સ્વાધ્યાયલોક—૧/કવિતાનું શિક્ષણ
આજે અહીં ‘અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’ના યોજકોએ મને આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવાનું આમંત્રણ આપ્યું એ માટે હું એમનો હૃદયથી આભાર માનું છું. ગુજરાતી સાહિત્યના શિક્ષણ અને એ શિક્ષણના અનુસંધાનમાં લેખન-સંચાલન અર્થે જેમણે જીવન અર્પણ કર્યું એવા એક સજ્જનના નામથી આ વ્યાખ્યાનમાળા અંકિત છે એથી હું ગૌરવ અનુભવું છું. એમની નિવૃત્તિને પ્રસંગે એમના મિત્રો અને શુભેચ્છકોએ એમના આ અર્પણ — બલકે સમર્પણ, હા, શિક્ષક થવું અને તે પણ મુંબઈ જેવા એક મહાનગરમાં અનેક વિકલ્પો સુલભ હોય અને એ સૌ વિકલ્પો માટે પોતે સુપાત્ર હોય છતાં એ સૌ વિકલ્પોમાંથી શિક્ષક થવાનો વિકલ્પ સ્વેચ્છાએ સ્વીકારવો અને શિક્ષક થવું અને તે પણ આયુષ્યનાં અધઝાઝેરાં વરસો માટે શિક્ષક થવું એને હું સમર્પણ સમજું છું — તો એમના આ સમર્પણ માટે એમને પ્રેમ અને અન્ય જે કંઈ અર્પણ કર્યું અને એમ એમનું કૃતજ્ઞતાપૂર્વક અભિવાદન કર્યું ત્યારે એમાંથી પ્રેમ એમણે પોતાના હૃદયમાં ધારણ કર્યો અને અન્ય જે કંઈ હતું તે લોકસ્ય તીર્થેષુ સુપરત કર્યું. આ વ્યાખ્યાનમાળા એમના આ સત્કર્મનું સુફળ છે. એમના આ સુન્દર સત્કર્મનું હું અભિવાદન કરું છું અને એમને સ્વસ્થ અને સુખી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા એમને અર્પણ કરું છું. અહીં આ ક્ષણે તમારી સૌની સાથે આવા એક સજ્જન શિક્ષકની સન્મુખ આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવા ઉપસ્થિત થયો છું એથી સવિશેષ આનંદ અનુભવું છું.
‘અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’ના યોજકોએ આ વ્યાખ્યાનમાળાનું નાન્દીકર્મ કરવાનું મને આમંત્રણ આપ્યું અને મેં એનો સ્વીકાર કર્યો પછી મને — સહજ પ્રશ્ન થયો કે યોજકોએ મને શા માટે આમંત્રણ આપ્યું? અને મેં શા માટે એનો સ્વીકાર કર્યો? જે સજ્જન શિક્ષકના નામથી આ વ્યાખ્યાનમાળા અંકિત છે એમનો મને અપ્રત્યક્ષ. પરિચય અલબત્ત, અનલ્પ છે. પણ મને એમનો પ્રત્યક્ષ પરિચય, મારો એમની સાથેનો અંગત, આત્મીય સંબંધ તો અલ્પ જ છે. વળી મારો ગુજરાતી સાહિત્યના શિક્ષક સાથેનો તો અલ્પ સંબંધ પણ નથી. હા, મારો ગુજરાતી સાહિત્ય — બલકે કવિતા સાથેનો અલ્પ અંગત, આત્મીય સંબંધ અવશ્ય છે. વળી અંગ્રેજી સાહિત્યના શિક્ષણનો મને અનલ્પ પ્રત્યક્ષ પરિચય છે. આ આમંત્રણ અને એના સ્વીકારનું આ કારણ હોય. પણ આજના મારા વ્યાખ્યાનનો વિષય નથી ગુજરાતી કવિતા કે નથી અંગ્રેજી સાહિત્યનું શિક્ષણ. છતાં કવિતા અને શિક્ષણ બન્ને સાથે એનો સંબંધ અવશ્ય છે.
આ આમંત્રણનો સ્વીકાર કર્યો પછી મને અનિવાર્ય પ્રશ્ન થયો કે ક્યા વિષય પર વ્યાખ્યાન કરવું? પ્રથમ તો ‘કવિતા અને નગર’, ‘કવિ અને નગર’, ‘કવિની નાગરિકતા’, ‘કવિ — એક નાગરિક’ એવો વિષય સૂઝ્યો. પણ તો તો ‘પ્રવાલદ્વીપ’ના કવિનું વ્યાખ્યાન થાય શિક્ષકનું વ્યાખ્યાન ન થાય. આ સમયમાં હું રામનારાયણ પાઠકના વિવેચનગ્રંથ ‘સાહિત્યાલોક’નું વાચન કરતો હતો. રામનારાયણ પાઠક ગુજરાતના — અને અમદાવાદમાં ૧૯૪૪થી ૧૯૪૬નાં વરસોમાં મારા — એક ઉત્તમ કવિતા-શિક્ષક. એમના આ વિવેચનગ્રંથનું દોઢેક પાનું વાંચ્યું ત્યાં જ એક અન્ય વિષય સૂઝ્યો. વળી જે સજ્જન શિક્ષકના નામથી આ વ્યાખ્યાનમાળા અંકિત છે એમનો પણ એ સતત જીવનભરનો પ્રિય વિષય રહ્યો છે, એ વિષય પર એમણે વારંવાર લેખન-પ્રવચન કર્યું છે એનું સ્મરણ થયું. અને અન્ય જે વિષય સૂઝ્યો એ વિષય પર વ્યાખ્યાન કરવું એવો અંતિમ નિર્ણય કર્યો. એથી હવે તમે સૌ જાણો છો તેમ આજના મારા વ્યખ્યાનનો વિષય છે ‘કવિતાનું શિક્ષણ.’
આ વિષય, હમણાં જ કહ્યું તેમ, રામનારાયણ પાઠકનું જે લખાણ વાંચ્યું ને સૂઝ્યો એ લખાણનું અવતરણ સહેજ લાંબું છે છતાં એમાં આજના મારા વ્યાખ્યાનનું બીજ છે એથી અહીં એ અવતરણ આપવાની લાલચ હું રોકી શકું નહિ તો તમે સૌ મને ક્ષમા કરશો.
‘આખી માનવજાત અત્યારે મહાન સંકટોમાંથી પસાર થતી જણાય છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું છે પણ સાચી તો શું, રાજ્યપ્રકરણી સુલેહ પણ હજી થઈ નથી. અનેક દેશો, અનેક હિતો, અનેક વાદો જાણે કોઈ ભયંકર રીતે એકબીજાં સાથે અટવાઈ ગયાં છે, અને હજી સુધી ક્યાંય તેની ગાંઠ છૂટતી દેખાતી નથી.
આપણો દેશ પણ આમાંથી બાદ નથી... એવે સમયે, કોઈને થાય કે આ સાહિત્યની વાતો શી? આ સાહિત્યના સમારંભ શા? પણ આવા પ્રશ્નો ઊભા કરી, આપણાં ચાલુ કાલપ્રાપ્ત કામો તજી દેવાં કે બંધ કરવા એ વસ્તુસ્થિતિને છે તેથી વધારે ખરાબ કરવા બરાબર છે...
અને સાહિત્યનું સ્થાન જીવનમાં એટલું મહત્ત્વનું છે કે એની ઉપાસનામાં અકાલ આવ્યો છે એમ ક્વચિત્ જ કહી શકાય. સાહિત્ય જેવું. જીવનને શુદ્ધ અને ઉદાત્ત આનંદ આપનાર, જીવનને સમૃદ્ધ કરનાર, સત્યની ઝાંખી કરાવનાર અને માનવની દૃષ્ટિને દૂરગામી ગહન અને વિશાલતર બનાવનાર બીજું કશું નથી...
જગતની શાન્તિ શી રીતે થઈ શકે તેને માટે અનેક તર્કો થાય છે. પણ મારી એવી શ્રદ્ધા છે કે જગતની શાન્તિ માટે જગતના ઉત્તમ સાહિત્ય જેવો બીજો કોઈ ઉપાય નથી. જગતનું કેળવણીખાતું એક થાય અને માનવવ્યવહારના પાયારૂપ વિષયો, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને તે બધા સાથે ઉત્તમ સાહિત્ય એ બધાની એક યોજનાબદ્ધ શિક્ષણપ્રણાલીમાં જગતનાં માનવીનું વિનયન થાય, તો જ જગતની શાન્તિને યોગ્ય વાતાવરણ અસ્તિત્વમાં આવે, અને એના વિનાના કોઈ પ્રયત્નો જગતની શાન્તિ માટે સફળ નહિ થાય એવી મોટી મને સાહિત્ય અને શિક્ષણ ઉપર શ્રદ્ધા છે.
જગતની સર્વ અંધાધૂંધી અને કલહના મૂળમાં, સત્યનું અધૂરું દર્શન, પરસ્પરની અશ્રદ્ધા, પરસ્પરની ગેરસમજૂત અને અધીરાઈ જ રહ્યાં છે, એમ હું માનું છું. અને એ સર્વને મટાડવાનો નહિ તો ઘટાડવાનો ઉપાય જગતનું ઉત્તમ સાહિત્ય છે. અત્યારે ગુજરાત અને હિંદના બીજા પ્રાંતો માટે સ્વતંત્ર વિશ્વવિદ્યાલયોની યોજના વિચારાય છે ત્યારે પણ મારે અંગત રીતે કંઈ કહેવાનું હોય તો આ જ છે કે માત્ર કોઈ પણ એક ભાષાના જ નહિ પણ જગતના ઉત્તમ સાહિત્યને તેમાં સ્થાન મળવું જોઈએ.
લાંબી નિર્બળતા અને દાસત્વમાંથી છૂટવાના વાતાવરણમાં સૌથી પહેલાં બાહ્યશક્તિ ઉત્પન્ન કરનાર વિદ્યાઓ ઉપર વધારે ધ્યાન જાય એ સ્વાભાવિક છે, એ જવું જોઈએ, પણ તે સાથે દૃષ્ટિ વિનાની શક્તિ જગતમાં ઉપદ્રવ કરે છે તેવો બીજું કશું નથી કરતું એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ’
૧૯૪૬માં રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૬મી સંમેલનમાં પ્રમુખસ્થાનેથી રામનારાયણ પાઠકે ‘કાવ્ય અને સત્ય’ શીર્ષકથી જે વ્યાખ્યાન કર્યું હતું એનો આ આરંભ છે. એને ત્યારે ૧૯૪૬માં દુનિયામાં વિશ્વયુદ્ધ અને દેશમાં પરરાજ્યનો સંદર્ભ હતો. આજે એ સંદર્ભ નથી. આજે દુનિયામાં શાંતિ અને દેશમાં સ્વરાજ્ય છે. છતાં આજે પણ સાહિત્ય અને શિક્ષણનું, સાહિત્યના શિક્ષણનું એટલું જ મૂલ્ય છે — બલકે આજના સંદર્ભમાં સવિશેષ મૂલ્ય છે. આજે દુનિયામાં જે શાંતિ અને દેશમાં જે સ્વરાજ્ય છે તે મિથ્યા અને ભ્રામક છે એ આપણા સૌનો અનુભવ છે. વળી ૧૯૪૬થી આજ લગીમાં જગતભરમાં વર્તમાનપત્રો, તાર, ટેલિફોન ટેલિપ્રિન્ટર, રેડિયો, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં સાધનો, સમૂહ-માધ્યમોના યંત્રવિજ્ઞાનનો અને વિજ્ઞાનનો તથા એમાં શબ્દ દ્વારા અને સંજ્ઞાઓ. સંકેતો, આકારો કે આકૃતિઓ દ્વારા જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનનો વધુ ને વધુ ત્વરિત ગતિએ વધુ ને વધુ વિકાસ અને વિસ્તાર થયો છે, થાય છે અને હજુ થશે — બલકે થવો જ જોઈશે. અને માટે જ આ સંદર્ભમાં આજે કવિતાના શિક્ષણનું અને કવિતા દ્વારા — બલકે કવિતામાં જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનનું સવિશેષ મૂલ્ય છે. પાઠકસાહેબે તો ૧૯૪૬માં આગોતરું આહ્વાન આપ્યું જ છે તેમ ‘દૃષ્ટિ વિનાની શક્તિ જગતમાં ઉપદ્રવ કરે છે તેવો બીજું કશું નથી કરતું તે પણ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ.’ આજે આપણને યંત્રવિજ્ઞાન અને વિજ્ઞાનની શક્તિ તથા કવિતાની દૃષ્ટિ બન્નેની એકસાથે એક સમાન આવશ્યકતા છે.
આ સંદર્ભમાં ‘કવિતાનું શિક્ષણ’ એ વિષય પર કંઈક સહચિન્તન અને વિશેષ તો સહચિન્તા કરવાનો આ વ્યાખ્યાનમાં મારો વિનમ્ર પ્રયત્ન છે. ‘કવિતાનું શિક્ષણ’ એ બહુતોમુખી વિષય છે. કવિતાનું શિક્ષણ આપી શકાય કે કેમ? આપવું જોઈએ કે કેમ? કઈ રીતે આપવું જોઈએ? કઈ કાવ્યકૃતિઓ દ્વારા આપવું જોઈએ? શા માટે આપવું જોઈએ? — એવા એવા અનેક પ્રશ્નો એકસાથે આપોઆપ પૂછી શકાય છે. એમાંથી પ્રમુખ પ્રશ્ન છે : કવિતાનું શિક્ષણ શા માટે આપવું જોઈએ? અને એ અહીં આ ક્ષણે મારા વ્યાખ્યાનનો પ્રશ્ન છે. અને એ પ્રશ્નનો મારો ઉત્તર છે : કવિતાનું શિક્ષણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન માટે આપવું જોઈએ. કવિતાનું શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ? અને કઈ કાવ્યકૃતિઓ દ્વારા આપવું જોઈએ? એ પ્રશ્નો કવિતાશિક્ષણની પદ્ધતિ અને કવિતાશિક્ષણ માટેના અભ્યાસક્રમ અંગેના પ્રશ્નો છે. એ પણ કંઈ ગૌણ પ્રશ્નો નથી. પ્રત્યેક પ્રશ્ન એ સ્વતંત્ર વ્યાખ્યાનનો વિષય થાય એવો પ્રશ્ન છે. પણ આ વ્યાખ્યાનને અંતે જો કોઈ મને પ્રશ્નો પૂછે કે કવિતાનું શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ? અને કઈ કાવ્યકૃતિઓ દ્વારા આપવું જોઈએ? તો આરંભમાં જ પ્રતિપ્રશ્નરૂપે મારો ઉત્તર છે કે એનું શિક્ષણ કઈ રીતે આપવું? કઈ વ્યાખ્યાનમાળા દ્વારા આપવું? કવિતાનું શિક્ષણ શા માટે આપવું જોઈએ? એ પ્રશ્નનો એકવાર ઉત્તર આપવામાં આવે તો પછી આ બન્ને પ્રશ્નોનો ઉત્તર એમાં એકસાથે આપોઆપ આવી જાય. કવિતાનું શિક્ષણ શા માટે આપવું જોઈએ? એ પ્રશ્નનો જો આ ઉત્તર આપવામાં આવે કે કવિતાનું શિક્ષણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન માટે આપવું જોઈએ. તો પછી એ ઉત્તરમાં કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન કવિતાનું શિક્ષણ જે રીતે અને જે કાવ્યકૃતિઓ દ્વારા આપવાથી અંતે પ્રાપ્ત થાય એ રીતે અને એ કાવ્યકૃતિઓ દ્વારા કવિતાનું શિક્ષણ આપવું જોઈએ એવો આ બન્ને પ્રશ્નોનો ઉત્તર એમાં એકસાથે આપોઆપ આવી જાય છે.
કવિતાનું શિક્ષણ આપી શકાય? હા. આપી શકાય. કવિતાનું શિક્ષણ આપી શકાય તો શા માટે આપી શકાય? જ્ઞાન માટે. પણ કવિતા જ્ઞાન છે? હા. કવિતા જ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે, વિશિષ્ટ જ્ઞાન છે, સહજ સ્વયંસ્ફુરણાનું જ્ઞાન છે, એકમેવ અદ્વિતીયમ્ જ્ઞાન છે. કવિતામાં જે જ્ઞાન છે તે અન્યત્ર ક્યાંય નથી. પણ કવિતાનું કવિતા રૂપે જ, કવિતા તરીકે જ શિક્ષણ આપવામાં આવે તો જ કવિતા જે જ્ઞાન છે, અથવા કવિતામાં જે જ્ઞાન છે તે પ્રાપ્ત થાય. કવિતાનું શિક્ષણ ભલે આપી શકાય, પણ આપવું જોઈએ? શા માટે આપવું જોઈએ? હા. સવિશેષ આજના યુગમાં. કારણ કે હમણાં જ કહ્યું તેમ, આપણા યુગમાં યંત્રવિજ્ઞાન અને વિજ્ઞાનનો અને એમાં જે જ્ઞાન છે તે જ્ઞાનનો વધુમાં વધુ ત્વરિત ગતિએ વધુ ને વધુ વિકાસ અને વિસ્તાર થયો છે, થાય છે ને હજુ થશે, થવો જ જોઈશે. એના સંદર્ભમાં કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન માટે કવિતાનું શિક્ષણ પણ આપવું જ જોઈશે. યંત્રવિજ્ઞાન અને વિજ્ઞાનના જ્ઞાનરૂપી જે શક્તિ છે તે શક્તિ તથા કવિતાના જ્ઞાનરૂપી જે દૃષ્ટિ છે તે દૃષ્ટિની આજે મનુષ્યજાતિને એના અને એની સંસ્કૃતિના અસ્તિત્વ માટે એકસાથે એકસમાન આવશ્યકતા છે.
છતાં ‘કવિતાનું શિક્ષણ આપી શકાય?’ એ પ્રશ્નનો વારંવાર એવો ઉત્તર પણ આપવામાં આવે છે કે ‘ના, કવિતાનું શિક્ષણ ન આપી શકાય.’ એનાં અનેક કારણોમાં આ મુખ્ય કારણ આપવામાં આવે છે કે ‘કવિતા એ જ્ઞાન નથી.’ અને કવિતા એ જ્ઞાન હોય તો પણ આર્નલ્ડે જેમનું ‘ફિલિસ્ટિન્સ’ એવું નામાભિધાન કર્યું છે એવા ઉપયોગિતાવાદીના ઉત્તરમાં આ મુખ્ય કારણ આપવામાં આવે છે કે ‘કવિતાનો કોઈ ઉપયોગ નથી.’ આ ઉત્તરનો અર્થ એટલો જ કે વિજ્ઞાન અને વાણિજ્યની વિદ્યાશાખાઓ. પ્રશાખાઓમાં વિવિધ વિષયોનું શિક્ષણ અવશ્ય આપી શકાય, વિનયનની વિદ્યાશાખાઓ-પ્રશાખાઓમાં વિવિધ વિષયોનું શિક્ષણ કદાચ આપી શકાય, પણ શિષ્ટભાષાઓમાં અને પરભાષાઓના સાહિત્ય અને કવિતાના અપવાદ સાથે સાહિત્યનું, સ્વભાષાના સાહિત્યનું શિક્ષણ તો ન જ આપી શકાય. અને તેમાં ય કવિતાનું, સ્વભાષાની કવિતાનું શિક્ષણ તો ન જ, ન જ આપી શકાય. એમાં સૌ કારણોનું એક કારણ એ જ કે અન્ય સૌ વિષયો એ જ્ઞાન છે પણ કવિતા એ જ્ઞાન નથી. પ્રાચીન યુગમાં કવિ, પુરોહિત અને પયગંબર એકરૂપ હતાં. એથી કવિ વિશેની એક ધાર્મિક અને પ્રશિષ્ટ માન્યતા હતી કે કવિમાં કોઈ પરમેશ્વરનો કે દેવનો પ્રવેશ થાય છે. પ્રાચીન યુગમાં ભય, જાદુ અને વહેમનું વર્ચસ્ હતું. એથી કવિ વિશેની આ પ્રાકૃત અને બર્બર માન્યતા હતી કે કવિમાં કોઈ પ્રેત કે દાનવનો પ્રવેશ થાય છે. અને એ સૌની પ્રેરણાથી પ્રમત્તાવસ્થામાં, ઉન્માદાવસ્થામાં એ કવિતાનું સર્જન કરે છે. આમ, ત્યારે કવિતામાં દિવ્યતા કે દાનવતાનું, અમાનુષિતાનું આરોપણ થયું હતું. કવિ તો મસ્ત હોય, ધૂની હોય, પાગલ હોય, કવિતા તો મસ્તી છે, ધૂન છે, પ્રલાપ છે એવી કવિ અને કવિતાની મૂર્તિ હતી. કવિ તો કોઈ વાયવ્ય વિશ્વમાં વસે છે, કોઈ અધર લોકમાં વિહરે છે. એથી એની ઈશ્વરદત્ત શક્તિથી અલૌકિક અને લોકોત્તર, નિયતિકૃતનિયમરહિતા અને અનન્યપરતંત્રા એવી પ્રતિભાથી એની કવિતાનું સર્જન કરે છે. પણ કવિ તો મનુષ્ય છે અને કવિતા એ મનુષ્યનું, મનુષ્ય વિશેનું, મનુષ્ય માટેનું સર્જન છે. અર્વાચીન યુગમાં કેટલાક મનોવિજ્ઞાનીઓની માન્યતા હતી કે કવિમાં વિકૃતિ, વિસંવાદ અને મનોરુગ્ણતા હોય છે અને કવિતા એ એનું નિદાન અને એની ચિકિત્સા છે. પણ કવિ તો અન્ય મનુષ્યોથી વધુ સ્વસ્થ છે અને કવિતા એના સ્વાસ્થ્યનું સર્જન છે. અર્વાચીન યુગમાં કેટલાક વિવેચકોની એવી માન્યતા હતી કે કવિતા એ તર્કનું કે બુદ્ધિનું સર્જન નથી. કવિતા એ ઊર્મિનું અને કલ્પનાનું સર્જન છે. એથી એમાં જે વિધાનો હોય એમનું તથ્યાતથ્ય કોઈ બાહ્ય બિનઅંગત આધાર કે પ્રમાણથી સિદ્ધ ન થાય. ૧૯૨૬માં રિચર્ડ્ઝે ‘કવિતા એ કૃતક-વિધાન છે’ એવું વિધાન કર્યું હતું. પણ કવિમાં તો તર્ક અને બુદ્ધિની પરમ અને ચરમ સીમાસમી કલ્પનાશક્તિ છે અને કવિતા એ કવિની આ કલ્પનાશક્તિનું સર્જન છે. પ્રાચીન યુગમાં કેટલાક રસશાસ્ત્રીઓની સહૃદય ભાવક વિશેની એવી માન્યતા હતી કે ભાવક જ્યારે કવિતાનો રસાસ્વાદ કરે છે, રસાનુભવ કરે છે ત્યારે કવિતા સાથે એનો સાક્ષાત્, પ્રત્યક્ષ સંબંધ હોય છે અને ત્યારે એ વિગલિત વેદ્યાન્તર હોય છે અને કવિતા સ્વસંવેદ્ય હોય છે. એથી એમણે માત્ર રસશાસ્ત્ર જ રચ્યું, મલ્લીનાથી રચી. પણ કવિતાનું વ્યવહારુ વિવેચન કે રસદર્શન કર્યું-કરાવ્યું નહિ. પણ આ રસાસ્વાદ, આ રસાનુભવ સ્વયં જ્ઞાન છે. અર્વાચીન યુગમાં કેટલાક કવિઓની કવિતા વિશેની એવી માન્યતા હતી કે કવિતા એ સંપૂર્ણપણે અનવગમનશીલ કળા છે. કવિતામાં સ્થૂલ સંજ્ઞાઓ નહિ, પણ સૂક્ષ્મ સંકેતો, પ્રતીકો હોય છે. એને કારણે કવિતામાં સંકુલ રૂપકો અને વિરોધાભાસો હોય છે. કવિતા એ માત્ર રસ-ધ્વનિ છે. ૧૮૭૭માં વિલિયમ મૉરિસે એક પત્રમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કવિતાના અધ્યાપક તરીકે કવિતાનું શિક્ષણ આપવાની પોતાની અશક્તિ અને અનિચ્છાના અનુમોદનમાં કવિતા એ સંપૂર્ણપણે અનવગમનશીલ કળા — ‘a wholly uncommunicable art’ — છે એ કારણે કવિતાનું શિક્ષણ ન આપી શકાય એવું વિધાન કર્યું હતું. આ સદીમાં રોબર્ટ ફ્રૉસ્ટે પણ કવિતા એ માત્ર રસ-ધ્યનિ છે, એનું અભિધામાં પરિવર્તન કરવાનો પ્રયત્ન ન કરશો — ‘Poetry is implication.’ ‘Dont’t try to turn it into explication.’ — એવું આહવાન કર્યું હતું. જોકે ૧૯૧૬થી તે આયુષ્યના અંત લગી, લગભગ અરધી સદી લગી એમણે અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં કવિતાનું શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ૧૯૩૧માં એમ્હર્સ્ટ યુનિવર્સિટીમાં Education by Poetry’ — કવિતા દ્વારા શિક્ષણ — શીર્ષકથી એક વ્યાખ્યાનમાં એમણે એમના આ કવિતાશિક્ષણના અનુભવ અંગે એકરાર કર્યો હતો, ‘There are two ways of coming close to poetry. One is by writing poetry... there is another way to come close to poetry... and that is in the reading of it, not as linguis-tics, not as history, not as anything but poetry. It is one of the hard things for a teacher to know how close a man has come in reading poetry. How do I know whether a man has come close to Keats in read-ing Keats? It is hard for me to know. I have lived with boys a whole year over some of the poets and I have not felt sure whether they have come near what it was all about.’
કવિતા એક અર્થમાં ભલે સંપૂર્ણપણે અનવગમનશીલ કળા હોય. કવિતાનું સર્જન કરવાનું, કવિ થવાનું શિક્ષણ, અલબત્ત, ન જ આપી શકાય. એ અર્થમાં કવિતા ભલે સંપૂર્ણપણે અનવગમનશીલ કળા હોય. પણ કવિતાનું શિક્ષણ તો આપી શકાય. કવિતામાં દર્શન અને વર્ણન વચ્ચે, દૃષ્ટિ અને સૃષ્ટિ વચ્ચે, વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ વચ્ચે અનિવાર્ય અને અવિચ્છેદ્ય સંબંધ અને સંવાદ છે. વળી કવિતા અંતે અવશ્ય માત્ર રસ-ધ્વનિ છે. એનું અભિધામાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરવાનો હોય જ નહિ. પણ એલિયટે પ્રતિ-આહ્વાન કર્યું છે, ‘રસ-ધ્વનિ કોઈ એક સ્વચ્છ અને સ્પષ્ટ કેન્દ્રની આસપાસનું વલય છે. માત્ર એકલું વલય ન હોય’ — ‘the suggestiveness is the aura around a bright clear centre, that you can’t have the aura alone’ વળી સ્વયં રૉબર્ટ ફ્રૉસ્ટે જ પૂર્વોક્ત વ્યાખ્યાનમાં એવો એકરાર પણ કર્યો છે, ‘'One remark sometimes told me. One remark was their mark for the year; had to be — it was all I got that told me what I wanted to know. And that is enough, if it was the right remark, if it came close enough... The closeness — every thing, depends on the closeness with which you come, and you ought to be marked for the closeness, for nothing else. And that will have to be estimated by chance remark, not by question and answer. It is only by accident that you know some day how near a person has come.’
વળી ‘કવિતાનું શિક્ષણ આપી શકાય?’ એ પ્રશ્નનો વારંવાર એવો ઉત્તર પણ આપવામાં આવે છે કે ‘હા, કવિતાનું શિક્ષણ આપી શકાય, પણ માત્ર અવબોધ માટે જ, સત્ય અને નીતિના અવબોધ માટે જ આપી શકાય.’ અને જ્યારે જ્યારે કવિતાનું શિક્ષણ આવા અવબોધ માટે જ આપવામાં આવે છે ત્યારે ત્યારે કવિતાનું કવિતા તરીકે, કવિતા રૂપે શિક્ષણ આપવામાં આવતું નથી, કવિતાનું કોઈ અન્ય વિષય તરીકે — ચિન્તનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તરીકે શિક્ષણ આપવામાં આવે છે. જ્ઞાન માટે નહિ પણ સત્ય અને નીતિ માટે શિક્ષણ આપવામાં આવે છે. અને વારંવાર માત્ર અવબોધને અનુકૂળ કે અનુરૂપ ન હોય એવી કવિતા પ્રત્યે પ્લેટો, પ્યુરિટનો, ધર્મસંસ્થાઓમાં કે રાજ્યસંસ્થાઓમાં સર્વોચ્ચ સત્તાસ્થાને હોય એવા નીતિના નેતાઓ અને સત્યના સૂત્રધારોનો પ્રતિકાર અને પૂર્વગ્રહ પ્રગટ થાય છે.
ઉપરાંત ‘કવિતાનું શિક્ષણ આપી શકાય?’ એ પ્રશ્નનો વારંવાર એવો ઉત્તર પણ આપવામાં આવે છે કે, ‘હા, કવિતાનું શિક્ષણ આપી શકાય પણ માત્ર આનંદ માટે જ, રસ અને સૌંદર્યના આનંદ માટે જ આપી શકાય’ અને જ્યારે જ્યારે કવિતાનું શિક્ષણ માત્ર આવા આનંદ માટે જ આપવામાં આવે છે ત્યારે ત્યારે કવિતાનું કવિતા તરીકે, કવિતા રૂપે શિક્ષણ આપવામાં આવતું નથી. કવિતાનું કોઈ અન્ય વિષય તરીકે — કાવ્યશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, વ્યાકરણ-છંદ-અલંકારશાસ્ત્ર તરીકે શિક્ષણ આપવામાં આવે છે. જ્ઞાન માટે નહિ પણ રસ અને સૌંદર્ય માટે શિક્ષણ આપવામાં આવે છે. અને વારંવાર માત્ર આનંદને અનુકૂળ કે અનુરૂપ હોય એવી કવિતા પ્રત્યે રસૈક્યવાદીઓ સૌંદર્યવાદીઓ અને કલા-ખાતર-કલાવાદીઓનો પ્રેમ અને પક્ષપાત પ્રગટ થાય છે.
પણ ‘કવિતાનું શિક્ષણ આપી શકાય?’ એ પ્રશ્નનો જ્યારે જ્યારે એવો ઉત્તર આપવામાં આવે છે કે ‘હા, કવિતાનું શિક્ષણ આપી શકાય અને એકસાથે અવબોધ અને આનંદ બન્ને માટે કવિતા રૂપે આપી શકાય.’ ત્યારે ત્યારે કવિતાનું કવિતા તરીકે, કવિતા રૂપે જ શિક્ષણ આપવામાં આવે છે. કવિતાનું અન્ય કોઈ વિષય તરીકે શિક્ષણ આપવામાં આવતું નથી. કવિતાનું જ્ઞાન માટે જ શિક્ષણ આપવામાં આવે છે. પણ કવિતાનું કવિતા તરીકે, કવિતા રૂપે જ, જ્ઞાન માટે જ શિક્ષણ આપવું અશક્ય નહિ તો અઘરું તો છે જ. સાચ્ચે જ કવિતાશિક્ષણ કવિતાસર્જનથી સહેજ જ ઓછું અઘરું છે! અને એથી જ અનેક કવિતાશિક્ષકો કવિતાશિક્ષણને નામે કવિ, કવિનું જીવનચરિત્ર, કવિતાનો ઇતિહાસ, સમકાલીન સમાજનો આર્થિક, સામજિક, રાજકીય, ધાર્મિક ઇતિહાસ, નામઠામતિથિતારીખ સુધ્ધાંનો ઇતિહાસ, અન્વય, શબ્દાર્થ, વ્યાકરણ, ભાષા, છંદ, અલંકાર, શૈલી, પૂર્વાપર સંબંધ, કેન્દ્રવર્તી વિચાર, રસદર્શન વગેરે વગેરેનું માત્ર પરીક્ષાની પ્રશ્નોત્તરી માટે જ શિક્ષણ આપે છે. કવિતાનું કવિતા તરીકે, કવિતા રૂપે જ્ઞાન માટે જ શિક્ષણ આપવામાં આ બધું અલબત્ત, આવશ્યક છે — કદાચ અનિવાર્ય છે. પણ આ બધું તો સાધન છે, સાધ્ય તો છે જ્ઞાન. અને અંતે જો જ્ઞાન જ સિદ્ધ ન થાય એટલે કે શિક્ષણાર્થીનો કવિતા સાથે સબંધ, અંગત અને આત્મીય સંબંધ સિદ્ધ ન થાય અને માત્ર આ બધાં સાથે જ સંબંધ સિદ્ધ થાય તો તો આ બધું તો એકડા વિનાનાં મીંડાં છે એથી એવું કવિતાશિક્ષણ પણ મોટું મીંડું! કવિતાશિક્ષણમાં કવિતાનું કવિતા તરીકે, કવિતા રૂપે નહિ, એકસાથે અવબોધ અને આનંદ બન્ને માટે નહિ, જ્ઞાન માટે નહિ પણ માત્ર અવબોધ માટે જ કે માત્ર આનંદ માટે જ કે માત્ર પરીક્ષાની પ્રશ્નોત્તરી માટે જ શિક્ષણ આપવાનો જે જાણ્યે કે અજાણ્યે દોષ કે દ્રોહ કરે છે એવા કવિતાશિક્ષકના શિક્ષણ અર્થે એલિયટની આ ભેટ છે, ‘We should begin to distinguish the appreciation of poetry from theorizing about it and to know when we are not talking about poetry, but about something suggested by it.’
કવિતાશિક્ષણ એટલે કે પ્રવચન દ્વારા કવિતાશિક્ષણ, જો કવિતા- સર્જનથી સહેજ જ ઓછું અઘરું હોય તો કવિતાના પઠન દ્વારા કવિતાનું શિક્ષણ આપી શકાય. આ સંદર્ભમાં પણ કવિતાશિક્ષકોને એલિયટની આ એક અન્ય ભેટ છે, ‘We learn what poetry is — if we ever learn — by reading it.’ એમાં કવિતાનું શિક્ષણ જો આપી શકાય તો કવિતાના પઠન દ્વારા જ આપી શકાય, કવિતા વિશે પ્રવચન દ્વારા નહિ. એવું સૂચન છે. એટલે કે કવિતાશિક્ષણમાં શિક્ષણાર્થીએ અથવા કવિતા- શિક્ષકે કવિતાનું પઠન કરવું જોઈએ. પણ કવિતાનું પઠન પણ કવિતા- સર્જનની જેમ એક કળા છે, એ પણ એક સર્જન છે, કહો કે કવિતાનું પુનઃસર્જન છે. સાચ્ચે જ કવિતાનું પઠન કવિતાસર્જનથી સહેજ જ ઓછું અઘરું છે, પણ કવિતા વિશેના પ્રવચનથી તો સહેજ વધુ અઘરું છે.
ભિન્ન ભિન્ન સમયે અને સ્થળે ‘કવિતાનું શિક્ષણ શા માટે અને કઈ કવિતા દ્વારા આપવું જોઈએ? એ પ્રશ્નના ભિન્ન ભિન્ન ઉત્તરો આપવામાં આવ્યા છે. પ્રાચીન યુગમાં ભારતમાં વેદ-ઉપનિષદનું શિક્ષણ આપવામાં આવતું હતું. પણ વેદ-ઉપનિષદમાં જે કંઈ કવિતા છે તે આ વ્યાખ્યાનમાં કવિતાનો જે અર્થ છે એ અર્થમાં કવિતા નથી. એ કવિતા વાલ્મીકિ-વ્યાસ-કાલિદાસની કવિતાના અર્થમાં પણ કવિતા નથી. એ ધર્મની અંતર્ગત, એના અવિભાજ્ય અંગરૂપ કવિતા છે. ધર્મકવિતા છે. એ કવિતાનું શિક્ષણ બ્રહ્મજ્ઞાન માટે આપવામાં આવતું હતું. એ શ્રેયાર્થીની સાધના હતી. પછીના યુગમાં શિષ્ટ કવિતાનું સર્જન થયું ત્યારથી તે અર્વાચીન યુગ લગીના સમયમાં એ કવિતાના શિક્ષણ વિશે જાણવાને માટે કોઈ આધાર કે પ્રમાણ નથી. જોકે મમ્મટે ‘કાવ્યપ્રકાશ’ના મંગલાચરણની કારિકામાં કવિભારતીનું ‘આહ્લાદમયી’ અને ‘કાન્તાસમિતતયોપદેશયુજે’ એવું વર્ણન કર્યું છે એમાં કવિતા આનંદ અને અનુબોધ બન્ને માટે છે એવું સૂચન છે. પ્રાચીન યુગમાં ચીનમાં કવિતાની અસંખ્ય પ્રતો રાજ્યના ગ્રંથભંડારમાં અનેક સરકારી દસ્તાવેજોની સાથે સાથે સાચવવામાં આવી હતી. કારણ કે ચીનમાં સદીઓ લગી રાજ્યના સંચાલન માટેના અધિકારીઓ — રાજ્યમંત્રીઓ — mandarins — ની નિયુક્તિ પૂર્વે જે પરીક્ષા લેવામાં આવતી હતી એમાં પ્રશ્નપત્રમાં માત્ર કવિતા વિશેનો પ્રશ્ન જ પરીક્ષાર્થીઓને પૂછવામાં આવતો હતો. એ માટે એમને કવિતા આપવામાં આવતી હતી. આ પરીક્ષાઓમાં કવિતા આપી શકાય એ માટે સમગ્ર કવિતા રાજ્યના ગ્રંથભંડારમાં સૈકાઓ લગી સાચવવામાં આવી હતી. એ કવિતા કૉન્ફ્યુશિયસના સમય લગી સુરક્ષિત રહી હતી. ઈ.પૂ. ૪થી સદીમાં કૉન્ફ્યુશિયસે આ સમગ્ર કવિતામાંથી પોતાની પસંદગીનાં ત્રણસો ને પાંચ કાવ્યોનો એક સંચય — શીહ ચિન્ગ — (Shih Ching) — તૈયાર કર્યો હતો. એ સંચય માત્ર ચીનનો જ નહિ પણ જગતનો એક મહાન કવિતાસંચય છે. એ સંચય આજે જગપ્રસિદ્ધ છે, અને અઢી હજાર વરસ પછી પણ અર્વાચીન યુગના ચીનમાં પણ પ્રજાજીવનમાં આ કવિતા એટલી જ મૂલ્યવાન અને અર્થપૂર્ણ છે.
પ્રાચીન યુગમાં ગ્રીસમાં કવિતાનું શિક્ષણ શા માટે અને કઈ કવિતા દ્વારા આપવામાં આવતું હતું એનું પ્લેટોના ‘સંવાદો’માં સૂચન છે. એમાં ઇઓન નામના એક હ્રાપ્સોદેનું પાત્ર છે. પ્રાચીન યુગમાં ગ્રીસમાં હ્રાપ્સોદે એ ગાયક-અધ્યાપક હતો. હોમરનાં કાવ્યોનું, એમાંના ભવ્યસુન્દર ખંડોનું વિશાળ શ્રોતાવૃન્દ સમક્ષ — ‘સંવાદો’માં કંઈક અતિશયોક્તિ જેવો ઉલ્લેખ છે તે પ્રમાણે તો વીસવીસ હજાર શ્રોતાઓના વૃન્દ સમક્ષ — ગાયન અને એ કાવ્યો વિશે આસ્વાદમૂલક અને અવબોધમૂલક વિવેચન-પ્રવચન એ એનો શિક્ષકધર્મ હતો. ક્યારેક શ્રોતાવૃન્દ સજલ નયને એના ગાયનનું શ્રવણ કરતું હતું. એ અંગ પર મૂલ્યવાન વસ્ત્રો અને શિર પર સુવર્ણનો મુકુટ ધારણ કરીને શ્રોતાવૃન્દ સમક્ષ ઉપસ્થિત થતો હતો. કવિતાશિક્ષણમાંથી એને અસાધારણ ધનપ્રાપ્તિ પણ થતી હતી. પ્લેટોએ સૉક્રેટીસ અને અન્ય ઍથેન્સવાસીઓ વચ્ચેના સંવાદોમાં પોતાની કલ્પનાની આદર્શ નગરીમાં કવિતાનું શિક્ષણ શા માટે અને કઈ કવિતા દ્વારા આપવું જોઇએ એ અંગેનો પોતાનો વિચાર પ્રગટ કર્યો છે. શિક્ષણાર્થી આદર્શ નાગરિક થાય એ માટે અને એ જે કવિતા દ્વારા આદર્શ નાગરિક થાય એ કવિતા દ્વારા કવિતાનું શિક્ષણ આપવું જોઈએ. સ્વયંસ્પષ્ટ છે કે પ્લેટોનો કવિતાવિચાર અને શિક્ષણવિચાર એક રાજકીય વિચાર હતો. વળી તાત્ત્વિક, નૈતિક, સાહિત્યિક અને સામાજિક સંદર્ભમાં અનુકરણ અને મલિનીકરણ દ્વારા હોમર સુધ્ધાં કેટલાક કવિઓ અસત્ય ઓચરે છે અને અનીતિ આચરે છે, એ કવિઓને તો — ભલેને એમાં હોમર જેવા મહાન કવિઓ પણ હોય — ભલેને એમની મહાનતાને માટે નગરની વચ્ચોવચ અંગ પર ચંદન અને શિર પર પુષ્પહાર સાથે એમનું વિધિપૂર્વકનું પૂજનઅર્ચન કરવાનું હોય પણ પછી આદર્શ નગરીમાંથી ચિરવિદાય આપવી જોઈએ એવો અંતિમ શિક્ષા-આદેશ આપ્યો હતો. મધ્યકાલીન યુગમાં અને અર્વાચીન યુગમાં પણ પ્લેટોનો સંપ્રદાય નિર્વંશ થયો નથી. પ્લેટોના વારસ જેવા પ્યુરિટનો આજ લગી અસ્તિત્વમાં છે. એરિસ્ટૉટલે તરત જ એમના ‘પોએટિક્સ’માં પ્લેટોના આ કવિતાવિચાર અને શિક્ષણવિચારમાં જે દોષો અને દૂષણો છે એનું માર્મિક અને રસિક નિદાન અને નિવારણ કર્યું હતું. પણ એમાં પૂજ્ય અને પ્રિય ગુરુજનનું નામસ્મરણ સુધ્ધાં કર્યું નથી. એમાં એરિસ્ટૉટલની સત્યભક્તિ અને ગુરુભક્તિ બન્ને પ્રગટ થાય છે. એમણે એમની ટ્રૅજેડીની પ્રસિદ્ધ વ્યાખ્યામાં અને વિસ્તૃત વિવેચનામાં કવિ એની કવિતામાં ઊર્ધ્વીકરણ અને વિશુદ્ધીકરણ દ્વારા અપૂર્વ સૌંદર્યથી અને અસાધારણ કલાત્મકતાથી સત્ય અને નીતિનું પ્રતિપાદન અને પ્રતિષ્ઠાપન કરે છે એવું સ્પષ્ટ અને સચોટપણે સિદ્ધ કર્યું છે. એરિસ્ટૉટલે ‘પોએટિક્સ’માં પ્લેટોના નિર્વાસિત કવિને આદર્શનગરીમાં પુનરાગમન માટેનું જાણે કે આમંત્રણ આપ્યું છે. પણ પછી એ આદર્શનગરીનો કદી ઉદય થયો ન હતો. ગ્રીક સમાજ અને ગ્રીક સંસ્કૃતિનો અસ્ત થયો હતો. ગ્રીક કવિતા એલેક્ઝાન્ડ્રિઆના વિરાટ ગ્રંથભંડારમાં અનેક સાક્ષરો અને વિદ્વાનોના પરિશ્રમ અને પુરુષાર્થથી સુગ્રથિત અને સુરક્ષિત હતી એટલું જ. પ્લેટોના ‘સંવાદો’માં અને એરિસ્ટૉટલના ‘પોએટિક્સ’માં પ્રાચીન યુગમાં ગ્રીસમાં આનંદ અને અવબોધ બન્ને માટે કવિતાનું શિક્ષણ આપવામાં આવતું હતું એવું સૂચન છે.
પ્રાચીન યુગમાં ઇજિપ્તમાં અને પેલેસ્ટાઇનમાં મહાન કવિતાનું સર્જન થયું હતું પણ કવિતાનું શિક્ષણ આપવામાં આવતું હતું તથા શા માટે અને કઈ કવિતા દ્વારા આપવામાં આવતું હતું એ જાણવાને માટે કોઈ આધાર કે પ્રમાણ નથી.
પ્રાચીન યુગમાં રોમમાં કવિતાનું શિક્ષણ આનંદ અને અવબોધ માટે અને મુખ્યત્વે ગ્રીક ભાષાની શિષ્ટ કવિતા દ્વારા આપવામાં આવતું હતું એવું હોરેસના ‘આર પોએતિકા’માં સૂચન છે. પણ પછી રોમના પ્રસિદ્ધ વક્તાઓના — મુખ્યત્વે સિસેરોના પ્રભાવથી વાગ્મિતાનું શિક્ષણ પ્રચલિત હતું. એથી વાગ્મિતાની જેમ કવિતાનું શિક્ષણ પણ માત્ર અવબોધ માટે જ આપવામાં આવતું હતું. એના અનુસંધાનમાં મધ્યકાલીન યુગમાં સમગ્ર યુરોપમાં પણ — મુખ્યત્વે તો ધર્મનું વર્ચસ્ હતું એ કારણે — કવિતાનું શિક્ષણ માત્ર અવબોધ માટે જ અને મુખ્યત્વે લૅટિન ભાષાની શિષ્ટ કવિતા દ્વારા આપવામાં આવતું હતું. પણ પછી પુનરુત્થાનને કારણે સમગ્ર યુરોપમાં પુનરુત્થાન યુગથી તે અર્વાચીન યુગ લગીના સમયમાં કવિતાનું શિક્ષણ આનંદ અને અવબોધ બન્ને માટે અને ગ્રીક અને લૅટિન બન્ને ભાષાની શિષ્ટ કવિતા દ્વારા આપવામાં આવતું હતું.
સ્વભાષાની કવિતાનું શિક્ષણ એ અર્વાચીન યુગની સરજત અને સિદ્ધિ છે. અલબત્ત, પ્રાચીન યુગમાં ભારતમાં સ્વભાષા સંસ્કૃતની કવિતાનું શિક્ષણ આપવામાં આવતું હતું. પણ પછીથી મધ્યકાલીન યુગથી તે અર્વાચીન યુગ લગી અનેક ભાષાઓ હતી છતાં શિષ્ટ ભાષા સંસ્કૃતની કવિતાનું જ શિક્ષણ આપવામાં આવતું હતું. તેમ જ પ્રાચીન યુગમાં ગ્રીસમાં સ્વભાષા ગ્રીકની કવિતાનું શિક્ષણ આપવામાં આવતું હતું. પણ ગ્રીકભાષી પ્રજાને માટે પૂર્વેની કોઈ ભાષા શિષ્ટ ભાષા જ ન હતી. જેમાં મહાન કવિતા હોય એવી પૂર્વેની કોઈ ભાષા જ ન હતી. અથવા પૂર્વેની જે ભાષાઓ હતી એમાં મહાન કવિતા જ ન હતી. પ્રાચીન યુગમાં રોમમાં ગ્રીક ભાષા એ પૂર્વેની શિષ્ટ ભાષા હતી એથી એ શિષ્ટ ભાષા ગ્રીકની અને સ્વભાષા લૅટિનની કવિતાનું શિક્ષણ આપવામાં આવતું હતું. મધ્યકાલીન યુગમાં યુરોપમાં તથા પુનરુત્થાનકાલીન યુગમાં અને પુનરુત્થાન પછી અર્વાચીન યુગ લગીના સમયમાં યુરોપમાં અનેક ભાષાઓ હતી છતી શિષ્ટ ભાષાઓ ગ્રીક અને લેટિન બન્નેની કવિતાનું શિક્ષણ આપવામાં આવતું હતું. અર્વાચીન યુગમાં મુખ્યત્વે આ સદીમાં જ યુરોપ, ઈંગ્લંડ, અમેરિકા, ભારત અને જગતભરમાં સ્વભાષાની કવિતાનું શિક્ષણ આપવાનો આરંભ થયો છે. ત્યાં લગી તો સ્વભાષાની કવિતાનું નહિ, માત્ર સ્વભાષાનું જ શિક્ષણ આપવામાં આવતું હતું. એથી જોકે એલિયટ જેવા કવિશિક્ષક તો સ્વભાષાનું શિક્ષણ આપવાનું હોય? સ્વભાષાના સાહિત્યનું અને તેમાં ય સ્વભાષાની કવિતાનું તે વળી શિક્ષણ આપવાનું હોય? એવું અલબત્ત, અભિધામાં નહિ પણ વ્યંજનામાં આશ્વર્ય અનુભવે છે. ૧૯૩૨માં ‘Modern Education and the Classics’ નિબંધમાં અને ૧૯૫૩માં વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ‘American literature and the American Language’ વ્યાખ્યાનમાં એવું એમનું સૂચન છે. સ્વભાષાની કવિતા તો શ્વાસોચ્છ્વાસની જેમ સહજસરલઅનાયાસ આપોઆપ સુલભ હોય, એનું ઔપચારિક શિક્ષણ આપવાનું ન હોય એવો જાણે એમનો મનોભાવ ન હોય! તો વળી એફ. આર. લીવિસ ૧૯૬૭માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ‘English Literature in Our Time and University’ ક્લાર્ક લેક્ચર્સમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષાના સાહિત્યનું અને એની કવિતાનું શિક્ષણ આપવા માટે સ્વતંત્ર અને સ્વાયત્ત ‘English School’ હોવી જોઈએ એવો ભારપૂર્વક આગ્રહ પ્રગટ કરે છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તો ત્રણેક સદીથી ‘ચેર ઑફ પોએટ્રી’ અને એ માટે ‘પ્રોફેસર ઑફ પોએટ્રી’ની વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૬૯૬માં આ વ્યવસ્થાનો પ્રથમ વિચાર કરવામાં આવ્યો હતો. પણ યુનિવર્સિટીઓમાં સદાય અને સર્વત્ર થાય છે તેમ બાર વરસ લગી એના ફંડની વ્યવસ્થા વિશે વિવાદ થયો હતો. એથી આ વિચારનો અમલ ૧૭૦૮માં થયો હતો. જૉસેફ ટ્રૅપ એના પ્રથમ અધ્યાપક હતા. ત્યાર પછી આજ લગીમાં જૉસફ સ્પેન્સ. એફ. ટી. પાલગ્રેવ, લૉથ, હર્ડિસ કોનીબીઅર, કૉપલ્સ્ટન, બ્રેડલી, કર, બાવરા આદિ વિદ્વાન વિવેચકો અને મેથ્યુ આર્નલ્ડ, સી. ડે. લુઈસ. ડબ્લ્યુ. એચ. ઑડન, રૉબર્ટ ગ્રેવ્ઝ, એડમંડ બ્લંડન, રૉય ફુલર, જ્હોન વેઈન આદિ કવિઓ સમેત ચાલીસ અધ્યાપકોએ આ પદ શોભાવ્યું છે. યુનિવર્સિટીની સમિતિ કે સત્તામંડળ દ્વારા નહિ પણ અનુસ્નાતક વિદ્યાર્થી- ઓની ચૂંટણી દ્વારા લોકશાહી પદ્ધતિએ આ પદ પર અધ્યાપકની નિયુક્તિ થાય છે. આ નિયુક્તિના સમાચાર ઈંગ્લંડનાં વર્તમાપત્રોમાં પ્રથમ પાને પ્રગટ થાય એટલું ઈંગ્લંડના સમાજમાં આ પદનું ગૌરવ છે. આ નિયુક્તિની પાંચ વરસની સમયાવધિ છે. અધ્યાપકને બે વાર ઉમેદવારી કરવાનો અધિકાર છે. વરસમાં ત્રણ વ્યાખ્યાનો એટલે કે પાંચ વરસમાં કુલ પંદર વ્યાખ્યાનો આપવાનું અધ્યાપકનું ઉત્તરદાયિત્વ હોય છે. આ ખંડસમયનું શિક્ષણકાર્ય હોય છે. અધ્યાપકને અલ્પ વેતન પણ આપવામાં આવે છે. આ સદીના આરંભ લગી અંગ્રેજી ભાષાના સાહિત્યને અભ્યાસક્રમમાં સ્થાન ન હતું. એથી વ્યાખ્યાનો મુખ્યત્વે લૅટિનમાં આપવાનો નિયમ હતો. આ સદીના આરંભથી યુનિવર્સિટીમાં સ્વભાષાની કવિતાનું શિક્ષણ આપવામાં આવે છે એથી વ્યાખ્યાનો હવે મુખ્યત્વે અંગ્રેજીમાં આપવામાં આવે છે. અને હવે અધ્યાપક વ્યાખ્યાનો ઉપરાંત પૂર્વસ્નાતકોની સાહિત્યિક અને અન્ય સંસ્થાઓ તથા સામયિકો માટે અનૌપચારિક સલાહસૂચન, એમાં કાવ્યોનું પ્રકાશન, પઠન, સાયંગોષ્ઠિઓ, વિદ્યાર્થી-કવિઓને માર્ગદર્શન આદિ સ્વૈચ્છિક કાર્ય પણ કરે છે. મોટે ભાગે અધ્યાપક ઑક્સફર્ડમાં વસે છે, પણ કોઈ કોઈ અધ્યાપક ઑક્સફર્ડથી દૂર અને કોઈક અધ્યાપક તો ઈંગ્લંડથી પણ દૂર વસી શકે છે. ઑડન અને ગ્રેવ્ઝ પરદેશમાં વસ્યા હતા. એથી એમણે વરસમાં કેટલાંક અઠવાડિયાં જ ઑક્સફર્ડમાં નિવાસ કર્યો હતો.
અમેરિકામાં આયોવા આદિ કેટલીક યુનિવર્સિટીઓમાં તો હવે કવિતાનું સર્જન કરવાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા છે. ‘Creative Writing Course’ — સર્જનાત્મક સાહિત્યનો કાર્યક્રમ અને ‘Poetry Workshop’ કવિતાનું તાલીમગૃહ હોય છે. આ વ્યાખ્યાનમાં ‘કવિતાનું શિક્ષણ’ શીર્ષકનો કવિતાનો આનંદમૂલક અવબોધને કરવાનું શિક્ષણ એટલો જ અર્થ છે. ચિત્ર, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય આદિ અન્ય સૌ કળાઓના શિક્ષણમાં મુખ્યત્વે એ કળાઓનું સર્જન કરવાનું શિક્ષણ આપવામાં આવે છે. પણ સાહિત્ય-કવિતાની કળાના શિક્ષણમાં સાહિત્ય- કવિતાનું સર્જન કરવાનું શિક્ષણ આપવામાં આવતું નથી. બીજું બધું થવાય પણ કવિ થવાય નહિ. કવિ તો હોય, કવિ થવાય નહિ. હા, મનુષ્ય જો કવિ હોય તો એનાથી કવિ થવાય. કવિતાનું સર્જન કરવાની શક્તિ એ નૈસર્ગિક જન્મજાત શક્તિ છે, એ પ્રતિભા છે. જે મનુષ્યમાં એ શક્તિ, એ પ્રતિભા પ્રથમથી હોય તેનાથી પછીથી કવિ થવાય. એને કવિતાનું સર્જન કરવાનું શિક્ષણ આપવામાં આવે કે ન આવે એ અપ્રસ્તુત છે. એથી મેથ્યુ આર્નલ્ડે એમના પ્રસિદ્ધ સૉનેટમાં શેક્સ્પિયર ‘સ્વયંશિક્ષિત’ હતા એવો ઉલ્લેખ કર્યો છે. લેખનની કળાનું શિક્ષણ આપી શકાય પણ કળાના લેખનનું શિક્ષણ આપી શકાય? કવિતાનું સર્જન કરવાનું શિક્ષણ આપવામાં આવે તો એ શિક્ષણમાં શી શિક્ષણપદ્ધતિ હોય? શો અભ્યાસક્રમ હોય? એમાં શિક્ષણાર્થી સક્રિય હોય અને કવિતાશિક્ષક તો નિષ્ક્રિય જ હોય. તો એમાં કવિતાશિક્ષકનું કર્તૃત્વ અને કર્તવ્ય શું? છતાં કેટલીક યુનિવર્સિટીઓમાં કવિતાસર્જન કરવાનું શિક્ષણ આપવામાં આવે છે. બલવન્તરાય ઠાકોરે ૧૯૨૪માં ‘કવિતાશિક્ષણ’નો નિબંધ — અલબત્ત, ‘કવિ બનાવવાનું નથી કાવ્યાચાર્ય નિશાન’ એવી પતાકા સાથે — પ્રગટ કર્યો હતો. પણ એ શિક્ષણ દ્વારા પોતે કવિતાનું સર્જન કર્યું હોય એવો એકરાર આજ લગીમાં ગુજરાતી ભાષાના એકપણ કવિએ કર્યો નથી.
અમેરિકાની અનેક યુનિવર્સિટીઓમાં ‘પોએટ ઇન રેસિડન્સ’ — ‘સ્થળ પર કવિ‘ની પણ વ્યવસ્થા છે. રૉબર્ટ ફ્રૉસ્ટે ૧૯૧૬થી તે આયુષ્યના અંત લગી, લગભગ અરધી સદી લગી ‘સ્થળ પર કવિ’ તરીકે કાર્ય કર્યું હતું એ પ્રસિદ્ધ છે. આગળ જોયું તેમ એમનો અનુભવ પણ પ્રસિદ્ધ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ૧૯૩૧થી ‘Poetry Room’ — ‘કવિતાખંડ’ની વ્યવસ્થા છે. એમાં ઈંગ્લંડ, અમેરિકા અને અન્ય દેશોના અનેક કવિઓએ અતિથિ તરીકે એમની સ્વરચિત કવિતાનું એમના સ્વમુખે પઠન કર્યું છે. એનું ટેઇપ-રેકૉર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. એમાંથી તેર સદ્ગત કવિઓનાં કેટલાંક પ્રસિદ્ધ કાવ્યોની છ ટેઈપનો સંચય ‘The Poet’s Voice’ — ‘કવિનો અવાજ’ — હાર્વડ યુનિવર્સિટીએ હમણાં જ પ્રગટ કર્યો છે. કવિ જ્યારે એની સ્વરચિત કવિતાનું એના સ્વમુખે પઠન કરે છે ત્યારે કવિતાનું શિક્ષણ આપવામાં એ પઠનનું અમૂલ્ય અર્પણ હોય છે. કારણ કે કવિ જે કવિતાનું પઠન કરે છે તે કવિતાનું એણે જે ક્ષણોમાં સર્જન કર્યું હોય એ ક્ષણોનો તો એ એકમાત્ર સાક્ષી છે. એ ક્ષણોના સ્મરણ સાથે કવિ એ કવિતાનું પઠન કરે છે. એથી એ પઠનમાં, એના આરોહઅવરોહ, સ્વરભાર, વિરામ, સૂર, અવાજ વગેરેમાં એ ક્ષણોનો. એ ક્ષણોમાં કવિતાનું સર્જન કરવાની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનો આછો અણસાર હોય છે. એલિયટે કહ્યું છે, ‘What a recording of a poem by its author can and should preserve is the way the poem sounded to the author when he had finished it.’
પ્રાચીન યુગમાં ગ્રીસમાં નવ ‘મોઈસાઈ’ — કળાની દેવીઓ હતી. એમાં ક્લાયો અને યુરાનિઆ એ અનુક્રમે ઇતિહાસ અને વિજ્ઞાનની દેવીઓ હતી. પ્લેટોએ ‘ફિલસૂફી અને કવિતા વચ્ચે પ્રાચીન કલહ છે’ એવો ઉલ્લેખ કર્યો છે. પ્લેટો માટે પણ આ કલહ પ્રાચીન હતો. પ્લેટોના ‘સંવાદો’માં ફિલસૂફી અને કવિતા વચ્ચે ઉચ્ચાવચતાક્રમ હતો. અને એમાં ફિલસૂફી કવિતાથી ઉચ્ચ છે એવું પ્રતિપાદન કરવાનો ઉપક્રમ હતો. એરિસ્ટૉટલના ‘પોએટિક્સ’માં કવિતા અને ફિલસૂફી સમકક્ષ છે — કદાચને કવિતા ફિલસૂફીથી ઉચ્ચ છે એવું સૂચન કરવાનો પ્રયત્ન હતો. અને કવિતા ઇતિહાસથી તો ઉચ્ચ છે જ એવું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન હતો. ત્યારથી જગતભરમાં કવિતા, ફિલસૂફી અને ઇતિહાસ વચ્ચે તથા પ્રત્યેકના જ્ઞાન વચ્ચે, કાવ્યપુરુષ તત્ત્વપુરુષ અને કાલપુરુષ વચ્ચે તુલના અને ઉચ્ચાવચતાક્રમનો સતત વાદ-વિવાદ અને સંવાદ થાય છે. અર્વાચીન યુગમાં ઇતિહાસને સ્થાને પત્રકારત્વ — વર્તમાનપત્રો, તાર, ટેલિફોન, ટેલિપ્રિન્ટર, રેડિયો, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં સાધનો, સમૂહમાધ્યમો દ્વારા — પત્રકારત્વ અને ફિલસૂફીને સ્થાને વિજ્ઞાન પ્રતિષ્ટિત, સુપ્રતિષ્ટિત છે. આજે આપણા જગતને અને જીવનને પત્રકારત્વ અને વિજ્ઞાન ચોમેરથી વ્યાપી વળ્યું છે. આજે પત્રકારત્વ અને વિજ્ઞાન જગતની અને જીવનની રંગભૂમિ પર છે, રંગભૂમિના કેન્દ્રમાં છે. કવિતા જવનિકામાં છે. ઇતિહાસ અને ફિલસૂફીના શિક્ષણાર્થીઓ તો આજે યુનિવર્સિટીઓની જવનિકામાં પણ નથી.
દિનપ્રતિદિનનું સામાન્ય પત્રકારત્વ નહિ, પણ કેટલુંક ઉત્તમ પત્રકારત્વ હવે કળા અને સર્જકતાની કક્ષાએ સિદ્ધ થયું છે. એ સંદર્ભમાં એ કવિતાનું પ્રતિસ્પર્ધી છે. આજે પત્રકારત્વની કેટલીક મહાન કૃતિઓ પ્રસિદ્ધ છે. કવિતામાં જે ચયન, સંકલન, શૈલીસ્વરૂપ, વસ્તુવિષય, ઘટના, અનુભવ, સર્જકતા સંવેદના, કલ્પના, કસબ, કળા આદિ લક્ષણો છે તે સૌ પત્રકારત્વમાં પણ છે. અલબત્ત, એ એકસમાન, સમકક્ષ નથી, ન જ હોય; પણ એમાં એ સૌ લક્ષણો છે. એથી અંતે આ સંદર્ભમાં કવિતા અને પત્રકારત્વ વચ્ચે સામ્ય છે, પ્રકારનું સામ્ય છે. તો કવિતા અને પત્રકારત્વ વચ્ચે અસામ્ય પણ છે અને તે માત્રાનું અસામ્ય છે. એથી સ્તો એરિસ્ટૉટલે ‘પોએટિક્સ’માં કવિતા ઇતિહાસથી વધુ તાત્ત્વિક અને વધુ ગહન છે; ઇતિહાસમાં વિશેષતા છે, કવિતામાં વૈશ્વિકતા છે; ઇતિહાસમાં જગતમાં ને જીવનમાં જે કંઈ હતું અથવા છે એનું જ અસ્તિત્વ છે; કવિતામાં જગતમાં અને જીવનમાં જે કંઈ હતું અથવા છે એનું અસ્તિત્વ તો છે જ, પણ જે કંઈ હોય જ નહિ પણ હોવું જોઈએ. અથવા જે કંઈ હોય જ નહિ, જેનું હોવું અશક્ય જ હોય એનું પણ અસ્તિત્વ છે એવું વિધાન કર્યું હતું. એમાં પણ આ અસામ્યનું જ સૂચન છે.
કવિતા અને પત્રકારત્વમાં બન્નેમાં ઘટના, સંવેદના અને કલ્પના હોય છે. પણ પત્રકારત્વમાં ઘટનાની માત્રા વિશેષ હોય છે, જ્યારે કવિતામાં સંવેદના અને કલ્પનાની માત્રા વિશેષ, સવિશેષ, અતિવિશેષ હોય છે. એથી જ અંતે કવિતામાં જે જ્ઞાન છે તે પત્રકારત્વમાં જે જ્ઞાન છે એનાથી વિભિન્ન અને વિશેષ છે. કવિમાં પ્રતિભા છે, ઊર્જસ્વિતા — ‘હીપ્સૉસ’ — છે, રમ્ય ઉન્માદ — ‘ફાઇન ફ્રેન્ઝી’ છે’, ગરુડચિત્ત — ‘ઇગલ માઇન્ડ’ — છે, સામૂહિક અજ્ઞાત — ‘કલેક્ટિવ અન્કૉન્શિયસ’ — છે, કશુંક દત્ત — ‘દૉને’ — છે. એથી કવિતામાં સહજ સ્વયંસ્ફુરણાનું જ્ઞાન છે. સંવેદના અને કલ્પનાનું જ્ઞાન છે. લિયરે અંધ ગ્લૉસ્ટરને આર્તસ્વરે કહ્યું. ‘...આ જગતને તું જુએ છે ને!’ ત્યારે ગ્લૉસ્ટરે કહ્યું, ‘હા, સંવેદનાથી જોઉં છું.’ એમાં કવિતાના જ્ઞાનનું રહસ્ય છે. શેક્સ્પિયરે કવિને માટે એ પ્રેમી અને પાગલની જેમ ‘કલ્પના- સભર’ છે, એની કૃતિ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે વિચરે-વિહરે છે, એ વાયવ્ય વસ્તુઓને નામઠામ અર્પણ કરે છે એવું વિધાન કર્યું છે. વર્ડ્ઝવર્થે પણ ‘કવિતાનું જ્ઞાન સંવેદના દ્વારા હૃદયમાં સજીવપણે પ્રવેશી જાય છે’ એવું વિધાન કર્યું છે. કીટ્સે કવિતાનું જ્ઞાન એ ‘કલ્પનાનું જ્ઞાન’ છે અને એ ‘હૃદયના ધબકારમાં પ્રમાણિત થાય છે’ એવું વિધાન કર્યું છે. આર્નલ્ડે વર્ડ્ઝવર્થના અવસાન પછી સ્મરણાંજલિ કાવ્ય રચ્યું એમાં ‘અરે, હવે અમને સંવેદન કોણ કરાવશે?’ એવો પ્રશ્ન વર્ડ્ઝવર્થની કવિતાના સંદર્ભમાં પૂછ્યો હતો.
પત્રકારત્વમાં વધુ ને વધુ ઘટના પ્રગટ થાય, ઓછી ને ઓછી સંવેદના અને કલ્પના પ્રગટ થાય, અથવા સંવેદના અને કલ્પના વિનાની ઘટના પ્રગટ થાય તો તે વિધાયક છે. પણ કવિતામાં વધુ ને વધુ સંવેદના અને કલ્પના પ્રગટ થાય, ઓછી ને ઓછી ઘટના પ્રગટ થાય, અથવા ઘટના વિનાની સંવેદના અને કલ્પના પ્રગટ થાય તો તે વિધાયક છે. કારણ કે કવિતામાં ઘટનાને સંવેદના અને કલ્પના દ્વારા હૃદયમાં ધારણ કરવાની છે. સંવેદના — વિદ્ એટલે જાણવું-પ્રમાણવું. કવિતામાં સંવેદના દ્વારા ઘટના જાણવા-પ્રમાણવાની હોય છે. કલ્પના એટલે કલ્પનશક્તિ, કલ્પનો, પ્રતીકો, પુરાકલ્પનોનું સર્જન કરવાની શક્તિ અને કલ્પનો, પ્રતીકો, પુરાકલ્પનો એટલે વસ્તુઓ વસ્તુઓ વચ્ચે, વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે, વસ્તુઓ અને વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ. કવિતામાં કલ્પના દ્વારા આ સંબંધને જાણવા- પ્રમાણવાનો હોય છે. વળી કવિતામાં સર્જકે અને સહૃદય-ભાવકે આ ઘટનાને અને આ સંબંધને એક વ્યક્તિવિશેષ તરીકે અંગત, આત્મીય રૂપે જાણવા-પ્રમાણવાનાં હોય છે.
એથી જ કવિતામાં ઘટના અને સંબંધ વિશે સંવેદનાનું અને કલ્પનાનું જ્ઞાન છે, વ્યક્તિત્વ, વ્યક્તિમત્તા વ્યક્તિસ્વાતંત્ર્યનું જ્ઞાન છે. એ દ્વારા કવિને અને સહૃદય-ભાવકને આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા પ્રાપ્ત થાય છે. એથી એ જ્યાં હોય ત્યાં સ્વતંત્ર અને સ્વાધીન હોય છે. એથી જ અર્વાચીન યુગમાં પત્રકારત્વનું જ્ઞાન એટલે કે ઘટનાનું જ્ઞાન અને કવિતાનું જ્ઞાન એટલે કે સંવેદનાનું, કલ્પનાનું, સંબંધનું, વ્યક્તિત્વ, વ્યક્તિમત્તા, વ્યક્તિસ્વાતંત્ર્યનું જ્ઞાન — આ બન્ને જ્ઞાન એકસમાન આવશ્યક છે.
અર્વાચીન યુગમાં, આરંભે કહ્યું તેમ, સંદેશાવ્યવહારનાં સાધનો. સમૂહમાધ્યમોના યંત્રવિજ્ઞાનનો અને એ દ્વારા પત્રકારત્વના જ્ઞાનનો વધુ ને વધુ ત્વરિત ગતિથી વધુ ને વધુ વિકાસ અને વિસ્તાર થયો છે, થાય છે અને હજુ થશે — થવો જ જોઈશે — એ વિનાનું જગત અકલ્પ અને અશક્ય છે. ત્યારે જગતભરનાં રાજ્યતંત્રો અને અર્થતંત્રોનાં માહિતી અને પ્રસારણ ખાતાંઓ દ્વારા જે જ્ઞાન પ્રગટ થાય એનું કવિતાના જ્ઞાન દ્વારા નિરીક્ષણ-પરીક્ષણ, વિવેચન-વિશ્લેષણ, અર્થઘટન-મૂલ્યાંકન કરવું જોઈશે. એમ ન થાય તો મનુષ્યના વ્યક્તિત્વ અને વ્યક્તિસ્વાતંત્ર્યનો હ્રાસ અને નાશ થાય, મનુષ્યમાં અટૂલાપણું અને એકાકીપણું પ્રગટ થાય, તો અંતે મનુષ્ય જગત અને જીવન પ્રત્યે ઉદાસીન અને અન્યમનસ્ક થાય અને અંતે એ શૂન્યાવકાશમાં મનુષ્ય તથા એનું જગત અને જીવન કોઈ જલ્લાદને ચરણે જાય, કોઈ જુલમગારને શરણે થાય. જે મનુષ્યમાં માત્ર ઘટનાનું જ જ્ઞાન હોય, તર્ક અને બુદ્ધિનું જ જ્ઞાન હોય, પત્રકારત્વનું જ જ્ઞાન હોય અને સંવેદનાનું, કલ્પનાનું જ્ઞાન ન હોય, સંબંધનું જ્ઞાન ન હોય, કવિતાનું જ્ઞાન ન હોય એટલે કે શક્તિ હોય પણ દૃષ્ટિ ન હોય તો તે મનુષ્ય અંતે અવશ્ય પરતંત્ર અને પરાધીન થાય. એથી જ રામનારાયણ પાઠકે એમના પૂર્વોક્ત વ્યાખ્યાનમાં ૧૯૪૬માં આગોતરું આહ્વાન આપ્યું છે, ‘દૃષ્ટિ વિનાની શક્તિ જગતમાં ઉપદ્રવ કરે છે તેવો બીજું કશું નથી કરતું તે પણ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ.’ અને એથી કવિતાનું શિક્ષણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન માટે આપવું જોઈએ.
અર્વાચીન યુગમાં, આગળ કહ્યું તેમ, ફિલસૂફીને સ્થાને વિજ્ઞાન પ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિત છે. આજે આપણા જગતમાં અને જીવનમાં વિજ્ઞાનનું ભારે અસાધારણ વર્ચસ્ છે. એથી એ વાતાવરણમાં વિજ્ઞાન જ એકમાત્ર જ્ઞાન છે, માત્ર વિજ્ઞાનમાં જ જ્ઞાન છે, જ્ઞાન તો વિજ્ઞાનમાં જ, વિજ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય એવી પ્રચલિત માન્યતા છે. કવિતા જ્ઞાન છે, કવિતામાં જ્ઞાન છે, કવિતામાં કવિતા દ્વારા જ્ઞાનપ્રાપ્તિ થાય એમાં જાણે કે શ્રદ્ધા જ નથી. કવિતામાં કવિતા દ્વારા પ્રેરણા, દર્શન, રહસ્ય પ્રાપ્ત થાય; પણ કવિતામાં કવિતા દ્વારા જ્ઞાન! ઇતિ અબ્રહ્મણ્યમ્!
વિજ્ઞાનમાં જે જ્ઞાન છે તે જાતિમત્વ-અમૂર્ત (abstracion)નું જ્ઞાન છે. વિજ્ઞાન પ્રત્યેક વસ્તુ — મનુષ્ય સુધ્ધાં — વિશે વિચાર તારવે-સારવે છે. એથી એમાં જાતિમત્વનું જ્ઞાન છે. જોકે અદ્યતન વિજ્ઞાન તો બાહ્ય જગત સાથે જેમનો કોઈ સંબંધ (correspondence) નથી એવી માત્ર ‘આદર્શ રચનાઓ’ (models)નું જ સર્જન કરે છે. અને એમનું મૂલ્યાંકન રસૈકવાદી, સૌંદર્યવાદી વિવેચકોના વિવેચનમાં જેમ કલાકૃતિઓનું થાય છે તેમ માત્ર એમનાં ઐક્ય અને સૌંદર્યને આધારે જ થાય એવો આગ્રહ કરે છે.
કવિતામાં જે જ્ઞાન છે તે વ્યક્તિમત્વનું જ્ઞાન છે. કવિતામાં પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ, આંતરબાહ્ય જગત અને જીવન એ-જે-છે-તે તરીકે જ, તે રૂપે જ, યથાતથ રૂપે સ્વરૂપે જ પ્રગટ થાય છે. એથી એમાં વ્યક્તિમત્વનું જ્ઞાન છે. જાતિમત્વ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એ આપણે સમજી-સ્વીકારી શકીએ એ વિચિત્ર નથી. પણ વ્યક્તિમત્વ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એ આપણે ન સમજી-સ્વીકારી શકીએ એ અત્યંત વિચિત્ર છે. એ આપણા વિજ્ઞાનયુગની એક વિકૃતિ અને વિડંબના છે.
મૅથ્યુ આર્નલ્ડે એક પત્રમાં કવિતાની અદ્વિતીય શક્તિનો ઉલ્લેખ કર્યો છે, ‘Power of so dealing with things as to awaken in us a wonderfully full and new and intimate sense of them and of our relation with them.’ — વસ્તુઓને એવી રીતે પ્રગટ કરવાની શક્તિ કે જેથી આપણને એમને વિશેનું અને એમની સાથેના આપણી સંબંધ વિશેનું એક અદ્ભુત પૂર્ણ, અ-પૂર્વ અને આત્મીય જ્ઞાન પ્રાપ્ત થાય.’ — કવિતામાં વસ્તુઓનાં સ્વ-રૂપનું અને એમની સાથેના આપણા સંબંધનું જ્ઞાન છે. આ એકસાથે જ્ઞાત વિશેનું, જ્ઞાત અને જ્ઞાતાના સંબંધ વિશેનું અને એથી જ્ઞાતા વિશેનું જ્ઞાન છે. બૉદલેરે એને માટે એમના પ્રસિદ્ધ સોનેટના શીર્ષક રૂપે માર્મિક એવા બહુવચનમાં એક શબ્દ યોજયો છે : ‘Corre-spondences’ — સંબંધો’ — એટલે કે આંતરજગત અને જીવનમાં જે સંબંધ છે, બાહ્યજગત અને જીવનમાં જે સંબંધ છે અને આંતર તથા બાહ્ય જગત અને જીવન વચ્ચે જે સંબંધ છે તે. અને આ ત્રિવિધ સંબંધોમાં જે સંવાદ છે તે. આ સ્વ-રૂપ અને આ સંબંધ વિશેનું જ્ઞાન એ જ સાચું જ્ઞાન છે. એ જ જ્ઞાન શબ્દનો સર્વશ્રેષ્ઠ અર્થ છે. વિજ્ઞાનનું જ્ઞાન એ પરલક્ષી જ્ઞાન છે, એમાં જ્ઞાતાનું અસ્તિત્વ જ નથી, જ્ઞાતાની અપેક્ષા જ નથી. એથી એમાં જ્ઞાતા પણ સ્વયં જ્ઞેય હોય છે. કવિતાનું જ્ઞાન એ આત્મલક્ષી જ્ઞાન છે, એમાં જ્ઞાતાનું અસ્તિત્વ છે, જ્ઞાતાની અપેક્ષા છે, એથી એમાં જ્ઞાત અને જ્ઞાતાનો સંબંધ છે. વિજ્ઞાનનું જ્ઞાન એ જાતિમત્વનું જ્ઞાન છે, અનુભવનું જ્ઞાન નથી, એથી એમાં વસ્તુ, વ્યક્તિ, આંતર-બાહ્ય જગત અને જીવન વિશેનો અનુભવ નથી.
વિજ્ઞાનના જ્ઞાનમાં અને કવિતાના જ્ઞાનમાં જે ભિન્નતા છે તે આ જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાની ભિન્નતા છે. કવિતાનું જ્ઞાન એ વિજ્ઞાનના જ્ઞાનથી વિભિન્ન અને વિશિષ્ટ છે. કવિતા વસ્તુ, વ્યક્તિ આંતર-બાહ્ય જગત અને જીવનને એ-જે-છે-તે તરીકે, તે રૂપે યથાતથ રૂપે, સ્વરૂપે પ્રગટ કરે છે અન્ય કંઈક તરીકે, અન્ય કંઈક રૂપે નહીં. એથી સ્તો વર્ડ્ઝવર્થે કવિતામાં જે જ્ઞાન છે એનો ‘the breath and finer spirit of all knowledge’ અને ‘the impassioned expression which is in the countenance of all knowledge’ તરીકે ઉલ્લેખ કર્યો છે. અને આ જ્ઞાન એ ‘the first and last of all knowledge’ છે એવું વિધાન કર્યું છે. કૉલરિજે પણ આ જ્ઞાન એ ‘centre and circumference of all knowledge’ છે એવું વિધાન કર્યું છે.
આ જ્ઞાન કવિતા વિના ક્યાં પ્રાપ્ત થાય? વિજ્ઞાનમાં આ જ્ઞાન પ્રાપ્ત થાય નહિ. કવિતામાં જે જ્ઞાન છે તે વિજ્ઞાનમાં કદી પ્રાપ્ત થાય નહિ. અને વસ્તુ શું છે? મનુષ્ય શું છે? — એનું જ્ઞાન પ્રાપ્ત થાય નહિ, વસ્તુ અને મનુષ્યનો અર્થ પ્રાપ્ત થાય નહિ, તો પછી વસ્તુ શા માટે છે? મનુષ્ય શા માટે છે? — એનું જ્ઞાન પ્રાપ્ત થાય જ નહિ, વસ્તુ અને મનુષ્યનું અંતિમ પ્રાપ્ત થાય જ નહિ. અને તો પછી મનુષ્યનું જગત અને જીવન શું છે? — એનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય જ નહિ. ઝ્યુસની શક્તિ હેલેન રૂપે લીડામાં હતી પણ ઝ્યુસનું જ્ઞાન લીડામાં હતું? એટલે કે લીડામાં શક્તિરૂપી જ્ઞાન હતું પણ લીડામાં જ્ઞાનરૂપી દૃષ્ટિ હતી? મનુષ્યમાં વિજ્ઞાનના જ્ઞાનરૂપી શક્તિ હોય પણ કવિતાના જ્ઞાનરૂપી દૃષ્ટિ ન હોય તો? તો મહતીવિનષ્ટિ! તો એકાંગી માનવ, તંત્રમાનવ સમૂહમાનવ યંત્રમાનવ અસ્તિત્વમાં આવી શકે. તો મનુષ્યનું અમાનુષીકરણ અમાનવીયકરણ શક્ય થાય. તો વસ્તુ અને મનુષ્યનું અંતિમ ભાગ્યનિર્માણ શાંતિ નહિ, યુદ્ધ હોય, સર્જન નહિ, સર્વનાશ હોય! એથી જ અર્વાચીન યુગમાં વિજ્ઞાનનું જ્ઞાન અને કવિતાનું જ્ઞાન — આ બન્ને જ્ઞાન એકસાથે એકસમાન આવશ્યક છે. કવિતાનું જ્ઞાન વિજ્ઞાનના જ્ઞાનના વિકલ્પ રૂપે આવશ્યક છે. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે કે ‘Whatev-er can be known can be known by means of science.’ વિજ્ઞાનમાં જે જ્ઞાન છે, વિજ્ઞાનનું જે જ્ઞાન છે તે જ માત્ર જ્ઞાન. છે, અન્યત્ર અને અન્યથા કોઈ જ્ઞાન જ નથી — આ એક ભયાનક ભ્રમ છે, ભયંકર ભ્રાંતિ છે. એના વિકલ્પ રૂપે મહાન વિકલ્પ રૂપે કવિતાનું જ્ઞાન આવશ્યક છે. અને તો પછી કવિતાનો સંદેશ કે ઉપદેશ, કવિતાનું ચિન્તન કે દર્શન એ મહાન વિકલ્પ નથી. કારણ કે એ તો જાતિમત્વનું જ જ્ઞાન થાય અને તો તો એ તુચ્છ જાન છે, એમાં વિજ્ઞાનના જ્ઞાનની ભવ્યતા નહિ હોય. કવિતાનું વિવેચન — કોઈપણ વાદનું વિવેચન એ પણ મહાન વિકલ્પ નથી. કારણ કે કોઈપણ વિવેચન એ અંતે તો જાતિમત્વ જ છે. કવિતાનું કવિતા તરીકે, કવિતા રૂપે શિક્ષણ આપવું એ જ એકમાત્ર મહાન વિકલ્પ છે. અને તો જ કવિતાનું જે જ્ઞાન છે તે જ્ઞાન શિક્ષણાર્થીને પ્રાપ્ત થાય.
પ્રત્યેક કાવ્ય એ કલાકૃતિ છે. એ કલા-આકૃતિ છે અને કલાકૃતિ છે. એમાં આકૃતિ અને કૃતિનું સહઅસ્તિત્વ છે. એમાં અન્યની અપેક્ષાએ જ પ્રત્યેકનું અસ્તિત્વ છે. એમાં આકૃતિ વિના કૃતિ અશક્ય છે અને કૃતિ વિના આકૃતિ અશક્ય છે. કાવ્ય એ કોઈ નિર્જીવ આકૃતિ નથી, કારણ કે એ જીવંત કૃતિ પણ છે. એટલે કે કાવ્ય એ એક કર્મ છે. પાઉન્ડે કહ્યું છે કે કવિતામાં ‘idea in image’ હોય છે. આપણે વિશેષમાં કહીએ કે કવિતામાં ‘image in action’ હોય છે. કવિતામાં રૂપક, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન હોય છે. એ દ્વારા કવિતા સક્રિય છે. એને કારણે કવિતા એ એક કર્મ છે. એ દ્વારા કવિતાનો વસ્તુ સાથે, મનુષ્ય સાથે, આંતરબાહ્ય જગત અને જીવન સાથે, જીવનના અનુભવ સાથે સંબંધ છે; જીવંત, સક્રિય સંબંધ છે. એક કલા-આકૃતિ તરીકે આ સંબંધને કારણે એ કવિતા છે, એ કલા-કૃતિ છે.
કવિતાશિક્ષકનું એક નેત્ર કલા-આકૃતિ પર હોય એટલે કે કાવ્ય પર હોય અને બીજું નેત્ર કલા-કૃતિ પર હોય એટલે કે જીવન પર હોય. તો જ એ કવિતાનું કવિતા તરીકે, કવિતારૂપે શિક્ષણ આપી શકે. અને તો જ કવિતાનું જે જ્ઞાન છે તે જ્ઞાન શિક્ષણાર્થીને પ્રાપ્ત થાય. એટલે કે શિક્ષણાર્થીનો કવિ સાથે નહિ, કવિતાના અર્થ સાથે કે કવિતાના વિવેચન સાથે નહિ, પણ કલા-આકૃતિમાં અને કલા-કૃતિમાં જે કવિતા છે એટલે કે એમાં જે જીવન છે, જે વિશ્વ છે, જે મનુષ્ય છે એની સાથે સંબંધ થાય. કવિતા એ કલાકૃતિ છે, મનુષ્યની. મનુષ્ય વિશેની, મનુષ્ય માટેની કલા-કૃતિ છે. અન્યત્ર, જ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓમાં, વિજ્ઞાન અને વાણિજ્યમાં — અરે, વિનયન સુધ્ધાંમાં મનુષ્ય અને વિશ્વ મનુષ્ય અને વિશ્વ તરીકે, મનુષ્ય અને વિશ્વ રૂપે નહિ પણ અન્ય કંઈક તરીકે, અન્ય કંઈક રૂપે પ્રગટ થાય છે. એક કવિતામાં જ એ માત્ર મનુષ્ય અને વિશ્વ તરીકે, મનુષ્ય અને વિશ્વ રૂપે પ્રગટ થાય છે. મનુષ્ય અને વિશ્વ એવા ગહનગંભીર છે, એટલા ચિત્રવિચિત્ર છે કે મનુષ્યને માટે એમના પરમ અને ચરમ જ્ઞાનની પ્રાપ્તિ અશક્ય છે. તો પછી માત્ર ઇતિહાસ કે પત્રકારત્વ, માત્ર ફિલસૂફી કે વિજ્ઞાન, માત્ર કવિતા કે અન્ય કળાથી એની પ્રાપ્તિ અશક્ય છે. કવિતાનું જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે માટે નહિ, ઇતિહાસ કે પત્રકારત્વમાં, ફિલસૂફી કે વિજ્ઞાનમાં જે જ્ઞાન છે એથી કવિતાનું જ્ઞાન કંઈક વિશેષ છે માટે પણ નહિ, પણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન અન્યત્ર નથી, એ વિશિષ્ટ જ્ઞાન છે માટે કવિતાનું શિક્ષણ એ જ્ઞાન માટે આપવું જોઈએ. આર્નલ્ડે કહ્યું છે, ‘Without poetry our science will appear incomplete.’ અખંડ વસ્તુ, અખંડ મનુષ્ય, અખંડ જગત, અખંડ જીવન વિશેનું અખંડ જ્ઞાન — એમાં કવિતાનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું પણ અર્પણ હશે જ. એથી આ યુગમાં કે કોઈપણ યુગમાં કવિતાનું શિક્ષણ કવિતામાં જે જ્ઞાન છે તે જ્ઞાન માટે આપવું જ જોઈએ. કવિતાશિક્ષણ માટે ક્ષમાયાચના? કદી નહિ!
આયર્લેન્ડમાં કાઉન્ટી સ્લાઈગોમાં બેન બુલ્બનની છાયામાં ડ્રમક્લિફના કબ્રસ્તાનમાં યેટ્સની કબર પર આ ત્રણ પંક્તિઓનું અંકન કરવામાં આવ્યું છે. આ ત્રણ પંક્તિઓ એમની સમગ્ર કવિતાનું ભરતવાક્ય પણ છે :
Cast a cold eye
On life, on death.
Horseman, pass by!
એમાં જાણે કે કવિતાનું જ્ઞાન છે, કવિતાનું વરદાન છે. કે જીવનમાં દુઃખ છે, મૃત્યુ છે, દુઃખ અને મૃત્યુ માટે જ જાણે કે જન્મ છે. પણ મૃત્યુ પૂર્વે જીવન પણ છે. જીવન પછી જ મૃત્યુ છે. મૃત્યુનો ધીરતાથી કે વીરતાથી અસ્વીકાર, તિરસ્કાર કે પ્રતિકાર ન હોય, એ તો આત્મદયા છે, એ તો આત્મશ્લાઘા છે. મૃત્યુનો સ્થિરતાથી સ્વીકાર હોય. એ જ જીવનનું કરુણ દર્શન છે. હે જીવનયાત્રી! સમદૃષ્ટિથી, કરુણાદૃષ્ટિથી, ભક્તિપૂર્ણ દૃષ્ટિથી અહીં જીવનને અને મૃત્યુને બન્નેને એ-જે-છે-તે તરીકે, તે રૂપે યથાતથ રૂપે સ્વરૂપે જોઈ-જાણીને એ જ્ઞાન સાથે, હે જીવનવીર, હવે અહીંથી તું તારા કુરુક્ષેત્રમાં, ધર્મક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં પાછો ચાલ્યો જા. કવિતાના આ જ્ઞાન સાથે, કવિતાના આ ભરતવાક્ય સાથે આ વ્યાખ્યાનમાળાના નાન્દીકર્મ પછી આપણી પણ હવે અહીંથી વિદાય હજો!
(શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ, મુંબઈના ઉપક્રમે ‘શ્રી અમૃતલાલ યાજ્ઞિક વ્યાખ્યાનમાળા’માં પ્રથમ વ્યાખ્યાન. ૯ ફેબ્રુઆરી ૧૯૮૦.)