રા’ ગંગાજળિયો/૨. મા અને દીકરો

From Ekatra Wiki
Revision as of 10:59, 24 December 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨. મા અને દીકરો

આજે જ્યાં લાઠી નામનું નાનું ગોહિલ-નગર છે, તેની નજીક એક ટીંબો છે. એને લોકો ‘હાથીલાનો ટીંબો’ને નામે ઓળખે છે. પુરાતની માનવીઓ—માલધારીઓ અને વટેમાર્ગુઓ—અસૂરી વેળાએ જ્યારે એની વાત કરતા ત્યારે તેઓના અવાજ ભયથી ધ્રૂજી ઊઠતા. એ કહેતા : “ત્યાંની સાસુવહુની વાવમાંથી તો ભાઈ, રીડિયા બોલે કે મારો, મારો! કાપો! કાપો!” પાંચ સૈકા પૂર્વે એ ટીંબા ઉપર એક નગર હતું. પાંચ તો એને ફરતાં તળાવો હતાં. વચ્ચે હતું ‘ગુણિકા તળાવ’. એ તળાવની વચ્ચોવચ એક બેટડું હતું. બેટડા ઉપર રાજમહેલ હતો. એ ગામનું નામ હાથીલા. કોઈ કહે છે કે ‘હઠીલા’. આજે બોલાય છે ‘અરઠીલા’. આ હાથીલા ગામના સીમાડા ઉપર, પાંચસો વર્ષ પૂર્વેના એક સંધ્યાટાણે બે માનવીઓ સંતાઈને બેઠાં હતાં. એક હતી પિસ્તાલીસેક વર્ષની સ્ત્રી ને બીજો હતો પચ્ચીસેક વર્ષનો જુવાન. વર્ણ બંનેનો શ્યામ હતો, આંખો બેઉની લીંબુની ફાડ જેવી હતી. અણસાર એ ચારે આંખોની મળતી આવતી હતી. સોરઠનાં લોકગીતોમાં ગવાય છે, કે

ઓળખ્યો ઓળખ્યો રે માની આખ્યુંની અણસારે,
બાપની બોલાશે વીરને ઓળખ્યો રે.

આવી લોકવિદ્યાનો જાણકાર કોઈપણ અજાણ્યો આદમી, આ બેઉને જોતાંની વાર જ વરતી કાઢત કે એક છે મા ને બીજો છે દીકરો. પણ ત્યારે ત્યાં સીમમાં એ જુવાનને ઓળખવા ઇચ્છતું કોઈ માણસ નહોતું, ને હોત તોયે આથમતા સૂરજનાં ઘૂંટાતાં અંધારાંમાં એ ચાર આંખોના આકાર કોઈ પાંચમી આંખને કળાયા ન હોત. “હવે હાલશું ને, મા?” એ જુવાને કેરડાના થૂંબડા પાછળ લપાઈને બેઠેલી સ્ત્રીને પૂછ્યું. “ઉતાવળો થા મા, ભાઈ. હજી પૂરું અંધારું પથરાઈ જાવા દે.” માએ જવાબ દીધો. કેરડાના થૂંબડામાંથી એક સસલો, આ માનવીના બોલાશ કાને પડતાં જ કાન સંકોડીને ભાગ્યો, ને માએ એ સંચળથી ડરીને કાળું ઓઢણ મોં આડે ખેંચ્યું. “કોઈક આવતું લાગે છે!” “ના રે ના, સાંસો હતો. તમે તો આખે કેડે બીતાં જ આવો છો, મા. ગરના સાવજ સામાં તો તમે હૂંકાટા કરો છો!” “સાવજથી શું બીવાનું છે, બેટા? બીક તો માણસની જ લાગે છે. આબરૂદારનું ઓઢણું ઓઢ્યું છે ને?” “લ્યો હવે ઊઠો, અસૂર થઈ જાશે.” બેઉ જણાંએ હાથીલાના કેડા ઉપર સંભાળથી ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં દીકરાએ વાત શરૂ કરી : “આપણી ઓળખાણ કોઈના માન્યામાં નહીં આવે તો?” “ધીરો બોલ. ટાઢો પહોર છે, ગાઉ ગાઉ માથે બોલ સંભળાય. ન ઓળખે એમ હોય? તારો ચહેરોમોરો ને તારી બોલાશ—એ તો અદલ એનાં જ જોઈ લ્યો. હું થોડું વીસરી શકી છું? હું એક જ દી ને એક રાતની જ ઓળખાણવાળી, તોય તુંને બોલતો સાંભળું છું ત્યારે ભૂલ ખાઈ જાઉં છું. જાણે એ પોતે જ પાછા પધાર્યા. જાણે સોમૈયાજીએ જ એને સજીવન કરી ઘેરે પાછા મોકલ્યા. તો પછી એની સાથે એક જ માના ઉદરમાં આળોટનાર એના સગા મોટાભાઈ કાં નહીં ઓળખી શકે? એને નાનેથી મોટા કરનારી ભોજાઈ નહીં ઓળખે શું?” “હેં મા, સાચું જ કહો છો? હું અદલોઅદલ મારા બાપુ જેવો જ છું?” “વાને તું અમારા બેયના ઉપર થોડો થોડો ઊતર્યો છો. એ ઊજળા હતા, ને હું તો કાળી ભીલડી; તું નીવડ્યો છે શામળિયો. બાકી તો નાકની ચાંચમાંય ફેર ન મળે.” જુવાને પોતાના મોં ઉપર, ગરદન પર ને છાતી ઉપર પંજો ફેરવીને તારાને અજવાળે પોતાની ભુજાઓ તપાસી લીધી. પોતે જાણે પોતાની જ પિછાન લેતો હતો. “તારા જેવી જ મલપતી ને ધીમી ચાલ હતી એની. તું જેમ હાથ હિલોળતો હાલે છે, તેમ જ એ હાથ હિલોળતા. મને તલેતલ યાદ છે. એક જ દીનો સંસાર, તોય જલમોજલમ ન ભૂલી શકાય.” “આટલાં વરસ તમે કેમ હાથીલે ગયાં નહીં, મા!” “મારે જઈને શું કરવું’તું? મારે થોડું રાજવળું માણવું હૂતું! મને તો એણે વચને બાંધી’તી કે સોમૈયોજી જો દીકરો દિયે સમે હાથે, તો ઉઝેરજે. દોંણેશ્વર દાદાની સાખે ને સનમુખે તને ગરની વનરાઈને ખોળે મોટો કર્યો મેં, એ તો એના વચનને કારણે.” “તો મારેય ક્યાં રાજવળું ભોગવવાની ભૂખ છે, મા? ત્યાં હું તીરકામઠે કોની હારે રમીશ? સાવજડાં ત્યાં હશે, હેં મા? આ તો બધી નાગી ભોમકા છે. લીલુડી વનરાઈનું ઓઢણું ઓઢનારી ગર મેલીને આંહીં રહેવું મને કેમ ગમશે?” “તારા મોટાબાપુ ને તારી કાકી તને ભાળીને રાજી થાશે. તું રાજનું બીજ છો. બીજું તો ઠીક, પણ બેટા, ગરમાં સૌ મેણાં મારે છે. તને બાપ વગરનો કહે છે ને મને રખાત કહી વગોવે છે.” રાતનાં કાજળ અનંતધારે વરસી રહ્યાં હતાં. ફાગણ મહિનાની રાત, એટલે હરણ્યું (મૃગશીર્ષ) મધ-આકાશમાં દોડી જતી હતી. રુદ્રનો પારાધી-તારો લીલાં તેજ પાથરતો હતો. એ અજવાળામાં દીકરો માની ગજાદાર આકૃતિ જોતો જતો હતો. ગામ આવી પહોંચ્યું. મસાણનો કાંઠો આવ્યો. એકાદ ચિતાનાં છેલ્લાં લાકડાં અગનની જીભ લસલસાવતાં હતાં. મસાણનાં કૂતરાંએ આ બે માણસોને અસૂરી વેળાએ દેખીને રીડિયા મચાવ્યા. એ રીડિયાએ ગામપાદરનાં કૂતરાંને સાવધાન કર્યાં, અને એના કારમા સાદ ગામની અંદરનાં કૂતરાંએ ઝીલ્યા. ગામ ફરતો કોટ હતો. કોટનો દરવાજો બિડાઈ ગયો હતો. દરવાજા ઉપર ઊભા રહીને જુવાને પોતાને ખભેથી કામઠું ઉતારીને ભાથામાંથી તીર ખેંચી ખેંચી ડાઉ ડાઉ કરતાં કૂતરાને અંધારામાં પણ આંટ્યાં, માર્યાં ને ભગાડ્યાં. “દરવાજા બહાર આ હુળકાટ શું મચી રહ્યો છે?” દરવાણીએ મશાલ લઈને નાની બારી ઉઘાડી. સાઠેક વર્ષનો જઈફ પહેરેગીર, જેવો મશાલ ધરીને આંખ માંડે છે તેવો એણે બારી ઉપર એ જુવાનને જોયો. ઘડીભર નજર તાકી, યાદ કર્યું ને આંખો ફાટી ગઈ. ભડોભડ એણે બારી બીડી દીધી. બીકે થરથરી ઊઠ્યો. હેબતાઈ ગયો. “શું છે? કોણ છે?” સાથીદારોએ પૂછ્યું. “ભૂ…ઉ…ત!” પહેરેગીરના ગળાને છોલતો છોલતો જાણે કે કોઈ છરા જેવો શબ્દ નીકળ્યો. “હેઠ બુઢ્ઢા! હવે મરણને કાંઠે ભૂત દીઠું?” “બોલો મા! ઈ જ… ઈ જ… ઈ જ—” “ઉઘાડો હો… ઓ!” બહારથી અવાજ ઊઠ્યો. “ઈ જ, ઈ જ. ઈ જ અવાજ. ઈ જ! ભૂત!” “કોનો અવાજ? કોનું ભૂત?” સાથીદારોએ એ મૂર્ચ્છા ખાઈને ઢળી પડતા બુઢ્ઢાને ઢંઢોળ્યો. “ઈ જ. મને યાદ છે. હું ચાલીશ વરસનો જૂનો દરવાન. મેં જોયા’તા, આવી જ રાતે ગયા’તા.” “કોણ પણ?” “કુંવર હમીરજી! સોમૈયાજીની સખાતે—ઈ જ, ઈ જ, ઈ પોતે!” બીજા પહેરેગીરો જુવાન હતા. એમને આ ભેદ સમજાયો નહીં. જે છાતીના બળિયા હતા, એમણે નાના બાકોરામાંથી બહાર નજર કરી. જુવાન એની માતાને કહેતો હતો : “માડી, આ તો મને ભૂત ભૂત કરી કૂટી પાડતા લાગે છે.” “અરેરે! રજપૂતો છે, ને એક જુવાન પરદેશીથી ડરે છે?” “કોણ છો તમે?” પહેરેગીરે બાકોરામાંથી પૂછ્યું. “ભાઈ, અમે ભૂત નથી : તમ જેવાં જ માણસું છીએ.” “ક્યાંથી આવો છો?” “ગરમાં દોંણ-ગઢડેથી.” “કેવાં છો?” “ભીલ.” “ભીલાં તો માળાં સાળાં જીવતાં ભૂત જ છે ને! ક્યાં જાવું છે?” “રાતવાસો રે’વું છે, ને સવારે ઠાકોર પાસે નોકરીની અરજ કરવી છે.” તાળામાં ફરી વાર ચાવી ફરી. બારી ઊઘડી. સાદ આવ્યો : “આવો અંદર.” મા ને દીકરો દાખલ થયાં ત્યારે બેય બાજુએથી ખુલ્લી તરવારે દસ-દસ જણ ઊભા દીઠા. જુવાનને હસવું આવ્યું. એને વિમાસણ થઈ, કે મારો બાપ શું આ ડાચાંને લઈને સોમનાથને જુદ્ધે સિધાવ્યો હશે? રજપૂત ચોકીદારોની મશાલો પૂરી શગે જલતી હતી. તેમણે પોતાની તરવારોનાં તોરણ નીચે મોં મલકાવતા જુવાનને જોઈ જરાક શરમ અનુભવી. એની પાસે તો તરવાર પણ નહોતી. એના કમરબંધમાં એક નાનો છરો હતો, ને એને ખભે વાંસનું કામઠું હતું. એની પીઠ ઉપરથી પચાસેક તીરનો ભાથો ડોકિયાં કરતો હતો. પણ સૌથી વધુ રૂડી તો એના બેય કાનની બૂટમાં લળક લળક થતી પિત્તળની કડીઓ હતી. એનાં કાંડાં ઉપર ચપોચપ ભીડેલ અકેક લોઢાનું કડું હતું. એના માથાનાં જુલ્ફાં ઉપર લપેટેલા નાનકા ફાળિયામાં છોગાને સ્થાને મોરપીછાંનું એક ઝૂમખું હતું. પૂરા માપનો આદમી હતો. એની પાછળ જ ઊભેલી એની માનો પહેરવેશ કાળો હતો. એ નીચે જોઈને ઊભી હતી. “ક્યાં રાત રે’શો? કોઈ ઓળખાણ છે ગામમાં?” “ના ભાઈ, પે’લવે’લાં જ આવ્યાં છીએ; કોઈ ધરમશાળા હોય તો પડ્યાં રહીએ.” “ધરમશાળા તો ઠાકોરે બંધ કરાવી છે. આંહીં અમારે પડખે એક ફુરજો છે ત્યાં પડ્યાં રહો.” માને એ ફુરજામાં રાખી આવીને જુવાન તો પહેરેગીરોની જમાતમાં જ આવીને બેઠો. “ઓલ્યા ભૂત-ભૂત કરતા બુઢ્ઢાજી ક્યાં?” એકે પૂછ્યું. “એ તો હજી બેભાન પડેલ છે.” “બુઢ્ઢા, ઊઠો, જુઓ, ભૂત-ફૂત કાંઈ નથી.” પણ એ બુઢ્ઢો તો આખી રાત ‘ઈ જ, ઈ જ, ઈ પંડ્યે જ,’ એવું લવતો રહ્યો. “તાજુબીની વાત થઈ આ તો, ભાઈ! આ અમારા હરભુજી ડાડા આટલી આવરદામાં કોઈ કરતાં કોઈ વાર બીના નથી. તમને દીઠે કેમ બીન્યા એ સમજાતું નથી!” “એણે શું લવારી કરી? કુંવર હમીરજીનું નામ કેમ લીધું?” એક પહેરેગીર કાનમાં કહેવા જેવા અવાજે બોલ્યો. બીજાએ પણ જવાબ દેતાં દેતાં દિલ પર ધાક અનુભવી. “કુંવર હમીરજી આંહીંથી સોમનાથની સખાતે ગયા, તેને તો આજ પચીસ વરસ ગુજરી ગયાં. આજ એને શેણે એ ભણકારા વાગ્યા? ક્યાં કુંવર હમીરજી, ને ક્યાં આ ભીલડાભાઈ!” “નામ છોડોને ભાઈ એ કુંવરનું! નકામી નોકરીઓ ખોઈ બેસશું.” પહેરગીરો વચ્ચે ચાલતી આ બધી વાતોને કાન દેતો, પણ જીભ ન દેતો જુવાન એક બાજુ બેઠો હતો. પોતાના બાપનું નામ લીધે નોકરીઓ જવાની આ શી વાત? મોડી રાતે એ બેઠે બેઠે જ ઝોલે ગયો. દોઢી ચડવાનાં પગથિયાં ઉપર ટેકો લઈ ગયેલું એનું માથું ઝડ ઝડ બળતી મશાલને અજવાળે સ્વચ્છ દેખાતું હતું. એના કાનની કડીઓ મશાલને જોઈ જોઈ ગેલથી ઝૂલતી હતી. પરોઢ થયું. દરવાજા ઊઘડ્યા. દીકરો ને મા બેઉ ગામબહાર તળાવની પાળે ચાલ્યા ગયાં. માએ દીકરાના ધોયેલા મોં ઉપર ઓવારણાં લઈને હાથ જોડ્યા : “સોમૈયા ડાડા! મારા પુતરને માન સથૂકો પાછો મોકલજો. જા બેટા, હું આંહીં છું. તું સારા સમાચાર લઈને મને તેડવા આવજે.” જુવાન પાછો દરવાજે થઈને સોંસરી બજારે ચાલ્યો, ત્યારે સૂર્ય ઊગતો હતો. એનો અર્ધનગ્ન પહેરવેશ એની શ્યામવરણી શોભામાં ઉમેરો કરતો હતો. એના ગઠ્ઠાદાર હાથ અને કાને ઝૂલતી છેલકડીઓ, સામે મળતી પનિહારીઓની આંખો સાથે નટવાનો દોર બાંધતી હતી. ગુણિકા તળાવ ગામની વચ્ચોવચ હતું. રાજમહેલનો બુરજ પ્રભાતને પહોર જાણે તળાવમાં પોતાનું મોં જોઈને પ્રફુલ્લિત બનતો હતો.