —

‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.’

આ કવિના મુખેથી ૧૯૩૨માં, ખાસ્સો વહેલો, માર્ક્સવાદી ઉદ્ગાર પણ નીકળે છેઃ

‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે!’

‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યોમાં વાસ્તવિકતાનો અભિગમ ઉત્કૃષ્ટ બનતો જણાય છે. પ્રકૃતિ તો આ કવિની રગ રગમાં વહે છે. બદલાયેલી ઇબારતાવળા શિખરિણીમાં ‘બળતાં પાણી’નું શરૂઆતનું ગતિશીલ દૃશ્ય જોઈએ:

‘નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી!’

‘બળતાં પાણી’ ઉપરાંત ‘ગંગોત્રી’માં ‘પીછું’, ‘બીડમાં સાંજવેળા’ અને ‘વડ’ જેવાં સુંદર સૉનેટ મળે છે. બાળપણ ડુંગરોમાં ભમીને પસાર કર્યું હોઈ આ કવિમાં ડુંગરા ન પ્રગટે તો જ નવાઈ —

‘ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.’

‘નિશીથ’ના ઉદ્બોધનકાવ્યમાં વૈદિક સૂર(ટોન)નો લાભ લઈને નર્તકના પદન્યાસ અને અંગહિલ્લોળનું પ્રત્યક્ષીકરણ કરાયું છે. આ સંગ્રહમાંની અનન્ય સૉનેટમાળા ‘આત્માનાં ખંડેર’માં યથાર્થના સ્વીકાર દ્વારા, સમજણ દ્વારા જીવનની સાચી પકડ લાધી છે. થોડાં ઉદાહરણ જોઈએઃ

‘રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો'યે
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!’
*

‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે;
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.’

આ સંગ્રહમાં કરુણપ્રશસ્તિકાવ્ય ‘સદ્ગત મોટાભાઈ’; ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’, ‘લોકલમાં’, ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ જેવાં વિશિષ્ટ છાંદસકાવ્યો તેમજ ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘દૂર શું? નજીક શું?’, ‘માનવીનું હૈયું’, ‘ગાણું અધૂરું’ જેવાં ગીતો; લોકરાસની રીતિનું ગીત ‘સાબરનો ગોઠિયો’, ઘરાકનું ભાન ભૂલી વાંસળી વગાડવામાં લીન થઈ જતો ‘વાંસળી વેચનારો’ આદિ મળે છે.

‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં એમણે નાટ્યકાવ્યો આપ્યાં છે, જેમાં બોલચાલની છટાઓને ભાવમયતાની કક્ષાએ રજૂ કરાઈ છે. આ સંગ્રહોમાંથી ‘કર્ણ-કૃષ્ણ’ તથા ‘મંથરા’ જેવાં નાટ્યકાવ્યો મળે છે. ‘બાલ રાહુલ’માં બુદ્ધ એમના શિષ્ય આનંદને માર્મિક રીતે કહે છેઃ

‘તો સાંભળી લે થઈને સમાહિત
આયુષ્યયાત્રાનું રહસ્ય સંચિતઃ
જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ,
બની રહ્યો તે જ સમાધિયોગ.’

નાટ્ય-કાવ્યની આ ક્ષણને ઉમાશંકરે વિશ્વવાત્સલ્ય-દીક્ષાની ઘડી તરીકે ઓળખાવી છે. ‘આતિથ્ય’ સંગ્રહમાં ‘દયારામનો તંબૂર જોઈને’, ‘આવ્યો છું મંદિરો જોવા —’, ‘મધ્યાહ્ન’ જેવાં છંદોબદ્ધ કાવ્યો ઉપરાંત ‘શ્રાવણ હો’, ‘ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય...’ તથા ‘ગામને કૂવે’ જેવાં ગીતો સાંપડે છે.

‘વસંતવર્ષા’માં ‘પંચમી આવી વસંતની’, ‘થોડો એક તડકો’ જેવાં ગીતો; ‘ગયાં વર્ષો–’, ‘રહ્યાં વર્ષો તેમાં –’ જેવી રચનાઓ, – ઉમાશંકરે નોંધ્યું છે તેમ, અડધે રસ્તે કાઢેલા જીવનના સરવૈયારૂપ સૉનેટરચનાઓ છેઃ

‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
*

‘– બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હુંઃ
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’

ગાંધીજીના મૃત્યુ નિમિત્તે દર્શન રજૂ કરતી ‘રડો ન મુજ મૃત્યુને –’ ‘દર્શન’ જેવી રચનાઓ ઉપરાંત આ સંગ્રહમાં કેટલાંક ચિરંજીવ મુક્તકો પણ મળે છે. જેમ કે —

‘મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.’

‘નિશીથ’માં નાદતત્ત્વના પ્રયોગો હતા તો ‘અભિજ્ઞા’થી મુક્તપદ્યના અને પદ્યમુક્તિના પ્રયોગો શરૂ થાય છે. ઉમાશંકરે નોંધ્યું છેઃ

‘છંદમુક્તિનો અર્થ લયમુક્તિ હરગિજ નથી.’

૧૯૫૬માં રચાયેલી પ્રથમ ‘છિન્નભિન્ન છું’ રચનાએ ગુજરાતી ભાષામાં છંદમુક્તિના પ્રયોગોને મદદ કરી છે. આ કૃતિ માટે કવિએ નોંધ્યું છેઃ “૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો.”

‘શોધ’ કાવ્યના વિશિષ્ય લયકર્મ વિશે કવિએ ‘પ્રતિશબ્દ’માં સૂક્ષ્મ ચર્ચા કરી છે. આ કવિ નાદથી, લયથી ક્યારેય દૂર જતા નથી. ‘શોધ’માંની કેટલીક પંક્તિઓ જોઈએ...

‘ગર્ભમાં રહેલા બાળકની બીડેલી આંખો
માતાના ચહેરામાં ટમકે,
મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે
જોયું છે?

કવિતા, આત્માની માતૃભાષા;
મૌનનો દેહ મૂર્ત, આસવ અસ્તિત્વનો;
સ્વપ્નની ચિર છવિ. ક્યાં છે કવિતા?’

‘છિન્નભિન્ન છું’ તથા ‘શોધ’ બંને રચનાઓને ‘સપ્તપદી’માં સમાવી હોઈ પછીથી ‘અભિજ્ઞા’માંથી કાઢી લીધેલી. આ કવિની ભીતરનો સૂર સમષ્ટિના સૂર સાથે મળતો આવે છે. તેમની વૈશ્વિક સંવેદના સતત ધબકતી રહી છે. આથી જ તો આ કવિમાં ‘વિશ્વ’, ‘બ્રહ્માંડ’-વ્યાપી સંવેદનો તાનપુરાની જેમ બજ્યા કરે છે. આ કવિ તેનાં ત્રણ વામન ડગલાંમાં સમગ્ર વિશ્વને, બ્રહ્માંડને બાથમાં લે છે. આથી જ તો ‘માઈલોના માઈલો મારી અંદર’ જેવાં કાવ્યો પ્રગટે છે.

‘માઈલોના માઈલો મારી અંદર’માં થોડી પંક્તિઓમાં સુંદર લૉંગ શૉટ ઝડપી, પછી ધીરે ધીરે zoom કરીને પછી કન્યાના ઝભલા પરના પતંગિયાને કવિએ કેવું બતાવ્યું છે! —

‘લહેરાતાં
ખેતરોનો કંપ અંગઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઑકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઈ બેઠેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઈ રહે.
માઈલોના માઈલો મારી આરપાર પસાર થયાં કરે.’

‘ધારાવસ્ત્ર’ કાવ્યમાં કવિએ ભવ્ય કલ્પન દ્વારા, પકડી ન શકાય તેવા અધ્યાત્મ-રહસ્યને ઘૂંટ્યું છે. ‘ધારાવસ્ત્ર’ સંગ્રહમાં ‘મૂળિયાં’, ‘એક પંખીને કંઈક—’, ‘ગોકળગાય’, ‘સીમ અને ઘર’, ‘અલ્વિદા દિલ્હી’, ‘ચંદ્રવદન એક...’ જેવાં કાવ્યો મળે છે. અગિયાર બાળકાવ્યો પણ આ સંગ્રહમાં સાંપડે છે. ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, ‘સપ્તપદી’ ઉમાશંકરની કાવ્યગિરિમાળાનું સર્વોત્તમ શિખર છે. ‘સપ્તપદી’ શીર્ષકમાં સાત પદો – કાવ્યો –ની બનેલી ‘સપ્તપદી’ ઉપરાંત, અંતરતમ સ્વરૂપ, પ્રભુ સાથે સાત ડગલાં ચાલવાની અગત્ય અંગે પણ ઇશારો હોવાનું ઉમાશંકરે નોંધ્યું છે. ‘છિન્નભિન્ન છું’નો વિષય છે એક-કેન્દ્ર વ્યક્તિત્વ, ‘શોધ’નો વિષય છે સર્જન-અભિવ્યક્તિ અંગેની શોધ. ‘નવપરિણીત પેલાં’માં પ્રણય દામ્પત્યસ્નેહ એ integrityના ઘડતરમાં કેવું પ્રબળ તત્ત્વ છે તે દર્શાવાયું છે. ‘સ્વપ્નોને સળગવું હોય તો—’માં સામાજિક-જાગતિક સંદર્ભ ગુંથાય છે ને વ્યક્તિને સુગ્રથિત કરવામાં ઉપકારક તત્ત્વોમાંના એક તરીકે દુરિતનોય સ્વીકાર કર્યો છે. ‘પીછો’માં પ્રભુની અનિવાર્યતા પ્રબળપણે સંવેદાય છે. ‘મૃત્ય-ક્ષણ’માં કવિ મૃત્યુ નિમિત્તે મૃત્યુ સાથે અને જીવન સાથેય જાણે હાથ મિલાવે છે. ‘મૃત્યુ-ક્ષણ’ વિશે કવિએ નોંધ્યું છેઃ “જીવન દરમિયાન જ ક્યારેક તો લાધતી અથવા જીવનને અંતે આવતી મૃત્યુ-ક્ષણ એ પ્રેમ અને મૃત્યુની અનુભૂતિની ક્ષણ છે અને એસ્તો એકત્વ અર્પનાર પરમ એક-તત્ત્વના જીવંત સંસ્પર્શની ક્ષણ છે.” ‘પંખીલોક’ કાવ્યને ચંદ્રકાન્ત શેઠે ‘ગુજરાતી સમગ્ર કવિતાનું એક ચિરંજીવ શૃંગ’ કહ્યું છે. ઉમાશંકર ‘સપ્તપદી’ના પ્રવેશકમાં ‘પંખીલોક’ વિશે લખે છેઃ “સમસ્ત કૃતિના સમારોપ તરીકે પંખીલોકનું પ્રતીક કેવી રીતે આવ્યું તે મારે માટે એક સમસ્યા છે, પહેલી રચનામાંની બીજી કંડિકા સાથે એના શક્ય સંબંધ તરફ તો છેક અત્યારે મારું ધ્યાન જાય છે. પણ નાનપણથી અવાજોની દુનિયા સાથે આત્મીયતાનો નાતો રહ્યો છે. કવિ વિશે પણ ખ્યાલ એ રહ્યો છે કે એને ‘હતું હૃદય – હતો એને કાન, હતો અવાજ.’ તો હૃદયને કાન છે. ગમે તેવાં વ્યવહારકાર્યો વચ્ચે કવિનું હૃદય ઊંચેકાન રહે, અને વખતે ક્યારેક પોતીકો અવાજ પામે.”

‘પંખીલોક’ની અંતિમ પંક્તિઓ જોઈએઃ

‘હતા પિતા મારે, હતી માતા.
હા, હતી માતાની ભાષા.
હતું વહાલપ-સ્ફુરેલું, પ્રાણપૂરેલું શરીર.
હતું હૃદય – હતો એને કાન, હતો અવાજ.
મારું કામ? મારું નામ?
સપ્રાણ ક્ષણ, આનંદ-સ્પંદ, – એ કામ મારું
માનવતાની સ્ફૂર્તિલી રફતારમાં મળી ગયું છે.
મારા શબ્દ-આકારો જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય.
નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.

વેઇટ-ઍ-બિટ્!...
છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’

જેમણે ‘વિશ્વશાંતિ’ ને ‘વિશ્વપ્રેમ’નો મંત્ર જગાવ્યો, વિશ્વચેતનાના સંદર્ભમાં પૂર્ણતા તરફની જેમના જીવનની ગતિ રહી છે તેવા વિશ્વમાનવી, સર્જક-મનીષી ઉમાશંકરને શત શત વંદન. — યોગેશ જોષી તા. ૨૮-૮-૨૦૨૧