Many-Splendoured Love/કર્તાપરિચય
પ્રીતિ શાહ-સેનગુપ્તા ગુજરાતી છે, અને ઘણાં વર્ષોથી ન્યૂયોર્ક શહેરમાં વસે છે. અનેકવિધ કળા-પ્રકારોમાં રસ કેળવી શકવા બદલ એ આ મહાનગરને યશ આપે છે. ધીરે ધીરે કરતાં લેખન અને વિશ્વ-ભ્રમણ એમની બે મુખ્ય પ્રવૃત્તિઓ બની રહી છે.
જેને માટે એ જાણીતાં થયાં છે તે પ્રવાસ-લેખન પર એમનાં ૨૩ પુસ્તકો થઈ ચૂક્યાં છે. તે સિવાય કાવ્ય, નિબંધ અને વાર્તા-સંગ્રહો, તથા બે નવલકથા, બંગાળીમાંથી ચાર અનુવાદો, તેમજ ભારતભરના પોતે લીધેલા ફોટોગ્રાફનું પુસ્તક જોતાં પચાસ જેટલાં પ્રકાશન થવા જાય છે. લેખન માટે એમને ઘણાં પ્રતિષ્ઠિત પારિતોષિક પ્રાપ્ત થયાં છે, તથા રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય સાહિત્ય-સંગ્રહોમાં એમની કૃતિઓ સ્થાન પામી છે.
વિશ્વના સાતેય મહાખંડ પરના ૧૧૦થી વધારે દેશો ઉપરાંત ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પણ એ ગયાં છે. એ છે તો એકલ પ્રવાસી, છતાં એમનાં સતત સંગી હોય છે આનંદ અને વિસ્મય.
“રંગ રંગનો સ્નેહ” એમનો પ્રથમ ઈ-વાર્તાસંગ્રહ છે.