એકતારો/એક ડાંગે એક ડચકારે
Revision as of 13:22, 27 January 2022 by KhyatiJoshi (talk | contribs)
એક ડાંગે એક ડચકારે
એક દિ' ઠાકર ભાન ભૂલ્યો
એણે તાણેલ ભેદનો લીટો,
એકને થાપ્યો માનવી ને એણે
એકને કીધલ ઘેટો–એક દિ'. ૧.
માનવીને આવા ભેદ નો ભાવ્યા,
ભૂસી નાખી ભેદ–રેખા;
એક ડાંગે એક ડચકારે એણે
મેઢાં ને માનવી હાંકયાં–એક દિ'. ૨.
ધાનની મૂઠી દેખાડીને દૂરથી
હાંકિયાં ખાટકી–વાડે,
'શિસ્ત' કીધા ભેળાં શીશ ઝૂક્યાં સબ
કાતિલ કાળ–કુવાડે–એક દિ'. ૩.
મેઢાંનાં બાળની મૂઢતા એટલી,
નાખીઆ શેષ બેંકારા :
માનવી ડાહ્યો, ન મોં જ ફાડયું : એના
ખોડાણા ખંભ મિનારા–એક દિ'. ૪.
કોણ મેંઢાં, કોણ માનવી એવી
હોય! નો રે'ત નિશાની :
સમરથ નીકળ્યા, શોધી કાઢી એણે
ખાંભિયું મોટી ને નાની–એક દિ'. પ.